Home » શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ, મદરેસાઓ બંધ કરાશે

શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ, મદરેસાઓ બંધ કરાશે

by Jaywant Pandya

સબ હેડિંગ: સાંપ્રદાયિક પોશાક કે ઉપાસનાનાં-શિક્ષણનાં સ્થળોના ઓઠા હેઠળ કટ્ટરતા ફેલાવી પંથાંતરણ કે દેશને પોતાના કબજામાં લેવાના કે ત્રાસવાદ ફેલાવવાની પ્રવૃત્તિઓ સામે હવે વિશ્વ જાગૃત થઈ રહ્યું છે. યુરોપમાં અનેક દેશોએ બુરખા કે નકાબ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે એશિયામાં શ્રીલંકા પણ આવું પગલું ભરવા જઈ રહ્યું છે.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૦૩/૦૪/૨૦૨૧)

શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ મૂકવાનું અને ૧,૦૦૦ મદરેસા બંધ કરવાનું નક્કી કર્યું છે. આવું કેમ થયું? આવો આકરો નિર્ણય શ્રીલંકાએ કેમ લીધો?

તેના કારણમાં જવા માટે બે વર્ષ પહેલાં ઇસ્ટર નામના ખ્રિસ્તીઓના તહેવાર પર ચર્ચોને લક્ષ્ય બનાવીને મુસ્લિમ ત્રાસવાદીઓએ કરેલા બૉમ્બ ધડાકા યાદ કરવા પડશે. ૨૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ શ્રીલંકાનાં ત્રણ ચર્ચ અને કૉલંબોની ત્રણ લક્ઝરી હૉટલને નિશાન બનાવી શ્રેણીબદ્ધ આત્મઘાતી બૉમ્બ ધડાકા કરાયા હતા. તે જ દિવસે બાદમાં દેમતાગોડા અને દહીવાલામાં નાના બૉમ્બ ધડાકા થયા હતા. આ બૉમ્બ ધડાકામાં ૪૫ વિદેશી નાગરિકો સહિત ઓછામાં ઓછા ૨૬૭ લોકો માર્યા ગયા હતા.

આના પછી બીજા બૉમ્બ ધડાકાઓ કરવાની પણ મુસ્લિમ ત્રાસવાદીઓની યોજના હતી પરંતુ સરકારના દરોડાથી તેને અટકાવી દેવાયા. ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે ચાર એપ્રિલે ભારતની જાસૂસી સંસ્થાઓએ શ્રીલંકાને સંભવિત ત્રાસવાદી હુમલાઓની પદ્ધતિ અને લક્ષ્યાંકિત સ્થાનો વિશે ચોક્કસ માહિતી આપી હતી, અને ૨૧ એપ્રિલે પહેલા બૉમ્બ ધડાકાના બે કલાક પહેલાં ફરીથી માહિતી આપી હતી, પરંતુ શ્રીલંકા સરકાર તેને અટકાવવામાં નિષ્ફળ રહી.

શ્રીલંકા સરકાર ભલે તે બૉમ્બ ધડાકા અટકાવવામાં નિષ્ફળ રહી પરંતુ તેના પછી હવે ત્યાં મુસ્લિમોમાં કટ્ટરતા રોકવા માટે જાગી ગઈ છે. આમેય, ત્યાં હવે સરકાર પણ બદલાઈ ગઈ છે. તમિલ વ્યાઘ્રો (એલટીટીઇ)ને નાથવામાં સફળ રહેલા ગોટાબાયા રાજાપક્ષ અત્યારે શ્રીલંકાના પ્રમુખ છે અને તેમના મોટા ભાઈ મહિન્દા રાજાપક્ષ અત્યારે વડા પ્રધાન છે.

એશિયામાં કદાચ બુરખા પર પ્રતિબંધ મૂકનાર શ્રીલંકા પ્રથમ દેશ બનશે. શ્રીલંકામાં ૭૦ ટકા વસતિ બૌદ્ધોની છે. ૧૨ જૂન ૨૦૧૪ના રોજ બૌદ્ધ સાધુ આયાગમા સમિથા અને તેમના ડ્રાઇવર પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. આ અપરાધમાં ત્રણ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે પછી સિંહાલીઝ બૌદ્ધો પ્રદર્શન કરવા લાગ્યા અને મુસ્લિમો વિરોધી લાગણી પ્રબળ બની. તેના કારણે ૧૫ જૂન ૨૦૧૪ના રોજ ઉશ્કેરણીજનક સૂત્રો પોકારાયા અને પછી મુસ્લિમોનાં ઘર, દુકાન, ફૅક્ટરીઓ અને મસ્જિદો પર હુમલા થયા. જોકે આ તોફાનોમાં માત્ર ચાર લોકોનાં જ મૃત્યુ થયાં હતાં અને ૮૦ જણા ઘાયલ થયા હતા. સેંકડો લોકો બેઘર થયા હતા. આપણે ત્યાં પાલઘરમાં સાધુઓને પોલીસની ઉપસ્થિતિમાં ક્રૂર રીતે મારી નખાય છે અને છતાં તોફાનો થતા નથી કારણકે હિન્દુ અહિંસક છે. વાતે-વાતે રમખાણો કે તોફાનો પર ઉતરી આવતો નથી. છતાં ભારતમાં મુસ્લિમોને અસુરક્ષા અનુભવાય છે. એ તો ઠીક, પણ રાજકીય અને ઉદ્યોગપતિ વગ ધરાવતા શાહરુખ ખાન અને આમિર ખાન જેવા પણ મોદી સરકાર આવ્યા પછી અસુરક્ષા અને અસહિષ્ણુતા વધી હોવાનાં નિવેદનો આપે છે. આ લોકોએ શ્રીલંકા કે મ્યાનમાર જેવા દેશોમાં જઈને જોવું જોઈએ.

જ્યારે દેશ પર આરોગ્યની રીતે કે ત્રાસવાદની રીતે ખતરો આવે છે ત્યારે સરકાર અને ન્યાયતંત્ર એક થઈ જાય છે- થઈ જ જવું જોઈએ. શ્રીલંકામાં ગયા વર્ષે કોરોના પછી કોરોનાગ્રસ્ત મુસ્લિમોને તેમના સગાઓના મૃતદેહ દાટવા દેવાતા નહોતા. તેમને સળગાવવા પડતા હતા. આથી મુસ્લિમ અગ્રણીઓએ ન્યાયાલયમાં ધા નાખી. જોકે ત્યાં હારી ગયા. પાકિસ્તાને પણ આ મુદ્દો ઉઠાવ્યો અને સંયુક્ત રાષ્ટ્રો સુધી વાત પહોંચી તે પછી શ્રીલંકા સરકારે નમતું જોખ્યું. આ સંયુક્ત રાષ્ટ્રોમાં માનવાધિકાર હનન મુદ્દે તાજેતરમાં શ્રીલંકા સામે પ્રસ્તાવ આવ્યો હતો જેમાં ભારતે અનુપસ્થિત રહી શાણપણ દાખવ્યું. આ પ્રસ્તાવ સ્વીકારાઈ પણ ગયો. તમિલનાડુમાં ચૂંટણી છે અને તમિલનાડુના નેતાઓએ સરકાર પર આ પ્રસ્તાવની તરફેણમાં મત આપવાનો અનુરોધ કરેલો પરંતુ જ્યાં નીતિની વાત હોય ત્યાં ચૂંટણીમાં હાર-જીત ગૌણ બની જાય છે. જોકે મોદી સરકારે વચલો રસ્તો અપનાવ્યો. શ્રીલંકા વિરુદ્ધ મતદાન પણ ન કર્યું અને તરફેણમાં પણ નહીં. આ માનવાધિકારના મુદ્દે પણ સંયુક્ત રાષ્ટ્રોનું બેવડું વલણ છે. તેને મુસ્લિમ ત્રાસવાદીઓના હાથે સામાન્ય નાગરિકોના માનવ અધિકારનું હનન દેખાતું નથી. ત્રાસવાદી અને ત્રાસવાદી સંગઠનો સામે પગલાં લેવામાં (મસૂદ અઝહરના કિસ્સાની જેમ) તે ખૂબ વાર લગાડે છે પણ મુસ્લિમોના કથિત માનવાધિકારની વાત આવે તો તરત જ સક્રિય બનીને પગલાં લે છે.

બુરખા પર પ્રતિબંધની સાથે શ્રીલંકન સરકારે ૧,૦૦૦ મદરેસાઓ બંધ કરવા પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત કટ્ટરતા રોકવા શ્રીલંકા સરકાર એક આકરો કાયદો પણ લાવી રહી છે. પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ (ભારતમાં પણ ‘પૉટા’ નામનો આવો કાયદો હતો જેને યુપીએ સરકારે પાછો ખેંચી લીધો હતો) હેઠળ કટ્ટરતા રોકવા અથવા તેને દૂર કરવા, જે પણ વ્યક્તિ પર અંતિમવાદી વિચારો ફેલાવવાની અથવા સાંપ્રદાયિક અથવા સામુદાયિક કે વંશીય ધિક્કાર ફેલાવવાની શંકા હોય તેને બે વર્ષ માટે અટકાયતમાં રાખી શકાશે!

શ્રીલંકા સરકાર શબ્દ ચોર્યા વગર ચોખ્ખે ચોખ્ખું કહે છે કે બુરખા પર પ્રતિબંધ રાષ્ટ્રની સુરક્ષાને લગતો મુદ્દો છે. એ તો સુવિદિત છે કે બુરખા હેઠળ દરેક વ્યક્તિની તપાસ કરાતી નથી કે તેની હેઠળ સ્ત્રી જ છે કે પુરુષ છે. ફિલ્મોમાં પણ જોયું છે અને વાસ્તવિક જિંદગીમાં પણ બને છે કે બુરખાની આડમાં અપરાધીઓ છટકી જતા હોય છે. બુરખાની અંદર બૉમ્બ સહિતની ચીજો છુપાવીને લઈ જઈ શકાય છે.

શ્રીલંકાના જાહેર સુરક્ષા પ્રધાન શરદ વીરશેખર કહે છે કે “શ્રીલંકામાં બુરખા પહેરવાનું ચલણ હમણાં-હમણાંથી જ આવ્યું. તે તેમની સાંપ્રદાયિક અંતિમવાદિતાનું પ્રતીક છે.” વીરશેખરની વાત સાચી છે. ભાવનગર સહિત અનેક જગ્યાએ ભારતમાં પણ મુસ્લિમ સ્ત્રીઓ બુરખા છેલ્લાં કેટલાંક વર્ષોથી જ પહેરવા લાગી છે. મુસ્લિમ ભાઈઓ પણ ટોપી, કુર્તા અને પાયજામા છેલ્લાં કેટલાંક વર્ષોથી જ પહેરવા લાગ્યા છે.

ભારત સહિત વિશ્વમાં મહિલાઓનાં સંગઠનો સામાન્ય રીતે ઓછાં કપડાં પહેરવાની તરફેણમાં હોય છે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત જેવા કોઈ નિવેદન આપે તો તેની વિરુદ્ધ ઝંડો લઈને વિરોધ કરવા નીકળી પડતા હોય છે. પરંતુ જ્યારે મુસ્લિમ બહેનોની વાત આવે ત્યારે તેઓ આશ્ચર્યજનક રીતે પલટી મારે છે. ત્યાં તેમની જીભ સિવાઈ જાય છે. તેમની કલમ સૂકાઈ જાય છે. તેમની બહાદુરી લોપાઈ જાય છે. શ્રીલંકામાં પણ મહિલા સંગઠનોએ જ્યારે ઇસ્ટર બૉમ્બિંગ પછી નકાબ (માત્ર ચહેરો ઢાંકવો) પર પ્રતિબંધ મૂકાયો ત્યારે તે પ્રતિબંધનો વિરોધ કર્યો હતો!

શ્રીલંકામાં બોદુ બાલા સેના (બીબીએસ) નામનું એક સંગઠન છે જે હિજાબ, બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહ્યું છે. ખાદ્ય સામગ્રી પર હલાલ લેબલિંગનો પણ તે વિરોધ કરે છે. શ્રીલંકાના પ્રમુખ ગોટાબાયા રાજપક્ષ અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષ આ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.

જોકે હવે વિશ્વ ભરમાં ઇસ્લામી ત્રાસવાદ સામે જાગૃતિ આવતી જાય છે. ગત આઠ માર્ચે સ્વિત્ઝર્લેન્ડમાં સરકારે નહીં પણ જનતાએ બુરખા પર પ્રતિબંધ મૂક્યો. આમ કહેવાનું કારણ એ છે કે ત્યાં રાષ્ટ્રીય જનમત (રેફરેન્ડમ) લેવાયો હતો. એટલે સરકારે પ્રતિબંધ મૂક્યો તેમ ન કહી શકાય. અહીં પણ તરત જ સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર પરિષદ કૂદી પડી અને સ્વિસ પ્રતિબંધને અન્યાયકારી અને ખૂબ જ ખેદજનક ગણાવ્યો! પણ બુરખાની આડમાં થતા અપરાધો તેને દેખાતા નથી. ઘૂંઘટ સામે બોલતા નારીવાદીઓ બુરખા પર ચૂપ છે.

ફ્રાન્સે તો સુરક્ષાનું પણ કારણ નહોતું આપ્યું. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ નિકોલસ સરકૉઝીએ ૨૦૦૯માં કહ્યું હતું કે ચહેરાને ઢાંકતા સાંપ્રદાયિક આવરણોનું ફ્રાન્સમાં કોઈ કામ નથી. મહિલાઓને તેમનો ચહેરો ઢાંકવા ફરજ પાડવાથી મહિલાઓને સુરક્ષા કરવા અને ફ્રાન્સનાં સેક્યુલર મૂલ્યોને જાળવી રાખવા માટે કાયદો લવાશે. તે પછી અમેરિકાની પ્યુ રિસર્ચ સેન્ટર નામની સંસ્થાએ સર્વે કરાવ્યો તો ખબર પડી કે ફ્રાન્સની ૮૦ ટકા વસતિ પ્રતિબંધ ઈચ્છે છે. ૨૦૧૦માં ફ્રાન્સની સંસદના નીચલા ગૃહે ૩૩૫ વિરુદ્ધ એક મતથી અને ઉપલા ગૃહે ૨૪૬ વિરુદ્ધ એક મતથી નકાબ વિરુદ્ધના ખરડાને પસાર કરી દીધો. વિચાર કરો કે માત્ર એક મત જ વિરુદ્ધમાં! ભારતમાં આવું શક્ય બને? ભારતના રાજકારણીઓ દેશની સુરક્ષા અને મહિલા સ્વાતંત્ર્યથી ઉપર મત બૅન્કને રાખે છે.

યુરોપમાં ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડ ઉપરાંત ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા અને ડેન્માર્કે બુરખા પર કે નકાબ પર પ્રતિબંધ મૂક્યા છે. આ ઉપરાંત યુરોપના અનેક દેશોએ ચોક્કસ સંદર્ભમાં, જેમ કે શાળા અને કૉલેજોમાં બુરખા પર પ્રતિબંધ મૂક્યા છે.

ભારતમાં પણ આ પ્રકારનાં પગલાં ભરવાનું વિચારવું પડશે કારણકે કોઈ પણ પ્રકારની કટ્ટરતા દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે નુકસાનકારક છે. ભારતના બંધારણમાં ‘સેક્યુલર’ શબ્દ લખાયો છે. તેને જો ચરિતાર્થ કરવો હોય તો કટ્ટરતા દૂર કરવી જ રહી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Dhananjay Hobby Raval 03/04/2021 - 9:08 PM

Informative article which covers all aspects.

Reply
Jaywant Pandya 03/04/2021 - 10:28 PM

Thank you.

Reply

Leave a Comment