Home » અમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’

અમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’

by Jaywant Pandya

સબ હેડિંગ: શ્રદ્ધાળુઓ એક નિરાંતનો શ્વાસ લઈને જય જગન્નાથજી એમ ભગવાનને પ્રણામ કરી સૂતા. પરંતુ સવારે ઊઠીને આંખો ચોળીને જુએ છે તો આ શું! નરસિંહ મહેતાની પંક્તિ યાદ આવી ગઈ: જાગીને જોઉં તો જગત દીસે નહીં! બે ઘડી ઘણાને તમ્મર આવી ગયા હશે. મોડી રાત્રે આ શું ખેલપડાયો?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૮/૦૬/૨૦૨૦)

આખરે ૧૪૩મી રથયાત્રા ન નીકળી શકી. ૨૨ જૂનની સાંજ પડતાં જ સંકેતો એવા મળી રહ્યા હતા કે રથયાત્રા નીકળશે જ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદમાં હતા. સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવી ગયો હતો. કેન્દ્ર સરકારે રથયાત્રા કાઢવાની તરફેણમાં રજૂઆત કરી હતી. સાંજે સાત વાગતા સુધીમાં આરતી કરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંકેત આપ્યો કે ગુજરાત હાઇ કૉર્ટમાં અરજી કરાશે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો હોવાથી હવે કોઈ અવરોધ નહીં હોય તેમ બધા માની લે તે સ્વાભાવિક હતું. જેમજેમ રાત વિતતી જતી હતી તેમતેમ બધા- જેમાં રથયાત્રા નીકળે તેમાં રસ હતો તેવા ભક્તો- રાજકારણીઓ-રથયાત્રાના વિરોધીઓ- રથયાત્રા બાબતે શું નિર્ણય આવે છે તે માત્ર જાણવાની ઉત્સુકતાવાળા લોકો- નો સમાવેશ થાય છે તેઓ ટીવી સામે દેશી ભાષામાં કહીએ તો ખોડાઈને બેસી ગયા હતા.

ટીવી પર નવ વાગ્યા પછી જગન્નાથ મંદિરના અને અન્ય શહેરોનાં એ મંદિરો જ્યાંથી રથયાત્રા નીકળે છે તેના સમાચાર ચલાવવા લાગ્યા હતા. હવે તો બસ, લીલી ઝંડી મળી નથી ને રથયાત્રા નીકળી નથી તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. રથો શણગારાઈ ગયા હતા. મંદિરે રોશની થઈ ગઈ હતી. જગન્નાથ મંદિરે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પોતે ધૂણી ધખાવીને બેસી ગયા હતા. અમદાવાદનાં મેયર બીજલ પટેલ પણ હતાં.

કર્ણાવતીના રથમાર્ગો પર પોલીસ રિહર્સલ થવા લાગ્યું હતું. ટ્રેક્ટરથી રથ ખેંચાશે તેવું બતાવાઈ રહ્યું હતું. આવી પ્રતીક્ષા કદાચ હિન્દુ સમાજે ક્યારેય નહોતી કરી જેવી આ વખતે કરી.

રાતના ૧૧.૧૫ આવતાં સુધીમાં હરખપદુડી કેટલીક ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે રથયાત્રાને મંજૂરી મળી. શ્રદ્ધાળુઓ એક નિરાંતનો શ્વાસ લઈને જય જગન્નાથજી એમ ભગવાનને પ્રણામ કરી સૂતા. પરંતુ સવારે ઊઠીને આંખો ચોળીને જુએ છે તો આ શું! નરસિંહ મહેતાની પંક્તિ યાદ આવી ગઈ: જાગીને જોઉં તો જગત દીસે નહીં! બે ઘડી ઘણાને તમ્મર આવી ગયા હશે. મોડી રાત્રે આ શું ‘ખેલ’ પડાયો?

જો રથયાત્રા યોજવા બધા જ તૈયાર હતા તો કેમ ના આવી ગઈ? દોષ કોને દેવો? ફરી એક વાર ન્યાયમૂર્તિઓની હિન્દુ પરંપરામાં જ વધુ દખલ દેવાની વૃત્તિ ને? હિન્દુ પરંપરા તોડવા ઈચ્છુક અરજદારને? સરકારના ઢીલા વલણને? કે પછી જેવી હરિ ઈચ્છા કરી જે થયું તે બરાબર થયું તેમ માની લેવું.

જે અહેવાલો સમાચારપત્રોમાં આવ્યા તેમાં એક વાત ઊડીને આંખે વળગે તેવી એ છે કે સરકારમાં બે વર્ગ હતા. એક વર્ગ ઈચ્છતો હતો કે કોરોનાના લીધે રથયાત્રા ન નીકળે. બીજો વર્ગ ઈચ્છતો હતો કે હિન્દુઓના મત લઈને જીતતા આવ્યા હોઈએ અને રથયાત્રા સાંપ્રદાયિક તોફાનોની સ્થિતિમાં પણ ન અટકી હોય તો આ વખતે પણ ન અટકવી જોઈએ. પરંપરા તૂટવી ન જોઈએ.

હિન્દુવાદીઓમાં પણ બે ભાગ પડી ગયા હતા જે સૉશિયલ મિડિયા પરથી સ્પષ્ટ દેખાતું હતું. એક વર્ગ માનતો હતો કે ભગવાન જગન્નાથ એટલે શ્રી કૃષ્ણએ પણ પરંપરા તોડી જ છે તો કોરોના સંદર્ભે પરંપરા તૂટે તેમાં શું વાંધો? બીજો વર્ગ માનતો હતો કે ઘર-વાસ (લૉકડાઉન) ખુલી ગયો છે, ધંધા-રોજગાર ચાલુ છે, રાજ્યસભાની ચૂંટણી થઈ શકે છે અને તેમાં ભરતસિંહ સોલંકી જેવા કોરોના પૉઝિટિવ ભાગ લઈ શકે છે જેના કારણે અનેકોને પૃથકવાસમાં જવું પડ્યું, તો રથયાત્રામાં શું વાંધો છે? જરૂરી હોય તો ભક્તો પોતાના ઘરમાં રહીને પોતાના ઘરના ઝરૂખેથી-અગાશીએથી કે ટીવી પરથી દર્શન કરશે. પુરીની જેમ કર્ફ્યૂ નાખવો હોય તો નાખી શકાય.

વિહિપનું સત્તાવાર નિવેદન અને પત્રકારો સાથે વાતચીત આવી છે તેમાં સરકારના ઢીલા વલણ અને મંદિરના કર્તાહર્તાઓની ઉદાસીનતા-નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો છે. એ પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. માન્યું કે સરકાર રથયાત્રા યોજવા ઈચ્છુક નહોતી તો ખોંખારીને પહેલેથી કહી દેવાની જરૂર હતી. મંદિરે મંજૂરી માગી હોય તો એક મહિના સુધી કોઈ નિર્ણય ન લેવાય અને ૧૭મીએ હાઇ કૉર્ટમાં અરજી થાય અને ૧૯મીએ ચુકાદો આવી જાય ત્યાં સુધી ઊંઘતા રહો અને પછી ડાબેરીએ અરજી કરી તેવા આક્ષેપો થવા લાગે તે યોગ્ય નથી. ૧૯મી અને ૨૨મી વચ્ચે ચાર દિવસ હતા. ચુકાદા સામે પુનર્વિચારની અરજી થઈ શકતી હતી. અને જો રથયાત્રા નહોતી યોજવા દેવી તો મુખ્ય પ્રધાન પત્રકાર પરિષદ કરી દુઃખ વ્યક્ત કરી લોકોને સમજાવી શકતા હતા. નોટબંધી હોય કે ઘરવાસ, વડા પ્રધાન જેવી કક્ષાની વ્યક્તિ લોકોના મનની પરિસ્થિતિ સમજી, લોકોના દુઃખને વાચા પણ આપે અને લોકકેળવણી પણ કરે. જેના કારણે, અનેક વિરોધીઓ ઉહાપોહથી લઈને વિદ્રોહ સુધીની રાહ જોઈને બેઠા હતા તેવું કંઈ થયું નહીં. તો પછી મુખ્ય પ્રધાન કેમ લોકોને સમજાવવા આગળ ન આવ્યા?

૨૨મીએ રાત્રે પુનઃઅરજી કરાશે તેવું તેમણે આશ્વાસન આપ્યું પરંતુ ૨૩ જૂનની સવારથી લઈને આ લખાય છે ત્યાં સુધી તેમના પક્ષેથી (સરકાર પક્ષેથી) કોઈ નિવેદન નથી. મહંત દિલીપદાસજી તરફથી પોતે ખોટી વ્યક્તિ પર ભરોસો કરી લીધો તેવું નિવેદન આવ્યું તેનો પ્રદીપસિંહજીએ જવાબ જરૂર આપ્યો છે. પરંતુ આ આખો પ્રસંગ માત્ર મંદિર, સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદનો નહોતો. તમારે અંદર જે કંઈ ડખા હોય તે પણ લાખો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા પર ચોટ જબરદસ્ત લાગી છે. જો ભાજપ સત્તા બહાર હોય તો હિન્દુ વિરોધી સરકાર હાય હાય આવા છાજિયા લે. વિહિપ પણ વિરોધમાં કોઈ કસર ન છોડે.

એવો વિડિયો પણ જોયો હશે જેમાં ટાબિરયાંઓ  અદ્દલોઅદ્લ મૂળ રથયાત્રા જેવી જ રમકડાની રથયાત્રા કાઢે છે. તેમાં મોટા માત્ર સાક્ષી તરીકે જોડાય છે. આ બતાવે છે કે લોકોની કેટલી શ્રદ્ધા છે. રથયાત્રા નીકળી કે ન નીકળી સરસપુરમાં રસ્તા પાણીથી ધોવાઈને સ્વચ્છ કરાયા.

ફરીથી કહું કે રથયાત્રા ન નીકળી તેનું મને પણ દુઃખ છે પરંતુ હું પણ માનતો હતો કે કોરોનામાં રથયાત્રા ન નીકળે તો કંઈ વાંધો નહીં, પરંતુ આ આખો ‘ખેલ’ જે ભજવાયો તેનાથી દુઃખી થનાર સહુ હિન્દુઓમાં મારું પણ નામ છે. દર વખતે સળગતો મુદ્દો કૉર્ટને અર્પણ કરી દેવો તે યોગ્ય નથી. સરકાર તરીકે તમારે ખોંખારીને નિર્ણય લેવો પડે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માગણીના પગલે રમઝાનની આગલી સાંજે કર્ફ્યૂમાં છૂટછાટો જાહેર કરી શકાતી હોય, ધંધા-રોજગાર ખોલવા છૂટ આપી શકાતી હોય તો રથયાત્રામાં કેમ નહીં આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અને રથયાત્રા મુદ્દે પડદા પાછળ કૉંગ્રેસનો ‘હાથ’ હોય કે ન હોય, પણ એ જ પરેશભાઈએ રથયાત્રા યોજવા દેવી જોઈએ તેમ કહીને હિન્દુ મતદારોને સાચવવા પણ પ્રયત્ન કરી લીધો છે, આની સામે ભાજપ ન મુસ્લિમોને રિઝવી શક્યો (અને ક્યારેય રિઝવી શકશે કે કેમ તે પણ પ્રશ્ન છે કેમ કે અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર વિજય નહેરાએ વેપારીઓ સાથે બેઠક કરી ધંધા બંધ રખાવ્યા) બીજી તરફ હિન્દુઓ તરફથી અસંતોષ પણ વહોરી લીધો.

ફરીથી કહું છું કે કોરોના મુદ્દે લોકો બહાર ન નીકળે અને કોરોના ન ફેલાય તે માટે નિર્ણય લીધો હોય તો બરાબર હતો પરંતુ એ વાત હિન્દુઓના ગળે કેટલી ઉતરશે? કારણકે અનેક બાબતોએ અમદાવાદના અને ગુજરાતના હિન્દુઓ વિકલ્પના અભાવે સમસમીને બેઠા છે. ચાહે તે ખંભાતનાં તોફાનોમાં કાર્યવાહી હોય, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં કરવું તે હોય, વર્ષા ફ્લેટનો મામલો હોય, ભાવનગરમાં જમીન મુદ્દે આગળ વધતું જનસંખ્યા પરિવર્તન હોય, કોરોનાના શરૂઆતી સમયમાં યોગી સરકારની સરખામણીએ તોફાનીઓ-કાયદાનિયમમાં નહીં માનનારા સામે ઢીલી કાર્યવાહી હોય…

અમદાવાદ સહિત મહાનગરોમાં કોરોના મુદ્દે તો લોકોમાં અસંતોષ છે જ. મધ્યમ વર્ગ-ગરીબ વર્ગ બધા જ પોતપોતાની રીતે દુઃખી છે. વ્યાકુળ છે. રાજકોટમાં માવા પ્રેમીઓ દુઃખી હતા. તેમને જે ડંડાવાળી થઈ, સુરતમાં અનેક લોકો કમિશનર-કલેક્ટરની કાર્યવાહીથી દુઃખી થયા, સહકારી બૅન્કોમાં લૉનની જાહેરાત થઈ તો ફૉર્મ જ નહોતા. આવી પરિસ્થિતિમાં રથયાત્રા મુદ્દે સરકારે ઢીલું વલણ અપનાવી હિન્દુઓનો રોષ અને દુઃખ બંને વહોરી લીધાં છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તોળાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીને માત્ર બે વર્ષની વાર છે. ચૂંટણીમાં હિન્દુઓનું દુઃખ અસર કરી શકે છે. દર વખતે હિન્દુઓ ન પણ માને.

બીજી તરફ, જે વિહિપ સહિતનાં હિન્દુ સંગઠનો છે તેઓ પણ છેક સુધી જાણે નિશ્ચિંત થઈ બેસી ગયા હોય તેવો ઘાટ આમાં દેખાય છે. ઉત્તર પ્રદેશમાં અઝાન પર પ્રતિબંધનો ચુકાદો આવે છે તો અહીં કોઈ નિવેદન પણ અપાતું નથી. મંદિરની અરજી પર એક મહિના સુધી કોઈ નિર્ણય ન આવે તો કેમ આરટીઆઈ કે હાઇ કૉર્ટમાં પિટિશન ન કરાઈ? અનેક બનાવો પછી હવે એ ખ્યાલ હોવો જોઈએ કે પિટિશન એક્ટિવિઝમ કેટલું ચાલે છે અને તેને કેવો પ્રતિભાવ ન્યાયતંત્ર તરફથી પણ મળે છે. દર વખતે સામેવાળાને દોષ દેવો પણ યોગ્ય નથી. આના માટે જરૂરી હોય તો કાનૂની લડતનો એક અલગ પ્રકોષ્ઠ બનાવો. સરકાર પર દબાણ ઊભું કરવું જોઈએ. ’જો હિન્દુહિત કી બાત કરેગા વો હી દેશ પર રાજ કરેગા’વાળાં સૂત્રો ક્યાં ગયાં? શું માત્ર બિનભાજપી રાજ્યો માટે જ છે? માન્યું કે ભાજપની સરકાર હોય એટલે ઘણા મુદ્દા ઘરમેળે ઉકલી જતા હશે પરંતુ જ્યારે કોઈ મુદ્દો ઘરમેળે ઉકલે તેમ ન હોય ત્યારે મેદાનમાં આવવું પડે. દબાણ ઊભું કરવું પડે. સંઘની જેમ જ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના હિન્દુ ધર્મમાં સુધારા માટે થઈ હતી. તો અત્યારે કેટલાક કથાકારો દ્વારા હિન્દુ ધર્મના નાયકોની કથાના નામે જે વિધર્મનો પ્રચાર અને પોતાના ધર્મની નબળી બાજુઓને ચગાવીને અશ્રદ્ધા ફેલાવાઈ રહી છે તેની સામે કેમ વિહિપ ચૂપ છે? અંદરખાને પણ તેણે કથાકારોને સમજાવવાના પ્રયાસ કર્યા છે ખરા?

પણ અહીં મુદ્દો ફરીથી એ છે કે હિન્દુઓનો અસંતોષ રથયાત્રા ન નીકળી તે કરતાંય તે માટે સરકારે જે કભી હાં કભી નાવાળું વલણ અપનાવ્યું તેની સામે છે.

હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment