Home » જેટલી: ફિલ્મના હીરોના અતૂટ મિત્ર જેવા

જેટલી: ફિલ્મના હીરોના અતૂટ મિત્ર જેવા

by Jaywant Pandya

ભાજપ હિન્દી પટ્ટાનો અને હિન્દી ભાષીઓનો અને સ્વદેશી (એલાઇટ માટે ગમાર) સંસ્કૃતિમાં માનનારાઓનો પક્ષ ગણાતો ત્યારે એક એવી વ્યક્તિની જરૂર હતી જે અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી હોય, સંઘમાંથી આવતા હોઈ મોટા ભાગના નેતાઓ ચોળાયેલા કોટન કે ખાદીના ઝભ્ભા-લેંઘામાં દેખાતા હોય ત્યારે એલાઇટને આકર્ષે તેવી કોટ-પેન્ટની વેશભૂષામાં હોય પણ વિચારધારાથી શુદ્ધ હિન્દુત્વને વરેલા હોય.

સંઘ પહેલેથી પ્રસિદ્ધિ પરાઙમુખતામાંથી માને અને લુટિયન મિડિયાનો દોરદમામ એટલે તર્ક આપે પણ ઘણી વાર તેમની જાળમાં ફસાઈ જાય અને ક્યારેક ઉગ્ર બની બફાટ કરી બેસે. અડવાણીજી અંગ્રેજી સારું જાણે પણ તેઓ મુખ્ય ચહેરો હોવાથી પહેલેથી તેમને કટ્ટર હિન્દુ તરીકે વિલન ચિતરી દેવાયેલા.

આવી સ્થિતિમાં અરુણ જેટલીનો ઉદય રાષ્ટ્રીય ફલક પર ભાજપ માટે ખૂબ જ ફાયદારૂપ નિવડ્યો. એનડીટીવી, આજતક બંને તે વખતે સેક્યુલર. ડિબેટમાં પ્રમેય પહેલેથી નક્કી જ હોય કે શું સાબિત કરવાનું હોય. ભાજપના પ્રવક્તા ઉશ્કેરાય તેવા (અને ઘણી વાર એન્કરની પિન એક જ મુદ્દે ચોંટી ગઈ હોય) સવાલો પૂછવાના, જવાબ આપે અને તે પોતાની વાત તર્કરૂપ મૂકી પોતાનો મુદ્દો સાચો ઠરાવતો લાગે તો વચ્ચેથી જ પેટા પ્રશ્ન કે બીજા પેનલિસ્ટને પૂછી લેવાનું.

ઇન્ટરવ્યૂમાં પણ આ જ યુક્તિ અજમાવાય. જેમાં નરેન્દ્ર મોદી (કરણ થાપર, વિજય ત્રિવેદી) પણ ફસાઈ ગયેલા.

આવી સ્થિતિમાં મગજ શાંત રાખી તેમને તર્કથી જવાબ આપવા. અરુણ જેટલીએ આ રીતે ઘણા અંગ્રેજી ભાષી કથિત એલાઇટને ભાજપ તરફે વાળ્યા. વાતોના શોખીન અને મિત્ર બનાવવાની કુશળતા હોવાથી અનેક ‘ડિઝાઇનર’ પત્રકારોને દુશ્મનોના બદલે મિત્ર બનાવ્યા. તેનાથી આ પત્રકારો કંઈ સુધર્યા નહીં પણ સાવ ઉલટી જ સ્થિતિ રજૂ થતી તેમાં કંઈક ફેર પડ્યો.

જેટલી સુષમા જેટલા જ વિદ્વાન એટલે બંને વચ્ચે સ્પર્ધા રહી. પરંતુ તે તંદુરસ્ત રહી. જોકે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ક્ષમતા બહુ પહેલાં ઓળખી લીધી અને રમખાણો સહિત અનેક કેસોમાં મોદી-શાહને મદદ તો કરી જ પણ જ્યારે એક તબક્કે મોદીનો સાથ ભાજપના દિગ્ગજોએ છોડી દીધેલો ત્યારે તેમની બાજુમાં ઊભા રહ્યા.

તેઓ કેવા હતા? હિન્દી ફિલ્મોમાં હીરોનો મિત્ર હોય છે જેને ઘણીવાર કોમેડિયન બતાવાય છે પણ હીરો જ્યારે ફસાય ત્યારે તેને પોતાના જીવના જોખમે પણ બચાવે. હીરોના પિતા, હિરોઇન કે હિરોઇનના પિતા હીરો પ્રત્યે શંકા ધરાવતા હોય, કે તેઓ કોઈ વાતે હીરોથી દુ:ખી હોય, હીરોનો મિત્ર ત્યાં પહોંચી જાય અને એવું જબરદસ્ત ભાષણ આપે કે તેઓ ફરી હીરોમાં વિશ્વાસ ધરાવતા થઈ જાય. હીરો ગુંડાના અડ્ડામાં બંધાયો હોય ત્યારે તે પહોંચી દોરડું ખોલી છોડાવે અને પછી અંતમાં હીરો ધબધબાટી બોલાવે ને દર્શકોની તાળીઓ ઉઘરાવી જાય. આ મિત્રનું પાત્ર ભજવનાર ક્યારેય હીરો તરીકે ન ચાલે. જેટલીજીમાં કોમેડિયન સિવાય બધા ગુણ હતા હીરોના સાથીદારના. અટલ સરકાર હોય કે મોદી સરકાર, આ બંને સરકારોમાં તેમણે આ ભૂમિકા ભજવી.

લોકો નાની મદદ કરીને પછી ગા-ગા કરતા હોય ને નાની મદદના બદલામાં મોટા ફાયદા મેળવી જતા હોય છે પણ જેટલીજીના મોઢે તેમણે દિગ્ગજ નેતાઓ માટે ભજવેલી સંકટમોચકની ભૂમિકાનો અહંકારસભર તો શું, નમ્રતાસભર ઉલ્લેખ પણ ન થતો. હા, ગત મોદી સરકારમાં આર્થિક મોરચે જીએસટી માટે જશ મોદીજીને મળ્યો. પણ તેના અમલમાં તકલીફો માટે અપયશ જેટલીજીને ભાજપ સમર્થકોએ જ આપ્યો. તેઓ કહેતા, “જેટલી મોદીને હરાવશે.” આવું નોટબંધી વખતે પણ થયું. પરંતુ જેટલીજીએ નોટબંધી વખતે પણ મિડિયાનો સામનો હિંમતસભર કરેલો…એટલે સુધી કે તે વખતે ભાજપ તરફી મનાતી ચેનલ ઇન્ડિયા ટીવીના વડા અને જેટલીજીના જૂના ગાઢ મિત્ર રજત શર્માએ બહુ જ આકરા સવાલો પૂછેલા. સામાન્ય રીતે લિબરલો તો આવા સવાલો પૂછે જ તેવી પહેલેથી માનસિકતા હોય પણ મિત્ર તરફથી આવા બાઉન્સર આવશે તેવી કલ્પના પણ ક્યાંથી હોય! એટલે એ વખતે સામાન્ય રીતે શાંત લાગતા જેટલી અકળાઈને ઇન્જર્ડ થઈ ગયેલા છતાં બેટિંગ છોડી નહોતી.

બેટિંગ તો તેમણે છેલ્લે અમેરિકામાં સારવાર દરમિયાન પણ નહોતી છોડી. એટલે તો રાફેલ હોય કે અન્ય કોઈ મુદ્દો, ત્યાંથી હૉસ્પિટલના બિછાનેથી બ્લૉગ લખી ભાજપ તરફેણમાં વાતાવરણ ઊભું રાખતા. તેઓ હતા તો નાણા પ્રધાન, પણ સંરક્ષણ હોય કે અન્ય કોઈ મુદ્દો, સરકારના પ્રવક્તા તરીકે તેઓ અગ્રેસર જ હોય, પણ પોતાની તબિયત સાથ નહીં આપે તેમ લાગતાં તેમણે સુષમાજીની જેમ જ દાવ ડિક્લેર કરી દીધો. નવી સરકારમાં જવાબદારી સ્વીકારવા ના પાડી દીધી. આજીવન જે મુદ્દાઓ માટે લડ્યા, સંઘર્ષ કર્યો તેમાંથી એક કલમ ૩૭૦ દૂર થઈ તો કેટલો આનંદ એ જીવને થયો હશે! પણ એ જીવનો દેહાંત આવી પીડા સાથે થાય તે ચોક્કસ દુ:ખદ છે. પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ આપે!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

H. P. Bhatt 26/08/2019 - 4:27 PM

બ્લોગ બદલ ખૂબ ખૂબ આભાર..

Reply
Kamlesh joshipura 26/08/2019 - 6:01 PM

Nicely articulated article…from

Reply

Leave a Comment