Home » પંગત: મહિલા તરફી પ્રાચીન છતાં આધુનિક વ્યવસ્થા!

પંગત: મહિલા તરફી પ્રાચીન છતાં આધુનિક વ્યવસ્થા!

by Jaywant Pandya

પ્રાર્થના કરી ઈશ્વરનો આભાર માની એક સાથે નીચે બેસી જમવાનો આનંદ અલૌકિક છે. (પ્રતીકાત્મક તસવીર)

જીટીપીએલની નિર્માણ ન્યૂઝ ચેનલના હેડ સતીશભાઈ મોરી Satish Mori એ ગયા રવિવારે વઘાડા ગામે શુદ્ધ ગમાઠી ઢબની જે રાખી તેને પાર્ટી નહીં, ઉજાણી જ કહેવાય. મને તો સંયોગવશ આમંત્રણ નહોતું પણ તેમણે હકપૂર્વક ચિત્રલેખા વેબસાઇટમાં મારી પાસે લેખો લખાવનાર અને હવે મને ઇટીવી ભારત ખેંચી ગયા છે તેવા ભરત પંચાલને પાવર ઑફ એટર્ની આપી દીધેલી એટલે ભરતભાઈએ પણ પોતાની જ ઉજાણી હોય તેમ મને અને ‘અભિયાન’ના મારા પૂર્વ તંત્રી કમ વડીલ દોસ્ત દિલીપભાઈ ગોહિલને હકપૂર્વક સાથે લીધા. ગામ જોયેલું નહીં એટલે ગુગલ મેપના બદલે જીવતા મેપ જેવા સ્થાનિકોને પૂછીને ગોતતાં ગોતતાં, પત્રકારત્વ અને સાંપ્રત પ્રવાહોની ચર્ચા કરતા વઘાડા પહોંચ્યા. સતીશભાઈ ઉમળકાથી ભેટી પડ્યા અને આમંત્રણ ચુકાઈ ગયાનો અફસોસ પણ વ્યક્ત કર્યો. પરંતુ સતીશભાઈના સાલસ સ્વભાવનો અગાઉ અનુભવ થયો હોઈ એ ધોખાનો (ભાવનગરમાં ધોખો કરવો એટલે પોતાને આમંત્રણ ન મળવાથી કે બીજી કોઈ રીતે દુઃખ લાગે તો ધોખો કરવો કહેવાય) કોઈ પ્રશ્ન જ નહોતો. એક વાર નિર્માણમાં ડીબેટ પતાવી મારે બોપલ જવાનું હતું. ગાડીની વ્યવસ્થા થાય તેમ નહોતી. તે વખતે સતીશભાઈ નિર્માણના હેડ નહોતા, આઉટ સ્ટેશન સંભાળતા. તો પણ ખબર પડી એટલે કહે કે હું તે બાજુ જ જઉં છું. ખાસ મને ઉતારી ગયા.

તસવીરમાં ડાબેથી (અથવા સેલ્ફીની રીતે દૂરથી) ઇ ટીવી ભારતના ભરત પંચાલ, કૉમૉડિટી વર્લ્ડના દીપક મહેતા અને હું. (તસવીર સૌજન્ય: સંજીવની ભટ્ટ, વી ટીવી એન્કર)

વઘાડામાં કર્ણાવતી વિદ્યાલયમાં પાછળ પંગતમાં જમવાનું હતું. વર્ષો પછી પંગત અને તેમાંય, મારે પૂનમનું વ્રત હોઈ સામે જ મસ્ત મજાની ઠંડીમાં, ખુલ્લા આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્ર અને તેની સાથે પત્રકાર મિત્ર દીપક મહેતા, ટીવીના જાણીતા એન્કરો-પત્રકારો અને તેમાં લીલા ચણાની દાળ, રોટલો, ડુંગળી, તળેલાં મરચાં, ગોળ, કાકડી-ટમેટાંનું કચુંબર, જાતે બનાવેલું (અમૂલનું નહીં) માખણ અને તે માખણ જેમાંથી કાઢ્યું હોય તેવી મોળી છાશ. સ્વયંસેવકોનું ઝડપી પીરસવું. મોરીસાહેબનો પ્રેમાગ્રહ. ‘રોટલો ચોળ્યો કેમ નહીં? બીજું શું જોઈએ?’ અને જમ્યા પછી ઠંડીમાં તાપણું. (બૉનફાયર, યૂ નૉ). બીજી કોઈ વાતોના બદલે સતીશભાઈ હોય એટલે બધાએ ઈટીવી જે જૂનું હતું (રિલાન્યસને ટેક ઑવર કર્યા પછી ન્યૂઝ ૧૮ ગુજરાતી બની ગયું છે)- રામોજી રાવવાળું, તેમાં કામ કરવાના આનંદને વાગોળ્યો. જલસો પડી ગયો અને સાથે એક વિચાર પણ ઝબૂકી ગયો કે આપણી પંગત (મને જાણવા મળ્યું કે હિન્દીમાં પણ તેને પંગત જ કહે છે) પ્રણાલિ કેટલી અદ્ભુત છે…

એક તો, નીચે બધાં સાથે બેસી પ્રેમથી વાતો કરતાંકરતાં જમવા મળે. પતરાળાં હોય એટલે પર્યાવરણને નુકસાન પણ નહીં અને થાળી-વાટકા ઉટકવાની માથાકૂટ પણ નહીં. બુફેમાં થાળીના વજનથી હાથ દુઃખી જાય. જગ્યાનો અભાવ હોય તો આજુબાજુથી નીકળતા લોકો ઠોંસો મારતા જાય તો દાળ-શાક અને પાપડ બધું ભેગું થઈ જાય! ક્યારેક નીચે ઢોળાઈ પણ જાય. કપડાં પણ બગડે. બીજું, પંગતમાં પીરસનારાનો આગ્રહ ભળે કારણ એ કેટરિંગવાળા અજાણ્યા ન હોય, પ્રસંગ આયોજકના નાતીલા કે કુટુંબીજનો જ હોય. ત્રીજું અને સૌથી મહત્ત્વનું. સ્ત્રીઓને સૌથી પહેલી પંગતમાં બેસાડાય. પંગતમાં પીરસનારા પુરુષ જ હોય. અને સ્ત્રી આગળ ઝૂકીને પીરસે. (પુરુષને સ્ત્રી આગળ નમવું પડે.) ભૂલથી આગળ નીકળી જાય તો સ્ત્રી હકથી પાછા પણ બોલાવી શકે. આવી અનેક વાતો હોવા છતાં હિન્દુ ધર્મને પુરુષપ્રધાન, પિતૃસત્તાક આવાં લેબલો લગાડાય છે!

ઠીક છે. આપણને તો મોરીસાહેબની આવતી ઉજાણીની રાહ છે!

(નોંધ: આખા કાર્યક્રમનો ઉત્સાહ અને આનંદ એટલો હતો કે સામૂહિક તસવીર લેવાની રહી જ ગઈ. જ્યારે માત્ર તસવીર માટે ન ગયા હો ત્યારે આવું થાય.)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment