Home » શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

by Jaywant Pandya

(ભાગ-૯)

શૈખ અબ્દુલ્લાને તો ભાવતું મળી ગયું. શૈખ-ઈન્દિરા સમજૂતી પછી ઈન્દિરા ગાંધીના ઈશારે કઠપૂતળી જેવા સૈયદ મીર કાસીમે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. એક વાતમાં ઈન્દિરા ગાંધીએ જબરદસ્ત સખ્તી અને હોંશિયારી દાખવી. જ્યાં સુધી શૈખ અબ્દુલ્લા મુખ્યપ્રધાનના શપથ ન લે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા રેડિયો પર સતત પ્રચાર કરવામાં આવ્યો કે ભારત અને કાશ્મીરના સંબંધ (જાણે બંને અલગ-અલગ દેશ હોય) યથાવત્ જ રહેશે. આના કારણે કાશ્મીરમાં એવી લાગણી જન્મી કે શૈખ અબ્દુલ્લાએ કાશ્મીરને વેચી દીધું છે. તેમની સામે જબરદસ્ત રોષ પ્રગટ્યો. વિરોધ પ્રદર્શનો થયાં. તેઓ સોગંદવિધિમાં આવ્યા નહીં. ઈન્દિરા ગાંધીએ વિદાય લેતા મુખ્યપ્રધાન સૈયદ મીર કાસીમને શૈખને થાળે પાડવા સ્પષ્ટ સૂચના આપી અને કહ્યું કે તેમને કહો કે જો તેઓ શપથ નહીં લે તો કાસીમ ફરી મુખ્યપ્રધાન બની જશે. શૈખ જેલની જિંદગીથી કંટાળી ગયા હતા. તેમણે વાત માની લીધી. તેમણે જનમત સંગ્રહનો તંત પણ મૂકી દીધો અને જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન વડા પ્રધાન (વઝીર-એ-આઝમ) તેમજ રાજ્યપાલ રાષ્ટ્રપતિ (સદર-એ-રિયાસત) કહેવાય તે જિદ પણ છોડી દીધી.

જોકે આ સમજૂતી થયા પછી ‘અભી બોલા અભી ફૌક’ની જેમ નેશનલ કૉન્ફરન્સના નેતાઓ, શૈખના દીકરા મુસ્તફા કમાલ (જેમણે ૩ જૂન, ૨૦૧૫ના રોજ જ નિવેદન આપ્યું હતું કે કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવાય તેમાં કંઈ ખોટું નથી), ભત્રીજા શૈખ નઝીર વગેરે ઈન્દિરા-શૈખ સમજૂતીને માનતા નથી અને સમયે સમયે સવાલ ઉઠાવતા રહ્યા છે કે તેના પર શૈખના હસ્તાક્ષર જ ક્યાં છે. તેઓ એમ પણ કહ્યા રાખે છે કે કાશ્મીરનું ભારતમાં વિલિનીકરણ પણ કામચલાઉ જ હતું.

જમ્મુ અને લદ્દાખના લોકો મીર કાસીમના રાજીનામાથી રોષે ભરાયા. સૈયદ મીર કાસીમ, તે  વખતના મુખ્યપ્રધાન, પોતાના પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખે છે કે “જ્યારે હું દિલ્હીથી જમ્મુ પહોંચ્યો ત્યારે જમ્મુમાં લોકો મને ઘેરી વળ્યા અને મને કહ્યું, “અમે તમને મત આપ્યો હતો, શૈખને નહીં.”” પરંતુ કાસીમને ઈન્દિરા ગાંધીનો આદેશ હતો. ઉપરાંત તેઓ પોતે પણ ઢીલા હતા. અગાઉ સાદ્દિક વખતે તેમનું નામ મુખ્યપ્રધાનના દાવેદાર તરીકે ઉભર્યું અને તે બંને મિત્રો (સાદ્દિક-કાસીમ) વચ્ચે મતભેદો થયા ત્યારે તેમણે રાજીનામું આપી રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસમાં ભાગલા થયા હોવાથી ઈન્દિરા ગાંધીને મીર કાસીમના ટેકાની જરૂર હતી તેથી તેઓ તેમને રાજકારણમાં પાછા લઈ આવ્યા હતા. સાદ્દિકના અવસાન બાદ મીર કાસીમ સિવાય કોઈ વિકલ્પ દેખાયો નહીં. તેથી તેમને મુખ્યપ્રધાન બનાવી દેવાયેલા. પરંતુ હવે ઈન્દિરા ગાંધી ઈચ્છવા લાગ્યાં હતાં કે તેઓ રાજીનામું આપી દે અને શૈખને મુખ્યપ્રધાન બનાવવામાં આવે! આમ, ચૂંટાયેલી સરકારના મુખ્યપ્રધાન મનમરજી મુજબ બદલવાની રીતરસમ કૉંગ્રેસના વખતથી શરૂ થઈ. આજે આપણે જોઈએ છીએ કે જયલલિતા જેલમાં જાય એટલે તેમના પ્યાદાને મુખ્યપ્રધાન બનાવી દેવાય. તેઓ નિર્દોષ છૂટે એટલે ફરી તેમને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવે. પરંતુ આ બધી ગેરરીતિઓ  કૉંગ્રેસે શીખવી છે.

શૈખ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે ૧૯૭૫માં ફરી બિરાજમાન થયા, પરંતુ કેવી રીતે! તેમને ઈન્દિરા તરફથી કૉંગ્રેસમાં આવી જવા કહેવાયું હતું, પરંતુ તેમણે પ્રસ્તાવ ફગાવી દીધો! જે ઈન્દિરાની વાત ટાળવાની કોઈ હિંમત કરતું નહોતું તેનો પણ પ્રસ્તાવ ફગાવી શકે તે વ્યક્તિ કેવી હશે? અથવા એમ વિચારો કે નહેરુ-જેપી-શાસ્ત્રી-ઈન્દિરા તમામ શાસકો કયા ભેદી કારણસર શૈખ સામે હંમેશાં ઝુક્યા કરતા હતા? એમાંય, ૧૯૭૨ના સમય સુધીમાં તો શૈખનું રાજકારણ ખતમ કરી નખાયું હતું. શ્યામાપ્રસાદ મુખરજી સાથે થયું તેવું ભલે શૈખ સાથે ન કરાય, પરંતુ તેમને તડીપાર કરીને તેમને બોધપાઠ આપી દેવાયો હતો તે ચાલુ રાખવાના બદલે ઈન્દિરાએ તેમને ફરીથી સત્તા આપવાની શી જરૂર હતી? માનો કે કાસીમ ઢીલા હતા, પરંતુ શૈખ સિવાય કોઈ વિકલ્પ જ ન દેખાયો નહેરુ- ઈન્દિરાને? આના કારણે તો પછી એવું થયું કે શૈખ પછી તેમની બે પેઢીએ વર્ષો સુધી કાશ્મીર પર શાસન કર્યે રાખ્યું!

લોખંડી ઈન્દિરાની સખ્તાઈ શૈખ સામે પીગળી જતી હતી. શૈખની નેશનલ કૉન્ફરન્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેથી તેમના પક્ષના એક પણ ધારાસભ્ય ચૂંટાયેલા નહોતા. એટલે માત્ર એક વ્યક્તિ જે ચૂંટાયેલી નહોતી તેને બહુમતી પક્ષ કૉંગ્રેસે ટેકો આપી દીધો અને લોકશાહીનું ગળું ટુંપી દેવાયું!

જોકે શૈખ અબ્દુલ્લાના (કદાચ વિચારપૂર્વકના) કેન્દ્ર અને કૉંગ્રેસ સાથે લવ-હેટના સંબંધ ચાલુ રહ્યા. મુખ્યપ્રધાન બન્યા પછી શૈખ અબ્દુલ્લા કૉંગ્રેસમાંથી માણસો તોડવા લાગ્યા. ખાસ કરીને કૉંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યા. કૉંગ્રેસમાંથી અબ્દુલ ગની લોન જેવા ઘણાય લોકો નેશનલ કૉન્ફરન્સમાં જોડાવા લાગ્યા. શેખ અબ્દુલ્લાની બીજી અવળચંડાઈઓ પણ ચાલુ થઈ,  પનોતી પણ સાડા સાત વર્ષે ઉતરી જાય, પરંતુ શૈખ અબ્દુલ્લા નામની પનોતી તો દાયકાઓ સુધી જમ્મુ-કાશ્મીર પરથી ઉતરી નહીં. શૈખ અબ્દુલ્લાએ કેન્દ્ર તરફથી મળતા ખાદ્ય રેશન પર અપાતી સબસિડી કાપી નાખી. તેમણે કાશ્મીરના લોકોને પેટે પાટા બાંધી લેવા કહ્યું અને કેન્દ્રની કૃપામાંથી મુક્ત થવા કહ્યું. એક રીતે એમની વાત સાચી હતી. એ રીતે કે એ વખતે ઈન્દિરા ગાંધીનું માત્ર જમ્મુ-કાશ્મીર તરફ જ નહીં, એ કોઈ પણ રાજ્ય જ્યાં તેમની મનગમતી વ્યક્તિ શાસક તરીકે ન હોય ત્યાં હેરાન કરવા માટે આવું જ વલણ હતું. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ તેમની મરજી વિરુદ્ધ મુખ્ય પ્રધાન બન્યા તો કેન્દ્ર તરફથી મળતા ઘઉંના પૂરવઠામાં કાપ મૂકી દીધો. ચીમનભાઈએ હોસ્ટેલનું ફૂડ બિલ વધારી દીધું, જેના પરિણામે (ઈન્દિરાના ઈશારે જ) મોંઘવારી સામે આંદોલન થયું જે છેવટે તો ચીમનભાઈ ઉપરાંત ઈન્દિરાની ખુરશી ઉથલાવીને રહ્યું. પરંતુ શૈખ અબ્દુલ્લાના કેસમાં આવું ન થયું.

તેમણે પોતાની બેવડી રમત ચાલુ રાખી. કાશ્મીરમાં હોય ત્યારે ભારત વિરુદ્ધ બોલવાનું અને ભારતીય પત્રકારો કે જમ્મુમાં જાય ત્યારે ડાહી ડાહી વાતો કરવાની! જમ્મુના નેતા પંડિત પ્રેમનાથ ડોગરા શૈખ અબ્દુલ્લા વિશે સાચું જ કહેતા, “એ કમ્યૂનલિસ્ટ ઇન કાશ્મીર, કમ્યૂનિસ્ટ ઇન જમ્મુ એન્ડ નેશનાલિસ્ટ ઇન ઇન્ડિયા.” અર્થાત, કાશ્મીરમાં તે (મુસ્લિમ તરફી) કોમવાદી બની જાય, જમ્મુમાં સામ્યવાદી બની જાય અને ભારતમાં રાષ્ટ્રવાદી! શૈખ અબ્દુલ્લાએ કૉંગ્રેસ પક્ષના માણસોને તોડ્યા એટલે નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસ વચ્ચે ટકાટકી ચાલુ થઈ ગઈ હતી. પરંતુ ૧૩ ઑક્ટોબરે બંને વચ્ચે મતભેદોનો અંત લવાયો અને એક સંકલન સમિતિ બનાવાઈ. જોકે આ લાંબું ન ચાલ્યું. ૨૧ ઑક્ટોબરે તેમણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને પોતાના નવા મંત્રીમંડળમાં ઈન્દિરા ગાંધીને પૂછ્યા વગર જ કૉંગ્રેસના ચાર પ્રધાનોનો સમાવેશ કર્યો. જવાબમાં ઈન્દિરા ગાંધીએ એ ચાર સભ્યોને પ્રધાન તરીકે ન જોડાવા આદેશ આપ્યો. આથી સોગંદ સમારંભ રદ્દ કરવો પડ્યો. (લોકશાહીના નામે કેવું ફારસ ભજવાતું રહ્યું છે એ આના પરથી સ્પષ્ટ થાય છે.)

દરમિયાનમાં ભારતમાં નવનિર્માણ આંદોલન, કટોકટી સામેની લડાઈ ચાલુ થઈ ગઈ હતી. કૉંગ્રેસ વિરુદ્ધ દેશમાં ભયંકર આક્રોશ અને રોષ હતો. ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીના ઈશારે વિરોધી નેતાઓને પકડી પકડીને જેલમાં પુરાવા લાગ્યા હતા. તેમના પર અત્યાચારની હદ થઈ રહી હતી. અખબારોનો અવાજ ઘોંટી દેવાયો હતો. લોકશાહીનો સૂરજ આથમી જાય તેવા એંધાણ થઈ રહ્યા હતા.

માર્ચ ૧૯૭૭માં કટોકટી અને સખત પોલીસ દમન છતાં ચૂંટણીમાં સંયુક્ત થયેલા વિરોધ પક્ષોની પાર્ટી – જનતા પાર્ટી ચૂંટણીમાં જીતી ગઈ. ઈન્દિરા ગાંધીને લાગ્યું કે શૈખ અબ્દુલ્લા આ તકનો લાભ ઉઠાવી કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડી નાખશે અને જનતા પાર્ટી સાથે સમાધાન કરી લેશે. તેમણે શૈખ અબ્દુલ્લા સાથ છોડે તે પહેલાં જ કૉંગ્રેસના રાજ્યના નેતાઓને અબ્દુલ્લા સરકારને ટેકો પાછો ખેંચી લેવા આદેશ આપ્યો. (કૉંગ્રેસના ટેકાથી બનેલી તમામ સરકારો સાથે આવું જ થયું છે. આ શરૂઆત કદાચ શૈખ અબ્દુલ્લાથી થઈ, પછી ચરણસિંહ, ચંદ્રશેખર, દેવેગોવડા અને છેલ્લે ઈન્દ્રકુમાર ગુજરાલની સરકારો સાથે આવું જ થયું.) ૭૩ સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસના ૪૫ સભ્યો હતા. તેણે શૈખ અબ્દુલ્લા સરકારને ટેકો પાછો ખેંચી લીધો, જેથી ૨૬ માર્ચ ૧૯૭૭થી ૯ માર્ચ ૧૯૭૭ સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન સ્થપાયું.

હકીકતે કૉંગ્રેસ પાસે અને ઈન્દિરા ગાંધી પાસે આ મોટી તક હતી. તેની પાસે ૪૫ સભ્યો હતા. શા માટે તેમણે શૈખ અબ્દુલ્લા સાથે ૧૯૭૫ની સમજૂતી (એકોર્ડ) કરી? શા માટે તેમણે સૈયદ મીર કાસીમને હટાવીને, જે પક્ષના એક પણ ધારાસભ્ય નહોતા તે, નેશનલ કૉન્ફરન્સના નેતા શૈખ અબ્દુલ્લાને લોકશાહીનું ગળું ઘોંટીને મુખ્યપ્રધાન બનાવ્યા? જો તેમણે કૉંગ્રેસની સરકાર ટકાવી હોત તો જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય પ્રવાહમાં ભળવાની પૂરી સંભાવના હતી. પરંતુ શૈખ અબ્દુલ્લાને આપખુદ રીતે મુખ્યપ્રધાન બનાવીને જમ્મુ-કાશ્મીરની પ્રજાને હેરાન તો કરી જ, સાથે તેને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવવાની સંભાવનાને દાયકો પાછળ ધકેલી, જે આજ સુધી નથી આવી શકી. અને શૈખ અબ્દુલ્લાએ બદલામાં શું કર્યું? કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવ્યે રાખ્યા. કૉંગ્રેસને તોડી નાખી. એ પછી કૉંગ્રેસ સત્તા બહાર ગઈ તે ગઈ, તે પછી છેક, ૨૦૦૨માં પીડીપી સાથે યુતિ સરકાર દ્વારા આડકતરી અને ૨૦૦૫માં ગુલામનબી આઝાદ મુખ્યપ્રધાન બન્યા ત્યારે સીધી રીતે સત્તા હાથમાં આવી.

કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધા પછી તેને (એટલે કે ઈન્દિરાને) એમ કે પોતે પાછી સરકાર રચી શકશે પરંતુ શૈખ અબ્દુલ્લા રાજ્યપાલ એલ. કે. ઝા પાસે વિધાનસભાનું વિસર્જન કરાવવામાં સફળ રહ્યા. કૉંગ્રેસ (એટલે કે ઈન્દિરા) આનાથી ડઘાઈ ગઈ, રોષે ભરાઈ ગઈ. તેમણે શૈખ અબ્દુલ્લાના પગલાને રાજકીય દગાબાજી તરીકે ગણાવ્યું. રાજ્યપાલ પણ કેવા કહેવાય! તેમણે માત્ર ત્રણ સભ્યોનો ટેકો ધરાવતા મુખ્ય પ્રધાનની સલાહ માનીને વિધાનસભા વિસર્જિત કરી નાખી! અને શૈખ અબ્દુલ્લાના કાબાપણાને-લુચ્ચાઈને તો શું કહેવું!

હવે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અવશ્યંભાવી બની હતી. દેશમાં જનતા પાર્ટીનું મોજું હતું. પરંતુ શૈખ અબ્દુલ્લાએ જનતા પાર્ટી સાથે સમજૂતી કરવાની ના પાડી દીધી. તેમને લાગ્યું કે તેમ કરવાથી તેમની ભારતવિરોધી છબિ નબળી પડી જશે. આ તરફ રાજ્યમાં જનતા પાર્ટીનું એક એકમ સ્થપાયું હતું. મૌલાના મસૂદીની નીચે. તેમાં કેટલાંક જૂથો અને પક્ષો સામેલ થયાં હતાં જેમાં મૌલવી ફારુકીની અવામી ઍક્શન કમિટીનો પણ સમાવેશ થતો હતો. શૈખ અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સ માટે આ ચિંતાનો વિષય હતો, પરંતુ ઈન્દિરા ગાંધીને પણ જે માણસ ભારે પડતો હોય તે આ બધાને તો ઘોળીને જ પી જાય ને!  જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ પણ હતો (રાષ્ટ્રીય સ્તરે) તેથી શૈખ અબ્દુલ્લાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કાશ્મીરની જનતામાં ભય ફેલાવ્યો કે આ લોકો એટલે કે મૌલાના મસૂદીવાળો પક્ષ જો સત્તામાં આવશે તો કલમ ૩૭૦ દૂર થઈ જશે અને કાશ્મીરની જનતા પર ભારે અત્યાચારો થશે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે “જો ભારત તરફથી આપણને માન-સન્માન નહીં મળે તો આપણે ભારતમાંથી છૂટા પડી જઈશું. ૧૯૫૩થી કલમ ૩૭૦ને ઘણી નબળી પાડી દેવામાં આવી છે, તેને આપણે મજબૂત કરવાની છે.” તેમણે રાજ્યમાંથી ભારતીય સેનાને હટાવી લેવા પણ માગણી કરી. ચૂંટણી દરમિયાન શૈખ અબ્દુલ્લા માંદા પડી ગયા! વિરોધીઓને લાગ્યું કે પ્રજાની સહાનુભૂતિ મેળવવા તેઓ નાટક કરી રહ્યા છે. જો ખરેખર નાટક હોય તો શૈખ અબ્દુલ્લા અદ્ભુત કલાકાર કહેવાય!

ચૂંટણી જીતવા શૈખ અબ્દુલ્લાનાં તમામ ઉપાયો કારગત નિવડ્યા. ૧૯૭૭માં યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં શૈખ અબ્દુલ્લા તેમના પક્ષ નેશનલ કૉન્ફરન્સને ભારે બહુમતી અપાવવામાં સફળ રહ્યા. કૉંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું. જનતા પાર્ટી કેમ હારી તેની વાત તેમજ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પ્રયોજાતા શબ્દ ‘શેર-બકરા’માં શેર કોણ હતા અને બકરા કોણ હતા, તેમજ બકરાઓની હાલત શું હતી, તેની વાત આવતા અઠવાડિયે…

(ક્રમશઃ)

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૪/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment