Home » સુમિત અને કપિલ: ચેનલના મેનેજમેન્ટને નારાજ કર્યા તો…

સુમિત અને કપિલ: ચેનલના મેનેજમેન્ટને નારાજ કર્યા તો…

by Jaywant Pandya

જે લોકો ‘સુમિત સબ સંભાલ લેગા’ને પસંદ કરતા હશે તેમને ૯ જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે આ સિરિયલ નહીં પ્રસારિત થવાથી આંચકો લાગ્યો હશે. પણ હોતા હૈ, ચલતા હૈ. ગ્રાહકોને જ્યાં મોટા મોટા ઝટકા મળતા હોય ત્યાં આવા નાના આંચકાઓની નવાઈ શી! સ્ટાર પ્લસ જેવી પે ચેનલ, જેને જોવા માટે દર્શકોએ (પહેલા કેબલવાળા મારફત અને હવે ડીટીએચ મારફત) અલગથી પૈસા ચુકવવાના થતા હોય તે શું એટલી પણ નિસબત ન રાખી શકે કે દર્શકોને જણાવી શકે કે આ સિરિયલ કેમ પ્રસારિત નથી થઈ રહી? (મારા ધ્યાનમાં તો આવી નોંધ નથી જ આવી.)

ઉલટું, એ અઠવાડિયામાં બધી સિરિયલોના ટાઇમિંગ મોડા મોડા ચાલતા હતા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ તો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એક કલાક ચાલી. ‘યે રિશ્તા…’નો સમય ૯.૩૦થી ૧૦.૦૦નો છે. પરંતુ તેને ૧૦.૩૦ સુધી ચલાવાઈ. આની પાછળ કારણ શું છે? કોઈ ભારતીય ચેનલ તરફથી આવું થતું હોત તો સમજ્યા, પણ આ તો રૂપર્ટ મુર્ડોકની વિદેશી ચેનલ! જેના પ્રોફેશનલિઝમનાં ઉદાહરણો અપાતાં હોય છે. સમાચારપત્રો અને મેગેઝિનોમાંય લોકપ્રિય કૉલમ જો ન છપાય તો તેની નાની સરખી નોંધ મૂકાતી હોય છે. પરંતુ સ્ટાર પ્લસે આવું કંઈ કર્યું નહીં. અને હવે પહેલાંની જેમ સમાચારપત્રોમાં પણ ટીવીના શેડ્યુલ છપાતા નથી.

બાકી પહેલાં એક સમય હતો કે એક માત્ર દૂરદર્શન હતું તો સાપ્તાહિકીમાંથી સમય નોંધી લેવાતો. અને દૂરદર્શનના કાર્યક્રમોનું સમયપત્રક સમાચારપત્રોમાં નિયમિત રીતે છપાતું. એક સમાચારપત્રમાં જે ભાઈ આ સમયપત્રક તૈયાર કરતા તે ખૂબ જ કાળજી લેતાનું મને યાદ આવે છે અને તેમને પાછા બીજા પત્રકારો પણ પોતાને કોઈ જાણકારી હોય તો તે આપે, એટલી ચીવટ રખાતી સમયપત્રક તૈયાર કરવામાં અને રાખવી જ પડે કેમ કે જો વિગતદોષ હોય તો સમાચારપત્રની કચેરીએ લેન્ડલાઇનની ઘંટડીઓ સતત રણકતી રહેતી. હવે તો ઇન્ટરનેટ પર વેબસાઇટની સુવિધા છે. તેના પર પણ સમયપત્રક ચોકસાઈભર્યાં મૂકાતાં નથી.

આમ, એક અઠવાડિયા સુધી સ્ટાર પ્લસનું ૯.૩૦થી ૧૦.૩૦નું સમયપત્રક ખોરવાયેલું જ રહ્યું હતું. સમાચાર પણ મળ્યા કે ‘સુમિત સબ સંભાલ લેગા’ બંધ થશે! (સુમિત દર્શકોને સંભાળી શક્યો નથી લાગતો.) અને નવી સિરિયલ ‘તમન્ના’ની જાહેરાત પણ થઈ ગઈ.

પણ આવું સ્ટાર પ્લસ પર અને ‘સુમિત સબ સંભાલ લેગા’ સાથે જ નથી બનતું. જે શોએ કલર્સ ચેનલની લોકપ્રિયતામાં મોટો ફાળો આપ્યો તે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’ સાથે પણ ચેનલવાળાએ આવું જ કર્યું.

હકીકતે વાત એમ હતી કે કપિલ શર્માના કોમેડી નાઇટ્સનો ૧૭ જાન્યુઆરીએ અંતિમ એપિસોડ આવવાનો હતો જેમાં અક્ષયકુમાર પોતાની ૨૨ જાન્યુઆરીએ રજૂ થનારી ‘ઍરલિફ્ટ’ના પ્રમોશન માટે આવ્યો હતો. આ અંતિમ એપિસોડ હોઈ તેમાં બધા ભાવુક થઈ ગયા હતા. ખાસ કરીને ગુત્થીનું પાત્ર ભજવતો સુનીલ ગ્રોવર. તે તો રોઈ પડ્યો હતો. આ અંતિમ એપિસોડની વિડિયો ક્લિપ પણ સોશિયલ મિડિયામાં વહેતી થઈ હતી.

કપિલ શર્માને કંઈક ગંધ આવી ગઈ હોય તેમ રવિવારે સવારે જ તેણે ટ્વિટર પર લખ્યું હતું કે આ શો રજૂ થાય તેવી તેને આશા છે. દર્શકોનો આભાર માનવાની આ અમારી રીત છે. અને કપિલ શર્માની શંકા સાચી પડતી હોય તેમ રવિવારે શો દેખાડાયો જ નહીં. તેની જગ્યાએ દર્શાવાયો ‘કોમેડી નાઇટ્સ બચાઓ’!

કોઈ જાતની સૂચના નહીં અથવા જાહેરાત નહીં કે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ કેમ બતાવાતો નથી. વચ્ચે બ્રેકમાં પણ અંતિમ એપિસોડની જાહેરાત ન મૂકાઈ. લગભગ છેક છેલ્લા બ્રેકમાં જાહેરાત દેખાડાઈ કે અંતિમ એપિસોડ ૨૪ તારીખે દર્શાવાશે.

‘સુમિત સંભાલ લેગા’ની બાબતમાં હજુ એવું કોઈ કારણ બહાર નથી આવ્યું કે એવી કોઈ ચર્ચા પણ નથી કે તે સિરિયલ નિર્માતાને ચેનલના મેનેજમેન્ટ સાથે કોઈ ઝઘડો હોય, પણ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ની બાબતમાં તો હવે એ જગજાહેર છે. ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ શો ચાલુ થયો તે અંગે કપિલને ચેનલવાળાઓ સાથે વાંધો પડ્યો હતો. બંને શોના નામના છેલ્લા બે શબ્દો બાદ કરો તો નામ પણ લગભગ એક સરખાં. કોમેડી નાઇટ્સ બંનેમાં કોમન. બંનેમાં સેલિબ્રિટીઓ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા આવે. કોમેડીનું ફોર્મેટ. કપિલના શોમાં એ વધારાનું તત્ત્વ હતું કે દર્શકોમાં નમૂના જેવા લોકોને લઈ અવાય અને તેમની ફિરકી ઉતારાય. સામે પક્ષે કોમેડી નાઇટ્સની દરેક આઇટમની અદ્ભુત ક્રિએટિવિટી. અદ્ભુત મિમિક્રી કલાકાર મુબીન સૌદાગરનું કોઈ ફિલ્મના દૃશ્યનું કોમેડી ડબિંગ હોય કે કૃષ્ણ અભિષેક-સુદેશ લહેરીની જોડીની જમાવટ.

એ જાણીતું છે કે કપિલનો શો શનિ-રવિ આવતો હતો પણ કૃષ્ણના ‘કોમેડી નાઇટ્સ વિથ બચાઓ’ને કપિલના શોની જગ્યાએ શનિવારે ગોઠવાયો અને કપિલનો શો માત્ર રવિવાર પૂરતો સીમિત કરી દેવાયો. કપિલને બીજો વાંધો એ હતો કે તેના શોના બદલે ‘કોમેડી નાઇટ્સ બચાવો’ને વધુ મહત્ત્વ અપાય છે. આ અંગે તેણે ચેનલવાળાઓને ફરિયાદ કરી હોવાનું મનાય છે. ચેનલવાળાઓ નહીં માન્યા હોય એટલે કપિલે શો જ બંધ કરી દેવાની ધમકી આપી. પણ ચેનલવાળાનો અહંકાર ઘવાયો. એટલે તેમણે કહ્યું કે તો શો કપિલ વગર પણ ચાલુ રહેશે.

હવે જો કપિલ વગર પણ શો ચાલુ રહેવાનો હોય તો કપિલ કઈ રીતે એવો એપિસોડ બનાવી શકે જેમાં કહેવાતું હોય કે આ અમારો અંતિમ એપિસોડ છે? કદાચ આવા જ કારણથી ચેનલના મેનેજમેન્ટે કપિલનો અંતિમ એપિસોડ ૧૭મીએ પ્રસારિત ન કર્યો હોય તેવું બની શકે. વળી ચેનલવાળાઓએ તે આગામી કઈ તારીખે પ્રસારિત કરાશે તેની જાહેરાત પણ છેક છેલ્લા બ્રેકમાં કરી. હવે બ્રેકમાં જે લોકો જાહેરખબરના બદલે બીજો શો કે સમાચાર જોઈ લેવા માગતા હોય તે લોકો તે ચૂકી જાય તેમ પણ બની શકે.

અંતિમ એપિસોડ ૧૭મીએ નહીં દેખાડવાનું સત્તાવાર કારણ બંનેમાંથી કોઈ પક્ષ તરફથી આ લખાય છે ત્યાં સુધી જાહેર થયું નથી. કદાચ બની શકે કે કપિલ અને તેની ટીમ રવિવાર ૨૪મીએ એ એપિસોડ દેખાડાય જાય તેની રાહ જોઈને બેઠી હોય અને પછી ધૂમધડાકા કરે.

જોકે કલર્સ ટોચની ચેનલો પૈકીની એક હોવાથી કપિલ શર્મા સંબંધ ન બગાડવાનું પણ વિચારી શકે. એટલે પરમ દિવસે શો આવી જાય પછી શું થાય છે તેની રાહ જોવી પડે. અને કપિલ તેની ટીમ સાથે પોતાનો શો કઈ ચેનલ પર શરૂ કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. સામે પક્ષે કપિલ વગર જે શો પ્રસારિત કરાશે તેનું નામ ‘કોમેડી નાઇટ્સ’ વિચારાયું છે. તેનું સંચાલન કપિલની જગ્યાએ કૃષ્ણ અભિષેક કરશે. તેની સાથે ટીમમાં બીજા કયા કલાકાર રહેશે અને તેનું ફોર્મેટ કપિલના શો જેવું જ રહેશે કે કેમ તે જોવાનું રહેશે.

‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’નો અંતિમ એપિસોડ ૨૪મીએ દેખાડાશે ત્યારે પણ તેને ‘કોમેડી નાઇટ્સ બચાઓ’નું ગ્રહણ બીજી રીતે લાગવાનું જ છે, કેમ કે એ દિવસે ‘બિગ બોસ’ની ફાઇનલ છે અને તેમાં ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ની ભારતીસિંહ સહિતની ટીમ હસાવવા માટે આવશે. આ ફાઇનલમાં સલમાન ખાન સાથે તેની પૂર્વ પ્રેમિકા કેટરીના કૈફ પણ જોવા મળશે. કેટરીના પોતાની ફિલ્મ ‘ફિતૂર’ના પ્રચાર માટે આવશે. આ બંને પૂર્વ પ્રેમીઓ હમણાં બીજી રીતે પણ ચર્ચામાં છે. રણબીર કપૂર સાથે કેટરીના કૈફના સંબંધોનો વિચ્છેદ થયો છે. તે પછી કહે છે કે કેટરીનાએ સલમાન ખાન સાથે બે કલાક પરામર્શ કર્યો હતો. ‘બિગ બોસ’ની ફાઇનલમાં કલર્સ ચેનલની લોકપ્રિય સિરિયલો ‘નાગીન’, ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ અને ‘થપકી પ્યાર કી’ના કલાકારો પણ આવશે. એટલે પૂરી સંભાવના છે કે ‘બિગ બોસ ૯’ની ફાઇનલની ચમકદમકમાં ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’નો અંતિમ એપિસોડ દબાઈ જાય.

ટૂંકમાં ‘સુમિત સંભાલ લેગા’ કે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ની હાલત જોયા પછી એવું કહી શકાય કે ચેનલના મેનેજમેન્ટ સાથે બથોડા લેવા નહીં. તેઓ તમારા શોને ફંગોળી શકે છે, પછી ભલે ને તમારો શો લોકપ્રિય કેમ ન હોય.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

6 comments

Brijesh 22/01/2016 - 5:17 PM

Thank you for your article. Please update your article from Sunday mumbay samachar column…..

Reply
Jaywant Pandya 25/01/2016 - 7:46 PM

Sure I will try to post.

Reply
મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. 23/01/2016 - 10:23 AM

તમારા દરેક લેખોમાં કાંઈકને કાંઈક નવું અને જાણવા જેવું આવતું હોય છે અને હું રસપુર્વક વાંચું છું. હવે જ્યારે ૧૦૦ થી પણ વધારે ચેનલો અને તેના હજારો કાર્યક્રમમાંથી કોઈ સારામાં સારા કાર્યક્રમ વિષે લખવાને બદલે આવી ફાલતુ બાબત માટે તમે આટલું બધું લખ્યું અને હું પણ કંઈક નવું જાણવા મલશે કરીને આખો લેખ વાંચી ગયો……મને લાગે છે કે તમે કપિલના શો ની જાહેરખબર કરતાં હોય એવું લાગ્યું. બાકી તો જો જાહેરખબરો વધારે હોય તો દરેક શો મોડો પુરો થાય અને બીજા શો પણ મોડા શરૂ થાય અને મોડાજ પુરા થાય, એમ મને લાગે છે. જાહેર્ખબરો જો ઓછી હોય તો ફીલર તરીકે એમના આગામી કાર્યક્રમનાટ્રેઈલર બતાવીને સમય પુરો કરે. હવે શો શરૂ થતાં પહેલાંની જેમ દુરદર્શનમાં આવતાં તેવા ઉદઘોષકો-announsor આવતાં નથી અને આખા દિવસના કે ૨-૪ દિવસના ભેગા કરીને ટેપજ મુકી દયે છે. એટલે બધે પોપાબાઈનું રાજ ચાલે છે.

Reply
Jaywant Pandya 25/01/2016 - 7:47 PM

આપના અભિપ્રાયને આદર, પણ તેની સાથે અસંમત.

Reply
કાર્તિક 25/01/2016 - 7:43 PM

સુમિત સંભાલ લેગા ના એકાદ-બે એપિસોડ જોયેલા (થોડું ઘણું ટીવી જોવાઇ જાય છે તેમાં). સરસ સિરિયલ છે (કે હતી) :/

Reply
Jaywant Pandya 25/01/2016 - 7:47 PM

હવે તે એનું રોજેરોજ જોઈને જ નક્કી કરવું પડે કે છે કે હતી. 🙂

Reply

Leave a Comment