Home » ૨૦૧૯નાં પરિણામોનો નિષ્કર્ષ: રાષ્ટ્ર પ્રથમની નીતિ ચાલી

૨૦૧૯નાં પરિણામોનો નિષ્કર્ષ: રાષ્ટ્ર પ્રથમની નીતિ ચાલી

by Jaywant Pandya

સબ હેડિંગ: કૉંગ્રેસની ઇકોસિસ્ટમ કદાચ ઇવીએમ, મોદી દ્વારા માર્કેટિંગ, પ્રચાર વગેરે અનેક બાબતો એવી આગળ ધરે છે. પરંતુ હકીકતથી આંખ આડા કાન કરી શકાય નહીં. વડા પ્રધાન મોદી અને અમિત શાહ સહિત ભાજપની ટીમે જે આયોજનપૂર્વકનો પરિશ્રમ કર્યો છે તે અતુલનીય છે…આ અભૂતપૂર્વ વિજય માટે સંસદને નમન અને શપથ સમારંભમાં સાર્ક દેશોના વડાઓની હાજરીથી લઈ મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી સુધીના સરકારનાં કાર્યોને જશ આપવો જ પડે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૬/૫/૧૯)

ફિર એક બાર મોદી સરકાર.

આયેંગે તો મોદી હી.

ઘણા બધા ૨૩ મેએ કહેવા લાગ્યા હશે કે આપણે તો કીધું જ ‘તું. પછી ભલે ને પરિણામો પહેલાં તેઓ કંઈક જુદો જ રાગ આલાપતા હોય. પરંતુ આ લેખક જરૂર એમ કહી શકે છે કે આપણે તો કીધું જ ‘તું. તે પણ એક વાર નહીં, બબ્બે વાર.

જી હા, દિ. પાંચ મેના રોજ પ્રકાશિત ‘વિચારવલોણું’ કૉલમમાં ‘૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા કોઈ અણસાર નથી’ દ્વારા કહેલું કે આ વખતે સ્પષ્ટ રીતે સંકેતો છે કે નરેન્દ્ર મોદી સરકારનું જ પુનરાવર્તન થશે. તો ૧૯ મેના રોજ પ્રકાશિત થયેલી ‘વિચારવલોણું’ કૉલમનું શીર્ષક હતું ‘આયેંગે તો મોદી હી’. આ લેખમાં ૨૩ મે પછી શું થઈ શકે અને શું કરવું જોઈએ તેનો પણ એક સ્પષ્ટ ચિતાર આપવા પ્રયાસ કરેલો. દુઃખદ રીતે વિપક્ષ તરફી લોકો દ્વારા સુપ્રીમ કૉર્ટમાં જવાની અને સડકો પર ધમાલ મચાવવાની આગાહી કરી તે પરિણામના એક દિવસ પહેલાં અડધી સાચી પડી જ્યારે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરનાર ઉપેન્દ્ર કુશવાહાએ જો ઇવીએમમાં ચેડા થશે તો રસ્તા પર લોહીની નદીઓ વહેશે તેવી ચેતવણી આપી અને તે પછી બિહારના બક્સર લોકસભાના ઉમેદવાર લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય રામચંદ્ર યાદવે તો ગન સાથે પત્રકાર પરિષદ કરીને લોકોને લડવા અને ખૂનખરાબા કરવા ધમકી આપી!

આમ આદમી પક્ષના સૌરભ ભારદ્વાજે પણ ચૂંટણી પંચના ઇવીએમ પરના નિર્ણયથી દેશમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળી શકે છે તેવી ચેતવણી આપી હતી. અરાજકતાવાદી અરવિંદ કેજરીવાલ અને તેમના આ પક્ષની એક કાર્યકર્તા સવિતા આનંદે ‘ટીએનએન’ નામની કથિત ચેનલનો વિડિયો દર્શાવી કહ્યું કે વિદેશી મિડિયા પણ કહે છે કે નરેન્દ્ર મોદીએ ૨૦૦ મતવિસ્તારોમાં ઇવીએમ બદલી નાખ્યાં છે. આ ટીએનએન એ જ છે જેણે લંડનમાં ઇવીએમ હેકિંગની કપિલ સિબલની હાજરીવાળી પ્રેસ કૉન્ફરન્સ બતાવી હતી. બાદમાં જાણ થઈ કે તેમાં જે એન્કરની ભૂમિકામાં હતી તે તો પાર્ટ ટાઇમ એક્ટ્રેસ હતી! આ વેબસાઇટનો દાવો એવો છે કે તે વિશ્વ ભરના સમાચાર અનસેન્સર્ડ ચલાવે છે પરંતુ તેની તપાસ કરતાં એક મેગેઝિનની વેબસાઇટને જાણ થઈ કે તેમાં તો માત્ર ભારત અને ખાસ તો લોકસભાની ચૂંટણીને લગતા સમાચારો જ છે. આમ, સ્પષ્ટ છે કે આમ આદમી પક્ષના લોકોએ અફવાઓ ફેલાવી, લોકોને ઉશ્કેરી દેશમાં ગૃહ યુદ્ધ થાય તેવું વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો.

આમ આદમી પક્ષના આવા જ રાજકારણનો પ્રજાએ ૨૩ મેએ જવાબ આપી દીધો. પંજાબમાં માત્ર એક જ બેઠક તેને મળી. અરવિંદ કેજરીવાલને લાફો પડ્યો તો પણ લોકોની સહાનુભૂતિ તેમને ન મળી. કૉંગ્રેસ-ભાજપ કરતાં અલગ રાજનીતિ કરવાનું વચન આપીને અન્નાને છેતરીને રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલે તો ભાજપના ઉમેદવાર હંસરાજ હંસ મુસ્લિમ હોવાની વાત કરી દીધી!  હંસરાજ હંસ પાસે એસસી હોવાનું પ્રમાણપત્ર છે. માટે આ આક્ષેપ ખોટો સાબિત થયો.  ‘આઆપ’નાં ઉમેદવાર આતીશી મારલેનાએ પોતાના વિરુદ્ધ ગંદું ચોપાનિયું વહેંચવાનો આક્ષેપ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર કર્યો પરંતુ એક વેબસાઇટે સમાચારપત્રો વિતરણ કરનારા ફેરિયાઓની પૃચ્છા કરતાં જાણવા મળ્યું હતું કે આવું કોઈ ચોપાનિયું વહેંચાયું જ નહોતું. આમ, પોતાના કામ કરતાં આવી ગંદી રાજનીતિ કરવાના આમ આદમી પક્ષને દિલ્લી જ નહીં, પંજાબના મતદારોએ પણ જાકારો આપ્યો છે.

આ ચૂંટણીએ એક નવી રાજનીતિ શરૂ કરી છે. રાષ્ટ્રનીતિને જો તમે સર્વોપરી રાખશો અને તેને બરાબર સમજાવશો તો લોકો સમજે જ છે અને ખોબલેખોબલે મત પણ આપે છે. પુલવામા હુમલાને ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચેનું ફિક્સિંગ કહેનાર બી. કે. હરિપ્રસાદની ભાજપના એક યુવાન ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે હાર થઈ! આ જ રીતે ૨૬ નવેમ્બરે પાકિસ્તાનના ત્રાસવાદીઓ દ્વારા થયેલા હુમલાને હિન્દુ આતંકવાદમાં ખપાવી હિન્દુઓને આતંકવાદી ચિતરવાનો પ્રયાસ કરનાર કૉંગ્રેસ અને ખાસ તો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન જે હાફીઝ સઈદ વગેરે ત્રાસવાદીઓને નામ પાછળ જી લગાવીને બોલાવે છે, ત્રાસવાદી વિચારસરણી પેદા કરનાર ઝાકીર નાઇકને તેમના કાર્યક્રમમાં જઈ ગળે મળનાર તથા ૨૬ નવેમ્બરનો હુમલો આરએસએસનું કાવતરું હોવાનું પુસ્તકનું વિમોચન કરનાર દિગ્વિજયસિંહની હાર પહેલી વાર ચૂંટણી લડતા સાધ્વી પ્રજ્ઞા સામે થઈ! આ એ જ સાધ્વી પ્રજ્ઞા છે જેમને હિન્દુ આતંકવાદના કેસમાં ફસાવીને ખોટું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ દિગ્વિજયસિંહ અને યુપીએ સરકારે કરેલો.

આ જ રીતે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જેમના સમર્થનમાં જેએનયુ ગયેલા તે ‘ભારત તેરે ટુકડે હોંગે’ ગેંગના કન્હૈયાકુમારની હાર ‘ભારત તેરે ટુકડે હોંગે’ ગેંગની હાર છે. કન્હૈયાકુમારના સમર્થનમાં હિન્દી ફિલ્મ જગતની જાવેદ અખ્તર, શબાના આઝમી, સ્વરા ભાસ્કર જેવી લેફ્ટ-લિબરલ ગેંગ પહોંચી ગયેલી, એનડીટીવીના રવીશ કુમારે પણ તેને મહાન યુવાન નેતા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરેલો અને પોતે અક્ષયકુમારે લીધેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અરાજકીય ઇન્ટરવ્યૂની હાંસી ઉડાવે પરંતુ જ્યારે પોતે કન્હૈયાકુમાર કે રાહુલ ગાંધીનો રાજકીય ઇન્ટરવ્યૂ લે ત્યારે તેમાં કોઈ અણિયાળા સવાલ ન પૂછે.

કૉંગ્રેસ હજુ પણ આ પરિણામો સ્વીકારવા તૈયાર જણાતી નથી. કૉંગ્રેસની ઇકોસિસ્ટમ કદાચ ઇવીએમ, મોદી દ્વારા માર્કેટિંગ, પ્રચાર વગેરે અનેક બાબતો એવી આગળ ધરે છે. પરંતુ હકીકતથી આંખ આડા કાન કરી શકાય નહીં. નરેન્દ્ર મોદીએ ચૂંટણી જાહેર થયા પછી કેટલાક દિવસ એક પણ કાર્યક્રમ ન કરી બરાબર આયોજન કરી લીધું અને પછી વડા પ્રધાને ૨૮ માર્ચથી જે પ્રચાર અભિયાન ઉત્તર પ્રદેશના મેરઠથી શરૂ કર્યું તે આ ગરમીમાં નવરાત્રિના ઉપવાસમાં ખરેખર પ્રશંસાને પાત્ર હતું. આ બધા દરમિયાન જે રણનીતિથી તેમણે અલગ-અલગ ચેનલોને ઇન્ટરવ્યૂ આપ્યા તે પણ ચર્ચાના નવા-નવા મુદ્દા સર્જતા ગયા. વારાણસીમાં જહાજમાં ઇન્ટરવ્યૂ તો ક્યાંક પોતાના નિવાસસ્થાનમાં ઇન્ટરવ્યૂ તો વળી આ વખતે સભા વખતે જ મંચ પરથી નૉનસ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ…આ સમગ્ર ચૂંટણીમાં તેમણે કુલ ૧૪૪ રેલીઓ કરી. ગયા વખતે તેમણે ૪૩૭ રેલીઓ કરેલી પરંતુ આ વખતે તેમને અમિત શાહનો સાથ હતો. ગયા વખતે અમિતભાઈ ઉત્તર પ્રદેશ પૂરતા મર્યાદિત હતા. વળી યોગી આદિત્યનાથનો પણ સ્ટાર પ્રચારક તરીકે સાથ મળેલો.

મોદીએ બરાબર ફૉકસ પૂર્વક જ્યાં નબળું પરિણામ આવવાની સંભાવના હતી તેવા પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોતાની ૪૦ ટકા રેલીઓ આવા વિસ્તારમાં કરી જ્યારે રાહુલ ગાંધીએ ૪૮ ટકા રેલીઓ રાજસ્થાન, કેરળ જ્યાં તેઓ મજબૂત હતા જ તેવા પ્રદેશમાં કરી.

આ સાથે નરેન્દ્ર મોદીએ શપથ લીધો ત્યારથી જે કામો કર્યાં તેની સૌથી વધુ શ્રેય જવો જોઈએ કારણકે પાંચ વર્ષમાં તેમની સરકારે ટી-૨૦ની જેમ ધડાધડ ફટકાબાજી કરી હતી. સંસદમાં પ્રવેશતાં વેંત તેને નમન કરી તેને મંદિર ગણતા હોવાનું ચિત્ર આપી દીધું. શપથવિધિમાં સાર્ક દેશોના વડાઓ, જેમાં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફનો સમાવેશ થાય છે, તેમને બોલાવી બધાને ચોંકાવી દીધા હતા કારણકે તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાનનો જ અનુભવ ધરાવતા મોદીને વિદેશનીતિમાં શું ખબર પડે અને મુસ્લિમ વિરોધી ગુજરાત રમખાણોને મૂંગા મોઢે જોનારાને પાકિસ્તાન કે મુસ્લિમ દેશો ભાવ પણ નહીં આપે તેવો કુપ્રચાર દેશના સેક્યુલર-લિબરલોએ કરેલો. મોદીએ બીજા જ દિવસે નવાઝ શરીફ સાથે હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી પોતાની સરકારનું કામકાજ શરૂ કરી દીધું હતું. કેબિનેટની પહેલી જ બેઠકમાં કાળાં નાણાં અંગે વિશેષ તપાસ ટુકડી રચી નાખી હતી. આ ઉપરાંત, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, ઉજાલા યોજના, મુદ્રા દ્વારા યુવાનોને લૉન, સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયામાં નાનીમોટી ખામી છતાં ગરીબો-મહિલાઓ અને યુવાનોને લાભદાયી નિવડી હતી.

સૌજન્ય: ઇન્ટરનેટ

નોટબંધી દ્વારા કાળાં નાણાં કેશમાં ધરાવનારાઓને ફટકો પડ્યો એટલે આ બોલકા વર્ગે ખૂબ જ ગોકીરો મચાવ્યો, પરંતુ ગરીબોને તો એવું લાગ્યું કે આ લોકો સામે પગલાં લેનારું કોઈ છે! તે પછી વડા પ્રધાન આવાસ યોજના, આયુષમાન ભારત યોજના, જેનેરિક દવાઓના સ્ટૉર, ૧૮ હજાર ગામડાંઓમાં વીજળી પહોંચાડવી, પોતે સાવરણો પકડી સ્વચ્છતા અભિયાન દ્વારા ગંદકી હટાવવી અને તેના દ્વારા રોગનિવારણનો બહુ મોટો પ્રયાસ, સફાઈ કર્મચારીઓના પગ ધોવા… વગેરે અનેક ગરીબોલક્ષી પગલાં તથા નીમ કૉટેડ યુરિયા, કિસાન સન્માન નીધિ, સૉઇલ હૅલ્થ કાર્ડ, ટેકાના દોઢ ગણા ભાવ વગેરે જેવા ખેડૂતલક્ષી પગલાં, સુપ્રીમ કૉર્ટના ચુકાદા પછી એસ.સી.-એસ.ટી. કાયદો પુનઃસ્થાપિત કરી કથિત દલિતોને સંતોષવા, ૧૦ ટકા અનામત દ્વારા આર્થિક પછાત કથિત સવર્ણોને સંતોષવા, મુસ્લિમ મહિલાઓ માટે હિંમતપૂર્વક ટ્રિપલ તલાકને રદ્દ કરતો વટહુકમ લાવવો, યમન, સિરિયા, પાકિસ્તાન વગેરે દેશોમાં ખ્રિસ્તી-મુસ્લિમ ફસાયેલા હોય તો તેમને ઉગારવા, મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી છૂટ આપવી, પૂર્વોત્તર ભારતમાં બોગિબિલ બ્રિજથી લઈને અનેક વિકાસનાં કાર્યો, ગુજરાતમાં વારંવાર મુલાકાતો દરમિયાન નર્મદા યોજનાથી લઈને સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, રૉ રૉ ફેરી, રાજકોટને ગ્રીન ફિલ્ડ ઍરપૉર્ટ, એઇમ્સ, ઝારખંડને  એઇમ્સ, પાવરપ્લાન્ટ, આમ ચહુમુખી વિકાસ કર્યો.

રેલવે બજેટ બંધ કર્યું. ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં જ નાણાં અંદાજપત્ર આપવું તેવી અંગ્રેજોના સમયની ખોટી પ્રથા બંધ કરી. અંગ્રેજોના સમયના અનેક કાયદાઓ રદ્દ કર્યા. ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓની ભરતીમાં ઇન્ટરવ્યૂ પ્રથા બંધ કરી. સર્ટિફિકેટની ખરાઈ માટે ગેઝેટેડ અધિકારી કે ધારાસભ્યની સહી જોઈએ જ તેવો કાયદો બંધ કર્યો. મોદી વડા પ્રધાન બન્યાના એક વર્ષમાં જ યુનો દ્વારા યોગ દિવસની મંજૂરી ૧૫૦ આસપાસના દેશો દ્વારા અપાવી શક્યા. ઉડી હુમલા પછી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં સેનાને ત્રાટકવા મંજૂરી, પુલવામા હુમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને સેનાને ત્રાટકવાની મંજૂરી તેમણે રાજકીય જોખમ વહોરીને આપી હતી, કારણકે કેદારનાથમાં ધ્યાન કરવા જતા મોદીની ટીકા કરનારા વિરોધીઓ જો સેનાના જવાનો આ કાર્યવાહીમાં શહીદ થાત તો મોદીનું જીવવાનું હરામ કરી નાખત.

હિન્દુવાદીઓ ખુશ થાય તે રીતે કાશ્મીરમાં સેનાને પૂરી છૂટ આપી અનેક ત્રાસવાદીઓનો ખાતમો કર્યો. અયોધ્યામાં દિવાળી ઉજવવાનું યોગી આદિત્યનાથનું પગલું…મહાકુંભની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડે તે રીતે ઉજવણી…રામાયણ સર્કિટ માટે નેપાળ સાથે સહયોગનો પ્રયાસ…યુએઇ જેવા ઇસ્લામિક દેશમાં સ્વામિનારાયણ મંદિર માટે મંજૂરી…બ્રેકિંગ ઇન્ડિયાવાળી અનેક એનજીઓ પર કાયદો કસી બંધ કરી…

અલબત્ત, આ બધું કંઈ એકલું મોદીએ કર્યું છે તેવું નથી. સુષમા સ્વરાજ, વી. કે. સિંહ, અરુણ જેટલી, પીયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, સુરેશ પ્રભુની યોગ્ય અને નિપુણ પ્રધાનોની ટીમનો તેમને સહયોગ પ્રાપ્ત થયો. સુરેશ પ્રભુએ શરૂઆત કરી અને પછી સુષમા સ્વરાજે જે આગળ ધપાવી તે ટ્વિટર પર લોકોની ફરિયાદ સાંભળી તેનું નિવારણ લાવવું. લોકોને લાગ્યું કે હા, અમારું પણ કોઈ છે! ઘણા કેસોમાં તો ચટ મંગની પટ બ્યાહ થયું..

હવે? વર્ષ ૨૦૧૪-૧૯ દરમિયાન ઘણું તૂતૂમૈંમૈં થયું. સૉશિયલ મિડિયા હોય કે ટીવી ડિબેટ…કે પછી જાહેરમાં મુલાકાત…ભાજપ-કૉંગ્રેસની સાથે સામાન્ય લોકો વચ્ચે પણ આ રાજકારણના લીધે ખટાશ આવી. હવે તે જવી જોઈએ. વિપક્ષ પણ આત્મમંથન કરી સકારાત્મક રાજકારણ કરશે તો ફરીથી સત્તામાં આવી શકશે. જાતિવાદ નહીં, પણ રાષ્ટ્રવાદ અને કોઈનું તુષ્ટિકરણ નહીં, કોઈને અન્યાય નહીં આવું સૂત્ર અપનાવશે અને જ્યાં સરકાર કાચી પડે ત્યાં કાન આમળશે તો જરૂર લોકોનો પ્રેમ ફરીથી સંપાદિત કરી શકશે.

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.