Home » કેવળ સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય?

કેવળ સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય?

by Jaywant Pandya

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૫-૧૧-૧૭)

તાજેતરમાં મારે સોશિયલ મિડિયાના વિષય પર એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાગ લેવાનું થયું. શું સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય? નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયાના આધારે 2014માં ચૂંટણી જીત્યા તો આ વખતે ગુજરાતમાં કોણ જીતશે? આવા પ્રશ્નો ચર્ચામાં ઉઠ્યા. ખાસ તો ભાજપ અને કૉંગ્રેસ દ્વારા હેરકટિંગ સલૂનમાં ફિલ્માવાયેલા ગુજરાતના વિકાસ અમે કર્યોનો સંદેશ આપતા વિડિયો કેન્દ્ર સ્થાને હતા. આજે આપણે આ મુદ્દે વિગતે વાત કરવી છે.

વચ્ચે 1996થી 1998ના બે વર્ષ બાદ કરો તો 1995થી 20 વર્ષ ભાજપનું શાસન છે. આ 20 વર્ષમાં એક આખી નવી પેઢી યુવા મતદારોની આવી ગઈ છે. આ પેઢીએ માત્ર ભાજપનું શાસન જ જોયું છે. જે ગુજરાત મોડલ પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી વડા પ્રધાન થયા તેની સામે છેલ્લાં બે વર્ષમાં ઊભા થયેલાં અથવા ઊભા કરાયેલાં આંદોલનોએ પ્રશ્નો ઊઠાવ્યા. તેમાં તાજેતરના મહિનાઓમાં વરસાદ, પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડરની મોંઘવારી, સિવિલ હૉસ્પિટલમાં બાળકોનાં મૃત્યુએ આ ચિત્ર વધુ ધૂંધળું બનાવ્યું. પરિણામે ભાજપ 1995 પહેલાં કૉંગ્રેસના શાસનમાં કઈ કઈ તકલીફો હતી તેની વાત સમજાવવા જાય છે. ભાજપ કહે છે કે કૉંગ્રેસના શાસનમાં 365 દિવસમાંથી 250 દિવસ તો કર્ફ્યૂ રહેતા, ધૂળિયા રસ્તા હતા અને લાઇસન્સરાજ હતું તેથી વેપાર ઠપ રહેતો, દાણચારો ને બૂટલેગરોને ઘીકેળાં હતાં, તો કૉંગ્રેસ 1995 પહેલાં તેણે શું વિકાસ કરી બતાવ્યો હતો તેની વાત કરે છે. તે કહે છે કે આજે જે કંઈ સરકારી કૉલેજો ને યુનિવર્સિટી છે, જે જીઆઈડીસીઓ છે, ડેરીઓ છે, એરપૉર્ટ છે તે બધું કૉંગ્રેસ સરકારની દેણ છે. મજાની વાત એ છે કે આ બંને પક્ષોને પોતાની 1995 પહેલાની વાત નવી પેઢીને સમજાવવી અઘરી પડે છે. નવી પેઢી ફાસ્ટ છે. ઝડપમાં માને છે. મોદીજીએ જે ઝડપે વિકાસ કરી બતાવ્યો તેનાથી લોકોમાં અપેક્ષા વધુ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બે મુખ્યપ્રધાન આવ્યા હોવાથી આ ઝડપ ઓછી લાગે તે સ્વાભાવિક છે. અલબત્ત, વિજયભાઈ રૂપાણીએ છેલ્લાં એક વર્ષમાં પૂરઝડપે અનેક નિર્ણયો લીધા છે પરંતુ તેને ચૂંટણી સંદર્ભે જોડીને પ્રશ્ન થાય તે પણ સ્વાભાવિક છે કે શું ચૂંટણી ન હોત તો સરકારે આટલા ઝડપી અને રાહત આપનારા નિર્ણયો લીધા હોત? આટલી નરમાશ આશાવર્કરોથી માંડી ફિક્સ વેતનવાળા તેમજ અન્ય લોકો પ્રત્યે રાખી હોત?

સોશિયલ મિડિયા હવે નિર્દયી થયું છે. કોઈની સાડા બારી રાખતું નથી. સોશિયલ મિડિયાએ પહેલાં હેરકટિંગ સલૂન, પાનના ગલ્લા અને પાદરનું જે સ્થાન હતું તે લીધું છે. પરંતુ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જે વિજય મળ્યો તે માત્ર સોશિયલ મિડિયાના આધારે જ મળ્યો તેમ કહેવું અતિશયોક્તિ છે. (જો એમ જ હોત તો 2004માં પણ ભાજપને વિજય મળવો જોઈતો હતો. ભલે એ સમયે સોશિયલ મિડિયા નહોતું પણ ઇન્ડિયા શાઇનિંગ અને ફીલ ગુડ ફેક્ટરનો જબરદસ્ત પ્રચાર હતો.) 2014 વખતે ભ્રષ્ટાચાર સામે આક્રોશ, પાકિસ્તાન દ્વારા આપણા સૈનિકોની અમાનવતાસભર હત્યા, દિલ્લીની પેરા મેડિકલ છાત્રા પર સામૂહિક બળાત્કાર વખતે જાગેલો આક્રોશ અને આ આક્રોશને ઠારવામાં સરકારની સંવેદનહીનતા, રાહુલ ગાંધી દ્વારા મનમોહન સરકારના ખરડાના જાહેરમાં લીરેલીરા કરવા, પ્રમાણિક ગણાતા આઈએએસ અધિકારી અશોક ખેમકાની કોંગ્રેસ અધ્યક્ષાના જમાઈ રૉબર્ટ વાડ્રાની જમીન સોદાને રદ્દ કરવાની ગુસ્તાખી બદલ વારંવાર બદલી…ઉપરાંત કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના નેતાઓનાં સંવેદનહીન-ગરીબો અને મધ્યમ વર્ગીય જનતાના ઘા પર મીઠું ભભરાવતા હોય તેવાં નિવેદનો-બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં મરાયેલા ત્રાસવાદી માટે સોનિયા ગાંધીને રડવું આવેલું (સલમાન ખુર્શીદ), ગરીબી એ તો એક માનસિકતા છે (રાહુલ ગાંધી) રૂ. પાંચમાં પણ જમવાનું મળે છે (રાજ બબ્બર), પત્ની અને મેચ નવા હોય ત્યાં સુધી જ આનંદ આપે (શ્રીપ્રકાશ જયસ્વાલ), તળાવ ખાલી હોય તો શું હું મૂત્ર વિસર્જન કરી ભરું? (અજિત પવાર), મીનાક્ષી નટરાજન તો ટંચ માલ જેવાં છે (દિગ્વિજયસિંહ), સલમાન ખુર્શીદ 71 લાખ કરતાં મોટું કૌભાંડ કરે (બેનીપ્રસાદ વર્મા) વગેરે નિવેદનો સામે લોકાક્રોશને મોદીએ એન્ગ્રી યંગ મેન અમિતાભનું રૂપ યાદ આવે તેવી છટાથી અદ્ભુત વાચા આપી.

એક તરફ તેમણે વાચા આપી અને સાથે સાથે એક વિકલ્પ પણ આપ્યો. તેમણે દિલ્લીની શ્રીરામ કૉલેજમાં પાણીના અડધા ગ્લાસમાં અડધો ગ્લાસ હવા હોય છે તેમ નવો દૃષ્ટિકોણ આપી નવી પેઢી સાથે તમામ વર્ગનું મન જીતી લીધું. તો સાથે ‘અબ કી બાર મોદી સરકાર’ની અદ્ભુત ક્રિએટિવ જાહેરાતો થઈ. મેઇનસ્ટ્રીમ મિડિયા પ્રત્યે ભાજપનો દૃષ્ટિકોણ આરએસએસમાંથી આવતા હોવાથી ઉપેક્ષાભર્યો અને અહંકારસભર રહ્યો છે તે કારણ હોય કે કોંગ્રેસના શાસનમાં ફાયદો મેળવી ભાજપના શાસનમાં જાકારો મેળવતા હોય, તેના કારણે મેઇનસ્ટ્રીમ મિડિયા અને ભાજપને ઉંદર-બિલ્લીના સંબંધ રહ્યા છે. આજે પણ છે. પણ ભાજપ વેબસાઇટ-બ્લૉગ અને તે પછી સોશિયલ મિડિયામાં અડવાણીના સમયથી અગ્રેસર રહ્યું. આથી સોશિયલ મિડિયાએ પણ 2014ની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ ઉપરાંત ભાજપે અડવાણી જૂથના નાનામોટાં ત્રાગાં બાદ કરતાં ખૂબ જ સંગઠિત થઈને ચૂંટણી લડી. દસ વર્ષ દરમિયાન હિન્દુ ત્રાસવાદ હેઠળ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત, અસીમાનંદને જેલમાં પુર્યા, આરએસએસને પણ આ મુદ્દે સંડોવ્યો, રાષ્ટ્રમાં 2006, 2008 જેવા અનેક ત્રાસવાદી હુમલા-બૉમ્બ ધડાકા થયા અને રાષ્ટ્રની સુરક્ષા પણ ખતરામાં જણાઈ, સામે પક્ષે ઘણા સમય સુધી કસાબ-અફઝલને ફાંસી ટળતી રહી તેથી આરએસએસ પણ ‘અભી નહીં તો કભી નહીં’ એમ સંકલ્પ કરીને ભાજપ સાથે આ જંગમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરનાં રમખાણો અને તે વખતે સૈફાઈમાં મુલાયમ-અખિલેશ યાદવ સલમાન-માધુરીનો ડાન્સ જોવામાં વ્યસ્ત હોય તેથી ઉ.પ્ર.એ અમિત શાહની સંગઠન શક્તિ અને મોદીના કાનપુર-મેરઠ-અમેઠી વગેરે જગ્યાએ સ્થાનિક મુદ્દા ઉઠાવતા પ્રચારના પ્રતિસાદમાં ભાજપને 80 પૈકી 75 બેઠકો આપી દીધી. આમ, ચૂંટણીની જીતનાં અનેક કારણો હોય છે પણ મિડિયાને વધુ યાદ રહ્યા એ વખતે મોદી માટે કામ કરનાર પ્રશાંત કિશોર તથા સોશિયલ મિડિયા. જો પ્રશાંત કિશોર જ ચૂંટણી જીતાડી શકતા હોત તો ઉત્તરપ્રદેશમાં કેમ તેઓ કૉંગ્રેસને જીતાડી ન શક્યા અને કૉંગ્રેસ માત્ર સાત બેઠક પૂરતી સીમિત રહી ગઈ?

અત્યારે પ્રશાંત કિશોર અને દિવ્યા સ્પંદનાના કારણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સોશિયલ મિડિયા પર સબળ બની છે. મેં ઘણા સમય પહેલાં કહેલું કે કૉંગ્રેસના નેતાઓ વિદ્વાન છે પણ ભારતની જનતા સાથે સેતુબંધ બાંધી શકતા નથી કારણકે અંગ્રેજીમાં ભરડ ભરડ કરે છે. રણદીપ સૂરજેવાલા હિન્દી બોલે તો એ અંગ્રેજીમાં વિચારીને અનુવાદ કરતા હોય તેવું બોલે છે. શશી થરૂરનું તો અંગ્રેજી ભલભલા અંગ્રેજી જાણકારોનેય ડિક્શનરી ઉથલાવતા કરી દે તેવું હોય છે. મનમોહન અંગ્રેજી બોલે કે હિન્દી, પોપટની જેમ વાંચતા હોય તેમ ભાવહીન ચહેરે વાંચી જાય છે. જયરામ રમેશ પણ અંગ્રેજીમાં વિદ્વાન છે. અભિષેક મનુ સિંઘવી પણ પ્રભાવશાળી નથી. સંદીપ દીક્ષિત હિન્દીમાં સારા વક્તા ખરા પણ ‘સેનાધ્યક્ષ સડકના ગુંડા જેવી ભાષા બોલે છે’ તેવું કહી બાજી બગાડે, આવું જ દિગ્વિજયનું. આમ, ઈન્દિરા ગાંધી પછી કૉંગ્રેસમાં કોઈ સારા વક્તા અને કમ્યૂનિકેટર નથી. ગેસ સબસિડીના પૈસા બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફરની વાત કૉંગ્રેસે પણ કરી હતી. (આ જ વાત મોદી કેવી સરળ રીતે સમજાવી શકે છે? ભાજપમાં પણ અટલજી નિવૃત્ત થયા પછી આ જ શૂન્યાવકાશ હતો. અડવાણીજી પોતે ભૂતકાળમાં સ્વીકારી ચૂક્યા છે કે તેઓ અટલજી જેવા વક્તા નથી. મોદીજીને આગળ કર્યા નહીં. 2009માં હારનું એક કારણ આ પણ હતું.) પણ સબસિડી દૂર કરવાનો મામલો મિસફાયર થયો અને જયપુર અધિવેશનમાં રાહુલે નવમાંથી બાર બાટલા આપવાની જાહેરાત કરવી પડી. આરટીઆઈ, આરટીઇ અને ખાદ્ય સુરક્ષા કાયદા કૉંગ્રેસ લાવી પણ મોદી જેમ પોતે ઉજ્જવલા યોજના દ્વારા ચૂલો ફૂંકતી ગરીબ મહિલાને ગેસ કનેક્શન અપાવ્યું તે સમજાવી શક્યા, નોટબંધીના લાભ લોકોને મુશ્કેલી પડી તે છતાં લોકોને ગળે ઉતારી શક્યા કે આ પગલું દેશહિતમાં હતું તેમ કૉંગ્રેસ ન કરી શકી. આ પણ 2014માં હારનું એક મોટું કારણ હતું. ચૂંટણી સિવાયના સમયમાં કૉંગ્રેસે સારા હિન્દી વક્તાઓને તૈયાર કરવા જોઈએ જેના માટે પ્રૉફેશનલોની મદદ લઈ શકાય. કહેવતો, શ્લેષ, પ્રાસ, રમૂજો, શ્લોક, કવિતા, આ બધાનો કૉંગ્રેસના વક્તાઓના વક્તવ્યોમાં અભાવ હોય છે. ઘણી વાર બાંયો ચડાવી અનેક આક્રોશસભર પ્રહારો કરતાં એક ખડખડાટ હસાવી જનારી રમૂજ વધુ અસરકારક હોય છે.

રાહુલ ગાંધી એક માત્ર વક્તા છે જે હિન્દીમાં ઠીક-ઠીઈ બોલી શકે છે! ( નવજોતસિંહ સિદ્ધુ અત્યારે કૉંગ્રેસમાં છે પણ તેનો લાભ કેમ લેવાતો નથી તે આશ્ચર્યની વાત છે.) કેવું દુર્ભાગ્ય! કૉંગ્રેસનો ગઢ વર્ષોથી ઉત્તરપ્રદેશ રહ્યો. નહેરુ-ગાંધીના લોકો દાયકાઓથી ઉત્તરપ્રદેશથી ચૂંટાતા રહ્યા પણ ભારતના બહુમત વિસ્તારોને પ્રભાવિત કરી શકનારી હિન્દી પર પ્રભુત્વ ન કેળવી શક્યા! અલબત્ત, રાહુલજીના વક્તવ્યમાં સુધારો છે. જોકે એ જનતાને પ્રશ્નો પૂછવા, માઇક ઠીક કરવું, પૉઝ લેવો એ બાબતે મોદીનું અનુકરણ કરતા જણાય છે. તેમણે ટ્વિટર પર ભલે પીડી તો પીડીના સહારે (જસ્ટ જૉકિંગ) હિન્દીમાં ટ્વીટ કરવા માંડ્યું છે. શેરોશાયરી કરી સચોટ પ્રહાર પણ કરે છે. પરંતુ પ્રહારોની સાથે મોદીની જેમ હજુ રૉડમેપ જાહેર કરવાનો બાકી છે. તેમાં ગુજરાતમાં જેમ બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવાની, ખેડૂતોનાં દેવાં માફ કરવાની જૂનીપુરાણી જનતાને માગતી રાખવાની નીતિ અપનાવી છે તે ન ચાલે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

smdave1940 16/11/2017 - 5:59 PM

જેઓ નહેરુવીયન કોંગ્રેસનો ભૂતકાળ ન જાણતા હોય અને આજે સવારે જ નવા સવા ભારતીય રાજકારણમાં પ્રવેશ્યા હોય તેઓ નહેરુવીયન કોંગ્રેસના પ્રવક્તાઓથી કદાચ થોડા સમય માટે આકર્ષિત થાય. પણ જેઓ સમસ્યા અને સંદર્ભને જાણતા હોય તેઓ નહેરુવીયન કોંગ્રેસીઓના દંભ અને મીથ્યા પ્રલાપને સમજવાથી નહેરુવીયન કોંગ્રેસથી વધુ વિમુખ થાય છે.

શશિ થરુર પોતાને વિદ્વાન બતાવવાનીકોશિસ કરે છે. લંડનમાં હાલના એક સમયે બ્રીટીશ સરકારની ભારતનુ શોષણ કરવાની નીતિની તેઓશ્રીએ ટીકા કરેલી. તેથી કેટલાક વિદ્વાનો તેમના સ્પષ્ટવક્તવ્ય અને નિડરતાથી પ્રભાવિત થયા હતા. પણ આમાં શશિભાઈએ નવું કશું કહ્યું ન હતું. ગાંધીજીએ આજ વાત સો વર્ષ પહેલાં કહેલી. તે પછી પણ આ વાત અવારનવાર કહેવાઈ હતી. પણ બધી વાતો બધા જ સુજ્ઞ જનો સુધી ન પહોંચી શકે.

હવે આજ શશિભાઈએ પાકિસ્તાનીઓને વહાલા થવા પાકિસ્તાની ટીવી ચેનલ પર ચાલતા વાર્તાલાપમાં “૧૯૮૯-૯૦માં થયેલી કાશ્મિરી હિન્દુઓની હકાલ પટ્ટી આરએસએસના એજન્ડા પ્રમાણે થયેલી.” પાકિસ્તાનના એક વક્તાની આ વાતનું શશિ થરુરે સમર્થન કરેલ. વળી આ જ શશિ થરુરને નહેરુની ટીકા કરવા બદલ રુખસદ આપવામાં આવેલી. એવી નહેરુવીયન કોંગ્રેસને આ જ શશિભાઈ શોભાવી રહ્યા છે. નહેરુવીયન કોંગ્રેસમાં એક એકથી ચડે તેવા દંભી નેતા છે. જ્યાં સુધી નહેરુવીયન કોંગ્રેસીઓ વંશવાદ ને છોડી, નીતિનો માર્ગ અપનાવશે નહીં અને સખણા ચાલશે નહીં ત્યાં સુધી તેમનો રાજકારણમામ પુનરોદય શક્ય નથી.

Reply

Leave a Comment