Home » ‘ફરિયાદ’ કરતાં ‘ફરી’ ‘યાદ’ કરો ને!

‘ફરિયાદ’ કરતાં ‘ફરી’ ‘યાદ’ કરો ને!

by Jaywant Pandya

જયવંતની જે બ્બાત

ફોન કરવાનું ભૂલાઈ ગયું…

કોઈક તમને નિયમિત સમયાંતરે ફોન કરે છે…આ નિયમિત સમય એક અઠવાડિયાનો, પંદર દિવસ કે એક મહિનાનો હોઈ શકે છે…

કાં તો તમને નિયમિત વૉટ્સએપ કરે છે… સારાં સારાં ગીતો/લઘુ કથા/સમાચાર સમીક્ષા મોકલે છે…

તમે કામમાં ફોન નથી ઉપાડી શકતા… પણ એમ ને એમ ફોન કરવાનું ભૂલી જાવ છો… તમને થાય છે કે એના વૉટ્સએપ તો આવે છે ને…

અથવા વૉટ્સએપનો પ્રતિભાવ ન આપવા માટે તમે વિચારો છો કે એ તો ફ્રી છે… મારે કેટલાં કામ હોય… ફોન કરી લઈશ… અને પછી ફોન પણ રહી જાય છે…

થોડા દિવસ પછી તેના ફોન/વૉટ્સએપ/ફે. બુ. અપડેટ આવતા બંધ થાય છે… પણ માહિતીના ધોધમાં તેની અનુપસ્થિતિની તમારું મગજ નોંધ પણ નથી લેતું. અને અચાનક… સમાચાર મળે છે કે એ વ્યક્તિ તો ગુજરી ગઈ… અથવા તો સખત માંદી હતી… અથવા તેનો અકસ્માત થયો હતો… અથવા તેની નોકરી છૂટી ગઈ હતી… તમારા પસ્તાવાનો પાર નથી રહેતો પણ હવે શું? ક્ષમા માગવામાં અહંકાર આડો આવે. પણ ગિલ્ટ ફીલ થયા કરે…

તમે કોઈને તમારા પ્રસંગની આમંત્રણ પત્રિકા વૉટ્સએપ કરો છો પણ તમારી પાસે ફોન કરવા સમય નથી. એ તો છોડો, બીજા મેસેજમાં અલગથી બે લાઇન ટાઇપ પણ તમે નથી કરતા કે તમે જરૂર આવજો.

આટલી બધી વિવેકહીનતા? ઊભડકપણું? ક્યાંક આપણી સાથે આવું થાય તો?

સ્માર્ટ ફૉનમાં  મગજને સતત ખોરાક મળે છે પણ મનને મળે છે? તમે કૃતજ્ઞ છો કે કૃતઘ્ન? ઘણાને તો આ શબ્દોના અર્થ પણ ખબર નહીં હોય.

આજે સૉશિયલ મિડિયા બધાં માટે ઍક્સ્ટેન્ડેડ ફેમિલી છે તે સાચું પણ મૂળ ફેમિલી તો તમને નિયમિત સમયાંતરે યાદ કરતા સ્વજનો જ છે. એમની પૉસ્ટ કે મેસેજના જવાબમાં તમારા એક ઇમોજીને તરસતા લોકો છે. એક નાનકડો પાંચ મિનિટનો કૉલ ઝંખતા લોકો છે. ભલે રોજ નહીંતો મહિને એક વાર તો તમારો અવાજ તેમને સંભળાવો. વાત લાંબી ચાલે તો બીજો કૉલ આવે છે તેમ કહી ટૂંકાવો.

એવું નથી કે તમે સાવ ભૂલકણા છો. તમારે જ્યાં સ્વાર્થ (ભલે મામૂલી તો મામૂલી) છે ત્યાં તમે ફૉન તરત ઉપાડી વાત કરો જ છો. વાત ન થાય તેમ હોય તો રેડીમેડ એસએમએસ કરો છો-will call you later. વૉટ્સએપ/એફબીમાં લાઇક/ઇમોજી કરવાનું ભૂલતા નથી. તમે જેને અચૂક પ્રતિસાદ આપો છો તે તમારા મિત્ર/પ્રેમિકા/કલીગ/બૉસ/પડોશી/વેવાઈ/ફ્યુચર વેવાઈ કોઈ પણ હોઈ શકે છે.

પરંતુ યાદ રાખો, આ દુનિયા ગોળ છે. જે તમે ‘ક’ સાથે કરો છો તો કોઈ ‘ખ’ તમારી સાથે કરશે. સરવાળે બધાં પાસે ફરિયાદ જ હશે.

આના કરતાં ‘ફરી’ ‘યાદ’ જ કરો ને યાર!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment