Home » “હું લાઇનમાં એટલા માટે ઊભો જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.”

“હું લાઇનમાં એટલા માટે ઊભો જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.”

by Jaywant Pandya

(આ લેખ મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૦/૧૧/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.)

હું જેને નોટિકલ (Note-ical) સ્ટ્રાઇક કહું છું તે ૫૦૦-૧,૦૦૦ની નોટો પર પ્રતિબંધ મૂકાયાની અત્ર, તત્ર, સર્વત્ર, ચોવીસ કલાક ચર્ચા છે. લોકોને બહુ તકલીફ પડી રહી છે તેવું મોટા ભાગનું મિડિયા આપણને બતાવી રહ્યું છે જેમાં ઘણા અંશે સત્યતા પણ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના મંત્રી ઈકબાલ મહેમૂદને માટે એચડીએફસી બૅન્ક બંધ થઈ ગઈ હોવા છતાં ખોલીને તેમને નોટ આપવામાં આવે છે તે દૃશ્ય ૧૭મી નવેમ્બરે બધાએ જોયું. આનાથી રાજકારણીઓ પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે. આ નિર્ણયના લીધે લાઇનમાં ઊભા રહેવાના કારણે કેટલાંક મૃત્યુ થયાંના સમાચાર પણ છે, પરંતુ તેમાં બધાં મૃત્યુ નોટ બંધ કરવાના નિર્ણયના કારણે થયા તેમ કહી શકાય નહીં. દા.ત. કર્ણાટકના ઉડુપીમાં બૅન્ક આગળ લાંબી લાઇનમાં ઊભા રહેલા ૯૬ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. આ દુ:ખદ બનાવ માટે મોદીના નોટબંધીના નિર્ણયને જવાબદાર ગણાવી શકાય? વૃદ્ધના દીકરાનું જ કહેવું છે કે તેના પિતાના મૃત્યુને બૅન્ક આગળ લાઇનમાં ઊભા રહેવા સાથે કોઈ સંબંધ નથી.

આ જ રીતે કેરળમાં બૅન્કની બ્રાન્ચ જ્યાં આવેલી છે ત્યાં બાંધકામ ચાલી રહ્યું હતું અને એક ૪૫ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ બૅન્કમાં પૈસા જમા કરાવ્યા બાદ પડી જવાથી થયું જે કદાચ આ નિર્ણય ન હોત તો પણ થયું હોત.

ગમે તેમ, મૃત્યુ મૃત્યુ જ હોય છે. હૉસ્પિટલમાં પણ નોટબંધીના કારણે મૃત્યુ થયાના દાખલા છે. પરંતુ એકદંરે લોકો ઘણી તકલીફ હોવા છતાં આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે કારણકે તેઓ માને છે કે કેશ બદલવાની સાથે દેશ પણ બદલાઈ રહ્યો છે. વાંધો કોને પડી રહ્યો છે તે દરેક ક્ષેત્રે દેખાઈ રહ્યું છે- ચાહે તે રાજકારણી હોય, મિડિયા હોય કે વેપારી.

મિડિયાનું કામ એક તરફ સરકારના કાન પકડવાનું છે ત્યારે બીજી તરફ પોઝિટિવ વાત દ્વારા અને સાથે જાગૃતિ ફેલાવીને લોકોને ધરપત આપવાનું – શિક્ષિત કરવાનું પણ છે. પરંતુ કેટલાક મિડિયાનું વર્તન દેશ પર જ્યારે આપત્તિ આવે ત્યારે બેજવાબદાર બની જાય છે, ચાહે તે મુંબઈ હુમલા હોય કે નોટ બંધીનો નિર્ણય…

નોટ બંધીના નિર્ણયના કારણે લાઇનો દેખાડવી એ જરૂરી છે પરંતુ સાથે વૃદ્ધો માટે ખુરશી મૂકાય, મુંબઈમાં એચડીએફસી બૅન્કની આગળ ખુરશીમાં બેસાડી શિસ્તબદ્ધ રીતે રાહ જોતા લોકોની રણમાં મીઠી વીરડી સમાન તસવીર કથા જો મિડિયા દેખાડવી પણ એટલી જ જરૂરી નથી? મુંબઈની મેજિક દિલ નામની ડૉક્ટરોની એક સંસ્થાએ કસાઈ તરીકે ઓળખાવા લાગેલા ડૉક્ટરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કટોકટીની ક્ષણોમાં આ સંસ્થા એક મિસ્ડ કૉલ પર ઘરે આવીને ઉધારી પર દર્દીનો ઈલાજ કરી જાય છે!

રાંચીમાં વિનાયક હૉસ્પટલ એન્ડ રિસર્ચ સેન્ટરે ૧૦થી ૧૩ નવેમ્બર દર્દીઓને નિ:શુલ્ક ટ્રીટમેન્ટ આપી. મેંગ્લુરુ આમ તો દક્ષિણ ભારતનું શહેર પરંતુ ત્યાં એક શીખ ભાઈ બલવિન્દરસિંહ વીરડીએ જોયું કે પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. તેમણે તેમના સમાજના લોકોની મદદ માગી. ૨૦ જણા આગળ આવ્યા. તેમણે શહેરના રેલવે મથકે અંદાજે ૨,૦૦૦ લોકોને નિ:શુલ્ક ખોરાક પૂરા પાડ્યા. પંજાબમાં પણ શીખ બંધુઓએ બૅન્ક ગ્રાહકોને લંગાર (નિ:શુલ્ક ભોજન) અને પાણી પૂરું પાડી તેમની માનવતા દર્શાવી. કેરળના એર્નાકુલમના કક્કાનાદમાં એક ચર્ચે રવિવારે પ્રાર્થના (માસ)માં આવેલા ખ્રિસ્તી બંધુઓ માટે તેની બે દાનપેટી ખુલ્લી મૂકી દીધી અને જેમને જરૂર હોય તેમને તેમાંથી પૈસા લેવા છૂટ આપી.

પિઝા હટના કર્મચારીઓએ મુંબઈ, દિલ્લી અને બૅંગ્લુરુમાં લાઇનમાં ઊભેલા લોકોને નિ:શુલ્ક ખોરાક અને પાણી પૂરાં પાડ્યા. તો અમદાવાદ અને રાજકોટમાં ફ્રીલો નામની કંપનીએ પણ બૅન્કની લાઇનમાં ઊભેલા લોકોને વેફર અને પાણીપુરી ખવડાવી. તમિલનાડુની શ્રી બાલાજી હોટલે જેમની પાસે જૂની નોટો જ હતી તેમને બે વિકલ્પ આપ્યા: કાં તો નિ:શુલ્ક જમો અથવા બાદમાં પૈસા આપી જજો.

દેશભક્તિ એટલે માત્ર વંદેમાતરમ્ કે જયહિંદના નારા લગાવવા નથી. પાકિસ્તાન સામે યુદ્ધના પોકાર નથી. સામાન્ય રીતે દરેક આપત્તિમાં આરએસએસના સ્વયંસેવકો તેના ગણવેશમાં સેવા કરવા દોડી જાય છે પરંતુ આ નોટબંધીના આવેશજનક વાતાવરણમાં તેની પ્રત્યક્ષ અનુપસ્થિતિ જણાઈ. ત્યારે અનેક લોકોએ જાતે આગળ આવીને સ્વયંસેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું જેમ કે મુંબઈની એક પત્રકાર પૂજા મહેતા. પૂજાની માતા પંજાબ નેશનલ બૅન્કમાં કર્મચારી છે. એક બૅન્ક કર્મચારીની દીકરી હોવાથી તેને બૅન્કને લગતાં કામોની ચિંતા ક્યારેય રહી નહોતી. પરંતુ તે કાંદિવલી પશ્ચિમમાં આવેલી બૅન્કમાં ગઈ. ત્યાં લોકો સવારે છ વાગ્યાથી બૅન્ક ખોલવાની રાહ જોતાં પંક્તિબદ્ધ હતા. તે તો પત્રકાર તરીકે સ્થિતિ જોવા ગઈ હતી પરંતુ તેને થયું કે તેણે સેવા પૂરી પાડવી જોઈએ.

પૂજાને દસ્તાવેજોની ખરાઈ કરવાનું કામ સોંપાયું. દસ વાગ્યા ત્યારે શટર ખોલવામાં આવ્યું અને આતુર જનતા દાખલ થવા લાગી. બૅન્કના સ્ટાફે પહેલેથી જ તેમને નોટ બદલવાનાં ફૉર્મ અને ટૉકન આપી દીધા હતા. પરંતુ લોકો મૂંઝાયેલા અને થાકેલા હતા. તેમણે કાઉન્ટર પર સૌથી પહેલી પૂજાને જોઈ. પૂજાએ તેમને સ્મિત સાથે આવકાર્યા. કાઉન્ટર પર આવતા લોકો સાથે તે વાત કરતી રહી. તેમનાં મંતવ્યો જાણતી રહી. કેટલાક નિર્ણયની તરફેણમાં હતા તો કેટલાક વિરુદ્ધમાં. પૂજા લખે છે કે “જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેની પાસે એક મિનિટની પણ નવરાશ નહોતી. સાત કલાકમાં માત્ર તેને જમવાનો જ બ્રૅક મળ્યો અને તે પણ ઝડપથી પતાવ્યો.

બૅન્ક પાસે રૂ. ૧૦૦ની ઓછી નોટો હતી. તેથી સ્ટાફને કમને રૂ.૨,૦૦૦ની નોટો આપવી પડતી હતી. આથી લોકો ગુસ્સામાં અથવા હતાશ હતા. આવા સમયે પણ માનવતા દેખાઈ આવી. પૂર્વ સૈનિક એવા સુરક્ષા કર્મચારીને રોષે ભરાયેલા લોકોને નિયંત્રિત કરવા મુશ્કેલ પડી રહ્યા હતા ત્યારે એક ગ્રાહકે સામેથી આવીને લોકોને નિયંત્રિત કરવામાં તેને મદદ કરી.

એક ૮૦ વર્ષના ગુજરાતી વૃદ્ધ નોટ બદલવા આવ્યા તો સ્ટાફે તેમને પ્રાથમિકતા આપી. તેઓ આ બૅન્કના નિયમિત ગ્રાહક હતા તેથી સ્ટાફને ઓળખતા હોય તે સ્વાભાવિક છે. આથી તેમણે પૂજાના રૂપમાં નવો ચહેરો જોઈ પૂછ્યું કે તેને કામચલાઉ આ બ્રાન્ચમાં મૂકવામાં આવી છે કે શું? પૂજાએ કહ્યું કે તે વીકએન્ડમાં સેવા આપવા બેઠી છે. જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂજાને કહ્યું. “હું આ પંક્તિમાં એટલા માટે ઊભો હતો કે જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.” તેમણે પૂજાની સેવા માટે આભાર માન્યો અને ચાલ્યા ગયા. પૂજા કહે છે કે તેમના શબ્દોએ મને ગળગળી કરી નાખી. તેમની આશાભરેલી આંખો અને તેમનું મારી પીઠને થપથપાવાથી મારો દિવસ સુધરી ગયો. તેણે આ રીતે દેશની સેવા કરી તે માટે પૂજા ગર્વ અનુભવે છે.

પૂજા મહેતા જેવો જ એક કિસ્સો નમિતા લહકરનો છે. ગુવાહતીનાં પૂર્વ બૅન્ક કર્મચારી જ્યારે પૈસા જમા કરાવવા ગયાં ત્યારે ત્યાં તેમણે લોકોનો ખૂબ જ ધસારો જોયો. આ જોઈને તેમને થયું કે તેમની પૂર્વ બૅન્કનો સ્ટાફ કામને પહોંચી નહીં વળે. આથી તેઓ મદદ કરવામાં જોડાઈ ગયાં. પંજાબ નેશનલ બૅન્કના પૂર્વ કર્મચારી ક્રિષ્નને પણ આ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની સેવા આપી. ભૂજમાં પોલીસ કર્મચારીઓએ બૅન્કમાં લાઇનમાં ઊભા રહેલા લોકોને પાણી પૂરું પાડ્યું. ઉત્તર પ્રદેશમાં પણ મહિલા પોલીસે બૅન્ક સમક્ષ લાઇનમાં રહેલી મહિલાઓ સહિત લોકોને પાણી આપી માનવતાનો દાખલો બેસાડ્યો. ચેન્નાઈમાં એસબીઆઈની બૅન્કોમાં તો સ્વયંસેવકોનું પૂર આવ્યું. તેમણે લોકોને એક્સચેન્જ ફોર્મ ભરવા, પાણી આપવા સહિતની મદદ કરી. એક બૅન્ક કર્મચારીએ ૧,૨૦૦ ગ્રાહકો માટે પોતાનું જમવાનું જતું કર્યું. આ જોઈ, તેના પિતરાઈ ભાઈ સેન્થિલ નયગમ જે ઉદ્યોગપતિ છે તેમણે ૧૩ નવેમ્બર ને રવિવારે આખો દિવસ વિલિવક્કમમાં એસબીઆઈ બ્રાન્ચમાં સેવા આપી. રાતોરાત ચેન્નાઈમાં ચેન્નાઈ ટ્રાયકલર નામની સંસ્થા રચાઈ જેમાં ૨૦૦ લોકોએ નામ નોંધાવ્યા. તિરુવનમિયુરમાં એક એસબીઆઈ બ્રાન્ચમાં એક વિદેશી પાસે રૂ. ૧,૦૦૦ની ચાર નોટો હતી અને તેને છૂટા નાણાં જોઈતાં હતાં પરંતુ તેણે બંધ થયેલી નોટો બદલાવી લીધી હોઈ બૅન્ક વધુ છૂટા આપી શકે તેમ નહોતી. આ જોઈ સ્વયંસેવકો આગળ આવ્યા અને તેમણે પોતાની પાસે નવી કાઢેલી રૂ. ૨,૦૦૦ની નોટો આપી દીધી!

મોરબીમાં એક કારખાનેદારે તેની પાસે (સ્વાભાવિક) રહેલી મોટા પ્રમાણમાં ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો તેના કારખાનામાં કામ કરતી દીકરીઓને આપી. અને આ રકમ નાનીસૂની નહોતી. એક જણને રૂ.૨૫,૦૦૦ મળ્યા હતા! મોદીએ કહ્યા પ્રમાણે, ભલે રૂ. ૧૫ લાખ નહીં તોય રૂ. ૨૫,૦૦૦ તો આવ્યા!

ઉત્તર પ્રદેશના સહારનપુરના પિંજોરા ગામના શિવકુમાર પાઠકે તો કહેવાતા નાના માણસની મોટપ દેખાડી દીધી. નાના પાયાના ખેડૂત એવા આ પાઠકજીએ બૅંકમાં રૂ.૩,૦૦૦ની કિંમતની ૧૦૦ અને ૫૦ની નોટ જમા કરાવી જેથી છુટાની મારામારીના સમયમાં બૅંકમાં કતારમાં ઊભા રહેતા લોકોને આપી શકાય. તેમની પાસે બાળકો અને પત્નીની બચત મળીને છ હજાર હતા. તેમાંથી અડધી રકમ પોતાની પાસે રાખી. તેમનો ત્રણ મહિનાનો ખર્ચ તેમાંથી નીકળી જાય છે. બાકીની રકમ બૅંકમાં આપી. આ નાના માણસની ઉદારતા જોઈને બૅંકના મેનેજર તેમના માનમાં ઊભા થઈ ગયા. પાઠકને પોતાની કેબિનમાં જ ખુરશીમાં બેસાડી ફૉર્મ ભરાવ્યું અને પૈસા જમા કરાવી દીધા.

ગરીબ ગણાતા ઓડિશાના ભુવનેશ્વરમાં પાણીપુરી (ત્યાં તેને ગુપચુપ કહે છે) વેચનારા શિવશંકર પાત્રા હવે પૅ-ટીએમ રાખવા માંડ્યા છે જેથી ગ્રાહકને પૈસાની કોઈ માથાકૂટ નહીં. બિહારના પટનામાં મગધ મહિલા કૉલેજ પાસે તો આ નોટબંધી પહેલેથી જ પાણીપુરીવાળા સત્યમ નામના ભાઈ પૅ-ટીએમથી પૈસા લે છે. તે સાધારણ ખેડૂતનો દીકરો છે. ૧૨ પાસ છે. પરંતુ તેને આગળ ભણવું પણ છે. તેને કૉલેજની વિદ્યાર્થિનીઓએ જ આના વિશે માહિતી આપી હતી.

લાગે છે કે કેશની સાથે સાચે જ દેશ બદલાઈ રહ્યો છે.

You may also like

1 comment

smdave1940 21/11/2016 - 10:50 PM

કેટલાક મિડિયાનું વર્તન દેશ પર જ્યારે આપત્તિ આવે ત્યારે બેજવાબદાર બની જાય છે, ચાહે તે મુંબઈ હુમલા હોય કે નોટ બંધીનો નિર્ણય…

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.