Home » સ્વતંત્રતા પછી ઇસ્લામિક કાયદાઓ લાગુ કરાયા તો પણ કટ્ટરોને સંતોષ ન થયો!

સ્વતંત્રતા પછી ઇસ્લામિક કાયદાઓ લાગુ કરાયા તો પણ કટ્ટરોને સંતોષ ન થયો!

by Jaywant Pandya

 

તસવીર પ્રતીકાત્મક છે

અલ્જીરિયામાં જિહાદ લેખાંક: ૨

સબ હેડિંગ: સ્વતંત્રતા પછી ભારતની જેમ અલ્જીરિયા અને ફ્રાન્સમાં મોટા પાયે વિભિષિકા સર્જાઈ હતી. નવ લાખ લોકો અલ્જીરિયા છોડી ફ્રાન્સમાં ગયા. અનેક અલ્જીરિયન સૈનિકો જેમણે ફ્રાન્સની સેનાને સાથ આપ્યો હતો તેમની હત્યા કરાઈ. સ્વતંત્રતા પછી સરકારે ઇસ્લામને દેશનો પંથ બનાવ્યો તો પણ કટ્ટર મુસ્લિમો ખુશ તો ન જ થયા.

(ગયા અંકથી ચાલુ)

ગયા અંકે આપણે જોયું કે અલ્જીરિયામાં ઇસ્લામ કેવી રીતે આવ્યો અને તે પછી મુસ્લિમોના  બે ફાંટા- સુન્ની અને શિયા અલ્જીરિયા પર વર્ચસ્વ જમાવવા કેવી રીતે લડ્યા તેમજ ફ્રેન્ચોએ પોતાનું થાણું અલ્જીરિયામાં નાખી તેના પર કબજો જમાવ્યા પછી મુસ્લિમોને જાહેરમાં મળવા પર પ્રતિબંધ મૂકી દીધો, ઇસ્લામિક ચેરિટેબલ ટ્રસ્ટોની મિલકતો સરકારી મિલકતો તરીકે જાહેર કરી અને મદરેસાઓ વગેરે શાળાઓનું નેટવર્ક સમાપ્ત કરી દીધું. અને તે પછી બીજા વિશ્વ યુદ્ધ પછી અલ્જીરિયામાં પણ ફ્રાન્સથી મુક્ત થવાની મહેચ્છા જાગી. ફ્રન્ટ દ લિબરેશન નેશનલ (એફએલએન) નામના સંગઠને સ્વતંત્રતા માટે હિંસક લડાઈ શરૂ કરી. વિશ્વમાં લગભગ કોઈ પણ દેશ હિંસક લડાઈ વગર સ્વતંત્ર થયો નથી. આપણા દેશમાં પણ શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર, મદનલાલ ધીંગરા, વીર ભગતસિંહ, વગેરે અનેક ક્રાંતિકારીઓ અને છેલ્લે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજે હિંસક લડાઈ આપી હતી. બાકી, ચરખાથી કે અહિંસક લડાઈથી અંગ્રેજો દેશ છોડી દે તે વાતમાં માલ નથી.

માત્ર ભારત જ નહીં, અલ્જીરિયામાં પણ જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે મોટી વિભિષિકા સર્જાઈ હતી. અલ્જીરિયામાંથી ફ્રાન્સનાં દળો, અધિકારીઓ વગેરેને પાછા ખેંચવાની પ્રક્રિયાથી મોટી કટોકટી ઉત્પન્ન થઈ હતી. ચાર્લ્સ દ ગૌલે નામના ફ્રેન્ચ સૈન્ય અધિકારીની હત્યાના અનેક પ્રયાસો થયા હતા. તો સૈન્ય બળવાઓ પણ અનેક થયા હતા. આ મોટા ભાગના પ્રયાસો ઑર્ગેનાઇઝેશન આર્મી સિક્રેટ (ઓએએસ) દ્વારા થયા હતા. આ સંગઠન ફ્રેન્ચ સૈનિકોનું ભૂગર્ભ સંગઠન હતું. તે અલ્જીરિયા પર ફ્રાન્સની પકડ બની રહે તેમ ઈચ્છતું હતું. તેણે અલ્જીરિયા અને ફ્રાન્સ બંનેમાં બૉમ્બમારા કર્યા અને હત્યાઓ પણ કરી.

લેખાંક:૧ આઠમી સદીમાં ઉમયાદના આક્રમણ પછી અલ્જીરિયનો મોટા પાયે મુસ્લિમ બન્યા

લેખાંક: ૩ અલ્જીરિયામાં વસતિ વિસ્ફોટથી રમખાણો અને અંતે જિહાદ તરફ ગતિ

લેખાંક ૪:  અલ્જીરિયામાં જિહાદમાં દોઢ લાખ લોકો માર્યા ગયા!

૧૯૬૨માં સ્વતંત્રતા મળ્યા પછી, એફએલએન બદલો લેશે તેવી ભીતિથી નવ લાખ યુરોપિયનો અને અલ્જીરિયનો ફ્રાન્સ ભાગી ગયા. આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવી પહોંચશે તેવી ફ્રાન્સની સરકારને ગણતરી જ નહોતી. આથી ફ્રાન્સમાં પણ અરાજકતા વ્યાપી ગઈ. જે અલ્જીરિયન મુસ્લિમોએ ફ્રેન્ચ સેના સાથે કામ કર્યું હતું તેમને અલ્જીરિયામાં જ શસ્ત્રો વગર છોડી દેવાયા. જોકે ફ્રાન્સ અને અલ્જીરિયા વચ્ચે સમજૂતી થઈ હતી કે આ મૂળ અલ્જીરિયન સૈનિકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.

પરંતુ આ સૈનિકોને દેશદ્રોહી ગણવામાં આવતા હતા (જે સ્વાભાવિક પણ હતું) અને એફએલએન કે લિંચિંગ કરનારાં ટોળાંઓએ આવા અનેક સૈનિકોની હત્યાઓ કરી. હત્યા પહેલાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી. આથી ૯૦,૦૦૦ સૈનિકો ફ્રાન્સ ભાગી ગયા.

સ્વાભાવિક જ સ્વતંત્રતા પછી એફએલએનની સત્તા આવી. તેના નેતા અહમદ બેન બેલ્લા પ્રથમ પ્રમુખ બન્યા. ભારતની જેમ જ, અલ્જીરિયામાં પણ સમાજવાદની ખૂબ મોટી અસર હતી. ૧૯૬૫માં બેન બેલ્લાને ઉથલાવીને હોઉઆરી બોઉમેડિએન પ્રમુખ બની ગયા. હોઉઆરી બેન બેલ્લાના પૂર્વ સાથી અને સંરક્ષણ પ્રધાન હતા. આ બાબતમાં ભારતના સૈના અધિકારીઓને વંદન કરવા જોઈએ કે અલ્જીરિયા કે પાકિસ્તાનની જેમ અહીં સૈન્યએ ક્યારેય બળવો કરી સત્તા નથી પચાવી પાડી. હોઉઆરીએ વ્યાપક ઔદ્યોગિકરણ ઝુંબેશ આદરી હતી અને ઑઇલ કાઢવાની સુવિધાઓનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તેમનું આ પગલું ૧૯૭૩ની ઑઇલ કટોકટી પછી લાભદાયક નિવડ્યું હતું.

આપણો વિષય છે અલ્જીરિયામાં જિહાદ. એટલે તેની વાત કરીએ. સ્વતંત્રતા પછી ભલે મુસ્લિમોના બનેલા હિંસક સંગઠન એફએલએનની સત્તા આવી હોય, તેણે કટ્ટર મુસ્લિમોને-ખાસ કરીને પંથગુરુ કહેવાય તેવા લોકોને કેવી રીતે નિયંત્રણમાં રાખ્યા? સ્વતંત્રતા પછી અલ્જીરિયાની સરકારે રાષ્ટ્રને મજબૂત કરવાના હેતુથી સાંપ્રદાયિક (રિલિજિયસ) પ્રવૃત્તિઓ પર સરકારી નિયંત્રણો નાખી દીધાં. નવા બંધારણમાં કલમ બે અનુસાર ઇસ્લામ દેશનો પંથ બની ગયો. તેના નેતાઓનો પણ પંથ હતો. દેશે મસ્જિદોની ઈમારતો પર કબજો કરી લીધો અને ૧૯૮૦ની મધ્ય સુધીમાં સાંપ્રદાયિક (રિલિજિયસ) બાબતોના મંત્રાલયે અંદાજે ૫,૦૦૦ જાહેર મસ્જિદો પર અંકુશ કરી લીધો. ઈમામને સરકાર દ્વારા પ્રશિક્ષણ અપાતું, તેમની નિમણૂંક કરાતી અને સરકાર તેમને પગાર ચૂકવતી. સૌથી મોટી વાત તો એ હતી કે શુક્રવારે આ ઈમામો જે પ્રવચન આપતા તે સરકાર જ તેમને તૈયાર કરીને આપતી. નથી લાગતું કે આપણા દેશમાં પણ આવું કરવાની આવશ્યકતા હતી? સાંપ્રદાયિક સંપત્તિઓ (જેને ત્યાં હેબસ કહેવાય છે) તેના પર સરકારનો અંકુશ આવી ગયો. શાળાઓમાં સાંપ્રદાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ પણ સરકારના કહેવા મુજબ જ અપાતું. શરિયાને લાગુ કરાયો પણ કેટલીક છૂટછાટો સાથે.

અહીં એક સમજવા જેવું છે. ભારતમાં આ બાબતમાં એટલે કે અહીંના હિન્દુઓ-શીખો-જૈનો-પારસીઓ વગેરેને લવજિહાદનાં ષડયંત્રોથી બચાવવા અત્યાર સુધી કોઈ કાયદા નહોતા. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી કલમ ૩૭૦ અને ૩૫-એ લાગુ હતી તેના લીધે એવા કાયદા લાગુ હતા કે જેનાથી મુસ્લિમ યુવતીઓ મુસ્લિમેત્તર તો ઠીક પણ રાજ્ય બહારના યુવકને પણ ન પરણી શકે અને પરણે તો તેને રાજ્યમાં સંપત્તિ વગેરેના અધિકાર ન મળે. અલ્જીરિયામાં પણ આવો જ કાયદો બનાવાયો. મુસ્લિમ સ્ત્રીઓને મુસ્લિમેત્તર યુવકો સાથે પરણવા પર પ્રતિબંધ મૂકાયો! આપણે ત્યાં હિન્દુ યુવતીઓને હિન્દુઇત્તર યુવકો સાથે પરણવા પર પ્રતિબંધ મૂકાયો હોય તો કેટલો હોબાળો સેક્યુલર હિન્દુઓ જ મચાવે!

જોકે અલ્જીરિયામાં દારૂ પર પ્રતિબંધ મૂકાયો નહીં. પરંતુ જે સમાજ અન્ય સમાજને સાંખી શકતો નથી તેના પોતાના સમાજના નેતાઓ અંદરોઅંદર વર્ચસ્વ માટે હિંસક જ બની જતા હોય છે. યમન, સિરિયા, પાકિસ્તાન, વગેરે અનેક ઇસ્લામિક દેશોમાં આપણે આ જોઈએ છીએ. અલ્જીરિયામાં પણ સ્વતંત્રતાના બહુ થોડાં જ વર્ષોમાં આવું જોવા મળ્યું…

સરકારે ભલે અલ્જીરિયાને ઇસ્લામિક દેશ બનાવ્યો, શરિયાને લાગુ કર્યો તો પણ તેનાથી કટ્ટર મુસ્લિમોને સંતોષ આપી શકાયો નહીં. (તેમને સંતોષ આપી શકાતો જ નથી, સિવાય કે તેમને સત્તા મળે. તેમનું દરેક વાતમાં ધાર્યું થાય.) ૧૯૬૪માં જ એટલે કે દેશની સ્વતંત્રતાના બે જ વર્ષમાં અલ કિયામ (મૂલ્યો) નામની ત્રાસવાદી પ્રકારની ઇસ્લામિક ચળવળ ઊભી થઈ અને તેનાથી જ બાદમાં એટલે કે ૧૯૯૦ના દાયકામાં ઇસ્લામિક સાલ્વેશન ફ્રન્ટ (રાજકીય પક્ષ)નો પાયો નખાયો. અલ કિયામે અલ્જીરિયાની રાજકીય અને કાનૂની પ્રણાલિઓમાં ઇસ્લામની વધુ પ્રભુત્વવાળી ભૂમિકા માગી. તેને એવું લાગતું હતું કે અલ્જીરિયાના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં પશ્ચિમી પદ્ધતિઓને અનુસરવામાં આવે છે. અલ્જીરિયાની સરકારને સ્વતંત્રતા પછી તરત જ કટ્ટર મુસ્લિમો તરફથી આ પડકાર ઊભો થતાં મુશ્કેલી સર્જાઈ. તેઓ ઇસ્લામિક રાષ્ટ્રીય ઓળખની સાથે સમાજવાદી નીતિઓ પણ સમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ કટ્ટર મુસ્લિમો માનતા હતા કે અહીં માત્ર ને માત્ર ઇસ્લામ જ હોવો જોઈએ.

આપણી આ લેખમાળા અલ્જીરિયાની પરિસ્થિતિ ભારતના સંદર્ભમાં સમજવા માટે છે જેથી ખ્યાલ આવે કે આ કટ્ટર મુસ્લિમો કેટલા ભારે પડે છે. ભારતમાં અને વિશ્વમાં અન્યત્ર પણ એવું જોવા મળ્યું છે કે સામ્યવાદીઓ અને સમાજવાદીઓ તેમજ કટ્ટર મુસ્લિમો ત્રણેય સાથે મળીને પોતાની સત્તા સ્થાપવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ આમાંથી જો એક પણ સત્તામાં આવી જાય તો અન્યને દબાવી દે છે. તમે કોઈ ઇસ્લામિક દેશમાં સામ્યવાદીઓને જોયા? તેમને પ્રગતિશીલ વાતો કરતા જોયા? સામાજિક સુધારાઓ, સ્ત્રીઓને સ્વાતંત્ર્ય, બધા સમાન હોવા જોઈએ, ગરીબોનું ઉત્થાન થવું જોઈએ, અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ દૂર થવી જોઈએ તેવી ડાહી-ડાહી વાતો કરતા જોયા? ના. સામ્યવાદ ઇસ્લામિક દેશમાં સંભવ જ નથી. અને જ્યાં સામ્યવાદ હોય છે ત્યાં કટ્ટર મુસ્લિમોનું સ્થાન કેવું હોય છે તે રશિયા અને ચીન જેવા દેશોમાં જોઈ લેવું જોઈએ.

બીજા રાષ્ટ્રપ્રમુખ હોઉઆરી બોઉમેડિએન લડાયક અને હિંસક ત્રાસવાદી પ્રકારના મુસ્લિમોને અંકુશમાં રાખવામાં સફળ રહ્યા. પરંતુ તેમના મૃત્યુ પછી ૧૯૭૯માં ચોથા રાષ્ટ્રપ્રમુખ બનેલા ચાદલી (અથવા ચાડલી) બેન્જેડિડ થોડા નરમ હતા. અલ્જીરિયા સામાજિક અને આર્થિક કટોકટીમાં પણ આવી ગયું હતું. (કટ્ટરતા વધુ ત્યાં સામાજિક-આર્થિક સ્થિતિ કથળવાની જ કારણકે હિંસા હોય ત્યાં ધંધા-રોજગાર વિકસી ન શકે. શાંતિ-સૌહાર્દ હોય ત્યાં જ વિકસે. પાકિસ્તાન ઉદાહરણ છે.) અલ્જીરિયામાં બેરોજગારી અને મોંઘવારી ખૂબ જ વધી ગઈ હતી. સામાજિક તણાવ ખૂબ જ તીવ્ર હતો. ભારતમાં આપણે હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો કરીએ છીએ પણ તકલીફ એ છે કે પંથ ઉપાસના સામે વાંધો નથી, વાંધો તેઓ દેશની બહાર જુએ છે તેની સામે છે, વાંધો તેઓ તેમના સિવાયની ઉપાસના પદ્ધતિમાં માનનારાઓને પંથાંતરિત કરવા પ્રયાસ કરે છે, છળકપટ કે હિંસાથી તેમને નિશાન બનાવે છે, તેની સામે છે, જે લોકોએ આપણા પર આક્રમણો કર્યાં છે, યાતનાઓ આપી છે, પંથાંતરણ કરાવ્યું છે, મંદિરો તોડ્યાં છે તેમને નાયક સમજી, તેમની (દા.ત. ટીપુ સુલતાન) જયંતિ ઉજવવી કે પછી તૈમૂરના નામે પોતાના સંતાનનું નામ રાખવું, આ દેશને પોતાનો ન માનવો, વંદે માતરમ્નો વિરોધ કરવો, પાકિસ્તાન પ્રેમ દેખાડવો વગેરે સામે વાંધો છે.

અલ્જીરિયામાં પણ મુસ્લિમોનું અરબીકરણ કરવા પ્રયાસ થવા લાગ્યા હતા. શિક્ષણમાં અરેબિક શિક્ષણ વધવા લાગ્યું હતું અને વ્યાવસાયિક સંસ્થાઓમાં અરેબિક ભાષાનો ઉપયોગ થવા લાગ્યો હતો. (ભારતમાં પણ ઘણા મુસ્લિમો સ્થાનિક ભાષાના બદલે ઉર્દૂ બોલવાનો વધુ આગ્રહ રાખે છે. તેમને ખુશ કરવા માટે દિલ્લી વગેરે ઉત્તરનાં રાજ્યમાં સ્ટેશનનાં નામ અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં લખાય છે. આવું પહેલાંની હિન્દી ફિલ્મોમાં પણ જ્યારે નામો આવતાં ત્યારે થતું) જોકે સદ્ભાગ્યે અલ્જીરિયામાં આવા પ્રયાસો સફળ થયા નહીં. ફ્રેન્ચ રાજકીય ભદ્ર લોકોની ભાષા રહી અને નોકરીઓમાં પહેલી પ્રાથમિકતા ફ્રેન્ચ બોલનારા વિદ્યાર્થીઓને મળતી. (કદાચ તેમને ડર હતો કે અરેબિક બોલતા લોકો નોકરીમાં આવી તો જશે પણ પછી હિંસા કરશે અને તેમની પાસેથી કામ નહીં લઈ શકાય.)

અલ્જીરિયામાં પણ ડાબેરી ચળવળ સાવ હતી જ નહીં, તેવું નહોતું. ત્યાં પણ વિદ્યાર્થીઓમાં ડાબેરી ઝુકાવ હતો. આની સામે સરકારે યુનિવર્સિટી કેમ્પસમાં ઇસ્લામિક ચળવળને પ્રોત્સાહન આપ્યું. નવેમ્બર ૧૯૮૨માં અલ્જીરસ યુનિવર્સિટીના બેન એકનાઉન કેમ્પસમાં હિંસક અથડામણો થઈ. આના પરિણામે જે સરકારે ઇસ્લામિક ચળવળને પ્રોત્સાહન આપવું પડ્યું હતું તેણે જ તેના પર તડાપીટ બોલાવવી પડી.

અલ્જીરિયાના સમાજ પર આ ઇસ્લામિક ચળવળનો પ્રભાવ વધવા લાગ્યો હતો. કેટલાક ડરના કારણે તો કેટલાક કટ્ટરવાદીઓ બનવાના કારણે વધુ રૂઢિચુસ્ત બનવા લાગ્યા હતા. નારી સ્વતંત્રતાવાદીઓ (ફેમિનિસ્ટ) જૂથો અને સંઘોના દબાણ છતાં મુસ્લિમ સ્ત્રીઓ બુરખા પહેરવા લાગી હતી. તેનું કારણ એ હતું કે જો તેઓ ન પહેરે તો શેરીઓમાં, યુનિવર્સિટી કેમ્પસોમાં કે નોકરીના સ્થળે તેમને કટ્ટરવાદી મુસ્લિમો હેરાન કરતા.

૧૯૯૧માં કટ્ટર મુસ્લિમોનો પક્ષ ઇસ્લામિક સાલ્વેશન ફ્રન્ટ (એફઆઈએસ) જીત્યો તે પછી પૂરાં અગિયાર વર્ષ, જી હા, પૂરાં અગિયાર વર્ષ કેવું લોહિયાળ ગૃહ યુદ્ધ ચાલ્યું તેની વાત આવતા અંકે.

(ક્રમશ:)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment