Home » ઉત્તર પ્રદેશમાં પંથાંતરણના મોટા અપરાધનો રહસ્યસ્ફોટ

ઉત્તર પ્રદેશમાં પંથાંતરણના મોટા અપરાધનો રહસ્યસ્ફોટ

by Jaywant Pandya

સબ હેડિંગ: આમ તો પંથાંતરણ વર્ષોથી ભારતમાં થતું રહ્યું છે. ખાસ તો, મધ્ય-પશ્ચિમ એશિયામાં ઉદ્ભવેલા બે પંથ- ઇસ્લામ અને ખ્રિસ્તી આ બંને દ્વારા પોતાની સંખ્યા વધારવા થાય છે તે હવે સર્વવિદિત છે, પરંતુ અત્યાર સુધી તેના વિરુદ્ધ કાર્યવાહી થતી નહોતી. ઉત્તર પ્રદેશમાં પંથાંતરણનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે અને સરકારે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

(કવર સ્ટૉરી, સાધના સાપ્તાહિક, ૦૩/૦૭/૨૦૨૧)

કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

૨૧ જૂને યોગ દિવસ હતો. સંગીત દિવસ પણ ખરો. આખી દુનિયા યોગ દિવસ ઉજવી રહી હતી અને યોગ દ્વારા સ્વાસ્થ્ય મેળવી આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા વ્યસ્ત હતી તે દિવસે “અમે કહીએ એ જ રસ્તે પરમાત્મા મળે” તેવી વિચારસરણીમાં માનતા બે લોકોની ઉત્તર પ્રદેશની ત્રાસવાદ વિરોધી ટુકડી- એટીએસે ધરપકડ કરી હતી. આ લોકો મૂકબધિર વિદ્યાર્થીઓ અને નબળી આવકના લોકોને ધન, નોકરી અને લગ્નની લાલચ આપીને પંથાંતરણ કરાવતા હતા. તેઓ આઈએસઆઈ અને અન્ય વિદેશી ફંડથી આ કામ કરતા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મુફ્તિ કાજી જહાંગીર આલમ કાસીમ તરીકે થઈ છે જે નવી દિલ્લીના જામિયાનગરનો રહેવાસી છે. આ ઉપરાંત મોહમ્મદ ઉમર ગૌતમ છે જે નવી દિલ્લીના જામિયાનગરમાં બાટલા હાઉસનો નિવાસી છે. (એ જ બાટલા હાઉસ જેમાં ત્રાસવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું અને તેમના મૃત્યુ માટે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને રડવું આવ્યું હતું.)

ઉત્તર પ્રદેશના મહા નિર્દેશકના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ એટીએસને જાણકારી મળી હતી કે કેટલાંક દેશવિરોધી અને અસામાજિક તત્ત્વો, પંથીય સંગઠન અને સિન્ડિકેટ આઈએસઆઈ અને વિદેશી સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત ભંડોળના આધારે લોકોનું પંથાંતરણ કરાવી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ આ વ્યક્તિઓના મૂળ ધર્મ વિરુદ્ધ તેમને ભડકાવી-નફરત ફેલાવી તેમને સંગઠિત અપરાધ માટે ઉશ્કેરી રહ્યા હતા. આ વાતનો દાખલો બીજો કયો હોઈ શકે કે પકડાયેલા આરોપીમાં ઉમર ગૌતમ પોતે પહેલાં હિન્દુ હતો અને તે પોતે તો પંથાંતરિત થયો જ, પરંતુ તે પણ પંથાંતરણની આ અપરાધજાળ ચલાવતો હતો.

ઇસ્લામિક દાવા સેન્ટર સંસ્થાના માધ્યમથી ચાલતું હતું આ કૌભાંડ

આરોપીઓની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે કટ્ટરપંથી સંગઠન પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા જેના તાર આતંકવાદી પ્રવૃત્તિ અને સીએએ વિરોધી હિંસામાં જોડાયેલા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા તેનો સામાજિક ચહેરો સૉશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા હતી. તેની સામે સરકારે કડક કાર્યવાહી કરી તે પછી ઇસ્લામિક દાવા સેન્ટર સંસ્થા ઊભી કરાઈ.

આનો અર્થ એ થયો કે આ ત્રણેય સંગઠનનાં નામ અલગ-અલગ છે પણ હેતુ એક જ છે. આ લોકો હિન્દુ વિદ્યાર્થીઓ, મહિલાઓ, મૂક-બધિર અને ગરીબ લોકોનું પંથાંતરણ કરાવતા હતા. એ પણ બહાર આવ્યું છે કે તેઓ કાનપુર અને ગુડગાંવના બે વિદ્યાર્થીઓને ફોસલાવીને તેમનું પંથાંતરણ કરાવ્યું હતું. આ વાતની ગંધ તેમના પરિવારજનોને સુદ્ધાં નથી આવી.

દેશનાં ૨૪ રાજ્યોમાં પંથાંતરણનું નેટવર્ક ફેલાયેલું છે!

જબરદસ્તીથી પંથાંતરણ કરવાના આરોપમાં પકડાયેલા મોહમ્મદ ઉમર ગૌતમ અને જહાંગીર સામે તપાસમાં બહાર આવ્યું છે કે દેશનાં ૨૪ રાજ્યોમાં આ લોકોએ પંથાંતરણનું નેટવર્ક ફેલાવ્યું હતું. જોકે આ તો આ બે લોકોનું નેટવર્ક જ છે. આ સિવાય બીજા મુલ્લા-મૌલવી કે ફાધર-બિશપ-નન દ્વારા કરાતા પંથાંતરણનાં આવાં કેટલાં નેટવર્ક હશે તેની તો કલ્પના સુદ્ધાં નથી કરાઈ શકતી.

નવા રહસ્યસ્ફોટ મુજબ, એનસીઆર (દિલ્લી)ની છથી વધુ મૂકબધિર શાળાઓ આ પંથાતરણ કરાવનારી ટોળકીના નિશાના પર હતી. આઈએસઆઈ પ્રયોજિત આ પંથાંતરણ સિન્ડિકેટે પહેલાં દિલ્લી પાસે આવેલી નોએડા ડેફ સૉસાયટીને પ્રમુખ લક્ષ્ય બનાવ્યું હતું. તે પછી ધીરે-ધીરે દિલ્લી, નોએડા, ગાઝિયાબાદ અને અન્ય શહેરો સુધી પહોંચ બનાવવાની હતી.

પાંચ લાખ લોકોનું પંથાંતરણ: ૫૫ ટકા મહિલા

જેમ જેમ દિવસ વિતે છે તેમ તેમ પંથાંતરણના કેસમાં નવી-નવી ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસની એ.ટી.એસ.નાં જણાવ્યા પ્રમાણે, ઉમર ગૌતમ અને જહાંગીરે જેટલા લોકોનાં પંથાંતરણ કરાવ્યાં છે તેમાં ૫૫ ટકા મહિલા છે. આ ઉપરાંત પંથ બદલનારા લોકોમાં મોટા ભાગના ૨૦થી ૩૦ વર્ષની વચ્ચેના યુવાન છે. (જુઓ બૉક્સ- ૧: બહારગામ ભણવા જવું એટલે પંથાંતરણનો ખતરો)

ઉમર ગૌતમે પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તેના સાથી મૌલાના કલીમ સિદ્દીકીએ ગત વર્ષોમાં પાંચ લાખથી પણ વધુ લોકોનું પંથાંતરણ કરાવ્યું હતું. ઇસ્લામિક દાવા સેન્ટર દ્વારા સગીરોને પંથાંતરિત કરાવાતા હતા. પંથાંતરિત લોકોનાં નામો પોલીસને મળ્યા છે તેમાં હિન્દુ ઉપરાંત જૈન, શીખ અને ખ્રિસ્તી પણ સામેલ હતા. મતલબ કે આ લોકોનું લક્ષ્ય માત્ર હિન્દુ નહોતા, જૈન, શીખ અને ખ્રિસ્તી પણ હતા.

ઉમર ગૌતમને ૧.૫ કરોડનું દાન મળ્યું હતું!

યુપીએટીએસની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ઉમર ગૌતમના એચએસબીસીના ખાતામાં અજ્ઞાત વિદેશી સ્રોતથી રૂ. ૧.૫ કરોડનું દાન આવ્યું હતું. આ નાણાંનો ઉપયોગ અલ હસન એજ્યુકેશન એન્ડ વેલફૅર ફાઉન્ડેશને કર્યો હતો. આરોપી ઉમર ગૌતમ આ એન.જી.ઓ.નો ઉપાધ્યક્ષ છે અને તેણે જ આ નાણાં આ સંસ્થાને આપ્યાં હતાં.

અખાતના દેશોમાંથી ભંડોળ આવતું હતું

તપાસમાં બહાર આવ્યું છે કે ઉમર ગૌતમ પાસે અખાતના ઇસ્લામિક દેશોમાંથી ધન આવતું હતું. આ ધન દિલ્લીના ચાંદની ચોકમાં એક હવાલા નેટવર્ક મારફતે આવતું હતું. ગુજરાતના ભરૂચના નિવાસી અને મજલિસ અલ ફલાહ ટ્રસ્ટ સાથે જોડાયેલા અન્ય એક વ્યક્તિ અબ્દુલ્લા આદમ પટેલ પર પણ ઉમર ગૌતમ પાસેથી મળેલાં નાણાં દ્વારા પંથાંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. આ બાબતે, ગુજરાત સરકાર વધુ તપાસ કરશે તો અનેક કૌભાંડો ખુલશે.

ઇસ્લામિક દાવા સેન્ટરની યૂટ્યૂબ ચેનલના વિડિયો ડિલીટ

સૉશિયલ મિડિયાનાં અનેક પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ ઉમરના ભાષણના વિડિયો પણ એટીએસ જોઈ રહી છે, શોધી રહી છે. ઇસ્લામિક દાવા સેન્ટરના નામથી યૂ ટ્યૂબ ચેનલ પણ છે. તેના પર ઉમરના ભાષણના અનેક વિડિયો મૂકાયેલા છે. આ કૌભાંડ પકડાયા પછી કેટલાક વિડિયોને ડિલીટ કરી નાખવામાં આવ્યા છે.

એક વિડિયોમાં ઉમર ગૌતમ દાવો કરી રહ્યો છે કે તે ઇંગ્લેન્ડ, કેનેડા સહિત બારેક દેશોની મુસાફરી કરી આવ્યો છે. એક વિડિયોમાં તે કહે છે કે ઇસ્લામિક દાવા સેન્ટરે એક હજારથી વધુ લોકોના કાનૂની દસ્તાવેજો તૈયાર કરાવ્યા છે. આ સાથે તે કાનપુરની છત્રપતિ સાહુજી મહારાજ યુનિવર્સિટીની એક છોકરીનો ઉલ્લેખ કરી રહ્યો છે જેનું પંથાંતરણ કરાવાયું છે.

શ્યામ પ્રતાપસિંહ બન્યો ઉમર ગૌતમ અને કરાવ્યું અનેકોનું પંથાંતરણ

નોએડામાંથી પકડાયેલો ઉમર ગૌતમ મૂળ હિન્દુ જ હતો. તેનું નામ શ્યામ પ્રતાપસિંહ હતું. ફતેહપુરના નિવાસી શ્યામ પ્રતાપસિંહ કેવી રીતે મોહમ્મદ ઉમર ગૌતમ બન્યો તેની વાત તે એક વિડિયોમાં કરે છે. તે કહે છે કે તેને એક અકસ્માત થયો હતો ત્યારે તેની પડોશમાં રહેતા દોસ્ત મોહસીને સેવા કરી. પ્રેમથી, સેવાથી તેઓ દીન (પંથ)ને સમજાવતા રહ્યો. તેના પ્રશ્નોના જવાબ આપતો રહ્યો. ન કોઈ વાદવિવાદ કર્યો, ન કોઈ દલીલ. તેમણે મને અનુભૂતિ ન થવા દીધી કે તેઓ મને મુસ્લિમ બનાવવા માગે છે. પરંતુ એક વર્ષ પછી તેણે (ઉમર ગૌતમે) પોતે જ કહ્યું કે તે મુસ્લિમ બનવા માગે છે. ૧૯૮૪માં જ્યારે તે બી.એસસી. એગ્રીકલ્ચર અંતિમ વર્ષનો વિદ્યાર્થી હતો ત્યારે તે મુસ્લિમ બની ગયો. (બૉક્સ-૧માં ફરી જુઓ કે યુવાનો જ સૌથી વધુ નિશાન બને છે.)

ઉમર ગૌતમના લગ્ન એક ક્ષત્રિય પરિવારની દીકરી રાજેશ્વરી સાથે થયાં હતાં. ઉમર ગૌતમે પંથાંતરણ કર્યું છે તેવી સાસરિયાવાળાઓને ખબર પડતાં તેઓ રાજેશ્વરીને વિદાય કરવા તૈયાર નહોતા. પણ ઉમર ગૌતમે ચાલાકી કરી કહ્યું કે તેણે ઇસ્લામ છોડી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ગ્રામીણોએ કહ્યું કે જ્યારે પિતા ધનરાજસિંહે દીકરા ઉમરની દાઢી કેશકર્તકને બોલાવી કપાવી નાખી ત્યારે તે ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો અને તેણે કહ્યું હતું, “યા અલ્લાહ, મેરે ગુનાહોં કો માફ કરના.”  ઉમર ગૌતમના વિશ્વાસમાં આવીને તેના પિતાએ વેવાઈને સમજાવ્યા એટલે સાસરિયાએ દીકરી રાજેશ્વરી ઉમરને સોંપી તો તે રાજેશ્વરીને તે દિલ્લી લઈ ગયો અને ત્યાં તેનું પણ પંથાંતરણ કરાવી તેનું નામ રજિયા રાખી દીધું. તે બીમાર માતાની સારવાર કરાવવા દિલ્લી લઈ ગયો અને માતા ઠીક થઈ ગઈ પછી તેનું પણ પંથાંતરણ કરાવી દીધું.

ઉમર સાથે જોડાયેલી એક વાત બહાર આવી છે કે તે પ્રત્યક્ષ રીતે ગામના લોકોનું પંથાંતરણ નહોતો કરાવતો, પણ ગરીબોને મદદના નામ પર પાંચ-દસ હજાર આપીને તેમના હૃદયમાં સ્થાન મેળવી લેતો. જ્યારે તેની માતાનું મૃત્યુ થયું ત્યારે તે મુસ્લિમ રીતિરિવાજથી તેના અંતિમ સંસ્કાર કરવા માગતો હતો પરંતુ તેના પાંચ ભાઈઓએ વિરોધ કર્યો જેથી તે તેમ કરી શક્યો નહીં.

ફતેહપુરની શિક્ષિકાનો વિડિયો: પંથાંતરણ કરાવવા દબાણ

ફતેહપુરની શાળા ‘નુરુલ હૂદા’ એક શિક્ષિકા કલ્પનાસિંહનો વિડિયો પણ બહાર આવ્યો છે જેમાં તે કહી રહ્યાં છે કે ગયા વર્ષે મોહમ્મદ ઉમર ગૌતમ અને તેના ૨૫ સાથીઓએ તેના બળજબરીથી પંથાંતરણનો પ્રયાસ કર્યો હતો. આ કિસ્સામાં, શિક્ષિકાએ સ્કૂલ પ્રબંધનની વિરુદ્ધ ફતેહપુરમાં એક એફઆઈઆર પણ નોંધાવી હતી.

શાળામાં હિન્દુ બાળકોને ઉર્દૂ અને અરબી ભણાવવામાં આવતી હતી. જ્યારે કલ્પનાસિંહે તેનો વિરોધ કર્યો તો તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવી હતી.

ભંડોળ મેળવવા પંથાંતરણની નકલી યાદી બનાવાય છે?

જોકે પંથાંતરણની યાદી બનાવાય છે તે સાચી જ હોય તેવું આવશ્યક નથી. ઇસ્લામિક દાવા સેન્ટર દ્વારા પંથાંતરણ કરાવાયેલા લોકોની એક યાદી સૉશિયલ મિડિયા પર વાઇરલ થઈ હતી. તેમાં પ્રવીણકુમાર નામની વ્યક્તિનું નામ અને તસવીર છે. પ્રવીણકુમારનું કહેવું છે કે તેમણે પંથપરિવર્તન કર્યું નથી. પ્રવીણકુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક પુસ્તક લખ્યું છે. પ્રવીણકુમારે આશંકા દર્શાવી છે કે પંથાંતરણની આ નકલી યાદી વિદેશી ભંડોળ મેળવવા માટે બનાવાઈ હોઈ શકે.

યોગી સરકારની કડક કાર્યવાહી: આરોપીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથે આ કિસ્સાને ગંભીરતાથી લઈ આરોપીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે પંથાંતરણ કરાવનારાઓની સંપત્તિને પણ જપ્ત કરી લો.

વધુ નાણાંના મોહમાં નિવૃત સૈનિકની દીકરી મુસ્લિમ બની!

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના તિલહર તાલુકાના એક ગામમાં રહેતા એક હિન્દુ નિવૃત સૈનિકની પુત્રી મુસ્લિમ બની ગઈ. કારણ? નાણાં! આ સૈનિકને ત્રણ દીકરીઓ છે. મોટી દીકરીએ બી. એ. કર્યા પછી ઍરહૉસ્ટેસનો કૉર્સ કર્યો. તેને ભારતમાં ઍરહૉસ્ટેસની નોકરી તો ન મળી પણ દિલ્લી વિમાનમથકે ટિકિટ રૂમમાં નોકરી મળી ગઈ. બે વર્ષથી તે અહીં નોકરી કરી રહી હતી. તેની સાથે કામ કરતા એક મુસ્લિમ યુવકે તેને વાતોમાં ફસાવવાનું શરૂ કર્યું. તેને કહ્યું કે દુબઈ વિમાન મથકે મુસ્લિમ છોકરીઓને વધુ સુવિધા મળે છે, ઘણો સારો પગાર પણ મળે છે. આથી આ નિવૃત્ત સૈનિકની દીકરીની આંખમાં દુબઈમાં તગડો પગાર લેવાનું સપનું વસી ગયું. આ ટોળીએ તેને ગત ૨૭ મેએ ઇસ્લામ સ્વીકારાવી તેનું નામ આયેશા અલ્વી રાખી દીધું! આમ, ભૌતિકતાવાદ યુવાન-યુવતીઓ પર એટલો હાવી થઈ ગયો છે કે પૈસા માટે તે પોતાનો પંથ પણ બદલી શકે છે. અત્યારે જે હિન્દુઓ છે તે મુસ્લિમો કે ખ્રિસ્તીઓના પંથાંતરણના આક્રમણ સામે પોતાનો જીવ ગમે તેમ બચાવીને પણ ટકી ગયા છે. તેમણે ખરાબ સ્થિતિ સ્વીકારી પણ પંથ બદલવાનું ન સ્વીકાર્યું. પરંતુ આ જ હિન્દુઓના નવયુવાન-યુવતીઓ પર ચોતરફથી એટલું આક્રમણ છે કે તેઓ સરળતાથી પોતાની પરંપરાનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે, પૈસા માટે મુસ્લિમ બનવાનું સ્વીકારી લે છે.

લોભલાલચ, ધાકધમકી, લવજિહાદ પણ પંથાંતરણનું હથિયાર

ખ્રિસ્તી મિશનરી મોટા ભાગે શિક્ષણ કે સેવા દ્વારા પંથાંતરણ કરાવે છે. તે છળકપટનો સહારો પણ લે છે, જેમ કે તેની શાળાની બસને ખોટેખોટે બંધ પાડી દેવામાં આવે. પછી ડ્રાઇવર કહે કે તમારા ભગવાનનાં નામ લો. હિન્દુ કે અન્ય પંથી બાળકો પોતપોતાના ભગવાનનાં નામ લે તો ય બસ ચાલુ ન થાય. એટલે પછી ડ્રાઇવર ઈશુનું નામ લેવા કહે. બાળકો ઈશુનું નામ લે એટલે ડ્રાઇવર બસ ચાલુ કરી દે. આમ, ભોળાં બાળકોના મનમાં ઈશુ ફિટ બેસી જાય.

તાજેતરમાં ‘સાધના’ના ૧૨ જૂન ૨૦૨૧ના અંકમાં આ લેખકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડા ડૉ. જૉનરૉઝ ઑસ્ટિન જયલાલની વટાળ પ્રવૃત્તિ વિશે લખ્યું હતું. તેમાં જૉનરૉઝની પોતાની જ સ્વીકૃતિ હતી કે તેઓ મેડિકલ કૉલેજમાં ભણાવતી વખતે કે દર્દીની સારવાર કરાવતી વખતે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરે છે. કોરોના કાળમાં ચર્ચોએ ગરીબોને મદદ કરી છે. આમ, ખ્રિસ્તી મિશનરીઓ દુઃખ, દર્દ, આપત્તિમાં ખ્રિસ્તી બનાવવાનો અવસર શોધતી હોય છે.

ઇસ્લામ પંથનો ફેલાવો કરવા આદિ કાળમાં તલવારનો ઉપયોગ કરાતો હતો. હિન્દુ પ્રજા પર મુસ્લિમ શાસક જજિયા વેરો નાખતા હતા. હિન્દુ પ્રજાને હેરાન કરી નાખતા હતા. અત્યારના સમયમાં કૈરાના, મેવાત કે ગુજરાતના વારાહી ગામ કે ખંભાતમાં કેટલાંક મુસ્લિમ તત્ત્વો હિન્દુઓ પર હુમલા કરી, ત્રાસ આપી ભગાડે છે. કાશ્મીરમાં તો ૧૯૯૦માં આવું થઈ ચૂક્યું છે. આ સાથે આ લેખની શરૂઆતમાં કહ્યું તેમ લોભલાલચ પણ કામ કરી જાય છે. સાથે હવે તો એ જગજાહેર છે કે મુસ્લિમ યુવકો હિન્દુ નામ રાખીને હિન્દુ, જૈન, શીખ, ખ્રિસ્તી વગેરે યુવતીઓને પ્રેમમાં ફસાવે છે. પછી તેમના વિડિયો બનાવીને બ્લેકમેઇલ કરે છે અથવા તો તેમની સાથે લગ્ન કરી પછી ઇસ્લામ સ્વીકારવા ફરજ પાડે છે. આમાં, હવે જિમજિહાદ પણ છે. હિન્દુ યુવતીઓ શરીર સૌષ્ઠવ વધારવા જિમ જાય છે ત્યાં પણ આ પ્રકારના અસામાજિક તત્ત્વો લવજિહાદ કરે છે.

પંથાંતરણનો વિરોધ શા માટે? તેનાથી કેવી રીતે બચી શકાય?

સામાન્ય રીતે હિન્દુ ધર્મની પ્રશંસા કે તેના બચાવમાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે હિન્દુ ધર્મ વસુધૈવ કુટુંબકમ્માં માને છે. વળી તે માને છે કે ઈશ્વર મેળવવાનો અમારો જ રસ્તો સાચો અને તે જ સ્વીકારો તેમ અમે નથી કહેતા. હિન્દુ તો ઈશ્વરવાદમાંય માને અને અનિશ્વરવાદને પણ સમર્થન આપે, સાકારમાંય માને અને નિરાકારમાં પણ માને, દ્વૈતવાદમાં પણ માને અને અદ્વૈતવાદમાં પણ. ઈશ્વરના પુરુષ, સ્ત્રી અને બાળ તેમજ અર્ધનારી એમ અનેક પ્રકારમાં માને. નદી, પશુ-પંખી, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, વગેરેની પૂજા પણ કરે. તો પછી પંથાંતરણનો વિરોધ શા માટે? કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી બની જાય તો શું ખાટું-મોળું થઈ જવાનું?

જવાબ એ છે કે મુસ્લિમ કે ખ્રિસ્તી બની જાય તેની સાથે રાષ્ટ્રાંતરણ-અલગાવવાદ પણ આવે છે. જમ્મુ-કાશ્મીર, ઈશાન ભારતનાં રાજ્યો તેનાં ઉદાહરણ છે. અને જ્યારે આ પ્રકારનાં કટ્ટર માનસિકતાવાળા લોકો બહુમતીમાં આવી જાય ત્યારે શું થાય તે પણ જોવા જેવું છે. ઈઝરાયેલમાં ખ્રિસ્તી શાસકો હતા ત્યારે યહૂદીઓ પર પૂજા કરવા સહિતનાં નિયંત્રણો નાખ્યાં હતાં. યહૂદીઓની પવિત્ર જેરુસલેમની મુલાકાત પર પ્રતિબંધો મૂક્યા હતા. યહૂદી મંદિરોનો નાશ કર્યો હતો. ખ્રિસ્તી સિવાયનો પંથ અનુસરનારને મૃત્યુ દંડ થતો. તેની સંપત્તિ પણ જપ્ત કરાતી. મુસ્લિમ શાસકોના સમયમાં તો ઉપર કહ્યું તેવા ત્રાસ ભારતમાં ગુજારાતા, પણ ઈઝરાયેલમાં યહૂદીઓએ પીળા સિતારા હોય તેવાં કપડાં અને ટોપી જ્યારે ખ્રિસ્તીઓએ ભૂરા રંગના સિતારાવાળાં કપડાં અને ટોપી પહેરવાં પડતાં.

આનો ઉપાય શું?

તમે પોતે પંથાંતરણ અંગે ‘સાધના’ જેવા સાપ્તાહિકના વાંચન દ્વારા માહિતી મેળવો. સમાચારપત્રોમાં પણ ગુજરાત અને અન્યત્ર લવજિહાદના કિસ્સાઓ આવે છે તે વાંચો અને વંચાવો. લોકોને જાગૃત કરો. તમારા સંતાનમાં હિન્દુ ધર્મનું જ્ઞાન અને હિન્દુ હોવાનું ગૌરવ ઉત્પન્ન કરો. કોઈ ચોપાનિયું, પુસ્તિકા કે પછી ફિલ્મ-સિરિયલ-વેબસીરિઝમાં હિન્દુ ધર્મ વિશે એલફેલ લખાયું કે બતાવાયું હોય કે પછી પંથાંતરણનો પ્રયાસ કરાયો હોય તો તેનો વિરોધ કરો.

બૉક્સ-૧: બહારગામ ભણવા જવું એટલે પંથાંતરણનો ખતરો!

અત્યારે એક ચીલો ચાલે છે કે બહારગામ ભણવા જવું. હૉસ્ટેલમાં રહીને ભણવું. પહેલાં ખાસ વાંધો નહોતો. જોકે મહાત્મા ગાંધી જેવાનાં માતાને પણ ચિંતા હતી. આથી તેમણે દારૂ-માંસ સંબંધિત કેટલીક પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. પરંતુ આજકાલ આવું કોઈ કરતું નથી. સારા ભણતર માટે બહારગામ ભણવા મોકલવામાં આવે છે. ૧૨ વર્ષથી ૩૨ વર્ષ સુધીની વય કુમળી હોય છે. માનસિકતા પક્વ નથી હોતી. સારું-નરસું ખબર નથી હોતી. આ ઉંમરમાં માણસ વિદ્રોહી સ્વભાવનો પણ બને છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં અનેક વિદ્યાર્થી અને યુવાન ભણવા કે નોકરી માટે રહે છે જેમાં હવે તો મોટી સંખ્યામાં યુવતીઓ પણ હોય છે.

બહારગામ ભણવા કે નોકરી માટે જાય એટલે ખાવાપીવાથી માંડીને જાતીયતા બાબતે સ્વચ્છંદતાભરી એક સ્વતંત્રતા મળી જાય છે. નાનાં શહેરોમાં તો પડોશી, સગાવહાલા પણ પૂછે, પણ મોટાં શહેરોમાં તેવું હોતું નથી. પડોશમાં શું ચાલે છે તે જોવાની પણ દરકાર કરતા નથી.

આવામાં જો વિદ્યાર્થી-નોકરિયાત યુવાનને મુફ્તિ જહાંગીર કાસમી અને ઉમર ગૌતમ જેવા લોકો ભટકાઈ જાય તો પંથાંતરણ કરતા વાર નથી લાગતી. આમેય બહારગામ રહેતા હોય એટલે કોઈ બંધન ન હોય એટલે મંદિરે જવું, વાર-તહેવારે ઉપવાસ કરવા, પૂજા કરવી, વ્રત રાખવા વગેરે તો બંધ થઈ જાય છે. આવામાં આવા લોકો ભટકાઈ જાય તો સરળતાથી પંથાંતરણ થઈ જાય છે.

બૉક્સ-૨: ફિલ્મો-સિરિયલો અને વેબસીરિઝોનો પણ પંથાંતરણમાં હાથ

અત્યારે ફિલ્મો-સિરિયલો અને વેબસીરિઝોમાં મોટા ભાગે હિન્દુ પરંપરાઓનો વિરોધ કરતા દર્શાવાય છે. વેબસીરિઝોમાં બહારગામ રહીને ભણતા કે નોકરી કરતા પી.જી. (પેયિંગ ગેસ્ટ)ને દર્શાવાય છે. દારૂ પીતા-ડ્રગ્ઝ લેતા, કોઈ છોછ વિના સેક્સ સંબંધો રાખતા, લિવ ઇનમાં રહેતા, મોજશોખથી માંડીને ભવ્ય જિંદગી જીવવા અપરાધ કરતા ન ખચકાતા યુવાનોની કથા દર્શાવાય છે. તેમાં પાછું મુસ્લિમને અને ખ્રિસ્તીને સારું પાત્ર દર્શાવાય છે. તેઓ પોતાની પંરપરાનું ચુસ્ત રીતે વહન કરતા દર્શાવાય છે. તેઓ હિન્દુઓને મદદ કરતા પણ દર્શાવાય છે. બાયૉપિક બનાવાય છે તેમાં પણ મૂળ કથા સાથે ચેડા કરી હિન્દુને મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકે દર્શાવાય છે.

દા.ત. ‘મિશન મંગલ’ ફિલ્મ મૂળ તો મંગલ યાન અંગેની કથાવાળી ફિલ્મ હતી. તેમાં કોઈ પાત્ર વાસ્તવિક રીતે વિદ્યા બાલનના પાત્ર જેવું નહોતું જે તેના બાળકનું નામ દિલીપ હોય છે અને દિલીપ નામના યુવાને મુસ્લિમ પંથ અપનાવી એ. આર. રહેમાન બની સંગીતકાર તરીકે નામના કમાઈ હતી તેથી તે પણ આવું કરવા માગતો હતો. તે કુર્આન વાંચવા માગતો હતો તો તેને તેની માતા કહે છે કે તેમાં ખોટું શું છે? તેની દીકરી નાઇટ ક્લબમાં જાય છે અને પતિ તેના પર ખીજાય છે તો વિદ્યા બાલન તેની દીકરીનો પક્ષ લે છે અને નાઇટ ક્લબમાં પતિને લઈ જાય છે.

‘દંગલ’ ફિલ્મ સારી બનાવાઈ છે પરંતુ તે જેના પર આધારિત છે તે કુશ્તીબાજ બબિતા અને ગીતા ફોગટના પિતા મહાવીર ફોગટ હનુમાનભક્ત હતા, તેઓ અખાડામાં ઉતરતા પહેલાં હંમેશાં હનુમાનજીની પૂજા કરતા હતા. તે વાત ફિલ્મમાંથી કાઢી નખાઈ. વળી તેઓ ૧૦૦ ટકા શાકાહારી હતા, પરંતુ ફિલ્મમાં માંસાહાર કરતા દર્શાવાયા છે. ફિલ્મમાં મહાવીર ફોગટને દારૂ પીતા પણ બતાવાયા છે પરંતુ મહાવીર ફોગટ દારૂ નહોતા પીતા.

થોડા સમય પહેલાં આવેલી ‘ઓહ માય ગૉડ’ અને ‘પીકે’માં કહેવા માટે તો બધા જ પંથોનું દર્શાવાયું હતું, પરંતુ મુખ્ય લક્ષ્ય હિન્દુ ધર્મ જ હતો. હિન્દુ ભગવાન અને દેવીદેવતાની મજાક ઉડાવતી વેબસીરિઝોનો તો રાફડો ફાટ્યો છે. હિન્દુવાદીને જો લાંબા લાલ તિલક સાથે દર્શાવાયો હોય (‘વાસ્તવ’માં સંજય દત્ત) તો તે ગુંડો જ હશે કાં તો વ્યભિચારી હશે, પત્ની પર અત્યાચાર કરતો હશે. તાજેતરમાં આવેલી ‘શેરની’ ફિલ્મમાં મૂળ મહિલા વન અધિકારી કે. એમ. અભરના હિન્દુ હોવાનું કહેવાય છે પરંતુ ફિલ્મમાં આ પાત્રને ખ્રિસ્તી બતાવાયું છે. વળી, અવનિ નામની વાઘણને મારનાર અસગર અલી ખાન વાસ્તવિક રીતે છે, પરંતુ ફિલ્મમાં તેને હાથ પર નાડાછડી બાંધેલો હિન્દુ પિન્ટુ ભૈયા બતાવાયો છે.

કે. એમ. અભરનાએ પણ કહ્યું છે કે ઘણી બાબતો વાસ્તવિકતાથી દૂર બતાવવામાં આવી છે. ઉપરાંત વન અધિકારીઓને દારૂ પીતા, માંસાહાર કરતા વગેરે દુર્ગુણોથી સભર દર્શાવાયા છે. વન અધિકારી સુનિલ લીમયેનું કહેવું છે કે મહારાષ્ટ્રના વનનાં અતિથિ ગૃહોમાં માંસાહાર બે દાયકાથી પ્રતિબંધિત છે. આમ, કલ્પનાના નામે, હિન્દુ પાત્રોને ખરાબ દર્શાવાથી યુવાન પેઢી માનસિક રીતે હિન્દુ મટી જાય છે અને તેમનું પંથાંતરણ સહેલું બની જાય છે.

વળી, આ ફિલ્મો, સિરિયલો અને વેબસીરિઝોમાં હિન્દુઓને પૈસા પાછળ ભાગતા દર્શાવાય છે. આવક પૂરતી હોય પણ જરૂરિયાતો વધુ હોય તો સ્વાભાવિક ઘરની જરૂરિયાતો- વૉશિંગ મશીન, કાર, વગેરે પૂરી ન જ થાય. આથી આવા લોકોને પૈસા માટે અપરાધ કરતા, જાતીય સંબંધ બનાવતા દર્શાવાય છે. આ કારણે પણ પંથાંતરણને વેગ મળે છે કારણકે લેખમાં દર્શાવ્યા પ્રમાણે, કટ્ટર મુસ્લિમો અને ખ્રિસ્તીઓ લોભલાલચ આપીને પંથાંતરણ કરાવે છે.

બૉક્સ-૩ : અસમાન કાયદા પણ વિપંથી બનવા પ્રેરે છે!

પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રએ હેમામાલિની સાથે લગ્ન કરવા મુસ્લિમ બનવાનું સ્વીકાર્યું હતું. આ જ રીતે જાણીતા અભિનેતા-ગાયક-સંગીતકાર-નિર્માતા-નિર્દેશક કિશોરકુમારે પણ મધુબાલા નામની મુસ્લિમ અભિનેત્રી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. આ રીતે નાગરિક કાયદાઓમાં ઇસ્લામના અંગત કાયદાઓ છે જ્યારે નહેરુના સમયમાં હિન્દુ કૉડ બિલ લાવી હિન્દુઓ પર બે લગ્ન કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો. આમ, અસમાન કાયદાઓના કારણે હિન્દુ મુસ્લિમ કે ખ્રિસ્તી બનવા પ્રેરાય છે. કહેવાનો અર્થ એ નથી કે હિન્દુઓમાં પણ બે લગ્નની છૂટ આપવી જોઈએ પરંતુ મુસ્લિમો અને ખ્રિસ્તી માટે અલગ કાયદા ન હોવા જોઈએ. બધા પંથની વ્યક્તિઓ માટે સમાન કાયદા જ હોવા જોઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment