Home » શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

by Jaywant Pandya

(ભાગ-૫)

જ્યારે શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ પહોંચ્યા ત્યારે તેમને પરમિટ વગર જવા દેવાયા, પરંતુ જ્યારે તેઓ રાવી નદીના કિનારે આવેલા લખનપુર પહોંચ્યા ત્યારે કાશ્મીર મિલિટ્રી પોલીસે તેમની ધરપકડ કરી. તે વખતે પત્રકાર તરીકે સાથે આવેલા અટલજીને મુખરજીએ કહ્યું કે તમે પાછા જાવ અને આખા દેશને કહો કે મારી ધરપકડ કરવામાં આવી છે.

અનેક સત્યાગ્રહીઓને પણ જેલમાં પુરવામાં આવ્યા હતા. એક કોટડીમાં ૫૦ જણાને રખાતા હતા. તેમને કપડાં ખોરાક કંઈ આપવામાં આવતું નહોતું. તેમના પર કોઈ અત્યાચાર કરવામાં  બાકી રખાયો નહોતો.

ડૉ. મુખરજીને શ્રીનગરની જેલ (તેમના પર બનેલી દસ્તાવેજી ફિલ્મ મુજબ, એક બંગલા)માં રાખવામાં આવ્યા. તેમના હોદ્દા, તેમના દરજ્જાને ધ્યાનમાં રાખીને સેક્રેટરી, સહાયક કે અંગત ડૉક્ટર જેવી કોઈ સુવિધા તેમને આપવામાં આવી નહીં. જેલની કાળ કોટડીમાં તેઓ એકલા રહી ગયા અને બીમાર પડી ગયા. તેમની બીમારીના સમાચાર પણ બહાર જવા દેવાયા નહીં. આ તરફ સમગ્ર દેશમાં રોષ હતો અને હજારો સત્યાગ્રહીઓ જમ્મુ-કાશ્મીરમાં પરમિટ વગર આવવા લાગ્યા હતા. નહેરુ અને શેખ અબ્દુલ્લાની સાંઠગાંઠની ભારે ટીકા થવા લાગી. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનો જેલવાસ લાંબો ચાલતા તેની પણ ટીકા થઈ. આથી નહેરુએ પ્રજાપરિષદના નેતાઓ સાથે વાતચીત કરવા તૈયારી બતાવી. ત્યાં ૨૩ જૂન, ૧૯૫૩ની વહેલી સવારે ડૉ. મુખરજીના હૃદય બંધ પડી જવાના કારણે નિધન થયાના સમાચાર આવી ચડ્યા. સમગ્ર દેશમાં આઘાત પ્રસરી ગયો.

શ્યામાપ્રસાદ પર બનેલી દસ્તાવેજી ફિલ્મ મુજબ, તેમને એક એવી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ઑક્સિજનની પણ સુવિધા નહોતી. આરએસએસના તે વખતના સરસંઘચાલક ગુરુજીને તો પહેલેથી જ અંદેશો આવી ગયેલો કે મુખરજીના જીવન પર ખતરો છે. (ગુરુજી આધ્યાત્મિક રીતે પણ ઘણા આગળ વધેલા હતા) તેમણે નાગપુરથી એક દૂત સાથે સંદેશો મોકલેલો કે મુખરજી જમ્મુ-કાશ્મીર ન જાય પરંતુ દૂત મોડો પડ્યો અને મુખરજી નીકળી ગયા હતા. તેઓ જમ્મુની સરહદે હતા. તેમણે તે દૂતને કહ્યું: “હું હવે પીછેહટ કરી શકું એમ નથી.”

ડૉ. મુખરજીનું અકાળે નિધન કેટલાક સવાલો પેદા કરતું ગયું. દેશમાં અનેક ડૉક્ટરોએ મુખરજીના મૃત્યુના સમાચારો પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમને આગલી રાત્રે કઈ દવાઓ, કયાં ઇંજેક્શનો આપવામાં આવ્યાં હતાં? તેમને માત્ર ડૉ. અલી મોહમ્મદના હાથે જ કેમ સારવાર આપવામાં આવી? ડૉ. મુખરજીએ કહેલું કે તેમના ફેમિલી ફિઝિશિયને તેમને સ્ટ્રેપ્ટોમાયસીન લેવાની ના પાડી છે તેમ છતાં ડૉ. અલી મોહમ્મદે સ્ટ્રેપ્ટોમાયસીન આપેલી. સ્ટ્રેપ્ટોમાયસીનની આડઅસર ભારે ઝેરીલી હોય છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે.

બેરિસ્ટર યુ. એમ. ત્રિવેદી તેમને તે સાંજે મળેલા અને શ્રીનગરની સુપ્રીમ કોર્ટ (જી હા, શ્રીનગરની સુપ્રીમ કોર્ટ, કલમ ૩૭૦નો પ્રભાવ!)માં હબીયસ કોર્પ્સ દાખલ કરાયેલી જેના કારણે તેઓ બીજા દિવસે છૂટી જવાના હતા. શ્યામાપ્રસાદની તબિયત ખરાબ હતી પરંતુ યુ. એમ. ત્રિવેદીને તેઓ આનંદમાં જણાયા હતા. અચાનક તે રાત્રે જ તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે મૃત્યુના મુખમાં તેઓ કોળિયો બની ગયા?

૨૦૦૪માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે શ્યામાપ્રસાદ મુખરજીનું નિધન એ નહેરુની કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરની શેખ અબ્દુલ્લા સરકાર વચ્ચેના ષડયંત્રનો હિસ્સો હતું. જ્યારે મુખરજીએ કાશ્મીરમાં પરમિટ વગર જવા નિર્ણય કર્યો ત્યારે અમને હતું કે પંજાબ સરકાર તેમની ધરપકડ કરશે અને આગળ જવા નહીં દે, પરંતુ તેમ ન થયું. પાછળથી અમને ખબર પડી હતી કે શેખ અબ્દુલ્લા સરકાર અને નહેરુ સરકારે ષડયંત્ર ઘડ્યું હતું જે મુજબ મુખરજીને કાશ્મીર આવવા તો દેવાના, પરંતુ કાશ્મીર છોડીને ન જઈ શકે તેવું કરવાનું. જો મુખરજીને કાશ્મીરમાં ઘૂસવા ન દે તો દેશભરમાં પ્રશ્ન ઊઠે કે કાશ્મીર તો ભારતમાં ભળી ગયું છે તો ત્યાં પ્રવેશ કેમ નથી મળતો? શેખ અબ્દુલ્લા સરકારને કહેવામાં આવ્યું હતું કે મુખરજીને પાછા આવવા દેવાના નથી.

એમાં પણ કોઈ શંકા નથી કે જો મુખરજી જીવિત રહ્યા હોત તો નહેરુ માટે સમગ્ર દેશમાં મોટો પડકાર બની રહ્યા હોત. કદાચ, ભારતીય જનસંઘનાં મૂળિયાં પણ બંગાળ જેવા અત્યાર સુધી ભાજપ માટે દુર્ગમ કિલ્લા જેવા બની રહેલા રાજ્ય સહિત સમગ્ર ભારતમાં ઊંડે સુધી નખાઈ ગયા હોત.

જોકે મુખરજીનું અવસાન ભાજપ માટે પણ એક રાજકીય મુદ્દો જ બની રહ્યો લાગે છે, કારણકે તેની સરકાર છ વર્ષ (૧૯૯૮-૨૦૦૪) સુધી રહી પરંતુ તેણે મુખરજીના નિધનની તપાસ કેમ ન કરાવી? કારણ કે તે વખતે તેમના સાથી હતા શેખ અબ્દુલ્લાના પુત્ર ડૉ. ફારુક અબ્દુલ્લા! ૧૯૯૯માં અટલબિહારી વાજપેયીની સરકારમાં ફારુક અબ્દુલ્લાના પુત્ર અને શેખ અબ્દુલ્લાના પૌત્ર ઓમર અબ્દુલ્લાને વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન બનાવાયા હતા! હવે અત્યારે કેન્દ્રમાં ભાજપને પૂર્ણ બહુમતી છે અને મોદી સરકાર છે. કાશ્મીરમાં પણ નેશનલ કૉન્ફરન્સની સરકાર નથી. વળી, પીડીપી સાથે ભાજપ પણ સરકારમાં છે, ત્યારે જોવાનું રહે છે કે ભાજપ હવે શ્યામાપ્રસાદ મુખરજીના રહસ્યમય નિધનની તપાસ કરાવે છે કે નહીં.

તો, ડૉ. મુખરજીના અવસાનથી નહેરુ સરકાર હચમચી ગઈ. પં. નહેરુએ જન સંઘ અને પ્રજાપરિષદના નેતાઓ સાથે બેઠક યોજી. નહેરુએ તેમને આંદોલન પાછું ખેંચી લેવા અપીલ કરી. સામે પક્ષે કાશ્મીર નીતિમાં મહત્ત્વના ફેરફાર કરવાનું વચન આપ્યું. આના પરિણામે, ૭ જુલાઈ, ૧૯૫૩ના રોજ પ્રેમનાથ ડોગરાએ આંદોલન પાછું ખેંચી લીધું.

નહેરુનો શેખ અબ્દુલ્લા પ્રત્યે કેવો આંધળો પ્રેમ હતો? ભારતીય બંધારણ સભાના સભ્ય એમ. એલ. ચટ્ટોપાધ્યાય અને તેમના મિત્ર ડૉ. રઘુવીર કાશ્મીર ગયા હતા. ત્યાં તેમણે વિવિધ સામાજિક અને ધાર્મિક નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. તે મુજબ, કાશ્મીરની સ્થિતિ અંગે એક સઘન અહેવાલ તૈયાર કરાયો હતો. આ અહેવાલમાં શેખ અબ્દુલ્લા કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માગતા હતા તેનો ઉલ્લેખ હતો. અધૂરામાં પૂરું, સંયુક્ત રાષ્ટ્રોમાં હાજરી આપીને આવેલા શેખ અબ્દુલ્લાએ બ્રિટિશ પત્રકારો માઇકલ ડેવિડસન અને વોર્ડ પ્રાઇસને ઇન્ટરવ્યૂમાં કાશ્મીરને આઝાદ કરાવવાની વિગતવાર યોજના આપી. જ્યારે આ મુલાકાત સમાચારપત્રોમાં છપાઈ ત્યારે સરદાર પટેલે શેખ અબ્દુલ્લાને ફોન કરીને ખખડાવી નાખ્યા. પરંતુ શેખ પર તેની કોઈ અસર ન થઈ. ઉલટાનું થયું એવું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના જે અધિકારીએ ભારત સરકારને શેખ અબ્દુલ્લાના ઇન્ટરવ્યૂ વિશે માહિતી આપી હતી તેને કાશ્મીર છોડીને જવું પડ્યું!

પરંતુ ધીરે ધીરે નહેરુનો પણ શેખ અબ્દુલ્લા પ્રત્યેનો ભ્રમ ભાંગીને ભુક્કો થવા લાગ્યો અથવા તો સમગ્ર દેશમાં શેખ અબ્દુલ્લા સામે પરિસ્થિતિ સર્જાવા લાગી હતી તે કારણે નહેરુને લાગ્યું કે શેખ સામે કંઈક પગલાં તો ભરવાં જ પડશે. શેખ અબ્દુલ્લાની દાનત કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાની થઈ ગઈ હતી. તે પાકિસ્તાન સાથે ભળી જઈને પણ આ બાબતે ષડયંત્ર કરવા લાગ્યા હતા. નહેરુ જ્યારે ૧૯૫૩માં કાશ્મીરની પાંચ દિવસની મુલાકાતે ગયા ત્યારે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા નહેરુ સમક્ષ અબ્દુલ્લાની પાકિસ્તાન પ્રત્યેની નિકટતા અને તેમનાં જાહેર ભાષણોની ટેપ (એ વખતે ટીવી ન્યૂઝ ચેનલો હતી નહીં કે સીધું સાંભળવા મળી જાય), શેખ અબ્દુલ્લાના પત્રો…આ બધા પુરાવા રજૂ કરાયા અને નેહરુ ચોંકી ગયા. આટલું બધું થવા છતાં નહેરુએ શેખ અબ્દુલ્લાને કહ્યું: “શેખસાહેબ, અત્યાર સુધી હું જવાહરલાલ નહેરુ તરીકે તમારી સાથે વર્તતો હતો, પણ હવે મારે તમારી સાથે ભારતના વડા પ્રધાન તરીકે વર્તવું પડશે.” આનો અર્થ એ થયો કે અત્યાર સુધી નહેરુએ જે પગલાં ભર્યાં તે શેખના મિત્ર તરીકે ભર્યા હતા!

તે વખતે કાશ્મીરના સદર-એ-રિયાસત (કલમ ૩૭૦ના કારણે કાશ્મીર અલગ દેશ હોય તેમ જ ત્યાંનો વહીવટ ચાલતો હતો તેથી ત્યાંના રાજ્યપાલને રાષ્ટ્રપતિનો દરજ્જો હતો અને મુખ્યપ્રધાનને વડા પ્રધાનનો દરજ્જો હતો, તેથી ઉર્દૂમાં રાજ્યપાલને સદર-એ-રિયાસત અને મુખ્યપ્રધાનને વઝીર-એ-આઝમ કહેવાતું) ડૉ. કરણસિંહ હતા, જે મહારાજા હરિસિંહના દીકરા હતા, તેમણે શેખ અબ્દુલ્લાને બરતરફ કરી નાખ્યા. કારણ એવું આપ્યું કે તેમણે તેમના મંત્રીમંડળનો વિશ્વાસ ગુમાવી દીધો છે. શઠ પ્રતિ શાઠ્યમ્ ની નીતિ અપનાવતાં કરણસિંહે ગેરબંધારણીય પગલું પણ લીધું અને તે એ કે અબ્દુલ્લાને વિધાનસભામાં બહુમત પણ પુરવાર ન કરવા દેવાયો. શેખ અબ્દુલ્લાની જગ્યાએ બક્ષી ગુલામ મોહમ્મદને વઝીર-એ-આઝમ બનાવી દેવાયા. થોડા જ સમયમાં શેખ અબ્દુલ્લાની ધરપકડ કરાઈ. વરિષ્ઠ પત્રકાર ઇન્દર મલ્હોત્રાએ ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ (તા.૫ માર્ચ, ૨૦૧૨)માં લખ્યું છે તેમ, નહેરુના ઈશારે તેમને ટૂંકા ગાળામાં જ છોડી પણ મૂકાયા. જોકે, શેખ અબ્દુલ્લાના સાથીએ જનમત મોરચા (પ્લેબિસાઇટ ફ્રન્ટ) શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવાનો હતો. આ મોરચા સાથે શેખ અબ્દુલ્લા સંકળાયા તેથી તેમની ફરી ધરપકડ કરી દેવામાં આવી અને તેમની સામે પાકિસ્તાન સાથે મળીને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દઈ દેશદ્રોહ કરવાનો આરોપ લગાડી કાશ્મીર કોન્સ્પિરસી કેસ શરૂ કરાયો.

કેસમાં દલીલ કરાઈ હતી કે જ્યારે અબ્દુલ્લા જેલમાં હતા ત્યારે તેમનાં પત્ની અને અન્ય સાથીઓને આ હેતુ માટે પાકિસ્તાન તરફથી મોટી માત્રામાં નાણાં મળ્યાં હતાં. ઉપરાંત પૂલો, ફૅક્ટરીઓ, સેનાની ઈમારતો, મસ્જિદો, મંદિરો અને ગુરુદ્વારાને ફૂંકી મારવા માટે વિસ્ફોટકો પણ પકડાયા હતા. આનો હેતુ સરકારને નિષ્ક્રિય કરી દેવાનો હતો. પાકિસ્તાનના લોકોને તાલીમ આપીને અહીં અરાજકતા ફેલાવવા મોકલાતા હતા. ૧૯૫૯થી ખટલો શરૂ થયો અને ઈ.સ. ૧૯૬૨ સુધી ચાલ્યો. સ્પેશિયલ મેજિસ્ટ્રેટે આ કેસને ઉપલી અદાલતમાં મોકલ્યો. તેમની સામે આઈપીસીની જે કલમો લગાડાઈ હતી તે અનુસાર શેખ અબ્દુલ્લાને કાં તો ફાંસીની સજા મળી હોત અથવા આજીવન કેદ. પરંતુ હજુ નહેરુનો શેખ પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો. કદાચ ઉપર કહ્યાં એ પગલાં તેમણે ભારતના લોકોનો રોષ શાંત પાડવા લીધા હતા?

જોકે, શેખ અબ્દુલ્લા જેલમાં પુરાયા ત્યારે ત્રણ કામ સારાં થયા. પહેલું, કાશ્મીર વિધાનસભાએ ઠરાવ પસાર કરી કહી દીધું કે જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળી ગયું છે. બીજું, પરમિટ પ્રથા બંધ કરાઈ. અને ત્રીજું, સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમનાં પદો નાબૂદ થયા. આથી હવે કાશ્મીરમાં જે સરકારનો વડો બને તે કાશ્મીરનો વડા પ્રધાન નહીં, પણ મુખ્યપ્રધાન બનવાનો હતો. કાશ્મીરના રાજ્યપાલ જે બને તે હવે રાષ્ટ્રપતિ નહીં, રાજ્યપાલ તરીકે ઓળખાવાના હતા.

ડિસેમ્બર, ૧૯૬૩માં કાશ્મીર અશાંત બની ગયું (કે બનાવવામાં આવ્યું.) હઝરતબાલ દરગાહમાંથી મોહમ્મદ પયગંબરની દાઢીનો ગણાતો વાળ ચોરાઈ ગયો (કે ગૂમ કરી દેવામાં આવ્યો). આથી ફરી નહેરુના મગજમાં શેખના પ્રત્યે પ્રીતિ જાગી ઉઠી. તેમને લાગ્યું કે કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે એક જ જણ મદદ કરી શકે તેમ છે અને તે છે શેખ અબ્દુલ્લા! આ ઉપરાંત નહેરુ શેખ અબ્દુલ્લાના એ  વિચારનું પણ સમર્થન કરતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી સમજૂતી નહીં થાય ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિ કે સ્થિરતા નહીં સ્થપાય! આમ, કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડી દેવાનું પાપ પણ નહેરુ અને શેખ અબ્દુલ્લાના માથે છે. કાશ્મીર આપણો પ્રદેશ છે. તેમાં શાંતિ સ્થાપવા માટે પડોશી દેશની મદદ લેવી પડે?

ઇન્દર મલ્હોત્રા લખે છે, નહેરુના વફાદાર અને ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા બી.એન. મલિક પણ શેખ અબ્દ્લ્લા સામે કાશ્મીર કોન્સ્પિરસી કેસ પાછો ખેંચી લેવાની વિરુદ્ધ હતા. તેમણે વચન આપ્યું હતું કે થોડાં સપ્તાહોમાં જ તેઓ આરોપો સાબિત કરી બતાવશે.

પણ નહેરુના મગજમાં શેખ અબ્દુલ્લા બરાબર ઘૂસેલા હતા. ૧૯૬૪માં જ્યારે આખો દેશ આ કેસના પરિણામની (ખરેખર તો શેખને શું સજા થાય છે તેની) રાહ જોઈને બેઠો હતો ત્યારે અચાનક કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો (ઘરની ધોરાજી!) તેમને છોડી દેવામાં આવ્યા. બહાર નીકળ્યા ત્યારે નહેરુનું તેડું તેમની રાહ જોતું હતું!

(ક્રમશ:)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૧૭/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)

વાંચો

ભાગ-૧ કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

smdave1940 26/05/2015 - 5:02 PM

શ્યામાપ્રસાદ નું મૃત્યુ એક બનાવટી એનકાઉન્ટર ગણી શકાય. આવું જ એનકાઉંન્ટર જયપ્રકાશ નારાયણનું ઈન્દીરા ગાંધીએ કરાવેલ. ૧૯૭૫માં જયપ્રકાશ નારાયણની ધરપકડ અન્ય અનેકની જેમ તેમના કોઈપણ ગુન્હાના અસ્તિત્વ વગર કરવામાં આવી હતી. તેમની જ્યારે ધર પકડ કરવામાં આવી ત્યારે તેમની મેડીકલ ટ્રીટમેંટ ચાલુ હતી. તેમના ખોરાક વિષે વિશિષ્ઠ પરેજી હતી. તેમના ભોજનમં મીઠા (નમક)ની બંધી હતી. પણ જયપ્રકાશ નારાયણના મેડિકલ રીપોર્ટને તદન અવગણવામાં આવેલ. તેમને મીઠાવાળું ભોજન આપવામાં આવેલ. તેમની મેડિકલ ટ્રીટમેન્ટ પર કશું ધ્યાન આપવામાં અવેલ નહીં. આથી તેમની બંન્ને કીડનીઓ બગડી ગયેલ. તેઓ કોઈપણ ક્ષણે મરી જાય તેવી તેમની તબિયતની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ. ૧૯૭૬માં તેઓ ને લગભગ બેભાન અવસ્થામાં જેલમાંથી પેરોલ પર છોડવામાં આવેલ. આ પૂર્વે ઈન્દિરા સરકારે નિવેદનો બહાર પાડેલ કે તેઓના દેહાંતની ઉત્તરક્રિયા માટે સરકાર સજ્જ છે. તેમના દેહની ઉત્તર ક્રિયા ને પુરેપુરું રાજકીય સન્માન અપાશે. પણ તેમાં જાહેર જનતાને હાજર રહેવા દેવામાં આવશે નહીં.

નહેરુ અને ઇન્દિરાના રાજકારણની અશુદ્ધિઓ, નીતિહીનતાઓ અને માનસિક વલણોમાં ઘણું સામ્ય છે.

Reply

Leave a Comment