Home » ભગાભાઈના ભગા

ભગાભાઈના ભગા

by Jaywant Pandya

(આજે આયોજિત ઇ-ડાયરા માટે આજે જ લખાયેલી ખાસ રચના અને હાસ્ય લેખ)

પુસ્તકોની વાત ક્યાં થાય છે, મુક્તકોની વાત ક્યાં થાય છે

મરણની વાત થાય છે, જીવનની વાત ક્યાં થાય છે

**********

ભગાકાકા આજે ભારે કામમાં હતા. પરંતુ તેમના કરતાં તેમના પરિવારના લોકો ભારે દોડધામમાં હતાં.

વાત એમ હતી કે પહેલી વાર ઘર-વાસ જાહેર થયો તે પછીથી ભગાકાકા ફેસબુક પર તેમના મિત્રોના હલ્લાથી બઘવાઈ ગયા હતા. આ હલ્લો હતો તેમના મિત્રો દ્વારા તેમની પત્નીઓને ઘર-કામમાં સાથ આપવો. કેટલાકને વળી રસોઈ બનાવવાનો શોખ જાગ્યો હતો. અને માળા બેટા, રોજે રોજ પોતાના વૉટ્સએપના સ્ટેટસમાં, ફેસબુક પર વિડિયો મૂકી લાઇકું મેળવતા હતા. અને તેમને ભાભીઓની અને સાળીઓની લાઇકો વધતી જતી હતી.

ભગાકાકાને આનું ટેન્શન હતું.

ભગાકાકા ફેસબુક પર રોજ સવારે સારા સુવાક્ય મૂકતા. આમ તો સુવાક્ય એટલે જ સારા વાક્ય પણ આ તો આપણી બોલવાની ટેવ આવી એટલે આવું કહેવું પડે. અને બીજું એટલા માટે કહેવું પડે કે અમુક સુવાક્ય સુવાક્ય કહેવાય કે કેમ તે પણ એક પ્રશ્ન હોય છે. તમારે જો ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો ક્યારેય નીચી નજર ન માંડો. એલા ભાઈ! પહાડ ચડવો હોય એટલે શું નીચે જોયા વગર ચાલવું? સફળતા એને જ મળે છે જે નિષ્ફળ થાય છે. એ હિસાબે તો રાહુલ ગાંધી, તુષાર કપૂર અને અભિષેક બચ્ચનને સફળતા મળી જવી જોઈતી હતી. પણ બસ, વિરોધાર્થી શબ્દોનો મેળ કરીને કંઈ પણ લખી નાખવું તેને આજકાલ સુવાક્ય ગણવામાં આવે છે. ભગાકાકા આવાં જ સુવાક્યોનો રોજ સવારે ફેસબુક અને વૉટ્સએપ પર મારો ચલાવતા. મિત્રો અકળાઈને કહે કે ભગા, તું ભાઈસાબ, આવા સુવાક્યોનો મારો રહેવા દે. પણ ભગાકાકા એનું નામ. એ ઇમૉશનલ થઈ જતાં: તમને લોકોને ખરાબ જ જોવાની ટેવ પડી ગઈ છે. સારું કંઈ ગમતું જ નથી.

અને ભગાકાકાના મિત્રો જ હવે તેમને કહેવા લાગ્યા હતા: ભગા, તને કંઈ સારું ગમતું જ નથી. ભગાકાકા કહે: કેમ? તો કહે: અમે ઘરમાં રહીને કેટલું સારું કામ કરીએ છીએ. તું પણ કંઈક સારું કામ કરીને બતાવ. અને આ બધું એ લોકો પાછું ફૉનમાં કહેતા હોય તો તો બરાબર છે. માળા બેટા ફેસબુક પર તેમની વૉલ પર આવીને કૉમેન્ટમાં ઠોકતા હતા અને તેમાં ભાભીઓ-આંટીઓ તેના પર ખડખડાટ હાસ્યનું સ્માઇલી મૂકી જતી હતી અને તેમાંય કેટલીક તો રિપ્લાય કૉમેન્ટમાં જ આવાં સ્માઇલી મૂકી દેતી હતી. એટલે ભગાકાકાને હવે શૂરાતન ચડ્યું હતું. કંઈક સારું કામ કરી બતાવવું છે. એ પણ ઑનલાઇન. આખી દુનિયા જુએ તેમ.

એટલે ભગાકાકાએ નક્કી કર્યું કે તે એક નવતર શાક બનાવશે. અને તેનું ફેસબુક લાઇવ કરશે. ભગાકાકાએ અગાઉ જાહેરાત કરી દીધી કે આજે ભગાકાકા બનાવશે લેડી ફિંગર વિથ ચીલી પનીર સર્વ્ડ વિથ બટર રોટી એન્ડ બટરમિલ્ક. અને ભગાકાકાના આશ્ચર્ય વચ્ચે ઢગલાબંધ લાઇક આવી ગઈ. ભગાકાકાના મિત્રોએ આ પૉસ્ટ શૅર પણ બહુ કરી. ભગાકાકા તો આનંદમાં આવી ગયા, પણ ભગાકાકાને ક્યાં ખબર હતી કે તેમના મિત્રોએ ભગાકાકાના પ્રચાર માટે નહીં, તેમને નીચા દેખાડવા આમ કર્યું છે. ભગાકાકા કરતાં તેમના મિત્રોને વધુ વિશ્વાસ હતો કે ભગાકાકા ભગા જ કરશે.

 

અને આવો વિશ્વાસ ભગાકાકાનાં ધર્મપત્ની ભાનુમતીગૌરી ઉર્ફે ભાગૌને પણ હતો. એટલે તેઓ તેમના સહાયક તરીકે રહેવાં માગતાં હતાં, પણ ભગાકાકાએ તેમને ફેસબુક લાઇવ કરવાનું પકડાવી દીધું. તો દીકરા ભાણજીને બીજા એંગલથી ફેસબુક લાઇવ કરવાનું કહ્યું. બે એંગલથી અલગ-અલગ આઈડીથી ફેસબુક લાઇવ કરવાનું. તેમાં ભગાકાકાને ટેગ કરવાના. આપણું કંઈક હટકે હોવું જોઈએ.

સામાન્ય રીતે લેંઘા-ઝભ્ભામાં ઘરમાં આંટા મારતા ભગાકાકાએ ગોઠણથી ઉપરનો ચડ્ડો એટલે કે બરમુડો કાઢવા હોહલ્લા મચાવી દીધી. “ભાગૌ, તેં આ મારો બરમુડો ક્યાં મૂક્યો છે?” જ્યારે જે વસ્તુ જોઈતી હોય ત્યારે જ તે ન મળે. ભાગૌ કહે: “પણ તમે બરમુડો પહેરો છો જ ક્યાં? તમારી પાસે છે જ નહીં.” “પણ આપણો ભાણજી તો પહેરે છે ને. એ જોઈએ છે.” “તો એમ કહો ને?” લાવો હું કાઢી આપું. તમને કંઈ નહીં મળે.” બરમુડાનો મેળ માંડમાંડ પડ્યો ત્યાં વી આર પ્રાઉડલી અમેરિકન્સ એવું લખેલું ટીશર્ટ તેમને જોઈતું હતું. એ ટીશર્ટ શોધવામાં ભગાકાકાએ ભાગૌબેનને ધંધે લગાડી દીધા. આટલી ધમાલ કરી પછી ખબર પડી કે એ ટીશર્ટ તો તેમના દીકરા ભાણજીએ પહેરેલું હતું. “કાઢ, કાઢ ટીશર્ટ કાઢ. અમે અહીંયા તારું આ ટીશર્ટ ગોતીએ છીએ અને તું તે પહેરીને ઊભો છો તો ખબર પણ નથી પડતી.” ભાણજી કહે કે “હું તો તમે કયા કયા આંટીના પિક્ચરને લાઇક કર્યું છે તે જોતો હતો.” “હરામખોર, તને મેં મારો આ મોબાઇલ ફેસબુક લાઇવ કરવા આપ્યો છે. આ બધું જોવા નહીં.” “તો તમે આ બધું કરો અને અમારે આ બધું જોવાનું પણ નહીં.” “હવે સામું બોલ્યા વગર ટીશર્ટ કાઢ.”

ટીશર્ટ અને બરમુડો પહેરી ભગાકાકા આખરે રણમેદાનમાં આવી ગયા. ભગાકાકાએ કહ્યું કે “ફેસબુક લાઇવ શરૂ કરો.” ભાગૌ કહે પણ પહેલા…ભગાકાકા કહે: “મને ખબર જ હતી કે તમે કંઈક વાંધા કાઢશો. આજે કોઈ વાંધો નહીં ચાલે. ભારતી તું અહીં મારી બાજુમાં આવી જા. મને મદદ કર.” ભગાકાકાએ તેને તેમનાથી પાંચ મીટર દૂર ઊભી રાખી. ફેસબુક લાઇવમાં સૉશિયલ ડિસ્ટન્સિંગ દેખાવું જોઈએ. ભગાકાકાએ પોતે પણ માસ્ક ઠઠાડ્યું હતું. ફેસબુક લાઇવ શરૂ થયું એટલે ભગાકાકાએ કહ્યું ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે હું તમને લેડી ફિંગર વિથ ચીલી પનીર સર્વ્ડ વિથ બટરરોટી એન્ડ બટરમિલ્ક બનાવી બતાવીશ. એમાં એક-બે મિત્રોની કૉમેન્ટ આવી ગઈ. એલા એમ કહે ને તું ભીંડાનું શાક રોટલી અને છાશ સાથે બનાવવાનો છે. આ વાંચી ભારતી હસી પડી. ભગાકાકા કહે, કૉન્સ્ન્ટ્રેટ ઑન વર્ક. મિત્રો, પહેલાં હું આ કડાઈ લઈશ. ગુજરાતી રેસિપી ભલે હોય પણ તેના માટે શબ્દો હિન્દી અને અંગ્રેજી જ વાપરવાના. હવે હું તેમાં ઑઇલ મૂકીશ.

ભારતી ઑઇલ આપ તો. કૉમેન્ટ વાંચવામાં મશગૂલ ભારતીએ બરાબર જોયા વગર બાજુમાં પડેલ દીવેલ આપી દીધું. ભાગૌબેને ભગાકાકાને નાનો ઈશારો કર્યો પણ ભગાકાકા તો કેમેરા સામે જોવામાં જ વ્યસ્ત હતા. ચાર ચમચી દીવેલ નાખ્યું. ત્યાં યાદ આવ્યું કે ભીંડો સુધારવાનો જ રહી ગયો. ભારતીને કહે, ભીંડો ધોઈ નાખ અને પછી સુધારી નાખ. ભારતીએ ભીંડો પાણી ભરેલી તપેલીમાં સુધાર્યો.એમાં ચીકણો ભીંડો એના હાથમાં ચોંટ્યો. એટલે તે બોલી ઊઠી, છી…મારા હાથ ગંદા થઈ ગયા. ભગાકાકાને ભારે ગુસ્સો આવ્યો પણ કરે શું? ફેસબુક લાઇવ હતું. એટલે ગુસ્સો દબાવી બોલ્યા, “કંઈ વાંધો નહીં બેટા. હવે આપણે આ ભીંડાને વઘારીશું.” પણ વઘાર માટે મરચાં સુધારવાનાં બાકી હતાં. ભારતીને હાથ ખરાબ થઈ ગયા હતા. તેણે ધોયા પણ ચીકાશ ગઈ નહોતી. ભગાકાકાને તેના મોઢા પર સ્પષ્ટ ના દેખાતી હતી અને ભગાકાકા ફેસબુક લાઇવ પર દીકરી દ્વારા અપમાન ઈચ્છતા નહોતા.

એટલે તેમણે જ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું. તેમણે કહ્યું, “હવે આપણે મરચાં સુધારીશું.” અને મોટી છરી લઈ જાણે બાજીરાવ પેશ્વા લડાઈમાં તલવાર કાઢે એમ છરીથી મરચામાં ચીર કરવા ગયા. પણ એમાં મરચાનું બી આંખમાં ઊડ્યું. અને ભગાકાકાની આંખો બળવા લાગી. ઓય બા…મારી આંખ બળે છે. ભાગૌ…ભાગૌબેન કાંઈ બોલે કે ચાલે! પછી ભગાકાકાએ જ આદેશ કરવો પડ્યો, “ફેસબુક લાઇવ મૂક પડતું ને મારી આંખનું કંઈક કર.” એટલે ભાગૌબેને ફૉન સાઇડમાં મૂક્યો અને ભગાકાકાને કહ્યું, હું ના પાડતી હતી. આવાં કામ ન કરાય. આવડે કંઈ નહીં ને…” “તું ભાષણ કર્યા વગર મારી આંખને ઠાર.” ભાગૌબેન કહે: “પાણીથી આંખ ધોઈ નાખો. જાવ.” “પણ મને નળ પાસે લઈ તો જા.” ભાગૌબેનને ખબર નહોતી કે તેમણે ફેસબુક લાઇવ બંધ નથી કર્યું એટલે ભગાકાકાના ફેસબુક મિત્રો આ ઓરિજનલ સંવાદ સાંભળીને સ્માઇલીનો વરસાદ કરે જાતા હતા…

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment