Home » સેન્સર બૉર્ડ અને સરકાર : લીલા હૈ ન્યારી…

સેન્સર બૉર્ડ અને સરકાર : લીલા હૈ ન્યારી…

by Jaywant Pandya

 

નાચ ન આવૈ, આંગન ટેઢા. સેન્સર બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન જે ટૂંકમાં સેન્સર બૉર્ડના નામે ઓળખાય છે તેનાં અધ્યક્ષા લીલા સેમસને રાજીનામું આપી દીધું. સેમસને એવું કારણ આગળ ધર્યું કે ‘મેસેન્જર ઑફ ગોડ’ નામની બાબા રામ રહીમની ફિલ્મને તેમણે લીલી ઝંડી ન આપી તો આ ફિલ્મના સર્જકો ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલ આગળથી પ્રમાણપત્ર લઈ આવ્યા. તેમણે સેન્સર બૉર્ડમાં ભ્રષ્ટાચાર તેમજ માહિતી-પ્રસારણ મંત્રાલયની દખલગીરીનું કારણ પણ આગળ ધર્યું. સેમસનના સમર્થનમાં બીજા બાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં.

સેમસને ‘મેસેન્જર ઑફ ગોડ’ ફિલ્મનું કારણ જણાવ્યું છે, પરંતુ આ ફિલ્મ પર ભાજપ જે સરકારમાં ભાગીદાર છે તે પંજાબમાં જ પ્રતિબંધ મૂકાયો છે અને તે પણ કેન્દ્ર સરકારની સંસ્થાઓની સલાહ પર, કેમ  કે તેનાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. હવે જો કેન્દ્ર સરકાર દખલ દેતી હોય તો પછી તે શા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપે? ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ કરેલા ટ્વીટ મુજબ, “લીલા સેમસન પોતે કહે છે કે તેમણે મેસેન્જ ઑફ ગોડ જોઈ નથી, અને છતાં તેઓ ઈચ્છે છે કે તેના પર પ્રતિબંધ મૂકાય !’ જાણીતા લેખક પ્રીતિશ નાંદીએ પણ લીલા સેમસન સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યું છે કે “મેસેન્જર ઑફ ગોડ ગમે તેવી બેકાર ફિલ્મ કેમ ન હોય, મને આનંદ છે કે અપીલેટ ટ્રિબ્યુનલે તેને મંજૂરી આપી છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વધુ અગત્યનું છે.” જોકે આવું પહેલી વાર નથી થયું કે સેન્સર બૉર્ડ પ્રમાણપત્ર આપવાની ના પાડે તો કોઈ ફિલ્મ સર્જક તેનાથી ઉપરની સત્તા એટલે અપીલેટ ટ્રિબ્યુનલમાં ગયો હોય…

મોહસીન અલી ખાન સહિત ત્રણ નિર્માતાઓએ નિર્માણ કરેલી ‘યા રબ’ ફિલ્મમાં મુસ્લિમોના બે ચહેરા રજૂ કરાયા હતા- એક શાંત ચહેરો અને બીજો ત્રાસવાદને પ્રોત્સાહન આપતો ચહેરો. આ ફિલ્મને લીલા સેમસનના નેતૃત્વવાળા સેન્સર બૉર્ડે ફિલ્મને જોવાની પણ તસદી લીધા વગર પ્રમાણપત્ર આપવા ઈનકાર કરી દીધો. (યાદ રાખો, આ જ લીલા સેમસનનું સેન્સર બૉર્ડ ‘પીકે’ને મંજૂરી તો આપે જ છે, પરંતુ તેની સામે વિરોધ થયા બાદ તેનાં દૃશ્યોમાં કાપ મૂકવાનો પુનર્વિચાર કરવાની પણ ના પાડે છે!) આ ફિલ્મના વિતરક મહેશ ભટ્ટ અને નિર્દેશક હસનૈન હૈદરાબાદવાલા (જેમણે ‘ધ કિલર’, ‘ધ ટ્રેન’ જેવી ફિલ્મો બનાવેલી) ફિલ્મ ટ્રિબન્યુલમાં ગયા અને તેને ત્યાં લીલી ઝંડી મળી. તે વખતે લીલા સેમસને કેમ રાજીનામું ન આપ્યું? આ જ રીતે ‘ધ ટૅક્સ્ચર ઑફ લોસ’  નામની દસ્તાવેજી ફિલ્મને સેન્સર બૉર્ડે પ્રમાણપત્ર ન આપ્યું તો તેના સર્જક પંકજ બુટાલિયા સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. એ અલગ વાત છે કે વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ની જેમ ‘ધ ટૅક્સ્ચર ઑફ લોસ’માં પણ કાશ્મીરમાં હિંસાના ભોગ બનેલા લોકોને દેખાડ્યા હતા અને તે માટે સર્વોચ્ચે પંકજ બુટાલિયાનો ઉધડો લીધો હતો કે ફિલ્મોમાં એક જ તરફની વાત રજૂ કરવી તે ફેશન થઈ ગઈ છે કે શું? આ ઘટના પણ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫ની જ છે. લીલા સેમસનને પંકજ બુટાલિયા સુપ્રીમમાં જાય તેની સામે વાંધો નથી.

હકીકત તો એ છે કે લીલા સેમસન સહિતના સભ્યોની મુદ્દત માર્ચ, ૨૦૧૪ના રોજ જ પૂરી થઈ જતી હતી, પરંતુ મોદી સરકારે તેમને જ્યાં  સુધી નવા લોકોની નિમણૂક ન થાય ત્યાં સુધી ચાલુ રહેવા કહી તેમની મુદ્દત વધારી આપી હતી! એટલે આમ નહીં તો આમ તેમને જવાનું હતું જ પરંતુ લીલા સેમસને જતાં જતાં વિવાદ જગાવી પોતાની નિમણૂક જેણે કરી હતી તે કૉંગ્રેસને ફાયદો કરતાં જવાનું પસંદ કર્યું, બાકી, લીલા સેમસનને તો કલાક્ષેત્ર નામની સરકારી નૃત્ય સંસ્થામાંથી પણ ક્યાં જવું હતું….તેમની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ હોવા છતાં તેઓ તેના ડિરેક્ટર પદને વળગી રહ્યાં હતાં!

લીલા સેમસને ૩૦ એપ્રિલ, ૨૦૧૨ના રોજ કલાક્ષેત્રના ડિરેક્ટર તરીકે અંતિમ દિવસ વિતાવ્યો. આ સંસ્થામાંથી તેમને કેમ રાજીનામું આપવું પડ્યું હતું તે જાણવા જેવું છે. રૂક્મિણી દેવી અરુંડલે નામનાં મહાન કલાકાર દ્વારા ૧૯૩૬માં સ્થાપિત આ સંસ્થા ચેન્નાઈ સ્થિત એકેડેમી છે. તે મુખ્યત્વે ભરતનાટ્યમના પ્રોત્સાહન રૂપે ચાલે છે. ૨૦૧૧માં આ સંસ્થાના શિક્ષક સી.એસ. થોમસે અદાલતમાં રિટ પિટિશન કરી. તેમાં તેમણે આક્ષેપ કર્યો કે લીલા સેમસનની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ છે છતાં તેઓ તેમના પદ પર ચાલુ છે. આ સરકારી સંસ્થા હોવાથી લીલાએ નિવૃત્ત થઈ જવું જોઈએ. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીની અધ્યક્ષતામાં કલાક્ષેત્રના બૉર્ડની બેઠક થઈ અને તેમાં આ પ્રશ્ન ઉઠ્યો. તે પછી લીલા સેમસને રાજીનામું આપ્યું.

જ્યુઇશ પિતા અને વાઇસ એડ્મિરલ તરીકે સેવા આપી ચૂકેલા બેન્જામીન અબ્રાહમ સેમસન અને અમદાવાદી કેથોલિક ખ્રિસ્તી લૈલા સેમસનનાં પુત્રી લીલા સેમસનની જ્યારે સેન્સર બૉર્ડના અધ્યક્ષા તરીકે નિમણૂક થઈ હતી ત્યારે જ વિવાદ થયો હતો. તેમની આ નિમણૂક માટે તેમની એક માત્ર લાયકાત તે વખતે યુપીએ સરકારના પડદા પાછળના (ડી ફેક્ટો) વડાં સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકાના તેઓ નૃત્ય શિક્ષિકા હતા તે જ હતી. બાકી, ફિલ્મ સાથે તેમનો કોઈ ગાઢ સંબંધ નહતો. હકીકતે નિમણૂક પછી તેમણે કહી દીધું હતું કે ભાગ્યે જ તેઓ કોઈ ફિલ્મ જુએ છે! તાજેતરમાં એનડીટીવી ચેનલ પર એક ચર્ચાના કાર્યક્રમમાં તેમણે એ સ્પષ્ટતા ફરી કરી દીધી હતી કે “બધી ફિલ્મો હું કંઈ જોતી નથી. એ તો બૉર્ડના સભ્યો જુએ અને તેઓ જ મંજૂરી આપે.” માહિતી રાજ્ય પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે તો દાવો કર્યો કે સેન્સર બૉર્ડના અધિકારીઓએ તેમને માહિતી આપી હતી કે સેમસન ભાગ્યે જ સેન્સર બૉર્ડની ઑફિસે આવે છે. રાઠોડના આ દાવાને યુવા કૉંગ્રેસના પૂર્વ મહા મંત્રી અને સેન્સર બૉર્ડના સભ્ય અસીમ કાયસ્થનો પણ ટેકો છે. તેઓ કહે છે, “લીલા સેમસનની સેન્સર બૉર્ડના અધ્યક્ષ તરીકે અવધિ વધારાઈ પછી તેઓ એક પણ દિવસ ઑફિસ આવ્યાં નથી. નવ મહિનાથી બૉર્ડની કોઈ મીટિંગ પણ યોજાઈ નથી.’  સેમસન જ્યારે સીબીએફસીનાં અધ્યક્ષા નિમાયાં ત્યારે તેઓ તે ઉપરાંત સંગીત નાટક અકાદમીનાં વડાં હતાં. પર્ફોર્મિંગ આર્ટ્સની આ સર્વોચ્ચ સંસ્થા મનાય છે. આ ઉપરાંત કલાક્ષેત્રનાં ડિરેક્ટર તો હતાં જ. એટલે એક વ્યક્તિ એક પદના નિયમનો પણ ભંગ થતો હતો. સેમસનની તરફેણમાં ભલે સેન્સર બૉર્ડના સભ્યોએ રાજીનામાં આપ્યાં, પરંતુ એક વાર લેખિતમાં તેમણે બૉર્ડના સભ્યોને નિરક્ષર કહ્યા હતા!

દ્વિઅર્થી સંવાદો અને ચેષ્ટાઓવાળી કોમેડી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ની વિરુદ્ધ મુંબઈના એક જૂથે સેન્સર બૉર્ડને ફરિયાદ કરી ત્યારે તેના જવાબમાં લીલા સેમસને લખ્યું:  “એમાં કોઈ શંકા નથી કે, દરેક પ્રદેશમાં (બૉર્ડના સભ્યો પૈકી) કેટલાક શિક્ષિત છે, પરંતુ તેમાંના ૯૦ ટકા અશિક્ષિત છે અને અમારા માટે શરમજનક છે. તેઓ લખી શકતા નથી, ફોર્મ પર સહી પણ કરી શકતા નથી, જે ફિલ્મ તેઓ જુએ છે તેની સ્ક્રિપ્ટ પણ એકલા વાંચી શકતા નથી અને પેનલના સભ્ય તરીકે તેમની જવાબદારી શું છે તે સમજતા નથી.” આની સામે અસીમ કાયસ્થે વાંધો ઉઠાવ્યો તો લીલાએ માફી માગી લીધી!

લીલા સેમસનને અત્યારની સરકાર સામે જ (ખોટો) વાંધો છે તેવું નથી. તેમને જે સરકારે નિમ્યાં તે યુપીએ સરકારના માહિતી પ્રસારણ પ્રધાન મનીષ તિવારી સાથે પણ ખટકી હતી. મનીષ તિવારી સેન્સર બૉર્ડનું પુન:ગઠન કરવા માગતા હતા પરંતુ લીલા સેમસને તેમ થવા ન દીધું. એટલે જ કદાચ સેમસનના રાજીનામા અંગે બહુ બોલકા એવા મનીષ તિવારી કોઈ પ્રત્યાઘાત આપવાથી વેગળા રહ્યા છે.

લીલા સેમસનના બેવડા માપદંડ જુઓ: તેમણે રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલાં જ તેમણે ‘ઇન દિનો મુઝફ્ફરનગર’ નામની ફિલ્મને મંજૂરી આપી. આ ફિલ્મ ૨૦૧૩ના વર્ષમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનાં ચર્ચિત રમખાણો પર આધારિત છે. તેમાં ભાજપ અને આરએસએસની ટીકા કરવામાં આવી છે. ફિલ્મને સેન્સર બૉર્ડના કોલકાતા ખાતેના પ્રાદેશિક કેન્દ્રએ મંજૂરી આપવાની ના પાડી. તે પછી આ ફિલ્મનાં સર્જક જે કોલકાતા સ્થિત છે, મીરા ચૌધરી ફિલ્મ અપીલેટ ટ્રિબ્યુનલ આગળ ગયાં. ટ્રિબ્યુનલે પણ ફિલ્મને મંજૂરી આપવા ના પાડી. સેમસને પોતાના અધિકારનો ઉપયોગ કરી ફિલ્મની મંજૂરી માટે મુંબઈ ખાતે અરજી કરાવડાવી. (ઘણી ફિલ્મો આ રીતે બીજા કેન્દ્રમાં જઈ મંજૂરી મેળવી આવતી હોય છે.) અને આ રીતે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી.

‘પીકે’માં આટલાં બધાં દૃશ્યો સામે હિન્દુઓનો વિરોધ હોવા છતાં તેમાં કાપ મૂકવા ઈનકાર કરનાર લીલા સેમસને અક્ષયકુમારની ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘એન્ટરટેઇનમેન્ટ’ સામે એવો વાંધો ઉઠાવ્યો હતો કે તેમાં જોની લિવરના પાત્ર અબ્દુલ્લાના નામ પરથી તેની મજાક ઉડાવાય છે. તેના નિર્દેશક મુસ્લિમ સાજિદ-ફરહાદ હતા. તેમણે આ વાત ધ્યાનમાં રાખી જ હશે, પરંતુ લીલા સેમસને તેમને આ નામ બદલવા ફરજ પાડતાં જોની લિવરનું નામ હબીબુલ્લા રાખવામાં આવ્યું.  લીલા સેમસનના કાર્યકાળ દરમિયાન ફિલ્મોમાં ગાળો અને અશ્લીલ દૃશ્યોની પણ ભરમાર વધી ગઈ. પ્રકાશ ઝાની ‘ચક્રવ્યૂહ’માં ‘ટાટા, બિરલા, અંબાણી ઔર બાટા, સબ ને દેશ કો કાટા’ ગીતને કાપવાની સેન્સર બૉર્ડે ફરજ પાડી હતી. ‘કમાલ ધમાલ માલામાલ’ સામે કેથોલિક ખ્રિસ્તીઓએ વાંધો ઉઠાવ્યો તો દૃશ્યો કપાયાં અને કેથોલિક ખ્રિસ્તીઓએ લીલી ઝંડી આપી તે પછી જ ફિલ્મ રજૂ થઈ શકી. આ જ રીતે લીલા સેમસનના નેતૃત્વમાં સેન્સર બૉર્ડે મલયાલમ ફિલ્મ ‘પિતાવિનમ્ પુત્રનુમ્’ ફિલ્મની રિલીઝ રોકી હતી કારણકે તે ખ્રિસ્તીઓની લાગણી દુભાવી શકે તેવી હતી.

લીલા સેમસન હિન્દુ વિરોધી હોવાનું પણ કહેવાય છે. તેમના વિરોધીઓ ‘પીકે’ના કિસ્સા ઉપરાંત તેઓ કલાક્ષેત્રનાં ડિરેક્ટર હતાં ત્યારના દાખલા આપે છે. તેમનો આક્ષેપ છે કે લીલા સેમસને કલાક્ષેત્રના લોગોમાંથી ગણેશજીનું ચિત્ર પડતું મૂકાવ્યું હતું. ઉપરાંત નૃત્ય પહેલાં ગણેશ પૂજા થતી હોય છે, તે પણ તેમણે બંધ કરાવી હતી.

લીલા સેમસને રાજીનામા માટે સેન્સર બૉર્ડમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનું પણ કારણ આપ્યું છે. પરંતુ લાગે છે કે તેમને મોડે મોડે ‘સદ્બુદ્ધિ’ આવી છે કેમ કે તેમના જ કાર્યકાળમાં તેમના સહિત ત્રણ સભ્યોએ જે રાકેશકુમારની નિમણૂક સેન્સર બૉર્ડના સીઇઓ તરીકે કરી હતી તે રાકેશકુમાર એક પ્રાદેશિક ભાષાની ફિલ્મને પ્રમાણપત્ર આપવા માટે કથિત રીતે રૂ.૭૦,૦૦૦ની લાંચ લેતા પકડાયા હતા. અસીમ કાયસ્થે પ્રશ્ન ઉઠાવ્યો છે કે લીલા સેમસને ત્યારે કેમ રાજીનામું ન આપ્યું? વળી લીલા સેમસન જ્યારે કલાક્ષેત્રનાં ડિરેક્ટર હતાં ત્યારે તેમના સમયમાં કૌભાંડ આચરાયાનું પણ કેગના રિપોર્ટમાં બહાર આવ્યું હતું.

તમિલનાડુ અને પુડુચેરીના કેગની ઑફિસે એક રિપોર્ટ આપ્યો હતો જે મુજબ, બાંધકામનાં કામો આપવામાં તેમજ ડાન્સ ડ્રામાના વિડિયો દસ્તાવેજીકરણમાં લગભગ રૂ. ૩ કરોડનો ગોટાળો થયો હતો. સુપ્રીમ કૉર્ટના પૂર્વ ન્યાયાધીશ અને કલાક્ષેત્રના તત્કાલીન અધ્યક્ષ એવા ન્યાયમૂર્તિ એસ. મોહને જ આ આક્ષેપ કર્યો હતો. તત્કાલીન સાંસ્કૃતિક સચિવ અભિજીત સેનગુપ્તાને ઉદ્દેશીને લખેલા પત્રમાં ન્યાયમૂર્તિ એસ. મોહને આખું વિગતવાર વર્ણન આપ્યું હતું કે કાયદાઓ અને નિયમો કઈ રીતે તોડવામાં આવ્યા હતા. મોહને અંબિકા સોનીને પણ પત્ર લખ્યો હતો પરંતુ સોનિયાની નિકટતા રહેલાં લીલા સેમસન સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.

પરંતુ સરકાર આવે એટલે બીજા બધા પદો પર પોતાના માનીતા કે વફાદાર લોકોને મૂકે તે પ્રથાનું ઉદાહરણ એક લીલા સેમસન જ નથી. એનડીએ સરકાર વખતે સેન્સર બૉર્ડનાં અધ્યક્ષા આશા પારેખ હતાં. તેમના પછી દેવ આનંદના ભાઈ અને દિગ્દર્શક સ્વ. વિજય આનંદને અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેમણે એક્સ રેટેડ ફિલ્મોને ભારતમાં બતાવવા ખુલ્લી છૂટ મળવી જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કરી વિવાદ સર્જ્યો હતો. સરકારે પ્રસ્તાવ નકારી દેતાં તેમણે સ્વેચ્છાએ જ આ પદ છોડી દીધું. ત્યાર બાદ ગુજરાતના અભિનેતા અરવિંદ ત્રિવેદીને આ પદ મળ્યું. તેમના પછી અનુપમ ખેરને સેન્સર બૉર્ડના અધ્યક્ષ બનાવાયા. અનુપમ ખેર સંબંધિત એક વિવાદ એવો હતો કે ૨૦૦૨નાં ગુજરાત રમખાણો આધારિત એક દસ્તાવેજી ફિલ્મ ‘ફાઇનલ સોલ્યુશન’ને તેમણે મંજૂરી આપી નહોતી.

મોદી સરકારે તો લીલા સેમસનના પદની અવધિ વધારી આપી જ્યારે ૨૦૦૪માં આવેલી યુપીએ સરકારે અનુપમ ખેરને સ્પષ્ટ રીતે પદ છોડી દેવા કહેલું. ત્યારે પણ વિવાદ થયો હતો કેમ કે અનુપમ ખેરે પદ છોડવા સ્પષ્ટ મનાઈ કરી દીધી. આથી તેમને હટાવવામાં આવ્યા અને અભિનેત્રી શર્મિલા ટાગોરને વડાં બનાવવામાં આવ્યાં. શર્મિલાના કાર્યકાળ દરમિયાન પણ વિવાદોએ પીછો છોડ્યો નહોતો.

શર્મિલા અને એનિમલ વેલ્ફેર બૉર્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય મેનકા ગાંધી ફિલ્મ ‘રંગ દે બસંતી’ના મુદ્દે સામસામે આવી ગયા હતા. ‘રંગ દે બસંતી’ જેમાં શર્મિલાની પુત્રી સોહા અલી ખાન પણ હતી, તેને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ અંગે ઝઘડો થયો હતો. મેનકાનું કહેવું હતું કે શર્મિલા તેની દીકરીના કારણે ફિલ્મની તરફેણ કરે છે જ્યારે શર્મિલાનો આક્ષેપ હતો કે મેનકા આપખુદ રીતે વર્તે છે. તેના જવાબમાં મેનકાનું કહેવું હતું કે “હું આપખુદ કઈ રીતે હોઈ શકું? હું સરકારમાં નથી, શર્મિલા છે.” હકીકતે બોમ્બે હાઇ કોર્ટના આદેશ અનુસાર ‘એનિમલ વેલ્ફેર બૉર્ડની મંજૂરી વગર ફિલ્મમાં પશુ-પક્ષીનો ઉપયોગ કરી શકાય નહીં.’  ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલાં એનઓસી માગવું જોઈએ જ્યારે ‘રંગ દે બસંતી’ માટે ફિલ્મ પૂરી થયા પછી એનઓસી મગાયું હતું. મેનકા મુજબ, સેન્સર બૉર્ડે જોવું જોઈએ કે ફિલ્મ માટે એનિમલ વેલ્ફેર બૉર્ડનું સર્ટિફિકેટ લેવામાં આવે. જ્યારે શર્મિલાએ વળતો એવો જવાબ આપેલો કે તેમનું કામ માત્ર પ્રમાણપત્ર આપવાનું જ છે.

શર્મિલા સેન્સર બૉર્ડનાં ચેરપર્સન હતાં તે વખતે સૈફ અલી ખાનની ‘હમ તુમ’ ઠીકઠાક ફિલ્મ હોવા છતાં તેના માટે સૈફને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં માત્ર હિન્દી ફિલ્મોને જ ધ્યાનમાં નથી લેવાતી. આથી શર્મિલાની વગ સૈફને એવોર્ડ મળવા પાછળ કામ કરી ગઈ તેવી શંકા પણ સર્જાઈ હતી. છેક તાજેતરમાં શાહરુખ ખાને પણ વસવસો વ્યક્ત કર્યો હતો કે તે વર્ષે ‘સ્વદેશ’ માટે તેને આ એવોર્ડ મળવો જોઈતો હતો. જોકે, સૈફને માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર જ નહીં, પરંતુ પદ્મશ્રી પણ મળી ગયો હતો. પોતે સરકાર દ્વારા નિમાયેલાં હોવા છતાં અને આટલા લાભ દેખીતી રીતે તેના પુત્રને મળ્યા છતાં શર્મિલા ટાગોરે ૨૦૦૬ની સાલમાં એવો બળાપો કાઢ્યો હતો કે સેન્સર બૉર્ડમાં રાજકીય નિમણૂકો થાય છે. તેમણે એવી તરફેણ પણ કરી હતી કે બૉર્ડમાં નિમણૂકો પર સરકારનો અંકુશ છે અને તે હટાવી સભ્યોની નિમણૂક માટે અગ્રણી વ્યક્તિઓની સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.

સેન્સર બૉર્ડ પર રાજકીય અંકુશ તો છે જ. અને તેમ છતાં બંને વચ્ચે ટકરાવ (એ જ સરકારે નિમેલા હોવા છતાં) થતો રહ્યો છે તે શર્મિલાના ઉદાહરણ પરથી દેખાય આવે છે. જોકે, ૨૦૧૩ના વર્ષમાં યુપીએ સરકારે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુકુલ મુદ્ગલના અધ્યક્ષપદ હેઠળ આઠ સભ્યોની એક સમિતિ નિમી હતી જે સેન્સર બૉર્ડની સત્તાની સમીક્ષા કરશે. આ સમિતિની રચના કરવા પાછળની ભૂમિકા એવી છે કે કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને સેન્સર બૉર્ડની મંજૂરી મળી ગઈ અને તમિલનાડુની તત્કાલીન જયલલિતા સરકાર અને સેન્સર બૉર્ડ સામસામે આવી ગયાં હતાં.

લીલા સેમસનના વિવાદ પછી એવું લાગે છે કે મોદી સરકાર યુપીએ સરકારના આ નિર્ણયને આગળ ધપાવશે. અને મુદ્ગલ સમિતિનો રિપોર્ટ આવી ન જાય ત્યાં સુધી સેન્સર બૉર્ડમાં મનગમતી વ્યક્તિ નિમાશે. જોવાનું એ છે કે જૂના ને જાણીતા અનુપમ ખેરનો નંબર લાગે છે કે પછી બીજા કોઈ કલાકાર પર પસંદગીનો કળશ ઢોળાય છે.

(આ લેખ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકની વિશેષ કૉલમમાં તા.૨૧/૧/૧૫ના રોજ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment