Home » મહાનુભાવો તેમનાં પત્ની-સંતાનના કારણે લેફ્ટ-લિબરલ બની જાય છે?

મહાનુભાવો તેમનાં પત્ની-સંતાનના કારણે લેફ્ટ-લિબરલ બની જાય છે?

by Jaywant Pandya

તસવીર પ્રતીકાત્મક છે

સબ હેડિંગ: સામાન્ય રીતે નેતા, ઉદ્યોગપતિ, ક્રિકેટર કે પછી કોઈ સીઇઓ પદે, કોઈ એડિટર પદે, કોઈ યુનિવર્સિટીના કોઈ મોટા પદે કોઈ વ્યક્તિ જે સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતી હોય તે થોડા દિવસો સુધી તો પોતાની જૂની જિંદગી પ્રમાણે ડાઉન ટૂ અર્થ હોય છે. પરંતુ એકાદ-બે વર્ષમાં તેમના જીવનમાં દેખીતો ભપકાદાર ફેરફાર જોઈ શકાય છે. ભપકા સાથે વિચારમાં પરિવર્તન પણ ઘણું આવી જતું હોય છે. આવું કેમ બને છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૫/૧૦/૨૦૨૦)

તમે બહુ ઓછા સમાચાર વાંચતા હશો કે ફલાણા ધારાસભ્ય સામાન્ય સ્થિતિમાં ગુજરી ગયા. ફલાણો ગાયક ગરીબ સ્થિતિમાં પૈસાના અભાવે બીમારીગ્રસ્ત સ્થતિમાં મૃત્યુ પામ્યો. તેમની અંતિમયાત્રામાં નામાંકિત કોઈ ફિલ્મ કલાકાર ઉમટ્યા નહીં.

જે ભારતમાં તત્ત્વ અને ગુણને મહત્ત્વ હતું, જેમાં કદરૂપા અષ્ટવક્રની પણ મહાન વિદ્વાન તરીકે ગણના થતી હતી તે ભારતને લુણો લાગી ગયો છે. આજે જો તમે જ્ઞાની હો, તમે સારા કલાવિદ હો પરંતુ જો તમારી પાસે કાર ન હોય, તમારી પાસે સારું ફર્નિચર બેસવા માટે ન હોય, ડાઇનિંગ ટેબલ ન હોય, તમે કોટ-પેન્ટ ન પહેરતા હો, તમે ફાંકડુ અંગ્રેજી ન બોલતા હો તો ભારતમાં તમારી કોઈ કદર નથી. તમે કોઈ મોટા પદે હો પરંતુ તેનો તમે રોફ દર્શાવતા ન હો તો તમારું કોઈ માન નથી. તેનું બહુ મોટું ઉદાહરણ તેમના મૃત્યુનાં થોડાં જ વર્ષોમાં દેશ એ. પી. જે. અબ્દુલ કલામને ભૂલી ગયો તે છે. અબ્દુલ કલામ જ્ઞાની, વિજ્ઞાની ખરા, પરંતુ સત્તાનો રોફ ફટકારનાર નહીં. અહીં તમને તમારા ગુણ અને જ્ઞાનના લીધે માન સામેથી મળતું નથી, તેને માર્કેટિંગ દ્વારા, પ્રદર્શન દ્વારા, દેખાડા દ્વારા અને સત્તાના રોફ દ્વારા અને સત્તા ન હોય તો સત્તામાં જે હોય તેની સાથે ઘરોબો કરીને તેની સાથે નિકટતા દર્શાવીને અર્જિત કરવું પડે છે. આ દેશની આ કરુણ વાસ્તવિકતા છે. આ દેશ સાંસ્કૃતિક રીતે અમેરિકાનું (ફેશન, દારૂ, લાઇફસ્ટાઇલ) અને પાકિસ્તાનનું (ઉર્દૂ ભાષા) ખંડણી રાજ્ય હોય તેવું જો કોઈ બહારથી આવે તો તે અવલોકન કર્યા વગર ન રહે.

તળાજામાં એક ઋષિ જેવા વેશવાળા, ભારતના ઇતિહાસના જાણકાર, સંસ્કૃતના પ્રખર જાણકાર અને ગુજરાતી ભાષાના પ્રખર જ્ઞાની, સદાય સ્મિત વદન શ્રી ઉમાકાંત રાજ્યગુરુ રહે છે. ગાંધીનગરમાં થોડાં વર્ષો પહેલાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ શ્રી હર્ષદ શાહે માતૃભાષા ગૌરવ અભિયાન આદર્યું તેની કાર્યશાળામાં તેઓ તળાજાથી આવે. હસતાં-હસાવતાં ગુજરાતી વ્યાકરણ શીખવે. તેમણે લખેલી ગુજરાતી ભાષાના વ્યાકરણ, ગુજરાતી અદ્ભુત લઘુકથા વગેરેની કોઈ આકર્ષક કવર વગરની પુસ્તિકાઓની કિંમત રૂ. દસ, વીસ જેવી એકદમ નજીવી.  શ્રી હર્ષદભાઈ ગુણપારખુ છે એટલે તેમને તળાજાથી બોલાવે પણ આ જ વ્યક્તિ જો ઝભ્ભા-લેંઘા અને ઋષિ જેવી દાઢીના બદલે એટિકેટમાં પોતાનું માર્કેટિંગ કરી શકતી હોત તો સરકારથી લઈને શૈક્ષિણક સુધીના અનેક સ્તરે છવાયેલી હોત. ગુજરાતી ભાષાની કેટલી મોટી સેવા થઈ શકી હોત!

ઉમાકાંત રાજ્યગુરુની જેમ કેન્દ્રીય પ્રધાનમંડળમાં સંસ્કૃત ભાષાના પ્રખર જાણકાર અને સાદગીસભર વ્યક્તિત્વવાળા પ્રતાપચંદ્ર સારંગી છે જેમને નરેન્દ્ર મોદીની પારખુ નજરે કેન્દ્રીય પ્રધાન બનાવ્યા છે. પરંતુ મિડિયા તેમની આગળ-પાછળ બાઇટ લેવા નહીં ફરે કારણકે કંઈ મસાલો મળે તેમ નથી. લુટિયન્સ મિડિયાને કેવો ચહેરો જોઈએ તે ખબર જ છે. તેમને આજે રાનુ મોંડલમાં કંઈ રસ નથી. એની ટીઆરપી વેલ્યૂ એક્સ્પાયર થઈ ગઈ છે. (જોકે આ બધું પણ એડિટર જેની વાત પણ આજે આપણે કરીશુંના મનની ઉપજ જ હોય છે જે અર્નબ ગોસ્વામીએ સનાતન ધર્મ આધારિત પત્રકારત્વ કરીને ટીઆરપી મેળવીને બતાવી દીધું છે.)

આવા સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી અથવા મધ્યમ વર્ગમાંથી કોઈ સંઘર્ષ કરીને સફળતા મેળવીને ગુણાધારિત કોઈ મોટા પદ પર પહોંચે તે પછી તેની લાઇફ સ્ટાઇલમાં અચાનક કેમ પરિવર્તન આવી જાય છે? શું તેનું કારણ તેનો પરિવાર પણ છે? અથવા પરિવાર જ છે?

તમે જોશો કે નેતાની પત્ની, ઉદ્યોગપતિની પત્ની, ક્રિકેટરની અનુષ્કાની જેમ કોઈ સેલિબ્રિટી ન હોય તેવી પત્ની, અભિનેતાની ફિલ્મમાં સક્રિય નહીં તેવી પત્ની, સરકારમાં કે શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ પદે આસીન મહાનુભાવની પત્ની, કોઈ મોટી ચેનલ કે મોટા સમાચારપત્રના તંત્રીની પત્ની (અહીં નેતા, ઉદ્યોગપતિ, ક્રિકેટર/અન્ય રમતની ખેલાડી, અભિનેતા વગેરેને માત્ર પુરુષ તરીકે ધારી લેવાની આવશ્યકતા નથી. તે સ્ત્રી પણ હોઈ શકે છે.) આવા લોકોના વ્યવહાર એકાદ વર્ષમાં જ બદલાવા લાગે છે.

જેમ તમારાં લગ્ન હોય પરંતુ તેમાં તમારાં માતાપિતા કરતાંય વધુ તો સગાવહાલા (પરિવારમાં વર્ચસ્વ ધરાવતા) કહે કે પ્રિ વેડિંગ શૂટ તો કરાવવું જ પડે. મેનુમાં આટલી આઇટમ તો હોવી જ જોઈએ. વિડિયો શૂટિંગ અને તેનું લાઇવ ટેલિકાસ્ટ તો થવું જ જોઈએ અને હા, પેલી શાયરી બોલીને લલચાવીને પાન ન ખવડાવતી અને પછી ખવડાવતી વ્યક્તિ પણ જોઈએ જ. તમારું બજેટ કેટલું વધી જાય તે તમને ખબર નથી પડતી. વર્ષો પછી તમને થાય કે આટલાં નાણાં બચાવ્યાં હોત અને સાદાઈથી લગ્ન કર્યાં હોત તો કોરોના રોગચાળા કે પછી વૃદ્ધાવસ્થામાં કામ લાગત. (કેટલાકને એમ પણ લાગી શકે કે લગ્ન જ ન કર્યાં હોત તો! આ તો રમૂજ છે.)

આ રીતે, ઉક્ત મહાનુભાવોની આસપાસ પણ સગાવહાલા, સેક્રેટરી, સલાહકાર, ચાપલુસો, સબઑર્ડિનેટ ચમચા પત્રકારો વગેરેનું એક વર્તુળ ધીમેધીમે જામતું જાય છે. તે પોતાનું કામ કઢાવવા જો મહાનુભાવ પતિ હોય તો તેની પત્નીને અને જો મહાનુભાવ પત્ની હોય તો પતિને સાધે છે. પહેલાં તેઓ તેમની જીવનયાત્રા જાણી લેશે. પેલા લોકો ખુશીખુશી ગળગળા થઈને કેવી રીતે એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આ તબક્કે આવ્યા તે કહેશે. એટલે પછી તેમાંથી પૉઇન્ટ શોધી કહેશે, અરે ભાભી! તમે ઘરે કેમ બેઠાં છો? સમાજસેવા કરો. તમારી સેવા અને પ્રતિભાનો લાભ સમાજને આપો. કાં તો પછી તેમને ઉદ્ઘાટન સમારંભોમાં ઉદ્ઘાટન માટે બોલાવશે.

હવે આ લોકોએ અત્યાર સુધી ચમકદમક (ગ્લેમર), ભપકો, ગાડીમાંથી ઉતરતાં વેંત તેમને સત્કારવા લોકોની લાઇન આ બધું જોયું ન હોય. એટલે જો તેઓ આની પાછળનું સત્ય સમજી શકતા હોય તો જુદી વાત છે, નહીંતર આ વેસ્ટેડ ઇન્ટરેસ્ટના હાથમાં લપેટાવા લાગે. નેતાની પત્ની હોય તો તેમને ફિલ્મ કલાકાર, ટીવી કલાકાર, ક્રિકેટર, વકીલ, ન્યાયાધીશ, ચેનલ કે સમાચારપત્રના તંત્રી આ બધાની સાથે મજા આવે. કોઈ લેખકનું પુસ્તક વિમોચન હોય તો તેમને બોલવા માઇક આપી દે. નેતાપત્ની ખુશ-ખુશ.

આવી જ સ્થિતિ અન્ય ક્ષેત્રના મહાનુભાવની પત્ની/પતિની પણ થતી હોય છે.

ધીમેધીમે તેમને સમાજસેવાના ધખારા જાગે છે. કોઈ શિક્ષણનું તો, કોઈ આજકાલ બહુ ચાલે છે તે પર્યાવરણનું એનજીઓ ખોલે છે. કાં તો જો રાજકારણમાં હોય પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં બહુ ધાક હોય (બાળ ઠાકરે) તો સ્મિતા ઠાકરેની જેમ ફિલ્મ બનાવે છે.

આ ચમકદમકનું વાતાવરણ જ એવું હોય છે કે હૉટલના કોઈ ભવ્ય કૉન્ફરન્સ હૉલમાં સુગંધિત ઠંડકવાળા એસીમાં સામે કાંજીવરમ, સિફૉન વગેર સાડીમાં છુટાવાળ સાથે સ્ત્રીઓ બેઠી હોય કે પછી બ્લેઝર-પેન્ટમાં બૉબ્ડકટવાળવાળી સ્ત્રીઓ બેઠી હોય, ફ્રૅન્ચકટ દાઢીવાળા પુરુષો બેઠા હોય, કાર્યક્રમ પછી બ્રેકફાસ્ટ (અલ્પાહાર ન કહેવાય, યૂ નો!), લંચ, ડિનરમાં વાતચીતમાં ભારેખમ અંગ્રેજી વચ્ચે ગુજરાતી/હિન્દી ફટકારતા હોય, છિંક આવે એટલે ‘બ્લેસ યૂ’  એમ કહે, છરીકાંટા વડે જ જમાય, જમવામાં ગમે તેટલી ભૂખ હોય તો પણ લિમિટેડ ખાઈને હું બહુ તળેલી ખાતી/ખાતો નથી, મને ડાયાબિટિસ નથી પણ સ્વીટ હું એવૉઇડ કરું છું, તમે સબ્જી (શાક કહે તો ડાઉનમાર્કેટ થઈ જાય) લેશો? હું તમારા માટે લેતો આવું? એક પેગમાં કંઈ વાંધો નહીં. વી ઑલ વિલ હેવ ઇટ. ગિવ અસ કંપની. ઍક્ચ્યુઅલી, આઈ ડૉન્ટ બિલિવ ઇન ધિસ હવન્સ ઍન્ડ ધિસ સ્ટુડપિડ રિચ્ય્ઉઅલ્સ, યૂ નૉ! બટ ક્યા કરે! ઇસ પદ પે હૈ તો થોડા બહોત કરના પડતા હૈ. આવું બધું વાતાવરણ જુએ. પહેલાં તો મહાનુભાવની પત્ની/પતિને લઘુતાગ્રંથિ લાગી જાય. પરંતુ પછી તે જ તેના મનને કહે કે ના, આપણે આમાં ઢળવું પડશે. આ જ સાચી રીતભાત-આ જ સાચી સંસ્કૃતિ છે.

બસ, અહીંથી મહાનુભાવની પત્ની/પતિનું માનસિક, પારિવેશિક, લાઇફ સ્ટાઇલ સંબંધિત રૂપાંતરણ (મેકઑવર, યૂ નૉ!) ચાલુ થાય. જો મહાનુભાવની પત્ની/પતિ અંગ્રેજી, ઉર્દૂ નહીં જાણતા હોય તો તેના ખાનગી શિક્ષક રખાવશે. ઘરે ટ્યૂશન લેશે. પછી કપડાં, પગરખાં, ઘરેણાંની ખરીદી ચાલુ થશે. પોતાને જો સરકાર તરફથી સત્તાવાર નિવાસસ્થાન મળ્યું હશે તો તેમાં ભવ્ય ફર્નિચર, ક્રૉકરી…આદિનો ફેરબદલ થશે. અગાઉ પણ ત્યાં જે રહેતું હશે તેણે ભવ્ય જ બનાવ્યું હશે પરંતુ તે આઉટડેટેડ લાગશે.

અત્યાર સુધી સ્વધર્મ, સ્વભાષા, સ્વસંસ્કૃતિ, સ્વઓળખ, પોતાના પ્રદેશની આગવી ખાણીપીણી પર જ આધારિત રહીને આટલી સફળતા પામ્યા હશે પણ હવે તે ભૂલી જશે અને તેને એમ થશે કે તેઓ અત્યાર સુધી ખોટા રસ્તે ચાલ્યા. બીજું કે પતિ/પત્ની મહાનુભાવ તરીકે કમાય છે તે કોના માટે? તે નાણાંનું શું કરવાનું છે? બહુ સંઘર્ષમાં રહ્યા. હવે જલસા કરો. એટલે ધીમેધીમે સ્વધર્મ, સ્વભાષા, સ્વસંસ્કૃતિ, સ્વઓળખ, લગ્ન, સિંમત વગેરેના શાસ્ત્રીય રીતરિવાજોના બદલે અંગ્રેજી-ઉર્દૂ, પાશ્ચાત્ય સંસ્કૃતિ, પર ઓળખ, અન્ય રાજ્યની કે વિદેશી વાનગીઓ, વિદેશી રીતરિવાજો (જેમ કે લગ્નમાં વિધિ કરતાં તેને અનુષંગિક કાર્યક્રમોનું જ વધુ મહત્ત્વ અને તેમાં અમેરિકામાં પહેરે તેવા ગાઉન પહેરવા કે પાકિસ્તાનમાં જે ભાતનો ડ્રેસ પહેરાતો હોય તે ડ્રેસ પહેરવો, પુરુષો માટે તો બ્લેઝર-શર્ટ-ટાઇ-પેન્ટ, બૂટ જ હોય પરંતુ તેમાં પણ કેટલા મોઘામાં મોંઘા લઈ શકાય તેની હોડ હોય છે)ને મહત્ત્વ મળવા લાગે છે.

નેતા/ક્રિકેટર હોય તો તેમની પત્ની/પતિને ઉદ્યોગપતિની પ્રૉડક્ટ લૉન્ચિંગ પાર્ટી, ફિલ્મ જગતની ફિલ્મ લૉન્ચિંગ પાર્ટી, ફિલ્મ સક્સેસ પાર્ટી, અન્ય મહાનુભાવોની પાર્ટીઓમાં જવાનું આમંત્રણ મળવા લાગે છે. રોજ કોઈ ને કોઈ પાર્ટી તો હોવાની જ. આ રીતે, ધીમેધીમે તેમનો જમીન સાથે, ભારતની ધરા સાથે નાતો છૂટતો જાય છે. હવે તેમને તેમના સામાન્ય બેકગ્રાઉન્ડવાળાં (જેમના નૈતિક/આર્થિક/અન્ય ટેકાથી તેઓ આ કક્ષાએ પહોંચ્યા હોય) સગાંવહાલાં કે સંઘર્ષના સાથી એવા મિત્રો ગમતાં નથી. તેમની સાથે સંપર્ક છૂટતો જાય છે. અને તેઓ અલગ દુનિયામાં રાચવા લાગે છે. આ રીતે હવે તેઓ ભારતીયમાંથી હિન્દુ વિરોધી લેફ્ટ લિબરલ લુટિયન જેવા બની ગયા હોય છે.

જો આ મહાનુભાવનાં સંતાનો તરુણ હોય તો તેમને તો આ ચસકો વધુ લાગે છે કારણકે તેમણે બહુ સંઘર્ષ જોયો નથી. તેમનું પણ એક અલગ વર્તુળ (સર્કલ, યૂ નૉ!) બને છે. આમાંથી ક્યારે તેઓ દારૂ-ડ્રગના રવાડે ચડી જાય છે, ક્યારે કોઈ હિટ એન્ડ રન અકસ્માત કરી આવે છે કે પછી જેસિકા લાલની જેમ કોઈ વાજબી રીતે કોઈ વસ્તુ સર્વ કરવા કે આપવા ના પાડે એટલે તેમના મસમોટા અહંકારને ઠેસ પહોંચે છે. કાં તો મારામારી થાય છે અને કાં તો જેસિકા લાલ જેવી હત્યા. મોટા ભાગના અપરાધો દબાઈ જાય છે, જેસિકા લાલ કે સુશાંત/દિશા કેસમાં બેબી પેંગ્વિન જેવો કોઈ કેસ જવલ્લે જ બહાર આવે છે. આવે છે તો કૉર્ટમાં ન્યાય મળતો નથી. રખે એમ માનતા કે આ વાત માત્ર ખૂબ જ મોટા પદવાળા મહાનુભાવોના પરિવારને જ લાગુ પડે છે. નાની સરખી કંપની, નાની સરખી કૉલેજ, સેવાભાવી સંસ્થાઓના કર્તાધર્તા મહાનુભાવોના પરિવારની આસપાસ પણ આવું વર્તુળ રચાઈ તે પરિવાર અને છેવટે મહાનુભાવને લપેટામાં લઈ લે જ છે. લાલબહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદી, પ્રતાપચંદ્ર સારંગી માણિક સરકાર જેવા બહુ ઓછા લોકો જળકમળવત્ રહી શકે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment