Home » વરસાદી રોમાન્સ

વરસાદી રોમાન્સ

by Jaywant Pandya

બહાર મસ્ત વરસાદ વરસતો હતો. ઑફિસમાં દાળવડાની પાર્ટી કરી બધા રવાના થયા. આજે કામ ઓછું હતું. દાળવડાની લાલચ દિવ્યેશે જતી કરી હતી કેમ કે તે આવા મસ્ત રોમેન્ટિક વાતાવરણમાં પત્નીને સરપ્રાઇઝ આપવા માગતો હતો. ઘરે જઈને પત્નીને ભજિયા, ગોટા કે દાળવડા બનાવવાની ફરમાઇશ આપવાના બદલે પોતે જ લેતો જાય તો? એય ને ગરમાગરમ ચા સાથે ભજિયા, ગોટા ને દાળવડાની જ્યાફત ઉડાવશું. છોકરાઓ તો સ્કૂલે ગયા હશે.
આજ મૌસમ બડા બેઇમાન હૈ બડા…ગીત લલકારતો દિવ્યેશ બાઇક પર પલળતો પલળતો દુકાને પહોંચ્યો. દુકાન અને બાઇક વચ્ચે ગારો જામેલો હતો. એ ગારામાં જઈ કાદવવાળા બૂટ પહેરેલા દિવ્યેશે ઑર્ડર આપ્યો.
“સાહેબ, ગરમ જોઈતા હોય તો અડધો કલાક રાહ જોવી પડશે. તમારા પહેલાં આવેલા આ લોકો ક્યારના રાહ જોવે છે.” “વાંધો નહીં”. દિવ્યેશે કહ્યું ને એ વૉટ્સએપમાં આવેલા વરસાદના સુંદર ફોટા, રમણીય સુંદરીઓની તસવીર સાથે લખાયેલી કવિતા જોતો રહ્યો. તેનું મન ઘરે પહોંચવા તલપાપડ બન્યું. “લ્યો સાહેબ, આ ભજિયા, ગોટા ને દાળવડા.”
દિવ્યેશે બાઇક ચાલુ કરવા કિક મારી પણ વરસાદથી ભીની કિક છટકી ને પગે જોરદારની વાગી. દિવ્યેશને ઘડીકભર તમ્મર ચડી ગયા પણ “પિયા મિલન કો જાના”ની લગનીએ એ દર્દને નજરઅંદાજ કર્યું. ને કિક મારી બાઇક ભગાવી. પલળેલા રસ્તા પર બે વાર સ્લિપ થતાં બચ્યો. એક વાર તો સામેથી થોડી રોંગ સાઇડ આવતી કારથી બચવા એને પાણીમાં બાઇક ચલાવવી પડી જેથી એના છાંટા પણ પેન્ટને ઉડ્યા.
ઘરે પહોંચ્યો ત્યાં લિફ્ટ બંધ કારણકે પાણી ભરાઈ ગયું હતું! ચાર માળ દાદરા ચડીને પહોંચ્યો તોય એના મનમાંથી રોમાન્સની આશા ઓછી નહોતી થઈ. તરત તેણે બેલ વગાડી. બેલ બંધ હતી. પત્ની ક્યારેક ભૂલમાં બેલ બંધ કરતી ને પછી ચાલુ કરવાની ભૂલી જતી. એણે દરવાજો ખખડાવ્યો. જવાબ ન મળ્યો એટલે ફરી ખખડાવ્યો. એની સાથે જ…
“શું મંડી પડ્યા છો? આવું છું હવે…” એમ કહીને પત્નીએ દરવાજો ખોલ્યો ને હજુ દિવ્યેશ નાસ્તાની થેલી પત્નીને હાથમાં પકડાવી બૂટ બહાર જ કાઢવા જતો હતો ત્યાં એ થેલી લેવાના બદલે…
“ભાઇસાબ, બૂટ બહાર જ કાઢજો. પોતું કરીને દમ નીકળી જાય છે.” દિવ્યેશને ખબર હતી કે કામવાળી કચરાપોતા ને કપડા ધોઈ જાય છે.
દિવ્યેશે નાસ્તાની થેલી જાળીના આગળીયા પર ટીંગાડી. અને બૂટ કાઢ્યા. અને થેલી લઈ અંદર જાય ત્યાં
“આ શું? પેન્ટ તો જુઓ. કેવા છાંટા ઉડાડ્યા છે. પાણીથી તારવીને બાઇક ન ચલાવાય? કપડાં ધોતા નાકે દમ આવી જાય છે. અને અહીં જ ઊભા રહેજો. ટુવાલ આપું છું. આખું ઘર પાણી પાણી કરશો. પોતું કરીને..” અધૂરું વાક્ય દિવ્યેશે મનમાં પૂરું કર્યું.
ટુવાલથી તે થોડો કોરો થયો. હજુ પણ મનમાં આશા બચી હતી ત્યાં પત્નીએ કહ્યું:
“અને હા, સીધા બાથરૂમ જ જજો. ને બહાર નીકળી કપડાં નીચોવી સૂકવી દે જો. તમારે તો ઠીક છે. ઑફિસમાં હા હા હી હી કરવાની. વરસાદ પડે એટલે ગોટા ને ચાની જ્યાફત ઉડાવવાની. અરે હા, સારું યાદ આવ્યું. કહી દઉં છું…ભજિયા ગોટા કંઈ નહીં બને. ચણાનો લોટ ખલાસ થઈ ગયો છે. ને મારી કમર પણ દુખે છે…તમને શું ખબર? ઘરનાં કામ કરતાં દમ નીકળી જાય છે ”
ને દિવ્યેશના પગમાં સબાકો ઉપડ્યો જે હૃદય સુધી પહોંચ્યો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment