Home » મંદિરોમાં ઘૂસીને નિર્દોષ કારસેવકો પર ગોળીઓ ચલાવાઈ હતી!

મંદિરોમાં ઘૂસીને નિર્દોષ કારસેવકો પર ગોળીઓ ચલાવાઈ હતી!

by Jaywant Pandya

સબ હેડિંગ: વી. પી. સિંહે બંને પક્ષકારો સાથે વાતચીત શરૂ કરી હતી. લેખક હેમંત શર્મા પ્રમાણે, વી. પી. અયોધ્યાના સમાધાનની નજીક પહોંચી ગયા હતા, પરંતુ મુલાયમે સંતોની ધરપકડ કરી તેમાં અવરોધ ઊભો કર્યો. તેમને ચંદ્રશેખરનો ટેકો હતો. તો ચંદ્રશેખર જ્યારે સમાધાનની નજીક પહોંચી ગયા ત્યારે રાજીવ ગાંધીએ ટેકો પાછો ખેંચી લીધો!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૮/૧૨/૧૯)

(ગતાંકથી ચાલુ)

હેમંત શર્માના કહેવા પ્રમાણે, તે દિવસે તેમણે પોતાની આંખે ત્રીસ લાશો સડકો પર જોઈ હતી. કારસેવા સમિતિ મુજબ ૪૦ કારસેવકો માર્યા ગયા હતા. ૬૦ કારસેવકો છાતી પર કે પીઠ પર લાગેલી ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ હતા! ૨ નવેમ્બરે તે દિવસે આ જલિયાવાલાં કાંડ જેવા ગોળીબાર કાંડથી દુઃખ અને વિષાદ હવામાં રેલાઈ ગયો હતો. તે દિવસે કોઈ પણ મંદિરમાં ભગવાનને ભોગ ન લગાવાયો!

સૌજન્ય: tfipost.com

દુઃખની વાત એ હતી કે પોલીસે અંધાધૂંધ ગોળીઓ તે વખતે ચલાવેલી જ્યારે કારસેવકો રસ્તા પર સત્યાગ્રહ પર બેસી રામધૂન બોલાવી રહ્યા હતા. કારસેવકોને જ્યારે ખદેડવાનો પ્રયાસ કરાયો તો તેઓ રસ્તા પર જ અડિંગો જમાવી બેસી ગયા. તે ટુકડીનું નેતૃત્વ ઉમા ભારતી અને અમદાવાદના અનેક વાર સાંસદ રહી ચૂકેલા હરીન પાઠક કરી રહ્યાં હતાં. હેમંત શર્મા ‘અયોધ્યા કે ચશ્મદીદ’માં લખે છે કે ભીડ જામતી જતી હતી તે જોઈને આઈ. જી. ઝૉન, જી. એલ. શર્માએ પોલીસ અધિકારીઓને કહ્યું કે લખનઉ (એટલે કે મુલાયમસિંહ) તરફથી સ્પષ્ટ નિર્દેશ છે કે ભીડ કોઈ પણ કિંમતે રસ્તા પર નહીં બેસે. આઈ. જી.ના નિર્દેશ પર સુરક્ષા દળોએ આંસુ ગેસ અને લાઠીચાર્જ કરીને કારસેવકોને ભગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કારસેવકોને આવા મારની ક્યાં અસર થવાની હતી? તેમના મનમાં અને હોઠ પર તો માત્ર હતું શ્રી રામનું નામ! પોલીસના આવા અમાનુષી અત્યાચારથી પણ ભીડ જરા પણ ઉત્તેજિત ન થઈ કે ઉશ્કેરાઈ નહીં. તે જ વખતે અર્ધસૈનિક દળોએ ચેતવણી વગર ગોળીબાર શરૂ કરી દીધો અને ગલીઓમાં-રસ્તાઓ પર દોડાવી દોડાવીને કારસેવકોને નિશાન બનાવીને ગોળીઓ દાગવામાં આવી. કોઈ ગોળી પગ પર ન મારવામાં આવી. બધી માથા અને છાતીને તાકીને મારવામાં આવી. ઔરંગઝેબ જેવા અત્યાચારીઓને પણ સારા કહેવડાવે તેવા આ ઘટનાક્રમમાં કારસેવકોને ઘાયલોને ઉઠાવવાની અનુમતિ ન આપવામાં આવી. પોલીસ પોતે જ ઘાયલોને ઉઠાવી રહી હતી. પત્રકારોએ પણ પોલીસની મદદ કરવા ઈચ્છી તો તેમને પણ ભગાવી દેવામાં આવ્યા. પોલીસ અને અર્ધ સૈનિક દળો મૃતકોની લાશ ઉઠાવી તો રહી હતી પણ કઈ રીતે? એક ગુણીમાં ત્રણત્રણ લાશ ખોસવામાં આવી રહી હતી!

આ ગોળીબાર કોઈ લેખિત આદેશ વગર થયો હતો. ગોળીબાર પછી સી. આર. પી. એફ. એ લેખિત આદેશ લેવડાવ્યો. ગોળીકાંડ પોલીસ તરફથી આઈ. જી. ઝૉન જી. એલ. શર્મા, એસ. એસ. પી. સુભાષ જોશી, તો સી. આર. પી. એફ. તરફથી ઉપ નિરીક્ષક ઉસ્માન, ૫૮મી બટાલિયનના કમાન્ડર ભુલ્લર અને તરમેન્દ્ર સિંહના નેતૃત્વમાં થયો.

હનુમાનગઢી, કોતવાલી સામે, તુલસી ચોક પર ગોળીબારો થયા. સમગ્ર તુલસી ચોક લોહીથી લથપથ થઈ ગયો હતો. આ અંધાધૂંધ ગોળીબારમાં પોલીસે મંદિરો અને અખાડાના મહત્ત્વ અને પવિત્રતાને પણ ધ્યાનમાં ન લીધાં. મંદિરોમાં ઘૂસી ઘૂસીને કારસેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી. રામનંદી દિગંબર અખાડામાં ઘૂસીને સાધુઓ પર અનેક રાઉન્ડ ગોળીઓ ચાલી.

આટઆટલા અત્યાચાર અને મોતના જોખમ વચ્ચે પણ એ શ્રી રામની ભક્તિ અને શ્રી રામમંદિર તે જ જગ્યાએ બનાવવાના દૃઢ સંકલ્પની જ અસર હતી કે કારસેવકો અને સાધુઓ પર તેની કોઈ ખાસ અસર નહોતી. રાજસ્થાનના શ્રી ગંગાનગરનો એક કારસેવક ગોળી વાગતા જ જમીન પર પડી ગયો પરંતુ પ્રાણ છોડતા પહેલાં તેણે પોતાના લોહીથી રસ્તા પર લખ્યું સીતારામ! પરંતુ તે વખતની સેક્યુલર સરકારો (કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની)ના નશા હેઠળ સી. આર. પી. એફ.ની ટુકડીએ તેની ખોપડી પર સાત ગોળીઓ મારી. આ સાંભળેલી વાત નથી. હેમંત શર્મા લખે છે કે આ આખા ગોળીકાંડને પ્રત્યક્ષ પોતાની સગી આંખે તેમણે જોયો હતો!

ગોળીબાર કાંડ પહેલાંની રાત્રે પણ ઓછો અત્યાચાર નહોતો થયો. સરયૂ પૂલને પાર આમરણ ઉપવાસ કરી રહેલા સાધુઓને સુરક્ષા દળોએ લાઠીઓ મારી મારીને બસોમાં ભરી ક્યાંય દૂર છોડી દીધા. તેમના યજ્ઞકુંડ તોડી નખાયા. ‘ઓઉમ્’ લખેલી પતાકાઓ ઉખાડીને ફેંકી દેવામાં આવી.

તમે વિચાર કરજો, શીખોના પવિત્ર સુવર્ણ મંદિરમાં તો ત્રાસવાદી અને ખાલિસ્તાન સમર્થક ભીંદરાનવાલે છુપાયેલો હતો. તેથી સેના ઘૂસી હતી. તેના પગલે વડા પ્રધાનની હત્યા થઈ ગઈ. પરંતુ હિન્દુઓનાં મંદિરોમાં પોલીસે ઘૂસીને નિર્દોષ કારસેવકોને ગોળીઓ મારી તો પણ આ દેશમાં ક્યાંય તેના પડઘા પડ્યા? અને તો પણ આજે હિન્દુ ત્રાસવાદી, હિન્દુ અસહિષ્ણુ આવો નેરેટિવ બનાવવાનો પ્રયાસ જોરશોરથી ચાલી રહ્યો છે.

જોકે આ ગોળીબારના નિર્ણયથી ‘મુલ્લા’ મુલાયમને કોઈ દુઃખ નહોતું. ૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ પ્રકાશિત એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે “દેશની એકતા અને અખંડિતતા માટે જો વધુ લોકોને મારવા પડ્યા હોત તો પણ સુરક્ષા દળોએ તેમ કર્યું હોત.”

આ ગોળીબાર કાંડ પછી બે વર્ષમાં મુલાયમસિંહે સમાજવાદી પક્ષ રચ્યો. અત્યાર સુધી માત્ર કૉંગ્રેસ જ (બનાવટી) સેક્યુલરિઝમની તસબીહ જપતી હતી, પરંતુ હવે મુલાયમસિંહ, લાલુપ્રસાદ યાદવ, નીતીશકુમાર, ચંદ્રાબાબુ નાયડુ, રામવિલાસ પાસવાન, દેવેગોવડા, શરદ પવાર, કરુણાનીધિ જેવા અનેક પ્રાદેશિક નેતાઓ તેમના પ્રાદેશિક પક્ષો દ્વારા આ તસબીહને ઝૂંટવી લેવાના હતા. બનાવટી સેક્યુલરિઝમ (જેને હવે આપણે સેક્યુલરિઝમ તરીકે જ ઓળખીએ છીએ) કૉંગ્રેસનો રકાસ શરૂ થઈ ગયો હતો અને બનાવટી સેક્યુલરિઝમના પણ અંતનો એ આરંભ હતો.

કારસેવકો પર ગોળીબાર પછી શ્રી રામ કારસેવા સમિતિના ઉપાધ્યક્ષ નૃત્યગોપાલદાસજીએ કહ્યું કે નિઃશસ્ત્ર કારસેવકો પર ગોળીઓ ચલાવીને પ્રશાસને જલિયાવાલાં બાગ કરતા પણ જઘન્ય હત્યાકાંડ કર્યો છે.

સૌજન્ય: ટ્વિટર

આ ગોળીકાંડમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં? બજરંગ દળના પદાધિકારી વિનય કટિયાર મુજબ, ૪૦ કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં, એક સમાચાર પત્રના પ્રતિનિધિએ ૪૫નો આંકડો આપ્યો. ઉત્તર પ્રદેશના પ્રમુખ હિન્દી દૈનિક ‘આજ’ના સંવાદદાતાએ મૃતકોની સંખ્યા ૪૦૦ કહી. ‘જાગરણ’ દૈનિકના સંવાદદાતાએ સોની સંખ્યા કહી. તે પછી દેશમાં થયેલાં રમખાણોમાં ગુજરાતમાં ૨૪, બિહારમાં ૧૩, કર્ણાટકમાં ચાર, મેરઠમાં ૧૨ એમ પચાસથી પણ વધુનાં મૃત્યુ થયાં. જોકે આ હત્યાકાંડ પછી કેન્દ્રમાં વી. પી. સિંહ સરકાર ગઈ હતી અને ડિસેમ્બરમાં ચંદ્રશેખર સરકારે સંસદમાં મૃતકોની સંખ્યા માત્ર ૧૫ જ ગણાવી હતી! તેમણે પડકાર ફેંક્યો હતો કે આ પંદર સિવાય બીજું કોઈ નામ હોય તો તે આપે અને વિહિપના કાર્યકારી અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયા અને સંયુક્ત મહા મંત્રી આચાર્ય ગિરીરાજ કિશોરે જાહેરમાં યાદી જાહેર કરી પડકાર ઝીલ્યો હતો. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે આ તો હજુ પહેલી જ યાદી છે!

આ કારસેવાના પડઘા કેવા પડ્યા? રાજકીય અસરો શું થઈ? ૧૯૯૧ની ચૂંટણીમાં મુલાયમસિંહનો ઘોર પરાજય થયો અને ભાજપ પહેલી વાર પોતાના એકલાના જોરે ૨૨૧ બેઠકો સાથે સત્તામાં આવી. તેના નેતા હતા કલ્યાણસિંહ. તે આવનારા સમયમાં રાજકીય ક્ષેત્રે સૌથી મોટા શ્રી રામભક્ત પુરવાર થવાના હતા. ૨૪ ઑક્ટોબર ૨૦૧૯ સુધી પોતાને હિન્દુવાદી ગણાવતી શિવસેનાને તે વખતે કેટલી બેઠક મળી હતી? માત્ર એક!

ગોળીબાર કાંડ પછી ૪ એપ્રિલ ૧૯૯૧ના રોજ દિલ્લીના બૉટ હાઉસ ખાતે હુતાત્મા કારસેવકોના શોકસભા રાખવામાં આવી હતી. તેમાં હકડેઠઠ ભીડ ઉમટી પડી હતી. કારસેવકોના અસ્થિ કળશ લઈને સમગ્ર દેશની યાત્રા કરવાનો કાર્યક્રમ ઘડી કઢાયો હતો. તે વખતે આ કારસેવાની વી.એચ.એસ. એટલે કે વિડિયો કેસેટ તૈયાર કરાઈ હતી, તે રા.સ્વ.સંઘનાં કાર્યાલયોમાં ઉપલબ્ધ રહેતી, પણ ચોરીછૂપીથી તે જોવાતી. ભાવનગરના ડાયમંડ ચોકમાં ‘ડૉન ન્યૂઝ પેપર’ નામની છાપાની એજન્સી પાસે જોકે જાહેરમાં આ કેસેટ ટીવી પર જોવાનો કાર્યક્રમ રખાયો હતો, અને આ જઘન્ય બર્બર હત્યાકાંડની કેસેટ તરુણાવસ્થામાં આ લેખકે પણ જોઈ હતી!

રાજકારણના રંગ પણ કેવા હોય છે! અયોધ્યા મુદ્દે અનેકવાર એવું કહેવાય છે કે તેના સમાધાનના આરે હોડી પહોંચી ગઈ હતી પરંતુ તોફાને ફરી હોડીની દિશા બદલી નાખી. હેમંત શર્મા લખે છે કે તત્કાલીન વડા પ્રધાન વી. પી. સિંહ અને મુલાયમસિંહ બંને તેમના મિત્રો હતા. બંને જનતા દળમાં હતા અને બંને કૉંગ્રેસ વિરોધી વાતાવરણનો લાભ લઈ જીત્યા હતા. તેમાં વી. પી. સિંહનો રાજીવ ગાંધીના કથિત બૉફોર્સ કૌભાંડનો વિરોધ અને તેમની પ્રામાણિકતા મુખ્ય જવાબદાર હતી. પરંતુ મુલાયમ હેમંત શર્મા સાથે વાતચીતમાં કહેતા કે વી. પી. તેમની સરકારના પતનના રસ્તા શોધતા રહેતા હતા. સાધુસંતોને તેમના વિરુદ્ધ ભડકાવતા રહેતા હતા. વિશ્વનાથ પ્રતાપસિંહે પણ અયોધ્યા મુદ્દે બંને પક્ષકારો સાથે વાતચીત શરૂ કરી હતી પરંતુ મુલાયમ તેમાં અવરોધ ઊભો કરતા હતા. વી. પી.એ હેમંત શર્માને કહ્યા પ્રમાણે, એક વાર તેઓ વાતચીત દ્વારા સમજૂતીની એકદમ નજીક પહોંચી ગયા હતા. તે જ વખતે જે સંતો સાથે વી. પી. વાતચીત કરી રહ્યા હતા તે જ સંતોની મુલાયમે ધરપકડ કરાવી લીધી! તે વખતે ચંદ્રશેખરનો હાથ મુલાયમની પીઠ પર હતો.

પરંતુ ચંદ્રશેખર જ્યારે જનતા દળને તોડીને કૉંગ્રેસ (આઈ)ના ટેકાથી સત્તામાં આવ્યા ત્યારે આ તોફાની વિદ્યાર્થી ડાહ્યાડમરા બની ગયા. (અત્યારે નરેન્દ્ર મોદી સરકારમાં અયોધ્યા જેવું આંદોલન થઈ શકે ખરું? એના જેવી આ વાત છે.) તેમણે અયોધ્યા મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણસિંહ જે પોતે પણ પત્રકાર રહી ચૂક્યા છે, તેમણે ‘ચંદ્રશેખર – લાસ્ટ આઇકૉન ઑફ આઇડિયોલૉજિકલ પૉલિટિક્સ’માં લખ્યું છે કે ૧૯૯૦માં ચંદ્રશેખરે તે સમયના શક્તિશાળી મુખ્ય પ્રધાનો (કેન્દ્ર જ્યારે નબળું પડે ત્યારે મુખ્ય પ્રધાનોની સહાયતા લઈને જ કામ ચલાવવું પડે છે.) મુલાયમસિંહ યાદવ, શરદ પવાર અને ભૈરવસિંહ શેખાવતની સાથે વિહિપ અને મુસ્લિમ નેતાઓ સાથે તેમણે વાટાઘાટો શરૂ કરી હતી.

લોકનાયક જયપ્રકાશ (જે.પી.) નારાયણના નિકટના સહયોગી પત્રકાર રામબહાદુર રાય મુજબ, તે વખતે ચંદ્રશેખર વટહુકમ લાવીને રામમંદિર વિવાદ ઉકેલવાના આરે હતી. આ સમાચાર મળતાં રાજીવ ગાંધી અને કૉંગ્રેસમાં ભૂકંપ આવી ગયો. સ્વાભાવિક છે કે જો ૧૬મી સદીથી ચાલી આવતા આ વિવાદનો અંત આવી જાય તો ચંદ્રશેખરનું કદ વધી જાય.

શરદ પવાર જે હમણાં હમણાં નવા ચાણક્યની ઉપાધિ પામી ગયા છે, તેમણે પોતાની આત્મકથા ‘ઑન માય ટર્મ્સ: ફ્રૉમ ગ્રાસરૂટ ટૂ ધ કૉરિડૉર ઑફ પાવર’ (નામ જ કેવું વિરોધાભાસી છે, જેમણે સત્તા માટે સિદ્ધાંતોની સાડા બારી ન રાખી હોય તેમની આત્મકથાનું નામ છે -મારી શરતે!)માં લખ્યું છે કે તે વખતે તેમની દીકરી સુપ્રિયા સુલેનાં લગ્ન હતાં. આ લગ્નમાં હાજરી આપવા ચંદ્રશેખરે રાજીવ ગાંધી સમક્ષ એક જ વિમાનમાં જવા પ્રસ્તાવ મૂક્યો હતો, પહેલાં તો રાજીવ ગાંધીએ હા પાડી પણ પછી ઈનકાર કરી દીધો હતો. આ પ્રસ્તાવના બે દિવસ પછી જ રાજીવ ગાંધીએ પોતાની જાસૂસીના આરોપસર ચંદ્રશેખરને ટેકો પાછો ખેંચી લઈ આ દેશના માથે એક વધુ ચૂંટણી માત્ર બે જ વર્ષના સમયગાળામાં થોપી દીધી હતી! કારણ એટલું જ કે અયોધ્યા મુદ્દાના વિવાદ ઉકેલવાનો શ્રેય ચંદ્રશેખરને ન મળી જાય!

કહેવાય છે કે ચંદ્રશેખરે મુસ્લિમોને મનાવી લીધા હતા કે તેમને તેમને બીજી જમીન મળી જાય તો તેઓ રામમંદિર એ જ જગ્યાએ બનાવવા દેશે. સાથે એવો કાયદો પણ બનશે કે કાશી અને મથુરામાં આવી માગણી નહીં ઊઠે. પરંતુ ચંદ્રશેખરે વાતચીત માટે જે સમિતિ બનાવી હતી તે સમિતિમાં શરદ પવાર હતા જેઓ અયોધ્યા મુદ્દે વાટાઘાટમાં થઈ રહેલી રજેરજ પ્રગતિથી રાજીવ ગાંધીને માહિતગાર કરતા રહેતા હતા. આથી જ્યારે રાજીવ ગાંધીને ખબર પડી કે હવે આ વિવાદનો ઉકેલ આવવાનો જ છે ત્યારે તેમણે પોતાની જાસૂસીનું બહાનું કાઢી ટેકો પાછો ખેંચી લીધો. ચંદ્રશેખરે કોઈ જોડતોડની રાજનીતિ કર્યા વગર પદ પરથી રાજીનામું આપી દીધું. બાદમાં શરદ પવાર મારફતે ચંદ્રશેખરને મનાવવા રાજીવ ગાંધીએ પ્રયાસ કર્યો પણ ચંદ્રશેખરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, “જાવ અને રાજીવજીને કહી દો કે ચંદ્રશેખર એક દિવસમાં ત્રણ વાર પોતાનો નિર્ણય બદલતા નથી!”

ચંદ્રશેખર મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ વડા પ્રધાન હતા જેમણે ‘સાર્ક’ની માલદિવ્સમાં યોજાયેલી બેઠકમાં હિન્દીમાં પ્રવચન આપ્યું હતું. તેઓ જમીન સાથે જોડાયેલા માણસ હતા. ચંદ્રશેખર વખતે જે પ્રશ્ન શાંતિથી હલ થઈ જવાનો હતો તે તેમની સરકારની વિદાય સાથે ન થયો અને ૨૮ વર્ષ માટે લટકી ગયો! કોને આ વિવાદ લટકતો રહે તેમાં રસ હતો તે હવે સ્પષ્ટ છે!

(ક્રમશ:)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like