Home » સ્કૂલ ફી: લૂટ પર નિયંત્રણથી સંચાલકો છંછેડાયા છે

સ્કૂલ ફી: લૂટ પર નિયંત્રણથી સંચાલકો છંછેડાયા છે

by Jaywant Pandya

(મુંબઈ સમાચારની તા. ૭-૬-૧૭ની ઇન્ટરવલ પૂર્તિની કવરસ્ટોરી)

કોઈ પણ યુવાન પિતા બનવાનો હોય એટલે તેની ચિંતા શરૂ થઈ જાય કારણકે બે વર્ષની અંદર જ સંતાનને પ્લે સ્કૂલથી માંડીને તે પછી નર્સરી, કેજી વગેરેમાં મૂકવું. અને આ માટે કહેવાતી સારી શાળા મળવી તે ચિંતાનો વિષય હોય છે. શાળા અને હૉસ્પિટલ બે જગ્યાએ ભવિષ્યની ચિંતા કરીને વ્યક્તિ ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે. તેનો લાભ ઉઠાવીને મોટા ભાગની શાળાઓ અને હૉસ્પિટલોમાં સફેદ કપડામાં લૂંટ ચલાવાય છે. આ બધી સંસ્થાને લાગુ પડતું જનરલ સ્ટેટમેન્ટ નથી પરંતુ શિક્ષણ અને તબીબી જગતના લોકો પણ સ્વીકારશે કે હા, આવી લૂટ અમારા ક્ષેત્રમાં ચાલે છે ખરી.

એવું નથી કે આ બધા સામે કાયદો નથી. શિક્ષણ અધિકાર કાયદો (આરટીઇ) એવું કહે છે કે કોઈ પણ શાળા કે વ્યક્તિ બાળકને પ્રવેશ આપતી વખતે કેપિટેશન ફી લઈ શકે નહીં. પરંતુ બધા જ જાણે છે કે ડોનેશન લેવાય જ છે. આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે પરંતુ ગયા વર્ષના સમાચાર મુજબ, રાજકોટની આઠ શાળાઓએ ૨૬ બાળકોને પ્રવેશ આપવા નનૈયો ભણી દીધો હતો તેવી ફરિયાદ વાલીઓએ કરી હતી. આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં ઠાગા ઠૈયાનો એક બીજો રસ્તો એ છે કે ઘરથી છ કિમીની અંદર આવેલી શાળામાં પ્રવેશ અપાવો જોઈએ પરંતુ ૧૯ મેના સમાચાર મુજબ, અમદાવાદમાં કેટલાંક બાળકોને ઘરથી ૯ કિમીથી લઈને ૨૫ કિમી (!) દૂર સુધીની શાળાઓમાં પ્રવેશ ફાળવી દેવાતાં વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. આમાં ગુસ્સો આવે તેવી વાત એ છે કે ગરીબ બાળકોના ફૉર્મ ઓનલાઇન ભરાય, તે પછી ગૂગલ મેપના આધારે છ કિમીની અંદરની શાળાઓમાં પ્રવેશ અપાય છે, પરંતુ સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને છ કિમી કરતાં દૂરની સ્કૂલોમાં અથવા તેમની પસંદગીની શાળા સિવાયની શાળામાં પ્રવેશ અપાયો હતો. અસારવામાં રહેતા એક વાલીના બાળકને ધોરણ ૧માં ૨૫ કિમી દૂર હાથીજણ વિસ્તારના વિવેકાનંદનગર ખાતે સંસ્કાર વિદ્યાલયમાં પ્રવેશ અપાયો હતો!

આરટીઇ કાયદો ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી શકે તે માટે છે જેનો યશ કૉંગ્રેસની યુપીએ સરકારને મળવો જોઈએ પરંતુ ૧ જૂન ૨૦૧૭ના સમાચાર મુજબ, આરટીઇ હેઠળ શ્રીમંત પરિવારનાં બાળકોને પ્રવેશ મળ્યાના અનેક કિસ્સા નોંધાયા છે! બંગલો, કાર, સ્માર્ટ ફોન, બે બીએચકેનો ફ્લૅટ અને બીજી અનેક ભવ્ય સગવડો ધરાવતા હોવા છતાં શ્રીમંત પરિવારોએ વાર્ષિક આવક માત્ર ૬૦થી ૯૦ હજાર જેટલી દર્શાવીને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવી લીધો હોવાના કિસ્સા નોંધાયા છે. આરટીઇ અંગે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં કરાયેલી એક જાહેર હિતની અરજીમાં કહેવાયું છે કે સરકાર દ્વારા વેબ પૉર્ટલ મારફતે આરટીઇ હેઠળ અરજી કરાઈ પ્રવેશ પ્રક્રિયા કરાય છે પરંતુ આ પૉર્ટલમાં એટલી બધી ખામીઓ છે કે વિદ્યાર્થીના વાલી હતાશ થઈ જાય. ઑનલાઇન પ્રક્રિયાનો વિરોધ નથી પરંતુ પૉર્ટલ સજ્જ હોવું જોઈએ જે નથી. વેબ પૉર્ટલ ગૂગલ મેપ આધારિત છે. પરંતુ અરજીમાં દાવો કરાયો છે કે અરજદારનું સાચું સ્થળ મેપમાં દર્શાવાતું નથી. તેના કારણે નજીકની શાળાનાં સ્થાન ખોટાં પડે છે.

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસે ૨૦૧૫માં જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચે સામાન્ય શિક્ષણ એટલે કે પ્રાથમિકથી લઈને અનુસ્નાતક સુધીના શિક્ષણનો ખર્ચ વિદ્યાર્થી દીઠ ૧૭૫ ટકા વધ્યો છે. મુંબઈની વાત કરીએ તો અહીં બાળકની પ્રિસ્કૂલિંગની ફી એમબીએની ફી કરતાં વધુ છે! એક અહેવાલ પ્રમાણે, જૂહુની પૉશ સ્કૂલ ગણાતી એકોલ મોન્ડિઅલની ફી ગયા વર્ષે રૂ. ૪.૫૫ લાખ હતી જેમાં આ વર્ષે ૬૪ ટકા જેટલો તોતિંગ વધારો કરાયો છે. એટલે કે આ વર્ષે તેની ફી રૂ. ૭ લાખ થઈ છે. (સામેના પક્ષે વાલી નોકરિયાત હોય કે વેપારી, તેની આવકમાં દસ ટકાથી વધુ વધારો ભાગ્યે જ થાય છે.) ખાનગી કૉલેજમાં એમબીએ કરવાનો ખર્ચ પણ વર્ષે રૂ. ૫-૭ લાખ જ થાય છે. પોદારની નર્સરી સ્કૂલમાં વર્ષ ૨૦૦૯માં રૂ. ૪૫,૦૦૦ ફી હતી તે આ શૈક્ષણિક સત્રમાં વધીને રૂ. ૯૩,૦૦૦ થઈ છે. મુંબઈમાં વાલીઓના સંગઠને આ અંગે આઝાદ મેદાન ખાતે પ્રદર્શનો કર્યાં હતાં. મુંબઈના વાલીઓએ વધુ ટેકો મેળવવા મિસ કૉલ અને વૉટ્સએપ ઝુંબેશ પણ આદરી છે. તે માટેનો નંબર પણ અપાયો છે જે છે- ૦૨૨-૩૦૨૫૬૮૨૨.

મહારાષ્ટ્રનો કાયદો એવું કહે છે કે શૈક્ષણિક સત્ર શરૂ થાય તેના છ મહિના પહેલાં ખાનગી શાળા ફીમાં વધારાનો પ્રસ્તાવ કરી શકે છે અને તેણે વાલીઓ-શિક્ષકોની સંસ્થા (પેરન્ટ્સ ટીચર્સ એસોસિએશન-પીટીએ) પાસેથી સ્વીકૃતિ લેવી જરૂરી છે. જોકે વાલીઓનું કહેવું છે કે પીટીએની પસંદગી લૉટરી દ્વારા કરવામાં આવે છે અને તેમની પાસે પૂરતી જાણકારી ન હોય તેમ બની શકે. આવા કિસ્સામાં, શાળાઓ ફાયદો ઉઠાવીને ફી વધારો કરાવી લે તેવું બની શકે. મહારાષ્ટ્રમાં વાલીઓના વિરોધ પછી સરકારે નવ સભ્યોની એક સમિતિ બનાવી છે જે પંદર દિવસમાં ફી કાયદામાં સુધારા કે પરિવર્તન અંગે સૂચનો કરશે.

જોકે ગુજરાતમાં તો આ અંગે કાયદો બનાવાયો છે અને તેના કારણે, સ્વાભાવિક જ સ્કૂલ સંચાલકો દ્વારા ઘણો હોબાળો મચાવાયો છે. આ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જણાવે છે, “વાલીઓના વાલી તરીકે તેમની મુશ્કેલી સમજીને અમે આ કાયદો લાવ્યા છીએ. મનમાની કરનારા સ્કૂલ સંચાલકો દર વર્ષે ફીમાં વધારો કરતા હતા, ડૉનેશન લેતા હતા, જોડાં વેચતા હતા, કપડાં વેચતા હતા. સેવાના બદલે તેમણે ધંધો કરતા હતા. તેમને અટકાવવા આ ખરડો લાવ્યો છું.”

ગુજરાત વિધાનસભાએ ૩૦ માર્ચે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) વિધેયક, ૨૦૧૭ પસાર કર્યું છે. તદનુસાર, તમામ બૉર્ડની ખાનગી શાળાઓની ફીનું નિયમન થશે. અર્થાત્ ગુજરાત બૉર્ડની સ્કૂલ હોય કે સીબીએસઇની, ખાનગી શાળા મન ફાવે તેમ ફીમાં વધારો નહીં કરી શકે. કાયદામાં જોગવાઈ છે કે નિર્ધારિત ફી કરતાં જો વધુ ફી કોઈ શાળા વધારશે તો તેણે ફી નિયમનકારી સમિતિ સમક્ષ તેને ઉચિત ઠરાવવી પડશે. આ સમિતિના વડા નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ રહેશે. આ સમિતિ ગુજરાતના ચાર ઝોનમાં રચાશે. વાર્ષિક ફી પ્રાથમિક શાળા માટે રૂ. ૧૫,૦૦૦, માધ્યમિક માટે રૂ. ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક માટે રૂ. ૨૭,૦૦૦ નક્કી કરાઈ છે.

જો નક્કી કરાયેલી ફીથી વધુ ફી લેવાશે તો શાળાએ વાલીને ઉઘરાવેલી ફીની બમણી રકમ તો પાછી આપવી જ પડશે આ ઉપરાંત પહેલી વાર ભૂલ માટે રૂ. પાંચ લાખનો દંડ અને બીજી વારની ભૂલ માટે દસ લાખનો દંડ ભરવો પડશે જ્યારે ત્રીજી ભૂલ વખતે સીધી શાળાની માન્યતા જ રદ્દ કરાશે. એક અંદાજ મુજબ, અત્યારે અમદાવાદની વિવિધ ખાનગી શાળાઓમાં રૂ. ૫૦,૦૦૦થી લઈને રૂ.સાડા પાંચ લાખ જેટલી ફી લેવામાં આવે છે! અમદાવાદની જે.જી. ઇન્ટરનેશનલમાં સીબીએસઇ ઉપરાંત કેમ્બ્રિજ, આઈબી અને આઈબીડીપીનો અભ્યાસ કરાવાય છે અને આઈબીડીપીની વાર્ષિક ફી રૂ. ૫.૫૦ લાખ જેટલી અંદાજે છે. કેમ્બ્રિજની ફી અંદાજે રૂ.૩.૨૦ લાખ છે. (આ અંગે શાળાના સંબંધિત પદાધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.) સરકારે જે ફી નક્કી કરી છે તે જોતાં શાળા સંચાલકોમાં રોષ જોવા મળે તે સ્વાભાવિક છે કારણ દેખીતું છે કે શિક્ષણ હવે ‘ધંધો’ બની ગયું છે. અમદાવાદની બોપલની એક હાઇ ફાઇ સ્કૂલ ડીપીએસના વિદ્યાર્થીઓના વાલીઓ મુજબ, સ્કૂલે તો વિદ્યાર્થીઓ માટે એવો ‘ફતવો’ બહાર પાડ્યો હતો કે એડિડાસના બૂટ જ પહેરવા. વિદ્યાર્થીઓ માટે બૂટ પહેરવા એ નિયમ હોઈ શકે પરંતુ કેટલી કિંમતના બૂટ પહેરવા એ નિયમ ન હોઈ શકે અને ચોક્કસ બ્રાન્ડના જ બૂટ પહેરવા એ નિયમ તો બિલકુલ ન હોઈ શકે! (આ અંગે શાળાના સંબંધિત પદાધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.) આનો અર્થ તો એ જ થયો કે શિક્ષણનો વેપલો ચાલે છે. આ અંગે વાલીઓએ ૧૮ માર્ચે સ્કૂલ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

આ નવા કાયદા હેઠળ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કોઈ પણ નામ હેઠળ કોઈ પણ પ્રકારના ડૉનેશન કે કેપિટેશન ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ વાલી સ્વેચ્છાએ ચૂકવે તો તેણે ફી નિયમનકારી સમિતિને જાણ કરવાની રહેશે.

જોકે આ નવો કાયદો ચાલુ વર્ષે શરૂ થનારા શૈક્ષણિક સત્રથી જ લાગુ કરાનારો હોવા છતાં કેટલાક સ્કૂલ સંચાલકો કાયદા-નિયમને ઘોળીને પી ગયા હોય તેમ તેમણે વિવિધ હૅડ હેઠળ ડૉનેશન કે કૅપિટેશન ફી લીધી છે તેમ વૉઇસ ઑફ પૅરન્ટ્સ ગ્રૂપનો આક્ષેપ છે. શાળા સંચાલકોએ આ કાયદાને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો પણ છે. સંચાલકોએ દલીલ કરી છે કે સ્વનિર્ભર શાળાઓની ફી બહુ ઓછી નક્કી કરવામાં આવી છે! આવી શાળાઓ દ્વારા જે સુવિધા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે, શિક્ષકો તથા સ્ટાફને પગાર ચુકવવા સહિતની બાબતોની અવગણના કરાઈ છે. જોકે શિક્ષણની અંદર રહેલા લોકો જાણે છે કે શિક્ષકોને કાગળ પર કંઈક પગાર અપાય છે અને વાસ્તવમાં કંઈક. કેટલાક સંચાલકોએ તો સ્કૂલો જૂનથી બંધ કરવા સુધીની ધમકી સુદ્ધાં ઉચ્ચારી છે! સ્વાભાવિક તેમનો પ્રયાસ એવો છે કે જૂનથી સત્ર શરૂ થતું હોવાથી વાલીઓનું આ રીતે નાક દબાવી ફી બાબતે ધાર્યું કરી શકાય.

ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ભાસ્કરભાઈ પટેલ મુજબ, “બહુ સ્પષ્ટ વાત છે. શિક્ષણ એ બંધારણમાં કૉન્કરન્ટ લિસ્ટનો વિષય છે. શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષકો અંગેના નિયમો, શાળાની ફી એ બધું રાજ્યને આધીન છે. પરંતુ ખાનગી શાળાઓ મર્યાદા વટાવી ચૂકી છે. શિક્ષણ સેવાના બદલે ધંધો બની ગયું. ક્યાંક તો નિયંત્રણ મૂકવાની જરૂર હતી જ.” ભાસ્કરભાઈના મત મુજબ, સીબીએસઇ બૉર્ડ હેઠળની શાળાઓને પણ રાજ્ય સરકારનો નિયમ લાગુ પડે છે, જોકે કેટલીક આવી શાળાઓ આ વાત માનવા તૈયાર નથી. આવી એક શાળાનો સંપર્ક કરાતા તેના ડિરેક્ટરે કહ્યું કે આ વાત અત્યારે ન્યાયાલયમાં હોવાથી અત્યારે આ મુદ્દે કોઈ ટીપ્પણી નહીં કરું. તો કેટલીક શાળાઓ લઘુમતી સમાજને મળતા લાભના કાયદા મારફતે છટકવા માગે છે. કેટલીક શાળા એવી પણ નીકળી જેની ફી રૂ. દસ હજાર કે તેથી ઓછી હતી પરંતુ કાયદો બન્યો એટલે રૂ. પંદર હજાર ઉઘરાવવા લાગી તેવો વાલીઓનો આક્ષેપ છે!

ભૂપેન્દ્રસિંહ કહે છે, “આ વિધેયક ખાનગી શાળાઓની વિરુદ્ધમાં નથી પરંતુ સમાજની કોઈ પણ વ્યવસ્થા નિરંકુશ ન ચાલી શકે. રૂ. પાંચથી દસ હજારની વાર્ષિક આવક ધરાવતા વાલીઓ રૂ. પાંચથી દસ લાખની ફી ક્યાંથી ભરી શકે? દેશનાં અન્ય રાજ્યો પણ ગુજરાતની આ કાયદાને અપનાવવા વિચારણા કરી રહ્યા છે.” કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે આ વિધેયકની વિગતો મગાવી છે અને કેન્દ્ર સરકાર પણ આ મોડલને અનુસરે તેવી શક્યતા છે.

ગુજરાત ટૅક્નિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પૂર્વ કુલપતિ ડૉ. અક્ષય અગ્રવાલ કેનેડાથી ખાસ વાત કરતા મહત્ત્વની વાત કરે છે અને તેમની વાત માત્ર સ્કૂલ ફી પૂરતી મર્યાદિત નથી. તેઓ કહે છે, “સમગ્ર દેશમાં શિક્ષણનું વ્યવસાયીકરણ થયું છે. ૯૦ ટકા શિક્ષણ ખાનગી સંચાલકો પાસે છે. તેથી દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે શિક્ષણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનાં બાળકો માટે દોહ્યલું બન્યું છે. બહુ ઓછાં બાળકો સારી શાળાઓમાં ભણીને આગળ આવે છે અને વિદેશ ચાલ્યા જાય છે. જ્યારે ઘણાં બાળકોને સારા શિક્ષણ માટે સંઘર્ષ કરવો પડે છે. અત્યારે સરકારનું નિયંત્રણ જ એક ઉકેલ છે. આપણું કાપડ ફાટી ગયું છે તેને રફ્ફૂ મારીને ચલાવીએ છીએ. આમા કંઈ નવું નિર્માણ નહીં થઈ શકે. આ માટે ધરમૂળથી વિચારવું પડશે. જે નીતિ બનાવીએ તેમાં વિદેશોની નકલ કરવા કરતાં આપણા દેશના પ્રાચીન વારસા અને સંસ્કૃતિને અનુરૂપ નીતિ હોવી જરૂરી છે.”

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.