Home » રેખા: કૈસી પહેલી હૈ યે…

રેખા: કૈસી પહેલી હૈ યે…

by Jaywant Pandya
(તસવીર: મારાં બહેન – રેખાની પ્રશંસક-સોનલ ગોહિલની ફેસબુક વૉલ પરથી, આ લેખ પણ તેને જ અર્પણ)
*જયવંતની જે બ્બાત*
એ ‘ખૂબસૂરત’ની ‘સૂન સૂન દીદી તેરે લિયે એક રિશ્તા આયા હૈ…અચ્છે ઘર કા લડકા હૈ પર હક હકલાતા હૈ’ એમ કહીને મોટી ધીરગંભીર બહેન અંજુને ચીડવી શકે અને તેના સાસરામાં જઈને શિસ્તના લીરેલીરા ઉડાવી શકે, તો સાળી તરીકે બહેન-બનેવીની મધુરજનીની રાતે ‘આઉંગી એક દિન’ ગાઈને ચીડવી શકે અને તે ખરાબ પણ ન લાગે. એ સિંકદરના બે વાક્યો ‘અબ દવા દે હમેં યા તૂ દે દે ઝહર, તેરી મહેફિલ મેં યે દિલજલે આયે હૈ’ સાંભળીને તેના પ્રેમમાં પડી જતી ગણિકા ઝોહરાબાઈ પણ બની શકે અને એક કાળી મજૂરણ મદ્રાસણ તરીકે ‘કુંચમ કુંચમ’ ગાઈને માત્ર શશિ કપૂર જ નહીં, તે ગીત જોનાર દર્શકનું ‘ઈમાન ધરમ’ પણ ડોલાવી શકે. તો ક્યારેક ‘ધર્માત્મા’માં ફિરોઝ ખાનને પૂછી પણ શકે ‘તુમને કભી કિસી સે પ્યાર કિયા હૈ?’, અને ‘મિ. નટવરલાલ’માં શન્નો બનીને ‘પરદેશી’ને કહી દે કે ‘સબ કહતે હૈં મૈંને તુજકો દિલ દે દિયા’.
 
‘સુહાગ’માં પોતાની અસલિયત બહેનને ખબર ન પડી જાય તે માટે ઘૂંઘટ રાખીને ‘તેરી રબને બના દી જોડી’ કહી આશીર્વાદ આપે, ‘રામ બલરામ’માં ભલે અમિતાભ કહે કે ‘હમ કો સબ કુબૂલ હમ સે ભૂલ હો ગઈ, હમ કા માફી દઈ દો’ પણ તે તો એમ જ રિસાય જાય કે ‘કુછ કર લો નહીં માનું, તુમ ક્યા હો મૈં જાનૂ’ પરંતુ અંતમાં તો હસીના માન જાતી હૈ!
 
‘જુદાઈ’માં સફેદ સાડી પહેરીને એ વરસાદમાં ભીંજાય ત્યારે આપણે પણ ગાઈ ઊઠીએ કે ‘માર ગઈ મુઝે તેરી જુદાઈ, ડંસ ગઈ યે તન્હાઈ’. એ ‘કામસૂત્ર’ના રચયિતાનો સબ પ્લૉટ જેમાં હતો તે ‘ઉત્સવ’માં કામનો ઉત્સવ પ્રેમી ચારુદત્ત (શેખર સુમન) સાથે રચે ત્યારે દર્શક ગાઈ ઊઠે ‘મેરે તો નૈનોં મેં કિરણોં કે પાખી’. અને મીરા નાયરના ‘કામસૂત્ર’માં એ ‘કામ’નું શિક્ષણ આપતી શિક્ષિકા પણ બને ત્યારે કોઈને અજૂગતું ન લાગે. એ ‘ખૂન ભરી માંગ’માં બદલો લેવા મેદાને પડે ત્યારે ભલભલાનું કાળજું કંપાવી દે. એ એકાવન વર્ષેય ‘પરિણીતા’માં ‘કૈસી પહેલી હૈ’ ગાય ત્યારે આપણને થાય કે રેખા પોતે પણ કેવી પહેલી (કોયડો) છે!
 
‘ઉમરાવજાન’ની જેમ અનેક પ્રેમ,અમિતાભ સાથેના પ્રેમની રહસ્યમય કિવદંતી (જે એવૉર્ડ સમારંભોમાં અચૂક ઝલકાય), મૂકેશ અગરવાલ સાથેનું સાવ ટૂંકું લગ્નજીવન…અને તાજેતરમાં બહાર આવી રહેલી તેની અદ્ભુત ગાયિકી જેને (હવે સ્વ.) ખય્યામ પણ પ્રશંસ્યા વિના ન રહી શકે!
 
રેખા જ, રેખાજી નહીં જ, કારણકે એ ક્યારેય ઘરડી થવાની નથી, ને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.