Home » ‘સાવરકર’ને પણ વીસ…સત્તાની વિચારસરણી ફિલ્મોમાં?

‘સાવરકર’ને પણ વીસ…સત્તાની વિચારસરણી ફિલ્મોમાં?

by Jaywant Pandya

‘લગાન’ અને ‘ગદર’ને વીસ વર્ષ પૂરાં થયાની ચર્ચા છે.  સેક્યુલર મિડિયાને ચર્ચા આમ તો ‘લગાન’ની જ કરવાની હતી પણ લોકો ‘ગદર’ની યાદ અપાવે એટલે તેની પણ કરી લીધી. પરંતુ ‘વીર સાવરકર’નેય વીસ વર્ષ પૂરાં થયાં છે.

ફિલ્મ સમાજનો આયનો કહેવાય છે પણ એ સાંપ્રત સત્તાની વિચારસરણીનો પણ આયનો હોય છે. ૧૯૫૦ના દાયકામાં આવેલી ‘આવારા’, ‘શ્રી ૪૨૦’, ‘પ્યાસા’ વગેરે પર સામ્યવાદનો પ્રભાવ હતો. ગરીબી હોવાનું ગર્વ હતું. ધનવાનને ધિક્કારાતા.

મનોજકુમારની ‘શહીદ’ અને ‘ઉપકાર’ નહેરુના ગયા પછી આવી છે. એંગ્રી યંગ મેન જે સડેલી પ્રણાલિને તોડે છે તે ઈન્દિરા ગાંધી યુગની દેન છે. રાજીવ ગાંધી યુગમાં ‘કુદરત કા કાનૂન’, ‘કાનૂન અપના અપના’, ભ્રષ્ટ રાજકારણીઓની ‘આજ કા એમએલએ’, ‘ઇન્કલાબ’ વગેરે, દહેજ અને સાસુના ત્રાસવાળી ફિલ્મો આવેલી. નરસિંહરાવના સમયમાં કાશ્મીર પર ‘રોજા’, વિલનને હીરો બતાવતી ફિલ્મો ‘બાઝીગર’, ‘અંજામ’, ‘ડર’, ‘ખલનાયક’ આવી તો ‘પરદેશ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘હમ આપ કે હૈ કૌન’ આવી. એનઆરઆઈ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનવા લાગી. ‘તહલકા’, ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’ જેવી દેશભક્તિની ફિલ્મો પણ આ જ સમયગાળાની.  અખંડ ભારતના શિલ્પી ‘સરદાર’ પર ફિલ્મ બનાવવાની હિંમત નહેરુ-ગાંધીવિહોણી સરકારના સમયમાં જ થઈ શકે ને.

અટલબિહારી વાજપેયીનાં છ વર્ષના શાસનમાં એનઆરઆઈવાળો આ ટ્રેન્ડ આગળ વધ્યો પણ શહીદ ભગતસિંહ પર એક નહીં, બે-બે ફિલ્મો આ જમાનામાં બની. એ નોંધવું જોઈએ કે કૉંગ્રેસ માન્ય ન હોય તેવા સ્વતંત્રતા સેનાની પર ફિલ્મ બનતાં ચાલીસેક વર્ષ લાગી ગયા. જોકે રાજીવ ગાંધીના સમયમાં દૂરદર્શન પર આવા સ્વતંત્રતા સેનાનીઓની સિરિયલો ‘રાજ સે સ્વરાજ’ અને ‘કહાં ગયે વો લોગ’ આવેલી.  ઇતિહાસની વીરાંગનાઓ પર હેમામાલિનીની  ‘તેરહ પન્ને’ આવેલી. એ દૂરદર્શન અને ટીવી જગતનો કદાચ સુવર્ણ યુગ હતો.

અટલજીના શાસનમાં ‘લગાન’ ‘ગદર’, ‘૧૬ ડિસેમ્બર’ (ડેની, મિલિન્દ સોમણ), ‘સરફરોશ’, પૂર્વ ભારતની સમસ્યા પર ‘દિલ સે’, પરિવારની વાત કરતી ‘કભી ખુશી કભી ગમ’, કંદહાર જેવા વિમાન અપહરણ કાંડ પર ‘ઝમીન’ આવી.

યુપીએ સરકારમાં કેવી ફિલ્મો બની? ભારત-પાકિસ્તાનની શાંતિ અને ખાસ તો પાકિસ્તાનના લોકોને સારા બતાવતી પણ ભારતીય સૈનિકને હિંસક બતાવતી ‘મૈં હૂં ના’, ત્રાસવાદી તરીકે નિર્દોષને પકડી લેવાય છે તે ‘ખાકી’, ભારત-પાકિસ્તાનની પ્રેમ ગાથા ‘વીર ઝારા’, દૈહિક વ્યભિચારવાળી ‘મર્ડર’, ‘હવસ’, ‘જૂલી’, ‘હેટ સ્ટૉરી’, વગેરે આવી. કૉમેડી ‘ફિર હેરા ફેરી, ‘ભૂલભૂલૈયા’, ‘ચૂપ ચૂપ કે’, ‘હલચલ’, ‘ ‘સિંહ ઇઝ કિંગ’, ‘વેલકમ’ પણ ખરી.

અંડર વર્લ્ડને ગ્લૉરિફાય કરતી ફિલ્મો ઈન્દિરાજીના સમયમાં પણ બની અને વાજપેયીજીના સમયમાં પણ. ‘દીવાર’ એ હાજી મસ્તાન પર આધારિત ફિલ્મ હતી તો દાઉદ ઈબ્રાહીમ પર આધારિત ‘કંપની’ અટલજીના સમયમાં બની અને યુપીએ વખતે પણ ‘વન્સ અપોન અ ટાઇમ’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ અને ‘….વડાલા’, ‘અબ તક છપ્પન’ વગેરે અનેક ફિલ્મો બની. નરેન્દ્ર મોદીના સમયમાં પણ ‘હસીના પાર્કર’ બની.

યુપીએ સરકારમાં ‘સ્વદેશ’, ‘રંગ દે બસંતી’, ‘ચક દે ઇન્ડિયા’, ‘એલઓસી કારગિલ’, ‘લક્ષ્ય’, જેવી દેશભક્તિની ફિલ્મો આવી.

નરેન્દ્ર મોદીના સત્તારૂઢ થયા પછી કેવી ફિલ્મો આવી? એક તરફ ‘ઉડતા પંજાબ’, ‘વીરે દી વેડિંગ’, ‘લિપસ્ટિક અંડર માય બુરખા’, જેવી ફિલ્મો આવી, તો ‘બેબી’ અને ‘બજરંગી ભાઈજાન’, ‘ઉડી: સર્જિકલ સ્ટ્રાઇક’, જેવી ફિલ્મો આવી જેમાં હીરો ઇસ્લામિક દેશમાં જઈ પરાક્રમ કરી આવે છે. પહેલી વાર સંઘના સ્વયંસેવકને હીરો બતાવાયો. ‘બાહુબલી’ જેવી હિન્દુવાદીઓને બહુ પસંદ પડેલી ફિલ્મ આવી. ઈરાક-કુવૈત યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીયોની કથાવાળી ‘ઍરલિફ્ટ’ અને વિમાન અપહરણવાળી ‘નીરજા’ આવી તો અસ્પૃશ્ય વિષયોવાળી ‘ટોઇલેટ એક પ્રેમ કથા’, ‘પેડમેન’ પણ આવી. ભૂલાઈ ગયેલા નાયકો ‘બાજીરાવ મસ્તાની, ‘પદ્માવત’, ‘કેસરી’, ‘તાન્હાજી’ ‘મણિકર્ણિકા’, અને ‘ગૉલ્ડ’ દ્વારા તાજા થયા. ‘ઠાકરે’, ‘ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘ધોની’ ‘અઝહર’, ‘સંજુ’, ‘મહારાની’ જેવી આત્મકથાત્મક ફિલ્મો આવી. જોકે મોદીના સમયમાં આવેલી મોટા ભાગની વેબસીરિઝોએ સંસ્કૃતિ, પરિવાર, મૂલ્યો, હિન્દુ ધર્મનાં ચિહ્નો વગેરેનું ખૂબ જ નકારાત્મક ચિત્રણ કર્યું.

શું સત્તાની વિચારસરણીનું પ્રતિબિંબ તે સમયની ફિલ્મોમાં પડે છે? જવાબ ઉપરની યાદીમાંથી મળી જશે. જોકે આ યાદી સંપૂર્ણ નથી. યાદ આવી એટલી અને મહત્ત્વની ફિલ્મોનો જ ઉલ્લેખ કર્યો છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment