Home » ઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી!

ઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી!

by Jaywant Pandya

સબ હેડિંગ: ઘર-વાસ ખુલ્યા પછીની કલ્પના ભયાવહ જણાય છે. બધે જ ઉકળાટ છે. રોજગાર-ધંધા ઠપ થયા છે. બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. શ્રમિકો અને ગરીબોનાં મન અશાંત છે. આવી સ્થિતિમાં નક્સલવાદ-સામ્યવાદ હાવી થવાનું પૂરું જોખમ છે. તેમ ન થવા દેવું હોય તો માનવતાવાદને લાવવો પડશે.

(સાધના સાપ્તાહિક, સાંપ્રત કૉલમ, ૧૬/૫/૨૦૨૦)

ભારતમાં ઘર-વાસ હટ્યા પછીની સ્થિતિ કેવી હશે તેની કલ્પના લોકો કરી રહ્યા છે. બધા પોતપોતાના તર્કો લગાડી રહ્યા છે. એક વાત તો નિશ્ચિત છે કે કોરોના પૂર્વે જેવી દુનિયા હતી તેવી દુનિયા કોરોના પશ્ચાત્ નહીં હોય.

જે સ્વદેશીની વાત કરીએ તો કેટલાક બુદ્ધુજીવી આપણને પછાત અને ૧૮મી સદીમાં લઈ જનારા માનતા હતા તે સ્વદેશીની વાત અમેરિકાની પડતી ઓબામા કાળથી શરૂ થઈ ત્યારથી અમેરિકા પણ કરી રહ્યું છે. હવે કોરોના પછીના સમયમાં આ જોરશોરથી થશે. ભારત સહિતનાં બજારોને લૂટવા માટે ઉદારીકરણ અને વૈશ્વિકરણનાં રૂપાળાં વિચારો લાવવામાં આવ્યાં. હવે આ જ નામો વિદેશોને ખૂંચશે. અમેરિકાના પ્રભુત્વવાળી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર ધીમેધીમે ચીનનું પ્રભુત્વ આવવા લાગતાં અમેરિકા અને સાથી દેશો આ સંસ્થાઓમાંથી નીકળશે. આ રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું મહત્ત્વ પણ ઘટશે. કદાચ, નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રચાશે.

આ બધામાં ભારત ક્યાં?

ભારત પાસે બધા જ મોટી ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખે છે. ગત ફેબ્રુઆરીમાં ભારતમાં ઑસ્ટ્રેલિયાના ઉચ્ચ આયુક્ત તરીકે નિમાયેલા બેરી ઑ ફેરેલે કોરોના કટોકટી સામે લડવા વહેલા પગલાં લેવા માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારત એવા દેશો પૈકીનો છે જે આ મહામારીમાંથી બહાર આવશે અને વિકસશે અને તે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી અગત્યની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું હતું કે “વડા પ્રધાન મોદીના વહેલા પગલાં અને આ અભૂતપૂર્વ રાષ્ટ્રીય ઘર-વાસને લોકોનો પ્રતિસાદ એક લોકશાહીમાં અભૂતપૂર્વ છે. જ્યાં સરમુખત્યારશાહી છે તેવા દેશોમાં ઘર-વાસ બહુ સરળ છે. અમે થોડાક પ્રાંતોમાં અને થોડાંક શહેરોમાં ચીનનો ઘર-વાસ જોયો. પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં નાગરિકો દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક ઘર-વાસ છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલામાં મોટી ભૂમિકા ભજવવાની ભારતની મહત્ત્વાકાંક્ષાનું ઑસ્ટ્રેલિયા સમર્થન કરે છે.

આ જ રીતે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં શાંતિ સમન્વય માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ અને એલચી એવા ઝલમય ખલિલઝાદે ભારતની ટૂંકી તાત્કાલિક મુલાકાત લીધી હતી. તેમની મંત્રણા વિદેશ પ્રધાન એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષ શ્રીંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે થઈ હતી. આ મંત્રણા અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા ઈચ્છે છે કે ભારત તાલિબાન સહિતના અફઘાનિસ્તાનના આંતરિક રાજકીય ઘટનાક્રમો પર ચાંપતી નજર રાખે અને મહત્ત્વની ભૂમિકા ભજવે.

એ તો ઠીક, પણ તાલિબાન પોતે પણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે! તેણે અફઘાનિસ્તાનમાં ભારતના સહકારને વખાણ્યું હતું. ડીએનએ ઇન્ડિયા વેબસાઇટના વરિષ્ઠ સંવાદદાતા સાથે વાત કરતાં તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું હતું કે ‘અમારાં રાષ્ટ્રીય હિત અને પરસ્પર સન્માનના આધારે અમે ભારત સાથે સકારાત્મક સંબંધો ઈચ્છીએ છીએ અને ભાવિ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણમાં ભારતના પ્રદાન અને સહકારનું સ્વાગત કરીએ છીએ.”

એવું નથી કે આ બધું કોરોના પછી જ થયું છે. વડા પ્રધાન મોદીની ઈઝરાયેલ યાત્રા વખતે તેના દુશ્મન જૉર્ડને હેલિકૉપ્ટર આપ્યું હતું. પેલેસ્ટાઇને તેના અને ઇઝરાયેલ વચ્ચે સંબંધો સારા કરવા મધ્યસ્થી કરવા ભારતને કહેલું. ઈરાનને પણ ભારત પાસે અપેક્ષા છે. પરંતુ જ્યારે આમ કરવા જાય ત્યારે ભારતમાં જ ટીકા શરૂ થઈ જાય છે કે વિશ્વ નેતા બનવાનો અભરખો છે. યાદ રહે, અમેરિકામાં આવી ક્ષુલ્લક ટીકાઓ ન તો ત્યાંનું મિડિયા કરે છે કે ન તો નાગરિકો. ચીનમાં તો ટીકાને કોઈ સ્થાન જ નથી.

એટલે કોરોના પછી વિશ્વ સ્તરે ભારતનું માન વધવાનું પરંતુ ઘરઆંગણે પરિસ્થિતિ ચિંતાજનક છે. ઘર-વાસ દરમિયાન શ્રમિકો ભડક્યા તે જોતાં હવે સ્થિતિ વધુ વણસશે. બેરોજગારી વધશે. આથી લૂટફાટ શરૂ ન થાય તેની ચિંતા કરવી પડશે. આ જ કારણ છે કે શ્રીમંતોએ પાર્ટીથી માંડીને લગ્ન સુધી દેખાડા બંધ કરવા પડશે. ઉદ્યોગપતિઓએ માનવતા દેખાડવી પડશે. નોકરીમાંથી કાઢી મૂકવાના બદલે ઓછા પગારે નોકરીએ કેમ રાખી શકાય તે વિચારવું પડશે. સીઇઓ, સીએફઓ વગેરેને તોતિંગ પગાર આપવાના બદલે નીચેના માણસો કરતાં થોડો વધારે પગાર આપવો પડશે જેથી નીચેનો સ્ટાફ સચવાય. કંપનીઓએ માર્કેટિંગ અને જાહેરાત પાછળ ખર્ચા ઘટાડવા પડશે. ગુણવત્તા પર ધ્યાન દેવું પડશે. સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) પાછળ કંપનીઓ જો વધુ ધન ખર્ચે તો લેખે પણ લાગશે.

૧૨મીની મેનીરાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ ખરીદીના નામે સ્વદેશીની વાત કરી તે તો જ શક્ય બને જો ગ્રાહક બ્રાન્ડ પાછળ આંધળુકિયું ન કરે. વિદેશી ચીજોનો મોહ ન રાખે. પરંતુ સામા પક્ષે કંપનીઓની પણ ફરજ બને છે કે તે વિદેશી કંપનીઓની જેમ ગુણવત્તા અને વેચાણ પછીની સેવાઓ (આફ્ટર સેલ્સ સર્વિસ)માં વિદેશી કંપનીઓ જેમ જ ખરી ઉતરે. એમેઝૉન અને ફ્લિપકાર્ટ સામે બૂમરાણ મચાવવાના બદલે હૉમ ડિલિવરીનો કન્સેપ્ટ સ્થાનિક વેપારીઓએ અપનાવવો પડશે. દા.ત. અમદાવાદના વેપારીઓનું એસોસિએશન થોડા પૈસા ખર્ચીને શું એક ઍપ ન બનાવી શકે? તેમાં પોતાની ચીજવસ્તુઓ વેચાણ માટે ન મૂકી શકે? ગ્રાહક તે જોઈને આદેશ આપે એટલે તેની હૉમ ડિલિવરી કરવામાં આવે.

ઘર-વાસ ખુલ્યા પછી બીજી એક સમસ્યા આવવાની છે તે પૈસા ચૂકવવાની. ઉદ્યોગ-ધંધાથી માંડીને સામાન્ય માણસ ‘આ કોરોનાના લીધે રોજગારી ઠપ છે, ધંધો ઠપ છે’ આમ કહી પૈસા ચૂકવવામાં ટાળતો રહેશે તો રૂપિયો ફરવાનું બંધ થશે. નુકસાની બધાને ગઈ છે એ વાત સાથે સંમત પણ સાવ કંગાળ કે પાયમાલ પણ નથી થયા. માત્ર પચાસ દિવસ જ ધંધા-રોજગાર બંધ રહ્યા છે. શું કોઈ વ્યક્તિ વેકેશનમાં વિદેશ કે ભારતમાં ફરવા નથી જતા? ત્યારે જો આવાં બહાનાં નથી કાઢતાં તો હવે પણ ન કઢાય.

એટલે મૂળ પ્રશ્ન હવે નૈતિકતા અને સંવેદનાનો આવે છે. કોરોના પછી મોટા ઉદ્યોગપતિઓથી માંડીને ચાવાળા સુધી બધા પૈસા વધારી દેશે તો સરવાળે ફૂગાવો આવશે. તેમાં ભોગવવાનું અને મરવાનું મધ્યમ વર્ગીય અને ગરીબોને આવશે. જો આવું થશે તો અગાઉ કહ્યું તેમ લૂટફાટ થશે. આત્મહત્યાઓ વધશે. આવું ન થાય તે માટે જરૂર પડે બે પૈસા ઓછા રળીને પણ વેપાર કરવો જોઈએ. આ હાઇવે પર જે શ્રમિકો ચાલતા ગયા તેમના માટે હાઇ વે પર નીકળનાર કારો કે ટ્રકો પૈકી કોઈને વિચાર ન આવ્યો કે તેમને બેસાડી લઈએ? આ લખાય છે ત્યારે જ સમાચાર છે કે તેલંગાણામાં ત્રણસો કિમી ચાલીને જઈ રહેલા એક મજૂરનું મૃત્યુ થયું છે. આ મજૂર ચાલીને ઓડિશા જઈ રહ્યો હતો.

શ્રમિકોને ટ્રેનના ભાડાની જાહેરાત કરનાર કૉંગ્રેસ જેવા વિપક્ષો પણ આટલા જ દોષી ગણાય. શ્રમિકોને જ્યાં છે ત્યાં રહેવાની વ્યવસ્થા કૌભાંડોમાં કમાયેલાં નાણાંમાંથી કરી દીધી હોત તો આવો પ્રશ્ન આવત નહીં. ગુજરાતથી નીકળેલા શ્રમિકો રતનપુર સરહદે અટવાઈ પડે કારણકે રાજસ્થાનની કૉંગ્રેસ સરકાર ત્યાં નૉ એન્ટ્રીનાં પાટિયાં મારી દે. આવી રાજનીતિ આ સમયે હોય?

પરંતુ કૉંગ્રેસ પાસે અત્યારે સુધારાની અપેક્ષા રાખવી અયોગ્ય છે અને એટલે જ ઘર-વાસ ખુલ્યા પછી પણ જે પરિસ્થિતિ સર્જાશે તેમાં ગરીબોને ભડકાવવાની રાજનીતિ થશે. સહુથી મોટું જોખમ નક્સલવાદ અને સામ્યવાદ હાવી ન થઈ જાય તેનું છે. યાદ રહે, સામ્યવાદી સરકાર આવી ત્યાંથી ગરીબી દૂર નથી થઈ. ઉલટું વધી જ છે. સોવિયેત સંઘ જ્યારે વિભાજીત થયું ત્યારે ગરીબી ચરમસીમાએ હતી. ચીનનું સાચું ચિત્ર બહાર નથી આવતું પણ જે દિવસે આવશે ત્યારે પરિસ્થિતિ દારુણ જ હશે. આપણે પશ્ચિમ બંગાળમાં ૩૦ વર્ષ સામ્યવાદી શાસન જોયું છે. અને તે પછી તેની પ્રતિકૃતિ એવાં મમતા બેનર્જીનું શાસન પણ જોઈ રહ્યા છીએ. ત્યાં ગરીબી ઓછી નથી થઈ, વધી જ છે.

એટલે સામ્યવાદ કે નક્સલવાદ કે સામ્યવાદ હાવી ન થવા દેવો હોય તો દરેકે માનવતાવાદ રાખવો પડશે. સર્વે ભવન્તુ સુખિનઃ એ માત્ર ગાવા કે હિન્દુ ધર્મનું ગૌરવ ગણાવવા માટેની પંક્તિ નથી, તેને વ્યવહારમાં ઉતારીને ચરિતાર્થ કરી બતાવવી પડશે. આપણે એ કરીશું તો આપણે બીજા માટે દૃષ્ટાંતરૂપ થઈ શકીશું.

એટલે ઓછામાં ઓછાં પાંચ વર્ષ ભપકાવાળાં લગ્ન, હૉટલોમાં છાશવારે જમવા જવું, દર અઠવાડિયે ફિલ્મ જોવી, જન્મદિવસની ઉજવણી પશ્ચિમી ઢબે ભપકાદાર કરવી, એક કાર હોય તો પણ બીજી કાર ખરીદવી, એક મોબાઇલ હોય તો પણ બીજો મોબાઇલ ખરીદવો…આ બધો અનાવશ્યક ખર્ચ ઘટાડવો પડશે. અને આ માત્ર નાગરિકે પાલન કરવાનું નથી. સરકારો અને વહીવટીતંત્રોએ પણ પોતે તેનો અમલ કરવો પડશે. સ્વયંસેવી સંગઠનોએ અને સામાજિક સેવા કરતી સંસ્થાઓએ પણ કેટરિંગ, બહારથી પાણીની તૈયાર બોટલો લાવવી, ભવ્ય શણગાર, હૉટલોમાં ઉતારા વગેરે પદ્ધતિ બદલવી રહી. ગાંધીજી અને ડૉ. હેડગેવારની જેમ કાર્યકર્તાના ઘરે ઉતારાની પદ્ધતિ ફરીથી અપનાવી શકાય.

કોરોનાનું સંકટ તો વિકરાળ બનીને તોળાઈ રહ્યું જ છે પરંતુ સાથે ગ્લૉબલ વૉર્મિંગ અને પર્યાવરણનું સંકટ ઓછું નથી જ. આથી હવે જીવનપદ્ધતિ બદલવી પડશે. પ્લાસ્ટિકનો બને તેટલો ત્યાગ હિતાવહ છે. રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સંયમિત આહાર-વિહારવાળી દિનચર્યા અને આયુર્વેદ તરફ વધુ વળવું પડશે. કોરોના અને પર્યાવરણના સંકટમાંથી ચાર ‘સ’નો બોધપાઠ મળ્યો છે- સાદગી, શિસ્ત, સંયમ અને સ્વચ્છતા. આ ચારેયને અપનાવીશું તો ભારત સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ બની રહેશે અને ફરીથી ભારત વિશ્વ ગુરુ બનશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment