Home » ગુજરાતમાં ભાજપનો વિજય સેક્યુલરોને પણ આભારી!

ગુજરાતમાં ભાજપનો વિજય સેક્યુલરોને પણ આભારી!

by Jaywant Pandya

ગુજરાતમાં ભાજપનો વિજય સેક્યુલરોને પણ આભારી!

સબ હેડિંગ: ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજયનાં અનેક કારણો ચર્ચાયા, ચર્ચાશે પરંતુ એક કારણ જે ધ્યાનમાં નથી આવતું તે ગુજરાતના બોલકા સેક્યુલરોનો અંધવિરોધ. જ્યાં સુધી આ અંધવિરોધ ચાલુ રહેશે, ભાજપનો વિજય થતો રહેશે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૭/૦૨/૨૦૨૧)

ગુજરાતમાં ભાજપનો ‘વિજય’ રથ વણથંભ્યો ચાલુ રહ્યો. છ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો. પહેલાં કરતાં બેઠકો વધી. અનેક વિશ્લેષણ થયાં. બધાએ પોતપોતાનો મત રજૂ કર્યો. ઘણાને નવાઈ લાગે છે કે ગુજરાત ભાજપનો ગઢ કેમ છે? છ મહાનગરપાલિકા ભાજપનો ગઢ કેમ બની રહી છે? આમાં, બીઆરટીએસ, મેટ્રો, ફ્લાય ઑવર, રિવર ફ્રન્ટ, ફાટકમુક્ત શહેર, પ્રધાનમંત્રી આવાસ કે મુખ્ય પ્રધાન આવાસ યોજના, કૉંગ્રેસના સમય કરતાં (ધૂળિયા રસ્તાના બદલે) સારા રસ્તા, હુલ્લડ મુક્ત શાસન વગેરે બાબતો તો ખરી જ  (મત આપનાર જનતાએ આ મુદ્દાઓ વિચારીને મત આપ્યો જ) પરંતુ એક બાબત જે કોઈના ધ્યાનમાં નથી આવતી તે છે ગુજરાતના સેક્યુલરો જેમાં પત્રકારો, બુદ્ધુજીવીઓ, પ્રાધ્યાપકો, મહિલા ચળવળકારો વગેરેનો સમાવેશ થાય છે, તેમનો આંધળો ભાજપ વિરોધ.

ગુજરાતના સેક્યુલરોની કલમ કે વાણીરૂપી તોપ હંમેશાં ભાજપ સામે જ તકાયેલી રહે છે. તેઓ વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણીની પ્રશંસા તો કરી લે છે, પણ તેમની વિચારસરણીમાં હિન્દુવિરોધ અને ભાજપ વિરોધ મુખર રીતે હોય છે. મોદીની પ્રશંસામાં તેઓ પાંચ કિલોમીટર લાંબો લેખ ભલે ઢસડી નાખે, પણ તેઓ સ્વદેશી ચીજો ખરીદવાના વિરોધમાં એનાથીય લાંબો લેખ ઢસડી મારે છે. તેઓ સ્વદેશી ચીજો ખરીદવાનો વિરોધ કરે તેમાંય વાંધો નહીં, પણ તેમાં અને (તેમના મોટા ભાગના લેખોમાં) હિન્દુત્વવાદીઓ જ નિશાન પર રહે છે. જોકે આ જ હિન્દુ સંગઠનોના વડાઓ સાથે તસવીરો ખેંચાવતાં કે કાર્યક્રમમાં મંચ પર જવામાં તેમને કોઈ છોછ નથી હોતો.

જે દિવસે પરિણામો જાહેર થયાં તે દિવસે એક સેક્યુલરે મૌલિક (મૌલિક એટલા માટે કે તે ફૉરવર્ડેડ નહોતો) મેસેજ કરેલો: રાજ્યના ચૂંટણી પંચને જ્વલંત વિજય બદલ અભિનંદન! બોલો! એક તબક્કે કૉંગ્રેસ તેનો પરાજય સ્વીકારી શકે પણ આવા સેક્યુલરો કૉંગ્રેસની ભૂંડી હાર પચાવી શકતા નથી. કૉંગ્રેસના નેતાઓ સાથે વાત થાય છે ત્યારે તેઓ પોતાના પક્ષમાં રહેલી ગરબડ જેવી કે જૂથવાદ, ટિકિટની અયોગ્ય અને મોડી ફાળવણી, પ્રચારમાં ખામી વગેરે અનેક બાબતો સ્વીકારતા હોય છે પણ આ સેક્યુલર પત્રકારો કે બુદ્ધુજીવી સ્વીકારી શકતા નથી!

ભાજપના વિજયના દિવસે પણ તેમનું નિશાન ભાજપ પર હોય છે. તેઓ ભાજપને નીચો દેખાડવા નવી નવી વાતો ઉપજાવી કાઢે છે; ચૂંટણી પહેલાં જ તેમણે થિયરી રમતી મૂકી કે આઆપ અને ઓવૈસીનો પક્ષ ‘મિમ’ તો ભાજપની ‘બી’ (બીજી) ટીમ છે, જેથી ભાજપ વિરોધીઓ આઆપ અને ઓવૈસીના પક્ષને મત ન આપે. પરંતુ મતદારો શાણા છે. તેમણે કૉંગ્રેસની વિપક્ષ તરીકે નિષ્ક્રિયતા અને મુસ્લિમોના છિછરા તુષ્ટિકરણથી કંટાળી આઆપ અને ઓવૈસીના પક્ષ ‘મિમ’ પર જ્યાં શક્ય લાગ્યું ત્યાં પસંદગીનો કળશ ઢોળ્યો.

વર્ષો પહેલાં ગુજરાતમાં સ્વતંત્ર પક્ષ, પ્રજા સમાજવાદી પક્ષ, જનતા પાર્ટી, જનતા દળ વગેરે મુખ્ય વિપક્ષ હતા. જનસંઘ અને પછી ભાજપ નવો સવો પક્ષ હતો. તે ચૂંટણી લડતો હશે ત્યારે ગઠબંધન ન થતાં વિપક્ષોના મત વહેંચાતા હશે અને તેના કારણે કૉંગ્રેસની સત્તા ટકી જતી હશે. તો શું કૉંગ્રેસના ઘોર વિરોધી એવો જનસંઘ કે ભાજપ કૉંગ્રેસની ‘બી’ ટીમ કહી શકાય?

આવા સેક્યુલરો કટ્ટરવાદી મુસ્લિમોની વિચારસરણીની ઝાટકણી કાઢતાં ખચકાય છે. સુષ્ઠુ-સુષ્ઠુ લખે છે- બોલે છે. તેમાં પણ હિન્દુવાદીઓને ગાળો આપે છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ચર્ચા ચાલે ત્યારે મોગલ કે મુસ્લિમ બાદશાહોની તરફેણ કરે છે. ‘ઊડી: સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ફિલ્મ જેમાં એકાદ-બે દૃશ્યમાં વડા પ્રધાન મોદીની (સાચી રીતે) વાત આવતી હોય તો તેના વિશે લખવાનું કે બોલવાનું ટાળે છે, પણ શાહરુખ ખાન માય નેમ ઇઝ ખાન, એન્ડ આઈ એમ નૉટ ટેરરિસ્ટ એમ કહી અમેરિકાના ઍરપૉર્ટ પર ખોટો વિવાદ ઊભો કરે ત્યારે તેની તરફેણ કરે છે. સંજય દત્તની ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી માટે સજા સંભળાવાય ત્યારે કે પછી સલમાન ખાનનો કાળિયાર શિકાર કે ફૂટપાથ પર કાર ચડાવી સૂતેલા ગરીબોને મારી નાખવાનો વિવાદ હોય તો તેના બચાવમાં ઉતરી આવે છે.

વડા પ્રધાન કે ભાજપના મુખ્ય પ્રધાનની નાનામાં નાની વાતને વિવાદનો વિષય બનાવે છે. વિજય રૂપાણી ગુજહિન્દી બોલે તો તે મજાકને પાત્ર બને છે પણ સોનિયા ગાંધીનું નબળું હિન્દી તેમને મન મજાક નથી બનતું. સાચું કહીએ તો, મધ્ય પ્રદેશ-ઉત્તર પ્રદેશ-રાજસ્થાનના લોકો સિવાય કોનું હિન્દી સાચું હોય છે? ઉત્તર પ્રદેશના લોકોના હિન્દીમાં પણ ઉર્દૂ શબ્દોની ભરમાર હોય છે. ગુલામનબી આઝાદ કે ફારુક અબ્દુલ્લા જેવા હિન્દી બોલે તો તેમાં કાશ્મીરી ભાષાની છાંટ વર્તાય છે. આંધ્ર પ્રદેશ કે તેલંગાણાના ઓવૈસી કે વેંકૈયા નાયડુ જેવા લોકો ‘મોદી’ના બદલે ‘મોડી’ બોલે છે. મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડનવીસ, રાજ ઠાકરે કે ઉદ્ધવ ઠાકરે હિન્દી બોલે તો તેમાં મરાઠી શબ્દો આવી જ જાય છે, જેમ કે વડા પ્રધાનને તેઓ પંત પ્રધાન કહે છે. પંજાબીઓનું હિન્દી તો જુદા જ પ્રકારનું હોય છે. ‘મૈં નહીં આઉંગા’ના બદલે તેઓ બોલશે, ‘મૈંને નહીં આના હૈ’. આવું જ હરિયાણી લોકોના હિન્દીનું છે.

પરંતુ આવા સેક્યુલરોને ખોટું અંગ્રેજી કે ખોટું હિન્દી બોલાય તો વાંધો હોય છે, પરંતુ પોતે ખોટું ગુજરાતી બોલે તેનો વાંધો નથી હોતો. ભાજપ કેવો આવે કારણકે તેમાં ભારતીય જનતા પક્ષ છે. પક્ષ એ પુલ્લિંગ શબ્દ છે. પરંતુ ભાજપ માટે કેવી, કેવું ગમે તે બોલી નાખે છે. ભાજપ જીતી, ભાજપ જીત્યું…વગેરે. કૉંગ્રેસ સભાના રૂપમાં હોવાથી કૉંગ્રેસ માટે સ્ત્રીલિંગ વર્ષોથી ગુજરાતમાં વપરાય છે. કૉંગ્રેસ કેવી, કૉંગ્રેસ જીતી વગેરે. પરંતુ કૉંગ્રેસ માટે પણ ગમે તે બોલાય છે. કૉંગ્રેસ હાર્યો, હાર્યું વગેરે. દહશત, અફરાતફરી, રૂઝાન, શુરૂઆતી રૂઝાન વગેરે હિન્દી શબ્દો છોછ વગર વપરાય છે.

કૉંગ્રેસના ધારાસભ્યો પક્ષપલ્ટો કરે તો પ્રજાદ્રોહ પણ કૉંગ્રેસ રાજસ્થાનમાં બસપના ધારાસભ્યોનો પક્ષપલ્ટો કરાવે તો તેના વિશે સમાચાર નહીં, મૌન રહેવાનું. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની શિવસેના અને એનસીપી સાથે સરકાર છે. જો શિવસેનાની ભાજપ સાથે સરકાર હોય તો આ સેક્યુલરો શિવસેના વિશે બોલતા અચકાય નહીં, પણ કૉંગ્રેસ સાથે સરકાર છે તેથી પાલઘર સાધુ હત્યાકાંડથી માંડીને અર્નબ સુધીના મુદ્દે કાં તો મૌન રહેશે કાં તો અર્નબની ટીકા કરશે.

અખલાક હોય કે તબરેઝ અન્સારી, જ્યારે મુસ્લિમની હત્યા થાય ત્યારે તેની જોરશોરથી ચર્ચા થાય છે. પરંતુ રિંકુ શર્મા, રાહુલ રાજપૂત, પંકજ નારંગ વગેરે હિન્દુવાદીઓની હત્યા થાય ત્યારે તેઓ તેની ચર્ચા તો શું, સમાચાર પણ દબાવી દે છે. લવજિહાદ જેવું કશું છે જ નહીં તેવું અર્ધસત્ય કહે છે. અર્ધસત્ય એટલા માટે કે કૉર્ટ કે કેન્દ્ર સરકાર હજુ સત્તાવાર રીતે કહેતી નથી, પણ તેનાથી કિસ્સા ઢંકાઈ જતા નથી. ગુજરાતનો (વાહિયાત) કૉમેડિયન મુન્નવર ફારુકી શ્રી રામ વિશે વાહિયાત ટીપ્પણી કરે તો તેના બચાવમાં ઉતરી આવે છે કે તેની સામે પુરાવા જ નથી. મધ્ય પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે કહ્યું હતું: Such people mustn’t be spared. આવા લોકોને છોડી શકાય નહીં.

તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિરુદ્ધ કોરોનાના નિયમો નહીં પાળવા માટે લખી કે બોલી શકે છે પરંતુ પાટીદારોને શ્વાન સાથે સરખાવનાર કૉંગ્રેસના પ્રવક્તા વિશે એક લીટી લખી બોલી શકતા નથી. અરે! જો અપરાધી મુસ્લિમ હોય તો અપરાધીનું નામ લખતા નથી. તાજેતરમાં અબ્દુલ હમીદ નામના કાર ચાલકે શાહીબાગ રિવરફ્રન્ટ પાસે પાર્કિંગ ચાર્જ માગી રહેલા કૉન્ટ્રાક્ટરને કારના બૉનેટ પર ચડાવી કાર દોડાવી મૂકી હતી. એસીબીના ડીજીપી કેશવકુમારે આ જોયું અને તેમણે આ યુવકનો જીવ બચાવ્યો હતો. આવા સાધારણ સમાચારમાં પણ અબ્દુલ હમીદનું નામ કાઢી નાખી તેના બદલે ખાલી ‘કારચાલક’ આવું છપાયું હતું!

સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જો રામમંદિર કે કલમ ૩૭૦ની વાત કરે તો ભાજપ રાષ્ટ્રીય મુદ્દા લાવે છે તેમ કહેશે પણ સેક્યુલરો મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ (જેના ભાવ મહાનગરપાલિકાના નિયંત્રણમાં નથી હોતા)ની વાત કરશે તો ચાલશે.

કૉંગ્રેસ જે મુદ્દે વિરોધ કરે કે જે મુદ્દો ઉઠાવે તે મુદ્દા ગુજરાતના સેક્યુલરો વગર આપે ઝડપી લે છે. જ્યારે કૉંગ્રેસ ન મળે ત્યારે તેઓ આઆપના વખાણ કરવા લાગે છે. આઆપ નહીં મળે તો ઓવૈસીના વખાણ કરશે. ગુજરાતની છ મહાનગરપાલિકા પહેલાં સેક્યુલરો આઆપ અને ઓવૈસીનો મુદ્દો અવશ્ય ચર્ચા કરતા હતા. પરિણામના દિવસે પણ આઆપની ચર્ચા કરતા થાકતા નહોતા પરંતુ બસપની ક્યાંય ચર્ચા નહીં. આઆપ પાસે પક્ષના વડા અરવિંદ કેજરીવાલનો ચહેરો હતો, કેજરીવાલ અને દિલ્લીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતમાં પ્રચાર કરવા પણ આવેલા, દિલ્લીનું તથાકથિત મોડલ હતું. ઓવૈસીના પક્ષનો પ્રચાર કરવા અસદુદ્દીન ઓવૈસી આવેલા. પરંતુ બસપનો પ્રચાર કરવા માયાવતી કે સતીશચંદ્ર મિશ્ર આવ્યા નહોતા. બસપનું કોઈ મોડલ નહોતું. તેમ છતાં જામનગરમાં બસપા ત્રણ નગરસેવક જીતી ગયા તેની કોઈ ચર્ચા કે ઉલ્લેખ નહીં! બસપ તો આઆપ કરતાં વધુ અખિલ ભારતીય ઉપસ્થિતિ ધરાવે છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેના ધારાસભ્યોના ટેકાથી સરકાર બને છે. ઉત્તર પ્રદેશમાં બેએક વાર તેની સરકાર બની ચૂકી છે. કર્ણાટકમાં તેના એક ધારાસભ્ય હતા. પરંતુ તેની ચર્ચા નહીં કારણકે માયાવતીનો રૂપાળો ચહેરો નથી? તેમને સરખું બોલતા નથી આવડતું? કે પછી કોઈક રીતે બસપ તરફથી કોઈ ‘લાભ’ નથી મળતો, જે કદાચ આઆપ તરફથી મળે છે.

વાત એ નથી કે ભાજપનો વિરોધ ન કરવો. વાત એ છે કે અંધવિરોધ ન કરવો. જેમ અંધસમર્થન નુકસાનકર્તા હોય છે તેમ અંધવિરોધ પણ નુકસાનકર્તા હોય છે. કૉંગ્રેસ અને ભાજપમાં એક જ તફાવત છે. કૉંગ્રેસ તેના સાચા ટીકાકારને સાંખી શકતી નથી. તેને જેલમાં પુરાવે છે. (કટોકટી કે પછી અર્નબ ગોસ્વામી કેસ યાદ કરો.) ૨૦૧૯ની ચૂંટણી પછી ગોદી મિડિયાના નામે ટીવી ડિબેટમાં જવાનું બંધ કરી દે છે. ભાજપ વિરોધી મિડિયા સાથે આવું નથી કરતો, વિરોધી મિડિયાના ડિબેટમાં અચૂક જાય છે, ત્યાં પોતાનો મત મૂકે છે જેથી વિરોધી મિડિયાના દર્શકો સમક્ષ પોતાનો મત પહોંચાડી શકે.

ભાજપ જાણે છે કે જો સેક્યુલરો સાવ અંતિમ પર પહોંચી ન જાય તો તેમને બોલવા-લખવા દેવા. ફાયદો તેને જ છે. જ્યાં સુધી ગુજરાતના સેક્યુલરો છે, તેમનો અંધવિરોધ છે ત્યાં સુધી જનતા ભાજપ પ્રત્યે અસંતોષ છતાં સહાનુભૂતિ ધરાવતી રહેવાની-આકર્ષાતી રહેવાની અને ભાજપનો વિજય થતો રહેવાનો!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

DINESH PATEL 24/04/2021 - 7:14 AM

Sir,
Best Artical,
in all Voter Heart touching,
All points!

Reply

Leave a Comment