Home » રાહુલ, ગ્રોસરી લેવા તો અમે પણ જઈએ છીએ

રાહુલ, ગ્રોસરી લેવા તો અમે પણ જઈએ છીએ

by Jaywant Pandya

આ રાહુલ દ્રવિડની ખરેખર ઈર્ષા આવે છે! માળો બેટો, ૩૯ વર્ષની ઉંમરે એક તો ગરીમાપૂર્ણ રીતે નિવૃત્તિ જાહેર કરે છે અને પાછો કહે છે, હવે હું ઘર માટે ગ્રોસરી લેવા જઈશ.

માત્ર ૧૬ વર્ષની નોકરી અને એમાં અધધ કમાણી અને હવે પોતાના કુટુંબ માટે સમય વિતાવશે. પત્રકાર તરીકે આ વાત ઈર્ષા કરાવે તેવી જ છે. ગામ આખાની બળતરા કરતા હોઈએ, પણ પત્રકારની બળતરા કોઈ કરતું નથી (સુખી પત્રકારો પણ નહીં). પત્રકારનું પોતાનું જ કેટલું શોષણ થાય છે? કેટલા કલાક પત્રકાર કામ કરે છે? ચોવીસ કલાક! પત્રકારની દશા જ્યારે તે નિવૃત્ત થાય છે ત્યારે ક્રિકેટર જેવી નહીં, હોકીના ખેલાડીઓ જેવી હોય છે, ફરક એટલો જ કે, હોકીના ખેલાડીઓની ખરાબ દશા વિશે છેવટે છાપામાંય આવે તો છે. હિન્દી ફિલ્મના કલાકાર હોય તો, વળી બીજા કલાકારોને ખબર પડે તો ફાળો ઉઘરાવીને મદદ તો કરાય છે. પત્રકાર તો એનાથી ય ગયો ગુજરો! (આમાં નીરા રાડિયા ટેપમાં સંડોવાયા હતા તેવા ‘સુખી’ પત્રકારો અપવાદ છે)

ભાઈ રાહુલ, ગ્રોસરી તો અમેય ખરીદીએ છીએ, પણ એ તો નોકરી કરતાં કરતાં. તારી જેમ એના માટે અમે નિવૃત્તિ જાહેર કરી શકતા નથી. અને નિવૃત્તિ જાહેર કરવી હોય તોય વિચાર પાછલી જિંદગીનો આવે.

તારે તો ઠીક છે. તેં ભલે સચીન કે ધોનીની જેમ જાહેરખબરમાંથી બહુ ન રળ્યું, પણ ક્રિકેટમાંથી તારે કમાણી તો ખરી ને. અમે ક્યાં જવાના? અને હા, તું તો હવે કોમેન્ટેટર, કટારલેખક કે પછી ટીવી ચેનલ પર વિશેષજ્ઞ તરીકે કે પછી પસંદગી સમિતિમાં સ્થાન પામીને પણ કમાણી ચાલુ રાખી શકવાનો. નિખિલ ચોપરા, સબા કરીમ જેવા ખેલાડીઓ, જેમણે દેશ માટે ખાસ કશું ન ઉકાળ્યું હોવા છતાં નિષ્ણાત તરીકે ભારતીય ટીમને સલાહો ફેંક્યે રાખતા હોય તો તું તો એના કરતાં ઘણો મહાન છો. તેં તો અણીના સમયે રમીને દેશની ટીમને મજબૂત સ્તંભ પૂરો પાડ્યો છે. અમને એ પણ વિશ્વાસ છે કે પસંદગી સમિતિમાં સ્થાન પામીને તું કંઈક સારી ટીમ તો પસંદ કરીશ જ.

અને હા, અમને એય ખાતરી છે કે આ ભારતની મેચો ફિક્સ થતી હોવાનું અઝહરના વખતથી ચાલ્યું આવે છે, પણ તું એમાં નહીં જ હો, તારી ઉપરની કમાણી ખાસ નહીં હોય, નહીં તો બીજા ખેલાડીઓની જેમ, અનેક વખત અણીના સમયે તું પણ વિકેટ ફેંકીને ચાલતો બન્યો હોત. અને હા, બુકીઓનો તું ફેવરિટ હોત તો હજુ પણ તું ટીમની અંદર જ હોત અને તને ચાલુ રાખવા માટે ધોનીથી માંડીને શ્રીકાંત સુધી બધા જ દબાણ કરતા હોત.

પણ એક વાતની તેં ખાતરી અપાવી દીધી છે કે પૃથ્વીનો છેડો ઘર અને છેવટે તો પુરુષે ઘરનાં જ કામો કરવાના છે. અને ઘણા સમયથી તારી પર દબાણ હશે કે હવે બહુ થયું, બહાર ફર ફર કરો છો, ક્યારેક ઘર માટે ખરીદી તો કરી જુઓ, મોંઘવારી કેટલી વધી છે, ખબર પડશે. બહાર મેદાન પર બહુ દોડ્યા, હવે ઘર માટે દોડી જુઓ તો ખબર પડે. વિકેટકીપિંગ કરીને બહુ રન બચાવ્યા, ઘર માટે પૈસા બચાવી જુઓ તો ખબર પડે….જેવા કેટલાય મહેણાં સાંભળીને જ તેં આમ અચાનક નિવૃત્તિ જાહેર કરી હશે. કદાચ, એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે તેમ નિવૃત્તિ જાહેર કરનાર પુરુષ પાછળેય એક સ્ત્રી જ હોય છે, તેવી નવી કહેવતનો તું પ્રેરણાસ્રોત બન તો નવાઈ ન પામીશ!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Prabhulal Bharadia 12/03/2012 - 6:23 PM

પ્રિય જયવંત ભાઈ પંડ્યા,
આપના લેખ પરથી એમજ લાગે છે કે પત્રકારો હજુ પણ ‘શકોરું’ રાખીને પોતાનું
કામકાજ કરે જાય છે!! તમે પણ ભલા માણસ, કેમ પત્રકારોની દયા ખાઓછો!!
આજે પત્રકારો ભલે મોટાપગારોમાં ના આળોટતા હોય પણ ખાધેપીધે સુખી તો
ખરા,આ જરા આડ વાત થઇ,મૂળ વાત પર આવતાં આપણાં ક્રિકેટના ખેલાડીઓની
બહુ કંઈ દયા ખાવાની જરુરુ નથી,આ બધાં એકજ ‘માઈના દીકરા’જેવા છે બોલે
કંઈ અને કરે કંઈ,આ રોગ ફક્ત હવે ‘રાજકારણીઓ’પુરતો નથી જેની પાસે બેફામ
પૈસા છે તે બધાં આવુજ કરતા હોય છે,તમેજ કેટલાક જુના ક્રિકેટરોના નામ આપ્યા છે
તે બધાંજ ‘શાહુકાર’ પણ નથી,કેટલાય કાવાદાવા કરીને ‘બિલ્લી જાત્રાએ’નીકળી છે!!
અરે જેને તમે ‘સેલેબ્રીટી’ ગણો છો જેમાંના બધાંજને ‘નામની સાથે દામ’પણ જોઈએ છે.
ટુકમાં કહીએ તો ‘છીડાં એટલા પડ્યા છે કે ગારાનું લીપણ’ ફાંકાને કામ આવે તેવું નથી.
તમે પણ એક વાસ્તવિક અને સ્પષ્ટ પત્રકાર છો પણ તમારી પણ કેટલીક મર્યાદા
હોય,આપ્ણે ત્યાં હજુ ગૂંડા,મવાલી અને ભ્રષ્ટ પોલીસો,અમલદારો રાજ કરે છે
આ લોકોની નજરમાંથી બચવાનું સાધારણ માણસ ગમે તેટલો સાચો હોય પણ
તેનું કંઈજ ચાલતું નથી.
રાહુલ દ્રવિડ ભલે અત્યારે આમ બોલે કે ‘અનાજ કરીયાણું’ઘર માટે લેવાનું અને
પોતાનાં છોકરાંઓને નિશાળે લેવા મુકવા જવાનું વિચારે પણ આ બધાં ‘સોજા’ છે.
બોલે કંઈ અને કરે કંઈ!!
લખીલો કે તે કોઈ બીજાજ વ્યવસાયમાં ગોઠવાઈ જવાનો.

Reply
» રાહુલ, ગ્રોસરી લેવા તો અમે પણ જઈએ છીએ » GujaratiLinks.com 16/03/2012 - 12:31 PM

[…] નોકરી અને એમાં અધધ કમાણી અને … Continue reading → Read, Think, […]

Reply

Leave a Comment