Home » શું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ શકે?

શું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ શકે?

by Jaywant Pandya
હમણાં બીબીસીના બીબીસી ગ્લૉબલ ક્વેશ્ન્સ કાર્યક્રમમાં ઘર-વાસ ઉઠાવવા પર એક મજેદાર ચર્ચા જોવા મળી. અને ચર્ચામાં હતા પણ કોણ?
યુકેના પૂર્વ વડા પ્રધાન ટૉની બ્લૅર અને ઈટાલીના પૂર્વ વડા પ્રધાન પાઓલો જેન્ટિલૉની! અને સાથે અલગ-અલગ દેશોના સાતથી આઠ પ્રશ્નકર્તા જેમાં કમ્બોડિયા અને આફ્રિકાના દેશોનો પણ સમાવેશ થાય.
ચર્ચા (આમ તો એક જાતનો સેમિનાર જ ગણી શકાય) ખૂબ તંદુરસ્ત! એટલી શાલિન અને એટલી શાંત અવાજે! મહિલા એન્કર ઝૈનાબ બદાવી પણ કોઈને બોલતા અટકાવતાં નહોતાં. ન વચ્ચે પેટા પ્રશ્ન પૂછે. ન તો પૂર્વ વડા પ્રધાનો લાંબી-લાંબી વાતો અને તેઓ વડા પ્રધાન હતા ત્યારે શું કર્યું હતું અને શું કર્યું હોત તેની વાત કરે. પ્રશ્નકર્તા પણ સાવ ટૂંકમાં પ્રશ્ન પૂછે.
આપણે ત્યાં શું થાય છે?
એન્કરો લાંબા લાંબા લૉડેડ પ્રશ્નો પૂછે છે. તમે જવાબ આપવાનું શરૂ કરો ત્યાં પેટા પ્રશ્ન આવી જાય, કાં તો પૂરક માહિતી બોલવી હોય છે. જો એન્કર-ચેનલની લાઇન મુજબ બોલો તો ઇન્ટરપ્શન નથી થતું. પણ તેમ ન હોય તો ઇન્ટરપ્શન શરૂ થઈ જાય. કાં તો રાજકીય પક્ષના નેતા વચ્ચે ઇન્ટરપ્ટ કરવા લાગે અને તેમનું માઇક ઑફ ન કરાય. એન્કર ગેસ્ટને આખા નામ સાથે બોલાવે. શરૂઆતમાં પરિચય પૂરતું બરાબર પણ પછી નામ પાછળ ભાઈ/બહેન કે જી લગાવીને વાત નથી થતી. ચેનલ પર ડિબેટ દરમિયાન દર્શકનો કૉલ ગમે ત્યારે લઈ લેવામાં આવે અને દર્શક પણ પહેલાં નામ બોલે, પછી ગામનું નામ બોલે અને પછી તે પણ પોતાનું જ્ઞાન ઠાલવે અને તે પછી પ્રશ્ન આવે.
મહિલા એન્કરો કે મહિલા પેનલિસ્ટો પોતાના દેખાવ પ્રત્યે સતત સભાન એટલે વાળ પર હાથ ફેરવ્યા કરે. વાળને આગળ પાછળ કરે. આરજેના  ઇન્ટરવ્યૂમાં તો વારંવાર વાળ બાંધવા, છોડવા આ બધું જોઈ શકાય. (આ ટીકા નથી, ઑબ્ઝર્વેશન છે.) બીબીસી કે સીએનએન ચેનલો પર આવું જોવા મળતું નથી. પશ્ચિમ પાસેથી સારું શીખવું હોય તો આ શીખો. અહીં તો ગુજરાતી ચેનલ પર હિન્દીમાં ચર્ચા ચાલુ થઈ જાય. જો તમે કલાકાર હો કે ડૉક્ટર હો કે બીજા કોઈ ક્ષેત્રના, તો અંગ્રેજી વિધાનોની વચ્ચે માંડ થોડું ગુજરાતી સાંભળવા મળે. આની સામે આજ તક પર એક મરાઠી ભાષી પેનલિસ્ટ હતા અને તેઓ અંગ્રેજીમાં બોલવા લાગ્યા તો એન્કર અંજના ઓમ કશ્યપે કહ્યું કે હિન્દી ચેનલ છે એટલે હિન્દીમાં બોલો. પેલા મરાઠીભાષીએ કહ્યું કે મને હિન્દી નથી આવડતું. મરાઠી આવડે છે. (આપણે ત્યાં કોઈ આવું સ્વીકારતું નથી. એમાં નાનપ અનુભવાય છે. અરે! નથી આવડતું તો નથી આવડતું. મુખ્ય પ્રધાન ભલે ને કેમ ન હોય. ગુજરાતીમાં જ બોલીશ.) તેમ છતાં તેને હિન્દી બોલવા ફરજ પાડી. આવું ગુજરાતી ચેનલો પર કેમ નહીં? અને હું જાણું છું તે ઘણા હિન્દીભાષી પેનલિસ્ટો સારું ગુજરાતી બોલી શકે છે.
આવી સ્થિતિ પરિસંવાદોમાં પણ આવે છે. વક્તામાં ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા’ અને સત્ર પછી પ્રશ્નોત્તરીમાં પ્રશ્નકર્તા પણ પોતાનું જ્ઞાન ઠાલવી સાંભળનારાઓની કસોટી કરી એક લીટીમાં પ્રશ્ન પૂછે.
ટીવી ડિબેટમાં એન્કરના પક્ષે શાલિનતા જોવા મળતી નથી. આનું કારણ એ છે કે ભારતમાં રાજકારણીઓને ભલે વગોવાય અને તેઓ ભલે મિડિયાને ટાર્ગેટ પણ બનાવતા હોય પરંતુ આમ છતાં તેઓ ઘણા અંશે સહનશીલ છે. સામે પક્ષે મિડિયાની પણ રાજકારણીઓ દ્વારા ટીકા કરાય છે તેમ છતાં તે સહનશીલ છે/રહેવું પડે છે. એન્કર-રિપોર્ટર તોછડાઈ સાથે પ્રશ્ન પૂછતા હોય છે જેના રાજદીપ સરદેસાઈથી માંડીને અર્નબ સુધી ઘણાં ઉદાહરણો છે. ઇન્ટરવ્યૂમાં પણ આ જ હાલત છે. રાજનેતાઓને એકબીજા બોલતા હોય ત્યારે બોલવા દેવાય છે. ઘાંટાઘાંટી થાય છે. ધારે તો માઇક ઑફ કરી જ શકે અને જ્યારે ટીવીની પૉલિસી લાઇન બહાર જાય ત્યારે ક્યારેક અપવાદરૂપે કરતા પણ હોય છે. પરંતુ આનાથી જ ટીઆરપી મળે તેમ માની લેવામાં આવે છે.
માતા પોતાના બાળકને તીખું જ ખવડાવ્યા રાખે અને પૌષ્ટિક ખોરાક ન આપે તો? બાળક કુપોષિત જ થાય. ટીવી હોય કે ફિલ્મ કે વેબસીરિઝ, બધે આવી સ્થિતિ છે. પોતાને ગમે તે આપવું છે. દર્શકોને જે આપવું જોઈએ તે આપવું નથી. આના કારણે ડિબેટ તાર્કિક અંત સુધી પહોંચતી જ નથી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

સમીર 28/05/2020 - 8:35 AM

બિલકુલ સાચી વાત કરી. બધા પોતે બોલ્યા પછી કાન અને મગજ બંધ કરી ને બેસી જાય છે!

Reply

Leave a Comment