Home » સળગતા મુદ્દા: શિક્ષણનું આરોગ્ય અને આરોગ્યનું શિક્ષણ

સળગતા મુદ્દા: શિક્ષણનું આરોગ્ય અને આરોગ્યનું શિક્ષણ

by Jaywant Pandya

સબ હેડિંગ: કોરોનાકાળમાં બે બાબતે મોટાં ભાગનાં રાજ્યોની આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પોલ ખુલ્લી પડી. આ બંને ક્ષેત્રની સેવા લેવા લોકો માગ્યા ભાવ આપવા તૈયાર છે પરંતુ સામે એટલા ભાવ આપવા જરૂરી છે? એનાથી ગુણવત્તા મળે છે? સરકાર અને નાગરિકો બંનેએ આ ક્ષેત્રે હવે વધુ ધ્યાન આપવું જરૂરી છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૬/૭/૨૦૨૦)

કોરોના કાળે આપણને બે બાબતે જગાડ્યા: આરોગ્ય અને શિક્ષણ. માર્ચ મહિનામાં ઘર-વાસ થયો એટલે મે સુધી બધું બરાબર ચાલ્યું પરંતુ મે મહિનાથી આરોગ્ય પ્રણાલિની પોલ ખુલવા લાગી. જોકે એમાં જે લોકો કોરોના યૌદ્ધાઓ છે તેમનો વાંક પણ નથી. દિવસરાત ઉનાળાની ગરમીમાં પીપીઇ કિટ પહેરીને ડ્યુટી બજાવવી તે વંદનને પાત્ર છે. પરંતુ સાથે વેન્ટિલેટરની કમી, બેડની અછત, બેડ ખાલી હોય તો પણ હૉસ્પિટલમાં પ્રવેશની ના, મૃતદેહ સાથે વર્તન, વગેરે અનેક બાબતે અણઘડ વહીવટ ખુલ્લો પડ્યો.

શિક્ષણ બાબતે પણ આવું થયું. શિક્ષકોએ તો ઘરે રહીને કોરોનાની વચ્ચે ઑનલાઇન શિક્ષણ પૂરું પાડ્યું પરંતુ શાળા સંચાલકો અને વાલીઓ બંને પક્ષે અણસમજ અથવા પોતાનો સ્વાર્થ સાધવાની વૃત્તિ દેખાઈ. (અહીં સર્વસામાન્ય વાત નથી. જેમણે વૃત્તિ દેખાડી તેમની વાત છે.) વાલીઓને કોરોનાના લીધે આર્થિક ફટકો પડ્યો છે તે વાત સાચી. પરંતુ શું બધા વાલીઓની સ્થિતિ ખરાબ છે? આ એ જ વાલીઓ છે જે તેમનાં સંતાનોને અબ્દુલ કલામ, શ્રીનિવાસ રામાનુજન, સ્વામી વિવેકાનંદ વગેરે આદર્શોના બદલે ડૉક્ટર, એન્જિનિયર, આઈએએસ, આઈપીએસ, અભિનેતા/અભિનેત્રી કે ખેલાડી બનાવવા માગે છે. તેમને એમ છે કે શાળામાં મૂકી દીધા અને મસમોટી ફી ભરી દીધી એટલે તેમની જવાબદારી પૂરી. આજે વાલી તેના બાળકના શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃત છે તે સારી વાત છે પરંતુ તે માટે કારણ વગર ઊંચી ફી ભરવા તૈયાર થઈ જાય અને બધી જવાબદારી શાળા પર નાખી દે તે પણ ખોટું છે. ઘરે બાળક ભણે છે કે નહીં, બાળકને કેટલું આવડ્યું છે, તેને શાળામાં સમજાય છે કે નહીં, તેના મિત્રોનું વર્તુળ કેવું છે આ બધું વાલીએ જોવું જ રહ્યું.

નોકરી કે વ્યવસાયમાં પણ કંપનીના સ્વામી બધું કર્મચારીઓ પર નાખીને છૂટી જતા નથી. તેઓ પળેપળ કંપનીમાં શું ચાલે છે તેની પૂછપરછ કરતા રહે છે. જ્યાં ખોટું જણાય કે તરત તેના માટે સુધારાનાં પગલાં લે છે. તો પછી નોકરી કે ધંધો કરતા કે પોતાની કંપની ચલાવતા લોકોને તો પોતાની વહાલસોયી મૂડી જેમાં રોકી છે તે શાળામાં શું ચાલે છે તે જોવું જોઈએ ને.

સામે પક્ષે, શાળા સંચાલકો વાલીઓને ખંખેરવાની મનોવૃત્તિ ધરાવતા હોય છે. એફઆરસીના કાયદાને અનેક શાળાઓ ઘોળીને પી ગઈ હોય તેવા કિસ્સા બહાર આવે છે. કાયદા ગમે તેટલા આવે પણ તેની છટકબારી શોધી જ લેવાતી હોય છે અને વાલી બિચારો જાય પણ ક્યાં? એટલે યુનિફૉર્મથી માંડીને પાઠ્યપુસ્તકોમાં શાળા જ નક્કી કરે કે ક્યાંથી લેવું.

આ બંને વચ્ચે મરો શિક્ષકોનો થાય. આજે વાલીઓ પણ એવા થઈ ગયા છે કે શિક્ષક નાની અમસ્તી સજા કરે તો પણ મિડિયામાં પહોંચી જાય છે. અને મિડિયાનો એક વર્ગ પણ શિક્ષકને ખલનાયક ચિતરી દે છે. આપણે ત્યાં તો કહેવત જ હતી ‘સોટી વાગે સમસમ વિદ્યા આવે ધમધમ’. દરેક બાળકને દંડની કે સજાની જરૂર નથી હોતી, પરંતુ સજાનો ભય તો હોવો જોઈએ. અને જે સજા અપાતી તે વિદ્યાર્થીના આરોગ્ય અને સ્મરણશક્તિને મદદ થાય તેવી સજા હતી. દા.ત. કાન પકડાવી ઊઠકબેઠક કરાવાતી. પગના અંગૂઠા પકડાવાતા. હા, એવી કોઈ સજા ન થવી જોઈએ જેના કારણે કુમળા બાળકને આખી જિંદગી ભોગવવું પડે. આજે તો વિદ્યાર્થી પાસે સફાઈ કરાવાય તો પણ નકારાત્મક સમાચાર બને છે.

આ લખાય છે ત્યારે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવ્યો છે કે શાળા ચાલુ નહીં થાય ત્યાં સુધી શાળા વાલીઓ પાસેથી ફી નહીં લઈ શકે. આની સામે શાળા સંચાલકોએ કહ્યું કે, …તો અમે ઑનલાઇન શિક્ષણ નહીં આપીએ. આ તો નાક દબાવવાની વાત થઈ. પરંતુ સામા પક્ષે બધા વાલીઓ શું ફી નથી આપી શકે તેમ? શાળા સંચાલકોને પંખા, એસી, ટ્યૂબલાઇટ વગેરેનો ખર્ચ જરૂર બચે છે પરંતુ શિક્ષકોની ફી, કારકૂની કામની ફી વગેરે તો આપવી જ પડે છે. એ વાત જુદી છે કે ખાનગી શાળાઓમાં શિક્ષકોનો વાસ્તવિક પગાર ચોપડા પર દેખાડાતા પગાર કરતાં ઓછો હોય છે. એટલે ઓછી આવકવાળા વાલીઓને ફીમાં હપ્તા કરીને રાહત આપી શકાય, પરંતુ બધા વાલીઓ ફીનો વિરોધ કરે તે વાજબી નથી. સામા પક્ષે શાળા સંચાલકોએ પણ શિક્ષણ ફી જેવી બેઝિક ફી જ લેવી જોઈએ કારણકે તે સિવાય બસ/વાન વગેરે જેવી બીજી સુવિધા તો તેને આપવી નથી પડતી.

આ ઉપરાંત સૌથી મોટો પ્રશ્ન અત્યારે ઑનલાઇન શિક્ષણનો પણ છે. એક વાલીને બે સંતાન હોય તો તેના માટે એક મોબાઇલ ખરીદવો પડે કારણકે પિતાનો મોબાઇલ હોય તે તો તેઓ ઑફિસે લઈ જતા રહે. માતાનો મોબાઇલ એક સંતાનને આપે. તો બીજા સંતાન માટે શું? અને આ ઑનલાઇનમાં ડેટા વપરાય તેનું શું? તેનો ખર્ચો સ્કૂલની ફીમાંથી બાદ ન કરવો જોઈએ? અને સૌથી મોટો પ્રશ્ન, આમાં ગરીબ માતાપિતા તેના બાળકને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે અપાવી શકવાનાં? તેમને મોબાઇલ અને ડેટાનો ખર્ચ કેવી રીતે પોસાશે?

બાળકની આંખને ઑનલાઇન શિક્ષણથી મોબાઇલથી નુકસાન પહોંચે છે તે વાત સાચી છે. એટલે આ ઑનલાઇન ઍજ્યુકેશન લાંબું ન ચાલી શકે. વાલીઓ મોબાઇલની દલીલ કરતા હોય તો તેમને પણ કહેવાનું મન થાય કે બાળક જન્મે ત્યારથી તેઓ ઝડપથી જમી લે અથવા તોફાન ન કરે તે માટે મોબાઇલ અને ટીવીની ટેવ તમે જ પાડો છો, ત્યારે તેની આંખ ખરાબ નથી થતી? ત્યારે તો તમે ગર્વ લો છો કે અમારા બાળકને મોબાઇલ વાપરતા આવડે છે. આ ઉપરાંત ઘણાં બાળકો પોતે ભણતાં નથી. આથી માતાઓએ તેમની સાથે ઑનલાઇન વર્ગો માટે બેસવું પડે છે. ઘરકામ કરાવતી વખતે બેસવાનું થાય તે તો અલગ. મિડિયાના એક વર્ગે પણ વાલીઓને ઉશ્કેર્યા કે પહેલાં વિધાનસભા ચાલુ થાય પછી જ શાળા ચાલુ થવી જોઈએ. પરંતુ જેમ ઘણી ઑફિસમાં કરાય છે તેમ અમુક વિદ્યાર્થીઓને અમુક દિવસે બોલાવવાના તેમ રૉટેશન કરીને શાળા ખુલી જ શકે; કમ સે કમ માધ્યમિક શાળાઓ તો ખુલી જ શકે. વિધાનસભા પછી જ શાળા ખોલવાનો આગ્રહ તમારા બાળકનું શિક્ષણ જ બગાડશે. અને જો ઑનલાઇન જ શિક્ષણ લેવાનું હોય તો પછી બાળકોને શાળામાં બેસાડવાં જ શા માટે? યૂટ્યૂબ પર ઢગલાબંધ વિડિયો પ્રાપ્ત છે. બીજો વિકલ્પ એ પણ થઈ શકે કે જો વાલીઓ એક સંપ થાય અને તેઓ પોતે જ લાયક શિક્ષકો શોધે અને એક પરિસર નક્કી કરે તો શિક્ષકોને સીધી ફી ચૂકવીને હૉમ એજ્યુકેશન અપાવી શકે. આનાથી શાળા સંચાલકોની દાદાગીરી સમાપ્ત થશે અથવા ઓછી થશે. ખેડૂતો ભેગા મળીને પોતે જ સીધો માલ વેચે તેવો આ ઉપાય છે. આ રીતે શિક્ષકોને પણ પૂરતો પગાર મળશે. પરીક્ષા તો ઘરે બેઠા આપી જ શકાય છે.

ઠીક છે પણ હવે વહેલી તકે કોરોના પ્રતિકારક પગલાંઓ સાથે શાળાઓ ખોલવી જરૂરી છે અને કેન્દ્ર સરકારે તે માટે અભિપ્રાયો મગાવ્યા પણ છે.

આ આપત્તિકાળમાં સહુએ પોતાના સ્વાર્થના બદલે બીજાની સ્થિતિમાં પોતાને મૂકીને નિર્ણય કરવા જોઈએ; જેમ કે શાળા સંચાલક ફીમાં રાહત નહીં આપે તો વાલીઓ પોતે જે ધંધામાં હશે ત્યાં ભાવ વધારી દેશે. તો આ ભાવવધારો શાળા સંચાલકોને પણ કોઈ ને કોઈ ખરીદીમાં નડવાનો જ છે. આ જ રીતે અલગ-અલગ વ્યવસાયોમાં પણ ભાવવધારો કરી દેવાય છે. આ વિષચક્ર ગરીબોને અને નોકરિયાત મધ્યમ વર્ગીય લોકોને બહુ નડે છે.

માનવ સંસાધન વિકાસ ખાતાએ રચેલી ટી. એસ. આર. સુબ્રમણિયનની અધ્યક્ષતામાં નવી શિક્ષણ નીતિના વિકાસ માટેની સમિતિએ ૭ મે ૨૦૧૬ના રોજ સોંપેલા તેના અહેવાલમાં શિક્ષકોની ભારે તંગી હોવાનું નોંધ્યું હતું. આ દેશમાં વિચિત્રતા એ પણ છે કે એક તરફ બેરોજગાર યુવાનો પોતાને કામ ન મળતું હોવાની બૂમો પાડે છે અને બીજી તરફ, શિક્ષકો, પોલીસ, ડૉક્ટર વગેરે વ્યાવસાયિકોની તંગી છે. કોરોના કાળમાં તો એ પણ ધ્યાનમાં આવ્યું કે કેટલાક ખેડૂતો ખેતમજૂરો તેમના બીજા રાજ્યમાં આવેલા વતનમાં ચાલ્યા જતાં પાક લણવામાં તકલીફ પડી ગઈ કારણકે બધું ખેતમજૂરો પર જ છોડી દીધું હતું. કોઈ પણ ધંધા-વ્યવસાયમાં તમે સ્વામી બની જાવ તે આનંદની વાત છે-તમારી સમૃદ્ધિ કહેવાય કે તમે અનેકને રોજગાર આપી શકો છો પરંતુ તમને તમારા ધંધા-વ્યવસાયનું કામ જ ન આવડતું હોય તો તે શરમની વાત છે કારણકે મજૂરો હોય તો પણ તે તમને ઊંધીચત્તી પટ્ટી પઢાવી તમને ખોટમાં નાખી શકે છે.

આ તો થઈ શિક્ષણના આરોગ્યની વાત. હવે આરોગ્યના શિક્ષણની વાત. આટઆટલું કહ્યા પછી લોકોને માસ્ક પહેરવા સામે ખબર નહીં શું વાંધો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યભાર સંભાળ્યો તે વખતે, પેટા ચૂંટણીની તૈયારીમાં કોળી લોકોના સંમેલન વખતે, કે પછી સોમનાથ મંદિરમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા તે વખતે કોરોનાના કોઈ નિયમો ન પળાયા. તો નિયમો શું માત્ર જનતાને દંડીને સરકારની તિજોરી ભરવા માટે જ છે? અને અત્યારે દેશનાં અનેક રાજ્યોમાં હૉસ્પિટલોની સ્થિતિના વિડિયો આવે છે તે જોતાં લાગે છે કે આરોગ્ય ક્ષેત્રે સરકારો બહુ ઓછું ધ્યાન આપે છે. (જોકે વિદેશોમાં પણ સ્થિતિ સારી નથી જ. તેમની પોલ પણ આ કાળમાં ખુલ્લી પડી જ છે.)

એક વાત તો છે. હવે સૌથી વધુ મહત્ત્વ આરોગ્ય અને શિક્ષણને આપવાની જરૂર છે. સરકારે માત્ર વૉટબૅંક લક્ષી બજેટ ફાળવણીના બદલે આ બંને ક્ષેત્રે ફાળવણીની અને તેના ૧૦૦ ટકા સાર્થક અમલની વધુ જરૂર છે. સાથે જ નાગરિકોએ આ બંને ક્ષેત્રે તેમના બજેટની ફાળવણી વધારવાના બદલે ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે. દા.ત. યોગાસન, પ્રાણાયામ, ખુલ્લી હવામાં નિત્ય ચાલવું, ખાવાપીવામાં જીભ કરતાં પેટનું ધ્યાન રાખવું, પૂરતી ઊંઘ લેવી, મોબાઇલ-ટીવી જોવાનું ઓછું કરવું વગેરે શિસ્ત લાવવાથી તમારો આરોગ્યનો ખર્ચો બચશે. આયુર્વેદિક ઉકાળા ભલે કડવા લાગે પણ તે હિતકારી હોય છે. મોંઘી દવા અને મેડિક્લેઇમના ખર્ચા બચશે. શિક્ષણમાં પણ ઉપર કહ્યું તેમ મોંઘી શાળા કરતાં ગુણવત્તાભર્યું શિક્ષણ જરૂરી છે. સરકારી શાળાઓમાં સારું શિક્ષણ અપાય જ છે. અને રાજકોટ જેવામાં તો હવે કોરોના કાળમાં મોંઘી ફીના લીધે વાલીઓ તેમનાં બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડી સરકારી શાળામાં મૂકવા લાગ્યા છે.

સાથે, શાળાના શિક્ષણ ઉપરાંત વ્યવહારિક જ્ઞાન જરૂરી છે. જેમ કે, ચેકની સ્લિપ ભરીને તે બૅન્કમાં જમા કરાવવો, વીજળીનો ફ્યુઝ બાંધવો, ઘરમાં કોઈને હાર્ટ ઍટેક આવે તો પ્રાથમિક સારવાર આપવી. કોઈ ચોર કે બળાત્કારીનો સામનો કરવો પડે તો સ્વરક્ષણ કરવું. નાનપણથી જ બાળકને બચતની ટેવ પાડવી. જ્યારે તેને ખર્ચ કરવાનું મન થાય ત્યારે મન પર કંટ્રૉલ કરતા શીખવવું. કેટલાંક માબાપ આવું નથી શીખવતાં. તેઓ કહેતા હોય છે કે અમે તો બહુ મન મારીને જીવ્યાં. અમારાં બાળકને શા માટે તકલીફ પડવા દઈએ. પાણી માગશે તો દૂધ આપી દઈશું. પરંતુ તેનાથી બાળકને અભાવમાં જીવતા આવડતું નથી. નાની તકલીફમાં પણ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment