Home » શું સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને કેટ વિન્સ્લેટ પણ ઠાકોર સમાજ જેવી માનસિકતા ધરાવે છે?

શું સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને કેટ વિન્સ્લેટ પણ ઠાકોર સમાજ જેવી માનસિકતા ધરાવે છે?

by Jaywant Pandya

દૂધપીતી કરવાની નવઘણ ઠાકોરની પૉસ્ટ તદ્દન વાહિયાત છે. પરંતુ ફૉનની વાત છે ત્યાં સુધી જે રીતે ગુજરાતી ટીવી ચેનલો પર ઠાકોર સમાજના નેતાઓ (ઠાકોર સમાજે પોતાની દીકરીઓ પર ફૉન વાપરવા સામે પ્રતિબંધ મૂક્યો છે)ને ઘેરવામાં આવી રહ્યા છે અને તેમને બિચારાને પોતાની વાત તર્કબદ્ધ મૂકતા નથી આવડતું. એક વાત સાચી કે દીકરીઓ પર જ શું કામ? આવો પ્રતિબંધ તો સગીર વયના દીકરાઓ પર પણ મૂકવો જોઈએ.

પરંતુ આ કહેવાતા ભણેલા લોકો એ નથી સમજતા કે  જ્યારે અસંયમી, મુગ્ધ અને ભોળાં બાળકો-કિશોરો-તરુણ લોકોના હાથમાં જાય ત્યારે ટૅક્નૉલૉજી આશીર્વાદના બદલે અભિશાપ સાબિત થાય છે. ગેસનો અગ્નિ હોય કે શાક સુધારવાની છરી, કે પછી વાહન ચલાવવાની પરવાનગી, દરેક માટે એક ઉંમર આપણે નક્કી કરી છે. આપણે બાળકોને વાહન ચલાવવા માટે ૧૮ પહેલાં છૂટ નથી આપતા. તો પછી ટૅક્નૉલૉજી પણ બેધારું હથિયાર જ છે.

માબાપને જાણ પણ ન હોય અને ફેસબુક, વૉટ્સએપ, ટિકટોક, સૉશિયલ મિડિયા વગેરેના માધ્યમથી બાળકો કેટલી હદ સુધી આગળ વધી જતા હોય છે તે સામાજિક નિસબત ન ધરાવનારાઓ ન સમજી શકે. આજના ભણેલાગણેલા, ટૅક્નૉલૉજીથી જાણકાર માબાપ કરતાંય તેમનાં સંતાનો બે ડગલાં આગળ હોય ત્યારે અભણ અથવા ઓછું ભણેલાં માબાપનાં સંતાનોના હાથમાં આવો ફૉન આવી જાય ત્યારે તેનો ઉપયોગ યૂ ટ્યૂબ પર શિક્ષણ, કારકિર્દી, વિજ્ઞાનના પ્રયોગો જોવાના બદલે ટિકટૉકના વિડિયો બનાવવા અને જોવામાં થતા હોય છે. માબાપ ગમે તેવા સંસ્કાર આપે તો પણ આ લપસણાં માધ્યમો બાળકોને લપસાવી દે છે. શું સ્માર્ટ ફૉન શોધનાર સ્ટીવ જૉબ્સ અને માઇક્રૉસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કે ‘ટાઇટેનિક’ ફેમ અભિનેત્રી કેટ વિન્સ્લેટ પોતાનાં બાળકોને સ્માર્ટ ફૉનથી વેગળાં રાખે તો તેઓ પણ આ ઠાકોર સમાજ જેવા પછાત છે?

એક સંશોધન મુજબ, આઠમા ધોરણમાં ભણતું બાળક જ્યારે વારંવાર સૉશિયલ મિડિયા વાપરે ત્યારે તે ડિપ્રેશનમાં આવે તેનુ્ં જોખમ ૨૭ ટકા વધી જતું હોય છે. બાળકો જો ત્રણ કલાકથી વધુ ફૉન વાપરે તો તે આત્મઘાતી બની જવાની પૂરી શક્યતા છે. પરંતુ અંતર્સૂજથી ઠાકોર સમાજ આ નિર્ણય લે ત્યારે તેના નેતાઓ પાસે આવી દલીલ અને સંશોધન હોતું નથી. તેથી તેઓ ટીવી ચર્ચામાં એકલા પડી જાય છે અને જાણે દીકરીઓની સ્વતંત્રતા છિનવી લેવાય તેવું ચિત્ર ઉપસે છે. આપણને વિદેશી ટૅક્નૉલૉજી મળી ગઈ પરંતુ તેનો ઉપયોગ કેમ કરવો તે આપણને આવડતું નથી. મોટા ભાગના લોકો મનોરંજન અને તે પણ સસ્તું-હલકા પ્રકારનું મેળવવા કરવા લાગે તે શક્યતા વધુ છે. તમે વૉટ્સએપ, ટિક ટૉક કે યૂ ટ્યૂબ પર ભારતીયોના વિડિયો જોજો.

ટિક ટૉક પર અભદ્રતા, ગાળો સાથે છોકરી-છોકરાઓ વિડિયો મૂકે છે તેમાં શરૂઆત કંઈ સાચા વિડિયોથી નહીં થઈ હોય. કોઈ ભાડૂતી કલાકારને રાખીને વિડિયો બનાવાયો હશે. તેને જોઈને કોઈ છોકરીને કે છોકરાને લાગે કે લે, આપણે પણ આવું કરી શકીએ હોં. આમાં તો પૈસા મળે અને આપણને ક્યાં આપણાં માબાપ જોવાના છે? પરંતુ જ્યારે માબાપ સુધી આવો વિડિયો પહોંચે ત્યારે તેના પર શું વિતે તે આ ચર્ચા કરનારાઓ સમજી શકે? અને માનો કે ન પહોંચે તો પણ આ પ્રકારે એક વાર બાળકો ચાલી નીકળે ત્યારે તેઓ શિક્ષણ પાછળ કેટલો સમય આપશે?

આજે ઘણા એવા ટૉપર જોવા મળશે જેઓ તેમની સફળતાનાં કારણોમાં તેઓ સૉશિયલ મિડિયાથી દૂર હોવાનું કહેતા હોય છે.

તો શું આવા ટૉપર પણ ૧૮મી સદીની પછાત માનસિકતાના થયા? ગુજરાતના મિડિયાનો એક વર્ગ કેમ આ વિચારી શકતો નથી? ઠાકોર સમાજનો આ નિર્ણય ખાપ પંચાયત જેવો નથી. હા, તેમાં માત્ર દીકરીઓ પર પ્રતિબંધ મૂકાયો છે તે દુઃખની વાત છે. દીકરાઓને પણ સ્માર્ટ ફૉનની ટૅક્નૉલૉજીથી દૂર રાખવા જરૂરી છે.

કોઈ પણ સાઇકિયાટ્રિસ્ટને પૂછશો તો કહેશે કે હવે ટીનેજરોમાં ડિપ્રેશન, આત્મઘાતી વિચારો, આપઘાતના બનાવો વધ્યા છે અને તેમાં સૉશિયલ મિડિયા, સ્માર્ટ ફૉન, પબ્જી-બ્લુ વ્હેલ-પૉકેમોન જેવી રમતો જવાબદાર છે. આપણા સાઇકિયાટ્રિસ્ટનું  ન માનો તો, પશ્ચિમનાં સંશોધનોનું તો માનશો ને? અમેરિકાની ડિએગો યુનિવર્સિટીના જ્વિન ટ્વેન્ગે, ફ્લૉરિડા યુનિવર્સિટીના થોમસ જૉઇનર અને ફ્લૉરિડા યુનિવર્સિટીના જ મેગન એલ. રૉજર્સનો એક અભ્યાસ છે જે અહીં વાંચી શકાય છે.

આ અભ્યાસ મુજબ, અમેરિકાના આઠ ધોરણથી બાર ધોરણ સુધીના અંદાજે પાંચ લાખથી વધુ કિશોર-કિશોરીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તો તેમાં એવું તારણ નીકળ્યું છે કે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫  દરમિયાન ૧૩થી ૧૮ વર્ષનાં કિશોરો (કિશોરીઓ પણ તેની અંદર આવી ગઈ)માં અવસાદ (ડિપ્રેશન)નાં લક્ષણો, આપઘાત સંબંધી પરિણામો અને આપઘાતના દરમાં વધારો થયો હતો. ખાસ કરીને દીકરીઓમાં. હવે જો પશ્ચિમનો અભ્યાસ આવું કહેતો હોય અને તેમાંય દીકરીઓમાં આ પ્રકારની ટૅન્ડન્સી વધી હોય તો દીકરીઓને અને દીકરાઓને સ્માર્ટ ફૉનથી દૂર રાખવા જોઈએ કે નહીં? દીકરી અને એટલે સ્ત્રી હૃદયથી સંવેદનશીલ હોય છે. તેના પર પ્રેમ હોય કે ક્રૂર ઘટનાની સૌથી વધુ અસર થાય છે. અને રખે માનતા કે સૉશિયલ મિડિયા પર માત્ર સેક્સનું જ પ્રદર્શન થાય છે. કેટલાક વિડિયો તો આઈએસઆઈએસના ત્રાસવાદીઓ દ્વારા આદેશ ન માનનાર સ્ત્રીનું માથું કાપી નાખવાના કે પછી ગાયની હત્યાના કે પછી અન્ય આવી હિંસાના વહેતા કરાય છે, કેટલાક ટ્રાફિક નિયમો ન પાળનાર વાહન ચાલકોના હોય છે જેમાં પૂરપાટ કારની નીચે બાળક આવી ગયું તેવું બતાવવામાં આવે છે. આવા વિડિયોની શું કુમળા માનસ પર નકારાત્મક અસર ન થાય?

ઉપરોક્ત અભ્યાસ મુજબ, જે કિશોર-કિશોરીઓ નવા મિડિયા (એટલે કે સૉશિયલ મિડિયા અને સ્માર્ટ ફૉન જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ) પર વધુ સમય ગાળે છે તેમને માનસિક આરોગ્યની સમસ્યાઓ થવાની વધુ સંભાવના હોય છે. જે કિશોર-કિશોરીઓ નોન સ્ક્રીન પ્રવૃત્તિઓ એટલે કે વ્યક્તિઓને મળવું-વાતચીત કરવી, રમત રમવી, કસરત કરવી, હૉમ વર્ક કરવું, પુસ્તકો વાંચવાં, સમાચારપત્રો વાંચવા, અને યસ, ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો કરે છે તેમને આવી સમસ્યા થવાની ઓછી સંભાવના છે. આ અભ્યાસ તો એવું કહે છે કે સ્માર્ટ ફૉનનો ભૂરો પ્રકાશ આપણને આંધળા કરી શકે છે. શું આ કહેવાતા ભણેલા લોકો જે ગુજરાતી ટીવી પર ચર્ચા કરે છે તેઓ ઈચ્છે છે કે ગુજરાતનાં બાળકો ફૉનના પ્રકાશથી આંખનું તેજ ગુમાવે?

જો બાળક સૉશિયલ મિડિયાથી દૂર રહેવામાં માને જ નહીં, સ્કૂલ પણ આજકાલ વૉટ્સએપ પર જ સૂચનાઓ મોકલે છે, તો માતાપિતા કમ્પ્યૂટર પર પોતાની હાજરીમાં સૉશિયલ મિડિયા દેખાડી શકે છે, વેબવૉટ્સએપ દ્વારા વૉટ્સએપ પર સારા વિડિયો પણ દેખાડી શકે છે. કમ્પ્યૂટર પર નિયંત્રિત સમયમાં ગેમ રમવા આપી શકે છે. પરંતુ જ્યારે પોતાનો ફૉન મળે છે ત્યારે પાંચ-છ વર્ષનું બાળક પણ ગૂગલ પ્લે સ્ટૉરમાંથી ઍપ ડાઉનલૉડ કરતા શીખી જાય છે. અને જ્યારે થોડું મોટું થાય ત્યારે માબાપ ના પાડે તો ગેમ કે અન્ય ઍપ ઇન્સ્ટૉલ કરી રમી અનઇન્સ્ટૉલ કરી દે છે. પોતાના ફૉનમાં ભેદી પાસવર્ડ રાખે છે અને જો માબાપ તે ફૉનમાં શું કરે છે તે જોવા જાય તો તેને લાગે છે કે તેનાં માબાપ તેના પર શંકા કરે છે, જાસૂસી કરે છે.

આજે સ્નેપ ચેટ, ટિન્ડર વગેરે અનેક ઍપ દ્વારા ખાસ કરીને દીકરીઓને ભોળવી હિન્દુ નામ રાખી લગ્ન કરી પછી તરછોડી દેવાના લવ જિહાદના કિસ્સા બની રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક માબાપને દીકરીઓની વધુ ચિંતા રહેવાની અને જ્યારે દીકરી કે દીકરો ગૂમ થઈ જાય ત્યારે પોલીસ પણ કશું કરી શકતી નથી. આ અહેવાલ પ્રમાણે, ભારતમાં દરરોજ ૧૭૪ બાળકો ગૂમ થાય છે. તેમાં ફૉન પણ એક કારણ છે જ.

આજે માત્ર દીકરી માટે જ નહીં, દીકરા માટે પણ સ્માર્ટ ફૉન અને સૉશિયલ મિડિયા ચિંતાનું કારણ છે. ગૂગલમાં જ્યારે તમે Se ટાઇપ કરો ત્યારે આલ્ગૉરિધમ પ્રમાણે તેમાં ઑટોસજેશનમાં Sex પણ આવવાની શક્યતા હોય, યૂ ટ્યૂબ પર ઑટો સજેશનમાં સી ગ્રેડની ફિલ્મો જેવી શૉર્ટ ફિલ્મો પણ આવતી હોય ત્યારે માબાપ ગમે તેવા સંસ્કાર આપે તો પણ દીકરો પણ લપસી પડે તેવી શક્યતા રહેલી હોય છે. આમાં ભણતરને તો અસર થાય જ, સાથે સેક્સ અને હિંસાના બનાવોમાં પણ વધારો થવાની સંભાવના હોય છે. અને જ્યારે આ વધારો થાય ત્યારે આ જ મિડિયાનો એક વર્ગ સરકારને પ્રશ્ન પૂછશે કે ગાંધીના ગુજરાતમાં આવું કેમ થઈ રહ્યું છે?

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment