Home » કોરોના વાઇરસ: સ્વચ્છતાના નિયમો વિદેશ પાસેથી શીખવાની જરૂર નથી

કોરોના વાઇરસ: સ્વચ્છતાના નિયમો વિદેશ પાસેથી શીખવાની જરૂર નથી

by Jaywant Pandya

સબ હેડિંગ: કોરોના વાઇરસ આવ્યો એટલે વિદેશથી સ્વચ્છતાના નિયમો આયાત થવા લાગ્યા. મોઢા પર માસ્ક પહેરો. હાથ સેનિટાઇઝરથી વારંવાર ધૂઓ. હૅન્ડ શૅક ટાળો. કિસથી અભિવાદન ન કરો. આ બધું આપણને શીખવાડવાનું હોય? આપણે સવારથી રાત્રે સૂઈએ ત્યારે દરેક કાર્ય સાથે સ્વચ્છતા જોડાયેલી હતી.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૧/૩/૨૦૨૦)

હું નાનો હતો ત્યારથી મારાં નાનીમા- લલિતાબા જેને અમે લલતાબા કહેતાં તેમનું અવલોકન કરતો. રોજ હવન કરે. રોજ ત્રણ વાગે ઊઠીને ગાયત્રી મંત્રની માળા, હવન કરે. પેટની તકલીફ એટલે અનાજ વર્ષોથી નહોતાં ખાતાં. બપોરે અખંડ આનંદ, જન કલ્યાણ વગેરે સાહિત્ય વાંચી ખપ પૂરતો આરામ કરે અને સાંજે જશોનાથ મંદિરમાં કથા વગેરે સાંભળવા જાય. રાત્રે સૂતા પહેલાં ભજનકીર્તન કરે. આ બધાં છતાં તેમના કામકાજમાં સહેજે ક્યાંય આનંદ-ઉલ્લાસનો અભાવ ન જોવા મળે. અમે વારેતહેવારે મામાના ઘરે જમવા જઈએ તો પાસે બેસાડીને પ્રેમપૂર્વક આગ્રહ કરીને જમાડે. અમે મોટાં થયાં અને લલતાબાની પણ ઉંમર ઘણી થઈ. ચાલવામાં પણ તકલીફ થવા લાગી. પરંતુ તેઓ જે મરજાદી (મર્યાદાનું અપભ્રંશ) ધર્મ પાળતાં તેમાં કોઈ ફેરફાર નહીં. પેટની તકલીફ હતી એટલે શૌચ માટે એકથી વધુ વાર જવું પડે. પરંતુ શૌચ જતાં પહેલાં સાડલો બદલીને જ જવાનું. તેમને ત્યાં રસોડામાં નહાયા વગર પગ ન મૂકી શકાય.

અમારે ત્યાં પણ, મારા ભાઈ (પપ્પા)નાં દાદીમા જેને મોટાબા કહેતા એટલે કે કાશીબા અને મારાં મોટાબા-દુર્ગાબા નિયમોમાં ચુસ્ત. ગોળામાંથી પાણી લેવું હોય તો ડોયાથી જ લેવાનું. રસોડામાં નહાયા વગર રસોઈ કરવા જઈ ન શકાય. બહારથી રમીને આવીએ એટલે પહેલાં બાથરૂમમાં જઈ હાથપગ ધોઈ લેવાના. મારા બાપુજી એટલે કે દાદા જમવા બેસે તો આસન પર જ બેસે અને લાકડાના પાટલા પર થાળી મૂકેલી હોય. એક વખતમાં જે પીરસી દીધું તે પછી માગે નહીં. જમતી વખતે મૌન જ રહેવાનું. જોકે મારા ભાઈ અને હું કર્મના સિદ્ધાંતમાં વધુ માનતા એટલે કેટલાક નિયમો છોડ્યા પણ આજે ફરીથી કેટલાક નિયમો વાત સમજાતાં મેં શરૂ પણ કર્યા છે.

આ બધું યાદ આવવાનું કારણ કોરોના વાઇરસ! કોરોના વાઇરસે ભારતીય જીવનપદ્ધતિ કેટલી વૈજ્ઞાનિક અને આરોગ્યપ્રદ છે તે ફરી એક વાર સાબિત કર્યું છે. અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ, બ્રિટન જેના લોકો આપણને ઠસાવતા ગયા અને હજુ પણ આપણા મનમાંથી નીકળ્યું નથી કે હિન્દુ જીવન પદ્ધતિ પછાત છે, અંધશ્રદ્ધાથી ભરપૂર છે તે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ, આયર્લેન્ડના વડા પ્રધાન, સ્પેનનો રાજવી પરિવાર, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રૉં આ બધા હસ્તધૂનનના બદલે નમસ્તે કરવા લાગ્યા. ફ્રાન્સમાં ચુંબનથી અભિવાદન જેને ‘ફૅર લા બિસ’ (faire la bise) કહે છે તે ન કરવા ફ્રાન્સના આરોગ્ય પ્રધાને સલાહ આપી. ઑસ્ટ્રેલિયામાં પણ આવી જ ગાઇડલાઇન અપાઈ. યુરોપમાં સૌથી વધુ આ રોગચાળો જ્યાં છે તે ઈટાલીમાં શારીરિક સંપર્ક ટાળવા સલાહ અપાઈ.

ઈટાલીના કોરોના વાઇરસ માટેના વિશેષ કમિશનર એન્જેલો બોરેલીએ કહ્યું કે આપણી સામૂહિક સામાજિક જિંદગી ઘણી ઉન્મુક્ત છે. આપણે ઘણો (શારીરિક) સંપર્ક કરીએ છીએ, આપણે એકબીજાને ચૂમીએ છીએ. આપણે એકબીજાને ભેટીએ છીએ. એ સારું રહેશે કે આ સમયગાળામાં આપણે હસ્તધૂનન ન કરીએ, બહુ સંપર્ક (શારીરિક રીતે) ન રાખીએ, અને ઉન્મુક્ત ઓછા થઈએ.” કોરોના માટે દર્દીને અલગ રાખવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય તેવી વ્યક્તિને ભીડથી દૂર રહેવા સલાહ અપાય છે કારણકે ભીડમાં કોઈ પણ વ્યક્તિને ચેપવાળી બીમારી હોય છે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય તેવી વ્યક્તિને ઝડપથી થઈ શકે છે. તેમને માસ્ક પહેરવાની પણ સલાહ અપાય છે. આપણે ત્યાં તો જૈન યતિઓ-મુનિઓ હજારો વર્ષોથી મોં પટ્ટી બાંધતા આવ્યા છે. ઘણાં તો બોલતી વખતે પણ મોઢા આડે હાથ રાખે છે.

આ બધી ગાઇડલાઇન છે. આદેશ નથી. પાળવું-ન પાળવું લોકો પર છે. કોરોના વાઇરસથી બચવું હોય તો આ નિયમો પાળવા જોઈએ. ન પાળે તો ભોગ એના. આવું જ માસિક ધર્મ સહિતની બાબતે આપણાં હિન્દુ ધર્મ શાસ્ત્રો અને તેમાંથી નીકળેલા પંથોની પોથીઓમાં લખાયું અને કહેવાયું છે. તે બધા આદેશ નથી. માસિક આવે તે અગાઉથી સ્ત્રીને પેટમાં દુઃખવાનું, કમર દુઃખવાનું ચાલુ થઈ જાય છે. માસિકના દિવસો દરમિયાન તો સ્થિતિ વધુ ખરાબ હોય છે. તે દરમિયાન સ્ત્રીમાં મૂડ સ્વિંગ એટલે કે અચાનક કારણ વગર રોવું આવે અથવા ગુસ્સો આવે, વધુ પડતી ચિંતા થાય, આ બધું થતું હોય છે.

વળી, ઑક્સફર્ડ યુનિવર્સિટીના ૨૦૧૮ના એક સંશોધન પ્રમાણે, આ સમય દરમિયાન સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. તેથી તેનું શરીર બીમારી પકડી લે તેવી સંભાવના વધુ હોય છે. આથી જ તેને આરામ મળે તે માટે ઘરમાં રહેવા સલાહ અપાય છે. વળી, મળમૂત્ર વગેરેને થોડા સમય માટે કંટ્રૉલ કરી શકાય છે પરંતુ માસિકને કંટ્રૉલ કરી શકાતું નથી. તે ગમે ત્યારે આવી શકે છે. આવી સ્થિતિ થાય ત્યારે સ્ત્રીને (સ્ત્રીની જગ્યાએ પુરુષ હોય તો તેને પણ) ચીડ ચડે તે સ્વાભાવિક છે, પરંતુ આ માટે જો કોઈ જડ નિયમો રાખતું હોય તો તે ખોટું છે અને સામે પક્ષે એવી ઝુંબેશ ચલાવવી પણ ખોટી છે કે આ અપવિત્ર નથી. જેમ આપણે ભોજન લઈએ છીએ તે પવિત્ર છે પરંતુ મળમૂત્ર અપવિત્ર છે તેમ જે ઈંડાં ફલિત નથી થતાં તેને શરીર ફેંકી દે છે કારણકે તે અનુપયોગી છે. શરીરમાંથી નીકળતી દરેક ચીજ ચાહે તે પરસેવો હોય કે છિંક, નાકમાંથી નીકળતી શરદી હોય કે ઉલટી, મળ હોય કે મૂત્ર કે પછી વાછુટ દરેક અશુદ્ધ અને બગાડ જ છે. તેવું જ માસિકનું પણ છે.

અને નિયમ માત્ર સ્ત્રી માટે જ હતા તેવું પણ નથી. સ્મશાનયાત્રાએ જઈને આવેલા કે બહારથી આવનાર પુરુષને બહાર જ પાણીનો લોટો આપી દઈ કોગળા કરાવતા. હાથપગ ધોઈ અંદર આવવા દેતા. જેથી મૃતકના વિષાણુ ઘરમાં ન પ્રવેશે. કોઈ મરી જાય ત્યારે પણ ગાયના છાણથી લિંપવામાં આવે છે જેને સાથરો કહેવાય છે. બાજુમાં ગાયના ઘીનો દીવો કરાય છે. આ બંને પાછળનું કારણ પણ મૃતકના વિષાણુનો ફેલાવો ન થાય.

પુરુષો સંધ્યાવંદન કરતા તેમાં શરીર અને પૂજાની ભૂમિની શુદ્ધિ ગોબર અને ગોમૂત્રથી કરવાની હોય છે. સંધ્યા વંદનમાં પ્રાણાયામનો પણ સમાવેશ થતો. પ્રાત:કાળના સૂર્ય પૂજન દ્વારા વિટામીન ડી આપોઆપ મળી જતું. સત્યનારાયણની કથા ઘણાએ સાંભળી હશે. તેમાં શતાનંદ નામના ગરીબ બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત અને પૂજન કર્યું અને તેનાથી તેને સારી ભિક્ષા મળી તેવી વાત આવે છે. ઉલ્કામુખ અને તુંગધ્વજ રાજાએ પણ આ વ્રત કર્યું હતું. વાણિયા અને તેના જમાઈએ પણ આ વ્રત કર્યું હતું.

પરંતુ અંગ્રેજો આવ્યા પછી પહેલો શિકાર હિન્દુ પુરુષો બન્યા. તે સમયે સ્ત્રીઓને શિક્ષણનું એટલું બધું મહત્ત્વ નહોતું. ડાબેરી અસરવાળી ફિલ્મો અને સમાચારપત્રોના પ્રભાવમાં પુરુષોએ ધીમેધીમે ધર્મ-ધ્યાન છોડ્યું. પરંતુ સ્ત્રીઓમાં આ પ્રકારનું શિક્ષણ નહીં હોવાથી અને છાપું તો નગરનોંધ-મરણનોંધ પૂરતું જ વાંચતી, અને તેનામાં ઘરના સભ્યો પ્રત્યે લાગણી, આત્મીયતા વધુ હોવાથી તેણે વ્રત-નિયમો પકડી રાખ્યા. પરંતુ ૨૦૦૧ પછી ખાસ કરીને સ્ત્રીઓને આ ડાબેરીઓએ નિશાન બનાવીને ફિલ્મો-સિરિયલો બનાવવા લાગી. તેથી આજે કેટલીક સ્ત્રીઓને લાગે છે કે નિયમો માત્ર સ્ત્રીઓ માટે જ કેમ?

ફરી કોરોનાની વાત કરીએ. આપણને સ્વચ્છતાના નિયમો વિદેશીઓ શીખવાડશે? આપણે ત્યાં સ્વચ્છતાના નિયમો ધર્મ અને ધર્મ એટલે જીવનશૈલી સાથે વણાયેલા હતા. ઘરમાં સવારે અને રાત્રે બે વાર કચરો કાઢવામાં આવતો; ફરક એટલો કે રાત્રે કચરો બહાર કચરાપેટીમાં ન ફેંકાતો. તેનું કારણ એ કે પહેલાં રાત્રે પ્રકાશની તકલીફ હતી એટલે રાત્રે કચરામાં કોઈ વીંટી કે બુટ્ટી કે પૈસાના સિક્કા જેવી કિંમતી ચીજ ચાલી ન જાય. ઉંબરો પૂજવામાં આવતો. ઘરે પ્રસંગ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટતા એટલે આસોપાલવનું તોરણ ઘરના દરવાજે લગાવાતું જે કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે અને ઑક્સિજન છોડે. ઘરનાં બાંધકામ પણ એવા થતાં કે હવાઉજાસ પૂરતા મળતાં. ઉપરની તરફ એક બારી વેન્ટિલેટરરૂપે ખાસ રખાતી. તેના લીધે એસી વગેરેની જરૂર જ ન પડતી. સવારે વહેલા ઊઠી જઈને રાત્રે આઠ-નવ વાગે સૂઈ જતા. તેથી વીજળીનો પણ ઓછો વપરાશ કરવો પડતો. આજે આ જીવનશૈલી શક્ય નથી તે માન્યું, પણ જેટલું શક્ય હોય તેટલું અપનાવવું જોઈએ. બહારનું કે હૉટલનું ખાવાનું સારું ન મનાતું. એમ કહેતા કે રસોઈ કરવામાં આળસ આવે છે? આનો અર્થ એ નથી કે સ્ત્રીએ ચોવીસ કલાક બાય સાત અને ત્રણસો પાંસઠ દિવસ રસોઈ કરવાની જ. પરંતુ બને ત્યાં સુધી બહારની ચીજો ખાવાની ટાળતા.

અત્યારે જે સમાચારો આવે છે તેના પરથી ખબર પડે છે કે સારી-સારી હૉટલો અને ફૂડચૅઇનમાં ભોજનમાં વાંદો વગેરે જીવજંતુ નીકળે છે. તો રસ્તા પર ઊભા રહેતા પાણીપુરીથી માંડીને બીજા બધા નાસ્તાની લારીવાળા ગટરનું પાણી ઉપયોગમાં લે છે તેવા વિડિયો પણ આવે છે. આ તો હવે વિડિયો આવવા લાગ્યા એટલે વાત ગળે ઉતરે છે પરંતુ પહેલાં ઘરડા લોકો કહેતા હશે ત્યારે તેમને શું ખબર નહીં હોય?

મારાં નાનીમા હંમેશાં સ્ટિલના કપ-રકાબીમાં ચા પીતાં અને તેનું કારણ એ હતું કે સ્ટીલનાં કપ-રકાબી હોય તો તેને ફરજિયાત ઉટકવાં પડે. ટૂંકમાં, ચોખ્ખાઈનો આગ્રહ હતો. આપણે શંકર ભગવાન અને નંદીની વાર્તા સાંભળી જ છે. ત્રણ વાર નહાવું અને એક વાર ખાવું, પણ આપણે નંદીની વાત માની લીધી, એક વાર નહાવું અને ત્રણ વાર ખાવું.

આપણા મનમાં આપણી ચીજો પ્રત્યે એટલો દ્વેષભાવ, સૂગ ઉત્પન્ન કરી દેવાઈ છે કે અભિનેત્રી રિચા ચઢ્ઢાને હિન્દુ મહાસભાએ કોરોના માટે ગોમૂત્ર વહેંચ્યું તેનાથી સૂગ લાગી. તેના ચાહકોમાં એકે લખ્યું આ નીટ પીવાય છે કે સોડા સાથે? ટૂંકમાં, જે ચીજ આપણને નુકસાન કરે છે તે દારૂથી સૂગ નથી ચડતી પણ ગોમૂત્રથી ચડે છે.

તો લેખ પૂરો કરતાં પહેલાં એક વાત સાંભળી લેવી જોઈએ. ઑસ્કાર ફર્નાન્ડિઝ કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના નિકટના છે. તેમણે ગોમૂત્ર અને ગોબરના વખાણ કર્યા છે. તેમણે વ્યક્તિગત અનુભવ કહ્યો કે તેમાં ગોમૂત્રમાં કેન્સરને મટાડવાની ક્ષમતા છે. તેમને જ્યારે ગોઠણની તકલીફ થઈ અને ગોઠણ બદલવા સલાહ અપાઈ ત્યારે તેમણે વજ્રાસન કરવાનું શરૂ કર્યું તો તેમને તકલીફ દૂર થઈ ગઈ!

જ્યારે પશ્ચિમ અને આવી બિનહિન્દુ સેલિબ્રિટી કહેશે ત્યારે ફરી આપણે આપણી ચીજો પર પાછા ફરીશું ત્યાં સુધી ભલે ભોગ ભોગવીને રોગને આમંત્રણ આપતા.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment