Home » લેખાંક-૧: યહુદીઓએ કેવી રીતે ઈઝરાયેલ પાછું મેળવ્યું?

લેખાંક-૧: યહુદીઓએ કેવી રીતે ઈઝરાયેલ પાછું મેળવ્યું?

by Jaywant Pandya

સબ હેડિંગ: ખ્રિસ્તી શાસકોએ યહુદીઓ પર પૂજા કરવા સહિતનાં નિયંત્રણો નાખ્યાં હતાં. તો મુસ્લિમ શાસકોના સમયમાં યહુદીઓએ પીળા અને ખ્રિસ્તીઓએ ભૂરા રંગના સિતારાવાળાં કપડાં અને ટોપી પહેરવા પડતા હતા. અ-મુસ્લિમોને વિશેષ વેરો ભરવો પડતો હતો જેના સિવાય તેઓ બહારગામ જઈ શકતા નહોતા. તેમને જેલની સજા પણ થતી.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૩/૦૫/૨૦૨૧)

ઈઝરાયેલ અને હમાસ નામના ત્રાસવાદી સંગઠન (પેલેસ્ટાઇન માટે લડતા) વચ્ચે જે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે તેનું મૂળ શેમાં રહેલું છે તેના વિશે મેં મારા અન્ય લેખ (અહીં ક્લિક કરો: wp.me/pbuKVh-1mc) માં લખ્યું છે. એટલે પુનરાવર્તન ટાળું છું. મોસાદનાં અને ઈઝરાયેલી સૈનિકોનાં પરાક્રમો વિશે પણ અનેક પૉસ્ટ સૉશિયલ મિડિયા પર ફરી રહી છે. તેથી તે વાત પણ નથી કરવી. આજે આપણે વાત કરવી છે ઈઝરાયેલને ઈઝરાયેલ બનાવતી કેટલીક બાબતોની જેની ક્યાંય ચર્ચા નથી.

યહુદીઓએ ઈઝરાયેલ પાછું કેવી રીતે મેળવ્યું? તેની ચર્ચા થવી જોઈએ. યહુદીઓ યુરોપભરમાં અને અન્ય દેશોમાં ફેલાયેલા હતા. પરંતુ તેમના પર દરેક દેશમાં અત્યાચાર થયો. જર્મનીમાં હિટલરે કરેલો અત્યાચાર સૌથી વધુ વગોવાયો. એક માત્ર ભારત હતું જ્યાં તેમની પર અત્યાચાર ન થયો તેમ યહુદીઓએ તેમની જર્નલ ‘અવોતાયનુ’માં નોંધ્યું છે. તેમણે લખ્યું, “યહુદીઓ (ભારતની) સહિષ્ણુ ભૂમિ પર ૨,૪૦૦ વર્ષથી ફૂલ્યા-ફાલ્યા. આ ભૂમિમાં ક્યારેય યહુદીઓ પ્રત્યે ધિક્કાર જોવા નથી મળ્યો. તેઓ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં તમામ ક્ષેત્રમાં સફળ થયા છે.” ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે, મુસ્લિમો ૧૪ ટકા છે, ખ્રિસ્તી ૨.૩૦ ટકા, શીખ ૧.૭૨ ટકા, બૌદ્ધ ૦.૭૦ ટકા અને અન્ય પંથીઓ ૦.૬૬ ટકા છે. તેમાં યહુદીઓ આવી જાય છે. પરંતુ ન તો યહુદીઓએ આ ભારતમાં ક્યારેય ડર લાગે છે તેવાં ગાણાં ગાયાં, ન તો લઘુમતી માટે અવાજ ઉઠાવતા સેક્યુલર પક્ષોએ તેમના માટે કોઈ યોજના જાહેર કરી કે ન તેમને કોઈ વિશેષ સુવિધાઓ આપી.

તો, યહુદીઓ પર ભારતને બાદ કરતાં દુનિયાભરમાં અત્યાચારો થયા. તેમને થયું કે આપણે આપણા દેશમાં પાછા ફરવું જોઈએ. આ વાત તો થઈ ૧૯મી સદીની પરંતુ ઈઝરાયેલ પર ભારતની જેમ શરૂઆતથી જ અનેક આક્રમણો થયાં. ઇતિહાસની શરૂઆતમાં એસિરિયા (આજના ઈરાકના મોટા ભાગના પ્રદેશો)એ આક્રમણ કર્યું. તેને યહુદીઓએ હરાવી દીધું. તે પછી બેબિલૉનના રાજા નેબુચડનેઝ્ઝરે જુદાહ નામનો પ્રદેશ જીતી લીધો. તેણે રાજા સોલોમનના મંદિરનો નાશ કરી દીધો અને યહુદીઓને બેબિલૉનમાં દેશપાર કરી દીધા. તે પછી પર્શિયા (ઈરાન)ના સાઇરસે બેબિલૉન જીતી લીધું. તેણે તેના તાબાનાં રાષ્ટ્રોમાં ઉપાસનાની સ્વતંત્રતા આપી હતી. તે પછી એલેક્ઝાન્ડરે પર્શિયાને હરાવી દીધું પણ તેના પછી તેની સેનાના જનરલો વચ્ચે ઝઘડા થવા લાગ્યા.

જુદાહ સેલેઉસિડ સામ્રાજ્યનો ભાગ બન્યું. સેલેઉસિડ રાજા એન્ટિઑકસ ચોથા એપિફેન્સે ‘હેલેનિસ્ટિક’ પંથને ફેલાવવા યહુદી પંથનો નાશ કરવા પ્રયત્ન કર્યો. તેની સામે યહુદીઓએ બળવો કર્યો અને રાષ્ટ્ર પાછું મેળવ્યું. યહુદીઓના હસમોનિયન વંશે રાજ કર્યું. તેણે જે લોકો યહુદી પંથ છોડી ગયા હતા તેમને પાછા વાળ્યા. પરંતુ જાનાએઉસ નામના રાજા પછી રાજા કોણ થાય તે માટે ફારિસીસ અને સડ્ડુસીસ નામના યહુદીઓના બે પંથ વચ્ચે પ્રચંડ લડાઈ થઈ અને તેમણે વિદેશી આક્રમણખોરોને હુમલા માટે આમંત્ર્યા. આથી રોમન સેનાપતિ પૉમ્પેએ સિરિયા પણ જીત્યું અને યહુદીઓની લડાઈમાં હસ્તક્ષેપ કરી હીરકેનસને સર્વોચ્ચ પુરોહિત બનાવી દીધો. ઑગસ્તસે છેલ્લા યહુદી રાજાને ઉથલાવી જ્યુડીયાને રોમન રાજ્ય બનાવી દીધું. જોકે તે પછી યહુદીઓએ બળવો કર્યો અને તે પછી દાયકાઓ સુધી બંને વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો.

ઈ. સ. ૬૬માં જ્યુડીયાના યહુદીઓએ રોમ સામે બળવો કરી તેમના દેશને ઈઝરાયેલ નામ આપ્યું. માત્ર ઈઝરાયેલના જ નહીં, ઇજિપ્ત, લિબિયા, સાઇપ્રસ અને મેસોપોટેમિયાના યહુદીઓ પણ રોમ સામે લડ્યા. ૧૩૧માં રોમન સમ્રાટ હડ્રિયને ઈઝરાયેલનું નામ બદલી પેલેસ્ટિના કરી નાખ્યું. આજનું પેલેસ્ટાઇન કે ફિલિસ્ટિન તેમાંથી ઉતરી આવેલો શબ્દ છે. ૧૩૨માં યહુદીઓએ ફરીથી બળવો કર્યો, દેશનું નામ ઈઝરાયેલ કરી નાખ્યું. (અને આપણે ત્યાં મોગલો અને અંગ્રેજોએ પાડેલાં સ્થળો, રસ્તાઓ, નગરો-દેશનાં નામો હજુ ચાલ્યાં આવે છે.) થોડાં જ વર્ષોમાં (૧૩૬ આસપાસ) ફરીથી રોમનો  વિજયી બન્યા. આ વખતે તેમણે યહુદીઓની એ માગણી માની કે નિરક્ષર યહુદીઓને નાત બહાર મૂકવામાં આવે. આથી ઘણા નિરક્ષર યહુદીઓ ખ્રિસ્તી બની ગયા!

ચોથી સદીની શરૂઆતમાં સમ્રાટ કૉન્સ્ટેન્ટિને કૉન્સ્ટેન્ટિનોપલને પૂર્વ રોમન સામ્રાજ્યની રાજધાની બનાવી અને ખ્રિસ્તી પંથને સામ્રાજ્યનો પંથ બનાવી દીધો. તેની માતા હેલેનાએ જેરુસલેમની યાત્રા કરી તે પછી જેરુસલેમ, જેનું નામ અગાઉ સમ્રાટ હેડ્રિયને એલિયા કેપિટોલિના કરી નાખ્યું હતું તેનું ફરી જેરુસલેમ નામ કરાયું. તેને ખ્રિસ્તી શહેર બનાવી દેવાયું. અગાઉના શાસકોએ ત્યાં યહુદીઓના આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો તે ચાલુ જ રહ્યો. ખ્રિસ્તી શાસકોએ અન્ય પંથો (પાગનિઝમ)ને નાબૂદ કરવા અગાઉના રોમન પરંપરાઓ અને તેનાં મંદિરોનો નાશ કર્યો. ચોથી સદીના અંત સુધીમાં જે પણ ખ્રિસ્તી સિવાયનો પંથ અનુસરતો હોય તેને મૃત્યુદંડ કરાતો અને તેની સંપત્તિ જપ્ત કરાતી. ૩૫૧-૩૫૨ આસપાસ યહુદીઓએ ફરી બળવો કર્યો. પરિણામે ૩૬૨માં છેલ્લા રોમન પાગન (ખ્રિસ્તી સિવાયના પંથના) સમ્રાટ જુલિયન ધ એપૉસ્ટેટે યહુદીઓનું મંદિર ફરી બનાવવા જાહેરાત કરી.

તે પછીના સમયમાં ફરીથી ખ્રિસ્તી ઉપાસક શાસકોનું પ્રભુત્વ વધ્યું. ખ્રિસ્તી સિવાય એક માત્ર યહુદી પંથ હતો જેને સહેવામાં આવતો હતો. (ભારતમાં તો અન્ય સંપ્રદાય-પંથને આદર હોય છે, તેને સહન નથી કરાતો, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી જો સહન કરે તો તેને પશ્ચિમમાં સહિષ્ણુતા-ટૉલરન્સ કહેવાતું. ભારતમાં અસહિષ્ણુતા શબ્દ ત્યાંથી આયાત કરાયેલો વિચાર છે.) જોકે યહુદીઓ પર તેમના મંદિરોમાં પૂજા નહીં કરવાં જેવાં નિયંત્રણો તો નખાયાં જ હતાં. (ભારત સિવાય દરેક દેશમાં રાજાશાહી કે લોકશાહી વખતે અન્ય પંથો પર આવાં નિયંત્રણો નખાય જ છે. ભારતમાં ઉલટું છે. અહીં હિન્દુઓ પર જ વિવિધ નિયંત્રણો મોગલશાહી-લોકશાહીમાં નખાતાં હોય છે.)

તે પછી આવે છે મુસ્લિમોનું આક્રમણ. મુસ્લિમોની માન્યતા પ્રમાણે મોહમ્મદ પયગંબરે તેમની છેલ્લી યાત્રા મક્કાથી અતિ દૂરની મસ્જિદ સુધી કરી હતી. તે મસ્જિદ એટલે અલ અક્સા મસ્જિદ. તે જેરુસલેમમાં આવેલી છે. સાતમી સદીમાં મુસ્લિમોએ ઈઝરાયેલને જીતી લીધું. આઠમી સદીમાં ઉમર ખલીફા દ્વિતીયએ અ-મુસ્લિમો માટે ઓળખ થાય તેવાં કપડાં પહેરવાનો ફતવો બહાર પાડ્યો. તે મુજબ યહુદીઓએ પીળો સિતારો હોય તેવાં ગળા આસપાસ કપડાં અને ટોપી પહેરવાં પડતાં હતાં. ખ્રિસ્તીઓએ ભૂરા રંગના સિતારાવાળાં કપડાં અને ટોપી પહેરવા પડતા હતા. ઇસ્લામિક શાસકોએ ભારતની જેમ ઈઝરાયેલમાં પણ અ-મુસ્લિમો પર વિશેષ વેરો નાખેલો. જો તે ન ભરી શકે તો તેમને જેલમાં જવું પડતું અને ઘણી વાર તો તેનાથી પણ આકરી સજા થતી. તેઓ વેરાની રસીદ ન બતાવે તો તેઓ બહારગામ પણ ન જઈ શકે. તેઓ પૂજાનાં સ્થળો ન બનાવી શકે અને જર્જરિત ઉપાસના સ્થાનોનું સમારકામ ન કરાવી શકે!

જોકે ૧૦૯૯માં પહેલું પંથયુદ્ધ (ક્રુસેડ અથવા જિહાદ) થઈ અને કેથોલિક ખ્રિસ્તીઓએ ઈઝરાયેલ પર કેથોલિક રાજ્ય સ્થાપ્યું. આ ખ્રિસ્તી લડવૈયાઓ બે જ વિકલ્પ રસ્તામાં આવતા લોકોને આપતા હતા- કાં ખ્રિસ્તી બનો અથવા મૃત્યુ પામો. યહુદીઓ આજે પણ આ લડાઈમાં (વટલાવવાના બદલે) માર્યા ગયેલા યહુદીઓની સ્મૃતિમાં પ્રાર્થના કરે છે. (હિન્દુઓ આવી કોઈ પ્રાર્થના કરે છે?) સોળમી સદીમાં તુર્કીનું ઑટોમન સામ્રાજ્ય આવેલું.

આમ, અનેક આક્રમણો અને વિદેશોમાં અત્યાચારો સહેતા આવેલા યહુદીઓમાં ૧૯મી સદીમાં ઈઝરાયેલ પાછા જવાનો દૃઢ સંકલ્પ જાગ્યો. પ્રાચીન ઇજિપ્તમાં યહુદીઓ દાસ બની ગયા હતા. તેઓ કઈ રીતે સ્વતંત્ર થયા તેની દર વર્ષે કથા કહેવાની એક પ્રથા છે જેને સેડર કહે છે. હિબ્રુ બાઇબલમાં આ કથા છે. આ કથા પેઢી દર પેઢી કહેવાય છે. યહુદીઓના પાસઑવર નામના તહેવારમાં જમણવાર થાય છે ત્યારે આ સેડર નામની પ્રથાનું પાલન થાય છે. (હિન્દુઓના તહેવારોની ઉજવણી આમ તો સેક્યુલરો-પર્યાવરણવાદીઓ અને મિડિયા ગૃહોએ મંદ જ કરી નાખી છે ત્યારે તહેવારો પર બીજું કંઈ નહીં તો, હિન્દુઓએ કેટલાં આક્રમણો પછી તેમનો ધર્મ બચાવી રાખ્યો તે તો દર વર્ષે કહેવાવું જ જોઈએ. શ્રી રામના રાવણ પર વિજયના દશેરાથી આ પ્રથા શરૂ કરી શકાય.) તેઓ ‘નેક્સટ યર ઇન જેરુસલેમ’ કહે છે. આથી ઈજિપ્તના સંદર્ભથી શરૂ થયેલી આ પ્રથા ૧૯મી સદીમાં દેશવિહોણા યહુદીઓને યાદ આવી. તેઓએ આ સંકલ્પ કર્યો કે આપણે ઈઝરાયેલ પાછા ફરીશું અને આપણો દેશ ફરીથી મેળવીશું.

અહીં એ વિચારવું જોઈએ કે મોગલો-અંગ્રેજોના આક્રમણોમાં તો હિન્દુઓ સહિત ભારતના લોકોએ આવો સંકલ્પ કરેલો પણ શું કાશ્મીરના, કૈરાના, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના હિન્દુઓ માટે આવો સંકલ્પ ન કરી શકાય? એના માટે દૃઢ ઈચ્છા શક્તિ જોઈએ. તેના માટે કોઈ સરકાર પર આધાર રાખીને બેસી રહેવાની જરૂર નથી. યાદ રહે કે તે સમયે યહુદીઓ પાસે તેમને સમર્થન આપે તેવી કોઈ સરકાર કે દેશ નહોતો. કોઈ નેતા નહોતો. જે એક વ્યક્તિ પર જ આધાર રાખીને બેસી રહે. ૧૮૯૬થી ૧૯૪૮ વચ્ચે ૯૦ ટકા યહુદીઓ તેમના ભોગવિલાસ, ઘર-બાર બધું છોડીને ઈઝરાયેલ પાછા આવ્યા. આરબો આ પચાવી ન શક્યા. બંને વચ્ચે સંઘર્ષ થયો. તે વખતે બ્રિટિશરોનું શાસન હતું. તેઓ આ હિંસાને કાબૂમાં ન કરી શક્યા. ભારતની જેમ તેમણે (એટલે કે તેમના આધિપત્યવાળા સંયુક્ત રાષ્ટ્રોએ) પણ ભાગલા પાડો અને રાજ કરો અથવા ભાગલા પાડો અને ભાગી જાવની નીતિ અપનાવી. તેમણે બે દેશ બનાવી દીધા. યહુદીઓએ તો ભારતના હિન્દુઓની જેમ આ યોજના સ્વીકારી લીધી પણ આરબ મુસ્લિમોએ તે ન સ્વીકારી. એ તો ઠીક, પણ મુસ્લિમ દેશો ઇજિપ્ત, જૉર્ડન, ઈરાક અને સિરિયાએ ઈઝરાયેલ સામે યુદ્ધ જાહેર કર્યું. (ભારતમાં પણ સ્વતંત્રતા પછી તરત જ પાકિસ્તાને કબાયલીઓના વેશમાં સૈનિકોને મોકલીને કાશ્મીર પર હુમલો કરી દીધો હતો.) ૧૪ મે ૧૯૪૮ના દિવસે જ હજુ તો પોતાનો દેશ પુનઃપ્રાપ્ત કરનાર ઈઝરાયેલ પર ઉપરોક્ત દેશોએ હુમલો કરી દીધો. નવા તાજા દેશના દેશભક્ત, વીર અને ચતુર જવાનોએ આટલા બધા દેશોના આક્રમણને હરાવી દીધું, એટલું જ નહીં પોતાને મળેલો પ્રદેશ વિસ્તારી દીધો. પેલેસ્ટાઇનમાં વસતા મુસ્લિમોને ત્યાંથી ભાગી જવું પડ્યું અને તેઓ શરણાર્થી બની ગયા.

આ યહુદીઓએ પછી પણ ઈઝરાયેલને કઈ રીતે ટકાવી રાખ્યું, ભારતમાં તો ૧૯૮૦ કે ૧૯૯૦ના દાયકામાં જન્મેલી પેઢી આજે ઇતિહાસ ભૂલી ગઈ છે અને જેમની જવાબદારી ઇતિહાસ જણાવવાની છે તે પણ ઇતિહાસને ભૂલીને આપણે મંદિર-મસ્જિદ માટે લડ્યા હતા, હૉસ્પિટલ માટે નહીં, આવા સંદેશાઓ કરતી થઈ ગઈ છે. આજે ૬૩ વર્ષ પછી ચાર પેઢી છતાં યહુદીઓમાં દેશભાવના અને લડાયક વૃત્તિ કઈ રીતે ટકી રહી છે અને અમેરિકા પર પણ તેણે કેવી રીતે પ્રભુત્વ જમાવેલું છે તેની વાત આગલા હપ્તે.

(ક્રમશ:)

લેખાંક-૨: ઈઝરાયેલ: બાપ બાપ હોતા હૈ!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment