Home » જર્જરિત ઢાંચાના ધ્વંસ અને એસ.ટી. બસના મુસાફરની વાર્તા

જર્જરિત ઢાંચાના ધ્વંસ અને એસ.ટી. બસના મુસાફરની વાર્તા

by Jaywant Pandya

સબ હેડિંગ: આ દેશની વિડંબના એ છે કે ૮૦ ટકા હિન્દુ વસતિવાળા દેશમાં સ્વતંત્રતા પછી પણ શ્રી રામમંદિર અંગેનો ચુકાદો ૭૨ વર્ષે અને જર્જરિત ઢાંચાના ધ્વસંના કેસનો ચુકાદો ૨૮ વર્ષે આવે છે! આ દેશની વિડંબના એ પણ છે કે ૧૫૨૮થી ૧૮૫૬ સુધી આ સ્થાને નમાઝ ન પઢાતી હોવા છતાં તેનો ઉલ્લેખ મસ્જિદ તરીકે કરવામાં આવે છે. આવી બીજી અનેક વિડંબનાઓ જાણવા વાંચો આ લેખ…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૪/૧૦/૨૦૨૦)

આખરે વિવાદિત ઢાંચાના ધ્વંસના કેસનો ચુકાદો આવી ગયો. સર્વે ૩૨ આરોપીઓ નિર્દોષ જાહેર થયા. આ કેસમાં જે જીવતા આરોપીઓ હતા તેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુધીર કક્કડ, સતીશ પ્રધાન, રામચંદ્ર ખત્રી, સંતોષ દુબે, કલ્યાણસિંહ, ઉમા ભારતી, રામ વિલાસ વેદાંતી, વિનય કટિયાર, પ્રકાશ શર્મા, ગાંધી યાદવ, જય ભાનસિંહ, લલ્લુ સિંહ, કમલેશ ત્રિપાઠી, બ્રિજ ભૂષણસિંહ, રામજી ગુપ્તા, મહંત નૃત્ય ગોપાલદાસ, ચંપત રાય, સાક્ષી મહારાજ, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લ, ધર્મદાસ, જય ભગવાન ગોયલ, અમરનાથ ગોયલ, સાધ્વી ઋતંભરા, પવન પાંડે, વિજય બહાદુરસિંહ, આર.એમ. શ્રીવાસ્તવ, ધર્મેન્દ્રસિંહ ગુર્જર, ઓમપ્રકાશ પાંડે, અને આચાર્ય ધર્મેન્દ્રનો સમાવેશ થતો હતો.

જ્યારે પરમહંસ રામચંદ્રદાસ, વિનોદકુમાર વત્સ, રામ નારાયણદાસ, ડી.બી. રાય, લક્ષ્મી નારાયણદાસ, હરગોવિંદસિંહ, રમેશ પ્રતાપસિંહ, દેવેન્દ્ર બહાદુર, અશોક સિંહલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુહારી દાલમિયા, મોરેશ્વર સ્વાવે, મહંત અવૈદ્યનાથ મહામંડલેશ્વર જગદીશ મુનિ મહારાજ, બૈંકુઠ લાલ શર્મા, સતીશકુમાર નાગર અને બાળાસાહેબ ઠાકરે વગેરે આરોપીઓનાં મૃત્યુ થયાં છે.

આ દેશની વિંડબના છે કે ૮૦ ટકા વસતિ હિન્દુઓની હોવા છતાં અહીં શ્રી રામમંદિર બનાવવા માટે સ્વતંત્રતા પછી ૭૨ વર્ષે ચુકાદો આવે છે અને તેમાંય શ્રી રામના વંશજ, નકશો સહિત અનેક પુરાવા માગવામાં આવે છે. એવું લાગે છે કે શ્રી રામરાજ્યમાં સીતાજી પાસે (આ વાત પાછળથી ઉમેરાયેલી પણ હોઈ શકે અને આથી અસત્ય પણ હોઈ શકે) પવિત્રતાના બે વાર પુરાવા માગવામાં આવે છે. પરંતુ હિન્દુઓએ તો અહીં પોતાના વારસા, પોતાનાં મંદિરો માટે પુરાવારૂપી અગ્નિપરીક્ષાઓ આપતા રહેવું પડે છે.

વિડંબના એ પણ છે કે જ્યારથી આ ઢાંચો બન્યો એટલે કે ઈ. સ. ૧૫૨૮થી ઈ. સ. ૧૮૫૬ સુધી તેમાં નમાઝ જ પઢાતી નહોતી. આવું સર્વોચ્ચ ન્યાયાલયે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના ચુકાદામાં નોંધ્યું છે. એટલ કે ૩૨૮ વર્ષ સુધી આ ઢાંચામાં નમાઝ પઢાતી નહોતી! આનો અર્થ શું થયો? તે કહેવા પૂરતી જ મસ્જિદ હતી. અને માત્ર હિન્દુઓને નીચું દેખાડવા જ તેને મસ્જિદ કહેવામાં આવતી હતી. વિડંબના એ પણ છે કે આ જર્જરિત ઢાંચાને મસ્જિદમાં ગણાવી તેને પાડી નાખવાના કાવતરા માટે કેસનો ચુકાદો ૨૮ વર્ષે આવે છે.

એક વાર્તા સાંભળો. એક સજ્જન એસ. ટી. બસમાં લાંબી મુસાફરી કરી રહ્યા હતા. એક જ બેઠક ખાલી હતી પરંતુ તે બેઠકની બાજુમાં માનવના નામે દાનવ આ બેઠક પર સજ્જનને બેસવા ન દે. તે એમ કહે કે તેની કોઈ વ્યક્તિ ત્યાં આવવાની છે. અરે ભાઈ! તેં રિઝર્વેશન કરાવ્યું છે? ના. રિઝર્વેશન નથી કરાવ્યું. તો? બસ, કહ્યું ને, મારા કોઈ સગા ત્યાં બેસશે. તે આવી રહ્યા છે. સજ્જન લાંબી યાત્રા દરમિયાન જુએ છે કે અનેક સ્ટેશનો ચાલ્યાં ગયાં પણ ત્યાં કોઈ આવતું નથી. અને તે વારંવાર કહે છે કે ભાઈ, બેસવા દે ને. થાક લાગ્યો છે. આટલો સામાન છે. સામાન મૂકવાની જગ્યા પણ નથી. ખભા પર વજનદાર થેલો ઊંચકીને ઊભા રહેવામાં થાક લાગે છે. પગ દુઃખી ગયા છે. હાથ દુઃખી ગયા છે. પણ પેલા વ્યક્તિમાં માનવતાનો એક છાંટોય નથી. તે બે સીટમાં બરાબર પહોળા પગ કરીને હાથ ફેલાવીને બેસે છે.

સજ્જને કંડક્ટરને ફરિયાદ કરી કે આને કહો ને કે મને બેસવા દે. પણ એ માનવના નામે દાનવ કંડક્ટરનો ઓળખીતો છે. કંડક્ટર કહે છે, હમણાં કહું છું. થોડી વાર પછી કંડક્ટર ઢીલા અવાજે કહે છે, આ ભાઈને બેસવા દો ને. પેલો દાનવ કહે છે, મારા સગા આવે છે. આમ કરતાં હજુ થોડાં સ્ટેશન નીકળી જાય છે. કોઈ આવતું નથી. પેલા સજ્જન ફરી કંડક્ટરને ફરિયાદ કરે છે. કંડક્ટર આ વખતે સજ્જનને કહે છે, એવું હોય તો તમે મારી સીટ પર બેસી જાવ. આ સાંભળીને સજ્જનને ચીડ ચડે છે. તે કંડક્ટરને કહે છે કે પણ પેલી જગ્યા કેમ નહીં. આ જગ્યા તે દાનવ શું તેના ઘરેથી લાવ્યો છે? આ બસ શું તેના પિતાશ્રીની છે?

આ સાંભળી આજુબાજુના મુસાફરો જે મસ્ત મજાની મીઠી ઊંઘ માણી રહ્યા હતા તેમની ઊંઘમાં વિક્ષેપ પડે છે. તે દાનવને કંઈ કહેવાના બદલે પેલા સજ્જનને કહે છે, એ ભાઈ. તમારો કચવાટ બંધ કરો. આ કંડક્ટર તમને જગ્યા આપે તો છે. જો તે ન જોઈતી હોય તો બેઠકો વચ્ચેની ઊભા રહેવાની જગ્યામાં (પેસેજમાં) બેસી જાવ. પણ અમને સૂવા દ્યો.

સજ્જન કહે છે, અરે! તમે તો ખરા છો. મને સાથ દેવાના બદલે તમને તમારી ઊંઘની પડી છે? આ દાનવને કંઈ કહેતા નથી. તે જો મને બેઠક આપી દે, તો હું બોલતો બંધ થઉં. પણ પેલા મુસાફરો કહે છે, વાંક તમારો જ છે. તમે કેમ પહેલાં ચડીને જગ્યા ન રોકી લીધી? તેના કોઈ સગા આવવાના છે. તો તે તમને જગ્યા શેના આપે? અમે પણ આ રીતે જ જગ્યા રોકી છે. ચાલો, હવે અમને સૂવા દો. નહીંતર તમને હવે પડશે ઊંધા હાથની અડબોથ.

સજ્જન હવે રૌદ્ર રૂપમાં આવે છે અને કહે છે કે કોની તાકાત છે મને મારવાની? અને એમ કરીને પેલા દાનવને સહેજ હડસેલીને તેની બાજુની જગ્યામાં બેસી જાય છે. આખી બસમાં જે લોકોને ઊંઘમાં તકલીફ પડી હતી તે ગણ્યાગાંઠ્યા લોકો શોરબકોર મચાવી દે છે, અરે આ ભાઈ તો દાદાગીરી કરે છે. કંડક્ટર, એમને ચાલુ બસે ઉતારી મૂકો. બાકીના લોકો મૌન તમાશો જુએ છે.

આમ કરીને દાનવના જેવા જ એ દાનવો પેલા સજ્જનને મારવા આવે છે. દાનવ પણ મારવા ઊભો થાય છે. સજ્જન પણ બાંયો ચડાવે છે. સજ્જનને થોડી વાર માર પડે છે. છેવટે કંડક્ટર વચ્ચે પડે છે. તમે લોકો શાંત થાવ, નહીંતર હું પોલીસને બોલાવીશ. છેવટે શાંતિ થાય છે પણ સજ્જન માર ખાવા છતાં પોતાની જગ્યા છોડતા નથી. ફરી એક વાર દાનવ સજ્જન સાથે જીભાજોડી ચાલુ કરે છે અને ફરી તેના સાથીઓ ઝઘડવા આવી જાય છે. પરંતુ આ વખતે મૌન તમાશો જોઈ રહેલામાંથી કેટલાક સજ્જનના પક્ષે આવે છે. છેવટે કંડક્ટર કહે છે કે આ સીટ દાનવની નથી જ. તેમાં આ સજ્જન બેસી શકે છે.

આવી જ સ્થિતિ આપણા દેશમાં થઈ. ખાલી અવાવરુ જગ્યાને મસ્જિદ કહેવાતી રહી અને માત્ર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા કેટલાક કટ્ટર મુસ્લિમો તેના માટે લડતા રહ્યા. (બાકી મોટા ભાગના મુસ્લિમો તો શ્રી રામને ઈમામ એ હિન્દ માનીને શ્રી રામમંદિર બને તેમ ઈચ્છતા જ હતા પરંતુ કટ્ટર લોકોની દાદાગીરીના કારણે બહાર પડતા નહોતા) ન્યાયાલયમાં, ન્યાયાલયની બહાર. આ ઢાંચો તૂટ્યો તો આખા દેશમાં હિંસા કરી. દાઉદ ઈબ્રાહિમ જેના સંજય દત્તથી માંડીને ઘણા ફિલ્મ કલાકારો તેમજ રાજકારણીઓ સાથેના સંબંધો બહાર આવી ચૂક્યા છે તેણે આઈએસઆઈની મદદથી ૧૯૯૩માં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા કરાવી સેંકડો નિર્દોષોને મૃત્યુને ઘાટ ઉતાર્યા. તેના નવ વર્ષ પછી ફરી કારસેવા કરવા ગયેલા કારસેવકો અયોધ્યાથી સાબરમતી ઍક્સ્પ્રેસમાં પરત ફરી રહ્યા હતા અને વહેલી સવારે મહિલા અને બાળકો સહિત ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. તેમનો વાંક શું? અપરાધ શું? અયોધ્યામાં કાર સેવા કરવા ગયા તે.

૧૯૯૨માં ઢાંચો તૂટ્યો તે પછી સેક્યુલર મિડિયા બ્લેક ડે, શૅમ,  આવું કરીને કાળું કવર કરીને (ઇન્ડિયા ટુડે) હિન્દુઓને અપરાધભાવનાનો અનુભવ કરાવતું રહ્યું. હજુ પણ તેનો ઉલ્લેખ બાબરી મસ્જિદ તરીકે જ કરે છે. વિદેશી ભંડોળના ઈશારે નાચતી એનજીઓ અને તે વખતે નરસિંહરાવ અત્યારના મોદી જેવા મજબૂત ન હોવાથી વિદેશો પણ ટીકા કરતા રહ્યા. મુસ્લિમોને દેશમાં હેરાન કરાય છે. તેમનું પૂજાનું સ્થાન તોડી પડાયું. કેવાં કેવાં માછલાં ધોવાયાં?

અને તે પછી વર્ષો વર્ષ ૬ ડિસેમ્બર આવે એટલે દેશમાં ટેન્શન થઈ જાય. કારણ? અમુક દાનવો! આખા દેશમાં સુરક્ષા વધારી દેવી પડે. તે દિવસે શોક મનાવાય. વિરોધ પ્રદર્શનો થાય. સંસદમાં નિવેદનો થાય. અને ભાજપ તેમજ શિવસેના સિવાય શ્રી રામમંદિરની તરફેણમાં બોલનાર બીજો કોઈ પક્ષ નહીં. બાળાસાહેબ ઠાકરે તો આ ઢાંચો તોડી પાડવા માટે ગર્વ સાથે કહે પણ ખરા! (આજે એ તેમના દીકરા ઉદ્ધવ ઠાકરને સત્તા માટે સેક્યુલર બની ગયેલા જોતા હશે તો કેટલા દુઃખી થતા હશે) ઠગવાળી ઇકો સિસ્ટમ એટલી કામ કરે કે બ્રાહ્મણની જેમ ભાજપના નેતાઓ આ ઘટના માટે દુઃખ, ક્ષમા વગેરે લાગણી વ્યક્ત કરવા લાગ્યા. જો તેમ ન કર્યું હોત તો તે વખતે જ કદાચ પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપી દીધી હોત. ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી અનેક રાજ્યોમાં ભાજપની સરકાર હોત.

એપ્રિલ ૨૦૧૭માં સર્વોચ્ચ ન્યાયાલયે જ્યારે આ કેસમાં એલ. કે. અડવાણી અને અન્ય ટોચના નેતાઓ સામે ષડયંત્રના આરોપો ફરી લાગુ કરવા સીબીઆઈને કહ્યું ત્યારે કેટલાક વાંકદેખુ લોકોએ એવો અર્થ કાઢ્યો કે પોતાના ગુરુ અડવાણીને રાષ્ટ્રપતિ ન બનાવવા પડે તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈશારે આ કેસ ફરી ખોલાયો છે. જો આ જ લૉજિક કામે લગાડીએ તો આ લોકોએ એમ પણ કહેવું પડે કે પોતાના ગુરુ સહિત સમ્માનનીય નેતાઓને નિર્દોષ છોડાવવા તેમના ઈશારે કેસ ઝડપી ચલાવી આ ચુકાદો લવાયો છે! સત્ય જે કંઈ હોય તે પણ આનંદ એ વાતનો છે કે ૨૮ વર્ષે નિર્દોષ લોકો નિર્દોષ છૂટ્યા છે. જોકે હિન્દુવિરોધી કૉંગ્રેસે (જેને સુબ્રમણિયમ સ્વામી સહિત કેટલાક હિન્દુઓ પણ શ્રી રામમંદિર માટે ખોટો જશ આપે છે) આ કેસમાં સર્વોચ્ચમાં અપીલ કરવા કહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના સચિવ અને વકીલ ઝફરયાબ જિલાનીએ પણ આ ચુકાદા સામે અપીલ કરવાની વાત કરી છે. એટલે આ કેસ પર સાવ પૂર્ણવિરામ આવી ગયું છે તેમ તો ન જ માની શકાય…

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment