Home » ડ્રગ્ઝ, સેક્સ અને પાકિસ્તાનપ્રેમ: બૉલિવૂડની સફાઈ શા માટે જરૂરી છે?

ડ્રગ્ઝ, સેક્સ અને પાકિસ્તાનપ્રેમ: બૉલિવૂડની સફાઈ શા માટે જરૂરી છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: ઘણા એમ કહે છે કે બૉલિવૂડને જ શા માટે ટાર્ગેટ કરો છો? એટલા માટે કે તેને અનુસરનારો આખા દેશનો યુવા વર્ગ છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું પહેલાં હિન્દી ફિલ્મ જગતમાં આવાં દૂષણો નહોતાં? અત્યારની આ સ્થિતિ માટે સ્માર્ટ ફૉન, સૉશિયલ મિડિયા, મિડિયા અને સમાજ એ ચાર પરિબળ જવાબદાર છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૭/૦૯/૨૦૨૦)

દિન-પ્રતિદિન હિન્દી ફિલ્મ જગતમાંથી ડ્રગ્ઝ કેસમાં નવાં-નવાં નામો બહાર આવી રહ્યાં છે. રિયા ચક્રવર્તીનું નામ બહાર આવ્યા પછી સારા અલી ખાન, પછી શ્રદ્ધા કપૂર, રકુલપ્રીતસિંહનાં નામ બહાર આવ્યા. તે પછી માલ માગતી ‘મસ્તાની’ દીપિકા પાદુકોણનું નામ આવ્યું. નમ્રતા શિરોડકર તો હૈદરાબાદમાં સુપરસ્ટાર મહેશ બાબુને પરણીને ઠરીઠામ થઈ ગઈ હતી. તે ન તો ટ્વીટ દ્વારા ચર્ચામાં રહેતી હતી, ન તો તેના પાર્ટીના ફૉટો બહાર આવતા હતા. તે પછી સેક્યુલરોની ગેંગની દીયા મિર્ઝાનું નામ પણ બહાર આવ્યું.

જેમનો પરિવાર અત્યાર સુધી શિષ્ટતા, સૌમ્યતા અને સંસ્કાર માટે ચર્ચિત હતો તેવા બચ્ચન પરિવારનાં જયા બચ્ચનને શું સૂજ્યું તે સંસદમાં રવિ કિશન દ્વારા ડ્રગ્ઝ કેસ ઉઠાવવા સામે બોલ્યા: પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કા નામ ખરાબ મત કરો. જિસ થાલી મેં ખાતે હો ઉસ થાલી મેં છેદ નહીં કરના ચાહિએ. તે પછી જયા બચ્ચનની અત્યાર સુધી ખાસ ચર્ચિત નહીં રહેલી પુત્રી શ્વેતાની મલાઇકા અરોરા, ઝોયા અખ્તર વગેરે સાથે ‘પાર્ટી’ની તસવીરો અને વિડિયો આવવા લાગ્યા અને બધાને તાળો મળી ગયો. હં…આ કારણે જ પેટમાં દુ:ખ્યું લાગે છે. બાબુમોશાય બિચારા, માંડ કોરોનામાંથી સાજા થયા અને હવે આ ઉંમરે આ જોવાનું આવ્યું. તેમના પરથી લોકોને માન હટી ગયું. કેબીસી વિશે કંઈક લખ્યું તો લોકોએ મૌન રહેવા માટે અને જયા બચ્ચને આવું કહ્યું તેના કારણે ખૂબ વિરોધ કર્યો.

શું હિન્દી ફિલ્મ જગત અત્યારે જ આટલું બગડી ગયું છે? પહેલાં ત્યાં બધું સમૂસુતરું હતું? ના. કાવાદાવા, દારૂની રેલમછેલ, કાસ્ટિંગ કાઉચ તો વર્ષોથી ચાલે છે. પરંતુ વખતોવખત આવા મુદ્દા આવતા રહે છે અને લોકો દિવસોના દિવસો ચર્ચા કરી પછી ભૂલી જાય છે. એ ભૂલી જાય છે ત્યાં જ વાંધો છે. ૧૯૯૩માં મુંબઈ ધડાકા વખતે સંજય દત્તની ઘણી ચર્ચા થયેલી. પણ થયું શું? તેની સામાન્ય ફિલ્મ ‘ખલનાયક’ ખૂબ ચાલી. તેમાં ગીત પણ ખલનાયકનો મહિમાગાન કરતો હોય તેવું હતું. ‘નાયક નહીં ખલનાયક હૂં મૈં’.

કુછ ભી નહીં યાદ ઇસ કે સિવા

ના મૈં કિસી કા ના કોઈ મેરા

જો ચીઝ માંગી નહીં વો મિલી

કરતા મૈં ક્યા ઔર બસ છીન લી

મૈં ભી શરાફત સે જીતા મગર

મુઝ કો શરીફો સે લગતા થા ડર

સબ કો પતા થા મૈં કમઝોર હૂં

મૈં ઇસ લિયે આજ કુછ ઓર હૂં

બોલો. મારું કોઈ નથી. હું કોઈનો નથી. મારે જે જોઈતું હતું તે ન મળ્યું એટલે છિનવી લીધું. ભાઈને પ્રમાણિકતાથી-સજ્જનતાથી જીવવું હતું પરંતુ સજ્જનોનો ડર લાગતો હતો. બધાને ખબર હતી કે આનામાં કંઈ નથી. એટલે જ તે આજે કંઈક બીજો- ખલનાયક બની ગયો છે.

કેટલું મહિમામંડન! આપણા પ્રિય આનંદ બક્ષીએ લખ્યું હોય અને પ્રિય નિર્દેશક સુભાષ ઘઈની ફિલ્મ હોય તેથી શું થયું?

‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ વખતે બહાદુર અભિનેત્રી પ્રીતિ ઝિંટાને દાઉદ ઈબ્રાહિમની ટોળીના ધમકીના ફૉન આવેલા. તેણે હિંમતપૂર્વક ફરિયાદ કરી. તે પહેલાં પાકિસ્તાનમાં રહેલા દાઉદના સાગરિત છોટા શકીલ અને શાહરુખ ખાનની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘બાદશાહ’ વગેરે ફિલ્મોના નિર્માતા ભરત શાહ વચ્ચે ટેલિફૉનિક વાતચીતની ૩૨ ટેપ બહાર આવી. તે પછી દીપિકા પાદુકોણના ફેવરિટ (વાઇસા વર્સા) સંજય લીલા ભણશાળીની ‘હમ દિલ દે ચુકે સનમ’ના ફાઇનાન્સર જમુ સુગંધના ભાઈ હરીશ સુગંધ, સંજય દત્ત, મહેશ માંજરેકર, સંજય ગુપ્ત (‘કાંટે’ ફિલ્મ યાદ હશે)ની છોટા શકીલ સાથેની વાતચીત બહાર આવેલી. આ ટેપમાં સંજય દત્ત ઋત્વિકના કરિશ્મા (સંભવત: કપૂર) વર્તન વિશે ફરિયાદ કરે છે તો છોટા શકીલ કહે છે, “ભાઈ જ્યાદા દિન નહીં હૈ.” એટલે ઋત્વિક રોશનને મારવાનું કાવતરું પણ હતું. એ સમય હતો જ્યારે ઋત્વિકના કસરતના કારણે કસાયેલા શરીર, ડાન્સ અને અભિનયથી શાહરુખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત બધાને બીક લાગવા લાગેલી કે તેમની દુકાન બંધ થઈ જશે.

આ બધું થયેલું અટલજીની ભાજપ અને સાથી પક્ષોની સરકારમાં. તે પછી યુપીએ સરકાર આવી. તેણે ધાર્યું હોત તો

આ બાબતે તપાસ આગળ ચલાવીને દાઉદ ઇબ્રાહિમનાં નાણાં અને તેની હિન્દી ફિલ્મ કલાકારોને ધાકધમકી વગેરે બધું બંધ કરાવી શકી હોત. પણ તેમ ન થયું અને ઉલટું, દાઉદ પર અનેક ફિલ્મો બની. સંભવત: એના કારણે મહેશ ભટ્ટની ફિલ્મો પણ ઘણી આવી જેમાં ગુંડા અને પરિણીત સ્ત્રીઓના લફરાં, ડ્રગ્ઝ વગેરે જ બતાવાયેલું.

તાજેતરમાં કંગના રનૌતે મુંબઈને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે સરખાવ્યું હતું. તે વખતે રીતેશ દેશમુખ (કૉમેડીમાં બીજા કલાકારો સાથે તે હોય તો તેનો જોટો ન જડે), ઊર્મિલા માતોંડકર, દીયા મિર્ઝા વગેરેએ પોતાને મુંબઈએ ઘણું આપ્યું છે તેવાં ટ્વીટ કરવા લાગેલાં. મુંબઈએ ઘણું આપ્યું છે એટલે જ કંગના જેવા અનેક લોકોને દુઃખ થાય છે કે મુંબઈમાં આ શું થઈ રહ્યું છે. મુંબઈએ કંગનાને ઘણું આપ્યું છે તો કંગનાએ પણ ‘મણિકર્ણિકા’ જેવી ઝાંસીની રાણી પર ફિલ્મ બનાવી અનેક લોકોને રોજગારી આપી અને સાથે આ દેશને સાચો ઇતિહાસ પણ યાદ અપાવ્યો. તેણે અનેક ફિલ્મો સ્ત્રી કેન્દ્રિત કરી છે તે પણ ન ભૂલવું જોઈએ.

પરંતુ વાત એ નથી. આ ટ્વીટ કરનારા પૈકી એક રીતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. જ્યારે મુંબઈ પર હિન્દુ આતંકવાદમાં ખપાવી દેવા હિન્દુ જેવો વેશ ધારણ કરીને અજમલ કસાબ અને તેના સાથીઓ ત્રણ દિવસ તૂટી પડ્યા હતા તેના માત્ર એક મહિનામાં આ વિલાસરાવજી શું કરતા હતા? તેઓ મુખ્ય પ્રધાન તરીકે આ ત્રાસવાદના લીધે નષ્ટ હૉટલ તાજ જોવા જાય તે માની શકાય પરંતુ તેમની સાથે તેમનો અભિનેતા દીકરો રીતેશ અને નિર્માતા-નિર્દેશક રામગોપાલ વર્મા ગયા હતા!

તે વખતે વિલાસરાવની ખૂબ જ ટીકા થઈ હતી કે આ સમય હૉટલમાં વીઆઈપી ટૂરનો નથી. તે વખતે એવું ચર્ચાયેલું કે રામગોપાલ વર્મા આ ઘટના પરથી ફિલ્મ બનાવવાના છે. અને એમાં ના નથી કે તેમણે ‘એટેક્સ ઑફ ૨૬/૧૧’  નામની સુંદર ફિલ્મ બનાવેલી જે જુઓ તો પણ રુંવાડા ખડા થઈ જાય અને આ ત્રાસવાદીઓ પ્રત્યે અને તેમની આળપંપાળ-તુષ્ટિકરણ કરનારા સેક્યુલર રાજકારણીઓ-પત્રકારો ગુસ્સો આવે.

પરંતુ એ સમય યોગ્ય નહોતો જ. અને મુખ્ય પ્રધાન સાથે રામગોપાલ જાય તે પણ બરાબર નહોતું. કહેવાનો અર્થ એ છે કે જે સમયે આવી અત્યંત ખરાબ ઘટના બની હોય ત્યારે પણ કૉંગ્રેસના મુખ્ય પ્રધાનને રામગોપાલ અને પોતાના દીકરાને લઈ જવાનું સૂજે છે.

આ ૨૬ નવેમ્બરના હુમલામાં ત્રાસવાદી ડેવિડ હેડલીના દોસ્ત તરીકે રાહુલ ભટ્ટનું નામ બહાર આવેલું અને રાહુલ એ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટનો દીકરો થાય. તે વખતે પણ સાધ્વી પ્રજ્ઞા, સ્વામી અસીમાનંદ, કર્નલ પુરોહિત જેવા નિર્દોષ લોકોને સંડોવીને આરએસએસને વગોવાના બદલે અત્યારે જેમ એનઆઈએ એક-એક ત્રાસવાદીને પકડે છે જેના કારણે છેલ્લાં છ વર્ષથી સમગ્ર ભારતમાં નાગરિકનું મૃત્યુ થાય તેવી એક પણ ત્રાસવાદી ઘટના નથી બની તેવું કર્યું હોત તો કેટલા હિન્દુ-મુસ્લિમ અને વિદેશી નાગરિકોના પ્રાણ બચી ગયા હોત?

આપણે પ્રશ્ન એ ઉઠાવ્યો હતો કે શું હિન્દી ફિલ્મ જગત પહેલાં પણ બગડેલું હતું? તો જવાબ છે ના, આટલું નહીં. પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂર ફિલ્મોમાં આવે, પણ તે નેપોટિઝમ અથવા વંશવાદ ગણાતો નહોતો. એનું કારણ એ છે કે ફિલ્મના સેટ પર તેમને એક સામાન્ય વ્યક્તિ ગણી વ્યવહાર કરાતો હતો. યાદ છે ને, કેદાર શર્માએ રાજ કપૂરને મારેલી થપ્પડ?

રાજ કપૂર ’જ્વાર ભાટા’માં ક્લેપ બૉય હતા! નિર્દેશક કેદાર શર્મા શૂટિંગ શરૂ કરવા કહે એટલે રાજ કપૂરને જઈને ક્લેપ આપવાનો. ક્લેપ એટલે ક્લેપર બૉર્ડનું ટૂંકું નામ જેમાં કેટલામો ટેક છે, કઈ ફિલ્મ છે વગેરે લખેલું હોય. તેનાથી ફિલ્મ અને અવાજ બંનેનો તાલ-મેળ બેસાડી શકાય (કારણકે ત્યારે સંવાદોનું ડબિંગ પાછળથી થતું). રાજ કપૂરને કેમેરામાં કેદ થવાનો શોખ અને કેમેરા મેન સાથે તેમની મિત્રતા થઈ ગઈ હતી. આથી રાજ કપૂર ક્લેપ આપવા જાય ત્યારે કેમેરામેન તેમનો ક્લૉઝ અપ લઈ લે અને તેની તસવીરો તેમને આપી દે. આ માટે રાજ કપૂર પોતાના વાળ બરાબર ઓળી લે. એક વખત ક્લેપર બૉર્ડ અને એની લાકડી વચ્ચે રાજની દાઢી ફસાઈ ગઈ. યૂનિટના બધા લોકો હસી પડ્યા પણ કેદાર શર્મા ગુસ્સે થઈ ગયા અને રાજના મોઢા પર તમાચો મારી દીધો. રાજ કંઈ ન બોલ્યા. એ દિવસે પણ નહીં અને એ પછી પણ નહીં. તેમણે પિતાજીને ફરિયાદ પણ ન કરી. જોકે તે પછી કેદાર શર્માએ જ રાજ કપૂરને મુખ્ય ભૂમિકામાં લઈ ‘નીલકમલ’, ‘બાવરે નૈન’ વગેરે ફિલ્મ બનાવી.

રાજ કપૂર પોતે પણ પોતાના દીકરાને લૉન્ચ કરતી ફિલ્મો બનાવી પણ સેટ પર પિતા-પુત્રનો સંબંધ ભૂલી જવાનો. સેટ પર તો તેઓ

’રાજ સાબ’ જ. અને જેવો વ્યવહાર બીજા બધા સાથે થાય તેવો જ વ્યવહાર પુત્ર સાથે પણ થાય. ઋષિ કપૂરને જ્યારે ‘મેરા નામ જોકર

’ માટે એવૉર્ડ મળ્યો ત્યારે રાજ કપૂરે કહ્યું, “જા, દાદાજીના ચરણોમાં એવૉર્ડ રાખી આવ.” ઋષિ ત્યારે તો ૧૨-૧૩ વર્ષના. દાદા પૃથ્વીરાજજીના રૂમમાં ગયા અને તેમના ચરણોમાં એવૉર્ડ રાખી દીધો. દાદાજીએ જોયું અને પૌત્રને ગળે લગાડી દીધો. તેમની આંખો છલકાઈ ગઈ અને તેમણે રાજ કપૂરને કહ્યું, “તુમને આજ મેરા કર્જ ઉતાર દિયા.”

આ હતી શિસ્ત અને આ હતા સંસ્કાર. ઋષિ કપૂરે પણ એક વાર રણબીર નાનો હતો ત્યારે તેને થપ્પડ મારેલી. બન્યું હતું એવું કે ઘરમાં પૂજા હતી. રણબીરને ખબર નહીં કે પૂજાના સ્થળે ચપ્પલ કે બૂટ પહેરીને ન જવાય. રણબીર ગયો અને સટ્ટાક…એક થપ્પડ પડી.

આજે તો ઋષિ કપૂર નથી. અને ૨૦૧૯ની એ પાર્ટી કરણ જૌહરના ઘરે થઈ હશે ત્યારે પણ તેઓ માંદા જ હતા. નહીં તો તેમના દીકરાનું નામ કથિત ડ્રગ્ઝના વિડિયોમાં આવતું જોઈને તેમને ફરી રણબીરને થપ્પડ મારવાનું મન થાત.

સંજય દત્ત પણ ડ્રગ્ઝના રવાડે ચડી ગયો હતો પણ તેના સજ્જન પિતા સુનીલ દત્તે તેને અમેરિકા મોકલી ડ્રગ્ઝની લત છોડાવડાવી. જ્યારે તેના વિરુદ્ધ પણ લોકો લખતા-બોલતા ત્યારે સુનીલ દત્તે જયા બચ્ચનની જેમ સંસદમાં એમ નહોતું કહ્યું કે જિસ થાલી મેં ખાતે હો ઉસ થાલી મેં છેદ કરતે હો. વળી, તે વખતે સ્માર્ટ ફૉન નહોતા કે નહોતું સૉશિયલ મિડિયા. તેથી છાશવારે સેલ્ફી લેવાની, વિડિયો ઉતારવાનું વગેરે નહોતું. આ તો કરણ જૌહર ગર્વથી જાણે મોટું સદ્કાર્ય કર્યું હોય તે રીતે સૉશિયલ મિડિયા પર મૂકે! વેબસિરિઝોમાં પણ તેના ગુણગાન થાય. રાજકુમાર હિરાણી ‘સંજુ’માં ડ્રગ્ઝ-સેંકડો સ્ત્રીઓ સાથે સેક્સને ગ્લૉરિફાય કરે! તે વખતે કલાકારો પણ પ્રશંસકોથી દૂર રહેતા હતા. તેઓ ભલા અને તેમનું કામ ભલું. તેઓ અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, કરીના કપૂર ખાન, સોનમ કપૂર આહુજા વગેરેની જેમ એક્ટિવિસ્ટ નહોતા બની જતા. શબાના આઝમી અપવાદ હતી પણ તેઓ પોતાનું ધારાવીની ઝૂંપડપટ્ટી માટે કામ કરતા. દરેક મુદ્દા પર રોજ બોલવું તેવું નહોતું. ફિલ્મ કલાકારોને પોતાને જ એક હદથી વધુ પબ્લિસિટી પસંદ નહોતી. અને સાધના, શકીલા, માલાસિંહા જેવાં અનેક કલાકારો તો ઢળતી ઉંમર પછી પાર્ટી વગેરેથી દૂર જ થઈ ગયા. તેમને તેમનો વૃદ્ધ ચહેરો સમાચારમાં આવે તે પસંદ નહોતું.

અને મિડિયાનો પણ વાંક ખરો. પેજ થ્રી નહોતું. તેથી રોજ પાર્ટીના ફોટા નહોતા આવતા. લહેરેની વિડિયો કેસેટમાં કોઈક ફિલ્મની સફળતાની પાર્ટીનાં દૃશ્યો જોવા મળી જાય તો પણ આનંદ થતો. ઝૂમ, ઇ-૨૪, ઝી ઇટીસી, ફેશન ટીવી વગેરે ચેનલો નહોતી. સમાચાર ચેનલોમાં પણ મનોરંજનનું બહુ સીમિત સ્થાન હતું. તે રવિવારની ફિલ્મ કૉલમ પૂરતું સીમિત રહેતું અને આ કૉલમોમાં મોટા ભાગે અશ્લીલ ગીતો, હિંસક વાર્તા વગેરેના આધારે કડક ટીકા થતી. પરંતુ પછી સિટી સ્પેશિયલ ચાર પાનાં આવવાં લાગ્યાં. તેમાં એક આખું પાનું હિન્દી ફિલ્મ પર હોય અને મેઇન એડિશનમાં એક પાનું તો ખરું જ. અને રોજેરોજ આ બે પાનાં ભરવાનાં કેમાંથી? શોધો તો તેમાં પણ સારા પ્રયોગો થઈ શકે (આ લેખકે ‘નવરંગ’ ફિલ્મ પૂર્તિના સંપાદક તરીકે ચાર વર્ષ કામ કર્યું જ છે) પરંતુ ચાર-પાંચ સારી દેખાતી હિરોઇનોની બૉલ્ડ તસવીરો અને તેની ગૉસિપ લઈને જગ્યા ભરી દેવાની એટલે વાત પતે.

અને છેલ્લે સમાજનો પણ વાંક. પહેલાં સમાજ ફિલ્મ જગતને નીચી નજરે જોતો. આથી ફિલ્મોમાં જે કોઈ ફેશન દેખાડાય તેને અનુસરનારા ઓછા હતા. બાકી ૭૦ના દાયકામાં જ હિરોઇનો ટી-શર્ટ, જીન્સ પહેરવા લાગેલી. હીરો પણ જીન્સ પહેરતા હતા. સિગરેટ-દારૂ પીતા હતા. તેનું આંધળું અનુકરણ નહોતું થતું. બહુ-બહુ તો હેરસ્ટાઇલ વગેરેની નકલ થાય. પરંતુ ૨૧મી સદીમાં આ આંધળું અનુકરણ થવા લાગ્યું છે. એટલે જ, બૉલિવૂડની ડ્રગ્ઝ મંડળીનો બચાવ કરનારા ભલે એમ કહે કે અન્યત્ર પણ ડ્રગ્ઝ પકડાય જ છે, માત્ર બૉલિવૂડને શા માટે ટાર્ગેટ કરાય છે, પણ બૉલિવૂડની સફાઈ પહેલાં જરૂરી છે. હિન્દી ફિલ્મ જગત માત્ર ડ્રગ્ઝ અને કાસ્ટિંગ કાઉચ પૂરતું સીમિત નથી રહ્યું- તેમાં હિન્દુ સંસ્કૃતિનો વિરોધ, અંધારી આલમ સાથે સાંઠગાંઠ અને પાકિસ્તાનપ્રેમ પણ ભરપૂર ઉમેરાયા છે. આથી તે અટકશે અને સુધરશે તો તેને અનુસરનારો આખા દેશનો યુવા વર્ગ સુધરશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment