Home » દેશની સમસ્યા ‘આંદોલનજીવી’, ઉકેલ ‘પ્રેમ ગ્રંથ’

દેશની સમસ્યા ‘આંદોલનજીવી’, ઉકેલ ‘પ્રેમ ગ્રંથ’

by Jaywant Pandya

 

સબ હેડિંગ: રાજીવ કપૂરે ‘પ્રેમ ગ્રંથ’ ફિલ્મનું નિર્દેશન કરી પિતાની ઝલક દર્શાવી હતી. આ ફિલ્મમાં ફેમિનિઝમ અને દલિતોના મુદ્દા સુંદર રીતે દર્શાવાયા હતા. જેને ‘આંદોલનજીવીઓ’ વકરાવવા પ્રયાસ કરતા રહે છે. વડા પ્રધાન મોદીએ ઊછાળેલા આ શબ્દથી આજકાલ દેશમાં ખળભળાટ મચ્યો છે…

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૨/૨૦૨૧)

મંગળવારે (૯ ફેબ્રુઆરીએ) અભિનેતા-નિર્દેશક રાજીવ કપૂરનું નિધન થયું. જે લોકો સિનેમાને બહુ જાણતા નથી, અથવા ઉપરછલ્લો રસ લે છે, અથવા નવી પેઢી છે તેમના માટે રાજીવ કપૂર એટલે રાજ કપૂર પરિવારના ત્રીજા અને સૌથી નાના પુત્ર. રાજ કપૂર પરિવારને એક જ વર્ષ આસપાસના ટૂંકા સમયગાળામાં આ ત્રીજો શોક આવ્યો! પહેલાં દીકરી રિતુ નંદા ગયાં, તે પછી ઋષિ અને હવે રાજીવ કપૂર!

પરંતુ શું રાજીવ કપૂરની ઓળખ માત્ર રાજ કપૂર પરિવારના ત્રીજા પુત્ર તરીકે જ છે? ના. ‘એક જાન હૈ હમ’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘લાવા’ વગેરે ફિલ્મોના સારા અભિનેતા તરીકે પણ છે, એ વાત અલગ રહી કે વચેટ ઋષિની સફળતામાં રાજીવની અભિનયપ્રતિભા દબાઈ ગઈ, વળી રાજીવે કરેલી ફિલ્મો પણ સફળ ક્યાં રહી હતી? બાકી, રાજીવની શરૂઆત સાથે તેને રાજ કપૂરના પુત્ર કરતાં શમ્મી કપૂરના ભત્રીજા તરીકે વધુ ઓળખ મળી હતી…

રાજીવ કપૂર પણ કપૂર પરિવારનું ઍક્સ્ટેન્શન એ રીતે હતા કે તેઓ પણ રોમેન્ટિક હીરો રહ્યા. તેમણે પ્રેમ કથાવાળી ફિલ્મો કરી. અલબત્ત, તેમાં ‘ઝલઝલા’ અને ‘નાગ નાગિન’ જેવી ફિલ્મો પણ હતી જેમાં પ્રેમ કથા નહોતી. પણ ‘એક જાન હૈ હમ’માં દિવ્યા રાણા સાથે તેમની જોડી લોકોને ખૂબ પસંદ પડી. ૮૦-૯૦ના એ દાયકામાં વિવિધ ભારતી મુંબઈ પર તો બપોરે ૧૧ વાગ્યા પછી આવતા ગીતોમાં ‘યાદ તેરી આયેગી’ અચૂક સાંભળવા મળતું. અનુ મલિકે પણ આ ફિલ્મમાં કેવાં-કેવાં હિટ ગીતો આપ્યાં હતાં? ‘દિલ ચાહે આસમાં પે લિખ દૂં નામ તેરા’, ‘દિલ લગાના તુમ ક્યા જાનો’ અને દર્દવાળું વધુ એક ગીત ‘દિલ દિલ હૈ કોઈ શીશા તો નહીં’. છોકરાંઓ એ વખતે ‘દિલ લગાના તુમ ક્યા જાનો’માં ‘તારા પાપા ચિકરરિકા’ના બદલે ‘તારા બાપા ચીકણા ચીકણા’ ગોઠવી દઈ ગાતાં!

જો વિવિધ ભારતી મુંબઈ પર રાજીવ કપૂરનું

’યાદ તેરી આયેગી’ ગીત અચૂક આવતું તો દૂરદર્શન પર આવતા ચિત્રહાર અને છાયાગીત કાર્યક્રમમાં તેનું ‘જબ ચાહા યારા તુમને આંખોં સે મારા તુમને’, એ ‘જબરદસ્ત’ ફિલ્મનું ગીત પણ અચૂક આવતું. સંજીવકુમાર, અમરીશ પુરી, સન્ની દેઓલ, જયા પ્રદા, રતિ અગ્નિહોત્રી, રાજીવ કપૂર જેવા જબરદસ્ત કલાકારો, નાસીર હુસૈન જેવા ‘તુમસા નહીં દેખા’, ‘દિલ દે કે દેખો’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’થી માંડી ‘ઝમાને કો દિખાના હૈ’ (અને પછીથી ‘કયામત સે કયામત તક’ના પણ નિર્માતા) સુધી મ્યુઝિકલ થ્રિલર ફિલ્મોના જબરદસ્ત નિર્માતા-નિર્દેશક અને આર. ડી. બર્મન જેવા જબરદસ્ત હિટ સંગીતકાર! અને છતાં વધુ પડતી ખેંચાયેલી નબળી ફિલ્મ કથાના કારણે ફિલ્મ જબરદસ્ત નિષ્ફળ રહી!

‘લાવા’ પણ ભલે નિષ્ફળ ગઈ પણ તેનાં આર.ડી. બર્મને કમ્પૉઝ કરેલાં ગીતો તો યાદગાર હતાં. ‘હમ તુમ દોનોં મિલ કે દિલ કે ગીત બનાયેંગે’ જેવું રોમેન્ટિક ગીત હોય કે ‘દિલ ક્યા હૈ એક શીશા હૈ’ જેવું જમાના સામે વિદ્રોહ કરીને પ્રેમનો સ્વીકાર કરતું ગીત હોય કે ‘કુછ લોગ મોહબ્બત કર કે હો જાતે હૈ બરબાદ’ જેવું ઉદાસીનું ગીત હોય. આ ફિલ્મની એક નોંધનીય બાબત એ પણ છે કે આ ફિલ્મમાં ‘પ્યાર તો હોના હી થા’, ‘નૉ એન્ટ્રી’, ‘વેલકમ’ ફેમ નિર્દેશક અનીસ બઝ્મી સહાયક નિર્દેશક હતા! ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાન-ભાગ્યશ્રીની અંતાક્ષરી જેટલી લોકપ્રિય થઈ તેટલી ‘લવર બોય’ની ન થઈ, પણ બપ્પી લહરીનાં હિટ ગીતો તેમાં જરૂર એક સાથે મળી જાય. રાજીવ કપૂરની ઋષિ કપૂરની જેમ ન કોઈ અભિનેત્રી સાથે જોડી બની, ન રાજ કપૂર, શશી કપૂર, શમ્મી કપૂર કે ઇવન રણધીર-ઋષિની જેમ કોઈ એક સંગીતકારનો હિટ ગીતોનો ફાળો રહ્યો. તે વખતે આર.ડી.નો પણ ઉતરતો સમય હતો. અલબત્ત, ઉપર ગણાવ્યા તેવાં એકાદી ‘લાવા’નાં હિટ ગીતો જરૂર હતા, પરંતુ ‘ઝલઝલા’માં એક વાર પણ સાંભળવા ન ગમે તેવાં ગીતો હતાં! બપ્પીદા અને અનુ મલિકનું એવું હતું કે તેઓ કોઈ વાર બી કે સી ગ્રેડની ફિલ્મમાં પણ હિટ સંગીત તે સમયે આપી દે અને ક્યારેક એ ગ્રેડમાં ભંગાર ગીતો આપી બેસે. ન તો રાજીવ કપૂર પાછળ કોઈ એક ગાયક કલાકારે ગીતો ગાયાં. કોઈ વાર કિશોરકુમાર, તો કોઈ વાર શબ્બીરકુમાર, તો વળી ‘રામ તેરી ગંગા મૈલી’માં સુરેશ વાડેકરે તેમને કંઠ આપ્યો.

‘રામ તેરી ગંગા મૈલી’માં રાજીવ કપૂર ભલે હોય પણ તે ફિલ્મ રાજ કપૂર અને મંદાકિનીની ફિલ્મ વધુ રહી. સ્ત્રીલક્ષી ફિલ્મમાં રાજીવે રોમાન્સ અને ઉદાસીનાં ગીતો સિવાય કંઈ ખાસ કરવાનું નહોતું એટલે સફળ ફિલ્મ રહી હોવા અને સફળતા તેમના ખાતે ચડી પરંતુ તેનો લાભ તેમને મળવો જોઈએ તેટલો મળ્યો નહીં.

૧૯૯૯માં તેમણે ‘આ અબ લૌટ ચલે’નું નિર્માણ કર્યું જેના નિર્દેશક હતા ઋષિ કપૂર. પરંતુ ઋષિ કપૂર કરતાં રાજીવ કપૂરને નિર્દેશક તરીકે વધુ માર્ક આપવા પડે તેવી ફિલ્મ હતી ‘પ્રેમ ગ્રંથ’. તે સમયે ભલે તે નિષ્ફળ રહી હોય (ઋષિ કપૂર-માધુરીની જોડી એમ પણ સફળ નહોતી અને તે બંનેનો સમય પણ ખરાબ ચાલતો હતો) પરંતુ તેની માવજત, કથા વસ્તુ, સાહિત્યિક સંવાદો અને રાજ કપૂર સ્ટાઇલ નિર્દેશન – આ બધાના કારણે આ ફિલ્મ ટીવી પર જ્યારે પણ આવે ત્યારે ટીવી સામે અચૂક બેસી જવાય છે. વચેટ અને મોટા ભાઈ ઋષિ તેમજ કાકા શમ્મીને નિર્દેશિત કરવા એ પણ રાજીવ માટે સરળ બાબત તો નહીં જ રહી હોય. લક્ષ્મી-પ્યારેનાં ‘દિલ દેને કી ઋતુ આઈ’, ‘ઇસ દુનિયા મેં પ્રેમ ગ્રંથ જબ લિખા જાયેગા’, ‘જંગલ મેં શેર, બાગોં મેં મોર’ અને ‘મૈં કમઝોર ઔરત, યે મેરી કહાની’ જેવાં યાદગાર ગીતો એવું જ કથાને રસપ્રદ બનાવતું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક!

આ બધા કરતાં એક વિશેષ બાબત આ ફિલ્મની એ રહી કે જેમ ‘પ્રેમ રોગ’ એ મોટા પરિવારોમાં ચાલતી વિધવાઓની કરુણ સ્થિતિ જેવી કુરીતિ અને તેમાંથી બહાર નીકળી વિધવાવિવાહ થઈ શકે તેવું દર્શાવતી ફિલ્મ હતી તેમ ‘પ્રેમ ગ્રંથ’એ દલિતને પણ મંદિર પ્રવેશ અને ભગવાનના દર્શનનો અધિકાર છે અને બળાત્કાર પીડિતા સ્ત્રી જ્યારે દુર્ગા બને ત્યારે કેવો બદલો લે તેની વાત કરતી ફિલ્મ છે. એક રીતે, તેમાં આજે ફિલ્મ, ટીવી ધારાવાહિકો કે વેબ સીરિઝમાં જે હિન્દુ વિરોધી નેરેશન દલિત કે સ્ત્રીના નામે ચાલે છે તે જ મુદ્દા હતા પરંતુ તે હિન્દુ વિરોધી વાત જરા પણ ન લાગે. ઉલટું, હિન્દુ સમાજને જરા પણ ગાળો ભાંડ્યા વગર એકદમ સચોટ અને અસરકારક રીતે કહેવાયેલી વાત હતી જેમાં એક મહંતનો દીકરો જ દલિતોને ભગવાન શ્રી રામના દર્શન કરાવવા શ્રી રામની મૂર્તિ મંદિરમાંથી બહાર દલિતો પાસે લઈ આવે! બળાત્કાર પીડિતાને બદલો લેવામાં સાથ આપે અને તેની સાથે બળાત્કાર છતાં લગ્ન કરવા માટે તૈયાર થાય એ કેટલી મોટી વાત જરા પણ આડંબર વગર કે હિન્દુઓ પ્રત્યે દુર્ભાવના વગર કહેવાઈ હતી.

આજ-કાલ આ બધા મુદ્દા હિન્દુ સમાજમાં ભાગલા પાડવા વપરાય છે. આથી આવા કે ખેડૂતોના મુદ્દે જે આંદોલનો થાય છે તે સમસ્યાનો ઉકેલ લાવવા નહીં પરંતુ સમસ્યા વકરાવવા, ભારતના ટુકડા કરવા માટે થાય છે. આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સંસદમાં નવો શબ્દ આપ્યો ‘આંદોલનજીવી’ તો દેશમાં ખળભળાટ મચી ગયો…

મોદીજીએ રાજ્યસભામાં કહ્યું કે આપણે શ્રમજીવી અને બુદ્ધિજીવીથી પરિચિત છીએ પરંતુ હું જોઈ શકું છું કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક નવી જમાત જન્મી છે, ‘આંદોલનજીવી’. વકીલોનું આંદોલન હોય કે વિદ્યાર્થીઓનું, કે મજૂરોનું આંદોલન હોય, આ લોકો દરેક જગ્યાએ નજરે પડે છે. આ એક પૂરી ટોળી છે જે આંદોલન વગર જીવી શકતી નથી અને આંદોલનમાંથી જીવવાના માર્ગ શોધતી રહે છે. આપણે આવા લોકોની ઓળખ કરવી પડશે અને તેમનાથી રાષ્ટ્રની રક્ષા કરવી પડશે. તેઓ પરજીવી છે.

નરેન્દ્ર મોદીનો ઈશારો અરુંધતિ રોય, યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર, સ્વરા ભાસ્કર, કન્હૈયાકુમાર, ઉંમર ખાલિદ, અનુરાગ કશ્યપ, રાહુલ ગાંધી, શશી થરૂર જેવા લોકો સામે દેખીતી રીતે હતો જે દરેક આંદોલનમાં પહોંચી જાય છે અને આંદોલનને મૂળ મુદ્દાથી ભટકાવે છે. અન્ના આંદોલન હોય કે જેએનયુ, શાહીનબાગ હોય કે પછી ખેડૂત આંદોલન…દરેક આંદોલનમાં આ ડાબેરી ચહેરાઓ કે કૉંગ્રેસી (અત્યારે કૉંગ્રેસી = ડાબેરી તેમ કહી શકાય) ચહેરાઓ જોવા મળશે. મૂળ મુદ્દાથી તેઓ ભટકાવે છે અથવા આંદોલન શરૂ કરાવી પોતે વિદેશ ચાલ્યા જાય છે. પોતે ક્યાંય સરકાર કે પોલીસની પકડમાં આવતા નથી. નિર્દોષોને આગળ કરી દે છે. જ્યારે સરકાર કોઈ કાર્યવાહી કરે ત્યારે સરકાર સરમુખત્યારશાહીવાળી છે, વિરોધને કચડી નાખે છે, વિરોધીઓને દેશદ્રોહી કહે છે તેવા આક્ષેપો કરે છે.

મોદીએ આ શબ્દ વહેતો કર્યો ત્યારે તેમની સામે એક મુદ્દો એ વહેતો થયો કે સંઘ અને ભાજપ પોતે આંદોલનજીવી જ હતા અને અડવાણીજી પણ આંદોલનજીવી હતા. જો આંદોલનોમાં સંઘ-ભાજપે ભાગ ન લીધો હોત તો સંઘ-ભાજપ આટલા મોટા ન થયા હોત અને મોદી/ભાજપ આજે સત્તાસ્થાને ન હોત. મોદીજીએ બુધવારે (૧૦ ફેબ્રુઆરીએ) લોકસભામાં ફરી કહ્યું કે આંદોલનકારી અને આંદોલનજીવી વચ્ચે ભેદ ઓળખી લેવાની આવશ્યકતા છે.

એ દૃષ્ટિએ જોઈએ તો ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર પટેલ વગેરે આંદોલનકારી હતા, આંદોલનજીવી નહીં. તેમને ઉકેલમાં રસ હતો અને લાવ્યા પણ ખરા. સંઘ અને ભાજપે પણ આંદોલનો કર્યાં પરંતુ તેઓ આંદોલનજીવી કહી શકાય? ના. આનું કારણ એ છે કે ભાજપના પૂર્વાવતાર એવા જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કલમ ૩૭૦ દૂર કરવા આંદોલન કર્યું અને વીરગતિ પ્રાપ્ત કરી. આ કલમના વિરુદ્ધમાં સંઘ-ભાજપ વખતે-વખતે આંદોલન કે યાત્રા કરતા રહ્યા અને છેવટે ૨૦૧૯માં તેને દૂર કરીને રહ્યા. એટલે કે માત્ર સમસ્યા ચગાવવામાં અને લોકોને ભડકાવવામાં રસ નહોતો. સમસ્યાના ઉકેલમાં પણ રસ હતો. આવું જ શ્રી રામમંદિર બાબતે છે. આ સમસ્યાનો ઢાંચાના ધ્વંસ (જેના કારણે એએસઆઈ ઢાંચાની નીચે મંદિર હોવાના પુરાવા મેળવી શક્યું) અને પછી સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા દ્વારા સર્વમાન્ય ઉકેલ આવ્યો. ટ્રિપલ તલાકનો ઉકેલ આવ્યો. નોટ બંધી અને બેનામી કંપનીઓ સામે કડક કાર્યવાહી દ્વારા કાળાં નાણાંની સમસ્યા દૂર કરવા મોટો પ્રયાસ કરાયો. અલબત્ત, આ સમસ્યા સંપૂર્ણ ઉકેલાઈ તેવી નથી. એટલે વખતોવખત તેને હલ કરવા કડક પગલાં આવશ્યક જ છે. સમરસતા અથવા અસ્પૃશ્યતા નિવારણ માટે પણ આરએસએસનાં કાર્યો પ્રશંસનીય છે જેની ગાંધીજીએ પણ નોંધ લીધી હતી. આ સમસ્યા પણ સાવ પીછો છોડે તેવી નથી. તેથી જ્યાં સુધી લોકોના મનમાંથી સંપૂર્ણ રીતે દૂર ન થાય, લોકોના મનમાં એકબીજા પ્રત્યે પ્રેમ-સદ્ભાવના ન જન્મે ત્યાં સુધી આ સમસ્યાના નિવારણ માટે લાગેલા રહેવું પડશે.

આમ, સમસ્યાનો ઉકેલ ’પ્રેમ ગ્રંથ’માં છે, આંદોલનજીવીના હાથમાં નહીં.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment