Home » નિરાકાર અને સાકારની ગડમથલ…સાકાર તરીકે કોની સ્થાપના થાય છે?

નિરાકાર અને સાકારની ગડમથલ…સાકાર તરીકે કોની સ્થાપના થાય છે?

by Jaywant Pandya
શૂન્યમાંથી સર્જન, અનંત, વિકૃતિ અને વિસર્જન. આ સૃષ્ટિનો ક્રમ છે. પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ ત્યાર પછી સૂર્ય, અગ્નિ, વરુણ, ઈન્દ્ર, રુદ્ર વગેરે તત્ત્વોની પૂજા શરૂ થઈ હશે (દેવ સ્વરૂપ એટલે કે સાકાર સ્વરૂપ પછી મળ્યું હશે) કારણકે આ તત્ત્વો જીવન પણ આપતાં હતાં અને કુપિત થાય તો લઈ લેતાં હતાં. પછી સમજાયું કે ઈશ્વર તો નિરાકાર છે. એટલે નિરાકાર અને આ આદિ દેવોનો ઉલ્લેખ વેદોમાં આવે છે. પરંતુ નિરાકાર તો બહુ અઘરો વિષય છે. પલાંઠીવાળી ધ્યાન લગાવે તો ઘણા પ્રયત્ન પછી નિરાકાર તરફ ગતિ કરી શકે. ચિત્ર દોરતા થયા, શિલ્પ કામ શીખ્યા અને સાથોસાથ પરિવારની ભાવના વિકસી.
આથી ધ્યાનમાં આવ્યું કે માતા બાળકનું જાગતાં-સૂતાં, ઉઠતાં-બેસતાં ધ્યાન રાખતી હોય છે. તેના મનમાં હર પળ બાળક હોય છે. તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી. બાળકને નવડાવવું, સુંદર વસ્ત્રો પહેરાવવાં, સુગંધિત દ્રવ્ય છાંટવું, આંજણ આંજવું, કાળું ટપકું પગના તળિયે કે કાન પાછળ કરવું, પાણી પીવડાવવું, ભોજન જમાડવું, મુખવાસ આપવો, પછી પોઢાડી દેવું. સમય થાય એટલે ઊઠાડવું. ફરી એ જ ક્રમ. આ ક્રમમાં માતાને કોઈ થાક નથી લાગતો. હસી-ખુશી તે આ કામ સવારથી રાત સુધી કરે છે. ઘણી વાર તો બાળક સૂવે તો પણ તેને નિહાળતી જ રહે છે.
પછી કોઈ વ્યક્તિ એવી આવી જેણે પોતાના જીવનમાં સમાજ માટે નિઃસ્વાર્થ કામ કર્યું. આવા અનેક લોકો સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગમાં પણ હશે પરંતુ આ વ્યક્તિનું આખું જીવન પ્રેરણાદાયક હશે. તેણે સમાજજીવનને સારી રીતે પ્રભાવિત કર્યું. લોકો તેના અસ્તિત્વ દરમિયાન કોઈ પણ બાબત માટે તેની તરફ જોતા હશે, તે શું કરે છે, શું કહે છે તે જોતા હશે. તે પોતે મુશ્કેલી કે ધર્મસંકટમાં આવે છે ત્યારે શું કરે છે તે જુએ છે. આવી વ્યક્તિનું સતત સ્મરણ મનને શાંતિ આપતું હોય તો તેમાં ભગવાનનો ભાવ આરોપવો શું ખોટો છે? દુન્યવી સ્થિતિમાં શું આપણને આપણા મનગમતાં પાત્રો-ચાહે તે આપણાં માબાપ હોય કે પ્રેયસી કે પ્રિયતમ, પતિ હોય કે પત્ની, સંતાન હોય કે ભાઈબહેન, દાદાદાદી કે નાનાનાની, એનાં ચિત્રો કે તસવીરો નથી રાખતા? આપણને ગમતાં હીરો-હિરોઇન, ખેલાડીની તસવીરો નથી રાખતા? આપણને ગમતા કોઈ સ્થળનું ચિત્ર કે તસવીર નથી રાખતા? એ તસવીર જોઈને કયો ભાવ ઉમટે છે? સામિપ્યનો. વિદેશ વસતો દીકરો કે દીકરી પોતાનાં માબાપની તસવીર જોઈને જાણે કે તેની પાસે પહોંચી જાય છે. સાથે વિતાવેલી પળો સ્મરે છે. એ એના માટે સુખ અને દુઃખ બંનેનું કારણ હોઈ શકે. હવે એ એની સાથે નથી તેમ વિચારી દુઃખી પણ થઈ શકે અને જૂની સુખદ પળોથી રાજી પણ થઈ શકે. ભગવાનની સાથે એકરૂપ બનો ત્યારે પણ આવા ભાવો આવી શકે. ક્રોધ પણ આવી શકે. ભગવાન તમે કેમ મારું ધ્યાન નથી રાખતા તેવી ફરિયાદ પણ થઈ શકે. તેનાથી રિસાઈ પણ શકાય. એ રિસામણામાં પણ સતત ચિંતન તો પ્રિયતમની જેમ ભગવાનનું જ હોય છે.
એટલે ચિત્ર, શિલ્પ વગેરે કળા સાથે અસાધારણ, અનોખી અને બૃહદ સમાજને ઉપયોગી થયેલી વ્યક્તિને ભગવાન તરીકે સ્થાપિત કરાઈ. શિવ-પાર્વતી, ગણેશ, વિષ્ણુ-લક્ષ્મી મુખ્ય ભગવાન બન્યાં. તેમના જેવા જે કૃત્યો કરે (પાલન/સંહાર) તે તેમના અવતારો બન્યા.
માત્ર સનાતન હિન્દુ જ નહીં, દરેક સંપ્રદાય નિરાકાર તરફથી સાકાર તરફ આગળ વધ્યો. જૈન, બૌદ્ધ, શીખ, ઇસ્લામ, ખ્રિસ્તી. મુસ્લિમોના ઘરમાં કાબા કે મક્કાની છબિ હોય છે. શબ્દ ગ્રંથ પણ એક સાકાર સ્વરૂપ જ છે. ૭૮૬ નંબર શું છે? દરગાહ શું છે? તાજિયા શું છે? જિસસ ક્રાઇસ્ટ અને મધર મેરીની છબિ શું છે? ગુરુ નાનક અને ઝરથ્રુસ્ત્રની છબિ શું છે? બૌદ્ધો દલાઈ લામાની છબિ કેમ રાખે છે? બુદ્ધની મૂર્તિ કેમ હોય છે?
તમે તમારા વહાલા કોઈ પણ વ્યક્તિની છબિ ફાડવામાં આવે તે સાંખી શકતા નથી. તો પછી એવી વ્યક્તિ જેણે સમાજ માટે અદ્ભુત પ્રદાન કર્યું છે તેની મૂર્તિમાં, ખૂબ વિચારીને એક ફૉર્મ્યુલાની જેમ બનાવાયેલા મંત્રો સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરાય ત્યારે તે ભગવાન કે દેવ સ્વરૂપ બની જાય છે. આ દેવ અને ભગવાનને કાચી રીતે (ફરી કહું તો કાચી રીતે) સમજવું હોય તો કોઈ કંપનીનું સિનિયર મેનેજમેન્ટ અને સીઇઓની જેમ સમજી શકાય. મંત્રીઓ અને વડા પ્રધાનની જેમ પણ સમજી શકાય. એ દેવ કે ભગવાનને જ્યારે જુઓ ત્યારે એના જીવનની યાદ આવે છે. હનુમાનજીની સ્તુતિ શું છે? તેમના જીવનની ઝલક. રામ કાજ કરીબે કો આતુર. સૂક્ષ્મ રૂપ ધરી સીયહી દિખાવા, બિકટ રૂપ ધરી લંક જરાવા. ભીમ રૂપ ધરી અસૂર સંહારે.
મધુકૈટભ વિદ્રાવિ વિધાતૃ વરદે નમ:
તમે જ્યારે કોઈ પણ કાર્ય તમારી પ્રિય વ્યક્તિને ગમશે તેમ માનીને ભાવથી કરો છો તો તે એક રીતે ઈશ્વરીય કાર્ય જ બની જાય છે પણ તે પ્રિય વ્યક્તિ ઈશ્વર નથી. એટલે તેને એ ન ગમે અને તમારા મોઢા પર તે આવું કહી દે તેવું બને. પણ આ જ કાર્ય તમે તમારા પ્રિય માટે નહીં, ઈશ્વર માટે કરો તો? તે ભક્તિ બની જાય. તમારામાં હનુમાનભાવ કે ગોપીત્વનું આરોપણ થઈ જાય. આવું જ્યારે થાય અને તમે જ્યારે દાસ કે સેવકભાવથી તલ્લીન બનો છો ત્યારે ઈશ્વર પણ સામે તમારો દાસ જ બની જાય છે. તે સદાય તમારા પર પ્રસન્ન રહે છે. તમને અજરઅમર બનાવી દે છે. આપણે હનુમાનજી અને ગોપીઓને આજે પણ એટલાં જ યાદ કેમ કરીએ છીએ? હનુમાનજી તો અમર છે. પ્રભુ શ્રી રામના વૈકુંઠ ગમન પછી પણ તેમનો દેહાંત નથી થયો. શ્રી કૃષ્ણના મથુરા ગમન પછી ગોપીઓના વિલાપની કથા છે પણ બંને એટલે કે ગોપી કૃષ્ણને અને કૃષ્ણ ગોપીઓને ભૂલ્યા નથી. કૃષ્ણને પેટમાં દુઃખે છે ત્યારે ચરણરજથી જ મટે તેમ છે પણ રુક્મિણી-સત્યભામા વગેરે રાણીઓ પોતાની ચરણરજ આપી પાપમાં પડવા નથી માગતી. તેઓ પોતાનો સ્વાર્થ જુએ છે, પતિનું સુખ શેમાં છે તે નહીં. પણ ગોપીઓને કાનાનું દુઃખ દૂર થતું હોય તો પાપ કરવામાં પણ વાંધો નથી. અને આથી તેઓ ચરણરજ આપે તો પણ એ પાપ પાપ નથી બનતું કારણકે સ્વયં ઈશ્વર તેને હરી લેશે.
સાકાર સ્વરૂપ નવાંનવાં આવતાં રહે છે. કોઈ ને કોઈ બીજું નવું સ્વરૂપ આવી જશે. રામ આજે પણ પૂજાય છે પણ માત્ર રામ જ રહ્યા નથી. કૃષ્ણ અને બુદ્ધ આવી ગયા. આવું જ સંપ્રદાયોનું પણ થયું અને તેના પેટા અને પેટાના પેટામાં થયું. સ્વામિનારાયણ એટલે મૂળ તો વિષ્ણુ-નારાયણની પૂજા. પછી સહજાનંદ સ્વામી અને તે પછી પ્રમુખ સ્વામીનું મહત્ત્વ વધી ગયું. શ્રી કૃષ્ણની ભક્તિ કરતા સ્વાધ્યાય પરિવારમાં પૂ. પાંડુરંગ શાસ્ત્રી જ મુખ્ય બન્યા. ગાયત્રી પરિવારમાં પં. રામ શર્મા અને ભગવતી દેવી શર્માની તસવીરો વગર ગાયત્રી પરિવાર અધૂરો ગણાય. સંઘનો કોઈ પણ કાર્યક્રમ ભારતમાતા, હેડગેવારજી અને ગુરુજીની છબિ વગર અધૂરા ગણાય. અને એ વાત પણ સાચી કે નવા આવવાથી જૂના વિસ્મૃત થઈ જ જાય તેવું પણ નથી બનતું. કૃષ્ણના આવવાથી રામ વિસ્મૃત નથી થયા. સંઘમાં બાળાસાહેબ, રજ્જુ ભૈયા, સુદર્શનજી અને ભાગવતજી છતાં તસવીરો હેડગેવારજી અને ગુરુજીની જ મૂકાય છે. કદાચ એટલે કે એ પ્રારંભક હતા? વધુ આર્ષદૃષ્ટા હતા? હેડગેવારજી તે સમયે ગુરુ તરીકે ભગવો ધ્વજ, હિન્દુ સમાજ મજબૂત તો ભારત મજબૂત, વગેરે જોઈ શકેલા તે આજે પણ સંઘ માટે અને એકંદરે હિન્દુ સમાજ માટે પથદર્શક છે.
સોનિયા ગાંધી અને મનોહર ખટ્ટરનાં પણ મંદિર બની શકે તો પછી જે તે સમયે ઈન્દિરા ગાંધી અને અત્યારે નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રચંડ અહોભાવ હોય તેમાં કોઈ નવાઈ નથી. પણ હજુ સમાજમાં એટલી ચેતના તો છે જ કે સમાજનો મોટો વર્ગ તેમને ભગવાન પદે સ્થાપતો નથી. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપને કે રાજા વિક્રમને, ચાણક્ય-ચંદ્રગુપ્તને કે સમ્રાટ અશોકને ભગવાનનો દરજ્જો નથી આપ્યો. કોઈ ક્રાંતિકારી કે મહાત્મા ગાંધીને પણ નથી સ્થાપ્યા. અનેક સમાજસેવકો થયા તેનેય ભગવાનનો દરજ્જો નથી મળ્યો.
પ્રશ્ન એ પણ થાય કે ભગવાન પદે સ્થાપિત થવા શું વ્યક્તિએ સમાજની ત્રણ આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે? ત્યાગ, દુઃખ અને સતત સમષ્ટિનો વિચાર. સત્યની રક્ષા માટે, આજની ભાષામાં જેને, ઇનિશિએટિવ લેવું, કૉલ લેવો, તે કરતા હોય છે.
આ વાત એટલે પણ યાદ આવી કારણકે તાજેતરમાં મોહન ભાગવતજીના ઉદ્બોધનમાં તેમણે કયા ભાવથી કહ્યું હશે તે તો તેઓ જાણે. તેમણે કહ્યું કે “કિતને દેવીદેવતા હૈ ઔર કિતને આ રહે હૈ. પુરાને વિસ્મૃત હોતે જા રહે હૈ. અબ વો રુદ્ર ઔર ઈન્દ્ર કી પૂજા નહીં હોતી. અબ નયે નયે આ રહે હૈ. ઠીક હૈ.” પણ તેની પાછળનું ઉપરોક્ત ચિંતન નહીં સમજાવવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મ વિશે અસમજણ ફેલાવવામાં સ્વયં ભાગવતજી નિમિત્ત બનશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment