Home » કૉંગ્રેસ અને સુશાંત: ગુજરાતના સેક્યુલરોને ઓછો રસ કે ગુજરાતીઓને?

કૉંગ્રેસ અને સુશાંત: ગુજરાતના સેક્યુલરોને ઓછો રસ કે ગુજરાતીઓને?

by Jaywant Pandya

સબ હેડિંગ: ગયા સપ્તાહે બે સમાચાર સૌથી વધુ છવાયેલા રહ્યા. એક કૉંગ્રેસ કારોબારીમાં તોફાનના અને બીજા સુશાંતસિંહ મૃત્યુના કેસમાં બહાર આવી રહેલા ચોંકાવનારા રહસ્યસ્ફોટો. ન્યૂઝ વેલ્યૂની દૃષ્ટિએ આ બંને ટીઆરપી કે સર્ક્યુલેશન વધારનારી ઘટનાઓ છે. અને માનવીય દૃષ્ટિકોણથી જુઓ તો પણ બંને ઘટનાઓ મહત્ત્વની ગણાય. પણ ગુજરાતના સેક્યુલર પત્રકારોને કોણ જાણે કેમ તેમાં ઓછો રસ હોય તેમ લાગી રહ્યું છે.

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩૦ ઑગસ્ટ ૨૦૨૦)

ટીવી પર ક્રાઇમના શૉ સૌથી વધુ જોવાતા શૉ છે. એક ટીવી એડિટરે મને આવું કહેલું. તેમણે કહ્યું કે અમે ક્યારેય તેને રદ્દ નથી કરતા. પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રૉનિક, ગુજરાતના મોટા ભાગના મિડિયામાં અપરાધના બનાવોને મોણ નાખીને વર્ણન કરી કરીને લખવામાં આવતા હતા. એક નવું સમાચારપત્ર લૉન્ચ થવાનું હતું ત્યારે અનેક વર્ગના લોકોને બોલાવીને અભિપ્રાય પૂછાતો હતો કે તમે નવા સમાચારપત્રમાં શું જોવા માગશો અને શું નહીં. તો બહુમતીઓનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે અપરાધના સમાચાર ઓછા કરો.

ગયા સપ્તાહે બે સમાચાર સૌથી વધુ છવાયેલા રહ્યા. એક કૉંગ્રેસ કારોબારીમાં તોફાનના અને બીજા સુશાંતસિંહ મૃત્યુના કેસમાં બહાર આવી રહેલા ચોંકાવનારા રહસ્યસ્ફોટો. સુશાંતસિંહના કેસનું તો તે મૃત્યુ પામ્યો ત્યારથી સતત કંઈ ને કંઈ બહાર આવી રહ્યું છે. પરંતુ ગુજરાતના સેક્યુલરોમાં આ ઘટનાની ચર્ચા જોવા મળતી નથી. આ જ રીતે કૉંગ્રેસ કારોબારીમાં ૨૩ નેતાઓએ લખેલા પત્રની ચર્ચા પણ નોંધ લેવા પૂરતી પણ થઈ નહીં. ન્યૂઝ વેલ્યૂની દૃષ્ટિએ આ બંને ટીઆરપી કે સર્ક્યુલેશન વધારનારી ઘટનાઓ છે. અને માનવીય દૃષ્ટિકોણથી જુઓ તો પણ બંને ઘટનાઓ મહત્ત્વની ગણાય.

કૉંગ્રેસની ઘટના એટલા માટે મહત્ત્વની છે કે એક મજબૂત પક્ષ, સદીઓ જૂનો પક્ષ આપણે સમાપ્ત થતો- તૂટતો જોઈ રહ્યા છીએ. કૉંગ્રેસે આ દેશને ઘણું આપ્યું છે. અને ઘણું નુકસાન પણ કરાવ્યું છે. આજે ઘરે-ઘરે ટેલિફૉન છે કે કમ્પ્યૂટર ક્રાંતિ છે તેનો શ્રેય કૉંગ્રેસને ન આપો તો ન ચાલે. આઈઆઈએમ, આઈઆઈટી, એઇમ્સ, અંતરિક્ષ વિજ્ઞાનમાં પ્રગતિ, કૃષિ ક્ષેત્રે સ્વાવલંબન, ક્રાયૉજેનિક એન્જિન બનાવટમાં સ્વાવલંબન વગેરે માટે ખેડૂતોને શ્રેય આપો કે આપણા વૈજ્ઞાનિકોને, પણ તે ઘટનાઓ કૉંગ્રેસ શાસનમાં બની છે. પાકિસ્તાનના બે ટુકડા પણ કૉંગ્રેસ શાસનમાં થયા છે. ટીવી (દૂરદર્શન) અને આકાશવાણી પણ કૉંગ્રેસ શાસનમાં સ્થપાયેલાં અને વિસ્તરેલાં. દૂરદર્શનના જે સારા-સારા કાર્યક્રમો જે આપણે કોરોના કાળમાં જોયા અને આપણે વખાણ કરીએ છીએ તે મંડી હાઉસના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે કૉંગ્રેસ કાર્યકાળમાં આવેલા. ટૂ બી સ્પેસિફિક, રાજીવ ગાંધી શાસનમાં, વચ્ચે થોડો સમય વી.પી.-ચંદ્રશેખર, નરસિંહરાવ શાસનમાં.

આ કૉંગ્રેસની ૨૦૦૪ પછી જે સતત દુર્દશા થઈ છે, સોનિયાકરણ અને પછી રાહુલકરણ થયું અને હવે પ્રિયંકાકરણ પણ થયું છે તે અત્યંત દુઃખદ છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું તુષ્ટિકરણ, મોટાં પદો પર ખ્રિસ્તીઓને આરૂઢ કરવા, પાકિસ્તાન સામે સાવ નરમ નીતિ, અમેરિકા સામે પરમાણુ સમજૂતી વખતને બાદ કરતાં વડા પ્રધાન જેવા પદની સાવ અવગતિ, પદ વગર અને જવાબદારી વગરના નેતા (રાહુલ ગાંધી) દ્વારા વડા પ્રધાન વિદેશ ગયા હોય ત્યારે કાયદાના મુસદ્દાને જાહેરમાં ફાડી નાખી તેમનું અપમાન કરવું…આ બધું ખૂબ ચાલ્યું. ૨૦૦૯માં જે મનમોહનની સ્વચ્છ, રાષ્ટ્રવાદી અને પ્રમાણિક છબીના આધારે જીત મેળવી તેમને કોરાણે મૂકી દેવાના અને જે સારું થાય તેનો શ્રેય રાહુલને આપવાનો અને ખરાબ થાય તેનો મનમોહનને.

આશા તો એવી હતી કે ૨૦૧૪માં હાર પછી કૉંગ્રેસ સુધરશે. અને અણસાર એવા મળ્યા હતા પણ ખરા. રાહુલ ગાંધીએ અમેરિકામાં થાય છે તેવી પ્રાઇમરીના આધારે ઉમેદવાર પસંદ કરી પેરેશ્યૂટ ઉમેદવારની પ્રથા દૂર કરવાના પ્રયોગો કરેલા. કુલી, આદિવાસી, મહિલાઓને અલગ-અલગ મળીને ૨૦૧૪નો ચૂંટણી ઢંઢેરો બનાવવા પ્રયાસ કરેલો જેની આ લેખકે પ્રશંસા કરેલી. પરંતુ પછી શું થયું? એક પછી એક ચૂંટણીમાં હાર. રણનીતિમાં સતત પરિવર્તન. ક્યારેક જનોઈ પહેરી હિન્દુવાદી થવાનું અને ક્યારેક મુસ્લિમોની બેઠકમાં અમે તો તમારા જ છીએ તેવા પ્રકારનો સૂર આલાપવાનો. સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ ઍરસ્ટ્રાઇક, કલમ ૩૭૦ મુદ્દે રાષ્ટ્રવિરોધી નહીં તો ય દેશના સમર્થનમાં ન હોય તેવાં નિવેદનો જેનો ઉપયોગ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રોમાં કરે તે આપવાનાં! જેએનયુમાં ભારત તેરે ટુકડે હોંગે ગેંગના સમર્થનમાં ઊભા રહેવાનું.

૨૦૧૯માં ૨૦૧૪ કરતાંય કારમી હાર પછી રાહુલ ગાંધીએ ત્યાગપત્ર આપવાનું જાહેર કર્યું. ગાંધી પરિવારની બહારના નેતાને અધ્યક્ષ બનાવવાની વાત કરેલી. હવે એવું પણ બહાર આવ્યું છે કે પ્રિયંકા રોબર્ટ વાડ્રા પણ આ જ મતનાં હતાં. પણ સોનિયા ગાંધી પર કળશ ઢોળાયો. તેમાંય વાંધો નહોતો. સોનિયાએ ૧૯૯૭માં સાવ ફેંકાઈ ગયેલી કૉંગ્રેસને, ૧૯૯૮માં કેન્દ્ર અને અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂકેલી કૉંગ્રેસને બેઠી કરી હતી અને ૨૦૦૪માં સત્તામાં લાવી હતી. પરંતુ ૨૦૦૪ અને ૨૦૧૯ વચ્ચે પંદર વર્ષનો સમય વિતી ગયો હતો. સોનિયાજીની તબિયત ૨૦૧૩ની આસપાસ જ બગડવા લાગી હતી. તેઓ વારંવાર અમેરિકા જતાં હતાં. એટલે એ અધ્યક્ષા હોય તો પણ કોઈ ફરક ન પડ્યો. હા, મહારાષ્ટ્રમાં ચોથા ક્રમનો પક્ષ હોવા છતાં સત્તામાં આવવામાં સફળ જરૂર થયાં. ઝારખંડમાં સત્તા મેળવી. હરિયાણામાં રાહુલ ગાંધીના માનીતા અશોક તંવરને બદલે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના હાથમાં સુકાન આપવામાં મોડું થયું, નહીંતર કદાચ પરિણામ જુદું હોત.

આ જ કારણ છે કે કૉંગ્રેસમાં ૨૩ જેટલા વરિષ્ઠ નેતાઓએ પત્ર લખી બળવો કર્યો. ફૂલટાઇમ અધ્યક્ષ આપો (એટલે કે અધ્યક્ષ તરીકે કામ કરો). અમારી વ્યથા સાંભળો. નિર્ણય ફટાફટ લો. અત્યારે કૉંગ્રેસ વરિષ્ઠ અને યુવાન નેતાઓમાં સ્પષ્ટ વહેંચાઈ ચૂકી છે. રાજ્યસભાના સાંસદોની બેઠકમાં રાહુલ ગાંધીના નિકટના અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ વરિષ્ઠ નેતાઓ પર (અને એટલે સોનિયા પર) નિશાન સાધે અને પછી તેમના પર વરિષ્ઠ નેતાઓ તૂટી પડે. તેમને ક્ષમા માગવી પડે. અને કૉંગ્રેસ કારોબારીમાં રાહુલ ગાંધી ૨૩ નેતાઓ પર ભાજપ સાથે મેળાપીપણાની વાત કરે.

આ આખી ઘટનામાં (કૉંગ્રેસ કારોબારીમાં મચેલા તોફાનમાં) કેટકેટલી સ્ટોરી હતી! શશી થરૂરના ઘરે પાંચ મહિના પહેલાં ડિનર બેઠકમાં પત્રની યોજના બનવી, ૨૩ નેતાઓના પત્ર સામે ગુલામનબી આઝાદ અને કપિલ સિબલ વગેરે નેતાઓ સામે અધીર રંજન ચૌધરીનો પત્ર, એકતરફ ૨૩ નેતાઓનો બળાપો અને બીજી તરફ સત્તા પર રહેલા મુખ્ય પ્રધાનો- અમરિન્દરસિંહ, અશોક ગહલોત, ભૂપેશ બઘેલ વગેરેનું ગાંધી પરિવારના જે નેતા આવે તેને સમર્થન, કારોબારીમાં રાહુલના ૨૩ નેતાઓ પર આક્ષેપો-આક્રોશ, રાહુલના નિકટના એ. ચેલ્લાકુમારના કાશ્મીરમાં બધા નેતાઓની ધરપકડ થઈ પણ ગુલામનબીની કેમ નહીં તેવા આક્ષેપો…આ બધું હોવા છતાં કેમ ગુજરાતના સેક્યુલરોમાં ચર્ચા નહીં?

સુશાંતના કેસમાં તમે રિયા ચક્રવર્તી-મહેશ ભટ્ટ-ખાન કલાકારો- કરણ જૌહર વગેરેની તરફેણમાં હો કે વિરુદ્ધમાં, પણ ચર્ચા તો કરો. કેટકેટલી સ્ટૉરી? સુશાંતના કહેવાતા મિત્ર સંદીપસિંહની ભૂમિકા, તેના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પીઠાની અને રિયાની કથિત નિકટતા, રિયા દ્વારા સુશાંતને ડ્રગ્ઝ આપવું, રિયા અને તેના ભાઈ દ્વારા સુશાંતનું બૅન્ક બેલેન્સ ઉડાવવું, રિયા અને મહેશ ભટ્ટના લફરા પ્રકારના દેખીતા સંબંધો, અભિનેત્રી ઝિયા ખાનનો પણ સુશાંત જેવો જ કેસ અને તેમાં પણ મહેશ ભટ્ટની ડિપ્રેશન થિયરી અને ઝિયા ખાનની માતા રાબિયા ખાનનો આક્રોશ, સુશાંત-શ્રીદેવી અને સુનંદા પુષ્કર કેસની કડીઓ, કૂપર હૉસ્પિટલમાં સુશાંતના પૉસ્ટમૉર્ટમ વખતે રિયાને જવા દેવી…

હિન્દી ફિલ્મોના ફાલતુથી ફાલતુ સમાચાર – પ્રિયંકા ચોપરા ફિલ્મો ન કરતી હોવા છતાં તેણે ફલાણું લૉ કટ ગાઉન પહેર્યું, કરીના કપૂર ખાનનો તૈમૂર જાતે પી પી કરતા શીખ્યો, રણવીરસિંહે ફરી વાનરવેડા કર્યા, દીપિકાએ ફરી ડિપ્રેશનની થિયરી ચલાવી, સોનમ કપૂર-સ્વરા ભાસ્કર-અનુરાગ કશ્યપે સીએએ વિરોધને સમર્થન કર્યું- આ બધાથી મિડિયા ફાટફાટ થાય છે, તો ઉપરોક્ત સમાચારોમાં તો સસ્પેન્સ છે, થ્રિલર છે, ડ્રામા છે, ક્રાઇમ છે, દુબઈ કનેક્શન છે, પણ ગુજરાતીઓમાં કોઈ ચર્ચા નહીં! મિડિયામાં કોઈ ચર્ચા નહીં!

કેરળમાં સોનાની દાણચોરી અને ત્રાસવાદ અને તેમાંય યુએઇ કનેક્શન છે. સીએમઓમાં કામ કરતી સ્વપ્ના સુરેશને યુએઇ કન્સ્યૂલેટમાંથી છૂટી કરાયા પછી તરત જ સરકાર કોઈ પ્રૉજેક્ટમાં રાખી લે છે. કેરળમાં કોરોના સામેના કથિત સફળ મૉડલની પોલ ત્યાંના જ નિષ્ણાતો ખોલે છે. પશ્ચિમ બંગાળમાં જે પણ સામ્યવાદી પક્ષનો કે તૃણમૂલ કૉંગ્રેસનો નેતા કે કાર્યકર ભાજપમાં જોડાય તેની નિર્દયતાથી હત્યા થઈ જાય છે અને પછી જાણે તેણે આત્મહત્યા કરી હોય તેમ તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકાવી દેવામાં આવે છે. કેરળના ખ્રિસ્તી બળાત્કારના આરોપી બિશપ ફ્રાંકો મુલ્લકલની પડખે ચર્ચ ઊભેલું જણાય છે. બળાત્કાર સામે વિરોધ પ્રદર્શનો કરનાર સિસ્ટર લ્યુસી કહે છે કે ચર્ચ તેને ભોજન નથી આપતું. પણ જાણે કે ગુજરાતીઓને કે ગુજરાતના સેક્યુલર મિડિયાને માત્ર આસારામો અને નિત્યાનંદ સ્વામીઓમાં જ રસ છે! શું આ સાચું સેક્યુલરિઝમ કહેવાય? બેંગલુરુમાં કૉંગ્રેસના દલિત ધારાસભ્યના ભત્રીજાની ફેસબુક પૉસ્ટના વિરોધમાં શહેરમાં કટ્ટર મુસ્લિમો દ્વારા હિંસા થાય અને મંદિરોને નિશાન બનાવાય તે ગુજરાતના સેક્યુલરો માટે ચર્ચાનો વિષય નથી, તેમના માટે ‘મુસ્લિમોએ માનવ શ્રૃંખલા બનાવી’ ‘ઉપદ્રવીઓ’ દ્વારા મંદિરને નિશાન બનાવાતું અટકાવાયું તે ચર્ચાનો વિષય છે. ગુજરાતના સેક્યુલર પત્રકારોનું કેટલું અધઃપતન!

શું ગુજરાતના સેક્યુલરો વ્યક્તિમૂલક થઈ ગયા છે અને એટલે જે મોદી અને ભારત તરફી વાત હોય તેનો બધાનો વિરોધ કરવાનો? ચીનનું ગ્લૉબલ ટાઇમ્સ ભારતને શું ધમકી આપે છે તે ગાઈવગાડીને કહેવાની પણ અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા ભારત સાથે (અને હવે રશિયા પણ) મળીને ચીનને કઈ રીતે સકંજામાં લે છે, યુએઇ અને ઇઝરાયેલ વચ્ચે દોસ્તી આ બધા મુદ્દા ગુપચાવી દેવાના? કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાનો વિરોધ કરનાર તુર્કીની મુલાકાતે આમીર ખાન જાય અને બરાબર ભારતના સ્વતંત્રતા દિવસે ભારતીયોનું હૈયું બળે તેમ તેની તુર્કીના રાષ્ટ્રપ્રમુખ ઍર્ડૉગનનાં પત્ની સાથે મુલાકાતની તસવીરો આવે! આ બધું મૂલવવાનું દૂર ગયું, નોંધ પણ નહીં લેવાની. ચર્ચા પણ નહીં કરવાની? અને તુર્કીની યુનિવર્સિટીઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો બની જાય તેની પણ ચર્ચા નહીં થાય શું?

ગુજરાતી સેક્યુલરો વિદેશી મિડિયાનો અભ્યાસ કરવાનું ભૂલી ગયા લાગે છે. સીએનએન ઘોર ટ્રમ્પ વિરોધી. છોતરાં કાઢી નાખે. પણ જ્યારે ચીનની વાત આવે, રશિયાની વાત આવે ત્યારે ચીન વિરોધી, રશિયા વિરોધી જે સ્ટૉરી હોય તે સીએનએનની મેઇન સ્ટૉરી જ બને. બ્રિટનના સમાચારપત્રોનું પણ આવું જ.

મોદી તો કેટલાંક વર્ષો પછી ઇતિહાસ બની જશે પરંતુ જ્યારે એ ઇતિહાસની ચર્ચા થશે ત્યારે મિડિયાની પણ ચર્ચા નીકળશે. અને ગુજરાતના સેક્યુલર મિડિયાની ભૂમિકા પણ મૂલવાશે. સૉશિયલ મિડિયાના સમયમાં સમાચાર છુપાવી શકાતા નથી. મેઇનસ્ટ્રીમ મિડિયાએ અપ્રાસંગિક ન બનવું હોય તો ખરેખર રાષ્ટ્રપ્રથમની નીતિ અપનાવવી પડશે. દેશના બહુમતી વર્ગ હિન્દુઓ- ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો (જેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ એટલા જ માને છે)ને પૉઝિટિવ સ્થાન આપવું પડશે. વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી ભલે બતાવો, કુંવારિકાઓના મોળાકત, પોષી પૂનમ જેવા ભાઈ બહેનના તહેવાર, શ્રાવણ મહિનાનો મહિમા (પાણી દૂધ ન ચડાવો તેવી સુફિયાણી સલાહ નહીં) પણ બતાવો. નવરાત્રિના પાર્ટી પ્લૉટના ફૉટાના બદલે અસલી ભક્તિનો મહિમા શેરી ગરબા દર્શાવો. જેઓ સમય સાથે નથી ચાલતા, સમય પણ તેમની સાથે નથી ચાલતો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Vishvesh Bhagat 30/08/2020 - 9:30 PM

Excellent Article. Dedicated to Mr. Prakash Shah Editor Nirkshak.

Reply
Vishvesh Bhagat 30/08/2020 - 9:32 PM

Excellent Article. Dedicated to Shri Prakash Shah. Editor Nirikshak.

Reply

Leave a Comment