Home » દિવ્યા ભારતીનો કિસ્સો કંગના રનૌતની વાત સાચી ઠરાવે છે

દિવ્યા ભારતીનો કિસ્સો કંગના રનૌતની વાત સાચી ઠરાવે છે

by Jaywant Pandya

સબ હેડિંગ: એમ કહેવાય છે કે ‘લવ જિહાદ’નો શિકાર દિવ્યા ભારતીએ પાંચમા માળેથી આપઘાત કર્યો હતો. એમ પણ કહેવાય છે કે તેની હત્યા થઈ હતી. તેના મૃત્યુના બરાબર ચોવીસ દિવસ પહેલાં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા કરાવનાર દાઉદ સાથે તેના વગર જાહેર લગ્નના પતિ સાજિદના સંબંધોની તેને ખબર પડી ગઈ હતી. પણ જોવાનું એ છે કે દિવ્યાના અંતિમ સંસ્કારમાં હિન્દી ફિલ્મ જગતના ૯૫ ટકા કલાકારો ન આવ્યા!

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૬/૦૯/૨૦૨૦)

એવું લાગે છે કે ઝાંસીની રાણીની ભૂમિકા કરીને કંગના રનૌતમાં રાણી લક્ષ્મીબાઈનો આત્મા આવી ગયો છે! જુઓ ને, કંગનાએ ફરી એક વાર ગયા અઠવાડિયે અર્નબ ગોસ્વામીની ચેનલો રિપબ્લિક વર્લ્ડ અને રિપબ્લિક ભારત પર સ્ફોટક ઇન્ટરવ્યૂ આપ્યો. એટલી બધી વિગતો આપી કે આપણે ચોંકી જઈએ. લગભગ ૯૯ ટકા હિન્દી ફિલ્મ જગત ડ્રગ્ઝનું વ્યસની બની ગયું છે તેવું કંગનાએ બેધડક કહ્યું.

હિન્દી ફિલ્મ જગતમાં કઈ રીતે પરાણે કોઈ પુરુષ અભિનેતા અને તે પણ પિતાની ઉંમરનો ગૉડફાધર બની જાય છે અને પછી તે યુવતીને ચંગુલમાં જકડી લે છે તે પણ તેણે કહ્યું. તેણે ભલે નામ ન લીધું પણ બધા જાણે જ છે કે તેનો ઈશારો આદિત્ય પંચોલી તરફ હતો. નામ એટલા માટે ન લીધું કારણકે આદિત્ય અને તેની પત્ની ઝરીના વહાબે બદનક્ષીનો કેસ કરેલો છે. કંગનાનું કહેવું હતું કે તે (આદિત્ય) તેનો પરાણે ગૉડફાધર બનવા માગતો હતો.

કંગના અને સુશાંતની વાત એવા યુવાન-યુવતીઓની વાત છે જે કાં તો પરિવારના લોકોની સંમતિથી અથવા ભાગીને પોતાનું ઘર છોડીને મુંબઈ આવે છે. એક સમયે ધર્મેન્દ્રથી લઈને મહેશ કનોડિયા-નરેશ કનોડિયા વગેરે લોકો પણ આ રીતે જતા હતા પરંતુ ત્યારે આ ફિલ્મ ઉદ્યોગ આટલો બધો ગુનાઓ-શોષણ-ડ્રગ્ઝ વગેરથી ખદબદતો નહોતો. કંગનાની જેવી જ કથા ‘બાલિકા વધૂ’ની અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીની છે. પરંતુ તેની આત્મહત્યા થઈ ત્યારે કંગના જેવું કોઈ તેને ન્યાય મળે તે માટે બોલનાર ન મળ્યું. પરિણામે તેના કેસમાં કોઈ પ્રગતિ ન થઈ. અભિનેત્રી ઝિયા ખાનના કેસમાં પણ આવું જ થયું. દિવ્યા ભારતીનો કિસ્સો તો જાણીતો જ છે.

દિવ્યા ભારતી તે સમયે માત્ર ૧૯ વર્ષની હતી. ‘વિશ્વાત્મા’, ‘દીવાના’, ‘શોલા ઔર શબનમ’,  ‘દિલ કા ક્યા કસૂર’ જેવી અનેક હિટ ફિલ્મો તે આપી ચૂકી હતી. તેની પાસે અનિલ કપૂર, રવીના ટંડન સાથેની ‘લાડલા’ હતી જે બાદમાં શ્રીદેવીએ કરી અને હિટ ફિલ્મ હતી. સંજય કપૂર સાથે ‘કર્તવ્ય’, અજય દેવગન સાથેની ‘વિજયપથ’ (જેનાં ગીતો આજે પણ લોકો યાદ કરે છે), ‘દિલવાલે’ (જેનાં ગીતો પણ આજે લોકો યાદ કરે છે) હતી. પરંતુ દિવ્યા ભારતી-પ્રત્યૂષા અને ઝિયા ત્રણેયના કેસમાં ભૂલ એ થઈ કે તેઓ ખોટી વ્યક્તિના પ્રેમમાં પડી ગયાં. દિવ્યા વિશે તો એવું કહેવાય છે કે તેણે નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધાં હતાં પરંતુ જાહેર નહોતાં કર્યાં કારણકે તે વખતે તો એવું હતું જ કે લગ્ન કરેલી અભિનેત્રીને કામ નહોતું મળતું.

પરંતુ લગ્ન પછી દિવ્યાને સાજિદના દાઉદ ઈબ્રાહિમ સાથેના કથિત સંબંધોની જાણ થઈ હોવાનું ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચાય છે. તે વખતે પણ છૂટક મિડિયામાં આ વાત આવેલી. (આવી વાતો એક-બે મિડિયા જ ઉપાડે છે.) દિવ્યા ભારતીનું મૃત્યુ થયું તેના ચોવીસ દિવસ પહેલાં જ મુંબઈમાં અયોધ્યામાં અવાવરુ ઢાંચાના ધ્વંસનો બદલો લેવા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટો થયા હતા. દાઉદ ઈબ્રાહિમ તેનો માસ્ટર માઇન્ડ હતો. દિવ્યાને સાજિદ નડિયાદવાલાના દાઉદ સાથેના સંબંધોની જાણ થઈ ગઈ હતી. તેણે તેને આ બધું છોડી દેવા કહ્યું.

ભાગ ૨:  ઝિયા ખાન: મુંબઈની જાંબાઝ પોલીસે પહેલા જ દિવસે આત્મહત્યા જાહેર કરેલી

તે વખતે ‘સ્ટારડસ્ટ’ સામયિકમાં ટ્રૉય રિબેરોએ આખો ઘટનાક્રમ લખેલો કારણકે તે દિવ્યા તેના પાંચમા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી પડી ગઈ કે પાડી નખાઈ, તે ૧ વાગ્યાથી લઈને સવારે આઠ સુધી હૉસ્પિટલમાં હતા. તેમણે લખેલું કે દિવ્યાના પિતા અને ભાઈ દિવ્યાની માતાને જોઈને હિંસક થઈ ગયેલા. તેમણે તેમને (કદાચ ફિલ્મ લાઇનમાં જવા દેવા માટે) જવાબદાર ઠરાવેલાં. તે રાત્રે દિવ્યા તેની ડ્રેસ ડિઝાઇનર નીતા લુલ્લા અને તેના પતિ ડૉ. શ્યામ લુલ્લા સાથે તેના વર્સોવામાં આવેલા ફ્લેટમાં પાર્ટી કરી રહી હતી અથવા બીજી એક વાત મુજબ દિવ્યાની સારવાર માટે હતાં. સુશાંતના કેસમાં જેમ રિયા તેને છોડીને ચાલી ગઈ તેમ દિવ્યાના કેસમાં દિવ્યા પડીને મરી ગઈ તેના થોડા સમય પહેલાં સાજિદ નડિયાદવાલા તે પાર્ટીમાંથી નીકળી ગયો હતો. દિવ્યાના એક નજીકના/નજીકની મિત્ર/બહેનપણીએ ‘સ્ટારડસ્ટ’ને કહ્યું હતું, “તે દિવસે દિવ્યા ખૂબ જ હતાશ હતી. આથી તેણે હૈદરાબાદનું શૂટિંગ રદ્દ કરી દીધું હતું. તે પછી તે તેના અને સાજિદ માટે ખરીદી કરવા ગઈ હતી. તે પછી એક મિત્ર/બહેનપણીની પાર્ટીમાં તે ગઈ હતી. ત્યાંથી તે આવી ત્યારે તે ખુશ હતી પરંતુ ઘરે આવ્યા પછી તેને સાજિદ નડિયાદવાલા સાથે બહુ મોટો ઝઘડો થયો હતો. તે સમયે સાજિદ દિવ્યાની આવનારી ફિલ્મ ‘આંદોલન’ની તારીખો બાબતે ચર્ચા કરવા ફિલ્મ વિતરક પંકજ ખરબંદાને મળવા નીકળ્યો હતો. પરંતુ તે નીકળ્યો ત્યારે દિવ્યા તેના પર રાડો પાડીને બોલી હતી, “તું દસ મિનિટમાં પાછો આવી જજે, નહીંતર તું મને નહીં જુએ.” સાજિદે આ ચેતવણીને કોઈ મહત્ત્વ ન આપ્યું.

એ જ બિલ્ડિંગમાં રહેતી દિવ્યાની એક બહેનપણીએ થોડી જુદી વાત કરી, “તે રાત્રે દિવ્યા અને સાજિદ વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. સાજિદ પણ દિવ્યા પર બૂમો પાડતો હતો. દિવ્યાએ દારૂ પી લીધો હતો. તેને ખબર નહોતી પડતી કે શું કરવું અને તેણે ઊંઘવાની ગોળીઓ ગળી લીધી. સાજિદ ગભરાઈ ગયો. તેણે દિવ્યાની ટ્રીટમેન્ટ કરી રહેલા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ લુલ્લાને બોલાવ્યા. તે તેમની ડિઝાઇનર પત્ની નીતા લુલ્લા સાથે રાત્રે અગિયાર વાગે આવ્યા. સાજિદ અને દિવ્યા હજુ પણ લડી રહ્યાં હતાં. લુલ્લાએ સાજિદ અને કુણાલ (દિવ્યાના ભાઈ)ને કહ્યું કે તેઓ ત્યાંથી ચાલ્યા જાય, જેથી તેઓ (ડૉક્ટર અને તેમનાં પત્ની) દિવ્યાને શાંત પાડી શકે. દિવ્યાની નોકરાણી રસોડામાં હતી. દિવ્યા રસોડામાં દારૂ ભરવા ગઈ અને તે પછી હૉલમાં આવી, બાલ્કનીમાં ગઈ અને પછી તે પડી ગઈ.”

‘સ્ટારડસ્ટે’ અફવાઓને ટાંકીને લખેલું કે દિવ્યા ભારતી અને સાજિદ વચ્ચે લગ્ન બાબતે પણ તકરાર હતી. કેટલાક એવું કહેતા હતા કે એનું કારણ સાજિદ નડિયાદવાલાના અંધારી આલમ (દાઉદ એમ વાંચો) સાથેના ગાઢ સંબંધો હતા. દિવ્યાને આ પસંદ નહોતું. (અને ૧૨ માર્ચે ધડાકા થયા તે પછી તો કોને પસંદ હોય. પહેલાં તે ગુંડાગીરી અને દાણચોરી વગેરે કરતો હોય તો કદાચ તે ચલાવી લે પણ અયોધ્યામાં અવાવરુ ઢાંચો પડી જાય તેનો બદલો લેવા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા કરાવી નિર્દોષોની હત્યા કરે તે કોઈ પણ દેશભક્ત નાગરિક કેવી રીતે સાંખી શકે?) કેટલાકનું એમ પણ માનવું હતું કે દિવ્યાને તેના લગ્ન છુપાવવાં પડતાં હતાં તેનાથી તે કંટાળી ગઈ હતી.

હવે વાત આવી દિવ્યાના અંતિમ સંસ્કારની. અને તમે જુઓ આને લવ જિહાદ જ કહેવાય. કારણકે દિવ્યાનાં લગ્ન જાહેર નહોતાં થયાં. થયાં હોય તો પણ તે મુસ્લિમ બની હતી કે કેમ તે ખબર નથી. (કેટલાક કહેતા કે તે સના નડિયાદવાલા નામ ધારણ કરી મુસ્લિમ બની ગઈ હતી.) પણ દુનિયા સમક્ષ લગ્ન નહીં સ્વીકારનાર (અને દિવ્યાનો વગર લગ્ને ઉપભોગ કરનાર) સાજિદ નડિયાદવાલાએ જ્યારે દિવ્યાના અંતિમ સંસ્કારની વાત આવી ત્યારે શું કર્યું? ‘સ્ટારડસ્ટ’ના એ લેખમાં લખાયું છે કે દિવ્યાને અગ્નિદાહ આપવો કે દફનાવવી તેના વિશે મૂંઝવણ પેદા થઈ હતી. સાજિદે કહ્યું કે તેને દફનાવવી જોઈએ. અહીં તેની માતાએ ચુસ્ત અથવા કહો કે કટ્ટરતા બતાવી. તેણે વાંધો ઉઠાવ્યો કે તેમને આ બંનેનાં લગ્ન વિશે ખબર નથી. તો તેઓ કઈ રીતે સંમતિ આપી શકે? નિર્માતા પહલાજ નિહલાનીએ દિવ્યાનાં માતાને પૂછ્યું. અહીં તમે એ જોઈ શકશો કે દિવ્યાનાં માતા હિન્દુ હોવા છતાં સેક્યુલરિઝમ અથવા કહો કે ઉદાસીનતા અથવા દીકરી જવાનું દુઃખ, પોતાની પરંપરાને માટે આગ્રહ રાખતા નથી. તેમણે કહ્યું, “મારી દીકરી તો ચાલી ગઈ છે. હવે તેને અગ્નિદાહ આપો કે દાટો, શું ફેર પડે છે?” આવું કહ્યું એટલે સાજિદને ફાવતું જડી ગયું. તેને દાટવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણય સાજિદની માતાને કહેવાયો. તેઓ રડવા લાગ્યાં. લેખકે તેમને સાંત્વના આપી કે સાજિદ હવે સ્વસ્થ છે. તો સાજિદની માતાએ કહ્યું, “હું મારી સના (દિવ્યાનું કથિત લગ્ન પછીનું મુસ્લિમ નામ) માટે રડું છું.” છેવટે નિર્ણય લેવાયો કે દિવ્યાને દાટવામાં આવશે.

પરંતુ થોડા સમય પછી તે જ દિવસે દિવ્યાની માતા સ્વસ્થ થયાં અને તેમનું મન બદલાયું. તેમનામાં રહેલો હિન્દુ આત્મા જાગ્યો. તેમણે સાજિદના મિત્રોને કહ્યું, “મારી દીકરી સાજિદને પરણી હોય તેથી શું થયું? તેણે પોતાની ઉપાસના પદ્ધતિ નહોતી બદલી. જો તેણે તેમ કર્યું હોય તો મારા તેના દસ્તાવેજ જોવા છે. જો તમે તે પૂરા ન પાડી શકો તો પછી દિવ્યાને અગ્નિદાહ જ દેવાશે.”

સાજિદના મિત્રો તેની પાસે ગયા. તેમણે તેની પાસે દસ્તાવેજો માગ્યા. અહીં સાજિદની નિષ્ઠુરતા કહો કે તેનામાં રહેલો ભ્રમર જેવો પુરુષનો સ્વભાવ, તે દેખાય છે. સાજિદે બિલકુલ ઠંડા કલેજે દિવ્યા સાથે તે પરણ્યો હોવાની જ ના પાડી દીધી. (તો પછી તે કયા અધિકારથી દિવ્યાને દાટવાની માગણી કરી રહ્યો હતો? તેની માતા કયા હકથી દિવ્યાને સના બોલાવી રહ્યાં હતાં?)

છેવટે દિવ્યાના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી જ થયા. તેને એક નવવધૂની જેમ સજાવવામાં આવી. તેના સેંથામાં સિંદૂર પૂરવામાં આવ્યું. અહીં સાજિદ પાછો હક કરવા આવી ગયો. તેણે પતિના સંબંધે દિવ્યાના અંતિમ સંસ્કાર કર્યા. એટલે અહીં પણ એક હિન્દુ પરિવારનું ઝઘડામાં ન ઉતરવું કદાચ કામ કરી ગયું હોઈ શકે કારણકે સાજિદે તો ઠંડા કલેજે દિવ્યા સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું જ નહોતું. જે વ્યક્તિ તેના મિત્રો સમક્ષ ન સ્વીકારે તે પાછો અંતિમ સંસ્કાર કરવા આવી જાય તે કેવાં બેવડાં વલણ?

અને ફિલ્મોદ્યોગનાં પણ બેવડાં વલણ અને કટ્ટર મુસ્લિમ (તેમજ તેના દાઉદ સાથેના સંબંધો)નો ડર દેખાઈ આવે છે કેમ કે દિવ્યાના અંતિમ સંસ્કારમાં ગણ્યાગાંઠ્યા કલાકારોને બાદ કરતાં કોઈ મોટા, (કંગના સાચું જ કહે છે કે ફિલ્મ ઉદ્યોગ સેક્યુલરિઝમના નામે કટ્ટર મુસ્લિમો અને દાઉદ જેવા ગુંડાઓથી દબાઈ ગયેલો છે.) કલાકારો ન આવ્યા. જુહી ચાવલા તો તેના આગલા દિવસે જઈને ‘કર્તવ્ય’નો રોલ મેળવી આવી હતી! એક માત્ર નિર્માતા નીતિન મનમોહને દિવ્યાના માનમાં શૂટિંગ બંધ રાખ્યું. બાકી કોઈને કંઈ પડી નહોતી. દિવ્યાના અંતિમ સંસ્કારમાં હેમા માલિની (તેમના નિર્દેશનમાં ‘દિલ આશના હૈ’માં દિવ્યાએ કામ કરેલું, શાહરુખને પણ લૉન્ચ કરેલો), બબિતા, તેની દીકરી કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી, સોમી અલી, સંગીતા બિજલાની, સબીહા, કમલ સદાના, અમરીશ પુરી (જેઓ આરએસએસના સ્વયંસેવક હોવાનું ગર્વથી કહેતા હતા), વર્ષા ઉસગાંવકર, તબુ અને સોનુ વાલિયા જ આવ્યાં. બાકી કોઈ કરતાં કોઈ નહીં. ન અમિતાભ, ન ધર્મેન્દ્ર, ન જિતેન્દ્ર, ન રાજેશ ખન્ના, ન ઋષિ કપૂર, ન શાહરુખ, ન સલમાન, ન આમીર, ન અજય દેવગન, ન અક્ષયકુમાર, ન અનિલ કપૂર, ન સંજય કપૂર, ન સુનીલ શેટ્ટી (જેની પહેલી ફિલ્મમાં દિવ્યાએ તેની સામે કામ કરેલું), ન સેક્યુલરિઝમના દેવતા જાવેદ અખ્તર, ન ફિલોસૉફી ઠોકતા- મનથી કટ્ટર મુસ્લિમ મહેશ ભટ્ટ, ન ડિમ્પલ કાપડિયા, ન સેક્યુલરિઝમ અને કમ્યૂનિસ્ટોની બેગમ, ગરીબોની દેવી શબાના આઝમી,  ન શ્રીદેવી, ન માધુર દીક્ષિત, ન જયા પ્રદા, ન મીનાક્ષી શેષાદ્રી! ઘણા બધા લોકો શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમણે એવું જ વર્તન કર્યું જાણે કોઈ ફિલ્મી દુનિયાની બહારનું મામૂલી વ્યક્તિ ગુજરી ગયું હોય. એમ થાય કે એ સમયે કોઈ અર્નબ ગોસ્વામી જેવો બે ચેનલનો તંત્રી અને પત્રકાર હોત તો…

ઝિયા અને પ્રત્યૂષા બેનર્જીની વાત આવતા અંકે.

(ક્રમશ:)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Pradeep Gala 08/09/2020 - 9:50 AM

Eye opener article.

Reply

Leave a Comment