Home » અર્નબની ધરપકડ: કેમ બધા એક સંપ થઈ ગયા?

અર્નબની ધરપકડ: કેમ બધા એક સંપ થઈ ગયા?

by Jaywant Pandya

સબ હેડિંગ: સરમુખત્યારવાદી માનસિકતાવાળા ત્રણ પક્ષો એકઠા થાય તો વિરોધી મિડિયા પર કેવો કાળો કેર વર્તાવે તે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. સનાતન ધર્મની, પાકિસ્તાન વિરોધની, નહેરુ-ગાંધી પરિવાર વિરોધની વાત કરશે તેને અર્નબની જેમ કચડવા પ્રયાસ થશે.
(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૮/૦૮/૨૦૨૦)
આખરે અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી. ઘણા સમયથી લાગતું લાગતું જ હતું કે અર્નબની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં સરમુખત્યાર શાસનમા બાળ ઠાકરેના વખતથી માનતી આવેલી શિવસેના અને એવી જ સોનિયા ગાંધીના ઈશારે કામ કરતી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી એ ગુણો સાથે શરદ પવારે બનાવેલો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ. આ ત્રણ ભેગા થાય ત્યારે કેવો કાળો કેર બતાવી શકે તેનો ઉત્તમ કેસ સ્ટડી અત્યારે મહારાષ્ટ્ર બની ગયું છે.
પહેલા તો પાલઘર કેસમાં જે રીતે સાધુઓને પોલીસે નિર્મમ રીતે ટોળાને સોંપી દીધા અને તેમની લાઠીઓ વીંઝીને ટોળાએ અત્યારે કરી નાખી એનો તાજેતરમાં વિડીયો બહાર આવ્યો છે એ જોતા એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં સનાતન પરંપરા અને વિશ્વાસ રાખનારા સાધુ-સંતોથી માંડીને સામાન્ય નાગરિકોનું સ્થાન શું છે અને આના પર નિર્લજ્જપણે મહારાષ્ટ્ર સરકાર ઢાંકપિછોડાની કાર્યવાહી કરતી આવી છે.
આ કેસમાં અર્નબ ગોસ્વામી ગોસ્વામીએ સોનિયા ગાંધીને તેમના મૂળ નામ સાથે પ્રશ્ન પૂછ્યા કે અને પાદરી કે મૌલવીની હત્યા વખતે તો નિવેદન પર નિવેદન આપો છો પરંતુ સાધુની હત્યા વિશે કેમ મૌન છો? બસ અર્નબની એ જ ભૂલ કે એણે સોનિયા ગાંધીનું તેમણે પોતે તેમના દસ્તાવેજમાં રાખેલું નામ જાહેર કરી દીધું અને આ નામે તેમને બોલાવ્યા આ નામ એટલે ઇટાલીનું પિયરનું એન્ટોનિયો માઇનો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર દામોદરદાસ મોદી કહીને ને વાતેવાતે સંબોધી શકે છે પરંતુ સોનિયા ગાંધીને તેમના મૂળ નામે સંબોધન કરો તો તમે ગુનો કરો છો.
તે બધા જ વિપક્ષો ચૂપ રહ્યા બધા જ લુટિયન મિડિયા પણ ચૂપ રહ્યાં, સુધીર ચૌધરીએ પોતાના ડીએનએમાં ઝી ન્યૂઝ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચૌધરી પર જિહાદના અલગ પ્રકાર બતાવવા માટે તેમની સામે કેરળમાં એફ.આઇ.આર કરી દેવામાં આવી એટલે કે આ દેશમાં જો તમે ઇસ્લામ અને ખ્રિસ્તીના મૌલવી મુલ્લાઓ અને પાદરીઓ ના ગોરખધંધા ખુલ્લા પાડશો તો કૉંગ્રેસ અને ડાબેરી ઇકૉસિસ્ટમ આદુ ખાઈને તમારી પાછળ પડી જશે પરંતુ આનાથી વિરુદ્ધ ૨૦૦૮માં અને પહેલા હિંદુ ત્રાસવાદનો ખોટો નેરેટિવ બનાવવા બેફામ પ્રયત્ન બધી ચેનલો પર થયો પરંતુ એમાંથી એક પણની સામે એફ.આઈ.આર. કે કોઈ કેસ થયાનું આ લેખકને યાદ નથી.
પરંતુ અર્નબ ગોસ્વામી અને ટાઇમ્સ નાવે સુશાંતસિંહ રાજપૂત શંકાસ્પદ હત્યા અથવા આત્મહત્યા કેસમાં સ્ટિંગ ઑપરેશન અને ખરા અર્થમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને એક એવા પ્રશ્નો પૂછ્યા અને ધડાકા કર્યા કે જેમાં બેબી પેંગ્વિન નામે ઓળખાતા શિવસેનાના એક વગદાર પ્રધાનનું નામ બહાર આવ્યું. એટલું જ નહીં પરંતુ  સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશાની શંકાસ્પદ હત્યામાં પણ આ બેબી પેંગ્વિનનું નામ સંડોવાયું હોવાનું લોકોનાં નિવેદનો (પોલીસ સમક્ષ નહિ કારણ કે પોલીસ તો આ બંને કેસમાં પણ પાલઘરની જેમ ઢાંકપિછોડો જ કરી રહી હતી.) પરથી બહાર આવ્યું. દિશાની  લાશ નગ્ન અવસ્થામાં અવસ્થામાં મળી આવી હતી અને તેણે આત્મહત્યા કરી છે કે પછી એને મારીને ફેંકી દેવામાં આવી છે તે શંકાનો વિષય છે અને આ બંને કેસમાં જે તેમના નિકટના લોકો છે દાખલા તરીકે દિશા સાલિયાનનો બોયફ્રેન્ડ રોહનરોય પણ મુંબઈમાંથી ગાયબ થઈ ગયો હતો કે ગાયબ કરી દેવામાં આવ્યો હતો.
આ કેસમાં પહેલા બિહાર પોલીસ અને પછી સીબીઆઈ તપાસ આવી. ઇડી‌ પણ આવી. હવે જ્યારે સુશાંતની લિવ ઇન પાર્ટનર ચક્રવર્તીના ફોનની તપાસ કરી તો તેમાં તેને ચોંકાવનારી માહિતી મળી. આ માહિતી એ હતી કે રિયા ચક્રવર્તી ડ્રગ ખરીદતી હતી. આમ, આ બાબતે એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રૉલ બ્યૂરોને જાણ કરી અને પછી નાર્કોટિક્સ કંટ્રૉલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીના ફોનમાંથી જયા શહાની નામ કથિત મેનેજર નું નામ પકડી પાડ્યું. આ બધામાંથી હિન્દી ફિલ્મ જગતમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ શ્રદ્ધા કપૂર અને દીપિકા પદુકોણ સહિત કહેવાતાં નાના-મોટા કલાકારો ડ્રગ્સમાં લિપ્ત હોવાનું બહાર આવ્યું.
આ કેસમાં પણ અર્નબ ગોસ્વામીના રિપબ્લિક મીડિયા અને ટાઇમ્સ નાવે ઘણું બધું કવરેજ આપ્યું. ફિલ્મ ઉદ્યોગ જગતની અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન (જેને સત્યમેવ જયતે જેવા પ્રોગ્રામ કરીને પોતાને સમાજ સેવક અથવા સમાજ સુધારક ગણાવવાનો કીડો કરડી ગયો હતો અને ભારતના દુશ્મન તુર્કીના કટ્ટર ઇસ્લામવાદી પ્રમુખ એર્ડોગનનાં પત્નીને બરાબર ૧૫ ઑગસ્ટના દિવસે જઈને મળ્યો હતો.), સૈફ અલી ખાન, હિન્દુ વિરોધી તેની પત્ની કરીના કપૂર ખાન, તેમની પાસે ટિપ્પણી અચૂક હોય તેવા ખંજવાળ પ્રેમી મહેશ ભટ્ટ, સામ્યવાદી ગેંગનાં જાવેદ અખ્તર, શબાના આઝમી, અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, કોંગ્રેસ નેતા અને ભારતના પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખનો દીકરો રીતેશ દેશમુખ, દીયા મિર્ઝા,… બધા જ લોકોએ સુશાંતસિંહ રાજપૂત કેસ હોય કે પછી દિશા સાલિયાન કેસ કે પછી ડ્રગ કેસ… બધાએ તેમનાં મોંઢાં સીવી લીધાં. હવે આ કેસોમાં જે રીતે અર્નબ ગોસ્વામી અને ટાઇમ્સ નાવે જબરજસ્ત રિપોર્ટિંગ કર્યું અને જેઓ મૌન હતાં તે તમામનાં નામ લઈ-લઈને પ્રશ્નો પૂછ્યા તેનાથી હવે તો હિન્દી ફિલ્મ જગત પણ એક થઈ ગયું કે હવે આ બંને ચેનલોને અટકાવવી પડશે. આજતક અને ઇન્ડિયા ટુડે વગેરે ચેનલો તો રિયા ચક્રવર્તીને અને આરોપીઓને મોકળું મેદાન આપી રહી હતી.
આથી ફિલ્મ ઉદ્યોગના, સામાન્ય રીતે કોઈ દી ભેગાં ન થાય તેવા, શાહરુખ ખાન, સલમાન ખાન આમિર ખાન, અક્ષય કુમાર અજય દેવગન સહિતના ૩૪ કલાકારો દિલ્લી હાઇકોર્ટમાં ગયા અને તેમણે અરજી કરી કે આ બંને ચેનલોને રિપોર્ટિંગ કરવાનું અટકાવવામાં આવે કારણ કે તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગની છબી બગાડી રહ્યાં છે. ગયા વર્ષે કરણ જૌહરે તેના ઘરે યોજાયેલ કથિત ડ્રગ પાર્ટીનો વિડિયો સૉશિયલ મીડિયા પર મૂક્યો હતો જેના વિરોધમાં અકાલી દળના સાંસદ મન્જિદરસિંહ સિરસાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેનું મુંબઈ પોલીસે સુરસૂરિયું કરી નાખ્યું હતું. આ કેસ ખુલતા ફરી એકવાર આ વિડિયો પણ ચર્ચામાં આવ્યો અને એવી સંભાવના જાગી કે તેમાં જોવા મળેલા કલાકારોને પૂછપરછ માટે એનસીબી દ્વારા બોલાવી શકાય છે.
આથી હવે આ ગેંગમાં વધારે ફફડાટ પેઠો. વળી આ ગેંગના લોકો પૈકીના કેટલાક કથિત રીતે પાકિસ્તાનના દાઉદ ઈબ્રાહીમ અને બ્રિટન સ્થિત પાકિસ્તાની તેમજ કાશ્મીર વિરોધી વેપારી અનિલ મુસર્રત સાથે સંબંધ હોવાનું પણ બહાર આવ્યું અનિલ મુસર્રત સાથે અમિતાભ બચ્ચનથી માંડીને ઘણા બધા કલાકારોના ફોટા પણ છે. આ ગેંગ શાહીનબાગ અને ટુકડે ટુકડે ગેંગનું સમર્થન કરતી આવે છે. ગમે તેવા ત્રાસવાદી હુમલા થાય, આ લોકોનો પાકિસ્તાન પ્રેમ ઘટતો નથી.
દરમિયાનમાં જયા બચ્ચને સંસદમાં ડ્રગ્સ મંડળીનો બચાવ કરતાં રવિ કિશન નામના અભિનેતાને એવું કહ્યું કે જિસ થાલી મેં ખાતે હો ઉસી મેં છેદ કરતે હો છેદ કરતે હો.
પરિણામે જયા બચ્ચનના પતિ અમિતાભ બચ્ચનના શૉ કેબીસીનો લોકોએ બહિષ્કાર કર્યો. બિગ બૉસ કાર્યક્રમનો પણ બહિષ્કાર કર્યો અને કપિલ શર્મા શૉમાં અર્નબ ગોસ્વામીની મજાક ઉડાવવામાં આવી તો તેનો પણ લોકોએ બહિષ્કાર કર્યો.
અર્નબ ગોસ્વામીના નિર્ભય પત્રકારત્વના કારણે તેમની ચેનલોની ટીઆરપી વધવા લાગી હતી અને રિપબ્લિક ભારત હિન્દીમાં પણ આજતક ને પછાડીને નંબર વન બની ગઈ. વર્ષોથી આજતક નંબર વન પર હતી. હિન્દી ફિલ્મોમાં તમે જોયું હશે કે સ્વાર્થ માટે બધા વિલન એક થઈ જાય છે. આવું જ અર્નબ ગોસ્વામી સામે થવા બધાં ભેગા થઈ ગયા.
હવે મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહ અર્નબ ગોસ્વામીના રિપબ્લિક મીડિયા નેટવર્ક સામે કેસ કરવા લાગ્યા. આમાં પૈસા દઈ અને ટીઆરપી ખરીદવાનું વાત આવી પરંતુ અર્નવ ગોસ્વામી એ પોતાના સોર્સ થી એફ.આઈ.આર પકડી પાડી અને ખરેખર તો એફઆઇઆરમાં ઇન્ડિયા ટુડે નું નામ હતું. પરંતુ પરમવીરસિંહે પત્રકાર પરિષદ કરી અને રિપબ્લિક નેટવર્ક નું નામ જાહેર કર્યું. એટલું જ નહીં પરંતુ આ કેસમાં બિહારના એક સાક્ષી પર દબાણ ઊભું કરી રિપબ્લિકનું નામ દેવા માટે કેવા પોલીસ સવારમાં પહોંચી ગઈ તેનો ઑડિયો બહાર આવતાં પરમવીરસિંહ ખુલ્લા પડી ગયા. કદાચ મિડિયાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મિડિયાના ૧૦૦૦ પત્રકારો સામે એફઆઈઆર થઈ. પરમવીરસિંહની પોલીસે અર્નબ ગોસ્વામીના ન્યુઝ રૂમમાં કયું સૉફ્ટવેર વપરાય છે, તેનાં યુઝર આઈડી અને પાસવર્ડ શું છે આ બધી વિગતો પણ માગી. રિપબ્લિક નેટવર્કના માંડીને અનેક લોકોને પૂછપરછના બહાને પોલીસ સ્ટેશને બોલાવી માનસિક અત્યાચાર કરવામાં આવતો. આની ચરમસીમા એટલે અર્નબ સામે જૂનો કેસ ઉખેળી સમન્સ વગર ધરપકડ. અર્નબની પત્નીએ ઉતારેલા વિડિયોમાં પોલીસ જવાનના નામનો બેજ પણ નહોતો. એમ કહેવાય છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોની ટીમને અર્નબની ધરપકડ કરવા મોકલવામાં આવી. એક પત્રકારની ધરપકડ માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની શું જરૂર?
આની સામે એનડીટીવીનો કેસ જોઈએ તો, પઠાણકોટ હુમલાના કવરેજમાં શસ્ત્રાગારનાં સ્થાન, શાળા અને નિવાસી વિસ્તારોની સંવેદનશીલ વિગતો જાહેર કરી દેવામાં આવી હતી જેના કારણે એક દિવસનો પ્રતિબંધ એનડીટીવી પર મોદી સરકારે લગાવ્યો હતો. તો પણ ક્લબના બધા પત્રકારો એકઠા થઇ ગયા હતા અને જાણે કટોકટી લાદી દેવામાં આવી હોય તેવો વિરોધ કરવામાં આવ્યો હતો. રિપબ્લિક મીડિયા નેટવર્ક સાથે થયું તેવું જ એનડીટીવી સાથે થયું હોત કે બીજા લુટિયન મિડિયા સાથે થયું હોય તો કેટલો દેકારો થાય પરંતુ એકલા ગોસ્વામી એકલા લડી રહ્યા છે. કેન્દ્ર સરકાર માત્ર નિવેદનબાજી કરીને પ. બંગાળમાં ભાજપ કાર્યકરોની હત્યા, કંગના રનૌતની ઑફિસનો ધ્વંસ કેસની જેમ રિપબ્લિક અર્નબના કેસમાં પણ મૌન તમાશો જોઈ રહી હોય તેવું લાગે છે.
અર્નબની ડિબેટ કે સમાચાર વગેરે ભલે સાચા મુદ્દે હોય, પણ પોતે જ એક ને એક વાત બોલ બોલ કરવી, બંને પક્ષના લોકો એક સાથે બોલે જેથી મચ્છી માર્કેટ થઈ જાય તે ટીકાને પાત્ર હોઈ શકે પણ તેની ધરપકડ એ એક સંકેત છે શિવસેના, સોનિયા ગાંધી અને શરદ પવાર જેવા સરમુખત્યાર માનસિકતાવાળા લોકો સાથે આવે તો શું થાય? રામદેવ બાબાના આંદોલનમાં સોનિયાની પોલીસ અડધી રાત્રે જ આંદોલનકારી સૂતા હતા ત્યારે અંગ્રેજોની જેમ ત્રાટકી હતી જેમાં રાજબાળા નામની વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે રિપબ્લિક પર આપવીતી વર્ણવી હતી જેમાં હિન્દુ ત્રાસવાદીની થિયરી સાચી પાડવા આ જ પરમવીરસિંહ પટ્ટે પટ્ટે મારતા હતા. એટલે કંગના હોય, સાધ્વી પ્રજ્ઞા હોય કે અર્નબ તેમને કૉંગ્રેસ સમાપ્ત જ કરી દેશે. પણ છપ્પનછાતી વીર શિરોમણિ મોદી અને તેમની સરકાર રાજકીય લાભ ખાટવાના બદલે, હવે જો તેમના સમર્થકોની બાજુમાં મજબૂત રીતે ઊભી નહીં રહે તો એ પણ નિશ્ચિત છે કે ૨૦૨૪માં આ સમર્થકો પણ નિરાશ થઈ એક તરફ બેસી જશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment