Home » આઠમી સદીમાં ઉમયાદના આક્રમણ પછી અલ્જીરિયનો મોટા પાયે મુસ્લિમ બન્યા

આઠમી સદીમાં ઉમયાદના આક્રમણ પછી અલ્જીરિયનો મોટા પાયે મુસ્લિમ બન્યા

by Jaywant Pandya

અલ્જીરિયામાં જિહાદ: લેખાંક – ૧

સબ હેડિંગ: આઠમી સદીમાં મુસ્લિમોના આક્રમણ પછી અલ્જીરિયાના લોકો મોટા પાયે મુસ્લિમો બન્યા હતા. તે પછી ઇસ્લામના ફાંટા- સુન્ની અને શિયા વચ્ચે લડાઈનું એક કેન્દ્ર અલ્જીરિયા પણ બન્યું હતું. જોકે ફ્રેન્ચોના વિજય પછી ત્યાં મુસ્લિમોને જાહેર બેઠકો કરવા, હથિયારો રાખ—અરે! અનુમતિ વગર તેમનાં ઘર કે ગામ પણ છોડવા દેવાતા નહોતા.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, ૧૦/૦૭/૨૦૨૧)

તાજેતરમાં એક વિડિયો સૉશિયલ મિડિયા પર ફરતો થયો હતો. તેમાં એક સ્ત્રીના પૂતળાને એક મુસ્લિમ પરિવેશવાળો વ્યક્તિ હથોડી વડે તોડતો બતાવાય છે. આજુબાજુ લોકો થોડે દૂરથી તેને રોકવા પ્રયાસ કરે છે, પરંતુ તે રોકાતો નથી. લોકો ડરી રહ્યા છે. આ વિડિયો સાથે લખાણ હતું કે આ ઈટાલીનો વિડિયો છે. ઈટાલીમાં વિદેશથી આવેલો એક મુસ્લિમ સ્થળાંતરિત એક પ્રતિમા તોડી રહ્યો છે કારણકે આ પ્રતિમામાં અંગ પ્રદર્શન છે. યુરોપને ખબર નથી કે આવનારાં પાંચથી દસ વર્ષમાં તેમને ત્યાં શું થવા જઈ રહ્યું છે.

આ વિડિયો અંગે તપાસ કરી તો ખબર પડી કે વાસ્તવમાં આ વિડિયો અલ્જીરિયાનો છે. આના પરથી ખણખોદ કરી તો અલ્જીરિયામાં કટ્ટર મુસ્લિમોએ કેવી જિહાદ કરી અને કેવો કેર વર્તાવ્યો તે જાણવા મળ્યું.

આ વિડિયો અંગે અલ્જીરિયાના તત્કાલીન સંસ્કૃતિ પ્રધાન અઝેદિન મિહૌબીએ ઇજિપ્તના એક ટીવી કાર્યક્રમ ’ડીએમસી ઇવનિંગ’ને જણાવ્યું હતું કે આ હુમલાનો હેતુ પંથીય (રિલિજિયસ) હતો. આ પ્રતિમા ૧૨૦ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. અલ્જીરિયામાં તેની સાંસ્કૃતિક કિંમત ખૂબ જ છે. પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા નિષ્ણાતોને કામે લગાડાયા છે. આ ઘટના વર્ષ ૨૦૧૭માં બની હતી.

વર્ષ ૨૦૧૮માં અલ્જીરિયાના સેટિફમાં આવી જ બીજી ઘટના બની હતી. મુસ્લિમોમાં સલાફી પંથ હોય છે. એક સલાફીવાદીએ પ્રતિમાનાં ચહેરા, હાથ અને સ્તનને વિકૃત કરી નાખ્યાં હતાં. સંસ્કૃતિ પ્રધાન અઝેદિન મિહૌબીએ પુષ્ટિ કરી કે આ એ જ વ્યક્તિ હતો જેણે વર્ષ ૨૦૧૭માં પ્રતિમા તોડી હતી.

લેખાંક ૨:  સ્વતંત્રતા પછી ઇસ્લામિક કાયદાઓ લાગુ કરાયા તો પણ કટ્ટરોને સંતોષ ન થયો!

લેખાંક ૩: અલ્જીરિયામાં વસતિ વિસ્ફોટથી રમખાણો અને અંતે જિહાદ તરફ ગતિ

લેખાંક ૪:  અલ્જીરિયામાં જિહાદમાં દોઢ લાખ લોકો માર્યા ગયા!

એઇન એલ ફાઉરા સ્ટેચ્યૂ (ફૂવારાનો સ્રોત) આ પ્રતિમા ફ્રાન્સના શિલ્પકાર ફ્રાન્સિસ દ સૈન્ટ વિડાલએ બનાવ્યું હતું. ૧૮૯૮માં તેને ખુલ્લી મૂકાઈ હતી. તે ઐતિહાસિક પ્રતિમા બની ગઈ હતી. લોકોમાં ખૂબ જ પ્રિય બની હતી. તેને તોડવાના પ્રયાસો માત્ર ૨૦૧૭-૧૮માં થયા તેવું નથી. ૧૯૯૭માં પણ તેને તોડવા હાથ બનાવટના બૉમ્બ વડે પ્રયાસો થયા હતા. વર્ષ ૨૦૦૬માં પણ હથોડી વડે તેને તોડવા પ્રયાસ થયા હતા. દરેક હુમલા પછી તેને સમારકામ કરી પુનઃસ્થાપિત કરાયું હતું.

આ લેખકે ફેસબુક પર તેને અલ્જીરિયાની ઘટના તરીકે મૂક્યો તો પણ ફેસબુકે તેને ખોટા ન્યૂઝ તરીકે લેબલ મારી દીધું અને એવી લિંક મૂકી કે આ ઘટના ઇટાલીની નથી, અલ્જીરિયાની છે. સૉશિયલ મિડિયા કટ્ટર મુસ્લિમ વિરોધી બાબતે- ડાબેરી વિરોધી બાબતે આવું જ કરે છે. તાજેતરમાં ટૂલકિટ બાબતે પોલીસ તપાસ ચાલી રહી હોવા છતાં-કૉર્ટ કેસ ચાલી રહ્યો હોવા છતાં ભાજપના નેતાઓનાં ટ્વીટને, મેનિપ્યુલેટેડનું લેબલ મારી દેવાયું હતું.

વિચાર કરો કે આ કટ્ટર મુસ્લિમો ભારતમાં શાસનમાં આવી જાય કે બહુમતીમાં આવી જાય તો ખજૂરાહોથી માંડીને કોઈ મૂર્તિ બચશે ખરી? કોઈ સંગીત-નૃત્યના કાર્યક્રમો થવા દેશે ખરા? આજે એવૉર્ડથી માંડીને અનેક કાર્યક્રમોમાં ભારતીય સ્ત્રીઓ મુક્ત મને પોશાક પહેરે છે, વિચારો રજૂ કરે છે તે કરવા દેશે ખરા?

અલ્જીરિયામાં આ કટ્ટર મુસ્લિમોએ જિહાદ કરી લોહીની નદીઓ વહેવડાવી હતી. કઈ રીતે? શું કારણ? જાણવા માટે પહેલાં અલ્જીરિયાના રાજકીય ઇતિહાસ વિશે જાણવું જરૂરી છે.

અલ્જીરિયા એ ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ છે જેની પશ્ચિમી સરહદે મોરોક્કો, પૂર્વે ટ્યુનિશિયા (જ્યાં વર્ષ ૨૦૧૧માં આરબ ક્રાંતિની શરૂઆત થઈ હતી), લિબિયા અને દક્ષિણે માલી તેમજ નાઇજર આવેલા છે અને ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર છે જે તેને યુરોપના દેશો- સ્પેન તેમજ ઈટાલી સે જોડે છે. આ દેશમાં શરૂઆતમાં એટલે કે ઈશુના ૬૦૦ વર્ષ પહેલાં કાર્થેજ (એ નામનો સમૂહ)નું શાસન હતું. ખેતી, મેન્યૂફૅક્ચરિંગ, વેપારધંધા વગેરે સારું ચાલતું હતું.

ઈશુના જન્મ પહેલાંની ચોથી સદીમાં બર્બર નામના સ્થાનિક વંશીય સમૂહે કાર્થેજ સામે બળવો કર્યો. રોમનો અને કાર્થેજ વચ્ચે પહેલા પ્યુનિક યુદ્ધણાં કાર્થેજની હાર થઈ તે પછી કાર્થેજ સેનામાં બહુમતીમાં રહેલા બર્બર સૈનિકોને મહેનતાણું ચુકવાયું નહોતું. બર્બર સૈનિકોએ ઇશુ પહેલાંના ૨૪૧થી ૨૩૮ દરમિયાન બળવો કર્યો અને કાર્થેજના વર્ચસ્વમાં રહેલા ઉત્તર આફ્રિકાના ઘણા પ્રદેશો પર કબજો કરી લીધો. ઈશુ પહેલાંની બીજી સદીમાં મસિનિસ્સાના શાસન દરમિયાન બર્બર સભ્યતાનું શિખર આવ્યું હતું. ઈશુ પહેલાંના વર્ષ ૧૪૮માં મસિનિસાના અવસાન પછી બર્બર રાજ્યોમાં ફૂટ પડી અને ઘણી વાર તેઓ એક પણ થયા. ઈશુના જન્મ પછી ૨૪મા વર્ષમાં રોમન સામ્રાજ્ય આવી ગયું. અનેક સદીઓ સુધી રોમનોનું રાજ ત્યાં રહ્યું. તેમણે ઘણાં સંસ્થાનો (કૉલોનીઓ) સ્થાપ્યાં.

પરંતુ આઠમી સદીમાં મુસ્લિમ આરબ ખલીફા ઉમયાદે અલ્જીરિયા જીતી લીધું. અહીંથી શરૂ થયું આ દેશનું ઇસ્લામીકરણ! મોટી સંખ્યામાં બર્બર સમુદાયે ઇસ્લામ અંગીકાર કર્યો. આઠમી સદીમાં રુસ્તામિદ વંશનું શાસન આવ્યું. તે સેક્સ વગેરેમાં નૈતિકતા બાબતે કડક હતા પરંતુ રાજકીય રીતે પ્રમાણમાં ઉદારવાદી ઈબાદી પંથ (જે ઓમાન બાજુ જોવા મળે છે)ના પ્રચારક હતા. તેઓ ખલીફાને માનતા નહોતા. ઈ. સ.. ૯૦૯માં તેમનો શિયા ફાતિમિડ (ફાતિમિડ ખલીફા શિયા ખલીફા હતા જે ૧૦મીથી ૧૨મી સદી સુધી હતા)એ નાશ કર્યો. જોકે ફાતિમિડનો ઇસ્માઇલી નામનો પંથીય સિદ્ધાંત અથવા વાદ ઉત્તર આફ્રિકામાં લોકપ્રિય થયો નહીં. તેઓ પોતે જ અલ્જીરિયા છોડી ઇજિપ્ત ચાલ્યા ગયા. તેમના પછી ઝિરિડ વંશનું શાસન આવ્યું. શિયાઓના ચાલ્યા જવાથી આ લોકો ફરી સુન્ની મુસ્લિમમાં પરિવર્તિત થઈ ગયા. સુન્નીના પણ મલિકી પંથમાં તેઓ પરિવર્તિત થયા. (જોયું વાચક મિત્રો? ઇસ્લામમાં કેટલા ફાંટા છે? પણ આપણને આ બધાના જ્ઞાનથી વંચિત રાખવામાં આવ્યા છે અને માત્ર હિન્દુઓમાં જ અનેક પંથ-સંપ્રદાયો છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓમાં કોઈ પંથ જ નથી તેવું શિખવવામાં આવ્યું છે. આથી જ કેટલાક ભોળા હિન્દુઓ સમાનતાના નામે મુસ્લિમ-ખ્રિસ્તી બની જતા હોય છે.)

આ લોકો સુન્ની મુસ્લિમ બની ગયા આથી અલ્જીરિયામાંથી ચાલ્યા ગયેલા શિયા ફાતિમિડ ગુસ્સે ભરાયા. તેમણે આ ક્ષેત્રમાં વિનાશ કરવા બેદોઉઇન અને બનુ હિલાલ નામના આદિવાસીઓને આગળ કર્યા. (આ લોકો આ રીતે જ લડાઈ લડે. પાકિસ્તાને પણ ૧૯૪૭માં સ્વતંત્રતા પછીના બીજા જ મહિને કબાઇલીઓને આગળ કરી જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કર્યું હતું. આતંકવાદીઓને આગળ કરીને પાકિસ્તાન ભારત સામે દાયકાઓથી લડાઈ લડી રહ્યું છે. ભારતમાં દલિતોને અન્ય હિન્દુઓ સામે ભડકાવે છે. શીખોને હિન્દુઓ સામે ભડકાવે છે.) જોકે તેઓ તેને કાબૂમાં કરી શક્યા નહીં. આથી આ ક્ષેત્રમાં શિયા પંથ ઝડપથી ઘટી ગયો. લગભગ શૂન્યવત્ જ કહો ને.

૧૨મી સદીમાં અલ્મોહદ નામના બર્બર મુસ્લિમોનું રાજ આવ્યું. જોકે અલ્જીરિયામાં બધે જ સુન્ની પંથ ફેલાવવામાં ઘણી વાર લાગી. દક્ષિણ અલ્જીરિયામાં સુન્ની પંથ ફેલાવવામાં ત્રણ સદી વિતી ગઈ. આ સદીમાં તુઆરેગ નામનો વંશ છેવટે મુસ્લિમ બન્યો.

૧૫૧૬થી ૧૮૩૦ સુધીનો સમયગાળો રિજેન્સી પિરિયડ એટલે કે રાજ પ્રતિનિધિ દ્વારા શાસનનો સમયગાળો કહેવાય છે. આ સમયગાળામાં ઑટ્ટોમન અને અલ્જીરિયન ઇસ્લામના હનાફી પંથ સાથે જોડાયેલા રહ્યા. હનાફી પણ સુન્ની મુસ્લિમ પંથનો એક ફાંટો જ છે.

ઈ. સ. ૧૮૩૦માં ફ્રેન્ચોએ અલ્જીરિયાને જીતી લીધું. આથી હવે શરૂ થયો ફ્રેન્ચ સંસ્થાનીકરણ એટલે કે અલ્જીરિયાના ફ્રાન્સ સંસ્કૃતિ-નીતિનિયમ વગેરે મુજબ પરિવર્તનનો સમય. ફ્રેન્ચો સામે સૂફી યૌદ્ધા અમીર અબ્દ અલ કાદિર લડ્યો. તેનો પરાજય થયો તો પણ ફ્રેન્ચો સામે અવાજ ઊઠતા જ રહ્યા.

એક માત્ર હિન્દુઓ જ છે જેમણે તેમના પર યુદ્ધ લદાય ત્યારે જ જવાબ આપ્યો છે. સામેથી આક્રમણ કરવા ક્યારેય ગયા નથી. (અંદરોઅંદર લડાઈ રાજાઓ લડતા તે જુદી વાત છે.) અને વિજેતા થયા હોય તો પણ પોતાની ઉપાસના પદ્ધતિ- સંસ્કૃતિથી લોકોને બદલવા પ્રયાસ કર્યો નથી. વિદેશમાં ધર્મ પ્રચારકો પણ નથી મોકલ્યા. અશોક બૌદ્ધ થયા પછી તેમણે પોતાની દીકરી સંઘમિત્રાને અને પુત્ર મહેન્દ્રને શ્રીલંકા બૌદ્ધ પંથના પ્રચાર માટે મોકલ્યાં હતાં. આનું આપણને નુકસાન પણ ગયું છે. એક માત્ર નેપાળ જ હિન્દુ રાષ્ટ્ર હતું, તે પણ છેલ્લાં ઘણાં વર્ષથી રહ્યું નથી. આપણી મહેચ્છા ધર્મ-ઉપાસના પદ્ધતિ દ્વારા વિશ્વ પર કબજો જમાવવાની નથી, પરંતુ જ્યારે હિન્દુઓના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે કોઈ રાષ્ટ્ર આપણી પડખે ઊભું હોતું નથી. ઇવન, આપણો દેશ પણ અત્યાર સુધી નહોતો ઊભો રહેતો કારણકે સરકારો હિન્દુવિરોધી રહી છે.

ઠીક છે. આપણે અલ્જીરિયાની વાત પર પાછા ફરીએ. ફ્રેન્ચોએ અલ્જીરિયા જીત્યા પછી ત્યાં મુસ્લિમ સંસ્કૃતિ બદલવા માંડ્યા. ફ્રેન્ચોના કાયદા પ્રમાણે, મુસ્લિમો જાહેર બેઠકો (મીટિંગ) કરી ન શકે, બંદૂક જેવાં હથિયાર ન રાખી શકે, અરે! અનુમતિ વગર તેમનાં ઘર કે ગામ પણ ન છોડી શકે! વિચાર કરો કે આપણે ત્યાં જ મુસ્લિમોને કેટલી છૂટ મળેલી છે જેનો કટ્ટર મુસ્લિમો દુરુપયોગ કરે છે. જ્યાં જ્યાં આવી છૂટ મળી છે, ચાહે તે પછી યુરોપ હોય કે અન્ય દેશો, ત્યાં કટ્ટર મુસ્લિમોએ દુરુપયોગ કરી પોતાની સંસ્કૃતિ, પોતાના કાયદા લાદવા પ્રયાસ કર્યા છે. લક્ષદ્વીપ આનું તાજું ઉદાહરણ છે. કાયદાકીય રીતે અલ્જીરિયાના મુસ્લિમો ફ્રેન્ચ પ્રજા તો હતા, પણ તેમણે પૂરા અધિકારો સાથે ફ્રેન્ચ નાગરિકો બનવા માટે ઇસ્લામિક કાયદા એટલે કે શરિયા છોડવો પડતો હતો. ઇસ્લામિક ચેરિટેબલ ટ્રસ્ટની જમીનો સરકારી સંપત્તિ ગણાતી હતી. (આપણે ત્યાં આવું વિચારી પણ શકાય?) મદરેસાઓ અને ઝાઓઉઇસ (Zaouis) તરીકે ઓળખાતી મુસ્લિમ પંથનું શિક્ષણ આપતી શાળાઓને શંકાની નજરે જોવાતી. ફ્રેન્ચોને ડર હતો કે ત્યાંથી પ્રતિકાર થઈ શકે. આથી આ શાળાઓ પડી ભાંગી અને સાક્ષરતા દર નીચો ગયો.

એક વાત બીજી પણ નોંધવા જેવી છે. જ્યારે પણ કોઈ વિજેતા બને છે ત્યારે તે પોતાની સંસ્કૃતિને અનુરૂપ જે તે દેશમાં પ્રજાને વસાવે છે. આપણે ત્યાં ભારતમાં ઉલટું થયું છે. કાશ્મીરથી માંડીને કૈરાના, મેવાત, પાટણ બાજુના વારાહીમાં મુસ્લિમોની કનડગત થઈ અને હિન્દુઓનું સ્થળાંતર થયું. આ પણ ત્યારે કે સ્વતંત્રતા પછી ભારતમાં કટ્ટર મુસ્લિમોનું શાસન તો આવ્યું જ નથી. જો આવે તો શું થાય? આપણે કાશ્મીરમાંથી હાંકી કઢાયેલા કાશ્મીરી હિન્દુઓને કાશ્મીરમાંથી હવે કલમ ૩૭૦ દૂર થઈ અને તે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાને બે વર્ષ થવાં આવ્યાં તો પણ પુનઃ વસાવી શક્યા નથી. પરંતુ ચીન હોય કે ફ્રેન્ચ, તેઓ તો જીતેલા પ્રદેશોમાં પોતાની પ્રજાને વસાવે છે. ચીને તિબેટ અને શિનજિયાંગમાં જનસંખ્યા ગણિત બદલી નાખ્યું છે. ફ્રેન્ચોએ અલ્જીરિયા કબજે કર્યું તે પછી યુરોપના રહેવાસીઓ માટે (ખ્રિસ્તી વાંચો) અલ્જીરિયા માનીતો દેશ બની ગયો. તેઓ અહીં રહેવા આવવા લાગ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીમાં યુરોપીય લોકોનો હિસ્સો કુલ વસતિના પાંચમા ભાગ જેટલો થઈ ગયો હતો!

એંસી વર્ષ પછી એટલે કે ૧૯૧૦માં અબ્દુલહમીદ બેન બદીસ નામના પંથીય વિદ્વાન અને સુધારકે પરંપરાગત મારાબોઉટ અને સેઇન્ટ (સંત અનુવાદ થાય કે નહીં તે ખબર નથી) સંપ્રદાયો સામે ઉપદેશ આપ્યો. આ બદીસને સુધારક ગણાવાય છે, પણ તે સુધારક નહોતો. તેણે અરેબિક અને ઇસ્લામિક શિક્ષણનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. તેના અનુયાયીઓએ ફરીથી મદરેસાઓનું નેટવર્ક સ્થાપ્યું અને ફરીથી અલ્જીરિયાના મુસ્લિમો વધુ રૂઢિચસ્ત બન્યા. આ જ કારણે બદીસને સુધારક ન કહી શકાય.

મુસ્લિમોમાં ફરી એકતા આવી. તેઓમાં ફ્રેન્ચો સામે પ્રતિકારની ભાવના જાગી. મુજાહિદ્દીન (જમ્મુ-કાશ્મીર સહિત ભારતમાં જે ત્રાસવાદીઓ હુમલા કરવા આવે છે તેને પણ મુજાહિદ્દીન કહેવાય છે) જેઓ જિહાદ કરતા હોય છે તેઓ લડ્યા. તેમાં જે મરે તેને શહીદ કહેવાય છે. આપણે વાતચીતમાં કે પત્રકારત્વમાં શહીદ શબ્દ બંધ કરવાની આવશ્યકતા છે. શહીદ એટલે ઇસ્લામ પંથ માટે જે લડીને મર્યા હોય તે. દેશ માટે લડે તેને શહીદ ન કહી શકાય. તેમને વીરગતિ પ્રાપ્ત અથવા હુતાત્મા કહેવાય.

બીજા વિશ્વ યુદ્ધ વખતે ભારતની જેમ આ દેશમાં પણ સ્વતંત્ર થવાનો ભારે જુવાળ ઊભો થયો હતો. પરંતુ ૧૯૪૫માં ફ્રેન્ચ સત્તાએ કૉન્સ્ટેન્ટાઇનની પશ્ચિમે આવેલા સેટિફ શહેરમાં અલ્જીરિયન નાગરિકો પર મોટા પાયે હુમલાઓ કર્યા. આઠ મે ૧૯૪૫ના રોજ ફ્રેન્ચ પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબારો કર્યા. આ ગોળીબારોના પગલે મુસ્લિમોએ ફ્રેન્ચ રહેવાસીઓ પર હુમલાઓ શરૂ કર્યાં. તેના કારણે ૧૦૨ યુરોપીયનોનાં મૃત્યુ થયાં. આના પગલે ફ્રેન્ચ સત્તાએ આ ક્ષેત્રમાં અંદાજે ૩૦,૦૦૦ મુસ્લિમોને મારી નાખ્યા. આને સેટિફ ઍન્ડ ગુએલ્મા માસેકર (હત્યાકાંડ) તરીકે ઓળખવામાં આવે છે.

ભારત દેશના (અને તે પણ ખાસ તો બૌદ્ધ અને જૈન-ગાંધીજીથી પ્રેરાઈને અપનાવેલા) સિદ્ધાંત મુજબ, હિંસાને સ્થાન નથી. કોઈ મુસ્લિમ ખરાબ કરે તો સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવો યોગ્ય નથી તેમ આપણે માનીએ છીએ. પરંતુ આ સિદ્ધાંત વિશ્વમાં ક્યાંય લાગુ પડતો નથી. આતંકવાદીઓ પણ તેને માનતા નથી અને વિશ્વનો એક પણ દેશ તેને માનતો નથી. તાત્ત્વિક રીતે માનતા હશે, પણ વ્યવહારુ રીતે નહીં. ફ્રેન્ચે અલ્જીરિયન નાગરિકો પર હુમલા કર્યા, તેનો વળતો જવાબ મુસ્લિમોએ ફ્રેન્ચ અને યુરોપના નાગરિકોની હત્યા કરીને આપ્યો. તેના જવાબમાં ફ્રેન્ચ સત્તાએ અંદાજે ૩૦,૦૦૦ મુસ્લિમોની હત્યા કરી. ૧૯૫૪ સુધી આ બંને સમુદાયો વચ્ચે હિંસાનો ક્રમ ચાલતો રહ્યો. ૧ નવેમ્બર ૧૯૫૪થી સ્વતંત્રતાની લડાઈ શરૂ કરવાની અપીલ પ્રકાશિત થઈ તે પછી આ દિવસે ફરીથી મોટા પાયે હિંસા ફાટી નીકળી. આ દિવસને અલ્જીરિયન વૉર, અથવા અલ્જીરિયન ક્રાંતિ અથવા અલ્જીરિયન સ્વતંત્રતા લડાઈ તરીકે ઓળખવામાં આવે છે.

ફ્રેન્ચ સેનામાં રહેલા અલ્જીરિયન મુસ્લિમ સૈનિકો જેને ‘હરકી’ તરીકે ઓળખવામાં આવતા હતા તેવા અંદાજે દોઢેક લાખ લોકોને મારી નખાયા. ફ્રન્ટ દ લિબરેશન નેશનલ (એફએલએન) નામના અલ્જીરિયન સ્વતંત્રતા તરફી સંગઠન અથવા લિન્ચ મૉબે તેમની હત્યા કરી હતી. એટલે કે મુસ્લિમોએ સ્વતંત્રતા માટે પોતાના જ મુસ્લિમ ભાઈઓની હત્યા કરી! કટ્ટર મુસ્લિમોમાં મારીને નાસી જવાની યુક્તિ હોય છે. તે બધે જ લાગુ પડે છે. અલ્જીરિયામાં પણ એફએલએને આ ટૅક્નિક અપનાવી હતી. આ યુદ્ધમાં લાખો અલ્જીરિયન માર્યા ગયા. સ્વતંત્રતા પછી અલ્જીરિયન સરકારે દાવો કર્યો હતો કે અંદાજે દસ લાખ લોકો આ યુદ્ધમાં માર્યા ગયા હતા. ૨૦ લાખ અલ્જીરિયન લોકો બેઘર બન્યા હતા. ૧૯૬૨માં અલ્જીરિયા સ્વતંત્ર બન્યું.

અલ્જીરિયા સ્વતંત્ર બન્યા પછી ફ્રેન્ચોએ વસાવેલા યુરોપીયનોની દશા મુસ્લિમોએ કેવી કરી તેના વિશે વાત આવતા અંકે.

(ક્રમશ:)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment