Home » બેંગલુરુ હિંસા અને આમીરની તુર્કીની મુલાકાત

બેંગલુરુ હિંસા અને આમીરની તુર્કીની મુલાકાત

by Jaywant Pandya

સબ હેડિંગ: બેંગલુરુમાં કૉંગ્રેસના દલિત ધારાસભ્યના ભત્રીજાએ ફેસબુક પૉસ્ટ લખી તેના વિરોધમાં કાયદેસર કાર્યવાહી કરવાના બદલે કાયદો હાથમાં લઈ હિંસા કરી. બીજી તરફ, ભારત વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયેલા તુર્કીએ અભિનેતા આમીર ખાન માટે લાલ જાજમ પાથરી દીધી. પ્રશ્ન એ છે કે આવી કટ્ટરતા કેમ? તેનો અંત કેવી રીતે આવે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૩/૦૮/૨૦૨૦)

બેંગલુરુમાં એક ફેસબુક પૉસ્ટ બાબતે હિંસા ભડકી ઊઠી. કૉંગ્રેસના દલિત ધારાસભ્ય અખંડ શ્રીનિવાસન મૂર્તિના ભત્રીજા નવીને શ્રી કૃષ્ણ વિરુદ્ધ અભદ્ર પૉસ્ટના જવાબમાં જે ટીપ્પણી લખી તેનાથી મુસ્લિમોની ભાવના ભડકી ઊઠી. ૧૧ ઑગસ્ટની રાત્રે આ દલિત ધારાસભ્યના ઘરને સળગાવવા કથિત મુસ્લિમ હિંસાખોરોએ પ્રયાસ કર્યો. એટલું જ નહીં, પોલીસ મથકને પણ સળગાવવા પ્રયાસ કર્યો અને ૨૫૦ વાહનોને સળગાવી દીધા. મૂર્તિએ કહ્યું, “હું મુસ્લિમોને મારા ભાઈ માનતો હતો અને ઓછામાં ઓછાં ૨૫ વર્ષથી અમે હળીમળીને સાથે રહેતા હતા…તેમ છતાં આજે મેં મારું પચાસ વર્ષ જૂનું ઘર ગુમાવી દીધું.”

એવું શું થાય છે કે હળીમળીને સાથે રહેતો મુસ્લિમ એકાએક બધું ભૂલીને હિન્દુ સામે હિંસા પર ઉતરી આવે છે? આના પર કોઈ વાત કરવાની હિંમત નહીં કરે, પણ ચાલો, આપણે આ સળગતા મુદ્દા પર વાત કરીએ. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનની વાત સાંભળવા જેવી છે. આરફા ખાનમ શેરવાનીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે કે શું તમે પાકિસ્તાનમાં જીવવા માગો છો જ્યાં દર શુક્રવારે મસ્જિદ પર બૉમ્બ ફેંકાય છે? શું તમે સિરિયા કે યમનમાં જીવવા માગો છો જ્યાં મુસ્લિમ જ મુસ્લિમ સામે લડી રહ્યો છે? ભારત એ દેશ છે જ્યાં દેવબંધને જિહાદની વ્યાખ્યા કુર્આન કરતાં સાવ વિપરીત કરવાની છૂટ છે. કુર્આનમાં કહેવાયું છે: લડને કી ઈજાઝત સિર્ફ ઉનકો દી જાતી હૈ જિનકે ખિલાફ લડાઈ લડી ગઈ હૈ, ઉન પે ઝુલ્મ કિયા ગયા હૈ, ઉનકો ઉનકે ઘરોં સે નિકાલા ગયા હૈ. જ્યારે દેવબંધ આવી વ્યાખ્યા કરે છે: શરિયતમાં જિહાદ દીને હક કી તરફ બુલાને ઔર જો ઉસે કુબૂલ ન કરે ઉસસે જંગ કરને કો કહતે હૈ. આરીફજી કહે છે, “અને દેવબંધની આ વ્યાખ્યા મદરેસામાં ભણાવાય છે. ત્યાં ચાર ટકા જ બાળકો ભણે છે પરંતુ આ તેમનો કબજો મસ્જિદના સભ્યો પર હોય છે.”

આનો અર્થ એ થયો કે મસ્જિદમાં જે ભાષણો થાય છે, મદરેસામાં જે ભણાવાય છે તેનું કોઈ રણીધણી જ નથી. કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓ, રાજ્યોમાં સરકારીથી માંડીને ખાનગી શાળાઓમાં જે અભ્યાસક્રમ આવે છે તેના માટે સીબીએસઈ અને રાજ્ય સરકારના શિક્ષણ બૉર્ડ છે. પરંતુ મદરેસામાં શું ભણાવાય છે, કૉન્વેન્ટ શાળાઓમાં શું ભણાવાય છે તેનું કોઈ નિયંત્રણ કરે છે? કર્યું છે? એટલે આમાં વાંક બાળકનો કહેવાય કે ભણાવનારાનો? બાળક તો કોરી પાટી જ હોય છે. પણ તેને નાનપણથી જ આવી ખોટી વ્યાખ્યા ભણાવાય તો તે કટ્ટરવાદી અને હિંસક જ બનવાનો.

જે રીતે મુસ્લિમો તરફથી હિંસક પ્રતિક્રિયા આવે છે અને સામે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ રીતસર ઝેર ઓકાઈ રહ્યું છે તેના કારણે અત્યારે હિન્દુ માત્ર શાબ્દિક પ્રતિક્રિયા આપે છે. બેંગલુરુમાં ફેસબુક પૉસ્ટ સામે વાંધો હતો તો નવીન સામે કાયદેસર કાર્યવાહી થઈ શકી હોત. અને વાત ત્યાંથી પતી ગઈ હોત. નવીને પણ આવો જવાબ લખતા પહેલાં જેણે શ્રી કૃષ્ણ વિશે લખ્યું તેની સામે કાર્યવાહી કરવાની જરૂર હતી. તો આખો મામલો ચગત જ નહીં. પરંતુ બંને પક્ષે મર્યાદા ઓળંગાઈ. નવીને શાબ્દિક રીતે ભાવનાને ઠેસ પહોંચાડી. તો મુસ્લિમો હિંસા પર ઉતરી આવ્યા. અને હિંસામાં પણ તેઓ માત્ર નવીન સામે હિંસા કરત તો પણ (તે યોગ્ય ન હોવા છતાં) માની શકાય, પરંતુ તેમાં પોલીસ મથકને નિશાન બનાવી સળગાવવું, નવીનના કાકા- કૉંગ્રેસના દલિત ધારાસભ્યનું ઘર સળગાવવું અને ૨૫૦ વાહનોને સળગાવી દેવાં- અને તે ઉપરાંત એક મંદિરને પણ તેઓ નિશાન બનાવવા ગયા હતા. એમ કહેવાય છે કે તેમના જ જાતભાઈઓએ માનવ શ્રૃંખલા રચી તેમને તેમ કરતા અટકાવ્યા. પરંતુ પ્રશ્ન એ છે કે ફેસબુક પૉસ્ટના જવાબમાં મંદિરને નિશાન બનાવવાની વાત ક્યાંથી આવી?

આના કારણે તો તેમણે એ વાત સાચી પાડી કે ભૂતકાળમાં અનેક મંદિરોને મુસ્લિમ શાસકોએ કે ટોળાંએ તોડી પાડ્યાં હતાં. કેટલાંક પર મસ્જિદ બનાવી દેવાઈ.

હવે આ તર્કને આ રીતે વિચારો. કેટલાક મુસ્લિમો ફેસબુક પર હિન્દુ દેવીદેવતા વિશે બેફામ લખતા હોય છે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવેસીએ તો શ્રી રામ અને તેમની માતા કૌશલ્યા વિશે કેવું બોલ્યું હતું? તો તેના જવાબમાં હિન્દુઓએ હિંસા કરી? અને હિંસામાં સામાન્ય મુસલમાનને નિશાન બનાવે કે મસ્જિદને નિશાન બનાવે તો યોગ્ય કહેવાય? પણ આજ દિન સુધી એક અવાવરુ ઢાંચો જે શ્રી રામમંદિરને તોડીને બનાવાયો હતો, તેને બાદ કરો તો હિન્દુઓએ એક પણ મસ્જિદ કે ચર્ચ તોડ્યું?

પરંતુ બેંગલુરુની ઘટના માટે સેક્યુલર પક્ષો કે સેક્યુલ પત્રકારો-કૉલમિસ્ટોએ ભેદી મૌન પાળ્યું. તેમણે હિંસાને વખોડવાના બદલે મંદિરને બચાવાયું તેની જ પૉસ્ટ મૂકી. તેમાં પણ પાછો ભેદભાવ! જેણે બચાવ્યું તે મુસ્લિમ હતા તેમ લખ્યું પણ જેઓ તેને સળગાવવા ગયા હતા તેમની શ્રદ્ધા (પંથ) વિશે ન લખ્યું! એટલે ઉપદ્રવીઓને બચાવવાની નિરર્થક કવાયત કરી. કારણકે હવે સૉશિયલ મિડિયાના જમાનામાં લોકોને એ પણ ખબર પડી જાય છે કે ઉપદ્રવીઓ કોણ હતા અને તેઓ સેક્યુલરોને પણ સારી રીતે ઓળખી ગયા છે.

બીજી તરફ, આમીર ખાન જેવા અભિનેતા જેને હિન્દુઓ આટલો પ્રેમ, પૈસા અને સમ્માન આપે છે તે તુર્કી જાય છે અને તેના રાષ્ટ્રપ્રમુખનાં પત્નીને પ્રેમથી-ઉમળકાભેર મળે છે. આમ તો આ ઘટનાથી માત્ર હિન્દુઓ જ નહીં, દરેક સાચા દેશભક્ત નાગરિકનું મન દુઃખાવું જોઈએ. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થઈ તે પછી આખા વિશ્વએ તેનું સમર્થન કર્યું પરંતુ પાકિસ્તાન (એ તો સ્વાભાવિક છે), તુર્કી અને મલયેશિયાએ જ તેનો વિરોધ કર્યો. આટલું હોત તો પણ કંઈક ચલાવત, પણ તુર્કીની યુનિવર્સિટીઓમાં તો ભારત વિરોધી પ્રચાર કરતા સેમિનારો વગેરે થાય છે જેમાં પાકિસ્તાનના રાજદ્વારીઓ અને આઈએસઆઈ સમર્થકો ત્યાં હાજરી આપવા જાય છે. આવી સ્થિતિમાં આમીર ખાન ભારતમાં ફિલ્મનું શૂટિંગ કરવાના બદલે ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં કરવા જાય, તુર્કીનું સાંસ્કૃતિક મંત્રાલય તેના માટે લાલ જાજમ પાથરે, અને તુર્કીનાં પ્રથમ મહિલા તેને મુલાકાત માટે પોતાના સ્થાને બોલાવે તેનો શું અર્થ થયો?

આ આમીર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન પાછા મુંબઈમાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાનયાહુના સન્માનમાં શેલોમ બોલિવૂડ કાર્યક્રમ રખાય છે તેમાં આવતા નથી! કારણ? કટ્ટરવાદી મુસ્લિમો રોષે ભરાશે! આ લોકોને કોનો ડર છે? તેઓ કેમ કટ્ટરવાદીઓને ખુશ કરવા મથે છે? હવે તો યુએઇ પણ ઈઝરાયેલનું દોસ્ત બની ગયું છે. આ કલાકારો (અનિલ કપૂર, મંદાકિની, ગોવિંદા) દુબઈ જતા. તેમને શારજાહમાં દાઉદની બાજુમાં બેસીને ભારતની ક્રિકેટ મેચ જોવી તેમાં એક સ્ટેટસ લાગતું. ત્યાં ભારતને હારતું જોતા. અને તે પણ કેવી રીતે? ઑડિયન્સ, અમ્પાયર વગેરે બધા પાકિસ્તાન તરફી હોય. અને તેમાં મેચ પણ ફિક્સ થતી. મેચ ફિક્સિંગ કૌભાંડ શારજાહથી શરૂ થયું.

પરંતુ આપણી આગળ, આ સેક્યુલર અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાનાં મિડિયા ગાથા કઈ રજૂ કરતા? શૈખની પ્રશંસા કે રણમેદાનને કઈ રીતે લીલુંછમ બનાવી દીધું? તેના જીવંત પ્રસારણમાં વપરાતી ટૅક્નૉલૉજી. જાવેદ અખ્તરે ચેતન શર્માના છેલ્લા બૉલે મારેલો છગ્ગો અને તે વખતે ભારતમાં કેટલાક વિસ્તારોમાં ફૂટેલા ફટાકડા.

એટલે તે વખતે કટ્ટર રહેલા યુએઇ (અને હજુ પણ કટ્ટરતા ઘટી નથી) તરફ આ કલાકારો જોતા. શાહરુખ જેવા તો દુબઈમાં મૂડીરોકાણ પણ કરે. અને અત્યારે હવે યુએઇ ઇઝરાયેલનું દોસ્ત બની ગયું એટલે તુર્કીની વાટ પકડે! આ કોના ઈશારે થાય છે તે સમજવું અઘરું છે? પાકિસ્તાનના ઈશારે જ ને?

આનો અર્થ એ થયો કે ભલે ‘સરફરોશ’, ‘લગાન’ જેવી દેશભક્તિ કે ‘થ્રી ઇડિયટ્સ’, ‘તારે ઝમીં પર’ જેવી શિક્ષણની સુંદર ફિલ્મો આપવાની, ‘સત્યમેવ જયતે’ જેવો ભ્રૂણ હત્યા, મોંઘી દવા વગેરે મુદ્દે સામાજિક ચેતના જાગૃત કરતો ટીવી શૉ કરવાનો પણ તેનો મૂળ ઉદ્દેશ તો માત્ર પૈસાની કમાણીનો જ. તેમાંથી જાતમાં કંઈ ઉતારવાનું નહીં. અંદરથી તો કટ્ટર જ રહેવાનું અને ભારતના દુશ્મનની વાહવાહ કરવાની. તેમની સાથે મુલાકાત કરવાની. ભારતના મિત્ર નેતાનયાહુને મળવા નહીં જવાનું. ભારતમાં બહુમતી હિન્દુ તરફથી ન્યાયાલય અને તે પછી કેન્દ્ર સરકારની કાયદેસર અનુમતિ મેળવી શ્રી રામમંદિરના નિર્માણનો પ્રારંભ થાય તો ત્યારે શુભેચ્છા નહીં આપવાની. અહીં ફરી યાદ અપાવવું જોઈએ કે શ્રી રામમાં આસ્થા માત્ર હિન્દુઓની જ નથી, મુસ્લિમોની પણ છે. તેના વિડિયો અને તસવીરો મળી રહેશે.

અને આ કલાકારો પાછા, એક અખલાકનું મૃત્યુ થાય ત્યારે દેશ અસહિષ્ણુ બની ગયો છે તેવો રાગ આલાપવા લાગે. આ જ આમીરે તેની કથિત હિન્દુ પત્ની કિરણ રાવના નામે કહ્યું હતું કે તેને આ દેશમાં ડર લાગે છે. તે કહે છે કે આપણે ક્યાંક બીજે રહેવા ચાલ્યા જઈએ. મને લાગે છે કે આમીર, તારે તુર્કી રહેવા ચાલ્યા જવું જોઈએ જ્યાં સદીઓ જૂના એક ખ્રિસ્તી મ્યુઝિયમને રાતોરાત મસ્જિદમાં પરિવર્તિત કરી દેવાયું છે. ત્યાં તું સુરક્ષિત રહીશ. પરંતુ યાદ રાખજે, ત્યાં તારી આટલી આગતાસ્વાગતા દુશ્મન કા દુશ્મન દોસ્તના કારણે જ થઈ છે. જ્યારે તું કાયમ માટે રહેવા જઈશ તો સાઉદીથી માંડીને અનેક મુસ્લિમ દેશો જેમ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને મુસ્લિમો નથી માનતા અને ત્યાં તેમની સાથે સમાન વ્યવહાર નથી થતો તેવું તારી સાથે પણ થશે.

પણ આ બધાનો ઉપાય શું? ચીન જેવું વિકટ્ટરીકરણ! (ડિરેડિકલાઇઝેશન). તમામ મસ્જિદો અને મદરેસાઓમાં થતાં પ્રવચનો રેકૉર્ડ કરાવો. જો કોઈ બીજા પંથ સામે ઉશ્કેરણીજનક ભાષણો અપાય તો તરત જ બહાર ઊભેલી કે તેને જીવંત સાંભળતી પોલીસ ત્યાં જઈ ભાષણ આપનારની ધરપકડ કરે. ચીનની જેમ જ, જે કટ્ટર મુસ્લિમોએ બીજા દેશમાં ચડાઈ કરી છે, બીજા પંથના લોકો પર અત્યાચારો/ભેદભાવ તેમના પંથના આધારે કર્યા છે, બીજા પંથનાં ઉપાસનાસ્થાનો તોડ્યાં છે તેમના પરથી પોતાનાં સંતાનોનાં નામો નહીં રાખવા દેવાનાં. સદ્દામ, લાદેન, તૈમૂર જેવાં નામો ન રાખી શકાય. જાહેરમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ. લાઉડસ્પીકર પરથી અઝાન પર પ્રતિબંધ.

એટલું જ નહીં, જો આવું ચાલતું રહ્યું તો હિન્દુ પણ કટ્ટર બની જશે. એક સમયે હિન્દુ સંગઠનોએ રસ્તા પર નમાઝની સામે મહા આરતી શરૂ કરી હતી. એટલે જ મુસ્લિમ કટ્ટરતા રોકવી જરૂરી છે. રાજકારણ, મિડિયા, ઉદ્યોગજગત વગેરે દરેક ક્ષેત્રે સાચા મુસ્લિમોને આગળ કરો. તેઓ જો પોતાનો અવાજ ઊઠાવે તો તેમને રક્ષણ આપો. આ સરકાર પાસે જ આ અપેક્ષા છે. તે જો ન કરી શકી તો નવા ભારતનું માત્ર સૂત્ર જ રહી જશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment