Home » અલ્જીરિયામાં જિહાદમાં દોઢ લાખ લોકો માર્યા ગયા!

અલ્જીરિયામાં જિહાદમાં દોઢ લાખ લોકો માર્યા ગયા!

by Jaywant Pandya

અલ્જીરિયામાં જિહાદ લેખાંક: ૪

સબ હેડિંગ: ગર્ભવતી મહિલાઓને ખુલ્લામાં કાકડીની જેમ કાપી નાખવામાં આવતી. બાળકોને દીવાલો સાથે અફળાવી મારી નખાતાં! પુરુષોનાં અવયવો એક પછી એક કાપી નખાતાં. યુવતીઓને સેક્સ દાસીઓ બનાવાતી. જીઆઈએના નેતા અંટાર જોઉઅબ્રીએ કહ્યું કે આ તો અલ્લાહને ધરાવાયેલો બલિ છે.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, ૩૧/૭/૨૦૨૧)

(ગયા અંકથી ચાલુ)

નવા સુધારા પછી પહેલી વાર ૧૨ જૂન ૧૯૯૦માં પ્રથમ મુક્ત ચૂંટણી યોજાઈ જે સ્થાનિક ચૂંટણી હતી. તેમાં અલ્જીરિયાના મતદારોએ નવા કટ્ટર પક્ષ એફઆઈએસને પસંદ કર્યો. સ્થાનિક પ્રશાસનમાં આવતા, એફઆઈએસને લોકો વખાણવા લાગ્યા કારણકે એફએલએનના શાસકો ભ્રષ્ટાચારી, સરમુખત્યારશાહી અને અકાર્યક્ષમ થઈ ગયા હતા. પરંતુ લોકોનો ભ્રમ જલદી તૂટી ગયો. એફઆઈએસએ આવતાં વેંત જે કર્યું તેનાથી ફ્રેન્ચ બોલતો વર્ગ ડરવા લાગ્યો. એફઆઈએસે નગરપાલિકાની મહિલા કર્મચારીઓ માટે બુરખો ફરજિયાત કર્યો હતો! દારૂની દુકાનો, વિડિયો પાર્લરો, અને અન્ય એવી દુકાનો જે ઇસ્લામ વિરુદ્ધ હતી તેને બંધ કરવા આદેશ કર્યો. લિંગ પ્રમાણે સ્નાનના વિસ્તારો અલગ કરી દીધા.

એફઆઈએસના સહ સ્થાપક અલી બેનહેદ્જ (જેમણે કહેલું કે કાફિરોને મારી નાખવા આવશ્યક છે.” તેમણે અલ્જીરિયાને ફ્રાન્સના બૌદ્ધિક અને વૈચારિક રીતે પ્રભાવથી મુક્ત કરવા હાકલ કરી. તેમના આવું કહેવાથી કટ્ટર લોકો ઘરેઘરે જઈ સેટેલાઇટ ડિશો દૂર કરવા લાગ્યા જેથી યુરોપીય ચેનલો ન આવે, પરંતુ સાથે અરબી સેટેલાઇટ ડિશો નાખતા જેથી સાઉદી અરેબિયાનું પ્રસારણ આવે. શિક્ષણમાં વધુ ને વધુ અરબીકરણ થવા લાગ્યું, ત્યાં સુધી કે મેડિકલ અને ઈજનેરીમાં પણ ફ્રેન્ચના બદલે અરબી દાખલ થઈ.

અહીં સુધી કદાચ અલ્જીરિયાના મુખ્ય શાસક એફએલએનને વાંધો ન હોત. પરંતુ જ્યારે અખાતનું યુદ્ધ એટલે કે ઈરાક વિરુદ્ધ કુવૈત અને પછી અમેરિકા વિરુદ્ધ ઈરાક યુદ્ધ ૧૯૯૧માં થયું ત્યારે એફઆઈએસે સદ્દામ હુસૈનની તરફેણમાં મોટા પાયે દેખાવો કર્યા. અહીં સુધી પણ વાંધો ન હતો. પરંતુ તે પછી અલી બેન્હેદ્જે આગ ઝરતું ભાષણ આપ્યું અને મુસ્લિમોને સદ્દામ માટે લડવા જવા હાકલ કરી. આથી અલ્જીરિયાની સેનાને આ પોતાની સત્તા સામે જોખમ લાગ્યું.

લેખાંક ૧: આઠમી સદીમાં ઉમયાદના આક્રમણ પછી અલ્જીરિયનો મોટા પાયે મુસ્લિમ બન્યા

લેખાંક ૨:  સ્વતંત્રતા પછી ઇસ્લામિક કાયદાઓ લાગુ કરાયા તો પણ કટ્ટરોને સંતોષ ન થયો!

લેખાંક ૩: અલ્જીરિયામાં વસતિ વિસ્ફોટથી રમખાણો અને અંતે જિહાદ તરફ ગતિ

દરમિયાનમાં, કોઈક મુદ્દે એફઆઈએસે હડતાળ પાડી. તેના પગલે હિંસા ફાટી નીકળી. આથી ૩ જૂન ૧૯૯૧ના રોજ કટોકટી જાહેર થઈ. અનેક બંધારણીય અધિકારો નિલંબિત થઈ ગયા. સંસદની ચૂંટણી ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી. બે મહિનાની અંદર જ એફઆઈએસના બે નેતા મદની અને બેન્હેદ્જની ધરપકડ કરાઈ. તેમને ૧૨ વર્ષની જેલની સજા કરવામાં આવી. અફઘાનિસ્તાનમાં રશિયા સામે લડવા જે જિહાદીઓને મોકલાયા હતા તે પરત ફરીને કંઈ સુધરી નહોતા ગયા. તેમણે અને ગયા અંકે જેમની વાત આપણે કરી હતી તે સશસ્ત્ર ઇસ્લામિક ચળવળ (ઇસ્લામિક આર્મ્ડ મૂવમેન્ટ)ના પ્રણેતા મુસ્તફા બોઉયલીના અનુયાયીઓમાં જિહાદ માટે થનગનાટ વધ્યો. જિહાદનું પહેલું કૃત્ય ૨૮ નવેમ્બર ૧૯૯૧ના રોજ થયું જ્યારે ગુએમ્માર ખાતે એક સરહદી ચોકી પર હુમલો કરાયો. સૈનિકોનાં માથાં વાઢી નખાયાં.

સ્વાભાવિક આ પછી જે ચૂંટણીઓ થઈ તેમાં એફઆઈએસ વિજયી થયો. એફઆઈએસ હવે શાસક પક્ષ સામે ખુલીને ધમકી આપવા લાગ્યો. તે તેને ફ્રેન્ચ તરફી, દેશદ્રોહી અને ભ્રષ્ટ ગણાવતો હતો. અમેરિકાને પણ હવે ચિંતા થવા લાગી. તેના વિદેશ રાજ્ય પ્રધાને ચિંતા વ્યક્ત કરી કે એફઆઈએસ “એક માણસ, એક મત, એક સમય”ની સરકાર હશે. સ્વાભાવિક જ અમેરિકાનો ઈશારો થઈ ચૂક્યો હતો. (આમ તો અમેરિકાએ જ સાઉદીનો પક્ષ હંમેશાં લીધો છે અને જિહાદીઓ તૈયાર કરવામાં બંને ભાગીદારો છે. પરંતુ જ્યારે અમેરિકાને લાગે કે હવે પાણી ગળા સુધી આવી ગયું છે ત્યારે તે તેમને પતાવી દે છે.)

આથી ૧૧ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ સેનાએ બળવો કરી દીધો. તેણે ચૂંટણી પ્રક્રિયા નિરસ્ત કરી દીધી અને પ્રમુખ બેન્જેડિડને ત્યાગપત્ર આપવા વિવશ કર્યા. તે દેશવટો ભોગવી રહેલા મોહમ્મદ બોઉડીઅફને લઈ આવી પરંતુ ૨૯ જૂન ૧૯૯૨ના રોજ તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી નાખી. સેનાએ એફઆઈએસના અંદાજે ૫,૦૦૦ અને ખાનગી અંદાજ મુજબ ૪૨,૦૦૦ લોકોની ધરપકડ કરી. એફઆઈએસના જે કાર્યકર્તાઓ બહાર રહી ગયા હતા તેમણે જિહાદને હવે તીવ્ર બનાવી. માર્ચ ૧૯૯૩માં યુનિવર્સિટી, બુદ્ધીજીવીઓ, લેખકો, પત્રકારો અને ડૉક્ટરોની મોટા પાયે હત્યા થઈ. આ લોકોનો ગુનો શું હતો? તેમને સત્તા સાથે કોઈ લેવા-દેવા નહોતી. તેઓ ફ્રેન્ચ ભાષા બોલતા હતા.

આને આપણે ત્યાંની સ્થિતિ સાથે સરખાવીએ. આપણે ત્યાં અંગ્રેજી બોલતો મોટા ભાગનો વર્ગ હિન્દુ વિરોધી અને મુસ્લિમ-ખ્રિસ્તી તરફી હોય છે. અંગ્રેજી સેક્યુલર મિડિયામાં પણ આવું જોવા મળે છે. નાની મારામારી થાય તો તેને હિન્દુ બહુમતીવાદ- મેજોરિટેરિયનિઝમનું નામ આપી દે છે. વાતને છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડાય છે. દેશમાં કોઈ પણ પક્ષની સરકાર હોય, ભારતની છબિ બગાડવા માગતી સંસ્થાઓ, વિદેશની સંસદીય સમિતિઓ બધા લાકડી લઈને તૈયાર જ બેઠા હોય છે અને ભારતની સરકારોને અલ્પસંખ્યકોની રક્ષા નહીં કરવા માટે ખખડાવી નાખે છે. પરંતુ આ જ અંગ્રેજી બોલતો મુસ્લિમ-ખ્રિસ્તીની ખોટી તરફેણ અને હિન્દુ વિરોધ કરતો વર્ગ જ્યારે કટ્ટર મુસ્લિમોની સામે આવે છે ત્યારે તેમને આ કટ્ટરો બક્ષતા નથી. આનું તાજું ઉદાહરણ દાનિશ સિદ્દિકી નામનો ફૉટો જર્નાલિસ્ટ છે જે તાલિબાનોના હાથે માર્યો ગયો. તેને માત્ર ગોળી જ ન મારી, પરંતુ તેના પર કાર ચડાવી દેવાઈ. આમ છતાં, રવીશકુમાર જેવા સેક્યુલર પત્રકારો સુધરતા નથી. તેમણે તેને શ્રદ્ધાંજલી આપતી વખતે “તાલિબાન” શબ્દ લખવાનું ટાળ્યું અને ગોળીઓ પર ધિક્કાર વરસાવ્યો!

આ રીતે આ જિહાદીઓ નાગરિકોની હત્યાઓ કરવા લાગ્યા. આ એક બીજું ક્રૂર પાસું છે જિહાદીઓનું. તમે મોહમ્મદ બિન કાસીમથી લઈને અનેક ઇસ્લામિક આક્રાંતાઓની લડાઈઓ જોજો. તેમાં માત્ર રાજાને નિશાન નહીં બનાવાય, તેના કુટુંબને, તેની સ્ત્રીઓ, બાળકોને નિશાન તો બનાવાશે જ પરંતુ તેના રાજ્યની પ્રજા-મહિલાઓ અને બાળકોને પણ નિશાન બનાવાશે અને મંદિરોને-સંપત્તિને તોડીફોડી નખાશે. ભારતમાં પણ રાજાઓ યુદ્ધ કરતા જ હતા પરંતુ તેમણે ક્યારેય એકબીજાના રાજ્યની પ્રજાને નુકસાન નથી કર્યું. કોઈ મહિલા પર બળાત્કાર નથી કર્યા. સંપત્તિને નુકસાન નથી પહોંચાડ્યું. એકબીજાનાં મંદિરો (જેમ કે શૈવ કે વૈષ્ણવ)ને તોડ્યાં નથી.

દરમિયાનમાં સેના સામે પહેલો સૌથી મોટો બળવો ઇસ્લામિક આર્મ્ડ મૂવમેન્ટ (એમઆઈએ)એ કર્યો. તેનું નેતૃત્વ પૂર્વ સૈનિક જનરલ અબ્ડેલકાદેર ચેબોઉતી (સંભવત: અબ્દુલ કાદીરનું અપભ્રશં હોઈ શકે.)એ કર્યું. આ જૂથ લડાઈમાં આગળ આવ્યું તો બીજાં પણ કેમ બહાર રહી જાય? આર્મ્ડ ઇસ્લામિક ગ્રૂપ (જીઆઈએ) પણ મેદાનમાં આવી ગયું. તેણે સરકાર અને એફઆઈએસ બંનેનો વિરોધ કર્યો. આમ, આ લડાઈ જિહાદ કરતાં વધુ તો સત્તા મેળવવાની હતી તે સ્પષ્ટ હતું. જિહાદ પણ દુનિયાભરમાં ઇસ્લામનું શાસન સ્થાપવાના નામે પોતાની સત્તા સ્થાપવાની જ લડાઈ છે. માનો કે ન કરે નારાયણ અને ભારત આખું મુસ્લિમ થઈ જાય તો શું જિહાદનો અંત આવશે? શું કટ્ટર મુસ્લિમો શાંતિપ્રિય થઈ જશે? ના. જે હિંસાનું ઝેર તેઓ પીતા આવ્યા છે તે ઓકવાનું ચાલુ જ રાખશે. ઇસ્લામિક દેશોમાં સુન્ની-શિયા કેમ લડે છે?

આટલાં બધાં જૂથો બહાર આવ્યાં એટલે તેમને એક કરવા ચેબોઉતીએ પ્રયાસો શરૂ કર્યા. પરંતુ તે નિષ્ફળ ગયા. ૧૯૯૩માં આ જિહાદીઓ વચ્ચે મતભેદો વધ્યા. એમઆઈએ અને એમઇએ સુરક્ષા દળોને નિશાન બનાવતાં તો જીઆઈએ શહેરી વિસ્તારોમાં સરકારને જે કોઈ સમર્થન કરતા હોય તેને નિશાન બનાવતા. ઘણા સરકારી કર્મચારીઓ જેમ કે શિક્ષકોની પણ તેઓ હત્યા કરી દેતા. તે પત્રકારો અને બુદ્ધીજીવીઓની પણ હત્યા કરવા લાગ્યું. તેઓ કહેતા કે જે પત્રકારો ઇસ્લામ સામે કલમથી લડશે તેમની તલવારથી હત્યા કરી દેવામાં આવશે. તેઓ જે પ્રતિબંધો મૂકે તેને માનવા નનૈયો ભણનાર નાગરિકોની હત્યા પણ તેઓ કરવા લાગ્યા. સપ્ટેમ્બર ૧૯૯૩માં તેઓ વિદેશીઓને પણ નિશાન બનાવવા લાગ્યા. (આ બધું આપણે ભારતમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦થી ૨૦૧૪ સુધીના સમયગાળામાં જોઈ ચૂક્યા છીએ.)

દરમ્યાનમાં અલ્જીરિયાની વિશ્વ નાણાં સંસ્થા આઈએમએફ સાથે મંત્રણા પછી આર્થિક સ્થિતિ સુધરવા લાગી હતી અને નવા પ્રમુખ તરીકે જનરલ લિયામિન ઝેરોઉઅલ આવ્યા હતા. તેમણે પદભાર સંભાળતા વેંત એફઆઈએસના જેલમાં પુરાયેલા નેતાઓ સાથે મંત્રણાઓ શરૂ કરી. તેમણે જેલમાં બંધ કેટલાક કેદીઓને છોડી મૂક્યા. પરંતુ આ વાત હવે સરકાર તરફી લડાયક સંગઠનોને ન પસંદ પડી. ઑર્ગેનાઇઝેશન ઑફ યંગ ફ્રી અલ્જીરિયન્સ (ઓજેએએલ) બન્યું અને તેણે ઇસ્લામના સમર્થક નાગરિકો પર હુમલા શરૂ કર્યા. ૧૦ માર્ચ ૧૯૯૪ના રોજ જેલમાંથી ૧,૦૦૦ કેદીઓ (મોટા ભાગના જિહાદીઓ) ભાગી છૂટ્યા. દરમિયાનમાં જીઆઈએ સંગઠન એફઆઈએસ કરતાં વધુ ચડિયાતું જિહાદી સંગઠન ૧૯૯૪માં પૂરવાર થયું. હવે ઘણા જિહાદી નેતાઓ જીઆઈએમાં જોડાવા લાગ્યા હતા.

આ જિહાદ શરૂઆતમાં તો સારી લાગતી હોય છે પરંતુ તે પછી મુસ્લિમો માટે જ કેવી ભારે પડી જતી હોય છે અને જિહાદી જે હકીકતમાં ગુંડા જ હોય છે તે મુસ્લિમ પ્રજાને જ કેવી ત્રાહિમામ પોકારાવી દે છે તેનો ઉત્તમ દાખલો અલ્જીરિયામાં જોવા મળ્યો. આ જિહાદ માટે અલ્જીરિયાની મુસ્લિમ પ્રજા પૈસા આપતી હતી. તેમને હતું કે આ જિહાદીઓ ભ્રષ્ટ સરકારથી છૂટકારો અપાવશે. પરંતુ ધીમે ધીમે સમય વિતતા તેઓ જે સ્વૈચ્છિક ઇસ્લામિક ટૅક્સ આપતા હતા તે મોટા પાયે ખંડણીનું કૌભાંડ બની ગયો.

સત્તા માટેની લડાઈ વરવી બની ગઈ. ૨૬ ઑગસ્ટે જીઆઈએએ ઑગસ્ટમાં ખિલાફતનું અથવા તો ઇસ્લામિક શાસન જાહેર કર્યું અને ચેરિફ ગૌસમી (ગોસ્વામીનું અપભ્રંશ લાગે છે ને. પરંતુ એ શક્ય નથી.)ને શ્રદ્ધાળુઓના કમાન્ડર જાહેર કર્યા. એટલે સઈદ મેખલોઉફી જીઆઈએમાંથી નીકળી ગયા. આવા જિહાદીઓ જે કંઈ કરે તે ઇસ્લામના નામે જ કરે. હકીકતમાં તેમનો ઈરાદો પોતાની સત્તા અને પૈસા જ હોય છે. આ મેખલોઉફીએ પણ આવું જ કર્યું. તેમણે કહ્યું કે જીઆઈએ હવે ઇસ્લામના રસ્તેથી ભટકી ગયું છે. દરમિયાનમાં જીઆઈએએ તેના હુમલાઓ ચાલુ જ રાખ્યા અને ચેબ હસની જેવા ગાયક-કલાકારોની હત્યાઓ કરે રાખી. ઑક્ટોબરમાં સરકારે એફઆઈએસ સાથે મંત્રણા નિષ્ફળ જાહેર કરી. ૧૬ નવેમ્બર ૧૯૯૫ના રોજ થયેલી ચૂંટણીમાં આ જિહાદીઓને ભારે લપડાક પડી. લિયામિન ઝેરોઉઅલ ૬૦ ટકા મત સાથે ચૂંટાઈ આવ્યા. લોકોએ જિહાદીઓને જાકારો આપ્યો. એફઆઈએસે અલ્જીરિયનોને આ ચૂંટણીનો બહિષ્કાર કરવા અને જીઆઈએએ જે લોકો મત આપશે તેમની હત્યા કરીશું તેવી ધમકીઓ આપી હતી તો પણ લોકોએ નિડર બનીને મોટા પાયે મતદાન કર્યું. અગાઉ જે મધ્યમ વર્ગીય મુસ્લિમો એફઆઈએસ તરફ ચૂંટણીમાં ઢળ્યા હતા તેઓ અંતહીન હિંસા અને જિહાદના નામે ગુંડાગીરીથી ત્રાસી ગયા હતા.

આના પડઘા એફઆઈએસ અને જીઆઈએ બંનેમાં પડ્યા. એફઆઈએસના રબાહ કેબીર (કે કબીર?)એ સરકાર પ્રત્યે નરમ અભિગમ કેળવવા લાગ્યો. પરંતુ આ વાત પક્ષના નેતાઓને પચી નહીં. જીઆઈએમાં પણ આંતરિક વિખવાદ વધવા લાગ્યો હતો. ચૂંટણી પછી તરત જ તેના નેતાઓએ જીઆઈએમાં જોડાયેલા એફઆઈએસના નેતાઓની હત્યા કરી.

પરંતુ આનાથી કંઈ જિહાદનો અંત આવવાનો નહોતો. ૧૯૯૬માં જીઆઈએના નેતા ડજામેલ ઝિતઉનીની જીઆઈએના જ અલગ પડેલા જૂથે હત્યા કરી અને અંટાર જોઉઅબ્રીએ જીઆઈએનું નેતૃત્વ સંભાળ્યું જે ઝિતઉની કરતાં પણ વધુ ખૂંખાર સાબિત થયા. ૧૯૯૭માં સંસદીય ચૂંટણી થઈ અને પ્રમુખ ઝેરોઉઅલના સમર્થનમાં બનેલા નવા પક્ષ નેશનલ ડેમોક્રેટિક રેલી (આરએનડી)ને ૩૮૦માંથી ૧૫૬ બેઠકો મળી. આરએનડી, એફએલએન અને એમએસપીએ મોરચા સરકાર બનાવી. (ભારતમાં પણ આ સમય મોરચા સરકારનો જ હતો.) પરંતુ આ સમયે અલ્જીરિયાનાં ગામડાંઓમાં મોટા પાયે હત્યાઓ અને તે પણ ક્રૂર રીતે થવા લાગી. આ હત્યાઓ ૧૯૯૮ સુધી ચાલી. ગર્ભવતી મહિલાઓને ખુલ્લામાં કાકડીની જેમ કાપી નાખવામાં આવતી. બાળકોને દીવાલો સાથે અફળાવી મારી નખાતાં! પુરુષોનાં અવયવો એક પછી એક કાપી નખાતાં. યુવતીઓને સેક્સ દાસીઓની જેમ રખાતી. જીઆઈએના નવા નેતા અંટાર જોઉઅબ્રીએ આ હત્યાઓ માટે જવાબદારી સ્વીકારી તેનો એમ કહી બચાવ કર્યો કે આ તો અલ્લાહને ધરાવાયેલો બલિ છે. તેમણે જાહેર કર્યું કે જે અમારી સાથે નથી તેઓ મરવાને જ પાત્ર છે!

તમે જુઓ કે ૧૯૯૧થી શરૂ થયેલી આ જિહાદને સાત વર્ષ થઈ ગયાં પણ અમેરિકાથી માંડીને યુરોપ આ જોતા જ રહ્યા. એનો એક અર્થ તો એવો થાય ને કે તેમનું આને મૂક સમર્થન હતું? છેવટે આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં યુરોપીય સંઘે ૧૯૯૮માં બે પ્રતિનિધિમંડળ અલ્જીરિયા મોકલ્યા. દરમિયાનમાં આવા ક્રૂર હત્યાકાંડથી ક્યાંક જીઆઈએના કેટલાક લોકોમાં પણ માંહ્યલો જાગ્યો કે રામ જાણે, પણ તેના કમાન્ડરોમાં ફૂટ પડવા લાગી. તેઓ આ રીતે હત્યાઓ કરવા સામે વિરોધ કરતા હતા.

૧૧ સપ્ટેમ્બરે પ્રમુખ ઝેરોઉઅલે ત્યાગપત્ર આપીને બધાને ચોંકાવી દીધા. ૧૫ એપ્રિલ ૧૯૯૯ના રોજ નવી ચૂંટણીમાં સેનાના સમર્થનવાળા અને સ્વતંત્રતા સેનાની અબ્દેલઅઝીઝ બોઉતેફ્લિકા ઝેરોઉઅલ કરતાંય વધુ ૭૪ ટકા મત સાથે ચૂંટાઈ આવ્યા. તેમણે નાગરિક સંવાદિતા ધારો સંસદમાં પસાર કરાવ્યો જેના હેઠળ જિહાદીઓને બળાત્કાર કે હત્યાની કાર્યવાહીથી મુક્તિ મળી જતી હતી. ૧૧ જાન્યુઆરી ૨૦૦૦ પછી એઆઈએસ પૂરી રીતે સમાપ્ત થઈ ગયો. જીઆઈએમાંથી અનેક લોકો નીકળી ગયા. તે પછી કેટલાંક વર્ષમાં સેનાની કડક કાર્યવાહીમાં તે પૂરું નાશ પામ્યું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ અમેરિકાએ ત્રાસવાદી હુમલાઓ ભોગવ્યા પછી તેના ત્રાસવાદ પ્રત્યેના દૃષ્ટિકોણમાં ફેર આવ્યો છે. ભારત પ્રત્યે પણ અભિગમ બદલાયો, તેમ અલ્જીરિયા પ્રત્યે પણ બદલાયો. તેણે જીઆઈએ અને સલાફિસ્ટ ગ્રૂપ ફૉર કૉલ એન્ડ કૉમ્બેટ (જીએસપીસી)ની સંપત્તિ સ્થગિત કરી અને સેનાને ઇન્ફ્રારેડ ગૉગલ્સ આપ્યા.

નવેમ્બર ૧૯૯૧થી ૮ ફેબ્રુઆરી ૨૦૦૨ ચાલેલી આ જિહાદમાં કેટલી બધી ખુવારી થઈ! બોઉતેફ્લિકાએ ૨૦૦૫માં કહ્યું હતું કે આ જિહાદમાં દોઢ લાખ લોકો માર્યા ગયા હતા!

આ જિહાદ ભલે દેખીતી રીતે સમાપ્ત થયેલી લાગે, પરંતુ તે નેતાઓ સમાપ્ત થયા છે, એ વિચારસરણી નહીં. બે વર્ષ પહેલાં અલ્જીરિયામાં બોઉતેફ્લિકા પાંચમી અવધિ માટે ચૂંટણીમાં ઊભા રહ્યા તેના વિરોધમાં લોકો સડકો પર ઉતરી આવ્યા હતા ત્યારે અલ્જીરિયન અને યુરોપીયન નિરીક્ષકોએ ભય બતાવ્યો હતો કે આ ચળવળને કટ્ટર મુસ્લિમો હાઇજેક કરી લેશે. ૧૯૯૦ના દાયકાવાળી જિહાદ પછી અલ્જીરિયન સરકાર કડક અને નરમ એમ બંને પ્રકારના અભિગમ દ્વારા રાજકીય ઇસ્લામના જિહાદી સ્વરૂપને શાંત કરવામાં કંઈક અંશે સફળ તો ગઈ છે, પણ નિરીક્ષકોના માનવા પ્રમાણે, અલ્જીરિયામાં પૉલિટિકલ ઇસ્લામ હવે નથી જ તેમ કહેવું અતિશયોક્તિ ગણાશે. આની સાથે ભારતે પણ ધડો લેવાની આવશ્યકતા છે કારણકે આપણે ત્યાં પણ ૧૯૯૧થી ૨૦૦૨ના સમયમાં ઘટેલી ઘટનાઓ-રમખાણો અને ગયા વર્ષે દિલ્લીમાં થયેલાં રમખાણો, બેંગ્લુરુમાં કટ્ટર મુસ્લિમોએ કરેલી હિંસા, શાહીનબાગના ધરણા બહાને ભારતના ટુકડા કરવાની યોજનાથી ઉત્પન્ન અને સંભવિત જોખમને અવગણી ન જ શકાય.

(સમાપ્ત)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment