Home » વડા પ્રધાન મોદી ડૉ. આંબેડકરનું આ સપનું પૂરું કરી શકશે?

વડા પ્રધાન મોદી ડૉ. આંબેડકરનું આ સપનું પૂરું કરી શકશે?

by Jaywant Pandya

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વારાણસી મતક્ષેત્ર તેના રેલવે મથકના કારણે ચર્ચામાં આવ્યું. તેના બૉર્ડ પર ત્રણ ભાષામાં અગાઉ નામ લખાયેલાં હતાં. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ. હવે સંસ્કૃતમાં પણ લખાયું છે. આ જ રીતે વડા પ્રધાને તાજેતરમાં જ્યારે ગાંધીનગર નવનિર્મિત રેલવે મથક, વડનગર નવનિર્મિત રેલવે મથક સહિત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું ત્યારે એક તકતી (મોટા ભાગે કોઈ રેલવેની) સંસ્કૃતિમાં અલપઝલપ વાંચવા મળી હતી.

આથી સંસ્કૃતને ફરી મહત્ત્વ મળી રહ્યું હોય તેમ લાગ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વડા પ્રધાન બન્યા પહેલાં આઇડિયા ઑફ ઇન્ડિયા અંગે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં પણ પોતાનો દૃષ્ટિકોણ સંસ્કૃત સૂત્રોમાં રજૂ કર્યો હતો. તેમનાં લગભગ બધાં પ્રવચનોમાં એકાદ સંસ્કૃત ઉક્તિ કે શ્લોક હોય જ છે.

ત્રણ મહિના પહેલાં તત્કાલીન ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેનું એક પ્રવચન મિડિયાની હેડલાઇન ન બન્યું. ક્યાંથી બને? જો તેમણે સરકાર વિરોધી વાત કરી હોત તો જ બનત. તેમણે નાગપુરમાં મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટીના એકેડેમિક બિલ્ડિંગના ઉદ્ઘટાન પ્રસંગે પ્રવચન આપતા મહત્ત્વની વાત ફરી યાદ અપાવડાવી. ડૉ. આંબેડકરની જયંતી નિમિત્તે તેમણે કહ્યું કે દેશના બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન ડૉ. બી. આર. આંબેડકરે સંસ્કૃતને દેશની સત્તાવાર રાષ્ટ્ર ભાષા બનાવવા પ્રસ્તાવ કર્યો હતો. વિચારો કે, એક તરફ સંસ્કૃતને દેવ ભાષા અને બ્રાહ્મણોની ભાષા તરીકે ઉતારી પડાય અને બીજી તરફ, એક કહેવાતા દલિત (કહેવાતા એટલા માટે કે જન્મે દલિત પણ કર્મે બ્રાહ્મણ) ડૉ. આંબેડકર આવો પ્રસ્તાવ કરે! તે આ બ્રાહ્મણો-દલિતોની થિયરીનો છેદ ઉડાડી દે છે.

બૉબડેજીએ એમ પણ કહ્યું કે હિન્દુ ગ્રંથ- ન્યાયશાસ્ત્ર એ કોઈ રીતે એરિસ્ટૉટલ અને તર્કની પર્શિયન પ્રણાલિથી ઉતરતું નથી. આ અલગ વિષય છે અને તેના પર ફરી ક્યારેક વાત કરીશું. આપણે સંસ્કૃત પર ધ્યાન આપવું છે. ડૉ. આંબેડકરે જો બંધારણ સભામાં સંસ્કૃતનો પ્રસ્તાવ કર્યો તો તે સ્વીકારાયો કેમ નહીં?

આજે અસદુદ્દીન ઓવૈસી જેવા કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓ મુસ્લિમો-દલિતોની રાજનીતિ કરે છે પરંતુ બંધારણ સભામાં મુસ્લિમ સભ્યએ સંસ્કૃતનો વિરોધ કર્યો નહોતો. નરો વા કુંજરો વા નીતિ પણ નહોતી અપનાવી. તેમણે સ્પષ્ટ રીતે સંસ્કૃતનું સમર્થન કર્યું હતું. આ સભ્ય કોણ હતા? પશ્ચિમ બંગાળના નઝીરુદ્દીન અહમદ!

તેમણે કહેલું, “તમારે જો કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવી જ છે તો પછી વિશ્વની મહાન ભાષા શા માટે નહીં? એ બહુ દુઃખની વાત છે કે આપણને ખબર નથી કે ભારતની બહાર સંસ્કૃતનું કેટલું માન છે.” આમ કહી તેમણે વિશ્વની મહાન હસ્તીઓએ સંસ્કૃતની કેવી પ્રશંસા કરી હતી તે વર્ણવી. નઝીરુદ્દીન આમ બોલતા હતા એટલે સભાધ્યક્ષ, સભાના સભ્યો વગેરેએ કોઈ ને કોઈ રીતે અટકાવ્યા. એક સભ્યએ તેમને પૂછ્યું કે તો સંસ્કૃત રાષ્ટ્ર ભાષા બનવી જોઈએ કે નહીં? (એટલે કે તમે ગોળ-ગોળ વાત ન કરો.) નઝીરુદ્દીન અહમદે સ્પષ્ટ કહ્યું, “હા, બનવી જોઈએ.” ભાજપના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ સંસ્કૃતને રાષ્ટ્ર ભાષા બનાવવાની તરફેણ કરતા કહ્યું હતું કે “લોકો આજે સંસ્કૃત પર હસે છે કે તેને અમલમાં મૂકવી વ્યવહારુ નથી. પરંતુ તે સર્વ જ્ઞાન અને ડહાપણનો ભંડાર છે. આ આપણી ભાષા છે, ભારતની માતૃભાષા છે.”

આજની જેમ ત્યારે પણ પીટીઆઈના કેટલાક પત્રકારો અળવીતરા હતા. એટલે સંસ્કૃત જેવા વિષય પર એક દલિત નેતા સમર્થન કરે તે ગળે કેમ ઉતરે? ડૉ. આંબેડકરને આ વિશે પીટીઆઈના સંવાદદાતાએ પૂછ્યું તો ડૉ. આંબેડકરે સામે પૂછ્યું, “સંસ્કૃતમાં શું ખોટું છે?” ડૉ. આંબેડકર બરાબર જાણતા હતા કે આવા પત્રકારોને કેમ જવાબ દેવાય.

જોકે નહેરુના ખાસ મનાતા ગોપાલસ્વામી અયંગર (જેમણે નહેરુના કહેવાથી કલમ ૩૭૦નો મુસદ્દો ઘડ્યો હતો) તેમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો. નહેરુએ સંવિધાન સભામાં ગોળ-ગોળ વાતો કરી. તેમણે ગાંધીજીના શબ્દો ટાંકીને કહ્યું કે એક તરફ અંગ્રેજી મહાન ભાષા છે, તેણે ઘણું સારું કર્યું છે, પરંતુ કોઈ પણ રાષ્ટ્ર વિદેશી ભાષાના આધારે મહાન બની શકે નહીં. બીજી તરફ, તેમણે કહ્યું કે આપણે જે ભાષા પસંદ કરીએ તે લોકોની ભાષા હોવી જોઈએ. ત્રીજું તેમણે તુષ્ટિકરણનો મુદ્દો (મુસ્લિમ સભ્ય પણ સંસ્કૃતની તરફેણ કરતા હોવા છતાં) ઉઠાવતા કહ્યું કે આ ભાષા દેશની સંયુક્ત સંસ્કૃતિને રજૂ કરતી હોવી જોઈએ.” નહેરુએ કહ્યું કે “આથી ગાંધીએ વ્યાપક અર્થમાં “હિન્દુસ્તાની” શબ્દ (એટલે કે મહદંશે ઉર્દૂ શબ્દોવાળી હિન્દી) વાપર્યો હતો જે સંયુક્ત ભાષાને રજૂ કરે છે. નહેરુ તો હિન્દીના પણ વિરોધી હતા અને તેમણે ભારતના લોકો પર હિન્દી થોપવા સામે ચેતવણી આપી હતી (જેમ મુસ્લિમોએ ૩૭૦-રામમંદિર વગેરે નિર્ણયોનો વિરોધ નહોતો કર્યો તેમ સીએએ-એનઆરસીનો વિરોધ પણ ન જ થાત પરંતુ કપિલ સિબલ, ગુલામનબી આઝાદ વગેરેએ સંસદમાં ભડકાવ્યા તેમ નહેરુએ પહેલાં જ લોકોમાં હિન્દી વિરોધની આગ ચાંપી દીધી) તેમને જે લોકો હિન્દીની તરફેણ કરતા હતા તે લોકતાંત્રિક નહીં પણ સરમુખત્યાર જેવા લાગતા હતા.

મુસદ્દામાં તો અંગ્રેજી ભાષા માત્ર પાંચ વર્ષ માટે જ હતી પરંતુ બાદમાં આ સમયગાળો હિન્દી નહીં જાણતા લોકોના આગ્રહ પર પંદર વર્ષ કરી દેવાયો. અનામત અને કલમ ૩૭૦ની જેમ જ અંગ્રેજી ઘર કરી ગઈ છે; કલમ ૩૭૦ હટાવી શકાઈ એટલો જ ફરક છે. પંદર વર્ષ પછી નહેરુએ ફરી ૧૯૬૩માં કાયદો બનાવી અંગ્રેજીને વધુ મુદ્દત આપી દીધી. ત્યારે તેમણે કહેલું : “જ્યાં સુધી હિન્દી નહીં બોલતાં રાજ્યો મને નહીં કહે ત્યાં સુધી અંગ્રેજીને હું હટાવીશ નહીં.”

આજે આપણે એવી સ્થિતિમાં છીએ કે સરકાર હોય કે મિડિયા, ફિલ્મો હોય કે અન્ય ક્ષેત્ર, તમામ ક્ષેત્રે અંગ્રેજી અને ઉર્દૂ જ હાવી થઈ ગઈ છે. હિન્દી હિન્દી નથી રહી. ગાંધી અને નહેરુનું ઉર્દૂ મિશ્રિત હિન્દીનું સપનું સાચું પડ્યું છે. જોકે રેલવે જેવા કેટલાક સરકારી વિભાગો અને મધ્ય પ્રદેશ જેવાં થોડાંક રાજ્યોમાં હજુ શુદ્ધ હિન્દી જોવા મળે છે ખરી.

જો સંસ્કૃતને રાષ્ટ્ર ભાષા બનાવવાનો મુદ્દો આજે ઉઠ્યો હોત તો દલિત સંગઠનો વિરોધ કરત. આ પ્રસ્તાવ જ્યારે આંબેડકરે રાખ્યો ત્યારે પણ વિરોધ થયો જ હતો. મુરલી મનોહર જોશીએ ૨૦૧૬માં એક લેખ સંસ્કૃત પર લખ્યો હતો.

તેમણે લખ્યું હતું કે ડૉ. આંબેડકર ઈચ્છતા હતા કે સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવાના સમર્થનમાં ઑલ ઇન્ડિયા અનુસૂચિત જાતિ ફેડરેશનની કાર્યકારી સમિતિ ૧૦ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ એક પ્રસ્તાવ પસાર કરે પરંતુ આ સમિતિના યુવા સભ્યોએ વિરોધ કરવાની ધમકી આપતાં ડૉ. આંબેડકરે આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો! કેટલાક કલમઘસુઓ કૉંગ્રેસના રવાડે ચડીને આદિવાસીઓને મૂળ નિવાસી કહી આર્ય બહારથી આવ્યા હતા તેવું સાબિત કરવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ડૉ. આંબેડકરે આ થિયરી પણ ફગાવી દીધી હતી.

૧૯૪૯માં સંસ્કૃતના જાણકારો ઘણા હતા. સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવાઈ હોત તો ભાષાના મુદ્દે ઉત્તર-દક્ષિણ વિવાદ થયો તેવો ન થયો હોત કારણકે દક્ષિણની ભાષાઓ પણ સંસ્કૃતમાંથી જ ઉતરી છે. તો કેટલાક સંસ્કૃત શબ્દો અપભ્રંશ થઈને દક્ષિણની ભાષાઓમાં સ્થાન પામ્યા છે. પરંતુ તેમ ન થવા દેવાયું.

સંસ્કૃતને રાષ્ટ્રભાષા ન બનવા દેવાઈ, તેથી જન્મેલા વિરોધને થાળે પાડવા સરકાર જે કરે તે કરાયું. નહેરુએ ૧૯૫૭માં સંસ્કૃત આયોગ રચી દીધું. તેનાં પ્રમુખ હતા ભાષાશાસ્ત્રી અને શિક્ષણ શાસ્ત્રી ડૉ. સુનીતિકુમાર ચેટર્જી. આ આયોગની ભલામણના આધારે ૧૯૬૧માં આંધ્ર પ્રદેશના તિરુપતિમાં પ્રથમ સંસ્કૃત સંસ્થા- રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠની સ્થાપના કરાઈ. ૧૯૬૫માં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ બીજી સંસ્થા- કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠની સ્થાપના કરી. આ સંસ્થાનું નામ બાદમાં બદલીને શ્રી લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ કરી દેવાયું. ઈન્દિરાજીના સમયમાં ૩૦ જૂન ૧૯૭૪ના રોજ આકાશવાણી રેડિયો પર સંસ્કૃતમાં સમાચાર શરૂ કરાયા. નરસિંહરાવના સમયમાં દૂરદર્શન પર સંસ્કૃતમાં સમાચાર શરૂ કરાયા હતા. રાજીવ ગાંધીના સમયમાં ૧૯૮૭માં ઉજ્જૈનમાં રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાનની શરૂઆત કરાઈ હતી. વેદ પાઠશાળાઓ શરૂ કરીને વૈદિક અભ્યાસનું સંરક્ષણ કરવું અને તેનો વિકાસ કરવો તે તેનો ઉદ્દેશ્ય હતો. મનમોહનસિંહના સમયમાં ૨૦૧૩માં બીજું સંસ્કૃત આયોગ પ્રાધ્યાપક સત્યવ્રત શાસ્ત્રીની અધ્યક્ષતામાં રચાયું હતું.

અટલજીની એનડીએ સરકારમાં ડૉ. મુરલી મનોહર જોશીએ માનવ સંસાધન વિકાસ પ્રધાન તરીકે વર્ષ ૨૦૦૩માં હરિયાણામાં સંસ્કૃત એકેડેમીનો શિલાન્યાસ કર્યો હતો પરંતુ કૉંગ્રેસના ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સરકારે દસ વર્ષમાં આ મહત્ત્વાકાંક્ષી પરિયોજનાને ખોરંભે પાડી દીધી હતી. પરંતુ જોશીજીએ તેમના કાર્યકાળમાં દેશભરમાં ૪૪૬ સંસ્કૃત કેન્દ્રો ઊભાં કર્યાં હતાં. જોશીજીએ તો આગળ વધીને શાળાઓમાં સરસ્વતી વંદના કરાવવા, શાળાઓ અને કૉલેજોમાં વેદો, ઉપનિષદો દાખલ કરવા, સંસ્કૃતને ફરજિયાત બનાવવા અને હિન્દુ તત્ત્વચિંતન શીખવવાનો નિર્ણય કર્યો હતો જેનો સ્વાભાવિક જ વિરોધ ‘શિક્ષણના ભગવાકરણ’ના નામે થયો હતો અને તેમાં સરકારમાં રહેલા ભાજપના સાથી પક્ષો પણ હતા.

મોદી સરકારે તેના પહેલાં પાંચ વર્ષના કાર્યકાળ અને ૨૦૧૯ પછીના બીજા કાર્યકાળમાં સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેનાં શાસનનાં શરૂઆતનાં બે વર્ષમાં જ એટલે કે ૨૦૧૬માં ઘણી યોજનાઓનાં નામ

”હિન્દુસ્તાની” એટલે કે ઉર્દૂ પ્રભાવી હિન્દી નહીં, પરંતુ સંસ્કૃત પ્રભાવી હિન્દીમાં રાખ્યાં છે જેની ‘હિન્દુ’ જેવા સેક્યુલર વર્તમાનપત્રએ દુઃખદ નોંધ લીધી હતી. આ નામો પર એક નજર: ઈશાન વિકાસ, ઈશાન ઉદય, સ્વયમ્, સમવય, જ્ઞાન, ઉડાન, સક્ષમ, નમામિ ગંગા પ્રૉજેક્ટ, આદિવાસી ઉત્સવ વનજ, . અલબત્ત, આમાંની કેટલીક યોજનાઓનાં આખાં નામ આજની યુવાન પેઢીને સમજાય તે માટે અંગ્રેજીમાં જ છે; જેમ કે સ્કિલ્સ એસેસમેન્ટ મેટ્રિક્સ ફૉર વૉકેશનલ ઍડ્વાન્સમેન્ટ ઑફ યૂથ. આ યોજનાનું પ્રથમાક્ષરી ટૂંકું નામ સમવય. સરકારે તમામ સીબીએસઇ શાળાઓમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તમિલનાડુના વિરોધ પછી તે નિર્ણય પાછો ખેંચાયો હતો.

સ્મૃતિ ઈરાની માનવ સંસાધન વિકાસ પ્રધાન હતાં ત્યારે શિક્ષણ ખાતા દ્વારા રચાયેલી પેનલે ભલામણ કરી હતી કે આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી)માં સંસ્કૃત વિભાગ હોવો જોઈએ જે વિદ્યાર્થીઓને તેમનાં ક્ષેત્રો સંબંધિત પ્રાચીન સાહિત્ય વાંચવામાં મદદ કરી શકે. તેમના સમયમાં જ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન જે ૫૦૦ કેન્દ્રીય શાળાઓ ચલાવે છે તેમાં ત્રીજી ભાષા તરીકે જર્મનીને કાઢી તેના સ્થાને સંસ્કૃતનો સમાવેશ કરાયો હતો અને જર્મનીને વિદેશી ભાષાનો દરજ્જો અપાયો હતો.

મોદી સરકારે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન સંસ્કૃતને ઉત્તેજન આપવા માટે રૂ. ૬૪૩.૮૪ કરોડ ખર્ચ્યા હતા જે અન્ય પાંચ ભારતીય ભાષાઓ- તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયા પર ખર્ચાયેલી રકમના બાવીસ ગણા હતા. ૨૦૨૦માં રેલવેએ નિર્ણય કર્યો હતો કે ઉત્તરાખંડમાં રેલવે મથકોનાં નામ અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂના સ્થાને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતમાં લખવામાં આવશે. આનું કારણ એ હતું કે સંસ્કૃત ઉત્તરાખંડની બીજી સત્તાવાર ભાષા છે. આ નિર્ણય આમ તો મોડો હતો પરંતુ તે સ્વાભાવિક હતું કારણકે ઉત્તરાખંડમાં જ્યારે રમેશ પોખરિયાલ નિશંકની ભાજપ સરકાર હતી ત્યારે વર્ષ ૨૦૧૦માં સંસ્કૃતને બીજી સત્તાવાર ભાષા જાહેર કરાઈ હતી. અને એ સમયે કેન્દ્રમાં કૉંગ્રેસ નીત યુપીએ સરકાર હતી. તેથી રેલવે મથકોનાં નામ ન જ બદલાય.

ગુજરાતમાં પણ આ વર્ષના બજેટમાં બાળકોને સંસ્કૃતના શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી ૩૭ સંસ્કૃત પાઠશાળાઓ તૈયાર કરવા માટે મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાની થાય તો કેટલા સરકારી રેકૉર્ડ બદલવા પડે, સંસ્કૃત બોલવી અઘરી છે, લખવી-વાંચવી તો એનાથી પણ અઘરી છે તેવી દલીલો થઈ શકે છે. પરંતુ જ્યારે મોગલોએ ફારસી અને ઉર્દૂને સરકારી ભાષા બનાવી હતી કે અંગ્રેજોએ અંગ્રેજી સરકારી ભાષા બની હતી ત્યારે આ પ્રશ્નો નહીં નડ્યા હોય? આજે પણ અંગ્રેજી ઘણાને નથી જ આવડતી. તો પણ અંગ્રેજીમાં ઠોકમ્ઠોક થાય છે. એની સરખામણીમાં સંસ્કૃત સમજવી અઘરી નથી કારણકે ઘણા શબ્દો ભારતીય ભાષાઓમાં આવેલા છે. વળી, વિદેશોમાં સંસ્કૃતને ખૂબ જ મહત્ત્વ અપાય છે.

જર્મનીમાં ટોચની ૧૪ યુનિવર્સિટીઓ સંસ્કૃત, ક્લાસિકલ અને મૉડર્ન ઇન્ડૉલૉજી (ભારતમાં ઉદ્ભવેલા ધર્મ અને પંથો) ભણાવે છે. જર્મનીની હૈદલબર્ગ યુનિવર્સિટીના સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટે સંસ્કૃત સંભાષણની ઉનાળુ સ્કૂલ વર્ષ ૨૦૦૦માં સ્વિત્ઝર્લેન્ડ, ઈટાલી અને ભારતમાં શરૂ કરી હતી. તેમાં અમેરિકા, ઈટાલી, યુકે અને યુરોપના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય છે. તેના વડા એક્સેલ માઇકલ્સ કહે છે કે તત્ત્વચિંતન, ઇતિહાસ, ભાષાઓ, વિજ્ઞાન અને સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવું હોય તો મૂળ સંસ્કૃત ગ્રંથો વાંચવા જરૂરી છે કારણકે પ્રાચીન વિચારો અને સંશોધનો તેમાં પડેલા છે.

ડૉ. માઇકલ્સે કહ્યું હતું કે (સંસ્કૃત અંગે થતા) વાદવિવાદમાં પડવાના બદલે ભારતીયોએ તેમનો ભવ્ય સમૃદ્ધ વારસો જાળવવા પ્રયાસ કરવો જોઈએ.

આપણે ત્યાં હવે નવા ને નવા પશ્ચિમી દિવસો ઘૂસાડી ઉજવાવા લાગ્યા છે, મિડિયામાં ખૂબ મહત્ત્વ મળે છે, અને કેટલાક ચક્રમો તમને હિન્દુ તિથિ વિરુદ્ધ કાન ભંભેરે છે, પણ શું તમને ખબર છે કે એક દિવસ એવો છે જે તિથિ અનુસાર ઉજવાય છે? આ છે સંસ્કૃત દિવસ. ૧૯૬૯માં તત્કાલીન શિક્ષણ પ્રધાન વી. કે. આર. વી. રાવે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી અને તે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર નહીં, હિન્દુ તિથિ અનુસાર આવે છે. દર શ્રાવણ પૂર્ણિમાએ એટલે કે રક્ષા બંધનના દિવસે ઉજવાવો જોઈએ. જેટલી જોરશોરથી પશ્ચિમી દિવસો ઉજવાય છે તેટલી જોરશોરથી આ દિવસ ઉજવાતો નથી. શ્રાવણ પૂર્ણિમા એટલા માટે કે પ્રાચીન કાળમાં શ્રાવણ પૂર્ણિમાથી પોષ પૂર્ણિમા સુધી ચાલતું હતું. આવી તો ઘણી બધી બાબતો છે જે આપણને ભૂલાવી દેવાઈ છે. આવતા મહિને રક્ષાબંધન આવે ત્યારે સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી સંસ્કૃતની રક્ષા અને તેના ગૌરવના પુનઃસ્થાપનની પ્રતિજ્ઞા લેવી જોઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment