Home » રાજકીય પક્ષો ચૂંટણીમાં ખોટાં અને લોભામણાં વચનો આપતાં અટકશે?

રાજકીય પક્ષો ચૂંટણીમાં ખોટાં અને લોભામણાં વચનો આપતાં અટકશે?

by Jaywant Pandya

દિલ્હીમાં ચૂંટણીની મોસમ છે. આ કૉલમ તમે વાંચતા હશો ત્યારે પ્રચારને માત્ર બે દિવસ જ રહ્યા હશે. એક તરફ વાયદાની મોસમ છે અને બીજી બાજુ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં ૩૦ જાન્યુઆરીએ સરકારને કડક સૂચના આપી કે અમલ ન થઈ શકે તેવી યોજના જ ન બનાવો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય બનાવવા બાબતે આ ચુકાદો હતો. હકીકતે બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના હેઠળ ૪૪૩ હોસ્ટેલો બનાવવાની ધારણા હતી. આ યોજના ૨૦૦૮માં શરૂ થવાની હતી. જોકે, માત્ર ૨૨૭ હોસ્ટેલો જ બનાવી શકાઈ હતી. આ ઉપરાંત જે હોસ્ટેલો બનાવાઈ તેની સ્થિતિ પણ સંતોષજનક નહોતી.

અહીં તો વાત યોજનાઓની છે. પણ ચૂંટણી વાયદાઓનું શું?

ગત ફેબ્રુઆરીમાં ચૂંટણી પહેલાં એવા સમાચાર આવેલા કે ચૂંટણી પંચે એક માર્ગદર્શિકા તૈયાર કરી છે જે મુજબ રાજકીય પક્ષો ખોટાં કે ગેરમાર્ગે દોરે તેવાં વચનો આપી નહીં શકે. આ માર્ગદર્શિકા રાજ્યનાં તમામ ચૂંટણી પંચોને મોકલી દેવામાં આવી હતી. તેનો સમાવેશ આદર્શ આચાર સંહિતામાં કરવામાં આવ્યો હતો. માર્ગદર્શિકા પ્રમાણે, બંધારણના આદર્શો અને સિદ્ધાંતોની વિરુદ્ધ હોય તેવું કંઈ પણ ચૂંટણી ઢંઢેરામાં ન હોવું જોઈએ, તેમજ તે આદર્શ આચાર સંહિતાની અન્ય જોગવાઈઓની ભાવનાને અનુરૂપ હોવો જોઈએ. રાજકીય પક્ષોએ એવાં વચનો આપવાથી વેગળા રહેવું જોઈએ જેનાથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા દૂષિત થાય અથવા મતદારો પર અયોગ્ય પ્રભાવ પડે. પારદર્શિતા, બધા પક્ષોને સમાન તક મળે અને વચનોની વિશ્વસનીયતા જળવાય તે હેતુથી ચૂંટણી ઢંઢેરામાં વચનો પાછળ તર્ક હોવો જોઈએ અને તે વચનો કઈ રીતે પૂરાં કરાશે અને તેના માટે આર્થિક સંસાધનો કેવી રીતે પ્રાપ્ત કરાશે તેનો સંકેત હોવો જોઈએ.

ચૂંટણી પંચે પણ આ માર્ગદર્શિકા તેની મરજીથી નહોતી બનાવી, તેને તે તૈયાર કરવાની સર્વોચ્ચ અદાલતે ફરજ પાડી હતી. સર્વોચ્ચે ૬ જુલાઈ, ૨૦૧૩ના રોજ એક ચુકાદો આપતા કહ્યું હતું કે ચૂંટણી પંચ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરીને એક માર્ગદર્શિકા તૈયાર કરે જેથી રાજકીય પક્ષો મતદારોને લોભાવવા મફત યોજનાઓ જાહેર ન કરે.

રાજકીય પક્ષો વિવિધ પંથો અને વિવિધ જાતિઓને મત બૅંક ગણી તેમના માટે આવી મફત યોજનાઓ જાહેર કરતા હોય છે અને આ બધી યોજનાઓનો અમલ થતો હોય છે કરદાતાઓના પૈસે. સર્વોચ્ચે આવું અટકાવવા માટે અલગ કાયદાની પણ તરફેણ કરી હતી. ૨૦૦૬ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેએ મફત રંગીન ટીવી આપવાની જાહેરાત કરી હતી જેના માટે સરકારી તિજોરી પર રૂ.૭૫૦ કરોડનો ખર્ચ આવે તેમ હતો. તો એઆઈએડીએમકેએ ૨૦૧૧ની ચૂંટણીમાં મિક્સર, ગ્રાઇન્ડર, પંખા, લેપટોપ, ૪ ગ્રામ સોનાના ચેન આપવાનાં વચનો આપ્યાં હતાં અને કહેવાની જરૂર નથી કે ૨૦૦૬માં કરુણાનીધિના દ્રમુક અને ૨૦૧૧માં જયલલિતાના અન્નાદ્રમુકનો વિજય થયો હતો.

આની સામે સર્વોચ્ચમાં અરજીઓ થઈ હતી. જોકે, સર્વોચ્ચે એ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા ઢંઢેરામાં જે સંકલ્પો રજૂ કરાય તેને પ્રજાના પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૩ હેઠળ ભ્રષ્ટ વ્યવહાર ગણીને તેના માટે પક્ષોને સજા કરી શકાય નહીં.

જોકે, સર્વોચ્ચે માર્ગદર્શિકા આપવા જે નિર્દેશ આપ્યો તેનાથી સ્વાભાવિક જ ભાજપ અને કૉંગ્રેસ બંનેના ભવાં ઉંચકાયા હતા. જોકે એક વાત કબૂલવી પડે કે ડાબેરી પક્ષ સીપીઆઈએ ચુકાદાને આવકાર્યો હતો.

આમ છતાં, રાજકીય પક્ષોના મફત આપવાના વાયદાઓ પર કોઈ અંકુશ આવી શક્યો નથી. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પક્ષ, જે ગયા વખતે દિલ્હીમાં શાસક હતો, તેણે તેના ચૂંટણી ઢંઢેરામાં સસ્તી વીજળી, મફત વાઇ ફાઇ અને મહિલા સુરક્ષા દળનાં વચનો આપ્યાં છે. આ ઉપરાંત તે જનલોકપાલ લાવશે તેમ પણ તેણે કહ્યું છે. દર મહિને ૨૦ કિલો લિટર સુધી પાણી મફત આપશે તે વચન પુનરાવર્તિત કર્યું છે. હવે જનલોકપાલ ખરડો પસાર કરવાનું વચન આમ આદમી પક્ષે ગયા વર્ષે પણ આપેલું, તે જાણતા હોવા છતાં કે આ વિષય કેન્દ્રનો છે. તેણે તે ખરડો કેન્દ્રની મંજૂરી વગર રજૂ કર્યો જેના પર કૉંગ્રેસ અને ભાજપે ટૅક્નિકલી વાંધો ઉઠાવ્યો. એ ટૅક્નિકલ વાંધાને કેજરીવાલે એવી રજૂઆતનું રૂપ આપ્યું કે આ પક્ષોને લોકપાલ લાવવો જ નથી. વળી, એ સમયે કેન્દ્રની યુપીએ સરકાર પણ લોકપાલ ખરડો પસાર કરી રહી હતી, પરંતુ તેની સામે કેજરીવાલને વિરોધ હતો. કાયદામાં ઘણી વાર પાછળથી સુધારા કરી શકાય છે, પણ હઠે ભરાયેલા કેજરીવાલે તો આ બહાને રાજીનામું આપી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી દીધું અને કેન્દ્રમાં સરકાર બનાવવા ગયેલા કેજરીવાલે દિલ્હી પણ ખોયું. તેના એકેય ઉમેદવાર દિલ્હી લોકસભા બેઠકો પર વિજયી થયા નહીં.

ચૂંટણી વચનો આપવામાં કૉંગ્રેસ પણ શૂરી છે. તેણે ૨૦૦૯માં વચન આપ્યું હતું કે માત્ર ૧૦૦ દિવસમાં જ તે મોંઘવારીને કાબૂમાં લાવી દેશે. મોંઘવારી કાબૂમાં તો ન આવી, ઉલટાની એટલી વધી ગઈ કે પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ. કૉંગ્રેસના કેન્દ્રીય પ્રધાનો અને યુપીએ સરકારના સાથી પક્ષોના નેતાઓના દાઝ્યા પર ડામ દેતા હોય તેવાં નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું, જેને યાદ અપાવીને નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં બરાબર ફાયદો ઉઠાવ્યો.

એક અખબારે સંસદીય બાબતોના મંત્રાલયને કરેલી આરટીઆઈ અરજીના જવાબમાં મળેલી માહિતી મુજબ, યુપીએ સરકાર ૧૦ વર્ષના શાસન દરમિયાન ૧,૦૨૪ વખત તેના વચનથી ફરી ગઈ હતી! અને આ વચનો તેણે સંસદને આપ્યાં હતાં! પ્રજાને આપેલા વચન કરતાંય સંસદને આપેલાં વચનો વધુ મહત્ત્વનાં ગણાય છે!

કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ૨૦૦૯માં લઘુમતી મહિલાઓના નેતૃત્વ વિકાસનું વચન આપ્યું હતું અને તે માટે જાન્યુઆરી, ૨૦૧૦માં એક યોજના પણ જોરશોરથી ચાલુ કરાઈ હતી, પરંતુ તેના માટે (વર્ષ ૨૦૧૨ના અહેવાલ મુજબ) એક પૈસો પણ ખર્ચાયો નહોતો. આ જ રીતે મહિલા આરક્ષણ માટે પણ વચન આપ્યું હતું, પરંતુ તેને કૉંગ્રેસના સાથી પક્ષો મુલાયમના સમાજવાદી પક્ષે પસાર થવા દીધું નહોતું. સરકાર મુલાયમને નારાજ કરી શકે તેમ નહોતી કારણકે તો સરકાર તૂટી પડે તેમ હતી. આ જ રીતે ખાદ્ય સુરક્ષા ખરડો છેક સુધી અદ્ધરતાલ રખાયો, પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યારે તેને પસાર કરી દેવાયો. તત્કાલીન વડા પ્રધાન મનમોહન અને નાણા પ્રધાન ચિદમ્બરમે એમ કહીને સૂરજકુંડમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં હાથ અદ્ધર કરી નાખ્યા હતા કે જ્યાં સુધી વિકાસ દર વધે નહીં, નાણા ખાધ ઘટે નહીં અને રાજકીય સર્વસંમતિ ન મળે ત્યાં સુધી આ ખરડો શક્ય નથી.

જોકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પણ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની રેલીઓમાં વચનો આપવામાં કોઈ બાકી રાખ્યું નહોતું. એ પહેલાં ગુજરાતમાં ૨૦૧૨ની ચૂંટણીનો ઉલ્લેખ પણ કરી લઈએ. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ૨૦૦૭ની ચૂંટણીમાં મોદીએ અલગ-અલગ દસ વચનો આપ્યાં હતાં જે ૨૦૧૨ સુધી પૂરાં કર્યાં નહોતા. આમાંનું એક એ હતું કે સરદાર સરોવર યોજના વર્ષ ૨૦૧૦ સુધીમાં પૂરી થઈ જશે, જે થઈ નહી. ગૃહવિહોણા લોકો માટે દર વર્ષે ૨ લાખ ઘર બનાવવાનું વચન આપેલું, જેની સામે દર વર્ષે માત્ર ૧૦,૦૦૦ ઘરો જ બનેલા. આ જ રીતે ૨૦૦૩થી અમદાવાદમાં મેટ્રોની વાત ચાલતી હતી, જે ગત રેલ બજેટમાં મંજૂર થઈ.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ અને બાબા રામદેવે (મોદી માટે મત માગતા)  કહેલું કે ૧૦૦ દિવસમાં વિદેશોમાં રહેલાં કાળાં નાણાં પાછા લઈ આવશું. મોદીએ તો ત્યાં સુધી આંબલીપીપળી દેખાડી હતી કે વિદેશથી કાળું નાણું આવશે એટલે દરેક ગરીબના ખાતામાં રૂ. ૩ લાખ આવી જશે. આ મુદ્દે સર્વોચ્ચનો આદેશ હતો એટલે વિશેષ તપાસ ટુકડી એટલે કે સિટની રચના તો કરી નાખી, પરંતુ કોનાં કાળાં નાણાં છે તેનાં નામ આપવામાં ઠાગાઠૈયા છે. ૬૨૭ ભારતીયોનાં ખાતાં હોવાની વાત સામે જાહેર થયાં માત્ર ત્રણ નામો જ. અને ‘સિટ’ના રિપોર્ટ મુજબ, ૬૦૦ પૈકી અડધાથી વધુ લોકોનાં ખાતાં ખાલી છે એટલે કે તેમણે નાણાં ઉપાડી લીધાં છે. કાળાં નાણાં પર સર્વોચ્ચે પણ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને એમ કહીને ખખડાવી હતી કે મોદી સરકાર કાળાં નાણાં ધરાવનારાઓને છાવરવા માગે છે અને તેથી નામ જાહેર કરતી નથી.

અને એમ રખે માનતા કે ખોટાં વચનો આપવામાં માત્ર આમ આદમી પક્ષ, કૉંગ્રેસ, ભાજપ, દ્રમુક અને અન્નાદ્રમુક જ શૂરા છે. તમામ રાજકીય પક્ષો આ બાબતે એક જ પાટલીએ બેસનારા છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે રાજકીય પક્ષો આરટીઆઈ હેઠળ પણ આવવા તૈયાર નથી તો ખોટાં વચનો આપવામાંથી ઊંચા કેમ આવે? આ અંગે ચૂંટણી પંચની માર્ગદર્શિકા છે, પરંતુ ચૂંટણી પંચે ખોટાં વચનો સંદર્ભે ૨૦૧૪ની ચૂંટણીમાં કોઈ અસરકારક ભૂમિકા ભજવી હોય તેમ જણાતું નથી. ભવિષ્યમાં કોઈ ટી.એન.શેષાન જેવા ચૂંટણી કમિશનર આવે ને રાજકીય પક્ષોને લોભામણાં વાયદા કરાવતા અટકાવે તેવી આશા રાખવી રહી. સામે પક્ષે એક માગણી એવી પણ છે કે જેમ ગ્રાહકોની સુરક્ષા માટે કાયદા છે અને જો કંપની ઉત્પાદન અંગે આપેલાં વચનો ન નિભાવે તો તેની સામે કોર્ટમાં જઈ શકાય છે તેમ જો સરકાર વચન પૂરા ન કરે તો તેની સામે કાયદેસર પગલાં લઈ શકાતા હોવા જોઈએ.  બીજી તરફ, મતદારોએ પણ જાગૃતિ કેળવીને આવા લોભામણાં વચનોની માયાજાળમાંથી આવવા દૂર રહેવાની જરૂર છે.

(‘ગુજરાત ગાર્ડિયન’ની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૪/૨/૧૫ના રોજ આ લેખ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment