Home » કોરોના, ઓબામા, ફાર્મા અને ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન…

કોરોના, ઓબામા, ફાર્મા અને ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન…

by Jaywant Pandya

આ જબરદસ્ત સ્કૂપ છે.

‘ડેઇલી મેઇલ’ બ્રિટનનું સમાચારપત્ર છે. તેમાં ૧૧ એપ્રિલે એક અહેવાલ પ્રસિદ્ધ થાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીનની વુહાન લેબને અમેરિકા તરફથી ૩.૭ મિલિયન ડૉલર એટલે કે ૩૭ લાખ ડૉલરનું ફંડ મળ્યું હતું. આ ફંડ એનઆઈએચ સંસ્થા તરફથી વાઇરસ પર સંશોધન માટે મળ્યું હતું અને વુહાન લેબ પાસે ૧,૫૦૦ ઘાતકી વાઇરસ છે! તેમાંનો એક એટલે કોરોના!

www.dailymail.co.uk/news/article-8211291/U-S-government-gave-3-7million-grant-Wuhan-lab-experimented-coronavirus-source-bats.html

આ અહેવાલ બહાર આવ્યા પછી સ્વાભાવિક જ અમેરિકામાં ખળભળાટ મચવાનો જ હતો. અમેરિકામાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો (અહીં પત્રકાર કેટલી નમ્રતાથી અને કેટલા નીચા સ્વરે પૂછે છે તે પણ જોવા જેવું છે અને ભારતમાં ટીવીનો કેમેરો ચાલુ થાય એટલે પત્રકાર ઉદ્ધતાઈની રીતે પૂછવા લાગે તે કેવું?) એટલે ટ્રમ્પે તેમાં સ્વાભાવિક જ તપાસ કરવાની વાત કરી પણ ઉલટ પ્રશ્ન પણ પૂછ્યો કે કયા વર્ષમાં આ ગ્રાન્ટ અપાઈ હતી? મહિલા પત્રકારે કહ્યું- ૨૦૧૫માં! એટલે ટ્રમ્પે વળતું પૂછ્યું, ‘તે વખતે અમેરિકાના પ્રમુખ કોણ હતા?’ જવાબની જરૂર ન પડી. બધા જાણે જ છે કે ઓબામા હતા. (url: www.facebook.com/100017164360009/videos/632384240677049/ )

 

BOOM! Fauci Sweating Bullets! President Donald J. Trumpinvestigating His $3.7 Million Obama Era Grant to Wuhan Lab!!!Obama AND Fauci need to be on TRIAL!!!Full Dr. Buttar interview: www.facebook.com/100017164360009/videos/635767063672100/

Posted by Richard Rigg on Sunday, April 19, 2020

 

પ્રશ્ન એ પણ છે કે ૨૦૧૭માં એનઆઈએચના ડિરેક્ટર એન્થોની ફૌજી (Fauci)એ સરપ્રાઇઝ આઉટબ્રેકની આગાહી કેવી રીતે કરી હતી?

ઓબામા સરકારે દાન આપવાનું બહાર આવ્યું એટલે ફૅક્ટ ચેક શરૂ થઈ. ‘યુએસએ ટુડે’નું હેડિંગ કહે છે કે ઓબામા સરકારે ૩૭ લાખ ડૉલરનું દાન નહોતું આપ્યું. પણ અંદર વાંચો તો તેમાં એવો બચાવ કરવાનો પ્રયાસ છે કે “એ તો ઓબામા સરકારે નહોતું આપ્યું પણ એનઆઈએચે (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ)એ ઇકૉ હેલ્થ એલાયન્સને આપ્યું હતું. (પણ એનો અર્થ તો એ જ થયો ને કે ઓબામા સરકારે જ આપ્યું હતું, તો હેડિંગ કેટલું ખોટું આપ્યું? આવા હેડિંગ વાંચીને જ ઘણા ભોળા વાચકો મત બાંધી લેતા હોય છે અને એ પૂર્વગ્રહ સાથે જ વાંચવાનું શરૂ કરે છે) હવે આ ઇકૉ હેલ્થ એલાયન્સ વળી કઈ બલા છે? તે એક બિનસરકારી સંસ્થા છે જે કોરોના જેવી પ્રાણીઓ, માનવીઓ વગેરેને થતી મહામારીથી બચાવવા સંશોધન પર કામ કરે છે! તે અમેરિકાની જ એનજીઓ છે. અને ‘યુએસએ ટુડે’ મુજબ આ ગ્રાન્ટ ૨૦૦૨થી ચાલી આવે છે. ૨૦૧૪માં એનઆઈએચે ઇકૉ હેલ્થ એલાયન્સને ચામાચીડિયાતી થતા કોરોના વાઇરસ પર સંશોધન માટે ગ્રાન્ટ આપી હતી. તેમાં ચામાચીડિયામાં કોરોના વાઇરસ અને તેનાથી માનવમાં ચેપ ફેલાવવાની સંભાવના પર સંશોધન કરવાનું હતું. આ ખાસ અભ્યાસ માટે ચીનની આ વુહાન લેબ સાથે સહયોગ સાધવાનો હતો.

પાંચ વર્ષની ગ્રાન્ટ ૨૦૧૯માં પૂરી થતી હતી. અને ટ્રમ્પ સરકારે ૨૦૧૯માં તેને પુનઃ અનુમતિ આપી” તેમ ‘યુએસએ ટુડે’નું કહેવું છે. (અપડેટ: ‘ડેઇલી મેઇલ’નો અહેવાલ ૧૧ એપ્રિલે પ્રકાશિત થયો હતો પણ આ ફૅક્ટ ચેક આ લેખ લખાયાના થોડા કલાકો પહેલાં જ – એટલે કે ચાર મેએ ‘યુએસએ ટુડે’એ તેની વેબસાઇટ પર મૂકાઈ છે.)

હવે એ પણ જોવું પડે કે ‘યુએસએ ટુડે’ કોના તરફી ઝુકાવ ધરાવે છે? (નીચે લિંકમાં આપેલી) આ વેબસાઇટ કહે છે કે ‘યુએસએ ટુડે’ થોડો ડાબેરી/લિબરલ તરફી ઝુકાવ ધરાવે છે. આમ તો તે પ્રમુખપદની ચૂંટણીમાં બહુ પડતું નથી. પણ ૨૦૧૬માં તેણે હિલેરી ક્લિન્ટનની તરફેણ તો નહોતી જ કરી પરંતુ ડૉનાલ્ડ ટ્રમ્પને તો મત ન જ આપશો તેમ સ્પષ્ટ રીતે કહ્યું હતું. (mediabiasfactcheck.com/usa-today-2/ )

તો આનો અર્થ શું કાઢવો? ‘યુએસએ ટુડે’ કહે છે તે સાચું માનવું? પરંતુ એક વાત સાચી છે કે ડૉનાલ્ડ ટ્રમ્પે અગાઉનાં વર્ષોમાં ચીનની વુહાન લેબને ગ્રાન્ટ અપાતી આવી હોવાનું સ્વીકાર્યું છે અને હવે તે બંધ કરવાનું પણ કહ્યું છે. જોકે બંધ કરવાની જાહેરાત કરી તેનાથી અમેરિકાના સંશોધનકારો (અમેરિકામાં મહાવિનાશ થયો છતાં) ભડકી ગયા છે! ‘સાયન્સમેગ’ નામની વેબસાઇટ પર આ સંશોધનકારોનો અહેવાલ લખતી વખતે જેમણે અનુદાન બંધ કર્યું છે તેવા રાજકારણીઓ આગળ ‘કન્ઝર્વેટિવ’ શબ્દ લગાડવાનું ચૂકાયું નથી તે પણ જોવા જેવું છે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી હોય છે તેથી તે પક્ષના રાજકારણીઓને કન્ઝર્વેટિવ કહી શકાય પરંતુ અહીં ટ્રમ્પ વગેરેને કન્ઝર્વેટિવ કહેવું એનો અર્થ સ્પષ્ટ છે કે ટ્રમ્પ સુધારાવાદી/આધુનિક/પ્રગતિશીલ નથી પણ રૂઢિવાદી છે. એટલે કે ગમે તેટલો વિનાશ થાય તો પણ સંશોધન ચાલુ જ રાખવાનું. તેમાં પણ વાંધો ન હોવો જોઈએ પરંતુ તે સંશોધન (હવે તો સ્પષ્ટ રીતે) દુશ્મન દેશની લેબમાં ચાલુ રાખવાનું.

www.sciencemag.org/news/2020/04/nih-s-axing-bat-coronavirus-grant-horrible-precedent-and-might-break-rules-critics-say

આમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે:

(૧) શું અમેરિકાએ ચીનની આ લેબને આઉટસૉર્સિંગ કામ સોંપ્યું હતું? અને તેમાંથી ભૂલથી વાઇરસ બહાર છટકી ગયો? જો આમ હોય તો મૂળ પાપ અમેરિકાનું કહેવાય.

(૨) અહીં અમેરિકાએ એટલે અમેરિકા ગણવું કે પછી માત્ર ઓબામા સરકાર? ઓબામા ફાર્માસ્યુટિકલ કંપનીઓના ખાસંખાસ જેને આજકાલ અંગ્રેજીમાં બીએફએફ એટલે બેસ્ટ ફ્રેન્ડ ફૉરએવર કહે છે તે ગણાતા હતા. તેમના રાજમાં મોટી ફાર્મા કંપનીઓને તેમના ઇતિહાસમાં શૅરબજારમાં સૌથી મોટો ફાયદો થયો હતો. હકીકતે ફાર્મા સ્ટૉક ઇટીએફ ત્રણ ગણો વધ્યો હતો. ઓબામાની બીજી મુદ્દત દરમિયાન હિલેરી ક્લિન્ટન જેવાં રાજકારણીઓએ (ચૂંટણી નજીક આવી અને હવે પોતે ઊભા રહેવાનાં હોઈ) દવાના ભાવ પર નિયંત્રણ કરવાનું વિચાર્યું. ટ્રમ્પ આવ્યા એટલે તેમણે પણ દવાના ભાવ નિયંત્રિત કર્યા. તેથી ફાર્મા ક્ષેત્ર દબાણમાં આવ્યું.

હકીકતે ૨૦૦૮માં ઓબામાકેર નામની અમેરિકાની આરોગ્ય યોજના આવી હતી. તે બહુ ક્રાંતિકારી ગણાવાઈ હતી. પરંતુ તેમાં પડદા પાછળ ઓબામા અને ફાર્મા તરીકે ઓળખાતા મોટી ફાર્મા કંપનીઓના સમૂહની વચ્ચે ૮૦ અબજ ડૉલરનો સોદો થયો જેમાં નક્કી એવું થયું કે દવાઓના ભાવ વધે તો પણ દવાઓ આયાત નહીં થાય. ઓબામાકેરમાં ફાર્મા સિવાય આખું મેડિકલ ક્ષેત્ર હચમચી ગયું હતું. વીમા કંપનીઓએ માંદા લોકોને કવર કરવાના, ભલે દર્દીઓનાં મેડિકલ બિલ ગમે તેટલું મોટાં થાય. (દવાના ભાવ વધે એટલે બિલ તો વધવાનાં). હૉસ્પિટલોએ પણ નવા નિયમ પ્રમાણે દર્દીઓને પુનઃ દાખલ કરવાના, નહીંતર દંડનો સામનો કરવા તૈયાર રહેવાનું! ડૉક્ટરોના પગારમાં પણ ૪૨ ટકા કાપ આવતો હતો. એટલે આમ જુઓ તો આરોગ્ય પ્રણાલિમાં ભૂકંપ આવી ગયો હતો. પણ આનંદમાં હતી માત્ર ફાર્મા કંપનીઓ. કારણકે તેઓ નવી હિપેટાઇટિસ સીની સારવાર માટે હવે ૮૪,૦૦૦ ડૉલર ચાર્જ કરી રહી હતી તો કૉલેસ્ટેરોલની સારવાર માટે ૧૪,૦૦૦ ડૉલરથી વધુ ચાર્જ કરી રહ્યા હતા. કેન્સરની થેરપી તો છ આંકડામાં જતી જ હતી.

‘ફૉર્બ્સ’એ એવું હેડિંગ આપ્યું કે ‘ઓબામાકેરથી દવા ઉદ્યોગને નફામાં ૩૫ અબજ ડૉલરનો ઉમેરો થશે.’

હવે જે વાત આવે છે તે ચોંકાવનારી છે. ચોંકાવનારી એટલા માટે કે આપણી સમક્ષ અત્યાર સુધી પશ્ચિમના દાસ એવા બુદ્ધુજીવીઓ દ્વારા જે ચિત્ર રજૂ કરાતું આવ્યું છે તે એવું જ છે કે પશ્ચિમમાં સરકાર, પ્રશાસન, ન્યાયાલય વગેરે પ્રમાણિક. ભ્રષ્ટાચાર ન થાય. પ્રજા તરફી નિર્ણય થાય. પરંતુ હવે જે વાત તમે જાણશો તેનાથી તમને થશે કે અત્યાર સુધી આ બુદ્ધુજીવીઓ અમેરિકાના પ્રવાસો થતા રહે અને કદાચ અમેરિકા તરફથી કોઈ ફેવર મળતી રહે તે માટે અમેરિકાનું અને ખાસ તો ઓબામા જેવા લિબરલોનું સારું-સારું ચિત્ર જ ઉપસાવતા રહ્યા.

તો એ વાત એ છે કે ઓબામાએ જે ડાબેરી જજો નિમ્યા હતા તે ખરેખર તો ફાર્મા કંપનીઓને મદદ કરાવનારા હતા! દા.ત. ન્યૂયૉર્કના જજ ડેની ચીન મોટી ફાર્મા કંપનીઓ માટે કદાચ સૌથી મોટી ભેટ હતા. હવે આ ડેની ચીને કેવો ચુકાદો વર્ષ ૨૦૧૨માં આપેલો તે જુઓ. એક સેલ્સ રિપ્રેન્ઝન્ટેટિવે એક દવા એવા ઉપયોગ (એમ સમજોને કે બીમારી) માટે વેચી જેને અમેરિકાના ફૂડ્ઝ ઍન્ડ ડ્રગ્ઝ ઍડ્મિનિસ્ટ્રેટિવ (એફડીએ)એ અનુમતિ નહોતી આપી. આને અમેરિકામાં ઑફ લેબલ માર્કેટિંગ કહેવાય. અર્થાત્ દવાની બૉટલ-રેપર વગેરે પર જે બીમારી માટે લખી હોય તેના કરતાં બીજી બીમારી માટે દવા વેચવી. આ તો ગંભીર ગુનો ગણાય કેમ કે એફડીએ બધું જોઈ વિચારીને જ દવાને અનુમતિ આપતું હોય. દવાને જે હેતુ માટે અનુમતિ મળી હોય તેના સિવાયના હેતુ માટે દવા વેચાય તે તો અતિશય ગંભીર ગુનો ગણાય! તાવની પેશાબની તકલીફ માટે કેમ વેચી શકાય? પણ જજોએ શું કહ્યું? આવા ઑફ લેબલ માર્કેટિંગ પર પ્રતિબંધ એ તો તે સેલ્સ રિપ્રેન્ઝેટિવની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે!

ઓત્તારીની! હમણાં કહું તે! ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશનમાં શું ગમે તે બોલીને વેચી નાખે તે ચાલે? સામાન્ય કારને એસયુવી કહીને વેચે અને પછી કોઈ વાંધો ઉઠાવે તો એમ કહેવાનું કે તે દલાલની ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશનનો ભંગ છે?

હવે એ પણ જાણી લો કે આલ્ફ્રેડ કેરોનિયા નામના જે સેલ્સ રિપ્રેઝન્ટેટિવને ઓબામાએ નિમેલા જજ સહિતના જજોએ ૨-૧ની બહુમતીથી નિર્દોષ છોડ્યો તેના પર આરોપ શું હતો? આ સેલ્સ રિપ્રેઝન્ટેટિવે આખો દિવસ ઊંઘ-ઊંઘ લાગતી હોય તેના માટેની દવા અનિદ્રાની બીમારી માટે વેચી હતી! એટલે કે ઊંઘ ભગાવવાની દવા ઊંઘ આવે તે માટે વેચી! આ તો એવું થયું કે રેચની દવા ઝાડા રોકવા માટે અપાય! પહેલા કેસમાં તો આ બદમાશ કેરોનિયા દોષી ઠર્યો પરંતુ તેણે ઉપરની કૉર્ટમાં અપીલ કરી કે તેના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ભંગ થયો છે. અને ન્યૂ યૉર્ક, કનેક્ટિકટ તેમજ વર્મૉન્ટ એમ ત્રણ રાજ્યોને લાગુ પડતી સેકન્ડ સર્કિટ કૉર્ટના જજોએ ઉપર મુજબ ચુકાદો આપી પણ દીધો! આમ, આ ચુકાદા દ્વારા એફડીએના નહોર બુઠ્ઠા કરી દીધા.

(૩) એક પ્રશ્ન એ પણ થાય છે કે જે હદે ચીનનો પ્રભાવ વિસ્તર્યો છે અને ‘હૂ’માં પણ તેની પીપૂડી પર જ તેના અધ્યક્ષ નાચે છે તો ક્યાંક આ પ્રકારના અહેવાલ બહાર આવ્યા તે ચીનનાં કારસ્તાનને દબાવવા માટે તો નથી ને? પરંતુ આમાં એક વાત તો સત્ય છે જ કે અમેરિકાએ ચીનની વુહાન લેબને તોતિંગ ભંડોળ પૂરું પાડ્યું હતું. જેનો સ્વીકાર અમેરિકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતે કર્યો છે.

(૪) ઉપરોક્ત ભાંડાફોડ બ્રિટનના ‘ડેઇલી મેઇલ’એ કર્યો છે પરંતુ અમેરિકાનું સીએનએન, યુએસએ ટુડે વગેરે નિયમિત રીતે જોવાનું થાય છે. તેમાં આ ઘટસ્ફોટનું કવરેજ ધ્યાનાકર્ષક રીતે બિલકુલ કરાયું નથી. તો આનો અર્થ શું એ કાઢવો કે લિબરલ તરફી મિડિયાએ આવડા જબરદસ્ત મોટા સમાચારને દબાવી દીધા કારણકે એમાં ઓબામા સરકારની ગંભીર ભૂલ છતી થઈ હતી?

(૫) આ બધી વાતોનો કોરોના સાથે કોઈ સંબંધ? ઓબામા સરકારમાં દવા કંપનીઓની જે રીતે ચાંદી થઈ તેના પરથી શું એ અનુમાન બાંધવું અઘરું છે કે કોરોના માટે પણ દવા શોધવાની મથામણ હાથ ધરાઈ હોય. ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત લેખક ડૉ. પ્રદીપ પંડ્યાએ પણ તેમની નવલકથામાં આ બાબતે આંગળી ચીંધેલી. હવે થયું એવું હોય કે દવા શોધાય તે પહેલાં જ કોરોના છટકી ગયો હોય. અને આ બધો વિનાશ સર્જાયો હોય. પરંતુ એ સમજવું કે સ્થાપિત કરવું અઘરું છે કે આ નીતિ સમગ્ર અમેરિકાની હતી કે માત્ર ઓબામા (એટલે કે ડેમોક્રેટિક જ્યારે જ્યારે સત્તામાં હોય તે) સરકારની?

(૬) થોડા મહિનાઓ પહેલાં ડેમોક્રેટિક સાંસદોએ જે રીતે ટ્રમ્પની સામે ઇમ્પીચમેન્ટ કરવા ધમપછાડા કર્યા હતા અને ટ્રમ્પ તેમાંથી માંડમાંડ ઉગર્યા છે તો પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પ તેમની પાસે આવેલો ઓબામા અને એટલે ડેમોક્રેટને ઘેરવાનો આ મુદ્દો હાથમાંથી જવા દેશે?

હજુ તો શરૂઆત છે. આગે આગે દેખિયે, હોતા હૈ ક્યા?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Kamlesh thakkar 07/05/2020 - 8:40 PM

ઓહ.. ચોંકાવનારી વિગતો,.. માહિતીપુર્ણ સરસ લેખ

Reply

Leave a Comment