Home » ‘કેબ’, કર્ણાટક અને ક્લીનચિટ: ભાજપ ફરી જોરમાં

‘કેબ’, કર્ણાટક અને ક્લીનચિટ: ભાજપ ફરી જોરમાં

by Jaywant Pandya

સબ હેડિંગ: મહારાષ્ટ્રમાં ફિયાસ્કા પછી કર્ણાટકમાં પંદર બેઠકોની પેટા ચૂંટણીમાં બાર પર ભાજપના વિજય, ગુજરાત રમખાણોમાં મોદી અને પ્રધાનોને ક્લીનચિટ તેમજ ‘કેબ’ પર વિપક્ષોની શાબ્દિક ધોલાઈ-ખરડો પસાર કરવાથી ભાજપનું મનોબળ ફરીથી મજબૂત થયું છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૫/૧૨/૧૯)

રામમંદિર મુદ્દે રસપ્રદ શ્રેણીને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ વખતે એક મહત્ત્વનો મુદ્દો નાગરિકત્વ સુધારા ખરડો જેને અંગ્રેજીમાં ‘કેબ’ તરીકે ઓળખવામાં આવે છે તે સંસદમાં પસાર થતાં તેના પર લખવા માટે શ્રેણી પર આ વખતે અલ્પવિરામ મૂકીએ.

આ રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરી અને સાચા અર્થમાં ભારતને પંથનિરપેક્ષ અથવા સેક્યુલર બનાવતા ખરડા માટે નરેન્દ્ર મોદી-અમિત શાહને અભિનંદન. પરંતુ તેના અમલમાં ક્યાંય તંત્ર દ્વારા છબરડા ન થાય તે જોવું પણ જરૂરી છે કારણકે તંત્રમાં કામ કરતા લોકો મોટા ભાગે છબરડા વાળતા હોય છે. મતદાર યાદીમાં જ આપણને અનુભવ છે કે પુરુષ મતદારનું નામ સ્ત્રીનું કરી નખાય છે કે પછી ઉંમર બદલી નખાય છે. બીજી તરફ, ઈશાન ભારતમાં જે ભ્રમ ફેલાયો છે તે દૂર કરવો જરૂરી છે. ત્રીજી તરફ, કૉંગ્રેસ અને ઓવૈસી જેવા લોકો મુસ્લિમોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે તેની સામે મુસ્લિમોને વિશ્વાસમાં લેવા જરૂરી છે.

જે રીતે અને જે ઝડપે મોદી-શાહની જોડી કામ કરી રહી છે તે જોતાં પ્રશ્ન એમ થાય કે આ જોડી આટલી મોડી કેમ સત્તામાં આવી? કલમ ૩૭૦, ત્રાસવાદ વિરોધી યુએપીએ ખરડો, ત્રિતલાક, એસપીજી સુરક્ષા ખરડો, અને હવે નાગરિકત્વ સુધારા ખરડો….લટકામાં રામમંદિર ચુકાદા પર દેશમાં અભૂતપૂર્વ શાંતિનું વાતાવરણ. આ બધું અભૂતપૂર્વ છે. જાણે કે આપણે એક ઇતિહાસને રચાવાના સાક્ષી બની રહ્યા છે.

અલબત્ત, દરેક કાયદા પાછળ તેના અમલની ચોકસાઈ જરૂરી છે. કલમ ૩૭૦ હટ્યા પછી મોદી સરકાર કૉંગ્રેસ કે વિદેશના દબાણ હેઠળ ન આવે અને ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તિને જેલમાંથી ઉતાવળે મુક્ત ન કરાય તે જરૂરી છે. સાથે જ ત્યાં મસ્જિદો-મદરેસાઓમાં જે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ થાય છે, તેને જે વિદેશી ફંડ મળે છે તે અટકાવવું જરૂરી છે. સાથે જ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસી ગયેલા રોહિંગ્યાઓને સત્વરે કાઢવા જરૂરી છે. વળી, ત્યાં ઉદ્યોગ-ધંધા આવવા લાગે, શાળાકૉલેજો બરાબર ચાલે અને વધુ સુવિધાઓ મળે તે પણ વહેલી તકે જરૂરી છે. કલમ ૩૭૦ના ફાયદા જાણનારા તો જાણે જ છે પરંતુ જો જમ્મુ-કાશ્મીરની રોજગાર-સુવિધાઓ વગેરે દૃષ્ટિએ તસવીર નહીં બદલાય તો ટીકાકારોને કહેવાની તક મળશે કે કલમ ૩૭૦ હટાવીને શું મળ્યું?

આ જ રીતે રામમંદિરનો ચુકાદો આવી ગયો છે. હવે સત્વરે ટ્રસ્ટની રચના કરીને તેના પર કામ શરૂ કરવું જરૂરી છે. જેમ બને તેમ જલદી, આપણે સહુ જીવતા લોકો પોતાની આંખે અને ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી સહિત આંદોલન કરનારાઓની ઉપસ્થિતિમાં ભવ્ય શ્રી રામમંદિરના દર્શન કરી શકે તે જરૂરી છે.

એમાં કોઈ શંકા નથી કે વર્તમાન સરકારમાં અમિત શાહ કેન્દ્ર સ્તરે ઉભરી રહ્યા છે. ઉપરોક્ત સર્વે ખરડાઓ રજૂ કરતી વખતે અને તેના પર થયેલી ચર્ચાઓના જવાબ આપતી વખતે તેમણે એકલા હાથે વિપક્ષોને ધોયા છે. શબ્દોના ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા છે. કલમ ૩૭૦ વખતે તો વડા પ્રધાન મોદી સંસદમાં હાજર પણ હતા. પરંતુ નાગરિકતા સુધારા ખરડા વખતે સંસદમાં ચર્ચા દરમિયાન તેમની ઉપસ્થિતિ જણાઈ નહીં. તેમણે જે રીતે અમિત શાહને આ મામલો સંભાળવા દીધો તે બતાવે છે કે તેઓ ધીરેધીરે અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી તરીકે મોકળું મેદાન આપી રહ્યા છે. અને અમિત શાહ તેમાં સફળ પણ રહ્યા છે.

નહીં તો, રાજ્યસભામાં ભાજપની બહુમતી નથી. પરંતુ એઆઈએડીએમકે, બીજુ જનતા દળ (બીજદ) વગેરે પક્ષો જે એનડીએના ભાગ નથી તેમની મદદથી ઉપરોક્ત મહત્ત્વના તમામ સુધારાઓ રાજ્યસભામાં જે ઝડપે પસાર થયા તે અમિત શાહની કુશળ રણનીતિ જ બતાવે છે. નાગરિકત્વ સુધારા ખરડા વખતે તો શિવસેનાનું અકળ વલણ પણ નડે તેમ હતું પરંતુ તે પામી જઈને અમિત શાહે તૈયારી રાખી હતી.

મોદી-શાહની આ રણનીતિમાં ફરી વિપક્ષોની ઇમેજના ધજાગરા ઊડી ગયા. કલમ ૩૭૦ વખતે પણ જે રીતે કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી હતી અને લોકસભામાં કૉંગ્રેસના વડા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી, રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે આ કલમ હટશે તો જમ્મુ-કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, તે જોતાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્ષો સુધી આ વિધાનોનો ઉપયોગ કરતો રહેશે. આ જ રીતે એસપીજી સુરક્ષા વખતે પણ અમિત શાહે છગ્ગો ફટકારતા કહ્યું કે કૉંગ્રેસને માત્ર એક જ (ગાંધી) પરિવારની ચિંતા છે. તમે વિચારો તો ખરા કે આ ખરડો પસાર થશે તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદેથી હટી જશે તો તેમને પણ સુરક્ષા નથી મળવાની. અમિત શાહનો કહેવાનો અર્થ એ હતો કે ચાહે તે જલિયાવાલાં બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ (જેમાં સત્તા ગમે તેની હોય પણ કૉંગ્રેસ પ્રમુખ ટ્રસ્ટી તરીકે રહે જ તેવી કાયદેસર વ્યવસ્થા કરાઈ હતી) હોય કે એસપીજી, આ દેશમાં કૉંગ્રેસે વર્ષોના વર્ષો સુધી ગાંધી પરિવારની સત્તા અને દબદબો અકબંધ રહે તે રીતની વ્યવસ્થા કરી હતી તેની સામે ભાજપ જે નવી વ્યવસ્થા સંસદ દ્વારા લાવી રહ્યો છે તેમાં તો તેના પોતાના વર્તમાન વડા પ્રધાન પણ સત્તા પરથી ઉતરી જશે તો સામાન્ય નાગરિક જેવા બની જશે તેવું થઈ રહ્યું છે.

નાગરિકત્વ સુધારા ખરડા પર અમિત શાહે કૉંગ્રેસ, કટ્ટર હિન્દુત્વનો ચહેરો લઈ ફરતી શિવસેના સહિત બધા વિરોધીઓને ઉઘાડા પાડી દીધા. ૨૪ ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટીવી સમક્ષ ભાજપના નેતૃત્વ પર શાબ્દિક રીતે પ્રહાર કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. પરંતુ લોકસભામાં ૯ ડિસેમ્બરે શિવસેનાએ આ ખરડાની તરફેણમાં મતદાન કર્યા પછી ૧૦ ડિસેમ્બરે ઉદ્ધવ ઠાકરેના સૂર બદલાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે શિવસેના કદાચ રાજ્યસભામાં આ ખરડા પર ભાજપને સમર્થન નહીં કરે.

૧૧ ડિસેમ્બરે સંજય રાઉતને જવાબ આપતા અમિત શાહે બરાબર મર્મસ્થાને પ્રહાર કર્યો કે સત્તા માટે લોકો કેવાકેવા રંગ બદલે છે! એક જ રાતમાં એવું શું થયું કે તમારા સૂર બદલાઈ ગયા? ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં શિવસેનાના ત્રણ સાંસદોએ મતદાન દરમિયાન અનુપસ્થિત રહેવાનું પસંદ કરી દૂધ-દહીં બંનેમાં પગ રાખ્યો હતો.

કૉંગ્રેસના કપિલ સિબલ, દિગ્વિજયસિંહ, આનંદ શર્મા આ તમામ વક્તાઓને અમિત શાહે એકલા હાથે જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે કૉંગ્રેસની પંથનિરપેક્ષતા એટલે કે સેક્યુલરિઝમની વ્યાખ્યા સીમિત છે. તેને માત્ર મુસ્લિમોની જ ચિંતા થાય છે. અમારી પંથનિરપેક્ષતની વ્યાખ્યા બહોળી છે. ધર્મના આધાર પર ભેદભાવવાળો આ ખરડો લાવવા મુદ્દે કૉંગ્રેસના ઉપરોક્ત નેતાઓએ પ્રહાર કર્યા તેના જવાબમાં અમિતભાઈએ કહ્યું હતું કે શું આ ખરડો માત્ર હિન્દુઓની વાત કરે છે? શું તે માત્ર બૌદ્ધ કે માત્ર શીખોની વાત કરે છે?

પાકિસ્તાનની તરફેણ થાય તેવું બોલતા કૉંગ્રેસના કપિલ સિબલ અને અન્ય નેતાઓએ કહ્યુ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ક્યાં લઘુમતીઓનું ઉત્પીડન થાય છે? આના જવાબમાં અમિત શાહે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રોનો માનવાધિકાર અહેવાલ વાંચી જાવ. ચેનલો અને અખબારો વાંચો. અમે આંખ અને કાન ખુલ્લા રાખીએ છીએ. તમારી જેમ (પાકિસ્તાન વિરોધી સમાચાર) માટે આંખ-કાન બંધ નથી કરી દેતા. અમિત શાહે પાકિસ્તાનથી આવેલા એક દલિત શરણાર્થીએ વર્ણવેલી પીડાને ટાંકીને કહ્યું કે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન લિયાકત અલી ખાને દલિતોને ભારત જવા દેવાની ના પાડતાં એવું કારણ દર્શાવ્યું હતું કે જો તેઓ ભારત ચાલ્યા જશે તો પાકિસ્તાનમાં સફાઈ કોણ કરશે?!!

અમિત શાહે આ ખરડા પરની ચર્ચામાં કૉંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા સમાન હોવાનું પણ કહીને કૉંગ્રેસની આબરૂની રેવડી કરી નાખી. કૉંગ્રેસ ફરી એક વાર ભાજપની ટ્રેપમાં આવી ગઈ. કૉંગ્રેસના નેતાઓ ૨૦૧૪માં તેની હાર પછી પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોનીના વિશ્લેષાત્મક અહેવાલ બાદ પણ સુધર્યા નથી. વર્ષ ૨૦૧૭ની ગુજરાત અને તે પછી કર્ણાટક ચૂંટણીમાં રાહુલ ગાંધીએ મંદિર અને મઠના દર્શન કર્યા પછી લાગતું હતું કે કૉંગ્રેસ ફરીથી હિન્દુત્વ તરફ પાછી વળશે પરંતુ ૨૦૧૯માં સજ્જડ પરાજય પછી, જેમણે પોતાનાં અધ્યક્ષપણા હેઠળ ખ્રિસ્તીઓને મહત્તમ પ્રમૉટ કરેલાં તેવાં સોનિયા ગાંધી ફરીથી કૉંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષા બન્યા અને કૉંગ્રેસ ફરીથી એ જ બનાવટી સેક્યુલરિઝમના માર્ગે ચાલી ગઈ. કલમ ૩૭૦ અને નાગરિકત્વ સુધારા ખરડા બંનેમાં તેને માત્ર મુસ્લિમોની (ખોટી) ચિંતા હોવાનું દેખાઈ આવ્યું.

હકીકતે નાગરિકત્વ સુધારા ખરડાથી પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી એમ ચારેય ધર્મ-પંથના શરણાર્થીઓને નાગરિકત્વ મળવાનું છે. આનાથી ભારતના મુસ્લિમ નાગરિક બંધુઓને કોઈ ગેરફાયદો નથી, પરંતુ સંસદમાં કૉંગ્રેસે મુસ્લિમોને અન્યાયનું ગાણું ગાઈને તેને ખ્રિસ્તીઓની પણ પડી નથી તેવું હવે ખ્રિસ્તી પ્રભાવી દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ કહી શકશે. આ જ રીતે દલિતો, શીખોની પણ કૉંગ્રેસને ચિંતા નથી તેવો રાગ ભાજપ આલાપી શકશે.

આમેય, તાજેતરમાં શીખ વિરોધી રમખાણો બાબતે મનમોહનસિંહે પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવને જવાબદાર ગણાવીને ‘બડા પૈડ ગિરતા હૈ તો ધરતી હિલતી હી હૈ’ કહી રમખાણોને વાજબી ગણાવનાર રાજીવ ગાંધીને દોષમુક્ત કરવા પ્રયાસ દિલ્લી વિધાનસભાની આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું. તેના જવાબમાં નરસિંહરાવના પૌત્ર એન. વી. સુભાષે કહ્યું કે વડા પ્રધાન રહી ચૂકેલા મનમોહનસિંહને ખબર હોવી જોઈએ કે ગૃહ પ્રધાન પોતે એકલા નિર્ણય ન લઈ શકે. (મનમોહનસિંહની વાત જુદી હતી કારણકે તેમના બીજી અવધિના શાસનમાં તેમના મહત્ત્વના પ્રધાનો તેમને ગાંઠતા નહોતા અને સીધું સોનિયાને પૂછીને નિર્ણયો લેતા હતા, પરંતુ જ્યારે ગાંધી પરિવારના નેતા વડા પ્રધાન હોય ત્યારે આવું કલ્પી પણ ન શકાય.) સુભાષે એમ પણ કહ્યું કે જો મનમોહનસિંહને શીખોના નરસંહારથી આટલી બધી તકલીફ પડી હોય તો તેમણે શા માટે ત્યારે રાજીવ ગાંધી અને નરસિંહરાવનો વિરોધ ન કર્યો અને શા માટે તેઓ નરસિંહરાવની કેબિનેટમાં નાણા પ્રધાન તરીકે જોડાયા? દિલ્લીની ચૂંટણીમાં ભાજપ આ મુદ્દાને ગજવશે તે નક્કી છે.

કર્ણાટકમાં ૧૫ બેઠકોની પેટા ચૂંટણીમાં યેદીયુરપ્પાનો પક્ષપલ્ટુઓને મેદાનમાં ઉતારવાનો જુગાર સફળ રહ્યો અને ભાજપ ક્યારેય નહોતો જીતતો તેવી બેઠકો પર જીતી શક્યો છે. જો તે હારત તો કૉંગ્રેસ અને મિડિયા ભાજપ પર માછલાં ધોવામાં કંઈ બાકી ન રાખત. ખરીદવેચાણ સંઘથી માંડીને બંધારણ જોખમમાં આવી ગયા સુધીનો નેરેટિવ ચાલત. આ ઉપરાંત જે મુદ્દે નરેન્દ્ર મોદી અને તેમની ગુજરાત સરકાર પર દેશવિદેશમાં બાર-બાર વર્ષ સુધી માછલાં ધોવાયાં તે ગુજરાતનાં રમખાણો પર પણ નાણાવટી-શાહ-મહેતા પંચના અહેવાલનો બીજો ભાગ ગુજરાત વિધાનસભામાં રજૂ થતાં અને તેમાં નરેન્દ્ર મોદી-હરેન પંડ્યા-અશોક ભટ્ટ-ભરત બારોટને ક્લીનચિટ મળી છે. આ બધાથી મહારાષ્ટ્રમાં ફિયાસ્કા પછી ફરીથી ભાજપનું મનોબળ મજબૂત થયું છે તેમાં કોઈ શંકા નથી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment