Home » રમત: ખેલ નસીબનો!

રમત: ખેલ નસીબનો!

by Jaywant Pandya

જાપાનની ક્રિકેટ ટીમ (સૌજન્ય: ટ્વિટર)

રમત આમ તો નસીબનો ખેલ ગણાય છે. અને અનેક વાર આ ઉક્તિ સાચી પણ પડતી હોય છે. જાપાનનું જ ઉદાહરણ લો ને. ક્રિકેટ અને જાપાનનું નામ આવે એટલે નવાઈ લાગે, પણ જાપાન ક્રિકેટ રમી રહ્યું છે. ગઈ કાલે ૧૯થી નીચેના ખેલાડીઓના વિશ્વ કપમાં ભારત અને જાપાન વચ્ચે મેચ હતી જેમાં ભારતે સરળતાથી વિજય મેળવી લીધો, પણ શું એ ખબર છે કે માત્ર નસીબના કારણે આ વિશ્વ કપમાં જાપાન રમી રહ્યું છે?
રોજેરોજ વિરાટ કોહલી, સચીન તેંડુલકર, સાનિયા મિર્ઝા વગેરેના સમાચારોથી જ મોટા ભાગે આપણા મિડિયાના પેજ અથવા સ્લૉટ ભરાઈ જતા હોય ત્યારે આવી વાત આપણા સુધી ક્યાંથી પહોંચે? હકીકતે, વિશ્વ કપ માટે લાયક ઠરવાની સ્પર્ધામાં રમવા પપુઆ ન્યૂ ગિની દેશની ટીમ જાપાનમાં રમવા ગઈ હતી. હવે બન્યું એવું કે આ ટીમના ખેલાડીઓ જાપાનમાં ખરીદી કરવા ગયા. તમને થશે કે આમાં નવાઈ શું છે? ભારતના ખેલાડીઓ પણ વિદેશ રમવા જાય ત્યારે ખરીદી કરવા જતા હોય છે. પરંતુ આ ખેલાડીઓ પોતાની લાલચ ન રોકી શક્યા અને ત્યાંની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગયા! અને તે પણ એક બે હોય તો સમજાય, આ તો અગિયાર ખેલાડીઓ! ચૌદમાંથી અગિયાર ખેલાડીઓ પકડાઈ ગયા.
હવે તકલીફ એ થઈ કે જાપાનમાં સખત કાયદા છે. એટલે પપુઆ ન્યૂ ગિનીના તંત્રને પહેલો વિચાર તો તેમને બચાવવાનો જ આવ્યો. તેમણે પહેલાં તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. મેચ જતી થઈ અને એક પણ બૉલ ફેંકાયા વગર જાપાન ફાઇનલ જીતી ગયું! આને કહેવાય નસીબનું બળિયું! જોકે જાપાને આ સ્પર્ધામાં અગાઉ ફીજી, વનુઆતુ અને સમોઆ જેવા દેશોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જાપાન બૅડમિન્ટન, કુશ્તી, વગેરે સહિતની ઑલિમ્પિક રમતોમાં પ્રવીણ છે પણ ક્રિકેટમાં તે છેલ્લાં ૩૬ વર્ષથી પ્રયાસ કરે છે. એ પણ નવાઈ કહેવાય કે ચપળતાની અનેક રમતોમાં જાપાનનો દબદબો છે ત્યારે ક્રિકેટ જેવી પ્રમાણમાં સરળ રમતમાં તેની ૩૬ વર્ષ પછી પણ પા-પા પગલી જ છે.

ભારતીય કપ્તાન પ્રિયમ્ ગર્ગે પરાજિત જાપાન ટીમના કપ્તાન સાથે તસવીર પડાવી દર્શકોનું હૃદય જીતી લીધું (સૌજન્ય: ગૂગલ)

અને એટલે જ ગઈ કાલે દક્ષિણ આફ્રિકામાં ભારતે જાપાનને માત્ર ૪૧ રનમાં ફીંડલું વાળી દઈ સરળ જીત મેળવી લીધી. પરંતુ માત્ર રમત નહીં, રાજકીય રીતે પણ ભારતનો ઇતિહાસ રહ્યો છે- જીતમાં છકી ન જવું. ખાસ કરીને સામેવાળા સાથે એવી કોઈ દુશ્મની ન હોય તો. પાકિસ્તાન જેવા આડોડિયા લોકો હોય તો જુદી વાત છે પરંતુ તેની સાથે પણ આપણે અનેક વાર દોસ્તી નિભાવી છે. અને એટલે ગઈ કાલની મેચ જીતી લીધી તે પછી ભારતીય ટીમના કપ્તાન પ્રિયમ્ ગર્ગે જાપાનની ટીમના કપ્તાન માર્કસ થુરગાટે (ઉચ્ચારમાં ભૂલચૂક લેવી-દેવી!)ને બોલાવીને તેની સાથે સ્વતસવીર (સેલ્ફી, યૂ નો!) પાડી! પ્રિયમ્ની આ ચેષ્ટાએ અનેક લોકોનું હૈયું જીતી લીધું.

પિતા નરેશ ગર્ગે દીકરા પ્રિયમ્ને ક્રિકેટર બનાવવા ઘણો સંઘર્ષ કર્યો છે (સૌજન્યઃ એએનઆઈ)

પરંતુ કેમ ન હોય. પ્રિયમ્ પોતે પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના સહિત ચાર ભાઈ-બહેન છે. તેના પિતાજી નરેશ ગર્ગ દૂધ વેચવાનું કામ કરે છે. દીકરાને સારું પ્રશિક્ષણ મળે તે માટે તેમણે શું-શું ન કર્યું. પ્રિયમ્ના કહેવા મુજબ, “મારા માટે મારા પિતાએ સૌથી વધુ સંઘર્ષ કર્યો છે. તેમણે દૂધ વેચવા ઉપરાંત તે બધાં જ કામ કર્યાં છે જે કોઈ કરવા ન માગે. તેમણે દૂધ વેચ્યું, ગાડીમાં સામાનની હેરફેર કરી, શાળાની ગાડી ચલાવી જેથી મને સારી જગ્યાએ ઍડ્મિશન મળે અને હું સારી ટ્રેનિંગ મેળવી શકું.’ તેમણે પ્રિયમ્ને ક્રિકેટની કિટ અપાવવા પણ દોસ્તો પાસેથી ઉધાર પૈસા લીધા હતા.
પ્રિયમ્ના પિતાજીના સંઘર્ષનું આજે સફળ પરિણામ આવ્યું છે તે પણ એક રીતે નસીબનો જ ખેલ કહેવાય ને? બાકી ઘણા લોકોને ઉમદા પ્રતિભા છતાં તક નથી મળતી તે ક્રિકેટ સહિત અનેક રમતોમાં આપણે જોયું જ છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment