Home » નાર્કૉ, લવ અને લેન્ડ જિહાદ સામે હવે ખ્રિસ્તીઓ પણ ધૂંઆપૂંઆ

નાર્કૉ, લવ અને લેન્ડ જિહાદ સામે હવે ખ્રિસ્તીઓ પણ ધૂંઆપૂંઆ

by Jaywant Pandya

સબ હેડિંગ: એક બિશપે કહ્યું છે કે રેવ પાર્ટીઓ અને જિહાદીઓ દ્વારા ચલાવાતી રેસ્ટોરન્ટો, ઠંડા પીણાંની દુકાનો દ્વારા નાર્કૉ જિહાદ ચલાવાય છે. એક ખ્રિસ્તી પંથીય સંસ્થાએ તો આક્ષેપ કર્યો છે કે મેલી વિદ્યા દ્વારા ખ્રિસ્તી યુવતીઓને વશીભૂત કરી મુસ્લિમ કટ્ટરવાદીઓ દુષ્ટ આશયો પાર પાડી રહ્યા છે! મલયાલમ સિનેમામાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે એકબીજાના આરાધ્ય દેવોના નામોનો ઉપયોગ કરીને ફિલ્મ બનાવવાનું યુદ્ધ પણ છેડાયું છે.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૨૫/૦૯/૨૦૨૧)

કેરળમાં અત્યારે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સામસામે આવી ગયા છે. તેનું કારણ છે કે ખ્રિસ્તીઓને લાગે છે કે તેમની દીકરીઓની સાથે મુસ્લિમો લવજિહાદ કરી રહ્યા છે. એટલું જ નહીં, એવો પણ આક્ષેપ થયો છે કે ખ્રિસ્તી યુવાનોની સાથે નાર્કૉ જિહાદ થઈ રહી છે. સામાન્ય રીતે ચર્ચનું છાપરું હવાથી ઊડી જાય તો આખી દુનિયામાં આ સમાચાર પ્રસરી જાય છે. હિન્દુવાદી સરકારો હોય તો તેની સામે ઉહાપોહ મચી જાય છે. વિપક્ષો પણ લઘુમતીઓની અસુરક્ષાનાં ગાણાં ગાય છે. પરંતુ કટ્ટરવાદી મુસ્લિમો સામે જ્યારે આટલા મોટા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે તે મુદ્દે દુનિયાભરમાં તો ઠીક, પણ દેશભરમાં પણ ક્યાંય ચર્ચા જ નથી. આ જ બતાવે છે કે વિપક્ષો માટે જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે તેઓ લઘુમતી તરીકે ખ્રિસ્તીઓને બાજુએ મૂકી દે છે અને કટ્ટરવાદી મુસ્લિમોને સાથ આપે છે.

બિશપનો આક્ષેપ : ખ્રિસ્તી યુવાનો સાથે લવજિહાદ અને નાર્કો જિહાદ

સામાન્ય રીતે હિન્દુવાદી સંગઠનો જ્યારે લવજિહાદની વાતો કરતા હતા અને તે પછી વિવિધ ભાજપ સરકારોએ તેની સામે કાયદા મજબૂત કર્યા અથવા નવા કાયદા લાવ્યા ત્યારે તેને રાજકારણ માટે મુસ્લિમ-હિન્દુ ધ્રૂવીકરણના પ્રયાસ તરીકે પ્રસ્તુત કરવાનો વિપક્ષોએ પ્રયાસ કર્યો. માત્ર લીલા ચશ્માથી જ જોવા ટેવાયેલા વિપક્ષો, ડાબેરીઓ, સેક્યુલરો, લિબરલો વગેરેએ તો ઠીક પરંતુ તાજેતરમાં ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે પણ કહ્યું કે સંમતિથી કોઈ લગ્ન કરે તો તેમાં વાંધો શું હોઈ શકે? વાંધો સંમતિથી થતાં લગ્નો સામે નથી, વાંધો છળકપટથી થતાં લગ્ન સામે છે. વાંધો લગ્ન પછી ફરજિયાત પંથાંતરણ સામે છે. વાંધો પરિણીત હોવા છતાં પોતાને કુંવારા બતાવીને થતા લગ્ન સામે છે. વાંધો લગ્ન પછી વેશ્યાવૃત્તિમાં ધકેલવા કે પછી ટ્રિપલ તલાક દઈને છોડી દેવા સામે છે. પરંતુ હિન્દુવાદી સંગઠનો જ નહીં, હવે તો ખ્રિસ્તી પંથગુરુઓ પણ આ કહી રહ્યા છે. અગાઉ પણ કહેતા હતા (જે અંગે ’સાધના’માં આ લેખક લખી ચૂક્યા છે) પરંતુ હવે આ મુદ્દાએ વાવંટોળનું સ્વરૂપ કેરળમાં ધારણ કર્યું છે.

રેવ પાર્ટી, ઠંડા પીણાં, આઈસ્ક્રીમની દુકાનો, રેસ્ટોરન્ટ દ્વારા ડ્રગ્ઝના ધંધા

કેરળના કોટ્ટયમમાં સાયરો માલાબાર ચર્ચના બિશપ માર જોસેફ કલરંગટે આક્ષેપ કર્યો છે કે મુસ્લિમ સમુદાયનો એક વર્ગ લવ જિહાદ અને નાર્કૉટિક્સ જિહાદ દ્વારા ખ્રિસ્તી યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યો છે. આપણે જેમ ચોમાસામાં ઉપવાસ કરીએ છીએ તેમ ખ્રિસ્તીઓ એઇટ ડેઇઝ લેન્ટ ઑફ મેરી કરે છે એટલે કે ઈશુ ખ્રિસ્તની માતાના જન્મદિવસની યાદમાં આઠ દિવસ ઉપવાસ કરે છે. આ પ્રસંગે બિશપ માર જોસેફ કલરંગટે તેમના સમુદાયના ઉપસ્થિત લોકોને ચેતવ્યા કે અન્ય સમુદાયના લોકો સાથે હળવાભળવા બાબતે સાવધ રહેજો. પોતાની આ વાતના સમર્થનમાં તેમણે કહ્યું કે તાજેતરમાં કેરળના પૂર્વ રાજ્ય પોલીસ વડા લોકનાથ બહેરાએ કહ્યું છે કે કેરળ ત્રાસવાદી સ્લીપર સેલ અને ત્રાસવાદીઓની ભરતીનું સ્વર્ગ બની ગયું છે.

બિશપે કહ્યું કે “બહુ થોડાં મુસ્લિમ જૂથો સાંપ્રદાયિક હિંસા અને સાંપ્રદાયિક ઘૃણાને ઉત્તેજન આપી રહ્યાં છે. તેઓ કેરળ સહિત દુનિયાભરમાં છે. આ માટે તેઓ અલગ-અલગ એવી રણનીતિ અપનાવી રહ્યા છે જેને પકડી પાડવી અઘરી છે.”

જિહાદીઓએ શાળા, કૉલેજો, ટ્રેનિંગ સેન્ટરોમાં જાળ પાથરી

ખ્રિસ્તી યુવતીઓ મોટા પાયે અન્ય સમુદાયના પુરુષો સાથે લગ્ન કરવા ભાગી જાય છે અને તે પછી તેમનું શોષણ થાય છે અથવા તો તેમનું પંથાંતરણ કરવામાં આવે છે તેમ કહેતા બિશપે કહ્યું કે “આ જિહાદીઓએ તેમની જાળ શાળાઓ, કૉલેજો, પ્રશિક્ષણ કેન્દ્રો અને કૉમર્શિયલ કેન્દ્રોમાં પણ ફેલાવી દીધી છે. તમારામાંના ઘણા લોકોએ અસહાય માતાપિતાનું દુઃખ જોયું હશે જેમની દીકરીઓનું આ અજાણ્યા લોકો બ્રેઇનવૉશ કરી દે છે.” આમ કહીને તેમણે નિમિષા ફાતિમા ઉપાખ્યે નિમિષા અને આયેશા ઉપાખ્યે સોનિયા સાબાસ્ટિયનનું ઉદાહરણ આપ્યું. નિમિષા હિન્દુ અને આયેશા ખ્રિસ્તી હતી. તેઓ ઇસ્લામિક સ્ટેટ ઇન ખુરાસાન પ્રૉવિન્સ (અફઘાનિસ્તાનનું આઈએસ)ની ત્રાસવાદી બનવા ભારત છોડી ચાલ્યાં ગયાં હતાં. (આવી છ સ્ત્રી હતી.)

તેમણે કહ્યું કે “અલગ-અલગ પંથના યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે તેમાં ખોટું શું છે તેમ પૂછવું એ સાદો પ્રશ્ન છે. પરંતુ આવાં લગ્નો કઈ રીતે થઈ રહ્યાં છે અને તે પછી શું થાય છે તે ખરેખર તો મોટો પ્રશ્ન છે. સ્ત્રીઓને પોતાનો પંથ છોડવો પડે છે અને પછી તેને ત્રાસવાદ તરફ ધકેલાય છે. આપણો વાંધો તેની સામે છે.”

નાર્કૉટિક્સ જિહાદ સંદર્ભે તેમણે કહ્યું કે “આ (ડ્રગ્સની) ગેંગો જિહાદીઓ દ્વારા ચલાવાતી આઈસ્ક્રીમ કે ઠંડા પીણાંની દુકાનો તેમજ રેસ્ટૉરન્ટ બહાર કામ કરે છે. તેઓ મુસ્લિમેત્તર લોકોનો નાશ કરવા અલગ-અલગ પ્રકારનાં નાર્કૉટિક્સ રાખે છે. રેવ પાર્ટીઓના વધતા જતા બનાવો અને આ પાર્ટીઓનું આયોજન કરતા લોકોની ઓળખના કારણે આ હકીકત (કે નાર્કૉટિક્સ જિહાદ છે)નું સમર્થન થાય છે.”

હલાલ ફૂડ, રિયલ એસ્ટેટમાં મોંઘા સોદા, ટેલિફૉન ઍક્સ્ચેન્જ દ્વારા જિહાદ

એટલું જ નહીં, હિન્દુવાદી સંગઠનો લેન્ડ જિહાદ વિશે પણ વારંવાર સમાજનું-સરકારનું ધ્યાન દોરે છે. તેના વિશે પણ બિશપ બોલ્યા. તેમણે કહ્યું કે “કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પણ સાંપ્રદાયિક ઘૃણા ફેલાવવામાં આવી રહી છે. હલાલ ફૂડ, રિયલ એસ્ટેટમાં થતા મોંઘા ભાવે થતા મોટા સોદાઓ, સમાંતર ટેલિફૉન ઍક્સ્ચૅન્જ, શસ્ત્રોની દુકાનો વગેરે બધું આનો (જિહાદનો) ભાગ છે.”

બિશપે મિડિયાના એક વર્ગ પર આ બધાં પ્રત્યે આંખ આડા કાન કરવાનો આક્ષેપ કર્યો (જે સાચો જ છે કેમ કે બિશપના આ નિવેદન પછી પણ રાષ્ટ્રીય મિડિયામાં કે પ્રાદેશિક મિડિયામાં આ નિવેદન પણ બહુ ઓછું જોવા મળ્યું. ચર્ચા, લેખો વગેરેની તો વાત જ દૂર છે.)

મધ્ય ત્રાવણકોરમાં કેથોલિક સમુદાયમાં ‘લવ જિહાદ’નો  ગણગણાટ તો ઘણા સમયથી હતો જ પરંતુ આ પહેલી વાર કોઈ કેથોલિક સમુદાયના પંથ ગુરુએ આ સંદર્ભમાં સીધી મુસ્લિમો પ્રત્યે આંગળી ચીંધી છે.

મેલી વિદ્યા દ્વારા ખ્રિસ્તી યુવતીઓને વશીભૂત કરાય છે

એટલું જ નહીં, આનાથી આગળ વધીને એક ચર્ચે તો લવ જિહાદ કઈ રીતે થાય છે તેની પુસ્તિકા બહાર પાડી છે. કેરળના કૉઝિકૉડ જિલ્લાના થમારસેરી નામના નગરના આર્કડિઓસિઝે (આર્કબિશપનું અધિકારક્ષેત્ર) બહાર પાડેલી આ પુસ્તિકામાં લવ જિહાદનાં નવ પગલાં વર્ણવ્યાં છે. તેમાં દાવો કરાયો છે કે મુસ્લિમ પંથગુરુઓ ખ્રિસ્તી છોકરીઓને આકર્ષવા મેલી વિદ્યાનો આશ્રય લે છે. આ પુસ્તિકાનું નામ છે ‘ટ્રુથ્સ ઍન્ડ ફૅક્ટ્સ થ્રૂ ૩૩ ક્વેશ્ચન્સ ઍન્ડ આન્સર્સ’માં કહેવાયું છે કે લવ જિહાદ વાસ્તવિકતા છે અને તેનાં નવ પગલાં છે.

ખ્રિસ્તી યુવતીઓની પેન, રૂમાલ, ટુવાલ, વાળ અને બીજી કોઈ વસ્તુને મેળવીને મેલી વિદ્યા કરવામાં આવે છે. આ સિવાય છોકરીનું નામ બોલીને, દોરી, સિક્કો, વીંટી, પાણી, ખાદ્ય ચીજ અથવા ભેટો દ્વારા પણ તે કરાય છે.

મેલી વિદ્યાના જાણકારોમાં આ બધું કહેવાતું હોય છે. આને વિજ્ઞાન નકારી કાઢે છે પણ ભારતનો કોઈ પણ પંથનો વ્યક્તિ આવી વિદ્યામાં માનતો હોય છે અને કેટલાક ઠગો તેનો ગેરલાભ પણ લેતા હોય છે. આની વૈજ્ઞાનિકતા સિદ્ધ નથી થઈ પરંતુ આને નકારી કાઢવું સહેલું નથી. મેલી વિદ્યા અથવા તંત્ર વિદ્યામાં જે વ્યક્તિને વશ કરવી હોય કે તેનું ધનોતપનોત કાઢવું હોય તેની ચીજો લઈને પ્રયોગો કરાતા હોય છે. જોકે જે લોકો શુદ્ધ જાણકાર છે તેઓ ચેતવે છે કે મેલી વિદ્યાનો પ્રયોગ કોઈ મેલા આશય અથવા દુષ્ટ આશયથી કરવાથી તે તમારા પર જ ઊંધો પડી શકે છે.

ઉપરોક્ત પુસ્તિકામાં આગળ લખાયું છે કે ખ્રિસ્તી યુવતી કોઈની સાથે નાસ્તો કે ભોજન લે, તો તે ખાદ્ય સામગ્રી, તેની વીંટી, સિક્કો, ભેટમાં રહેલી દોરી, તમારા હાથ કે શરીરમાંથી નીકળેલી રજ (ધૂળ) તેનાથી સામેની વ્યક્તિ તમને વશીભૂત કરી શકે છે.

એક અખબારી યાદીમાં થમારસેરી નગરના પંથીય શિક્ષણ નિર્દેશક ફાધર જૉન પલ્લીક્કવયાલે દાવો કર્યો છે કે આ નગરની ૧૬૦ મહિલાઓને લવ જિહાદમાં ફસાવવામાં આવી છે. તેમાં આગળ લખાયું છે કે તપાસમાં સામે આવ્યું છે કે ઓછામાં ઓછી ૧૦૦થી વધુ મહિલાઓ અને છોકરીઓને અલગ-અલગ પ્રકારના યૌન આતંકવાદ દ્વારા ફસાવાઈ છે. આ પ્રકારે વિપંથી સમુદાયની યુવતીઓનું જાતીય શોષણ કરવું તે ઇસ્લામ અનુસાર ખોટું નથી પરંતુ તેનાથી તો ઉલટું સ્વર્ગનો રસ્તો ખુલે છે તેમ પુસ્તિકામાં કહેવાયું છે.

મુસ્લિમ સંગઠનો ભડકી ઉઠ્યાં, ડાબેરીઓને મૂંઝવણ

ખ્રિસ્તી માર જોસેફ કલરંગટના દાવા અને ઉપરોક્ત પુસ્તિકાથી મુસ્લિમ સંગઠનો તો રોષે ભરાય તે સ્વાભાવિક જ છે પરંતુ રાજકીય પક્ષો પણ ભડકી ઉઠ્યા છે. સમસ્ત રાઇટ્સ પ્રૉટેક્શન કાઉન્સિલ નામની ઇસ્લામી સંસ્થાએ કહ્યું છે કે આ બે સમુદાય વચ્ચે વિગ્રહ કરવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે. આ પુસ્તિકાઓને તાત્કાલિક જપ્ત કરવા સંસ્થાએ માગણી કરી. તો, અનેક મુસ્લિમો બિશપ માર જોસેફ કલરંગટના ઘરની બહાર પ્રદર્શન કરવા પહોંચી ગયા. કોટ્ટયમ મહલુ મુસ્લિમ કૉઑર્ડિનેશન કમિટીએ તેમની સામે ફરિયાદ પણ નોંધાવી છે.

જોકે સામાન્ય રીતે ચર્ચની જો હિન્દુઓ સામે ફરિયાદ હોય તો ડાબેરીઓ અને કૉંગ્રેસ ઉકળી ઊઠતાં હોય છે પરંતુ આમાં ચર્ચ અને મુસ્લિમ સંગઠનો સામસામે હતાં એટલે બંને માટે મૂંઝવણ થઈ ગઈ. ડાબેરી મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તો બિશપ માર જોસેફ કલરંગટ પર ભડકી ઊઠ્યા અને તેમણે તેમને કહ્યું કે જવાબદાર પદો પર બેઠેલા લોકોએ આ પ્રકારનાં નિવેદનો આપવામાં સાવચેતી રાખવી જોઈએ. ડાબેરી સંગઠન ડેમોક્રેટિક યૂથ ફૅડરેશન ઑફ ઇન્ડિયાએ બિશપના આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેણે કહ્યું કે આ નિવેદનથી કેરળના સભ્ય સમાજની સહિષ્ણુતા અને સારપ બગડશે. ડાબેરીઓનો કહેવાનો અર્થ એ જ થયો કે આ નિવેદનથી મુસ્લિમો ભડકશે અને તેનાથી ઝઘડા-રમખાણો થશે. જોકે તેમને એ ચિંતા નથી કે લવ જિહાદ, નાર્કૉ જિહાદ અને લેન્ડ જિહાદ વગેરે દ્વારા ત્રાસવાદ ફેલાવાઈ રહ્યો છે.

ડાબેરીઓએ આંતરિક નોંધમાં લવ જિહાદની વાત સ્વીકારી

આ વાત ૧૧ સપ્ટેમ્બરની હતી. પરંતુ ૧૭ સપ્ટેમ્બર આવતાં-આવતાં ડાબેરીઓની થોડી આંખ તો ઉઘડી (કદાચ ખ્રિસ્તીઓના મત ગુમાવવાની બીકે). એટલે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ પક્ષની આંતરિક નોંધ બહાર પાડી છે. ‘અલ્પસંખ્યક સાંપ્રદાયિકતા’ શીર્ષકવાળી આ નોંધમાં લખાયું છે કે કેરળમાં તાલિબાન જેવાં ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવાની વાત (મુસ્લિમોનો એક વર્ગ) કરી રહ્યો છે તેની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. સાંપ્રદાયિકતા અને કટ્ટરવાદીઓ યુવાનોને લલચાવી રહ્યા છે. પ્રૉફેશનલ કૉલેજોમાં શિક્ષિત યુવતીઓની વિચારસરણીને ઇસ્લામિક આતંકવાદી પ્રકારની કરવા પ્રયાસ થઈ રહ્યો છે. માર્ક્સવાદી વિદ્યાર્થી સંઘ અને યુવા સંગઠન બંનેએ આ બાબત પર વિશેષ ધ્યાન દેવું જોઈએ. જોકે તેમાં મુસ્લિમોને પણ ખુશ કરવાની વાત કરતાં કહેવાયું છે કે કેરળમાં સામાન્ય રીતે ખ્રિસ્તી સાંપ્રદાયિક વિચારધારામાં જોડાતો નથી પરંતુ તાજેતરના દિવસોમાં આ સમુદાયમાં કટ્ટરતા વધી છે. જાણીજોઈને ખ્રિસ્તીઓને એક ષડયંત્ર હેઠળ મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે.

કેરળ કૉંગ્રેસની આ બાબતે શું ભૂમિકા છે? તે આ બંને સમુદાયના પંથ નેતાઓને મનાવવામાં લાગી છે. કેરળ કૉંગ્રેસના અધ્યક્ષ કે. સુધાકરણ અને વિપક્ષી નેતા વી. ડી. સતીશન વિવિધ ખ્રિસ્તી અને મુસ્લિમ નેતાઓને આ ઝઘડો શાંત કરવા મળ્યા હતા. કૉંગ્રેસને ભય છે કે આ મુદ્દાને ભાજપ અંકે કરી લેશે. રાજ્ય ભાજપે આ બાબતે કેન્દ્રને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. કેરળના ભાજપ સંગઠને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કેરળમાં જિહાદી પ્રવૃત્તિઓ અટકાવવા અને બિશપ માર જોસેફ કલરંગટ અને ખ્રિસ્તી સમુદાયને સુરક્ષા આપવા પત્ર લખ્યો છે.

મલયાલમ સિનેમામાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓ વચ્ચે યુદ્ધ

કેરળમાં આનાથી વાત અટકતી નથી. ફિલ્મોદ્યોગમાં પણ આ બંને સમુદાયો સામસામે છે. મુસ્લિમ નિર્દેશક નાદીર શાહે ‘ઈશુ: નૉટ ફ્રૉમ બાઇબલ’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે તેનાથી પણ વિવાદ જાગેલો છે. ખ્રિસ્તી સમુદાય ફિલ્મના શીર્ષકમાં ઈશુના નામનો ઉપયોગ કરવા સામે ભારે ભડકેલો છે. (હિન્દુ દેવી-દેવતાઓનાં નામો તો છાશવારે ફિલ્મો-સિરિયલો અને વેબસીરિઝોમાં લખાય છે, તેની અંદર પણ તેમનું અથવા તેમનાં નામવાળાં પાત્રોનું વિકૃત ચિત્રણ થાય છે.) વિવાદના પગલે નાદીર શાહે સ્પષ્ટતા કરી કે ઈશુ નામ તો ફિલ્મના એક પાત્રનું છે. પૂર્વ ધારાસભ્ય પી. સી. જ્યૉર્જે દાવો કર્યો કે મલયાલમ સિનેમા ઇસ્લામિક ઉગ્રવાદીઓના નિયંત્રણમાં છે. (અને નસીરુદ્દીન શાહ માને છે કે સિનેમા જગત હિન્દુવાદીઓના નિયંત્રણમાં છે!)

આ વિવાદ પછી પણ નાદીર શાહે એક ફેસબુક પૉસ્ટમાં કહ્યું કે તેઓ ફિલ્મનું નામ નહીં જ બદલે. જોકે તેમણે ‘નૉટ ફ્રૉમ બાઇબલ’ આ ટેગલાઇન ફિલ્મના નામમાંથી હટાવવા જાહેરાત જરૂર કરી. જોકે નાદીર શાહે આ એક ફિલ્મથી જ વિવાદ નથી જગાવ્યો. તેમની બીજી એક ફિલ્મની જાહેરાત તેમણે કરી જેનું નામ છે ‘કેશુ ઈ વીડિન્ટે નધન’. આમાં પણ કેસુ નામ ઈશુ જેને કેરળમાં યેશુ કહે છે તેને મળતું આવે છે.

આ પછી વળતા જવાબમાં ક્રિશ્ચિયન એસોસિએશન ઍન્ડ એલાયન્સ ફૉર સૉશિયલ ઍક્શન (કાસા) નામના એક ફેસબુક ગ્રૂપે બાળ શોષણ પર એક ટૂંકી ફિલ્મ જાહેર કરવાનો નિર્ણય કર્યો. વૈશ્વિક જાગૃતિ અભિયાન અંતર્ગત તેઓ ‘મુહમ્મદ: ધ પૉસ્કો ક્રિમિનલ’ નામની ફિલ્મ ૧૯ નવેમ્બરે રિલીઝ કરશે. ૧૯ નવેમ્બર બાળ શોષણને અટકાવવાના વૈશ્વિક દિવસ તરીકે પણ મનાવાય છે. આ ફિલ્મનું નામ પણ નાદીર શાહની ફિલ્મના નામની જેમ જ દેખીતી રીતે મુસ્લિમોને ભડકાવનારું છે પરંતુ તેમાં આસામના દીબ્રુગઢમાં છ વર્ષની એક બાળકી પર મુહમ્મદ નામના બાંગ્લાદેશી મુસ્લિમે કરેલા બળાત્કાર અને તેની હત્યાની વાત છે.

નવાઈની વાત એ છે કે કેરળના ખ્રિસ્તીઓની વાતનો પડઘો દેશના શેષ ભાગોમાંથી કેમ ખ્રિસ્તી સંગઠનો નથી પાડી રહ્યાં? શું આ માત્ર કેરળનો જ પ્રશ્ન છે? આ તો દેશભરમાં બની રહેલી ઘટનાઓ છે. વિશ્વ ભરનાં ખ્રિસ્તી સંગઠનો અને અમેરિકા-બ્રિટન-કેનેડા જેવા દેશો જે ભારતને છાશવારે લઘુમતી માનવાધિકાર અને સુરક્ષા પર ભાષણો આપે છે તે પણ કટ્ટરવાદી મુસ્લિમોની આ અલગ-અલગ પ્રકારની જિહાદ પર ચૂપ છે. જોકે તેમણે તો તાલિબાનને પણ મોકળું મેદાન આપી જ દીધું છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સેક્યુલર મિડિયા પણ ચૂપ છે. પરંતુ જેમ કેરળના ખ્રિસ્તી બિશપો અને સંગઠનો હવે જાગ્યાં છે તેમ ક્યારેક ને ક્યારેક દેશના શેષ ખ્રિસ્તીઓ અને વિશ્વને પણ આ બાબતે જાગવું તો પડશે જ પરંતુ ત્યાં સુધીમાં ક્યાંક મોડું ન થઈ જાય.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment