Home » હિન્દુ દંપતીએ દસ બાળકો પેદાં કરવાં જોઈએ?

હિન્દુ દંપતીએ દસ બાળકો પેદાં કરવાં જોઈએ?

by Jaywant Pandya

તાજેતરમાં ધર્મ આધારિત વસતિગણતરીના આંકડા જાહેર થયા. તદ્નુસાર મુસ્લિમોની વસતિમાં ગત દાયકામાં ૨૪ ટકાનો વધારો થયો છે. આ વાતથી હિન્દુઓના કહેવાતા નેતાઓની એ વાતને અનુમોદન મળી ગયું કે જોયું અમે નહોતા કહેતા કે ભવિષ્યમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને બહુમતીના જોરે આ દેશ પર ફરી શાસન કરશે. જોકે મુસ્લિમોની વસતિમાં નોંધપાત્ર કરતાં વધુ વધારો થઈ રહ્યો છે એ વાત ખોટી નથી. અમેરિકન થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેન્ટર્સના રિલિજિયન એન્ડ પબ્લિક લાઇફ ફોરમના આંકડા એવું કહે છે કે વર્ષ ૨૦૩૦માં મુસ્લિમોની વસતિ ૨.૨ અબજ થઈ જશે. આમ, ૨૦૧૦થી ૨૦૩૦ સુધીમાં વિશ્વના મુસ્લિમોની વસતિમાં ૨૦ ટકાનો વધારો થશે.

એમ કહેવાય છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી પંથમાં ગર્ભનિરોધકો વાપરવાની મનાઈ છે. હિન્દુ નેતાઓ વારંવાર આ વાતના આધારે કહે છે કે ભારતમાં મુસ્લિમોનું આક્રમણ ત્રણ રીતે થઈ રહ્યું છે: ૧. કુદરતી વસતિવધારાની રીતે. ૨. ઘૂસણખોરી દ્વારા. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી થઈ રહી છે તેના દ્વારા અને ૩. લવજિહાદની રીતે. આ ત્રણેય વાત સાવ નાખી દેવા જેવી નથી. મુસ્લિમોની વસતિ વધી રહી છે તે આંકડા જ કહે છે. તે કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. વળી, રોજબરોજ અનેક રીતે આપણા દેશમાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે તે પણ પુરવાર થયેલું છે અને સર્વોચ્ચ ન્યાયાલયે પણ તેની નોંધ લીધેલી છે. આ જ રીતે લવ જિહાદના મામલા પણ કોર્ટમાં પહોંચેલા છે. આ વાતોના આધારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે હિન્દુ દંપતીઓને બેથી વધુ બાળકો કરવાની સલાહ આપે છે. બદરીકાશ્રમના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તો ત્યાં સુધી કહી દીધું કે હિન્દુ દંપતીએ ૧૦ બાળકો પેદા કરવા જોઈએ.

પત્રકારોએ આવા મત ધરાવનારાને પ્રશ્ન કર્યા કે આટલાં બાળકોનો ઉછેર કઈ રીતે કરવો? તો (મોટા ભાગે) સાક્ષી મહારાજે એવું કહ્યું કે એક બાળકને સંન્યાસી બનાવો, એક બાળકને સરહદ પર લડવા મોકલો, એક બાળકને વૈજ્ઞાનિક બનાવો. એક તમારા વેપારને સંભાળશે. આની સામે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસે કહ્યું કે એ વાત સાચી કે કૃત્રિમ ગર્ભનિરોધકો ન વાપરવા જોઈએ, પરંતુ સસલાની જેમ બાળકો પેદાં કરવા ન જોઈએ.

ચાલો, આ કહેવાતા હિન્દુ નેતાઓની વાત માની લઈને હિન્દુ દંપતીઓ બેથી વધુ બાળકો પેદા કરે છે. હવે આ બેથી વધુ બાળકો પેદા કરવાનું કેમ આ સમયમાં શક્ય નથી તે સમજીએ. સૌ પ્રથમ તો મોંઘવારી અત્યંત નડે છે. બાળકના જન્મનો જ ખર્ચ કેટલો બધો છે! બીજું, તે પછી તેના ઉછેરનો, તેના ભરણપોષણ અને તેના શિક્ષણનો કેટલો ખર્ચ થાય. લગ્નનો ખર્ચો તો લાખોમાં ચાલ્યો જાય. વળી સુપાતર હોય તો વાંધો નહીં પણ કપાતર (કુપાત્ર) હોય તો લગ્ન પછી પણ નિભાવવો પડે. (આપણે ત્યાં ઘણા એવા આરામપસંદ છોકરાઓ હોય જ છે.) આ હિન્દુ નેતા પ્રસૂતિની કેટલી વેદના થાય છે તે જાણતા હશે કે કેમ. દર પ્રસૂતિમાં અકલ્પનીય વેદના થાય. સુવાવડી માતાના જન્મનો દર પણ ઓછો નથી. આ ઉપરાંત હવે હિન્દુ છોકરા અને છોકરી બંનેનાં લગ્ન મોટી ઉંમરે થવા લાગ્યા છે. તંદુરસ્ત બાળકોને જન્મ આપવાની ઉંમર ૨૦થી ૩૫ની હોય છે. અત્યારે તો સંતાનવિહોણા દંપતીઓની સંખ્યા પણ ઘણી વધવા લાગી છે, કારણકે ફળદ્રુપ શુક્રાણુઓની સંખ્યા હવે પુરુષોમાં ઘટવા લાગી છે.

કેટલાં બાળકોને જન્મ આપવો એ દંપતીનો અંગત નિર્ણય છે. તેમાં પતિનાં માતાપિતા પણ માથું ન મારી શકે, હા, સલાહસૂચન કરી શકે, પણ ઈચ્છા ન લાદી શકે. વળી, આજકાલ વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે. એકનો એક દીકરો હોય તોય પરણ્યા પછી માતાપિતાથી અલગ રહેતો હોવાના કિસ્સા વધી રહ્યા છે. આવામાં એક કે મહત્ત્મ બે સંતાનોનો ઉછેર માતાપિતા સારી રીતે કરી શકે છે. અને દાદા-દાદી વગર એક કે બે સંતાનોના ઉછેરમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. બીમારી વખતે કે પોતાની માગણીસર છોકરું સતત રોતું હોય તો તેને છાનું રાખવામાં દમ આવી જાય છે. એમાંય જો પત્ની પણ નોકરી કરતી હોય તો તો બાળકને રમકડાં ઘર કે પ્લેગ્રૂપમાં મૂકવાના જ વારા આવે છે. શું હિન્દુ નેતાઓને પસંદ છે કે હિન્દુ સંતાનો આવી રીતે રમકડાં ઘરમાં ઉછરે?

ખરેખર તો પહેલાં હિન્દુ નેતાઓએ એવી જાહેરાત કરવી જોઈએ કે જાવ, તમે પાંચ શું, દસ બાળકો પેદા કરો, અમે બેઠા છીએ. તેમના જન્મથી લઈને તેમના નોકરીધંધા સુધીની આર્થિક જવાબદારી અમે ઉપાડીશું અથવા અમે મદદ કરીશું. મંદિરોમાં આટલી કમાણી થાય છે. હિન્દુ સંગઠનો પણ સારી એવી દક્ષિણા-ફંડ ભેગાં કરે છે. શું તેઓ આર્થિક સહાય આપવા તૈયાર છે?અરે! હુલ્લડોમાં લડવા માટે હિન્દુઓને ઉશ્કેરતા આ હિન્દુ નેતાઓ કેટલીવાર જેલમાં બંધ લોકોને મળવા ગયા? તેમના પરિવારોને આર્થિક મદદ કરી?

એના કરતાં આ હિન્દુ નેતાઓએ સારી ગુણવત્તાવાળાં બાળકો જન્મે અને તેમનામાં સારા સંસ્કાર આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. જન્મતાં વેંત મરી જનારાં બાળકોનો દર પણ ઓછો નથી. એક ગુજરાતી દોહો છે:

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર

હિન્દુ નેતાઓને મહાભારતની યાદ અપાવવી જરૂરી છે. મહાભારતના યુદ્ધમાં એક તરફ માત્ર પાંચ પાંડવ હતા જ્યારે સામે પક્ષે સો કૌરવો અને તેની પડખે શ્રી કૃષ્ણની અક્ષૌહિણી સેના હતી. તેમ છતાં પાંચ પાંડવોનો વિજય થયો કારણકે તેઓ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા હતા. તેમની પડખે ઈશ્વર પોતે હતા.

એક ધાર્મિક કથા આવી જ વાત કરે છે:

મહર્ષિ કશ્યપ, જેમના નામ પરથી કાશ્મીર નામ પડ્યું હોવાનું મનાય છે તેમની બે પત્નીઓ હતી. કદ્રુ અને વિનતા. તેમણે તેમને પોતપોતાના વારસદારો માટે વર માગવા કહ્યું. કદ્રુએ એક હજાર શક્તિશાળી પુત્રો માગ્યા. તેનો વિચાર હતો કે વધારે શક્તિશાળી પુત્રો તેને વિનતા કરતાં વધુ સન્માન અને યશ અપાવી શકશે. વિનતાએ તેજસ્વી અને સુસંસ્કારી એવા બે જ પુત્ર માગ્યા.

કદ્રુને એક હજાર નાગ થયા. થોડા સમય માટે તેનું વર્ચસ્વ પણ રહ્યું. પરંતુ જ્યારે વિનતાના અરુણ અને ગરુડ પ્રગટ થયા તો સંખ્યા પર શ્રેષ્ઠતાનું મહત્ત્વ સ્પષ્ટ થઈ ગયું. અરુણ સૂર્ય ભગવાનના સારથિ બન્યા અને ગરુડ વિષ્ણુ ભગવાનના વાહન બન્યા. તેમણે ચંદ્રલોકમાંથી અમૃતકળશ લાવીને કદ્રુના બંધનોમાંથી માતા વિનતાને મુક્ત કરાવી. નાગ તેમના ભયથી થરથર કાંપતા રહ્યા.

જોકે ઉપરોક્ત વાતનો અર્થ એવો નથી કે પારસીઓની જેમ સાવ વસતિ ઓછી થવા આવે, નાબૂદ થવાનો ભય ઉત્પન્ન થાય અને જેમ પારસીઓ માટે ‘જીઓ પારસી’ નામની યોજના લાગુ કરવાનો વારો આવ્યો તેવું હિન્દુઓ માટે અથવા તો કોઈ પણ પંથના લોકો માટે કરવું પડે. જોકે, આપણે બેલેન્સ અથવા વસતિસંતુલનનું વિચારીએ છીએ પણ એ આપણા હાથમાં છે જ નહીં. અંતે તો આ કામ કુદરત જ કરતી હોય છે. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ પણ જે વધુ શક્તિશાળી હોય છે તે ટકી શકે છે- જીવી શકે છે. આમ, સંતાનો શક્તિશાળી થાય તે જોવું રહ્યું. અને સાથે સંસ્કારી પણ કારણકે સંસ્કાર વગરના શક્તિશાળી તો દૈત્ય બની જતા હોય છે. આમ, હિન્દુ હિતોના કહેવાતા રક્ષકો અને સાધુઓએ ખરેખર તો સંસ્કાર સિંચનનું કામ જ ચાલુ રાખવાની વધુ જરૂર હોય તેમ લાગે છે.

હવે મુસ્લિમોની વસતિવૃદ્ધિનો એક પક્ષ પણ જોઈ લઈએ. વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧માં મુસ્લિમોની વસતિ ૨૪ ટકાના દરે વધી તે સ્વીકાર્ય છે, પરંતુ તેનો બીજો પક્ષ એ છે કે અગાઉના દાયકા કરતાં આ દર ઓછો છે. ૧૯૯૧થી ૨૦૦૧ના દાયકામાં આ દર ૨૯ ટકા હતો.

તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે વર્ષ ૨૦૦૫માં એક સમિતિ નિમી હતી સાચર સમિતિ. તેણે ભારતના મુસ્લિમોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ પર અહેવાલ તૈયાર કરવાનો હતો. આ સમિતિના તારણ મુજબ, મુસ્લિમોની વસતિનો દર ઘટ્યો છે અને ભવિષ્યમાં તે વધુ ઘટશે. હવે મુસ્લિમો પણ ગર્ભનિયંત્રણના ઉપાયો વિશે વિચારતા થયા છે. ૨ કરોડ મુસ્લિમો હવે આધુનિક ગર્ભનિરોધકો વાપરવા લાગ્યા છે. મુસ્લિમ વિદ્વાનો એકમતે માને છે કે ઈસ્લામ કુટુંબ નિયોજનની વિરુદ્ધ નથી. જ્યાં શિક્ષણનો દર વધુ છે તેવા કેરળ અને તમિલનાડુમાં મુસ્લિમોનો વસતિદર ઘટી રહ્યો છે. હજુ મુસ્લિમોએ હિન્દુઓની જેમ હમ દો હમારે દો (જોકે હવે તો હિન્દુઓ હમ દો હમારા એક, અથવા કેટલાક તો સિર્ફ હમ દો, હમારા કોઈ નહીંના સૂત્રને અપનાવી રહ્યા છે) સૂત્રને અપનાવ્યું નથી, પરંતુ હવે તેઓ ત્રણથી વધુ બાળકો કરતાં નથી.

ગુવાહાટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઇમર્જન્સી મેડિસિન ઍન્ડ ટ્રૉમા સેન્ટરના વડા તેમજ સર્જરીના પ્રાધ્યાપક ડૉ. ઇલિયાસ અલીની વાત માનો તો, આસામના મુસ્લિમોમાં કામ કરતી વખતે તેમનો અનુભવ સાચર સમિતિના ઉપરોક્ત તારણ જેવો જ છે. વસતિવૃદ્ધિનું મૂળ કારણ તો અલ્પ શિક્ષણ તેમજ કુર્આનના ખોટા અર્થઘટનનું જ છે તેમ મુસ્લિમ વિદ્વાનો માને છે. અને હિન્દુઓમાંય ઓછું ભણેલા, ગરીબ પરિવારમાં ત્રણ કે તેથી વધુ બાળકો જોવા મળે જ છે ને.

આમ, વસતિવધારાને અટકાવવા સૌથી વધુ જરૂર સાચા શિક્ષણનાપ્રસારની છે.

(‘ગુજરાત ગાર્ડિયન’ની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૨૮/૧/૧૫ના રોજ આ લેખ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

smdave1940 30/01/2015 - 10:14 AM

હિન્દુઓએ ૧૦ બાળકો ઉત્પન કરવા એવી વાત શા માટે કરી?
ભારતની સરકારો દંભી ધર્મનિરપેક્ષતામાંથી બહાર આવી શકતી નથી. એટલે મુસ્લિમો અને ખ્રિસ્તી લોકો મનમાની કરે છે. તેઓ જે વિસ્તારોમાં પોતે બહુમતિમાં છે ત્યાં બળજબરી કરે છે, અને સમગ્ર ભારતમાં તેઓ લઘુમતિમાં છે તે ધોરણે તેઓ લઘુમતિના નામે અને ધાર્મિક સ્વતંત્રતાને નામે વિશેષાધિકારો ભોગવે છે.
હિન્દુઓ બહુમતિમાં છે. આ બહુમતિ તેમનો ગુનો બને છે. સરકાર જો ભેદભાવ વાળા વલણમાંથી બહાર ન નિકળી શકતી હોય તો હિન્દુઓએ શું કરે? આ સંદર્ભમાં હિન્દુઓએ પણ પોતાની બહુમતિ જાળવી રાખવા ૧૦ સંતાનો ઉભા કરવા જોઇએ એમ હિન્દુ નેતાઓએ કહ્યું.
ટૂંકમાં એમ કહી શકાય કે હિન્દુઓ કુટૂંબ નિયોજન કરે આર્થિક રીતે સક્ષમ થાય પણ તે પછી મુસ્લિમો બહુમતિમાં આવે ત્યારે કાંતો તેઓ મુસ્લિમ થાય અથવા ખતમ થાય. કારણ કે કશ્મિરી હિન્દુઓ તો ભાગીને ભારતમાં આવી જાય. પણ ભારતના હિન્દુઓને ભાગી જવા માટે બીજો કોઈ દેશ નથી, એટલે તેમણે તો કાંતો મુસ્લિમ થવું પડે અથવા ખતમ થવું પડે.
હજી આગળ વિચારો. જો હિન્દુઓ ખતમ થશે તો બે જ બચશે. એક ખ્રિસ્તીઓ અને બીજા મુસ્લિમો. ખ્રિસ્તીઓ અત્યાર સુધી ભલે અજેય રહ્યા હોય પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓને ખતમ કરી દેશે. અપાર સંખ્યાના બળ આગળ શસ્ત્રોનું કશું ચાલ્યું નથી. અને મુસ્લિમો પણ કંઈ શસ્ત્ર વિહીન નથી. આખી પૃથ્વી મુસ્લિમ થશે પછી શું થશે. પછી તેઓ અંદર અંદર લડશે અને માનવ જાતનો નાશ થશે.

વધુ માટે વાંચો
treenetram.wordpress.com/2015/01/30/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81%E0%AA%93-%E0%AB%A7%E0%AB%A6-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8D/

Reply
Arvind Adalja 30/01/2015 - 2:11 PM

આ થઈ પડેલા સાધુ-સંતો જ જો બાળકો પેદા કરવા મંડી પડે તો જ તેમને સમજાય કે બાળકને ઉછેરવું તે કોઈ રમત વાત નથી, ખાંડાના ખેલ જેવું છે. સલાહ દેવી સહેલી છે પણ પોતે કહેતા હોય તે વાત પોતાના સંસારમાં અમલમાં મૂકવી અત્યંત કઠિન છે. આલિશાન મહેલ જેવા આવાસોમાં વસતા અને ભવ્ય ગાદી ઉપર બેસી આવી વાતો કરતા આ સાધુ-સંતો ક્યારે ય નહિ કહે કે બાળકોને ઉછેરવા કે જ્ન્મ દેનાર માતાને સ્વસ્થ અને તંદુરસ્ત સ્વાસ્થય માટે અમો તમામ સગવડો પૂરી પાડશું. અમારા આશ્રમો માતા અને બાળકોના આશ્રય સ્થાન બની રહેશે.

Reply

Leave a Comment