Home » ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

by Jaywant Pandya

વિપક્ષમાં હોવું અને સત્તામાં આવવું એ અલગ વાત છે એ આજે ભાજપ કરતાં બીજા કોને વધારે સમજાતું હશે? ખેડૂતોના મુદ્દે અનેક આંદોલનોમાં સાથ આપનાર ભાજપ આજે સત્તામાં છે ત્યારે તેની સામે બીજા બધાં આંદોલનો અને ઝુંબેશો કરતાં ખેડૂતોની ઝુંબેશ બહુ અકળાવનારી અને મત સાથે જોડાયેલા ચૂંટણી ભવિષ્યને ધૂંધળી કરનારી પણ છે. અત્યાર સુધીમાં ભાજપ સામે અખલાક (કેન્દ્રમાં ભાજપ- ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સપ સરકાર) અને કર્ણાટક-મહારાષ્ટ્રમાં રેશનાલિસ્ટોના (યુપીએ શાસન દરમિયાન) થયેલા મૃત્યુના મુદ્દે અસહિષ્ણુતાના રાગ આલાપીને એવોર્ડ વાપસીની ઝુંબેશ થઈ જે નિષ્ફળ રહી. ત્યાર બાદ વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની નિષ્ફળ ઝુંબેશો થઈ.

એફટીઆઈઆઈના અધ્યક્ષ તરીકે યુધિષ્ઠિરની ભૂમિકામાં પ્રશંસા મેળવી ચૂકેલા અભિનેતા ગજેન્દ્ર ચૌહાણનો વિરોધ થયો, તે પણ નિષ્ફળ રહ્યો. ગુજરાતમાંથી અનામત વિરોધી આંદોલન પણ શરૂ થયું, પરંતુ તેનો નેતા જ નબળો પાક્યો. બેફામ નિવેદનો કરવામાં ભરાઈ પડ્યો અને ખાસ્સો સમય જેલ ભેગો રહ્યો. ગુજરાતમાંથી જ ઊના કાંડ સર્જાયો ત્યારે દલિત નેતા તરીકે જિજ્ઞેશ મેવાણી બહાર આવ્યો પરંતુ ગુજરાત અને ભાજપ રાજ્યો સિવાયના રાજ્યો મુદ્દે તેનું મૌન તેના ડાબેરી રાજકીય ઝુકાવની ચાડી ફૂંકી ગયું. આ બધામાં ભાજપને કોઈ વાંધો ન આવ્યો. પરંતુ પહેલી વાર એવું લાગી રહ્યું છે કે ખેડૂત આંદોલન મુદ્દે ભાજપ ભરાઈ પડ્યો છે. આનું કારણ બીજું કોઈ નથી પણ ભાજપ પોતે જ છે!

આશ્ચર્ય થયું? પણ વાત સાચી છે. કોઈ પણ નેતા માટે ચૂંટણીઓ જીતતા રહેવું જરૂરી હોય છે એ વાત નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ સારી રીતે જાણતું હોય? કેમ કે કેશુભાઈ પટેલના મુખ્યપ્રધાન કાળમાં (૧૯૯૮થી ૨૦૦૧) સાબરમતી વિધાનસભા અને સાબરકાંઠા લોકસભાની પેટા ચૂંટણી હારવાના કારણે તેમને મુખ્યપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. મોદી વડા પ્રધાન બન્યા પછી વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં શિવસેના વગર સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને જીતાડી લાવ્યા, સિક્કિમમાં ભાજપ સમર્થિત પક્ષની સરકાર બનાવી, આંધ્રપ્રદેશમાં ભાજપના સાથીદાર ટીડીપીની સરકાર બની, હરિયાણામાં પણ ભાજપની સરકાર બની, જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે કમને સમાધાન કરીને મિશ્ર સરકાર બનાવી, ઝારખંડમાં એકલા હાથે ભાજપની સરકાર બનાવી, પરંતુ વર્ષ ૨૦૧૫માં દિલ્લી અને બિહારમાં ભૂંડો પરાજય થયો. વર્ષ ૨૦૧૬માં આસામમાં એકલા હાથે જીત મેળવી, કેરળ, પ.બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં સારો દેખાવ પણ કર્યો, પરંતુ એ ઊડીને આંખે એટલા માટે ન વળગ્યો કારણકે સત્તા ન મળી. આથી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં સત્તા મેળવવી અતિ અનિવાર્ય હતી.

રાજ્યસભામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી. એટલે કૉંગ્રેસની સરકાર હોય ત્યારે ભાજપ સહિતના વિપક્ષો અડચણ ઊભી કરે અને ભાજપ સત્તામાં આવ્યો તો એને પણ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો. વળી, ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ આવવાની હતી. ખરડાઓ પસાર કરવા માટે તેમજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા રાજ્યસભામાં સંખ્યાબળ વધારવું જરૂરી હતું. આ ઉપરાંત નરેન્દ્ર મોદી વારાણસીમાંથી સાંસદ બન્યા હોવાથી ઉત્તર પ્રદેશ એ નરેન્દ્ર મોદીનું રાજ્ય ગણાય. આ બધા સંજોગોમાં યેનકેન પ્રકારેણ ઉત્તર પ્રદેશમાં સત્તા મેળવવી જરૂરી બની ગઈ હતી. એટલે તેમાં મોકળા મને વચનો અપાયાં જેમાંનું એક હતું ખેડૂતોને ઋણમાંથી માફી.

પરંતુ ભાજપે કદાચ વિચાર્યું નહીં હોય કે જો આ પગલું ઉત્તર પ્રદેશમાં ભરવામાં આવશે તો તેના પડઘા બીજે ક્યાંય નહીં પરંતુ તેનાં જ શાસિત રાજ્યોમાં પડશે. સ્વાભાવિક છે કે બીજાં બધાં મુદ્દે આંદોલનો અને વિરોધને હવા દેવામાં પાછા પડેલા કૉંગ્રેસ સહિતના વિપક્ષો પણ આ મુદ્દાને હાથમાંથી જવા ન દે, ખાસ કરીને જ્યારે કૉંગ્રેસ સહિતના વિપક્ષોના પણ અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ ગયો હોય. શિવસેના મહારાષ્ટ્રમાં મોટો ભા હોય તે નાનો ભા થઈ જાય, રોજે રોજ બખાળા કાઢે તોય તેની અવગણના થાય, (શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પણ પિતા જેવા વિચક્ષણ નથી અને પરિસ્થિતિ સમજતા નથી કે વાજપેયી સરકાર વખતે ૧૩થી વધુ પક્ષોની મિશ્ર સરકાર હતી તેથી બધા પક્ષોને ભાવ આપવો પડતો, આ વખતે તેવી ગરજ નથી, આમ છતાં હિન્દુવાદી પક્ષ હોવાના કારણે ભાજપે શિવસેનાને સાવ વહેતો મૂકી નથી દીધો પરંતુ ત્રાગાની પણ કોઈ મર્યાદા હોય. ખાસ કરીને જ્યારે તમે એવી સ્થિતિમાં ન હો ત્યારે ત્રાગું ન કરાય. અગાઉ તે મોટા ભાની સ્થિતિમાં હતો ત્યારે ઠીક છે. શિવસેનાએ પણ પ્રતિભા પાટીલ વખતે ભાજપને છેહ દીધો જ હતો.) કૉંગ્રેસનાં બે મુખ્ય નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયેલાં હોય. રોબર્ટ વાડ્રાના સાથીઓનાં ઠેકાણાં પર દરોડા પડતા હોય. આવા સંજોગોમાં શિવસેના કે કૉંગ્રેસ પાસે તેઓ ખેડૂતોના આંદોલનો નહીં કરાવે કે તેને હવા નહીં આપે તેવી અપેક્ષા રાખવી મૂર્ખતા ગણાય.

આવું જ થયું. મહારાષ્ટ્રમાં શિવસેનાએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો તો મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના નેતાઓ-ધારાસભ્યો જિતુ પટવારી અને શકુંતલા ખટિકે આંદોલનને હિંસક બનાવવામાં કોઈ કચાશ બાકી રાખી નહીં. જે લોકોની ધરપકડ થઈ છે તેમાંના ઘણા કૉંગ્રેસ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આંદોલન લાંબું ન ચાલ્યું અને હિંસક પણ ન બન્યું. દેવેન્દ્ર ફડણવીસ જલદી માની ગયા અને ઋણ માફ કરી દીધું પરંતુ મધ્ય પ્રદેશમાં હિંસક વધુ બન્યું. તેનું કારણ પોલીસ ગોળીબારમાં પાંચ જણા માર્યા ગયા તે છે. ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ના અહેવાલ પ્રમાણે આ પાંચ જણાની પોતાની જમીન નહોતી કે ખેતી નહોતી. તેમાંનો એક તો અગિયારમા ધોરણનો વિદ્યાર્થી હતો જેને જીવવિજ્ઞાન પસંદ હતું તો બીજો ૨૩ વર્ષનો બેરોજગાર યુવાન હતો જે બે મહિના પહેલાં જ પરણ્યો હતો અને સેનામાં જોડાવા ઈચ્છતો હતો. ત્રીજો ત્રીસ વર્ષીય યુવાન દાડિયો હતો. બાકીના બે ૨૨ વર્ષીય અને ૪૪ વર્ષીય હતા જેમનાં પોતાનાં ખેતર નહોતાં.

ખેડૂતોના આંદોલનને શાંત કરાવવા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતે ઉપવાસ પર બેઠા. આંદોલન કરનારા ખેડૂતોને પણ મળ્યા. તેમણે ખેડૂતો માટે કલ્યાણકારી કેટલાક નિર્ણયો જાહેર કર્યા જેમાં લઘુતમ ટેકાના ભાવે તમામ પાક સરકાર ખરીદી લેશે, અમૂલ ડૅરીની ફૉર્મ્યૂલા મુજબ દૂધ ખરીદાશે અને મધ્ય પ્રદેશમાં ખેડૂતોનું બજાર સ્થપાશે જેથી તેમને વચેટિયાઓથી બચાવી શકાય. જોકે શિવરાજસિંહ ચૌહાણ ખેડૂતોનું ઋણ માફ નહીં કરવા દૃઢ નિશ્ચયી જણાય છે. તેમનું કહેવું છે કે રાજ્યના ૮૦ ટકા ખેડૂતોએ વ્યાજ મુક્ત ધિરાણો લીધાં છે. માત્ર ૨૦ ટકા જ દોષિત છે. તેમને પણ વ્યાજ મુક્ત ધિરાણ હેઠળ લાવવા માટે પ્રયાસો કરાશે. આ લખાય છે ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં છેલ્લા છ દિવસમાં દસ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.

મધ્ય પ્રદેશ બાદ હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત આ તમામ ભાજપ શાસિત રાજ્યોમાં (જ્યાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે) ખેડૂતોનું આંદોલન શરૂ થઈ ગયું છે. પંજાબના નવા મુખ્યપ્રધાન કૉંગ્રેસના અમરિન્દરસિંહે તો પહેલેથી ચેતીને આંદોલન થાય તે પહેલાં જ ધિરાણ માફી આપી દીધી! તમિલનાડુના ખેડૂતો તો અગાઉથી દિલ્લીના જંતરમંતર ખાતે આંદોલન કરવા આવી પહોંચ્યા હતા, પરંતુ તેમના દેખાવો કોઈને ધ્યાને ન પડ્યા. ન રાજ્ય સરકારને કે ન કેન્દ્ર સરકારને. જોકે બાદમાં તમિલનાડુના મુખ્યપ્રધાન ઇ. પલાનીસ્વામીએ દુષ્કાળ રાહત યોજના જાહેર કરતાં તેમણે દેખાવો મોકૂફ રાખ્યા હતા. પ્રશ્ન એ પણ છે કે આટલા બધા દેખાવો બાદ જ કેમ સરકારના કાને માગણી અથડાય છે? જ્યાં સુધી સમસ્યા વિકરાળ સ્વરૂપ ન લે ત્યાં સુધી સરકાર પગલાં ભરતી નથી? શું સરકારો આટલી અસંવેદનશીલ હોવી જોઈએ?

બૅંકોનું વલણ પણ નિરાશાજનક છે. ખેડૂતોના ઋણની માફી અંગે ઉત્તર પ્રદેશમાં નિર્ણય લેવાનો હતો ત્યારે એસબીઆઈનાં અધ્યક્ષા અરુંધતી ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ખેડૂતોને ઋણ માફીથી ધિરાણની શિસ્ત બગડશે. બહુ અટપટા અંગ્રેજી શબ્દોમાં કહેલી વાતનો સાર એ હતો કે ખેડૂતોને જો ઋણ માફી અપાશે તો ભવિષ્યમાં ખેડૂતો ધિરાણ ચુકવશે નહીં અને એમ માનશે કે એ તો માફ થવાનું જ છે ને અને અર્થતંત્રને ખોટ જશે. અરુંધતીબેનની વાત તો સાચી છે, પરંતુ પક્ષપાતવાળી છે. જ્યારે વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાના ધિરાણોની માફી આ બૅંકો તરફથી જ થતી હોય અને તેમની સામે પગલાં લેવાતાં ન હોય, વિજય માલ્યા જેવા સરળતાથી દેશ છોડીને ભાગી જતા હોય ત્યારે બૅંકો અને સરકાર સામે પ્રશ્ન ઊભો થવાનો જ છે કે આ દેશનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે ત્યારે ઉદ્યોગપતિઓને ગોળ અને ખેડૂતોને ખોળ આ નીતિ ન ચાલે.

તો, બીજી બાજુ એ પણ વાત સાચી છે કે ધિરાણ માફી એ ઇલાજ નથી જ. અને ધિરાણ માફી ખેડૂતોને જેમ ન મળવી જોઈએ તેમ ઉદ્યોગપતિઓને પણ ન મળવી જોઈએ. તેનાથી અર્થતંત્ર પર મોટી ખોટ પડે છે. ઉદ્યોગપતિઓના કિસ્સામાં તો સંપત્તિ ટાંચમાં લઈ શકાય છે પરંતુ ખેડૂતોના કિસ્સામાં ગિરવે રાખવા જેવું શું હોય છે? બીજી એક દલીલ એવી પણ છે કે બૅન્કમાંથી ધિરાણ લેનારા ખેડૂતો ઘણા ખરા રાજકારણીઓ હોય છે જેમની ખેતીની આવક કરોડોમાં હોય છે. આથી ધિરાણ માફીનો ફાયદો તો તેમને થાય છે. નાના ખેડૂતો તો બિચારા શાહુકારો પાસેથી કે અન્ય ખાનગી રીતે ધિરાણ લેતા હોય છે. આથી સરકાર ધિરાણ માફી કરે તેનો ફાયદો મોટા ખેડૂતોને જ વધુ મળતો હોય છે. સામાજિક વૈજ્ઞાનિક નરેન્દ્ર પાણીના કહેવા પ્રમાણે, આ વખતે ખેડૂતોની સમસ્યા દુષ્કાળજનિત નથી, પરંતુ વધુ પાકની છે જેના કારણે પાકના ભાવ ગગડ્યા છે.

એ વાત સાચી કે ખેડૂતોને વચેટિયાઓ નડે છે. તેમની પાસેથી વચેટિયાઓ ઓછી કિંમતે પાક લઈ લે છે અને વધુ કિંમતે ગ્રાહકોને વેચે છે. પરંતુ એ વાત પણ સ્વીકારવી પડશે કે વચેટિયાઓ પાસે સ્ટૉરેજની સુવિધા હોય છે. આ સુવિધા નિભાવવાનો પણ ખર્ચ થાય. પરંતુ તેનો અર્થ એ નથી કે બહુ ઊંચી કિંમતે પાક વેચવો. વળી, આ વચેટિયાઓની સમસ્યા કે ઊંચા નફાની સમસ્યા તો દરેક ક્ષેત્રમાં છે. ખેડૂતો પાસેથી જમીન વેચાતી લેનાર બિલ્ડર કે ડેવલપર કેટલી ઊંચી કિંમતે ફ્લેટ કે બંગલા વેચે છે તે ક્યાં અજાણ્યું છે? બાંધણી, ભરતકામ કરતા કે પાપડ, ચવાણુ જેવા નાસ્તા ઘરે બેઠા બનાવનારાઓ પાસેથી કાપડના શૉ રૂમ કે ફરસાણવાળા માલ ખરીદે તે અને વેચે તે કિંમતમાં ઘણો ફરક હોય છે. પ્રકાશન સંસ્થાઓ અનુવાદ કરનારાને જે ભાવ આપે અને તેમને પુસ્તકો વેચવાથી જે ફાયદો થાય તેની વચ્ચે ઘણો મોટો ફરક હોય છે. સ્કૂલ સંચાલકો મસમોટી ફી લે પરંતુ શિક્ષકોને કાગળ પર જે પગાર આપે તેના કરતાં તેમના હાથમાં પગાર ઓછો આવે. દરેક ખાનગી કંપનીમાં આવું શોષણ જોવા મળે છે. અને દરેક ખાનગી કંપનીના કર્મચારીની પણ સામાજિક જવાબદારી હોય છે. ઉલટું, ખેડૂતોને મળતા સરકારી લાભો ખાનગી કર્મચારીઓને મળતા નથી હોતા.

બીજું કે ખેડૂતોની જે વાસ્તવિક સમસ્યાઓ છે તે પણ વિચારવી જોઈશે. તેમને પાક માટે પૂરતું પાણી મળી રહે, ખાતર સસ્તા ભાવે મળી રહે અને અન્ય યંત્રો-ચીજો મળી રહે તે સરકારે જોવું પડશે. આમ ને આમ, ભાષણ કરવાથી ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી નહીં થાય. હા, રાજકારણી કે અન્ય મોટા ખેડૂતોની આવક જરૂર બમણી થશે. ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમવાળી ટપક સિંચાઈવાળી ખેતી તેમજ જૈવિક ખેતી તરફ વાળવા પડશે. સરકાર અનેક યોજનાઓ અને લાભો જાહેર કરતી હોય છે પરંતુ તે વાસ્તવિક (જેન્યુઇન) અને જેમને તે મળવા જોઈએ તેવા ખેડૂતોને જ મળે કોઈ ખોટા (ફૅક) ખેડૂતો તે લાભ ન મેળવી જાય તે જોવું જોઈએ. બીજી તરફ, ખેડૂતોને બંને હાથમાં લાડવા જોઈએ છે તે પણ ન ચાલે. જો નિકાસમાં સારા ભાવ મળતા હોય તો ઊંચા ભાવે નિકાસ કરશે અને ત્યારે ઘરઆંગણાના બજાર તરફ નહીં જુએ. પરંતુ જો નિકાસના ભાવ સારા ન મળતા હોય તો ઘરઆંગણે વધુ ભાવ મળે તેવી તેની માગણી હોય છે. વળી, જ્યારે મબલખ પાક થાય અને ભાવ ન મળે ત્યારે બટેટા, ડુંગળી, દૂધ વગેરે રસ્તા પર ફેંકી દઈ તે તેમના જ ધંધાને લાત મારે છે. શિક્ષકો કે પત્રકારો તો કાગળને પગ પણ અડાડતા નથી કારણ કે તે તેમનો વ્યવસાય કે ધંધો ગણાય છે. તો પછી જે માલ ઉત્પાદન થકી કમાણી થતી હોય તેનો આવો વ્યય કરવો કેટલો યોગ્ય ગણાય? ભૂખ્યા બાળકોને તે ન આપી શકાય? તો પુણ્ય પણ મળે.

કેટલીક વાર સરકારમાં બેઠેલા લોકોનું પણ સ્થાપિત હિત હોય છે. ઘઉં, ડુંગળી વગેરેનો સારો પાક થયો હોય તો તેની વિદેશમાંથી આયાત કરવાની પરિસ્થિતિ ઊભી થાય (અને તેના કારણે તેને કટકી મળે) તેથી તે નિકાસ થવા દે અને પરિણામે ઘર આંગણે ભાવ ઊંચા જવા દે. કેટલીક  વાર મબલખ જથ્થો હોવા છતાં યોગ્ય સ્ટૉરેજના અભાવે ઘઉં વગેરે સડી જતા હોવાના દાખલા પણ સામે આવ્યા છે. આ બધા પ્રશ્નો આજના નથી. વર્ષોથી ચાલ્યા આવે છે, પરંતુ આપણા દેશમાં ખેડૂતોને પણ મુસ્લિમ, દલિત, સ્ત્રીની જેમ મતબૅંકના હિસ્સા જ ગણી લેવામાં આવ્યા છે અને તેથી ધિરાણ માફી જેવી લૉલિપોપ આપીને તેમને ખુશ કરીને કામચલાઉ ઉપાયો કરી દેવામાં આવે. પરિણામે સમસ્યા જેમની તેમ યથાવત્ રહે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

smdave1940 25/06/2017 - 9:56 PM

ખેડૂતો દ્વારા ઋણમાફીની માગણી કરવી અને સરકાર દ્વારા તેને સંતોષવી અને તે પણ અવારનવાર સંતોષવી અને તે પણ દશકાઓના નહેરુવીયન કોંગી શાસન પછી પણ સંતોષવી તે સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસી શાસને છ દાયકા કેન્દ્રમાં શાસન કર્યા છતા, આ પ્રશ્નને મૂળમાં થી સમજીને દૂર કરવાની કોશિસ કરી નથી. જો ખેડૂતોને ખેતીમાંથી જીવન નિર્વાહ જેટલી આવક ન થતી હોય તો પછી મહાનુભાવો જેમાં હિરો હિરોઈનો, રાજકીય નેતાઓ, પક્ષના નેતાઓ, ઉચ્ચ સરકારી નોકરો, ઉદ્યોગપતિઓ શા માટે જમીન ખરીદે છે?

ફક્ત દાળમાં કાળું નથી પણ દાળ આખી કાળી છે.

જેમની પાસે ૧૦ એકરથી વધુ જમીન છે અને તેમને અત્યાર સુધીમાં કેટલી લોન માફી મળી તેની વિગતવાર યાદી સરકારે બહાર પાડવી જોઇએ અને તેને “ઓન લાઈન” મુકવી જોઇએ. પીયતવાળી જમીનની બાબતમાં ૫ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોની યાદી પણ તેજ રીતે બહાર પાડવી જોઇએ. જો આવું થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વાસ્તવમાં આ લોકો ઋણમાફીને લાયક નથી. જો તેઓ સરખી ખેતી ન કરી શકતા હોય તો તેમણે ખેતી છોડી દેવી જોઇએ.

શંકા એ વાતની છે કે આ ખેડૂતોએ લોનના પૈસા સામાજીક રુઢીઓ નિભાવવામાં કર્યા છે કે કેમ?

વરસાદ ન પડે તો પણ ઋણમાફી, વરસાદ વધુ પડે તો પણ ઋણમાફી, અને વરસાદ માફકસર પડે તો પણ ઋણમાફી …. આ કેવો વહીવટ છે?

હવે ટપક પદ્ધતિ જેવી સિંચાઈ છે. એટલે ઓછા પાણીએ પણ ખેતી થાય. પાણીનો સંગ્રહ કરવાની પણ પદ્ધતિઓ છે. પણ ખેડૂતોને રાસાયણિક ખાતર વાપરવું છે. તેમને જંતુનાશક દવાઓ વાપરવી છે. તેમને હાઈબ્રીડ બિયારણ વાપરવું છે… તેમને દેશી ખાતર વાપરવું નથી. તેમને ગૌમૂત્ર વાપરવું નથી. તેમને પોતાનું બિયારણ પોતે તૈયાર કરવું નથી. તેમને સહાકારી રીતે કામ કરવું નથી. તેમને અનાજને સાફ કરી ૧, ૨, ૫, ૧૦ કિલોના પેકીંગ બનાવી ગામમાં સહકારી મંડળી બનાવી સહકારી ગોડાઉન બનાવી ખરા વપરાશ કારને વેચવું નથી. કાં તો ખેડૂતો ઠગ છે અથવા તો તેઓ અભણ છે અને સહકારથી કામ કરવા ઈચ્છતા નથી.

ઘણા લોકો માલ્યા જેવા ઉદ્યોગપતિઓના દાખલા આપી ખેડૂતોની ઋણ માફીનો બચાવ કરે છે. પણ આવા ઉદ્યોગપતિઓ જ્યારે બેંકને છેતરે ત્યારે બેંકના જવાબદાર અધિકારીઓ ઉપર પગલાં ભરાય છે. પણ ખેડૂતોની ઋણમાફીને તો પોલીસી મેટર બનાવી કાયદેસર કરી દેવાય છે.
બેંકના કાયદાઓ અને બેંકોનું રાષ્ટ્રીય કરણ નહેરુવીયન કોંગ્રેસ સરકારે કર્યું છે. કાયદાઓને જાણી જોઇએને પોલા રાખ્યા છે. હવે તે બદલાશે.
પણ જ્યાં સુધી ખેડૂતોના ઋણમાફીની સમસ્યા છે તે માટે ખેડૂતોએ પોતાની જાતે જ પોતાની સમસ્યા હલ કરવી પડશે.
નહેરુવીયન કોંગ્રેસ સરકારે દેશની મોટી મોટી નદીઓને દેશની નાની નાની નદીઓ સાથે જોડવામાં અક્ષમ્ય વિલંબ કર્યો છે. જંગલો કાપી નાખ્યા છે. ગરીબોને મદદને નામે તેમને જમીનના ૧૦૦ વારના ટૂકડાઓ આપી જમીનને વેડફી છે.

Reply
Jaywant Pandya 25/06/2017 - 10:00 PM

બહુ સચોટ. સંમત.

Reply

Leave a Comment