Home » સત્યને પણ ઘાંટો પાડીને બોલવું પડે છે

સત્યને પણ ઘાંટો પાડીને બોલવું પડે છે

by Jaywant Pandya

ગૂગલને ચીનમાં તકલીફ પડી અને અમેરિકાનાં વિદેશ પ્રધાન સુશ્રી હિલેરી ક્લિન્ટને નિવેદન આપ્યું. આપણા સેંકડો નાગરિકો પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે, તેની કોઈ વાત થતી નથી (દેશમાં પણ કાશ્મીરી પંડિતો મુદ્દે કોઈ કંઈ કરતું નથી.). ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર રોજ હુમલાના બનાવો અહેવાલાય છે, પણ મનમોહનસિંહ મીંદડી જેવા સ્વરે નિવેદનો બહાર પાડે છે. બસ ઇતિ કથા સમાપ્તમ્!

આવું બને છે ત્યારે બજરંગ દળ કે શિવસેના કે પછી રાજ ઠાકરેઓ સારા લાગે છે.  હમણાં શિવસેનાએ નિવેદન આપ્યું કે ઓસ્ટ્રેલિયાના કિક્રેટરોને રમવા નહીં દઈએ. પાકિસ્તાની કિક્રેટરોની તો બોલી જ ન થઈ આ શિવસેનાની ધાકના કારણે. જોકે ઘણા ‘સેક્યુલર’ પત્રકારોને પેટમાં દુખવા આવ્યું છે અને પેટ સાફ પણ નથી થતું. રાજ ઠાકરેના કારણે મુંબઈમાં મરાઠી ભાષાને પ્રાધાન્ય આપવું પડે છે. (ક્યારેક લાગે છે કે ગુજરાતમાં પણ કોઈ ગુજરાતી રાજ ઠાકરેની જરૂર છે. અહીં દુકાનોનાં પાટિયાં મોટા ભાગે અંગ્રેજીમાં જ હોય છે, એટલું જ નહીં, અમદાવાદમાં તો ક્યારેક બિનગુજરાતી ભૂમિ લાગે તેમ, અજાણ્યા લોકો સાથે ફોન કે રૂબરૂ સંવાદની શરૂઆત જ સીધી અંગ્રેજી કે હિન્દીમાં થાય છે. કેટલાક ડોક્ટર કે કહેવાતી ઊંચી પાયરીના લોકો તો વાત જ અંગ્રેજીમાં ફાડફાડ કરે. પોતે ગુજરાત બહાર રહેતા હોય ને અહીં આવ્યા હોય તેવા લોકોય ગુજરાતી નહીં,  હિન્દીમાં જ વાત ચલાવ્યા રાખે.)

રાજ ઠાકરેના સૈનિકોએ પેલા બદમાશ અબુ આઝમીને પાઠ ભણાવ્યો પછી ત્યાંની પ્રજાએ અબુ આઝમીના દીકરાને ભીવંડીની પેટા ચૂંટણીમાં હરાવ્યો અને શિવસેના જીતી ગઈ. પ્રાંતવાદને મહત્ત્વની વાત નથી, હિન્દી રાષ્ટ્રભાષા છે તે કબૂલ, પરંતુ જે પ્રાંતની પોતાની એક અસ્મિતા છે તે તો ન જ મિટવી જોઈએ. જે પ્રાંતને પોતાના લોહીથી વિકસાવ્યો છે તે પ્રજાને મતબેંક માટે હડસેલી દો તે કેવું! આવું જ દેશની બાબતમાં પણ છે. ગુજરાતનો ડાયરો ગુજરાતથી બહાર નીકળીને ‘સજન રે ઝૂઠ મત બોલો’ સિરિયલ દ્વારા રાષ્ટ્ર સુધી પહોંચ્યો, પણ ગુજરાતમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની શી દશા છે તે જુઓ તો ખબર પડે!

ટૂંકમાં, પોતાની વાત કહેવા માટે તમારે ક્યારેક ઘાંટો પાડીને બોલવું પડે કારણકે નમ્રતા કાયરતામાં ખપી જવાનો ભય નહીં, ખાતરી હોય છે. બાગબગીચામાં પ્રેમી યુગલો બેસે તેની ના નહીં, પણ જાહેરમાં તેઓ અભદ્ર ચેષ્ટા કરે અને તેનો વિરોધ કરનારા કટ્ટરવાદીમાં ખપી જાય! કર્ણાટકમાં આછકલાઈ કરવામાં આવે અને તેનો વિરોધ કરનારાને તાલિબાની કહેવામાં આવે.

કોઈ ચિત્રકાર કોઈ એક ચોક્કસ ધર્મના દેવીદેવતાનાં જ નગ્ન ચિત્રો દોરે અને તેની ગુફા પર હુમલા થાય કે તે કલાકારનો વિરોધ થાય ત્યારે સ્વતંત્રતાની અભિવ્યક્તિ પર તરાપ અને ડેનમાર્કનો કોઈ ચિત્રકાર કાર્ટૂન દોરે તો તેની સામે ભારતમાં પ્રદર્શન થાય તે કંઈ નહીં! અહીં તો સલમાન રશદીના પુસ્તક પર પણ પ્રતિબંધ લાગી જાય! ઈરાક પર હુમલા થાય તો તેનો વિરોધ અહીંના કેટલાક નાગરિકો કરે!

શિવસેનાના ડરના કારણે પાકિસ્તાની ખેલાડીઓ અહીં આઇપીએલમાં રમવા નથી આવી શકતા તેનું દુઃખ ત્યાંના ભાઈઓ કરતાં અહીંની ‘બહેનો’ને વધુ થાય છે! એવું જ દુઃખ હોય તો ત્યાં પાકિસ્તાનમાં જઈને રહો ને. પણ ના. ત્યાં આવી બેફામ લખવાની, બેફામ બોલવાની, શબ્દનો વ્યભિચાર કરવાની છૂટ ક્યાં મળે છે?

હિન્દુઓ, હિન્દુ ધર્મ અને ગુજરાતી ભાષા બિચારા બાપડા છે. અહીં તો યોગનો પ્રચાર કરવો હોય તો ય યોગગુરુઓને કહેવું પડે કે તેને હિન્દુ ધર્મ સાથે કંઈ લાગતું વળગતું નથી. અમે તો સર્વધર્મ સમભાવની વાત કરીએ છીએ. પણ તેઓ ગમે તે કહે, વિદેશમાં તો યોગને હિન્દુ ધર્મ સાથે જોડીને જ જોવામાં આવે છે અને એટલે તો યોગ પર ચર્ચો પ્રતિબંધ મૂકી દે છે! હા, એ જ ધર્મ જેને ભારતમાં, ખાસ કરીને હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં બહુ ઉદારવાદી, પ્રેમની વાત કરતો,  દીનદુખીઓના દુઃખ દૂર કરતો ધર્મ ગણાવાય છે. (‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મનાં છેલ્લાં દ્રશ્યો યાદ છે ને?)

ભગવાન શ્રી રામે વાલીનો છળથી વધ કર્યો હતો. આજે જે ‘સેક્યુલરો’, મિડિયા અને એન.જી.ઓ. છે તે જો ત્યારે હોત તો શ્રી રામના માથે માછલાં ધોયા હોત. તેમના પર અયોધ્યાના બદલે શ્રીલંકામાં રાવણના ન્યાયાલયમાં કેસ ચલાવ્યો હોત, કેમકે, રાવણોના કૃત્યો માનવ અધિકારોના નામે માફ છે, પણ રામનું કૃત્ય માફ નથી.

સબ કો સન્મતિ દે ભગવાન!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

7 comments

arvindadalja 27/01/2010 - 5:12 PM

ભાઈશ્રી જયવંત
આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. કહેવાતી બીનસાંપ્રદાયિકા કે મતના રાજકારણે જ હજુ અફ્ઝલ અને કસાબ આ દેશમાં લોકોના પરસેવાના નાણાંથી મોજ મજા કરી રહ્યા છે ! આ કાયર અને નમાલા નેતાઓને કારણે જ હિન્દુસ્તાનીઓ પીટાય રહ્યા છે ! આપની વાત સાચી છે કે ક્યારે ક બાલ ઠાકરે કે રાજ ઠાકરે સાચા છે તેવું માનવા મન લલચાય જાય છે ! આપણને આપણાં સ્વત્વ કે સન્માન માટે કોઈ પરવા હોય તેવું જણાતું નથી. અને કમાંડો કે સુરક્ષા કર્મચારીઓ તો માત્ર અને માત્ર આ નપુંસક અને કાયર સત્તાધીશોના રક્ષણ માટે જ જાણે હોય તેવું લાગ્યા કરે છે ! સામાન્ય નાગરિકો ભલે ને ચોતરફ પીટાયા કરે તેનાથી વડાપ્રધાન કે અન્ય કોઈનું લોહી ઉકળી ઉઠે તેવી કોઈ શક્યતા નથી. હિન્દુસ્તાનની વસ્તી ખૂબ જ હોઈ આ લોકો આવા આતંકવાદી હુમલાથી જે થોડા ઘણાં ઓછા થયા તેવી માનસિકતા ધરાવનાર જ છે. જ્યાં સુધી લોકો પોતે કાયદાની એસી તેસી કરી પોતે જાતે જ રક્ષણ કરવા તૈયાર નહિ થાય કે આ સત્તાધીશોના કોઈ અંગત સગા-વહાલા આ આતંકવાદીઓ દ્વારા પીટાશે નહિ ત્યાં સુધી આમ જ ચાલ્યા કરશે તેવું જણાય છે ! આ વિષે તો ઘણાં આકરા શબ્દોમાં લખી શકાય પણ આપણું તો એ અરૂણ્ય રૂદન જ બની રહેશે !

સ-સ્નેહ
અરવિંદ

Reply
Rajni Agravat 27/01/2010 - 5:35 PM

સાચુ,તકલીફ એ છે કે જે લોકો સમાજ અને યુવાનો પર પ્રભાવ પાડી શકે એવા જ તેઓને ખોટી ખોટી વાતો કરીને ગેરમાર્ગે દોરતા હોય છે, એ લોકો જ એવી ફેશન પાડે છે
* અને હરિલાલ ગાંધીને આગળ ધરીને ગાંધીજી અને એમના સિધ્ધાંતો આઉટડેટ છે એવું ભરમાવે છે.

* નાના છોકરડાઓને મુંઝવી દે એવા સવાલો કરે કે યોગ ગૂરૂ એની પ્રોડક્ટનું સેલ્સ ટેક્સ વાળુ બીલ આપે છે ?

* હુસેનને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જ જોઇએ.

* મોદી કરે તે બધા છીનાળા

* ગુજરાતી લિપિમાં ટાઇપ કરનારને “માતાનું ધાવણ છોડવાની એક ઉંમર” વાળી દલીલો કરે છે

વગેરે વગેર વાતો કરવા વાળા મિડિયમાં ભરેલા છે યા તો આપણે એમને ચલાવીયે અને ચગાવીએ છીએ.

Reply
મહેર એકતા 28/01/2010 - 3:03 PM

રજનીભાઇ, “માતાનું ધાવણ છોડવાની એક ઉંમર” વાળું વાક્ય વાંચીનેતો તમ્મર ચડી ગઇ ! જરા અમારી દેશી સ્ટાઇલમાં ઠપકારવાની રજા માંગુ છું.
આવી સલાહ જેને મળે છે તેનું તો બહુમાન થયું કહેવાય 🙂 કારણ કે માતાનું ધાવણ તેઓ ધાવ્યા છે તેટલું તો સાબીત થાય છે ! દુઃખ એકજ વાતનું છે કે આવી સલાહો આપનારાઓ ડબ્બા અને બોટલો પી નેજ ઉછર્યા હોય, તેમને તો આપણે છોડાવવું પણ શું ?
આભાર. —– અશોક મોઢવાડીયા

Reply
મહેર એકતા 28/01/2010 - 3:08 PM

માફ કરજો, હું જયવંતભાઇનો આભાર માનવાનું તો ભુલીજ ગયો !!!
આભાર,જયવંત ભાઇ, આવો સુંદર લેખ આપવા બદલ.
— અશોક મોઢવાડીયા.

Reply
krunalc 27/01/2010 - 7:28 PM

ચિદમ્બરમ સાહેબનું માથું ત્યારે શરમથી નથી ઝૂકતું જ્યારે IPL દેશ બહાર રમાય છે પણ પાકિસ્તાનના ખેલાડીઓને IPLમાં ના લેવાય તો એનું એમને દુ:ખ થાય છે.

શાહરૂખખાનને તો પાકિસ્તાનના ખેલાડીઓ દુનિયાના સૌથી સારા ખેલાડી લાગે છે અને મનદુ:ખ થાય છે કે એમની ટીમમાં કોઇએ પાકિસ્તાનથી ખેલાડીને લેવા ના દીધા. સવાલ એ થાય છે કે અત્યારે કેમ રાજ ઠાકરે કે બુઢાઉ બાલ ઠાકરે શાહરૂખના ઘર પર પથરા મારવા માણસો ના મોકલ્યા.

એટલે તમને લાગતું હોય કે રાજ ઠાકરે કે બાલ ઠાકરે સત્ય માટે ઘાંટા પાડે છે તો એ માનવું ભૂલ ભરેલું છે. બધાં પોત પોતાની ખીચડી પકવવા ઘાંટા પાડે છે. બાકી સત્ય તો આપણા દેશમાં ખાલી નામ માત્ર રહ્યું હોય એમ લાગે છે.

આજના જમાનામાં ખાલી એક જ સનાતન સત્ય છે जिसकी लाठी, उसकी भैंस.

Reply
Bhupendrasinh Raol 29/01/2010 - 3:24 AM

ઘાંટા સાંભળીને કાન બહેરા થઇ ગયા છે.સત્યનો ઘાંટો શું કામ?થપ્પડ કેમ નહિ?મારા બ્લોગ માં મુક્યો છે.અહી ન્યુ જર્સી ના ડોક્ટર્સ તો ગુજરાતી માં આરામ થી વાતો કરે છે.પાંચ વરસથી ડો.પંકજ પટેલ જોડે મેં અંગ્રેજીમાં વાત કરી જ નથી.

Reply
pramath 04/02/2010 - 2:09 PM

ભાઈ,
એક વાત તો સાચી કે ઠાકરેનું ધાર્યું થવા દઈશું તો સરદારનું અણધાર્યું થશે. જમણેરી તો હું પણ છું પણ દેશની અખંડિતતા અને ગમે ત્યાં વસવાની સ્વતંત્રતા પર કાપ ન આવવો જોઈએ.
ખરેખર તો કાશ્મિરમાં બધાં વસી શકે તેમ કામ કરવું જોઇએ, નહીં કે મુંબઈમાં માત્ર મરાઠીભાષી વસે તેમ!
એમાં પણ ગુજરાતીઓ, પંજાબીઓ, મારવાડીઓ, મલયાળીઓ અને ગોરખાઓ તો દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસે છે.
સાદી વાત પૂછું: તમને ઈદી અમીન ગમેલો?

ડાબેરીપ્રધાન મિડિયા ક્યાં ખોટું છે? આ પ્રશ્નો એ લોકો પૂછતા નથી:
૧. આઝાદીના સાઠ વર્ષ પછી પણ જગતના સૌથી ફળદ્રુપ પ્રદેશના, ગંગાના મેદાનોના લોકોએ મુંબઈ શા માટે ઊભરાવું પડે છે?
૨. મહારાષ્ટ્રમાં જેટલા (કે જેટલા ટકા) હિન્દીભાષીઓને કામ મળે છે તેટલા (કે તેટલા ટકા) મરાઠીઓને દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાંચલ, ઝારખંડ, છત્તીસગઢમાં (બધું મળીને) કામ કેમ નથી પેદા થઈ શકતું?
૩. શા માટે આખા દેશની કમાણીનો ભાર સાત-આઠ રાજ્યો ઉપાડે છે છતાં લોકસભામાં તેમનું પૂરતું પ્રતિનિધિત્વ નથી? પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ગોવા, આસામ – બધી મળીને બસો સીટ નથી થતી જ્યારે મજૂરો અને કારીગરોના સતત સપ્લાયર કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની મળીને અઢીસોથી વધારે સીટો થાય છે! કમાઉ દિકરાને મોઢે તાળાં મારી ઉડાઉ દિકરા પોષવાનો આ તે કેવો ન્યાય છે?

જેટલો અધિકાર બધે વસવાનો છે તેટલી જ ફરજ બધા માટે તકો ઊભી કરવાની પણ છ!

Reply

Leave a Comment