Home » ફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે….

ફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે….

by Jaywant Pandya

સબ હેડિંગ: મફતમાં, એઠું અને કોકા કોલાનું એક ટીપું પીવાની ધૂન…બાલીની હૉટલમાં ચોરી કરવા સુધી લઈ ગઈ તે ખબર જ ન રહી. એક જાહેરખબરમાં એક પરિણીત લાગતી સ્ત્રી બીજીને કહે છે, “યે અકેલા કિતને કે બરાબર હૈ?” બીજી કહે છે, “પાંચ.” આ જાહેરખબર લોકાના મનમાં વ્યભિચાર ઉચિત છે તેવા વિચારનાં બીજ રોપતી ગઈ…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૪/૦૮/૧૯)

આજે ફ્રેન્ડશિપ ડે છે. બધાં લોકો પોતપોતાની ઈચ્છા મુજબ ઉજવશે. આ મોટા ભાગના ‘ડે’ પશ્ચિમથી, ખાસ કરીને અમેરિકાથી આયાત કરેલા છે. બ્રિટિશરો ગયા તે પછી ૯૦ના દાયકામાં ઉદારીકરણ આવ્યું. તે પછી અમેરિકાની સંસ્કૃતિ, મોટા ભાગે તો વિકૃતિથી ભારત ઘણું પ્રભાવિત થયું છે. જો કોઈ અમેરિકી ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહાનતાની ગાથા સાંભળીને ભારત આવે તો કદાચ તેને એમ જ લાગે કે ભારતમાં નહીં, અમેરિકામાં જ ભૂલો પડ્યો છે.

અમેરિકાની સંસ્કૃતિ હાવી થવાનાં અનેક કારણો છે. સૌ પ્રથમ તો માર્કેટિંગ અને ઍડ્વર્ટાઇઝમેન્ટ. ઉદારીકરણના લીધે કોકા કોલા અને પેપ્સી સહિતની વિદેશી કંપનીઓએ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ દ્વારા આપણા પર પોતાની સંસ્કૃતિ કે વિકૃતિ થોપવા લાગી. દા.ત. કોકા કોલાની એક જૂની જાહેરખબર યાદ કરો. તેમાં ટપોરી પ્રકારનો આમીર ખાન કોકા કોલા માટે એટલો તડપે છે કે તે સમચહેરાવાળા ધનિક આમીર ખાન પાસેથી ગમે તેમ કરીને કોકા કોલા પડાવવા માટે જાતજાતની વાતો કરે છે. છેવટે બીજો પૈસાદાર આમીર ખાન કોકા કોલાનું કેન મૂકીને જાય છે ત્યારે ટપોરી આમીર ખાન તે એંઠું કોકા કોલા કેન પીવા જાય છે પણ તે ખાલી હોય છે. આમ છતાં એક ટીપું બાકી રહી ગયું હોય છે તો તે એક ટીપું પણ છોડતો નથી.

મફતમાં, એઠું અને કોકા કોલાનું એક ટીપું પીવાની ધૂન…બાલીની હૉટલમાં ચોરી કરવા સુધી લઈ ગઈ તે ખબર જ ન રહી. બીજી એક જાહેરખબરમાં એક ગામડું બતાવે છે. તેમાં દુકાનદાર બે પરિણીત જણાતી સ્ત્રીઓ પાસેથી કોકા કોલાના છ રૂપિયા લેતો હોય છે ત્યારે આમીર ખાન, પાંડવ કેટલા? પાંચ, હાથની આંગળીઓ કેટલી? પાંચ વગેરે કહીને દુકાનદારને કહે છે કે કોકા કોલાનો ભાવ પાંચ રૂપિયા છે. આમીર ખાન જતાં જતાં બે પરિણીત સ્ત્રીઓ તરફ મોહક નજર ફેંકતો જાય છે ત્યારે એ સ્ત્રી પૈકીની એક કહે છે, “યે અકેલા કિતને કે બરાબર હૈ?” બીજી કહે છે, “પાંચ.” આ જાહેરખબર લોકાના મનમાં વ્યભિચાર ઉચિત છે તેવા વિચારનાં બીજ રોપતી ગઈ. આજે કાકા, કાકી, મામા, મામી, ફઈ, ફુઆ, માસા અને માસી વગેરે સંબંધો અંકલ-આંટી પૂરતા સીમિત થઈ ગયા છે. અને આ અંકલ-આંટી પ્રત્યે આદર નહીં પણ જાતીયતાની રીતે પણ જોઈ શકાય છે તે દર્શાવતી ઘણી ‘કલાત્મક’ ચીજો ૭૦ મિમીના થિયેટરના મોટા પડદાથી માંડીને ૫.૫ ઈંચના મોબાઇલના ટચૂકડા પડદે જોઈ શકાય છે.

મેગીની ઝરીના વહાબવાળી જાહેરખબર જોઈ જ હશે. દીકરી ૨૧ વર્ષની થાય એટલે પોતાનાં કામો જાતે કરવા માંડે તે સ્વીકાર્ય હોય, પણ એક જ શહેરમાં માતાપિતાથી જુદી રહેવા લાગે તે કેવી રીતે સ્વીકાર્ય હોઈ શકે? પરંતુ આ જાહેરખબર આપણા મનમાં પહેલા વિરોધ જન્માવે છે કે આવું તે હોતા હશે? પરંતુ કેટલાક લિબરલો દલીલ કરવા લાગે કે આવું હોય. કેમ ન હોય? વખત જતાં તેમની સંખ્યા વધવા લાગે કે આવું જ હોય.

અહીં આપણે જાહેરખબરોનો ઇતિહાસ કે તેના પર ચર્ચા નથી કરવી. મૂલ્યો સ્થાપિત કરતી પણ જાહેરખબરો આવે જ છે. ૨૦૧૪માં ટાટા ટીની ‘એલાર્મ બજને સે પહેલે જાગો રે’ જેવી જાહેરખબરો છે જ. પરંતુ જ્યારે ઝટાકની જાહેરખબરમાં નવોઢાને પોતાની મધુરજનીની રાતે ઘરની બારી ખોલતાં સામે બારીમાંથી કોઈ યુવક ‘ઝટાક’ છાંટે એટલે તેના પર પોતાનું સર્વસ્વ લૂંટાવા તૈયાર થઈ જાય ત્યારે આવી જાહેરખબરોનો ચોક્કસ વિરોધ હોવો જોઈએ.

ફરીથી ઉદારીકરણ અને ઉપભોક્તાવાદની વાત પર આવી જઈએ. અમેરિકામાં પણ આ સમસ્યા સાચાં મૂલ્યોવાળાં લોકોને નડે જ છે. પરંતુ અમેરિકાની વિકૃતિને સંસ્કૃતિના નામે થોપવા માગતા બુદ્ધુજીવીઓ ક્યારેય આ પ્રકારની વાતો કરતા નથી. એટલે અમેરિકાની સંસ્કૃતિ કે વિકૃતિ ભારત પર કેમ છવાઈ ગઈ તેનાં કારણો તપાસીએ તો પહેલું કારણ ઉદારીકરણના કારણે આવેલી વિદેશી કંપનીઓ, તેની જાહેરખબરો, પછી ફિલ્મો અને ચોથું કારણ આ બુદ્ધુજીવી કૉલમઘસુઓ પણ આવી જાય.

આમ તો ઇમ્પૉર્ટેડનો અર્થ આયાતી થાય. વિદેશથી કોઈ ચીજ મગાવો તો તે આયાત કરેલી હોવાથી તેને આયાતી એટલે કે ઇમ્પૉર્ટેડ કહી શકાય. પરંતુ આપણે ત્યાં ‘ઇમ્પૉર્ટેડ’ એવા ભાવ સાથે કહેવાય છે કે સૌથી સારી, મોંઘી, અને સારી બ્રાન્ડની ચીજ ન હોય. ફૉરેઇન રિટર્ન્ડની જેમ ‘ઇમ્પૉર્ટેડ’ પણ માનની નજરે જોવાનું કારણ બની ગયું. સ્વતંત્રતા પછી સિત્તેરના દાયકાથી આ ‘ઇમ્પૉર્ટેડ’ની ઘેલછા વધુ જાગી. આ જ રીતે વિદેશમાં જઈને પાછા આવવું તેનો મહિમા પણ વધી ગયો. તેમને ફૉરેઇન રિટર્ન્ડ કહીને તેમના તરફ માનની નજરે જોવાવા લાગ્યું. વિદેશમાં વસવું પણ ગર્વનો વિષય બની ગયો. એનઆરઆઈ લોકો ભારતમાં આવે ત્યારે જે રોફ જમાવતા હોય છે તે બધાં જાણે જ છે.

પરંતુ જેમ વિદેશનું બધું ખરાબ નથી હોતું (ગયા અંકમાં આપણે અમેરિકાની કાર્યસંસ્કૃતિ એટલે વર્ક કલ્ચરની પ્રશંસાને પાત્ર વાત કરેલી જ) તેમ બધું સારું પણ માની લેવાની જરૂર નથી. હવે આ દિવસો એટલે કે ‘ડૅ’ની જ વાત લો. આ વિવિધ પ્રકારના ‘ડૅ’ સારા ઉદ્દેશ્યથી ઉજવાતા હોય તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ તે પહેલાં ભારતનો ઇતિહાસ, ભારતની સંસ્કૃતિ અને ભારતના વારસાને જાણી લેવો જોઈએ. દા.ત. બેએક વર્ષથી ભારતમાં હૅલોવીન ડૅને ઘૂસાડવાના સંકલિત-સંગઠિત પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં લિબરલ મિડિયા અને બુદ્ધુજીવીઓ પણ સામેલ છે. હવે જ્યારે ભારતમાં ભાદરવા મહિના અને ચૈત્ર મહિનામાં પિતૃઓને યાદ કરીને તેમને તર્પણ કરાતું હોય, દાન-પુણ્ય કરાતાં હોય ત્યારે આ વિકૃત ભૂતડા જેવા પહેરવેશ કરીને જો તમે મને ટ્રીટ નહીં આપો તો તમારી ચડ્ડી ઉતારી નાખીશ આવું બાળકો દ્વારા કહેવાની પ્રથા ધરાવતા હૅલોવીનને ભારતમાં ઘૂસાડવાની જરૂર ક્યાં છે?

અને મોટા ભાગના ‘ડૅ’ શરૂ થવાનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે તેની પાછળ કાર્ડ સહિતની ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે. તેની પાછળ ઉદ્યોગો અને ચર્ચ સંકળાયેલાં છે. દા.ત. ફ્રેન્ડશિપ ડૅની જ વાત કરો ને. હૉલમાર્ક કાર્ડ નામની ગ્રીટિંગ કાર્ડની કંપનીના સ્થાપક જે. સી. હૉલે આ દિવસ શરૂ કર્યો હતો. તેમાં સુદામા-કૃષ્ણ જેવી ઉદ્દાત મૈત્રીની ભાવના નહોતી. પોતાનો ધંધો વધારવા માટેનો વધુ એક કીમિયો હતો.

આમાં કેટલાક બુદ્ધુજીવીઓને પેટમાં દુઃખશે, તો તેવા લોકો માટે અમેરિકાના જ વિદ્વાન લેખકોનો સહારો લઈ આ વાત મૂકીશ. અમેરિકાની મિસૌરી યુનિવર્સિટીમાં હ્યુમન ડેવલપમેન્ટ અને ફેમિલી સાયન્સનાં પ્રાધ્યાપક મેરિલીન કૉલેમન, એ જ વિભાગમાં પ્રાધ્યાપક ડૉ. લોરેન્સ એચ. ગેનોંગ અને કેલી વાર્ઝિનિકે સંયુક્ત રીતે ‘ફેમિલી લાઇફ ઇન ટ્વેન્ટીએથ સેન્ચ્યૂરી અમેરિકા’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વાંચવા જેવું છે. તેમાં ‘રિચ્યૂઅલ્સ’ નામના પ્રકરણમાં ૧૧૬ નંબરના પૃષ્ઠ પર ‘

હૉલિ ડે સેલિબ્રેશન્સ’ નામનો પેટા વિષય આવે છે. આ વિષય અંતર્ગત આ લેખકોએ વિવિધ ‘ડૅ’ની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને પછી તેમાં કઈ રીતે રાજકારણીઓએ પોતાનો સ્વાર્થ સાધ્યો અને ઉદ્યોગોએ કઈ રીતે તેનું બજારીકરણ કર્યું તેની વાત આવે છે.

દા.ત. થેંક્સ ગિવિંગ ડે. આ દિવસ સારાહ જોસેફા હલેએ શરૂ કર્યો હતો. કોણ હતાં આ માનુની? તેઓ મધ્યમ વર્ગીય મહિલાઓના એક સામયિકનાં તંત્રી હતાં. તેઓ દર વર્ષે આવો દિવસ ઉજવવો જોઈએ તેવા તંત્રી લેખો લખતાં. તેની ઉજવણી કઈ રીતે કરવી તેનું પણ સૂચન કરતાં. પરંતુ તેમને પ્રતિસાદ મળી રહ્યો નહોતો. છેવટે તેમણે રાજ્યપાલો (ગવર્નરો) અને રાજકારણીઓની મદદ માગી. તે વખતે પ્રમુખ અબ્રાહમ લિંકન હતા. અમેરિકા ગૃહયુદ્ધથી ગ્રસ્ત હતું. લિંકનને આમાં ગૃહયુદ્ધને શાંત કરવાની તક જણાઈ. તેમણે થેંક્સગિવિંગ ડૅ જાહેર કર્યો. શરૂઆતમાં તેમાં ચર્ચમાં જઈને પ્રાર્થના કરવાનું ચલણ હતું. પરંતુ આ ડૅ પ્રૉટેસ્ટન્ટ પંથના ખ્રિસ્તીઓ મનાવતા હોવાથી કેથોલિક ખ્રિસ્તીઓ તેનાથી દૂર રહ્યા. તેમાં દારૂ પીને, અવનવી વેશભૂષામાં પરેડ કાઢવાની કુપ્રથા ઓછી આવકવાળા માણસોએ શરૂ કરી. બાળકો ઘરે ઘરે જઈ ‘ટ્રીટ’ એટલે કે ભીખ માગતા. ૨૦મી સદીની મધ્યમાં આમાં બજારવાદ પણ જોડાઈ ગયો. થેંક્સગિવિંગ ડૅના પછીના દિવસે વર્ષનું સૌથી વધુ વેચાણ થતું.

પંથ સાથે જોડાયેલા અને રાષ્ટ્રીય નેતાઓએ શરૂઆતમાં ઉપર વર્ણવી તે મુજબની પરેડ કાઢી. તે દિવસે રાત્રિ ભોજનની સાથે રેડિયો પર ફૂટબૉલની રમતોની કૉમેન્ટરી સાંભળવાનું ચલણ વધી ગયું. ૧૯૫૦ના દાયકામાં ટીવી પર ફૂટબૉલ મેચો જોવાવા લાગી. જે દિવસે કુટુંબે એક સાથે રહેવાનું હોય- જમવાનું હોય- વાત કરવાની હોય તે દિવસે આવું થવા લાગતા તેની ટીકા થઈ કે બળ્યું, આ ફૂટબૉલ તો પુરુષો અને સ્ત્રીઓને અલગ કરનારી છે. વીસમી સદીના અંતમાં પ્રથા એટલી બદલાઈ કે ઘરમાં જમવાના બદલે કુટુંબો રેસ્ટૉરન્ટમાં જમતા થઈ ગયા! (આપણે ત્યાં પણ હવે દિવાળી, જન્માષ્ટમી વગેરે તહેવારો પર બહાર જમવાનો રિવાજ થઈ ગયો જ છે ને.)

આવો જ બીજો એક દિવસ એટલે મધર્સ ડૅ. તમને ખબર છે કે જેણે આ દિવસ ઉજવવાનો શરૂ કર્યો તેણે જ તેનો વિરોધ કરેલો? ઈ. સ. ૧૯૦૮માં પહેલી વાર સત્તાવાર રીતે આ દિવસ ઉજવવાની શરૂઆત ગ્રામીણ પશ્ચિમ વર્જિનિયાની યુવતી એન્ના જાર્વિસે કરેલી. તેણે મેથોડિસ્ટ ચર્ચમાં તેની માતાની સ્મૃતિમાં આ દિવસ ઉજવ્યો. તેણે અન્ય ચર્ચો અને ધાર્મિક સંગઠનોને પણ આ દિવસ ઉજવવા ઉત્સાહિત કર્યાં હતાં. રાજકારણીઓને આમાં સ્વાર્થ દેખાયો એટલે તેઓ તરત જ તેમાં કૂદી પડ્યા. ૧૯૧૪માં પ્રમુખ વૂડ્રૉ વિલ્સને મે મહિનામાં બીજા રવિવારને મધર્સ ડૅ જાહેર કરી દીધો!

શરૂઆતમાં તો આ દિવસ પણ પ્રૉટેસ્ટન્ટ તહેવાર બની રહ્યો. જાર્વિસની કલ્પના પણ એ જ હતી કે લોકો પોતાની માતાના ઘર, પરિવાર, સમાજ અને ચર્ચમાં પ્રદાનને યાદ કરે. શરૂઆતમાં ચર્ચ પણ સ્પેશિયલ સર્વિસ યોજતું. સૌથી વૃદ્ધ માતાને નાની ભેટો આપતું. પરંતુ ઉદ્યોગપતિઓને આમાં ‘ધંધો’ દેખાયો. ફૂલોથી માંડીને કાર્ડ સુધીના વેપારીઓ તેમાં કૂદી પડ્યા. જાર્વિસ આખી જિંદગી આની સામે લડ્યાં! પરંતુ તેમને તેમાં સફળતા ન મળી. પછી તો તેનું બજારીકરણ આગળ ને આગળ વધતું ગયું.

એટલે વાત એમ છે કે આ દિવસો ઉજવવા જ હોય તો પહેલાં તેની મૂળ ભાવના સમજીએ અને માત્ર માતાને કોઈ સારી પંક્તિ લખી દેવાથી, તેને બહાર જમાડવા લઈ જવાથી કે મિત્રને તેરે જૈસા યાર કહાં- કહેવાથી, તેના હાથે મિત્રપટ્ટી બાંધવાથી ‘ડૅ’ની ઉજવણી સાર્થક બનતી નથી. ઉજવણી તો ત્યારે સાર્થક બનીએ જ્યારે મૈત્રી નિભાવી જાણીએ, જ્યારે માતા-પિતાની લાગણી દુભાવ્યા વગર બને તેટલી તેમની સેવા કરીએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Prasad jambhekar 04/08/2019 - 2:53 PM

Fantastic as usual

Reply

Leave a Comment