Home » અષાઢસ્ય…કવિ કાલીદાસ, સ્ત્રી સશક્તિકરણ અને ભારતનું વર્ણન

અષાઢસ્ય…કવિ કાલીદાસ, સ્ત્રી સશક્તિકરણ અને ભારતનું વર્ણન

by Jaywant Pandya

સબ હેડિંગ: કવિ કાલીદાસના શ્રૃંગારિક સાહિત્ય વિશે તો ઘણું લખાયું છે પરંતુ તેમના વિશે અને તેમના સાહિત્યમાં ભારત વર્ણન વિશે ક્યાંય વાંચ્યું છે? અકબરના નવરત્નો વિશે તો ગોખાઈ ગયું છે પણ કવિ કાલીદાસ જે રાજાના રાજકવિ હતા તે વિક્રમના નવરત્નો વિશે ક્યાંય ચર્ચા થઈ છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૮/૭/૨૦૨૧)

હમણાં જ અષાઢ મહિનાની શરૂઆત થઈ . આથી સ્વાભાવિક યાદ આવ્યું કે તેના પ્રથમ દિવસે અમરેલીના પડોશી ભાવનગર જિલ્લાના ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં તંત્રી રમેશ ઓઝા જે પોતાના પ્રથમ નામાક્ષરી ર.ઓ.ના નામે લખતા, તેઓ કૉલેજ-શાળા ઉઘડે તેની વિગતો રસપ્રદ શૈલીમાં અષાઢસ્ય પ્રથમ દિવસે એવા કૉલમ નામે લખતા.

હવે ગુજરાતી મિડિયામાં હિન્દી અને ઉર્દૂ શબ્દોની ભરમાર જોવા મળે છે ત્યારે હજુ પણ ક્યાંક ક્યાંક અમીછાંટણાની જેમ સંસ્કૃત ઉક્તિઓ અને શબ્દો જોવા મળે તો આનંદ થાય. ‘વચનેષુ કિમ દરિદ્રતા’ એ શબ્દપ્રયોગ સામાન્ય રીતે ચૂંટણી સમયે ઢંઢેરો બહાર પડે તો હેડિંગમાં અચૂક લખાય. ‘વિદ્યા દદાતિ વિનયમ્’ એ શબ્દપ્રયોગ સંસ્કૃત બોલતા કે લખતા ન જાણનારાને પણ આવડતો હોય છે કારણકે આપણા સમાચારપત્રોમાં તે લખાતો આવ્યો છે. અને ઘરમાં કે કોઈ સમારંભ હોય તો ઉદ્ઘોષક તેમાં તે બોલતા હોય છે. કોઈ કાર્યની શરૂઆત થઈ હોય અને તેમાં પહેલા જ પગલે વિઘ્ન આવે તો ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ અર્થાત્ પહેલા કોળિયે જ માખી આવી તેમ લખાતું-બોલાતું. ‘સ્વાહા’ ‘હોમાઈ જવું’, ‘બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ્’ (ભૂખ્યો વ્યક્તિ કયું પાપ ન કરે), ‘શઠમ્ પ્રતિ શાઠ્યમ્’ (જેવા સાથે તેવા), ‘વીરભોગ્યા વસુંધરા’ (પૃથ્વીનો ઉપભોગ વીર પુરુષ જ કરી શકે છે) આવા શબ્દપ્રયોગ વાતેવાતે સામાન્ય વ્યક્તિ પણ વાપરતો. ‘તે હિનો દિવસો ગતા:’ એટલે કે તે દિવસો ગયા. ‘અતિ સર્વત્ર વર્જયેત્’ એટલે કોઈ પણ બાબતનો અતિરેક સારો નહીં. ‘વિનાશ કાલે વિપરીત બુદ્ધિ’ એટલે વિનાશ કાળ નજીક આવે એટલે બુદ્ધિ વિપરીત બની જાય. આજના ઘણા વિપક્ષો અને મોદી વિરોધીઓને છિદ્રાન્વેષી કહી શકાય. એનો અર્થ માત્ર દોષ જ જોવો. મુણ્ડે મુણ્ડે મતિર્ભિન્ના એટલે દરેક વ્યક્તિનો અલગ મત હોઈ શકે. (આપણું સંસ્કૃત આપણી ઉદાર અને સમાવેશક વિચારસરણી બતાવે છે. એટલે જ સંસ્કૃત શીખવું જોઈએ.) વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ એટલે વજ્રથી પણ કઠોર અને ફૂલથી કોમળ. શુભસ્ય શીઘ્રમ એ ‘પડોસન’ ફિલ્મમાં બાંગડુ કિશોરકુમાર અને તેમની ટોળી દ્વારા બોલાતો સંવાદ છે તેનો અર્થ છે શુભ કાર્ય તરત કરી નાખવું જોઈએ. મહાજનો યેન ગત: પન્થા: આનો અર્થ થાય છે કે મહાપુરુષો જે માર્ગે જાય છે તે માર્ગે ચાલવું જોઈએ. સત્યમ્ બ્રુયાત્ પ્રિયમ્ બ્રુયાત્ અર્થાત્ સત્ય બોલો પણ કડવું નહીં, પ્રિય બોલો. સત્યમેવ જયતે એટલે અંતે તો સત્યનો વિજય થાય છે.

અષાઢસ્ય પ્રથમ દિવસે મહા કવિ કાલીદાસનું સ્મરણ પણ અચૂક થાય. કવિ કાલીદાસનાં ગ્રન્થોમાં શ્રૃંગાર રસ ભરપૂર હતો એટલે ઘણા કલમઘસુ વાચકોને ગલગલિયા કરાવવા રસાસ્વાદ વિકૃત રીતે કરાવે. પરંતુ કવિ કાલીદાસના જીવનની વાતો કરી તે સમયના ભારતની વાત કોઈએ પહોંચાડવાનું કષ્ટ લીધું ખરું? કારણકે એ વાતો કરે તો ભારત કેટલું આધુનિક હતું અને સ્ત્રીઓ સશક્ત જ હતી તે વાત જાણવા મળી જાય અને તો ડાબેરીઓ-લિબરલો-સેક્યુલરોનો દુષ્પ્રચાર ખુલ્લો પડી જાય.

નેચરલી, કલમઘસુની જેમ લેખકોએ પણ કવિ કાલીદાસ કરતાં તેમના સાહિત્ય પર લખવાનું વધુ પસંદ કર્યું છે. વળી, મૂર્ખતા જુઓ. તેમના પછી થયેલા અંગ્રેજી સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરનું બિરુદ તેમને આપ્યું છે. કવિ કાલીદાસને ભારતના શેક્સપિયર આવી ઉપમા મળેલી છે. થવું એ જોઈતું હતું કે વિલિયમ શેક્સપિયરને ઇંગ્લેન્ડના કાલીદાસની ઉપમા મળવી જોઈતી હતી. પરંતુ ભારત દેશની ગમે તેટલી મહાન વ્યક્તિ હોય તેને વિદેશના વ્યક્તિના માપદંડથી જોવાની કુપ્રથા આપણા દાસ મનમાં ઘર કરી ગઈ છે. કવિ કાલીદાસની જીવનગાથા ખૂબ જ સંક્ષિપ્તમાં મળે છે અને તેમના પર ફિલ્મો પણ બહુ ઓછી બની છે!

કાલીદાસ પર સૌ પ્રથમ ૧૯૨૨માં ‘કાલીદાસ’ નામથી જ મૂંગી ફિલ્મ બની હતી જેના નિર્દેશક એસ. એન. પાટનકર હતા, તેમાં બાબા વ્યાસ અને તારા કોરેગાંવકરે અભિનય કર્યો હતો. ૧૯૩૧માં તમિલ-તેલુગુ ભાષામાં એચ. એમ. રેડ્ડીએ ‘કાલીદાસ’ ફિલ્મ બનાવી હતી. એચ. એમ. રેડ્ડી એક કરતાં વધુ ભાષામાં બોલતી ફિલ્મ બનાવનાર પહેલા નિર્માતા હતા. અર્થાત્ આ એક ભાષામાં વેંકટેશન તેલુગુમાં, નાયિકા રાજલક્ષ્મી જેને દક્ષિણ ભારતની પ્રથમ નાયિકા ગણાવાય છે તેમણે તમિલમાં અને એલ. વી. પ્રસાદે હિન્દીમાં સંવાદો બોલ્યા હતા. આ એલ. વી. પ્રસાદ એટલે ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘ખિલૌના’, ‘એક દૂજે કે લિયે’, જેવી એક એકથી ચડિયાતી હિન્દી મધુર સંગીતમય ફિલ્મોનું નિર્માણ કર્યું. ૧૯૩૧વાળી ‘કાલીદાસ’ ફિલ્મ માત્ર આઠ દિવસમાં જ બની હતી. આ ફિલ્મની બીજી અનોખી વાત એ હતી કે તેમાં સ્વતંત્રતા આંદોલન અને મહાત્મા ગાંધી પર બનેલાં ગીતો પણ નાખવામાં આવ્યાં હતાં (આમ તો વિષય બહારની વસ્તુ કહેવાય, તેથી ઠૂંસવામાં આવ્યાં હતાં તેમ શબ્દપ્રયોગ કરવો જોઈએ પણ સ્વતંત્રતા આંદોલનને લગતી બાબતો હતી તેથી નાખવામાં આવ્યાં હતાં એ શબ્દપ્રયોગ કરીએ.) પરંતુ સાથે તેમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (અત્યારની સોનિયા કૉંગ્રેસ નહીં- આ કૉંગ્રેસ તો સ્વતંત્રતા માટેનું સંગઠન હતી, રાજકીય પક્ષ નહીં અને તે ડાબેરી વિચારધારાની નહોતી, સર્વ વિચારધારાના લોકો એક માત્ર સ્વતંત્રતા પ્રાપ્તિના ઉદ્દેશથી તેમાં જોડાયેલા હતા)નું પ્રચાર ગીત પણ તેમાં નખાયું હતું.

૧૯૬૦માં તેલુગુમાં ‘મહાકવિ કાલિદાસુ’ નામની ફિલ્મ અક્કિનેની નાગેશ્વર રાવને લઈને બની હતી. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર શિવાજી ગણેશનની ‘મહાકવિ કાલીદાસ’ ૧૯૬૬ની ફિલ્મ છે. તો ૧૯૮૩માં કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર ડૉ. રાજકુમારને લઈને ‘કવિરત્ન કાલીદાસ’ ફિલ્મ રિલીઝ થઈ હતી.

૧૯૫૯માં બનેલી ‘કવિ કાલીદાસ’માં ભારતભૂષણ, નિરુપા રોય, અનિતા ગુહા, ડી. કે. સપ્રૂ (તેમનાં સંતાનો એટલે ખલનાયક તરીકે આવતો અભિનેતા તેજ સપ્રૂ, ‘લાવારિસ’, ‘અવતાર’ વગેરે ફિલ્મોમાં ચમકેલી અભિનેત્રી પ્રીતિ સપ્રૂ અને અનિલ કપૂર-માધુરી દીક્ષિતના સેક્રેટરી રાકેશનાથનાં પત્ની રીમા રાકેશનાથ જે પોતે પણ ‘સૈલાબ’, ‘દિલ તેરા આશિક’, ‘આરઝૂ’ વગેરે ફિલ્મોની લેખિકા છે.) હતાં.

પંડિત સૂર્યનારાયણ વ્યાસના સમ્માનમાં બહાર પડાયેલ ટિકિટ

આ ફિલ્મને અધિકૃત (ઑથેન્ટિક) માનવી જોઈએ કારણકે તે પંડિત સૂર્યનારાયણ વ્યાસના સંશોધન પર આધારિત ફિલ્મ છે. કોણ હતા આ પંડિત સૂર્યનારાયણ વ્યાસ? પં. સૂર્યનારાયણ વ્યાસ કાલીદાસ સાહિત્યના વિદ્વાન, અભ્યાસુ અને વિચારક હતા. તેઓ હિન્દીના વ્યંગકાર, પત્રકાર, સ્વતંત્રતા સેનાની અને જ્યોતિર્વિદ હતા. તેમણે કવિ કાલિદાસ અને તેમને રાજકવિ તરીકે આશ્રય આપનાર રાજા વિક્રમાદિત્યની મહત્તા સ્થાપિત કરી. તેમણે ૧૯૨૮માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહની શરૂઆત કરી હતી. ‘વિક્રમ’ નામનું માસિક બહાર પાડતા હતા. વિક્રમ વિશ્વ વિદ્યાલય, વિક્રમ કીર્તિ મંદિર અને કાલિદાસ પરિષદના સ્થાપક હતા. તેઓ વીર સાવરકરના પુસ્તક ‘અણ્ડમાન કી ગૂંજ’થી ખૂબ પ્રભાવિત હતા.

આ ફિલ્મની કથા કવિ કાલીદાસની આત્મકથા (બાયૉપિક) છે. તેમાં બે બાબતો સ્ત્રી સશક્તિકરણની આજની મહિલાવાદીઓની બોદી વાતો (બોદી એટલા માટે કારણકે તે ભારતને ખરાબ રીતે ચિતરે છે)ને ઉઘાડી પાડે છે. પહેલી તો એ કે કવિ કાલિદાસ અને તેમની બાળપણની બહેનપણી પુષ્પાવલી વચ્ચેનો અકથ્ય પ્રેમ. પુષ્પાવલી એક માલણ હતી. આજની સ્થિતિની દૃષ્ટિએ અન્ય પછાત જાતિ- ઓબીસી. બ્રાહ્મણ કાલીદાસને તેની સાવકી મા તેની મૂર્ખતાના કારણે ગામમાંથી કાઢી મૂકે છે ત્યારે પુષ્પાવલી પણ તેની સાથે કાશી જાય છે. પુષ્પાવલી તેને અંતિમ સમય સુધી સાથ આપે છે. મૂર્ખ કાલીદાસને પંડિત બનાવવામાં તેનો અનન્ય ફાળો છે. પુષ્પાવલી અને કાલીદાસ બંને લગ્ન વગર સાથે રહે છે અને વિદ્યોત્તમા સાથે લગ્ન પછી પણ સાથે રહે છે પણ સમાજ તેનો વિરોધ કરતો હોય તેવું ફિલ્મમાં દર્શાવાયું નથી. અભિમાની વિદ્યોત્તમાનો ગર્વ ભાંગવાની અને તે કાલીદાસનાં ચરણોમાં ઝૂકે તેવી પ્રતિજ્ઞા પુષ્પાવલી કરે છે અને તેને સાર્થક કરે છે. આમ, ઊંચ-નીચ વગેરે કોઈ બાબત નથી અને સ્ત્રી-પુરુષ વાસના સિવાય સાથે રહે તો તેને ખરાબ માનવામાં આવતું નહોતું.

બીજું પાત્ર છે રાજકુમારી વિદ્યોત્તમાનું. આ વિદ્યોત્તમા ખૂબ જ વિદ્વાન છે. તેને શાસ્ત્રાર્થમાં ભલભલા પંડિત હરાવી શક્યા નહોતા. હારનાર પંડિતે રાજ્યમાં નોકર જેવું કામ કરવું પડતું. આથી એક વૃદ્ધ પંડિત તેનું અભિમાન ભાંગવા કાલીદાસને મૌન વ્રત છે તેમ કહી લાવે છે અને શાસ્ત્રાર્થ કરાવે છે. આજે હુંસાતુંસી અને અપશબ્દોવાળી ટીવી ડિબેટ થાય છે, પરંતુ પ્રાચીન ભારતમાં આદિ શંકરાચાર્ય-મણ્ડન મિશ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થતો અને તેમાં જે ખરેખર હારે તે હાર સ્વીકારતો. એ રીતે વિદ્યોત્તમા પણ મૌન કાલીદાસ સાથે મૌન શાસ્ત્રાર્થ કરે છે, જેનું અર્થઘટન વૃદ્ધ પંડિત કરે છે. વિદ્યોત્તમા હારી જાય છે. એટલે શરત પ્રમાણે, કાલીદાસનાં લગ્ન વિદ્યોત્તમા સાથે થાય છે, પણ લગ્નની પ્રથમ રાત્રિએ જ વિદ્યોત્તમાને ખબર પડે છે કે કાલીદાસ તો મહા મૂર્ખ છે. આથી તે તેને કાઢી મૂકે છે. વિચાર કરી જુઓ કે આ ભારતીય સમાજ હતો, જેમાં સ્ત્રીને ખબર પડે કે તે પતિ દ્વારા છેતરાઈ છે તો પતિને કાઢી મૂકવાની સત્તા ધરાવતી હતી. આમાં કેમ માનવું કે શ્રી રામે સીતાજીને ગર્ભાવસ્થામાં કાઢી મૂક્યાં હશે? આ બધું ક્ષેપક એટલે કે પાછળથી ઉમેરાયેલી વાતો છે. મુસ્લિમ આક્રાંતાઓના સમયમાં કદાચ ઉમેરાઈ હશે જ્યારે ખોટી પુરુષ પ્રધાનતા આવી ગઈ હતી. કાલીદાસને કાઢી મૂક્યા પછી વિદ્યોત્તમાને જાણ થાય છે કે કાલીદાસ તો મહા કવિ બની ગયા છે પણ અંત સુધી કાલીદાસના પ્રેમ માટે તડપે છે. કાલીદાસના પ્રેમમાં રાજા વિક્રમની રાજકુમારી પુત્રી પણ પડે છે પણ કાલીદાસ તેનો અસ્વીકાર કરે છે. રાજા વિક્રમને તેની ખબર પડે છે તો તેમના મનમાં કાલીદાસ પ્રત્યે પ્રેમ-સમ્માન ઓર વધી જાય છે.

રાજા વિક્રમની એક આડ વાત. આપણે અકબરના નવરત્નો વિશે નાનપણથી સાંભળ્યું છે. બીરબલ, તાનસેન, અબુલ ફઝલ, રાજા માનસિંહ, રાજા ટોડરમલ, વગેરે. પણ શું ક્યારેય રાજા વિક્રમના નવરત્ન વિશે સાંભળ્યું? નહીં ને? રાજા વિક્રમ તો અકબરનાં ઘણાં વર્ષો પહેલાં થઈ ગયા હતા. તેમના દરબારમાં નવરત્નો હતા. કાલીદાસ ઉપરાંત ધન્વંતરિ, ક્ષપનક, અમરસિંહ, શંકુ, ઘટખર્પર, વેતાલભટ્ટ, વરરુચિ અને વરાહમિહિર હતા. ધન્વંતરિ એ વૈદ્યનું બીજું નામ હતું. ક્ષપણક એ મોટા ભાગે જાસૂસના વડા હોવા જોઈએ. શંકુ શું હતા તે ચોક્કસ જાણવા નથી મળતું પણ તેઓ જ્યોતિષી હોઈ શકે. વેતાલ ભટ્ટ એ તંત્રસાધનામાં નિપુણ હતા. (વિક્રમ ઝાડ પરથી વેતાલ લાવે છે તે વેતાલ જુદો.) ઘટખર્પર કવિ કાલિદાસના સાનિધ્યથી કવિ બન્યા હતા. વરરુચિ પણ કવિ હતા. સંસ્કૃતનો સૌ પ્રથમ કોશ ‘નામલિંગાનુશાસન’ અમરસિંહે લખ્યો હતો. તે ‘અમરકોશ’ નામથી પણ પ્રસિદ્ધ છે. વરાહમિહિર પ્રખર જ્યોતિષ હતા. તેમણે જ્યોતિષશાસ્ત્ર પર અનેક ગ્રંથો પણ લખ્યા હતા.

કાલિદાસે પ્રાચીન દુષ્યંત-શકુંતલા, શ્રી રામ અને તેમના પૂર્વજોનો રઘુવંશ, શિવ-પાર્વતી પુત્રની કથા કુમારસંભવમ્ વગેરે લખી પરંતુ ‘માલવિકાગ્નિમિત્રમ્’માં શરૂઆતમાં જ તેઓ લખે છે:

पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम्।

सन्त: परीक्ष्यान्यतरद्भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥

અર્થાત્ પ્રાચીન હોય તે બધી વસ્તુઓ સારી હોય છે તેમ કહેવું ખોટું છે અને નવી વસ્તુઓ હોય એટલે ખરાબ નથી થઈ જતી. આ વાત સાંભળી ઘણા ઝૂમી ઊઠશે, પરંતુ આગળ સાંભળો. વિવેકશીલ વ્યક્તિ પોતાની બુદ્ધિથી પરીક્ષા કરીને શ્રેષ્ઠ વસ્તુઓને અંગીકાર કરે છે. જ્યારે મૂર્ખ લોકો બીજા દ્વારા જે બતાવાય તે ગ્રાહ્ય છે કે અગ્રાહ્ય તેનો નિર્ણય કરે છે. અર્થાત્ પ્રાચીન બાબતોમાં માત્ર શ્રૃંગાર, સ્ખલનો વગેરેને દર્શાવતા લોકોની વાતો માની ન લેવી. પોતાની બુદ્ધિથી ભેદ કરવો.

કાલિદાસના સાહિત્યમાં સ્ત્રી-પુરુષ એકબીજા સાથે સમય ગાળતા હતા જે પ્રેમ તરફ લઈ જાય. આજની ભાષામાં કાચી રીતે ડેટિંગ કહી શકાય. ડેટિંગ તેના માટે પર્ફેક્ટ શબ્દ નથી. કન્યાઓ પુરુષોને પસંદ કરતી હતી તે તો ‘રામાયણ’ કાળમાં પણ આપણે જોયું હતું તો કાલિદાસના સાહિત્યમાં તે જોવા મળે તેમાં કોઈ નવાઈ નથી. ‘માલવિકાગ્નિમિત્રમ્’ નામના કાલિદાસના સંસ્કૃત નાટકમાં અગ્નિમિત્ર રાજા માલવિકાનું ચિત્ર જોઈ તેની પસંદ કરે છે. છેલ્લાં અનેક વર્ષથી યુવક-યુવતીને પસંદ કરવામાં પહેલું પગથિયું તસવીર જોવાનું છે. પરંતુ તે સમયે ચિત્ર જોઈને યુવક-યુવતી એકબીજાની પસંદ કરતા હતા! જોકે આ નવાઈની વાત એટલા માટે નથી કે ભગવાન શ્રી કૃષ્ણ જેમણે પોતે પ્રેમવિવાહ કર્યા હતા તેમના પૌત્ર અનિરુદ્ધનું ચિત્ર ઉષાના કહેવાથી તેની સખી ચિત્રલેખાએ દોર્યું હતું. એટલું જ નહીં, ચિત્રલેખાએ યોગબળથી બીજા કોઈનું નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ઊંઘમાં સૂતો હતો ત્યારે અપહરણ કરે છે! ઉષા અને અનિરુદ્ધનાં ગાંધર્વ લગ્ન થાય છે. આવી સ્ત્રીસ્વતંત્રતા હતી! ગુજરાતીમાં આ આખ્યાન ઓખાહરણ તરીકે પ્રસિદ્ધ છે. ચૈત્ર મહિનામાં આ ઓખાહરણની કથા સાંભળવાનો મહિમા છે. (પણ આઆપના ગોપાલ ઇટાલિયા, આરજે લોકો, કલમઘસુઓ, ફિલ્મ કલાકારો જેવા લોકો આ સંસ્કૃતિ નષ્ટ કરવા પર મથ્યા છે. જે સંસ્કૃતિ આજે પણ ઍડવાન્સ લાગે તેને મંદિરો, કથાકારો, બ્રાહ્મણો, પરંપરાઓના વિરોધના નામે- પ્રાચીનતાના નામે ભૂંસી દેવાનું એક આયોજનબદ્ધ ષડયંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. ગોપાલ તો આવા લેખકો-આરજે, ફિલ્મ કલાકારોના વિચારોમાંથી ઉત્પન્ન બીજ છે. આપણે તેનો હલ કરવો હોય તો મૂળ તરફ જોવું જોઈએ.)

કવિ કાલીદાસની વાત પર પાછા ફરીએ. કાલીદાસના સાહિત્ય ખાસ કરીને ‘મેઘદૂતમ્’માં ભારતનું વર્ણન મળે છે. ‘મેઘદૂતમ્’ બે ખંડમાં છે- પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ. પૂર્વ મેઘમાં યક્ષ વાદળને રામગિરીથી અલકાપુરી સુધીના રસ્તાનું વિવરણ આપે છે, તેમાં ભારતનું વર્ણન આવી જાય છે. તેમાં યક્ષને શાપ મળતાં તે જે પર્વત પર નિવાસ કરે છે તે રામગિરિ પર્વત આજનો રામટેક છે. જે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આવેલું નગર છે. રામગિરિથી કૈલાસ પર્વત પર યક્ષાધિપતિ કુબેરની રાજધાની અલકાપુરીમાં તેની પ્રિયતમા યક્ષિણી છે તેને સંદેશ આપવા મેઘે એટલે વાદળે જવાનું છે. તેના માર્ગમાં ઊંચા-ઊંચા પર્વતો આવે છે. માર્ગમાં મેઘને મળે છે ગામોની સરળ સ્ત્રીઓ. તેઓ મેઘને સ્નેહપૂર્ણ દૃષ્ટિથી જુએ છે કારણકે કૃષિ તો મેઘથી જ થાય. તે પછી મધ્ય પ્રદેશ-બુંદેલખંડનું માલ અથવા માલવા ક્ષેત્ર આવે છે જેમાં ખેડાયેલી ખેતીમાંથી આવતી સુગંધને લઈને મેઘ આગળ વધે છે.

તેનાથી આગળ મળે છે આમ્રકૂટ (અમરકંટક) પર્વત. તે આમ્રવૃક્ષોથી લદાયેલો છે. તેની આગળ મેઘને મળે છે રેવા (નર્મદા). તેનાથી આગળ આવે છે વિદિશા જે ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ સમાચારપત્ર શરૂ કરનાર રામનાથ ગોએન્કા, પૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને પૂર્વ વિદેશ પ્રધાન સ્વ. સુષમા સ્વરાજનો સંસદીય મત વિસ્તાર રહી ચૂક્યો છે. તે પછી માર્ગમાં આવે છે વેત્રવતી અથવા બેતવા નદી જે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વહે છે. તે યમુના નદીની ઉપનદી છે. તે પછી નીચગિરિ પર્વત આવે છે જે સંભવત: મધ્ય પ્રદેશમાં સાંચીના સ્તૂપ છે. ત્યાં અનેક બૌદ્ધ સ્મારક છે. નીચગિરિથી પશ્ચિમ તરફ જઈને મેઘને ઉજ્જયિની (વર્તમાન ઉજ્જૈન) જવાનું છે. ત્યાંથી આગળ મળે છે નિર્વિન્ધ્યા નદી. તે પછી કાલીસિન્ધ નદી મળે છે. અહીંથી પ્રારંભ થાય છે અવન્તિ જનપદ (રાજ્ય). તે અતિ સમૃદ્ધ અને ધનધાન્યથી ભરપૂર હતું. ત્યાં સિપ્રા નદી વહે છે. મેઘ મહાકાલધામ પણ જાય છે. મહાકાલની સંધ્યા આરતી કરે છે. ત્યાંથી મેઘ આગળ વધે છે અને તેને ગંભીરા નદી મળે છે. તે પછી દેવગિરિ પહાડનું વર્ણન આવે છે. ત્યાંથી આગળ આવે છે ચર્મણ્વતી (ડાકુઓના વિસ્તાર તરીકે કુખ્યાત ચમ્બલ). ત્યાંથી આગળ દશપુર (મંદસૌર) આવે છે. અને બ્રહ્માવર્ત નામનું જનપદ શરૂ થાય છે.

તે પછી મેઘ પહોંચે છે યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર (હરિયાણા). અહીં સરસ્વતી વહેતી હતી તેવું વર્ણન પણ કાલીદાસ કરે છે. ત્યાંથી આગળ વધી મેઘને કનખલ (ઉત્તરાખંડ) જવાનું છે. જ્યાં પુણ્ય સલિલા ગંગા વહે છે. ત્યાંથી તે આગળ વધે છે ગંગાના ઉદ્ગમ સ્થાન હિમાલય તરફ. ત્યાંથી તે પરશુરામની કીર્તિનો માર્ગ ક્રૌંચ રન્ધ્ર. તેને હંસદ્વાર પણ કહે છે. ત્યાં હંસ આવ-જા કરે છે. ત્યાંથી ઉપર મેઘ ભગવાન શિવના ધામ કૈલાસ પહોંચે છે અને યક્ષિણીને સંદેશ આપે છે.

આ મેઘદૂત કાવ્યે અનેક કાવ્યો અને ગીતોને જન્મ આપ્યા છે. ‘પ્યાસા સાવન’નું પ્રસિદ્ધ ગીત ‘મેઘા રે મેઘા રે’ સંભવત: આ મેઘદૂતની જ પ્રેરણાથી લખાયું હશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment